- વિઝા વિમર્શ – ડૉ.સુધીર શાહ
અમેરિકાનું ગ્રીનકાર્ડ મેળવવાના જે જુદા જુદા રસ્તાઓ છે એમાંનો એક રસ્તો છે અમેરિકાની સરકારે માન્ય કરેલ એટલે કે ‘રેક્ગ્નાઇઝ્ડ રિજનલ સેન્ટર’માં દસ લાખ ડૉલર અને જે રિજનલ સેન્ટરો ‘ટાર્ગેટેડ ઍમ્પ્લોયમૅન્ટ એરિયા’ અથવા તો ‘પછાત પ્રદેશ’માં એમનું કાર્ય કરતું હોય એમાં પાંચ લાખ ડૉલરનું ઈબી-૫ પ્રોગ્રામ હેઠળ રોકાણ કરીને. આમ રોકાણ કરતાં રોકાણકારને અને એની સાથે સાથે એની પત્ની યા પતિ અને ૨૧ વર્ષથી નીચેની વયના અવિવાહિત સંતાનોને ઇમિગ્રન્ટ વિઝા આપવામાં આવે છે. એ મેળવીને અમેરિકામાં પ્રવેશતા એ સૌને બે વર્ષની મુદતનું કંડિશનલ ગ્રીનકાર્ડ આપવામાં આવે છે. ૨૧ મહિના બાદ એને કાયમનું કરવાની અરજી કરવાની રહે છે. એ સમયે રોકાણકારે દેખાડી આપવાનું રહે છે કે એણે રોકાણ પાછું ખેંચી નથી લીધું અને રિજનલ સેન્ટરે એમના વતી દસ અમેરિકનોને ફુલટાઇમ સીધી યા આડકતરી રીતે નોકરીમાં રાખ્યા છે. આ આખી પ્રક્રિયા અહીં આપેલ ચાર્ટમાં દર્શાવવામાં આવી છે.
૨૪મી જુલાઈ, ૨૦૧૯ના દિવસે ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યૉરિટીએ ‘ઇબી-૫ ઇમિગ્રન્ટ ઇન્વેસ્ટર પ્રોગ્રામ મોડર્નાઇઝેશન’ આ શીર્ષક હેઠળ ઈબી-૫ પ્રોગ્રામને લગતા નવા નિયમો બહાર પાડ્યા છે. ૨૪૯ પાનાંના આ નિયમોમાં મુખ્ય નિયમ રોકાણની રકમમાં જે વધારો કરવામાં આવ્યો, એ છે. રોકાણની રકમ જે દસ લાખ અને પાંચ લાખ ડૉલરની છે એ ૨૧મી નવેમ્બર, ૨૦૧૯ના દિવસથી વધીને ૧૮ લાખ અને ૯ લાખ ડૉલરની કરવામાં આવી છે!
રોકાણની રકમમાં આટલા મોટા વધારાના કારણે ભારતીય ઇન્વેસ્ટરો ૨૧મી નવેમ્બર, ૨૦૧૯ના પહેલાં દસ લાખ ડૉલર અને પાંચ ડૉલરનું રોકાણ કરીને ગ્રીનકાર્ડ મેળવવાની દોટ મૂકશે. એક અંદાજ મુજબ ભારતમાંથી આ ચાર મહિનાના સમય દરમિયાન ૨,૦૦૦ ભારતીયો રોકાણ કરશે. આ વધારાનો બીજો પ્રત્યાઘાત ભારતીય વેપારીઓ ‘આંતર કંપની ટ્રાન્સફરી એલ-૧ વિઝા’ તરફ દૃષ્ટિ દોડાવશે. ૨૧મી નવેમ્બર, ૨૦૧૯ બાદ લાંબા સમય સુધી ભારતીયો ઈબી-૫ પ્રોગ્રામ હેઠળ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ટાળશે. આખરે જેમને અમેરિકા જવું જ હશે તેઓ ૯ લાખ યા ૧૮ લાખ ડૉલરનું રોકાણ કરશે.
આ વધારાની એક બીજી અસર એ પણ થશે કે અમેરિકામાં ગેરકાયદેસર રહેતા લોકોનું પ્રમાણ વધશે. લોકો બી-૧/બી-૨ યા એફ-૧ વિઝા ઉપર અમેરિકામાં પ્રવેશીને એમને ત્યાં રહેવા માટે જેટલો સમય આપવામાં આવ્યો હોય એ પૂરો થતા સ્વદેશ પાછા નહીં આવે. પરદેશીઓ અમેરિકન સિટીઝનો જોડે ગ્રીનકાર્ડ મેળવવા માટે પૈસા આપીને લગ્ન કરે છે. આવા બનાવટી લગ્નની સંખ્યામાં વધારો થશે. અમેરિકાના હાલના પ્રેસિડન્ટ ડોનાલ્ટ ટ્રમ્પે ભલે રાજકીય આશરો માગનારાઓ તરફ લાલ આંખ કરી છે અને કડક વલણ અખત્યાર કરવાનું સૂચવ્યું છે, આમ છતાં ઈબી-૫ પ્રોગ્રામ હેઠળ રોકાણની રકમમાં વધારો થતા અમેરિકામાં રાજકીય આશરો માગનારાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થશે.
અનેક ભારતીયો પૂરતા પૈસાની સગવડ ન હોવાના કારણે ઈબી-૫ પ્રોગ્રામ હેઠળ હજુ સુધી રોકાણ કરી શક્યા નથી. તેઓ હવે મરણિયા થશે. ગમે ત્યાંથી પૈસા ઊભા કરીને રોકાણ કરશે. રિજનલ સેન્ટરો એમને હમણા અડધા પૈસા રોકો, છ-બાર મહિના બાદ બાકીના અડધા પૈસાનું રોકાણ કરજો, એવી છૂટ પણ કદાચ આપશે. સાથે સાથે ચાર મહિના બાદ રોકાણની રકમ પાંચ લાખ ડૉલરથી વધીને નવ લાખ ડૉલર થઈ જવાની છે એટલે લોકો રકમ વધી જાય એ પહેલાં રોકાણ કરવા ધસારો કરશે, એ તકનો લાભ લઈને રિજનલ સેન્ટરો એમની ‘ઍડિ્મનિસ્ટ્રેટિવ ફી’ વધારી નાખશે. એમના એટર્નીઓ પણ એમની ‘પ્રોફેશનલ ફી’માં વધારો કરશે. ‘અભિયાન’ના વાચકો જેઓ ગ્રીનકાર્ડ મેળવવાની ઇચ્છા ધરાવતા હોય અને પૈસાની સગવડ હોય એમણે વિના વિલંબે અને ૨૧મી નવેમ્બર, ૨૦૧૯ પહેલાં રોકાણ કરી દેવું જોઈએ.
ઈબી-૫ ઈન્વેસ્ટર વિઝાનો પંથ
ઇન્વેસ્ટરો એમના સલાહકારો દ્વારા જાણકારી મેળવી કયા રિજનલ સેન્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું એ નક્કી કરે છે.
↓
ઇન્વેસ્ટરો રિજનલ સેન્ટરના પ્રાથમિક સવાલોના જવાબો આપે છે.
↓
ઇન્વેસ્ટરો નૉન-ડિસ્કલોઝર એગ્રીમેન્ટ સાઇન કરે છે.
↓
રિજનલ સેન્ટર જો એકથી વધુ પ્રોજેક્ટ્સ ધરાવતા હોય તો ઇન્વેસ્ટરોને સિલેક્શન માટે એ સર્વેની માહિતી આપે છે.
↓
ઇન્વેસ્ટરો રિજનલ સેન્ટર જોડેનું એગ્રીમેન્ટ સહી કરે છે અને એમની બૅન્ક દ્વારા એક મિલિયન (દસ લાખ) યા અડધો મિલિયન (પાંચ લાખ) યુએસ ડૉલર રિજનલ સેન્ટરના બૅન્ક એકાઉન્ટમાં ઇન્વેસ્ટમેન્ટ માટે ટ્રાન્સફર કરે છે. સાથે સાથે રિજનલ સેન્ટરની ઍડ્મિનિસ્ટ્રેટિવ ફીસ (લગભગ પચાસ હજાર ડૉલર), અમેરિકન એટર્નીની ફીસ (લગભગ પંદર હજાર ડૉલર) અને ફાઇલિંગ ફીસ (૩૬૭૫ ડૉલર) ચૂકવે છે.
↓
ઇન્વેસ્ટર અમેરિકન એટર્નીએ માગેલા દસ્તાવેજો અને માહિતી પૂરી પાડે છે.
↓
એટર્ની પિટિશન આઈ-૫૨૬ ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટમાં ફાઇલ કરે છે.
↓
જરૃર જણાય તો ઇમિગ્રેશન ખાતું વધારાના દસ્તાવેજો તેમ જ માહિતી માગે છે. આપવામાં આવેલ સમયની અંદર એ પૂરી પાડતાં ઇમિગ્રેશન ખાતું પિટિશનની તપાસણી આગળ વધારે છે.
↓
૧૮થી ૨૪ મહિનાની અંદર પિટિશન મંજૂર કરવામાં આવે છે. જો રિજેક્ટ કરવામાં આવે તો અપીલ કરી શકાય છે.
↓
પિટિશન એપ્રૂવ્ડ થયા બાદ બેથી ચાર મહિનાની અંદર નેશનલ વિઝા સેન્ટર ઇન્વેસ્ટરને કાગળ લખે છે.
↓
ઇન્વેસ્ટર એના જવાબમાં દસ્તાવેજો મોકલાવે છે.
↓
ઇન્વેસ્ટરો ઇમિગ્રન્ટ વિઝાનું ફૉર્મ ભરીને સુપરત કરે છે. જરૃરી ઇમિગ્રન્ટ વિઝાની ફી આપે છે. નિયત કરેલા દિવસે ઇન્વેસ્ટર અને એની સાથેના ડિપેન્ડન્ટ્સ (પત્ની/પતિ અને એકવીસ વર્ષની નીચેની વયનાં અવિવાહિત સંતાનો) આ સર્વે પહેલાં બાયોમેટ્રિક્સ માટે અને પછી બીજા દિવસે ઇમિગ્રન્ટ વિઝાના ઇન્ટરવ્યૂ માટે જાય છે.
↓
ઇન્ટરવ્યૂમાં કૉન્સ્યુલર ઓફિસરોને ઇન્વેસ્ટર અને એના ડિપેન્ડન્ટ્સ એમની યોગ્યતા દેખાડતાં એમને ઇમિગ્રન્ટ વિઝા આપવામાં આવે છે. એ મળેથી એમણે ચાર મહિનાની અંદર અમેરિકામાં પ્રવેશવાનું રહે છે.
↓
ઇન્વેસ્ટર યા એનો ડિપેન્ડન્ટ જો અમેરિકામાં કાયદેસર વેલિડ નૉન-ઇમિગ્રન્ટ સ્ટેટસમાં રહેતા હોય તો તેઓ અમેરિકામાં રહીને જ એમના નૉન-ઇમિગ્રન્ટ સ્ટેટસને ઍડ્જસ્ટ કરીને ઇમિગ્રન્ટ સ્ટેટસ મેળવવાની અરજી કરી શકે છે.
↓
ઇમિગ્રન્ટ વિઝા મેળવીને ઇન્વેસ્ટર અને એના ડિપેન્ડન્ટ્સ અમેરિકામાં પ્રવેશે ત્યાર બાદ એમને બે વર્ષનું કન્ડિશનલ ગ્રીનકાર્ડ આપવામાં આવે છે.
↓
એકવીસ મહિના બાદ ઇન્વેસ્ટરે ફૉર્મ આઈ-૮૨૯ ભરીને ગ્રીનકાર્ડ કાયમનું કરવાની અરજી કરવાની રહે છે. એ સમયે એમણે ખાતરી કરાવી આપવી પડે છે કે એમણે કરેલું ઇન્વેસ્ટમેન્ટ પાછું ખેંચી નથી લીધું તેમ જ રિજનલ સેન્ટરે એમના વતી એમના નવા બિઝનેસમાં દસ અમેરિકનોને સીધી યા આડકતરી રીતે ફુલટાઇમ નોકરીમાં રાખ્યા છે.
↓
ગ્રીનકાર્ડ કાયમનું કરવાની અરજી મંજૂર થતાં લગભગ ૩ વર્ષ લાગે છે. ત્યાર બાદ ઇન્વેસ્ટર એણે ઇન્વેસ્ટ કરેલા પાંચ લાખ ડૉલર રિજનલ સેન્ટર આગળથી પાછા મેળવી શકે છે.
↓
જો ફૉર્મ આઈ-૮૨૯ રિજેક્ટ થાય તો અપીલ કરી શકાય છે.
↓
ગ્રીનકાર્ડ સૌપ્રથમ મળ્યું હોય ત્યાર બાદ પાંચ વર્ષ પછી ઇન્વેસ્ટર ફૉર્મ એન-૪૦૦ ભરીને અમેરિકન નાગરિક બનવાનીઅરજી કરી શકે છે.
——————————–