તમારા માટે, તમારી સાથે, સતત…

સપનું સિત્તેર વરસનું યોજના સાત દિવસની

પ્લાન એટલો સિક્રેટ હતો કે લોકોને શું થશે તેની ગંધ સુદ્ધાં ન આવી.

0 386
  • કવર સ્ટોરી – હિંમત કાતરિયા

દરેક ચૂંટણીમાં ભાજપ પોતાના ઘોષણાપત્રમાં વાયદો કરતું હતું કે તે કલમ ૩૭૦ને કાશ્મીરમાંથી હટાવશે, પરંતુ આ દિશામાં ખાસ કામ થયું નથી એવું સૌને લાગતું હતું. મોદી ૨.૦ સરકાર બની અને અમિત શાહે ગૃહ મંત્રી પદ સંભાળ્યા બાદ આ વિષયમાં હલચલ તેજ થઈ અને છેલ્લા ૧૦ દિવસમાં એજન્ડા મિશન મોડમાં આવી ગયો. આ એક ટૉપ સિક્રેટ મિશન હતું. અમિત શાહે ૫ ઑગસ્ટે રાજ્યસભામાં કલમ ૩૭૦ને હટાવવાની જાહેરાત કરી તેની થોડી મિનિટો પહેલાં સુધી કોઈને ખબર નહોતી કે શું થવાનું છે?

૨૭ જુલાઈ અને ૫ ઑગસ્ટ વચ્ચેની ગતિવિધિઓને જોતાં આખો મામલો સમજાશે. અમરનાથના યાત્રિકોની સુરક્ષા માટે ભારે માત્રામાં ૪૦૦૦૦ સુરક્ષા જવાનોને તહેનાત કરવામાં આવ્યા હતા. એવામાં ૨૭ જુલાઈએ કેન્દ્રએ ૧૦ હજાર વધુ અર્ધસૈનિક બળને જમ્મુ-કાશ્મીરમાં મોકલ્યું. ત્યાર બાદ ૧ ઑગસ્ટે ૨૮ હજાર વધારાના જવાનોનો ખડકલો કરવામાં આવ્યો. સુરક્ષાને ધ્યાનમાં રાખીને શ્રીનગરમાં સીઆરપીએફની ૧૫, પુલવામા અને સોપોરમાં ૧૦-૧૦ અને બાકીના ૧૦ જિલ્લાઓમાં ૫-૫ કંપનીઓ ખડકી દેવામાં આવી. કંઈક મોટું થવાનું છે એવી ભીતિ ભાળી ગયેલા ઓમર અબ્દુલ્લા વડાપ્રધાનને મળવા દોડી ગયા. લોકો આટલા જંગી સુરક્ષા કાફલાનું કારણ સમજે એ પહેલાં જ બીજા દિવસે સમાચાર આવે છે કે જમ્મુ-કાશ્મીરમાં એમ-૨૪ એસોલ્ટ રાઇફલ અને સુરંગ મળી આવી છે. આતંકવાદી હુમલાની આશંકાને પગલે અમરનાથ યાત્રિકોને તુરંત પાછા ફરવાના આદેશો આપી દેવામાં આવે છે. પ્રવાસીઓ કાશ્મીર છોડવા લાગ્યા. હોટલો ખાલી કરાવવામાં આવી. લોકો રાશન-પાણીનો અનામત જથ્થો ખરીદવા લાગ્યા. આ ઉકળાટમાં મહબુબા-અબ્દુલ્લા જેવા નેતાઓ રાજ્યપાલ સતપાલ સિંહને પૂછવા લાગ્યા કે આખરે ચાલી શું રહ્યંુ છે. પૂર્વ મુખ્યમંત્રીઓ મહબુબા મુફ્તી અને ઉમર અબ્દુલ્લા પૂછવા લાગ્યા કે કેન્દ્ર સરકાર અત્યારે કયા નવા નિર્ણયની તૈયારી કરી રહી છે, કમસે કમ સ્થિતિ તો સ્પષ્ટ કરો. કેન્દ્ર સરકારે કોઈ સવાલને મહત્ત્વ ન આપ્યું, કારણ કે ગૃહમંત્રીએ તો આની તૈયારી ૧ જૂને પદભાર સંભાળતાની સાથે કરી લીધી હતી. જમ્મુ-કાશ્મીરના નેતાઓને કોડીની કિંમતના ગણીને અવગણવામાં આવ્યા. ખુદ રાજ્યપાલ સતપાલ સિંહ પણ કહેવા લાગે છે કે તેમને કોઈ પણ પ્રકારની કોઈ જાણકારી જ નથી, ન તો વડાપ્રધાન કે રાષ્ટ્રપતિએ તેમને કશું કહ્યંુ છે. ૩ ઑગસ્ટે અમરનાથ યાત્રા અટકાવી દેવાની એડવાઇઝરી બહાર પાડવામાં આવી અને ૬૨૦૦થી વધુ પ્રવાસીઓને કાશ્મીરમાંથી બહાર કાઢવામાં આવ્યા. ઉમર અબ્દુલ્લા રાજ્યપાલને મળ્યા. ૪ ઑગસ્ટે ઇરફાન પઠાણ સહિતના ૧૦૦થી વધુ ક્રિકેટરને જમ્મુ-કાશ્મીરમાંથી બહાર નીકળી જવા કહ્યું. યુનિવર્સિટીની પરીક્ષાઓ રદ્દ કરવામાં આવી. હોસ્ટેલો ખાલી કરાવવામાં આવી. ઉમર અબ્દુલ્લા, મહબુબા મફ્તી અને સજ્જાદ લોનને નજર કેદ કરી દેવામાં આવ્યા. ઇન્ટરનેટ અને મોબાઇલ સેવાઓ સસ્પેન્ડ કરી દેવામાં આવી અને કલમ ૧૪૪ લાગુ પાડી દેવામાં આવી. જમ્મુ-કાશ્મીર વિધાનસભા ઉપરથી કાશ્મીરનો અલગ લાલ ઝંડો ઉતારી લેવામાં આવ્યો અને તિરંગો લહેરાવવામાં આવ્યો. જોકે તિરંગો લહેરાવવાની આ ગતિવિધિની જાણ બહુ ઓછાને હતી, પરંતુ સવારે પાંચ ઑગસ્ટે ગૃહ મંત્રીએ રાજ્યસભામાં કલમ ૩૭૦ હટાવવાના નિર્ણયની જાણ કરી અને તેને રાષ્ટ્રપતિની મંજૂરી પણ મળી ગઈ. એ સાથે જ હવે દેશમાં એક વિધાન, એક પ્રધાન અને એક નિશાન હશે.

છેલ્લા થોડાક દિવસથી કાશ્મીર સહિત આખા દેશમાં ગરમાગરમી હતી. ભાતભાતની ચર્ચાઓ થઈ રહી હતી. કાશ્મીર ખીણના નેતાઓનો વારંવાર એક જ સવાલ હતો…આખરે શું થવા જઈ રહ્યંુ છે? શું થવાનું છે એની પુરી જાણકારી તો માત્ર સરકારમાં બેઠેલા ત્રણ જ જાણતા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ. નરેન્દ્ર મોદી અને અમિત શાહના સિક્રેટ પ્લાનને પડદા પાછળથી હકીકતનું સ્વરૃપ આપી રહ્યા હતા અજિત ડોભાલ.

અજિત ડોભાલ પોતાનો પ્લાન પાર પાડી દે ત્યારે જ તેના પ્લાનની ખબર પડે છે. એક સિક્રેટ મિશન હેઠળ અજિત ડોભાલ ગત ૨૪ અને ૨૫ જુલાઈની બે દિવસ માટે શ્રીનગર પહોંચ્યા હતા. શ્રીનગરમાં તેમણે સુરક્ષા અને જાસૂસી સંસ્થાઓના ટોચના અધિકારીઓ સાથે અલગ-અલગ બેઠકો કરીને ખીણમાં વર્તમાન પરિસ્થિતિ અને સુરક્ષા વ્યવસ્થાની જાણકારી મેળવી હતી. પ્રવાસને ટૉપ સિક્રેટ રાખવામાં આવ્યો હતો અને શ્રીનગર પહોંચવાના થોડા સમય પહેલાં જ સંબંધિત અધિકારીઓને જાણકારી આપીને બેઠક અંગે બતાવવામાં આવ્યું હતું. ડોભાલ રાજ્યપાલના સલાહકાર વિજયકુમાર, મુખ્ય સચિવ બીવીઆર સુબ્રમણ્યમ, ડીજીપી દિલબાગ સિંહ, આઇજી એસપી પાણીને મળ્યા હતા. ડોભાલ સાથે દિલ્હીથી આઈબીના એક અધિકારી પણ ગયા હતા. પ્લાન એટલો સિક્રેટ હતો કે લોકોને શું થશે તેની ગંધ સુદ્ધાં ન આવી. જમ્મુ-કાશ્મીરના રાજકીય પક્ષોની બેચેની વધી ગઈ. એક વાત લગભગ સ્પષ્ટ હતી કે અમરનાથ યાત્રાની સમાપ્તિનો મતલબ સરકારે કોઈ મોટો પ્લાન બનાવી રાખ્યો છે. ડોભાલે બાબા બર્ફાનીનાં દર્શન પણ કર્યા હતા. તેમણે કદાચ સિક્રેટ પ્લાન પાર પાડવાનું અમરનાથ બાબા પાસે વરદાન માગ્યંુ હશે.

Related Posts
1 of 262

જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦ હટાવવાની પુરી પ્રક્રિયા ૨૭ જુલાઈથી ૫ ઑગસ્ટ વચ્ચે થઈ હતી, પરંતુ પટકથા બહુ પહેલાં લખાઈ ચૂકી હતી. કેટલાક લોકો કાશ્મીરમાં પીડીપી સાથે ગઠબંધન સરકાર બનાવવા બદલ નરેન્દ્ર મોદી સરકારને કોસે છે અને આ નિર્ણયને મોદીની મોટી ભૂલ તરીકે ગણાવે છે. વાસ્તવમાં જમ્મુ-કાશ્મીરમાં સત્તામાં ભાગીદાર થવાથી મોદી સરકારને આખા રાજ્યની અંદરની સ્થિતિનો એક્સ-રે મેળવવામાં મદદ મળી હતી. આ બીમાર રાજ્યમાં સડો ક્યાં પેઠો છે અને તેને કેવી રીતે દૂર કરવો તેની સ્પષ્ટ રૃપરેખા મુફતી સરકાર સાથે સત્તામાં બેસવાના કારણે મળી હતી. ભાજપ-પીડીપી ગઠબંધન સરકારના શપથગ્રહણ સમારોહનો વીડિયો ધ્યાનથી જોશો તો ઘણુ સ્પષ્ટ થઈ જશે. પીડીપીના નેતા સ્વ. મુફ્તી મહમ્મદ સૈયદ મુખ્યમંત્રી પદની શપથ લઈ રહ્યા હતા ત્યારે કાશ્મીરમાં ભાજપની સરકાર બનાવવાનું સપનું સાકાર કરનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે મેજ પર તિરંગાની બાજુમાં મુકેલા કાશ્મીરના અલગ લાલ ઝંડા સામે બેચેનીભરી નજરે તાકી રહ્યા છે. જાણે કે પ્રણ લઈ રહ્યા હોય કે આ લાલ ઝંડો હટાવીને તેની જગ્યાએ તિરંગો લહેરાવીશ ત્યારે જ મને શાંતિ મળશે. મુફ્તી મહમ્મદના મૃત્યુ બાદ મુખ્યમંત્રી બનેલી મહેબુબા મુફતી સાથે ભાજપને ન ફાવ્યું અને ગઠબંધન તૂટ્યું, કારણ કે પાકિસ્તાન તરફી મહેબુબા વાતવાતમાં પાકિસ્તાન સાથે વાતચીત કરવાની સલાહ આપતા હતા. ૨૦ જૂન, ૨૦૧૮ના રોજ જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગ્યું અને ૨૦૧૯માં મોદી સરકાર વધુ તાકાત સાથે સત્તામાં આવી એ સાથે મોદી સરકારે રણનીતિ બદલી.

હવે મિશન કાશ્મીર મોદી સરકાર માટે નંબર-૧ પર હતું. કલમ ૩૭૦ હટાવવા માટે બાકીની કસર અમિત શાહને ગૃહ મંત્રી બનાવીને પુરી કરવામાં આવી. ૧ જૂને અમિત શાહે ગૃહ મંત્રાલય સંભાળ્યું તેના બરાબર ત્રણ દિવસ બાદ એટલે કે ૪ જૂને અમિત શાહે ગૃહ સચિવ રાજીવ ગૌબા, અધિક સચિવ(કાશ્મીર) જ્ઞાનેશ કુમાર સહિતના અનેક અધિકારીઓ સાથે મિટિંગ યોજી. આ મિટિંગ દરમિયાન કાશ્મીરના અનેક મુદ્દે ચર્ચા થઈ. તેના બે દિવસ બાદ એટલે કે ૬ જૂને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દાઓ ઉપર અમિત શાહે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને ગૃહ સચિવ રાજીવ ગૌબા સાથે એક બેઠક કરી. અર્થાત કે ૬ દિવસમાં બે બેઠક. ૩ જુલાઈએ જમ્મુ-કાશ્મીરમાં છ મહિના માટે રાષ્ટ્રપતિ શાસનના કાર્યકાળને વધારીને પણ એ નક્કી કરવામાં આવ્યું કે મોદી-શાહે જમ્મુ-કાશ્મીર માટે કંઈક વિચારી રાખ્યંુ છે. શપથના ૨૦ દિવસ બાદ શ્રીનગર મુલાકાતે ગયેલા શાહે સ્પષ્ટ કહ્યંુ કે મોદી સરકાર અલગાવવાદીઓ સાથે નરમાશપૂર્વક નહીં વર્તે.

સૂત્રો પ્રમાણે, કલમ ૩૭૦ હટાવવાની યોજના ૪ ભાગમાં વહેંચવામાં આવી હતી. સંવૈધાનિક મામલાની જવાબદારી ખુદ વડાપ્રધાને સંભાળી હતી. બાદમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ અને કેબિનેટને જાણ કરવાની જવાબદારી વધાપ્રધાન પાસે હતી. આ બીલને રજૂ કર્યા બાદ અનેક પ્રકારે રાજકીય હલચલો થશે એ અંદાજ સાથે તેના ઉકેલની પણ સંપૂર્ણ તૈયારી કરવામાં આવી હતી. એ માટે ઓલ પાર્ટી મિટિંગની ધુરા ખુદ ગૃહ મંત્રી અમિત શાહે સંભાળી. ત્યાર બાદ યોજના પ્રમાણે રાજ્યોને કેન્દ્ર તરફથી એક એડવાઇઝરી મોકલવામાં આવી. જેથી આ મોટા નિર્ણય બાદ કોઈ પણ પ્રકારની ગરબડ ન થાય.

૫ ઑગસ્ટના એ ઑગસ્ટ ક્રાંતિ દિવસે રાજધાની દિલ્હીમાં સવારથી બેઠકોનો દૌર ચાલુ થઈ ગયો હતો. કેબિનેટ બેઠક પહેલાં અમિત શાહ કાનૂન મંત્રી રવિશંકર પ્રસાદને મળ્યા. ત્યાર બાદ તેઓ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સાથે વડાપ્રધાન નિવાસસ્થાને પહોંચ્યા. આ મુલાકાત લગભગ ૨૦ મિનિટ ચાલી. ત્યાર બાદ વડાપ્રધાને ટોચના ૪ કેબિનેટ મંત્રીઓ ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ, વિદેશમંત્રી એસ. જયશંકર અને નાણામંત્રી નિર્મલા સિતારમન સાથેની સુરક્ષા સમિતિની બેઠક બોલાવી. આ બેઠકમાં સુરક્ષા એડવાઇઝર બહાર પાડવાનો નિર્ણય લેવાયો. રાજ્યોને આદેશ અપાયો કે સુરક્ષા મામલે સાવધ રહે. ત્યાર બાદ કેબિનેટની બેઠક મળી. અમિત શાહે સંસદમાં આ જાહેરાત કરી ત્યાં સુધી કેન્દ્ર સરકારના મોટા મંત્રીઓ સાથી પક્ષોના મંત્રીઓ સુદ્ધાંને સરકારનાં આ પગલાંની જાણ નહોતી. કેબિનેટની બેઠક બાદ ગૃહમંત્રી અમિત શાહ સંસદ પહોંચ્યા તો પત્રકારોના સવાલ જમ્મુ-કાશ્મીરને લઈને હતા, પરંતુ અમિત શાહે કોઈ જવાબ ન આપ્યો અને હસીને સંસદભવનમાં દાખલ થઈ ગયા અને રાજ્યસભામાં ઘોષણા કરી કે…રાષ્ટ્રપતિ સંસદ કી સિફારિશ પર યે ઘોષણા કરતે હે કિ યહ દિનાંક જીસ દિન ભારત કે રાષ્ટ્રપતિ દ્વારા ઇસ ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કિયે જાયેંગે ઔર ઇસે એક સરકારી ગેઝેટ મેં પ્રકાશિત કિયા જાયેગા ઉસ દિન સે અનુચ્છેદ ૩૭૦ કે સભી ખંડ લાગુ નહીં હોંગે, સિવા ખંડ ૧ કે…. અને ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુને યાદ કરતા અમિત શાહે કહ્યું કે, જવાહર લાલજીને યે કહા થા કિ ચિંતા મત કરો યહ એક ટેમ્પરરી પ્રોવિઝન હૈ ઘિસતે ઘિસતે ઘિસ જાયેગા અને ટોણો માર્યો કે ટેમ્પરરી પ્રોવિઝન કો દૂર હોને મેં ૭૦ સાલ લગતે હૈ ક્યા..?

————————————-

Leave A Reply

Your email address will not be published.

Translate »