તમારા માટે, તમારી સાથે, સતત…

ભવિષ્યનું કાશ્મીર કેવું હશે?

રાજ્યના ૪૦ હજાર સરપંચો પાસે સત્તા આવશે

0 207
  • કવર સ્ટોરી – હિંમત કાતરિયા

કેન્દ્ર સરકાર જે કંઈ મોટી સ્કીમો લાગુ પાડતી તે જમ્મુ-કાશ્મીરમાં અટવાઈ જતી. જમ્મુ-કાશ્મીરની ગરીબી હવે દૂર થશે. આ રાજ્યની ગરીબી માટે કલમ ૩૭૦ જવાબદાર છે. આંકડાથી વાત કરીએ તો ૨૦૦૪થી ૨૦૧૯ સુધીમાં જમ્મુ-કાશ્મીર સરકારને ભારત સરકાર તરફથી ૨ લાખ ૭૭ હજાર કરોડ રૃપિયાની સહાય આપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પેકેજ સિવાયની આ રકમ છે. નીચે જમીન ઉપર જોઈએ તો કંઈ નથી દેખાતું. નિરાશ થવાની જરૃર નથી, કાશ્મીરના ભવિષ્યની સુંદર છબી ઉપસે છે.

૨૦૧૧-૧૨માં ભારત સરકારે દેશમાં પ્રતિ વ્યક્તિ ૩૬૮૩ રૃપિયા રાજ્યોને સહાય કરી હતી અને જમ્મુ-કાશ્મીરમાં પ્રતિ વ્યક્તિ ૧૪,૨૫૫ રૃપિયા મોકલ્યા હતા. ૨૦૧૭-૧૮માં ભારત સરકારે દેશમાં પ્રતિ વ્યક્તિ ૮૨૮૭ રૃપિયા રાજ્યોને સહાય કરી હતી અને જમ્મુ-કાશ્મીરમાં પ્રતિ વ્યક્તિ ૨૭,૩૫૮ રૃપિયા મોકલ્યા હતા, પરંતુ ત્યાં વિકાસ ન થયો, કારણ કે ભ્રષ્ટાચારને નાથવા માટેની એજન્સીઓને ત્યાં પ્રવેશ નહોતો, કલમ ૩૭૦ તેને રોકતી હતી. કલમ ૩૭૦ મોનોપોલી બનાવવાનું કામ કરતી હતી. ત્રણ પરિવાર સાથે જોડાયેલા લોકો બિઝનેસ કરતા હતા. તેમનાં સગાંઓએ સિમેન્ટની, લોખંડની એજન્સીઓ લઈ લીધી. જમ્મુ-કાશ્મીરમાં આ કારણે જ સિમેન્ટ પ્રતિ થેલી ૧૦૦ રૃપિયા મોંઘી છે. પહેલા ત્યાં કોઈને બિઝનેસ કરવાની મંજૂરી નહોતી, જગ્યા ખરીદવાની મંજૂરી નહોતી એટલે વ્યવસાયમાં કોઈ સ્પર્ધા નહોતી, રોજગારી નહોતી અને લોકોને ચીજવસ્તુઓ મોંઘી મળતી હતી. સરકારે આટલાં વર્ષો દરમિયાન ફાળવેલા રૃપિયા ક્યાં ગયા તેની તપાસ કરવા માટે સરકારે જમ્મુ-કાશ્મીરમાં બેંકોમાં ઓડિટરો ગયા, ઍડ્મિનિસ્ટ્રેટરો ગયા તો નેતા થઈને ફરતા લોકોને બર્ફીલા વાતાવરણમાં પણ પરસેવો પડી ગયો. આજે આખા દેશમાં વિકાસ આગળ વધી રહેલો દેખાય છે ત્યારે જમ્મુ-કાશ્મીરમાં ભૂખે મરતા લોકો જોઈને દ્રવી જવાય છે. આ સ્થિતિ બદલાશે. એકદમ નહીં તો પણ ધીમેધીમે બદલાશે.

દેશ આઝાદ થયો ત્યારે એક એકરની સરેરાશ કિંમત ૩ હજાર રૃપિયા હતી. આજે દેશભરમાં ક્યાંય એક એકરની કિંમત ૧૦ લાખ નીચે નથી બોલાતી. ક્યાંક ૩૦ લાખ તો ક્યાંક તો ૩ કરોડ રૃપિયા બોલાય છે, પરંતુ કાશ્મીરમાં જમીનનો ભાવ ત્રણ હજારથી વધીને ત્રીસ હજાર પણ નથી થયો, કારણ કે કલમ ૩૭૦ને પગલે બહારનો કોઈ વ્યક્તિ જમ્મુ-કાશ્મીરમાં જમીન ખરીદી નથી શકતો. ઉદ્યોગો, વ્યવસાયો આવતા ત્યાં જમીનોનો ભાવ મળશે. લોકો દરિદ્રતામાંથી બહાર આવશે. જેમની પાસે જમીન છે તેઓ ગરીબ નહીં રહે અને અચાનક સમૃદ્ધ થઈ જશે. પહેલા એવો ભય બતાવવામાં આવતો હતો કે કલમ ૩૭૦ હટાવવામાં આવશે તો ખીણમાં ભીષણ રક્તપાત થઈ જશે. આવો ડર બતાવીને કાશ્મીરની પ્રજાને અઢારમી સદીમાં જીવાડવા માંગતા હતા અને કલમની હિમાયત કરીને ઉશ્કેરણી કરતા બધા લોકોના સંતાનો વિદેશમાં ભણે છે. આ કલમ હટતા જમ્મુ-કાશ્મીરીઓ ૨૧મી સદીમાં સીધી છલાંગ લગાવશે. ખીણના અભણ યુવાનોને હવે સારું શિક્ષણ મળશે.

કલમ ૩૭૦ આરોગ્ય, વિકાસ, શિક્ષણ વિરોધી છે અને આતંકવાદની સમર્થક હતી. કલમ ૩૭૦ દલિત અને આદિવાસી વિરોધી છે. કાશ્મીરમાં ઓબીસી, દલિત અને આદિવાસીઓને રાજકીય અનામત નથી મળતી જે હવે મળશે અને એટલે જ માયાવતીના પક્ષ બહુજન સમાજવાદી પાર્ટીએ કલમ ૩૭૦ હટાવવાનું સમર્થન કર્યું છે. પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી નહોતી થતી તે આ કલમ હટવાથી હવે થશે. ૪૦ હજારથી વધુ સરપંચોનો અધિકાર ૭૦ વર્ષ સુધી છીનવી લેવાયો તે હવે તેમને મળશે. રાષ્ટ્રપતિ શાસન દરમિયાન જમ્મુ-કાશ્મીર એક્ટ હેઠળ કેન્દ્ર સરકારે ત્યાં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ કરાવી. એ ચૂંટણીમાં એક ટીપું પણ લોહી પડ્યું નથી. શાંતિપૂર્ણ ચૂંટણી થઈ છે. ત્યાં લોકસભામાં ૮-૧૦ ટકા મતો મેળવીને પ્રતિનિધિઓ સંસદમાં જાય છે, પરંતુ ગ્રામ પંચાયતોમાં ૪૦-૫૦ ટકા જેટલું મતદાન થયંુ છે અને અત્યારે ગ્રામ પંચાયતો સારી રીતે કામ કરી રહી છે. તેમના હાથમાં ગામનો વિકાસ કરવા માટે ૩૫૦૦ કરોડ રૃપિયા પહોંચશે.

ભવિષ્યમાં જ્યારે જમ્મુ-કાશ્મીરમાં સામાન્ય સ્થિતિનું નિર્માણ થઈ જશે ત્યારે તેમને માથેથી કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો પાછો લઈને તેમને પૂર્ણ સ્વરાજ ઘોષિત કરવામાં આવશે એવું આશ્વાસન સંસદમાં ગૃહ મંત્રી અમિત શાહે આપ્યું છે. એટલે નજીકના ભવિષ્યમાં જમ્મુ-કાશ્મીર ભારતના સંવિધાનને વરેલું રાજ્ય બની શકે છે. રાજ્યના ૪૦ હજાર સરપંચો પાસે સત્તા આવશે. લોકશાહીનો અવાજ છેવાડાના માણસ સુધી સંભળાશે. ગ્રામ પંચાયતોને નાણા મળતા અતિ દરિદ્રતામાં જીવતાં ગામડાંઓનો ખરા અર્થમાં પુનરોદ્ધાર થશે અને મજબૂરીમાં અને કંઈક અંશે પેટનો ખાડો પૂરવા ખાતર ૨૦૦ રૃપિયા પ્રતિદિન દાડી મેળવીને આર્મી સામે પથ્થર ફેંકતા લોકો સરહદની ચોકી કરતા આર્મીમેનોનું ફૂલમાળાઓથી સ્વાગત કરતા થશે. લોકો નવી પરિસ્થિતિમાં પોતાનું કલ્યાણ જોશે અને ખરા દિલથી ભારત સાથે જોડાશે. કોઈના ઉશ્કેર્યા પાકિસ્તાનનો ઝંડો લઈને લાલચોકમાં ધસી નહીં જાય. હા, લાલચોકમાં ધસી જશે તિરંગો લહેરાવવા. કાશ્મીરમાં લોકસભાની ચૂંટણીમાં ૧૦-૧૫ ટકા જેટલું મામૂલી મતદાન થાય છે, પરંતુ તાજેતરમાં થયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ૫૦-૬૦ ટકાનું મતદાન થયું હતું. જે બતાવે છે કે જમ્મુ-કાશ્મીરની જનતા લોકશાહી ઇચ્છે છે.

Related Posts
1 of 262

અમિત શાહે સંસદમાંથી ઘાટીના લોકોને સીધું સંબોધતા કહ્યું કે, મારો ઘાટીના લોકો, તમને સ્પષ્ટ સંદેશો છે કે તમે ૭૦ વર્ષ સુધી કલમ ૩૭૦ સાથે જીવ્યા, કોંગ્રેસીઓએ ખોટા વાયદા કરીને તમને ભોળવ્યા, ગુમરાહ કર્યા. અમને પાંચ વર્ષ આપો. અમે જમ્મુ-કાશ્મીરને દેશનું એક સૌથી વિકસિત રાજ્ય બનાવીશું. હું કાશ્મીર ખીણના યુવાનોને કહું છું કે નરેન્દ્ર મોદી સરકાર ઉપર ભરોસો કરો, આખરમાં તમને ખબર પડશે કે જે વસ્તુને ૭૦ વર્ષ સુધી સાથે લઈને નીકળ્યા હતા તે ચીજ જ યોગ્ય નહોતી.

આખી દુનિયા માને છે કે કાશ્મીરની ખીણ અને લદ્દાખ પૃથ્વી પરનું સ્વર્ગ છે, પરંતુ પર્યટન જેટલું વધવું જોઈએ એટલું વધ્યું નથી. ત્યાં બરફ પણ છે, તળાવ પણ છે, ઘાટી પણ છે, પહાડ પણ છે અનુપમ સૌંદર્ય છે. તેમ છતાં. આ કલમ હટતા ત્યાં જવા ઇચ્છુક મોટી કંપનીઓ, ટ્રાવેલ એજન્સીની ઑફિસો ખૂલશે. પ્રવાસન વધશે, રોજગારી વધશે. ત્યાં હજરત બાલ છે, શંકરાચાર્ય છે, વૈષ્ણોદેવી છે, અમરનાથ છે, ધાર્મિક પ્રવાસનની અનંત સંભાવનાઓ છે જેનો વિકાસ નહોતો થતો તે હવે થશે. હવે જમ્મુ-કાશ્મીરમાં નાની-મોટી ઇન્ડસ્ટ્રીઝ લાગશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થશે. એકલી સરકાર લોકશાહીના માળખાને બધી જગ્યાએ યોગ્ય રીતે નથી ચલાવી શકતી. ક્યાંક પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપના ધોરણે તો ક્યાંક પ્રાઇવેટ સેક્ટરને મજબૂત કરવું પડે. આ બધંુ કલમ ૩૭૦ નીકળતા હવે પછી થશે.

જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦ લાગુ હોય ત્યારે કોઈ સારી પ્રાઇવેટ હૉસ્પિટલ બાંધે તેની અપેક્ષા કઈ રીતે રાખી શકાય? આજે પ્રધાનમંત્રી આયુષ્માન યોજના લાગુ થઈ ગઈ છે અને તેમાં પાંચ લાખ રૃપિયા સુધીના બીલને માફીનો અધિકાર છે, પણ એ માટે સજ્જ પ્રાઇવેટ હૉસ્પિટલ જમ્મુ-કાશ્મીરમાં ક્યાં છે? હવે આરોગ્ય ક્ષેત્રે પણ રાજ્યમાં સારી સેવાઓ મળશે. સારા ડૉક્ટરો-નર્સો હવે ત્યાં જશે.

દેશભરમાં ૬થી ૧૪ વર્ષનાં બાળકોને શિક્ષણનો રાઇટ-ટુ-ઇન્ફોર્મેશનનો અધિકાર છે, પરંતુ એ અધિકાર અત્યાર સુધી જમ્મુ-કાશ્મીરનાં બાળકોને આપવામાં આવ્યો નથી, કારણ કે સંવિધાનમાં કરેલા આ સુધારાને કાશ્મીરમાં પસાર ન કરવામાં આવ્યો. ત્યાં પ્રાઇવેટ શિક્ષણ સંસ્થાઓ નથી તે હવે આવશે. દેશની બંને સંસદ જે કાનૂન પસાર કરે છે તે હવે જમ્મુ-કાશ્મીરમાં લાગુ પડશે. આંતરરાજ્ય લગ્નો થશે એટલે જમ્મુ કાશ્મીર ખરા અર્થમાં બાકીના ભારત સાથે હળીભળી જશે.

૧૯૮૮માં જનરલ જિયા ઉલ હક્કે કહ્યું હતું કે કલમ ૩૭૦ છે ત્યાં સુધી કાશ્મીરનો યુવા ભારત સાથે જોડાઈ નહીં શકે. એક એવું ગ્રૂપ તૈયાર કરો કે જે આ યુવાને સતત ગુમરાહ કરવાનું કામ કરે. આ કલમ હટતા ભવિષ્યમાં સૌથી મોટું કામ એ થશે કે કાશ્મીરમાં શાંતિ સ્થાપિત થશે. આતંકવાદ બંધ થશે.

કાશ્મીરમાં અત્યારે ચાદર વણતા લોકોને રોજના માત્ર ૧૫૦ રૃપિયા મજૂરી મળે છે. જ્યારે રાજ્યબહારથી આવતા બાંધકામ કામદારની મજૂરી ૬૦૦ રૃપિયા છે. આખા રાજ્યમાં માત્ર ૨૦૦ ડેન્ટલ અને ૬૦૦ મેડિકલ ડૉક્ટરો છે. રાજ્યનું માત્ર પાંચ ટકા જેટલું ફ્રૂટ અને સૂકામેવા પ્રોસેસ થાય છે. ગત વર્ષે ખાનગી રોકાણ માત્ર ૧૦૦૦ કરોડ રૃપિયાનું થયું હતું. ૩૦ ટકા જેટલા પરિવાર સીધા સરકાર માટે કામ કરે છે. આ રાજ્ય દેશના જીડીપીનો ૦.૭ ટકા હિસ્સો ધરાવે છે. આખા રાજ્યમાં માત્ર એક લિસ્ટેડ કંપની છે અને તેની કેપિટલ ૧૦ કરોડ રૃપિયા છે. દાયકાઓથી રોજગારીનો આંક ભારે નીચો રહ્યો છે. આ બધાનો ઉકેલ કલમ ૩૭૦ દૂર થવાથી ભવિષ્યમાં મળવાનો છે. અલબત્ત, નજીકના ભવિષ્યમાં નહીં. એના માટે ધૈર્યની જરૃર પડશે.
———-.

કેન્દ્ર જમ્મુ-કાશ્મીર બેંક પર કબજો મેળવવા તૈયાર છે
કલમ ૩૭૦ હટતા જમ્મુ-કાશ્મીર બેંક ઉપર કબજો મેળવવાનો કેન્દ્ર સરકારનો માર્ગ મોકળો થયો છે. અત્યાર સુધી આ બેંક વિશેષ દરજ્જા હેઠળ મનમરજી પ્રમાણે બેંક ચલાવવાનો લુત્ફ ઉઠાવતી હતી અને આક્ષેપ પ્રમાણે આ બેંકનો ઉપયોગ ત્રાસવાદી ભંડોળ પહોંચાડવા માટે થતો હતો. જમ્મુ-કાશ્મીર બેંકમાં અત્યારે રાજ્ય સરકારનો ૬૦ ટકા જેટલો હિસ્સો છે જે કેન્દ્ર શાસિત પ્રદેશ થતા કેન્દ્રને હસ્તાંતરિત થશે. ત્યારે નાણાપ્રધાન પાસે સત્તા છે કે તે ચીફ એક્ઝિક્યુટિવ તેમજ બેંક ડાયરેક્ટરોની નિમણૂક કરી શકે. આ ૮૧ વર્ષ જૂની બેંકને મજબૂત કરવા માટે સરકાર તેને સંભવતઃ તત્કાલ મર્જર નહીં કરે. બેંક ઉપર ઘણા આરોપો છે અને રાષ્ટ્રપતિ શાસન લાગતા ચૅરમેન પરવેઝ અહમદ નેગરોને ગોટાળાના આરોપસર હટાવવામાં આવ્યા હતા અને પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફતીને પણ ચોક્કસ નિમણૂકોમાં તેમની ભૂમિકા બદલ નોટિસ આપવામાં આવી છે. ગત નવેમ્બરમાં સ્ટેટ ઍડ્મિનિસ્ટ્રેશન કાઉન્સિલના ચૅરપર્સન ગવર્નર સત્યપાલ મલિકે જમ્મુ-કાશ્મીર બેંકને સરકારી બેંક ઘોષિત કરી છે અને તેને આરટીઆઇ હેઠળ સમાવી છે.
—————————————–

Leave A Reply

Your email address will not be published.

Translate »