તમારા માટે, તમારી સાથે, સતત…

આઝાદી માટેનું પ્રથમ  બલિદાન ડૉ. મુખરજીનું

શેખ અબ્દુલ્લા કાશ્મીર-પ્રશ્નના રાજકીય ખલનાયક રહ્યા.

0 614
  • કવર સ્ટોરી – વિષ્ણુ પંડ્યા

૧૯૫૨માં ડિસેમ્બરના છેલ્લા દિવસને, ૨૦૧૯ની પાંચમી ઑગસ્ટ સાથે કોઈ સંબંધ ખરો? હા. ભારતીય રાજકારણમાં સા-વ નવા નિશાળિયાજેવા પક્ષ ભારતીય જનસંઘનું કાનપુરમાં અધિવેશન યોજાયું હતું. જાહેર જીવનમાં ચળકતા-ચમકતા કરિશ્માઈ ચહેરા કોઈ ક્યાંથી હોય? બલરાજ મધોક, પંડિત દીનદયાળ ઉપાધ્યાય, સુંદરસિંહ ભાંડારી, અટલબિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી, પંડિત પ્રેમનાથ ડોગરા, બચ્છરાજ વ્યાસ… સંઘમાં જાણીતા  પ્રચારકો, પણ દેશની નહેરુ-છાયેલી રાજનીતિમાં?

હા. મંચના અધ્યક્ષસ્થાને બેઠા હતા, ડૉ. શ્યામા પ્રસાદ મુખરજી. ‘બંગાળના સિંહ’; હિન્દુ મહાસભાના પૂર્વ પ્રમુખ, કોલકાતા યુનિવર્સિટીના કુલપતિ, ‘આખું બંગાળ અને અસમ પૂર્વ પાકિસ્તાનમાં જાય તેની સાથે ઐતિહાસિક સંઘર્ષ કરનારા નેતા, હિન્દુ શરણાર્થીઓના જન-નાયક, ગાંધીજીના પ્રિય (‘તમે કોંગ્રેસના હિન્દુ-જનનેતાની સાથે રહેજો. મદનમોહન માલવિયા પછી તમે જ ખરા હિન્દુ-હિત-નેતા છો’ આ શબ્દો – ગાંધીજીના હતા.)

જવાહરલાલ તેમના નેતૃત્વથી માનસિક રીતે ભયગ્રંથિ ધરાવે, જનસંઘ સ્થપાયો એટલે તુરત નહેરુજીએ કહ્યું, ‘આ કોમવાદી પક્ષ છે. આરએસએસનું અવૈધ સંતાન છે.’ આ પક્ષનું કાનપુરનું અધિવેશન. તેમાં ડૉ. શ્યામા પ્રસાદે બુલંદ અને દૃઢ અવાજે ઘોષણા કરી. ‘કાશ્મીરનો એક તૃતીયાંશ ભાગ શત્રુના હાથમાં છે. આ સરકાર તેને મુક્ત કરાવી શકી નથી. કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે…’ કાશ્મીરમાં અને સર્વત્ર ‘એક ધ્વજ, એક વિધાન, એક સંવિધાન’ એ આપણુ લક્ષ્ય છે.

જે જનસંઘ હતો તે સમયે, તે જ પછીથી ભારતીય જનતા પક્ષ બન્યો. આ જ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગૃહપ્રધાન અમિત શાહે રાજ્યસભા-લોકસભામાં કલમ ૩૭૦ અને ૩૫-એને સમાપ્ત કરવાનો સંકલ્પ ૫ ઑગસ્ટ, ૨૦૧૯ની બપોરે ઘોષિત કર્યો, તેનાં મૂળિયાં ૬૭ વર્ષ પૂર્વના કાનપુર-અધિવેશનમાં પડ્યાં છે તેની કોને ખબર હશે?

ખબર હોય કે ના હોય. હવે તે તવારીખનો અભ્યાસ કરીને આગળ વધવું જોઈએ. યોગાનુંયોગ મારી પાસે કેન્દ્ર સરકારના માહિતી-પ્રસારણ વિભાગે (જેમાં અત્યારે પણ અમદાવાદથી અન્યત્ર ડાબેરીઓનો પ્રદૂષિત દબદબો છે એવી ફરિયાદ આવવા માંડી છે.) એક સરસ કામ કર્યું હતું – શ્યામાબાબુની દસ્તાવેજી ફિલ્મ બનાવવાનું. તેના નિર્માતા આપણા ગુજરાતમાં ઉદ્ઘોષક તરીકે જાણીતા ગાયત્રી જોશી હતાં. તેમણે ભારતીય સંસદ, પંડિત દીનદયાળ ઉપાધ્યાય વગેરેની દસ્તાવેજી ફિલ્મો બનાવી હતી. ગુજરાતને તેમની અટલજી વિશેની ‘મેરી અનુભૂતિ’ (કાવ્યમાત્રા)નું સ્મરણ હશે. મોટા સભાખંડમાં તેની પ્રસ્તુતિ થઈ હતી.

અમેરિકા – નિવાસી ગાયત્રી જોશીની શ્યામા પ્રસાદ પરની ડોક્યુમેન્ટરી ઘણી બધી રીતે મહત્ત્વની છે, તથ્યો પર આધારિત છે. એક ઉત્તમ નિર્માતાએ કેવી-કેટલી મહેનત અને જહેમત ઉઠાવવી પડે છે, ચરિત્ર-નાયકને સંપૂર્ણ રીતે પ્રસ્તુત કરવામાં, તેને માટે નિર્માતાઓએ આ ફિલ્મ નિહાળવા જેવી છે.

કેવી હતી, ભારતની એકતા-કાશ્મીરના સંપૂર્ણ વિલીનીકરણ અને તેમાં અવરોધરૃપ તમામ બંધારણીય જોગવાઈઓની નાબૂદી – માટે શ્યામા પ્રસાદની બલિદાન યાત્રા? જેનો અંત શ્રીનગરની જેલમાં રહસ્યમય મૃત્યુ સુધીનો રહ્યો તે આપણા દેશની સ્વાધીનતા પછીની સમસ્યાનો પહેલો રક્તરંજિત પડાવ હતો. ગાયત્રી જોશીની ડૉ.મુખરજી પરની ડોક્યુમેન્ટરી, બલરાજ મધોક અને અન્ય બંગ-લેખકોએ લખેલા બૃહદ્ જીવનમાં તે વિગતો મળી રહે છે.

Related Posts
1 of 269

શેખ અબ્દુલ્લા કાશ્મીર-પ્રશ્નના રાજકીય ખલનાયક રહ્યા. ૧૯૩૧માં તેમણે ‘મુસ્લિમ કોન્ફરન્સ’ની સ્થાપના કરી અને ૧૯૪૭માં તેને ‘નેશનલ’ નામ આપ્યું, પણ તેમાં ઍન્ટિ-નેશનલ પડછાયો કાયમ રહ્યો છે. કાશ્મીરને ભારતના અખંડ પ્રદેશ તરીકે માનતી પ્રજા પરિષદ (જેના અધ્યક્ષ પંડિત પ્રેમનાથ ડોગરા હતા)ને પ્રથમ ચૂંટણીમાં શેખે તમામ ઉમેદવારોને ગેરકાયદે જાહેર કરી દીધા, નામાંકનપત્ર રદ કર્યાં. રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદને પ્રજા પરિષદે આપેલા આવેદનમાં કહ્યું હતું કે અમારે ત્રિરંગો રાષ્ટ્રધ્વજ જોઈએ, કાશ્મીરનો અલગ ધ્વજ નહીં, અલગ બંધારણ પણ નહીં. ઑગસ્ટ, ૧૯૫૨માં ડૉ. મુખરજી કાશ્મીર ગયા અને ઘોષણા કરી. હું વિધાન લઈશ અથવા બલિદાન આપીશ. કાશ્મીરમાં આવી માગણી કરનારાઓ પર અબ્દુલ્લા સરકારે લાઠી-ગોળી વરસાવ્યા. નવેમ્બર, ૧૯૫૨થી માર્ચ ૧૯૫૩ સુધી આવો જુલમ આદર્યો. ૧૪ ડિસેમ્બર, ૧૯૫૨ના મેલારામ નામનો ૩૬ વર્ષનો યુવાન ત્રિરંગો ફરકાવવા છાંબ નગરમાં ગયો તો તેને પોલીસ ગોળીથી ઠાર મારવામાં આવ્યો. બીજા પંદર દેશભક્તોની લાશો ઢળી.

ડૉ. મુખરજીએ અબ્દુલ્લાની મહત્ત્વાકાંક્ષા વિશે નહેરુને ચેતવ્યા. ૧૪ ડિસેમ્બર, ૧૯૫૨ ‘જમ્મુ દિવસ’ ઊજવાયો. સુંદરબની ક્ષેત્રમાં સરકારે ગોળીબાર કર્યો. બે યુવાનો માર્યા ગયા. તેમની લાશો કુટુંબીને સોંપવાને બદલે કેરોસીનથી સળગાવી દેવાઈ. (સરદાર ભગતસિંહને માટે બ્રિટિશરોએ આમ જ શબને બાળી નાખવાનું કૃત્ય કર્યું હતું.) દિલ્હીમાં હડતાળ પડી. સામ્યવાદીઓ અને નહેરુ-શેખના સમર્થનમાં બહાર આવ્યા. ગુજરાતનાં મૃદુલા સારાભાઈએ પણ તેવી ભૂમિકા ભજવી અને ‘નયા કાશ્મીર’ સંસ્થાની સ્થાપના કરી .

ડૉ.મુખર્જી-નહેરુ-શેખ અબ્દુલ્લા વચ્ચે લાંબો પત્રવ્યવહાર ચાલ્યો. નહેરુને સામે મળવાની તૈયારી બતાવી, પણ જવાબ મળ્યોઃ ‘હું અતિ વ્યસ્ત છું..!’ એક વાર નહીં, બે વાર આવું બન્યું. ૨૩ ફેબ્રુઆરીએ છેલ્લો પત્ર લખ્યો, પણ મીંઢું, મૌન! દિલ્હીની જાહેરસભામાં ડૉ. મુખરજીએ યાદગાર વિધાન કર્યું ઃ ‘નહેરુ કહે છે કે હું જનસંઘને કચડી નાખીશ. હું કહું છું કે નહેરુની આ કચડી નાખવાની માનસિકતાને કચડી નાખીશ.’ દિલ્હીમાં તેમની ધરપકડને કોર્ટે રદ કરી. પછી દેશવ્યાપી સત્યાગ્રહ થયો. એપ્રિલ સુધીમાં ૧૬ સત્યાગ્રહી મોતને ભેટ્યા. ૧૯૦૦ને જેલવાસી બનાવાયા. સત્યાગ્રહ ચોતરફ થયા. દિલ્હીમાં ૮મેની સવારે તેમણે આપેલું વ્યાખ્યાન અંતિમ સાબિત થયું. માતા યોગમાયા દેવીના આશીર્વાદ લીધા. દિલ્હીથી પંજાબ ટ્રેનમાં, ચોતરફ સ્વાગત. બંગ હિન્દીમાં કહેતાઃ ‘જીત હમારા હોગા!’ અંબાલામાં નહેરુને તાર કર્યો. ‘પરમિટ લીધા વિના કાશ્મીર જઈ રહ્યો છું.’ પછી ઉમેર્યું. ‘નૈતિક વૈધાનિક અને રાજનીતિક ત્રણે રીતે કાશ્મીર જવું જરૃરી છે. તેમણે ચેતવ્યાઃ ‘અબ્દુલ્લા જ ઝીણાની ભાષા બોલી રહ્યા છે.’ શેખે એવું કહ્યું હતું કે ભારતનું બંધારણ તો હિન્દુ બહુમતીએ તૈયાર કર્યું છે, તે કાશ્મીરમાં લાગુ પડી શકે નહીં.’

અંબાલા, અમૃતસર, પઠાણકોટ, અબ્દુલ્લાએ ડૉ. મુખરજીને કાશ્મીરમાં ન આવવાનો તાર કર્યો. પઠાણકોટમાં સભા થઈ. ‘હું એ ભારતની સંસદનો સભ્ય છું જેમાં કાશ્મીર સામેલ છે.’ તેમણે ગર્જના કરી. ગુરુદાસપુરના ડેપ્યુટી કમિશનર વશિષ્ઠે છેતરામણી બાંહેધરી આપી કે તમે જમ્મુ જઈ શકો છો. તમને પકડવામાં નહીં આવે. ભારત સરકારની મંજૂરી અને કાશ્મીરની ના ઃ આ દ્વિધા જાણીજોઈને પેદા કરવામાં આવી. પઠાણકોટથી જમ્મુ જતાં, માધોપુર આવ્યું, ‘ને ત્યાંથી જમ્મુની સીમામાં માત્ર બે માઈલ આગળ જતાં તેમને ન જવાનો આદેશ અને મોટરસાઇકલ પર આવેલા આબ્દુલ અજીજ ઇન્સ્પેક્ટરે ધરપકડનો આદેશ આપ્યો. તેમની સાથે વૈદ્ય ગુરુદત્તને પણ પકડી લેવાયા. અટલબિહારી વાજપેયી સાથે જ હતા, તેમને મુખરજીએ કહ્યુંઃ ‘જાઓ, દેશને જણાવો કે જમ્મુ-પ્રવેશમાં હું સફળ થયો છું, પણ કેદી તરીકે!’

નહેરુને હવે લાગ્યું કે અબ્દુલ્લા કંઈક ખેલ કરી રહ્યા છે. તેમને મળવા દિલ્હી બોલાવ્યા પણ શેખ આવ્યા નહીં. પોતે શ્રીનગર ગયા પણ શેખ પર તેની અસર ન થઈ.

૧૨ મે, ૧૯૫૩થી મુખરજીને શ્રીનગરની સેન્ટ્રલ જેલમાં લઈ જવાયા. ત્યાંથી ૧૦ટ૧૨ની એક કોટડીમાં. તબીબી વ્યવસ્થાનો અભાવ. આઠ માઈલ પરનો ડૉક્ટર આવે, એક માઈલ પરના મકાનમાં એક ફોન! છાપાં નહીં, ટપાલ નહીં. ચાલવા માટેની કોઈ સગવડ નહીં. ૨૦ જૂન સુધીમાં તેને લીધે તબિયત બગડી. તાવ શરૃ થયો. જમણા પગમાં દુખાવાથી બેઠા થવામાં તકલીફ. ડૉ.મુખરજીના પુત્રએ મળવા અરજી કરી, ના પાડી દેવામાં આવી. કાનૂની સલાહકાર ઉમાશંકર ત્રિવેદીએ ધરપકડ સામે હેબિયેસ કોર્પસ કરી. ડૉ. મુખરજીએ લખેલી ડાયરીને ગુમ કરી દેવાઈ. બીમાર અશક્ત મુખરજીને ત્રિવેદીએ કહ્યુંઃ જલદીથી કોર્ટ તમને મુક્ત કરશે, પણ ૨૨ જૂન, વહેલી સવારે ચાર વાગ્યે હૃદયરોગનો હુમલો આવ્યો. ડૉક્ટર અલી અહમદ તો છેક સાડા સાતે આવ્યો. ૨૨ જૂને ૧૧.૩૦ વાગે જેલ સુપરિન્ટેન્ડેન્ટ ટેક્સી લઈને આવ્યા. ૧૦ માઈલ દૂર હૉસ્પિટલ હતી. ગુરુદત્તે કહ્યું કે, હું તેમની સાથે રહીશ. ના પાડવામાં આવી. નર્સિંગ હૉમમાં એકલા જ લઈ જવાયા. ૨૨ જૂને ત્રિવેદી તેમને મળ્યાઃ ‘આવતી કાલે કોર્ટનો ચુકાદો આપણી તરફેણમાં આવશે. તમે છૂટી જશો.’

તબિયત સુધારા પર હતી, પણ ૨૨ જૂન, ૧૯૫૩ રાત્રે અગિયાર વાગે તબિયત લથડી એમ સરકારી બુલેટિને જણાવ્યું. ત્રણ અને ચાળીસ મિનિટે હૃદયની ગતિ બંધ થઈ ગઈ.

ડૉ. મુખરજીના છેલ્લા શબ્દો હતાઃ મા! મા!
હા
, મા-જન્મદાત્રી યોગમાયા.
અને મા – ભારત માતા!
———————————–

Leave A Reply

Your email address will not be published.

Translate »