તમારા માટે, તમારી સાથે, સતત…

વરસાદી પાણીનો સંગ્રહ કરી જળસંકટ ટાળવાનો ઉત્તમ ઉપાય

ખંભાતી ટાંકા વરસાદી પાણીનો જળસંચય કરવા માટે ઉત્તમ

0 245
  • કવર સ્ટોરી – હેતલ રાવ

ગુજરાતમાં પાણીની સમસ્યાએ ગંભીર સ્વરૃપ ધારણ કર્યું છે. જોકે આ સમસ્યા માત્ર ગુજરાતની જ નહીં, સમગ્ર દેશની છે. સરકાર પણ પાણી બચાવવા માટે અનેક અભિયાન ચલાવી રહી છે. ત્યારે બીજી બાજુ જાગૃત પ્રજા સ્વયં પોતાના શહેરમાં, પોતાના વિસ્તારમાં પાણીની સમસ્યાને દૂર કરવાના પ્રયત્ન કરી રહી છે. જેમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવાની શરૃઆત કરવામાં આવી છે.

અંકિત લાંબી કતાર પાર કરી પેટ્રોલ પંપ જેવા દેખાતા સ્થળ પર પહોંચે છે. ત્યાં જઈને પાંચસોની નોટ આપે છે ત્યારે તેને માંડ અડધી ડોલ જેટલંુ પાણી મળે છે. પાણી લઈને તે આગળ વધે છે. તેની પાછળ તેના જેવા હજારો લોકો ઊભા હોય છે જે પાણી લેવા માટે આવ્યા હોય છે અને તે પણ વેચાતંુ. સોશિયલ મીડિયા પર કાર્ટૂન ફોર્મમાં બનાવેલો આ વીડિયો જોઈને કદાચ આપણે તેની ગંભીરતાને ધ્યાન પર નથી લેતા, પરંતુ હકીકત કંઈક આવી જ બનવાની છે. જેની શરૃઆત મહારાષ્ટ્ર જેવા રાજ્યમાં જોવા પણ મળે છે. જ્યાં નહાવા-ધોવા તો ઠીક, પણ પીવાના પાણી માટે પણ વલખાં મારવા પડે છે. આપણા ગુજરાતની જ વાત કરીએ તો અનેક શહેરો છે જ્યાં પાણીની કાયમી સમસ્યા રહેલી છે અને લોકો વરસાદી પાણી પર જ નિર્ભર રહેતા હોય છે, પણ બારેમાસ વરસાદી પાણી કેવી રીતે મળે. ઉનાળામાં તો લોકોની પરિસ્થિતિ એટલી કપરી બની જાય છે કે પૈસા આપે પણ એક ડોલ પાણી માટે રાહ જોવી પડે છે. જોકે હવે લોકો પાણીની સમસ્યાને ગંભીર રીતે લેતા થયા છે. એટલું જ નહીં, પણ આ મુશ્કેલીનું નિરાકરણ લાવવાના પણ પ્રયત્ન કરી રહ્યા છે.

વાત કરીએ સંસ્કારી નગરી વડોદરાની તો વિશ્વામિત્રી નદીના તટ પર આવેલું આ શહેર પણ પાણીની સમસ્યામાંથી બાકાત નથી. મકરપુરા વિસ્તારમાં કોર્પોરેશનનું પાણી પુરા ફોર્સથી આવતું નથી. જેના કારણે ઉનાળામાં આ વિસ્તારની અંદાજે ૧૫૦ જેટલી સોસાયટી પાણી ખરીદે છે. જોકે હવે સોસાયટીએ વરસાદી પાણીનો સંગ્રહ કરવાનો માસ્ટર પ્લાન તૈયાર કરી લીધો છે અને તેના પર કામ પણ શરૃ કરવામાં આવ્યું છે. આ વિસ્તારના ત્રીસ હજાર જેટલા લોકોએ પોતાનાં ઘરોમાં વૉટર હાર્વેસ્ટિંગનો રસ્તો અપનાવ્યો છે. એટલે કે વરસાદ આવતા જે પાણી સોસાયટીઓમાં ભરાઈ જતા હતા તેનો સંગ્રહ કરી ઉપયોગ કરવામાં આવે છે. જેના કારણે સોસાયટીઓમાં પાણી ભરાઈ રહેવાની સમસ્યા પણ નથી રહેતી. સાથે જ પાણીના વહેણને વાળવામાં આવતા તે ઉપયોગમાં લઈ શકાય છે. વડોદરાના મકરપુરા વિસ્તારના લોકો છેલ્લાં દસ વર્ષથી કોર્પોરેશનનું પાણી મળે તે માટે લડત લડી રહ્યા હતા, પરંતુ હવે દરેક વ્યક્તિ પોતાના પાણીના બોરને રીચાર્જ કરવાના કામને આગળ વધારી રહી છે.

આ વિશે વાત કરતાં ફેડરેશન ઓફ વડોદરા રેસિડન્ટ એસોસિયેશનના પ્રેસિડન્ટ અને પાયલ પાર્ક સોસાયટીના રહીશ સુરેશ પાલામેલ કહે છે કે, ‘પાણીની સમસ્યા ઘણી જટિલ બની રહી છે. માટે આપણે જાતે જ એનો માર્ગ શોધવો પડશે. અમે બધાના ઘરે જઈને ખાનગી કે સોસાયટીના બોરને રિચાર્જ કરવા માટે માહિતગાર કરી રહ્યા છીએ. અમારી આ કામગીરીના કારણે મકરપુરાની દસ કરતાં પણ વધુ સોસાયટીમાં વૉટર હાર્વેસ્ટિંગની સુવિધા ઊભી કરવામાં આવી છે. રામબાગ સોસાયટીમાં વરસાદ દરમિયાન પાણી ભરાઈ જતા હતા. વરસાદ સમયે લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની રહેતું, પરંતુ ભરાઈ રહેતા વરસાદી પાણીને જમીનમાં ઉતારવા માટેની વ્યવસ્થા કરવામાં આવી. એટલું જ નહીં, રસ્તા પર વહી જતા વરસાદી પાણીને ટ્રેંચ દ્વારા સોસાયટીના કોમન પ્લોટમાં એકત્રિત કરીને તેને જમીનમાં ઉતારવાનો પ્રોજેક્ટ પણ શરૃ કરવામાં આવ્યો છે. તો વળી એવી પણ સોસાયટીઓ છે જ્યાં બોર રીચાર્જનું કામ કરવામાં આવી રહ્યું છે.’

જ્યારે રામબાગ કો.ઓપરેટિવ સોસાયટીના રહેવાસી જોન વર્ગિશ આ વિશે વાત કરતા કહે છે, ‘અભ્યાસ દરમિયાન શીખ્યું હતંુ કે નજીકનું તળાવ ખાલી થઈ જાય તો બોરમાં આવતાં પાણીનું સ્તર પણ નીચું જાય છે અને અંતે બોર સુકાઈ જાય છે, પાણી મળતું બંધ થાય છે. માટે સૌ પ્રથમ તો આપણે જમીનમાં પાણીનું સ્તર ઉપર આવે તે કામ કરવું પડે. અમે વહી જતાં પાણીને ચેનલ કરી જમીનમાં ઉતારવાના પ્રયાસમાં લાગી ગયા. મારી જેમ જ આ વિષયમાં જે જાણકાર હતા તે લોકો પણ અમારી સાથે કામે લાગ્યા. અંતે અમે એટલી તો સિદ્ધિ મેળવી જ લીધી કે વરસાદી પાણી જે વ્યર્થ જતંુ હતંુ તેનો સંગ્રહ કરી ઉપયોગ કરી શકીએ. અત્યારે અમે જે કામ શરૃ કર્યું છે તે ઉનાળામાં અમને પાણીની સમસ્યાથી મુક્તિ અપાવશે. એટલું જ નહીં, આગામી પાંચ વર્ષમાં અમારા વિસ્તારના રહેવાસીઓને પાણી સમસ્યાનો સામનો નહીં કરવો પડે, પરંતુ આ માટે સતત પાણીનો સંગ્રહ કરવો પડશે.’

Related Posts
1 of 258

જ્યારે પોતાના ઘરમાં જ વરસાદી પાણીને સંગ્રહ કરતા સુશીલ વાસને કહે છે કે, ‘અમારા ત્યાં તો પાણીની સમસ્યા વર્ષોથી છે. વેચાતું પાણી પણ કેટલું લેવું, કાયમી ઉકેલ શોધ્યા વિના ચાલે તેમ જ નહોતંુ. અમે વરસાદી પાણીનો સંગ્રહ કરવાનું વિચાર્યું અને તે માટે સંપૂર્ણ આયોજન કર્યું. ધાબા પર આવતા વરસાદી પાણીને પાઇપ દ્વારા બોરમાં ઉતારીએ છીએ. જેમાં ઝાઝો ખર્ચ પણ નથી થતો. પાણીને બોરમાં લાવવાની વ્યવસ્થા એ પ્રમાણે કરાઈ છે કે પાણી બિલકુલ ચોખ્ખું બનીને જ બોરમાં ઊતરે. જ્યારે આજુ-બાજુના લોકોને પાણીની સમસ્યા હોય છે ત્યારે અમે સંગ્રહ કરેલા પાણીનો ઉપયોગ કરીએ છીએ અને બની શકે તો બીજાને પણ મદદ કરીએ છીએ.’

સાચા અર્થમાં પાણીને બચાવવા માટેના પ્રયત્નો
આણંદ જિલ્લાના બોરસદ શહેરમાં પણ નાગરિકો જાગૃત બની રહ્યા છે. બોરસદની જુદી-જુદી પાંચ સોસાયટીઓના રહેવાસીઓએ સાથે મળીને વરસાદ, એક્વાગાર્ડમાં વેસ્ટ જતાં પાણી અને ઘર વપરાશના પાણીને રિવર્સ બોર મારફતે જમીનમાં ઉતારવાની વ્યવસ્થા કરી છે. પાણી બચાવોની માત્ર વાતો જ નહીં, પરંતુ અહીં સાચા અર્થમાં પાણીને બચાવવા માટેના પ્રયત્નો હાથ ધરાયા છે. આ સોસાયટીમાં રહેતા ૩૦૦ મકાન માલિકો ૧.૫ કરોડ લિટર પાણી જમીનમાં ઉતારીને તેનું શુદ્ધીકરણ કરી રહ્યા છે. બોરસદની સંસ્કાર, સંકલ્પ, સમર્થ, સહજાનંદ સહિત અનેક સોસાયટીઓ આ રીતે વરસાદી પાણી અને ઘરના વેસ્ટ પાણીની જાળવણી માટે રિવર્સબોરની સિસ્ટમ અપનાવી રહ્યા છે.

આ વિશે વાત કરતા મેહુલભાઈ પટેલ કહે છે કે, ‘પહેલા વરસાદ પડતા સોસાયટીમાં પાણી ભરાઈ જતા હતા. હવે તેના કાયમી નિકાલ માટે વિચારવંુ જરૃરી હતું. માટે સોસાયટીના રહીશોએ સાથે મળી બે રિવર્સબોર બનાવી વરસાદી પાણી સહિત ઘરવપરાશનું પાણી પણ શુદ્ધ કરી જમીનમાં ઉતારવાનો પ્રયત્ન કર્યો જેમાં સફળતા મળી. પહેલા જ્યારે વરસાદ પડતો ત્યારે ચાર માસ દરમિયાન તમામ સોસાયટીઓનાં મકાનોમાંથી અંદાજે એક કરોડ લિટર જેટલું પાણી વ્યર્થ વહી જતું અને એક્વાગાર્ડ તથા ઘરવપરાશનું પચાસ લાખ લિટર પાણીનો બગાડ થતો. જેને રિવર્સબોર બનાવીને વેસ્ટ થતું અટકાવવામાં આવ્યું. વરસાદી અને વેસ્ટ પાણી પાઇપલાઇન દ્વારા ભૂગર્ભ ચેમ્બર્સમાં ઉતારવામાં આવે છે. સોસાયટીમાં પાંચ ચેમ્બર્સ બનાવવામાં આવી છે. આ ચેમ્બર્સમાં આવતાં પાણીને એક કૂવામાં ઉતારાય છે. જ્યાં પાણીનો કચરો જમીનમાં બેસી ગયા પછી સ્વચ્છ પાણી પાઇપલાઇન દ્વારા ૨૫૦ ફૂટ ઊંડા રિવર્સબોરની મદદથી જમીનમાં ઉતારવામાં આવે છે. ૪૦ ફૂટ બાય ૪૦ ફૂટના બનાવેલા કૂવામાં પથ્થરો નાંખી ૨૫૦ ફૂટ ઊંડો રિવર્સબોર બનાવવામાં આવ્યો છે. રીચાર્જ બોરની મદદથી જમીનમાં માત્ર સારું અને ચોખ્ખું પાણી જ ઉતારવામાં આવે છે.’

ખંભાતી ટાંકા વરસાદી પાણીનો જળસંચય કરવા માટે ઉત્તમ
ખંભાત શહેરમાં પાણી સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા પાણીના ટાંકાની પરંપરા દાયકાઓ જૂની છે. જે પદ્ધતિને આજે અનેક લોકો અપનાવી રહ્યા છે. ખંભાતના રહેવાસીઓ ભૂગર્ભમાં આવેલા પાણીના ટાંકામાં જળસંગ્રહ કરી વર્ષ દરમિયાન તેનો ઉપયોગ કરે છે. ખંભાતમાં રહેતા સોનલબહેન પંડ્યા કહે છે કે, ‘ભૂગર્ભના ટાંકા તો અમને અમારા વડીલોના આશીર્વાદરૃપ છે. મઘા નક્ષત્રના વરસાદી પાણીને અમે ટાંકામાં ભરીએ છીએ જે વર્ષ દરમિયાન અમે પીવાના ઉપયોગમાં લઈએ છીએ. અહીં ક્યારેય પીવાના પાણીની સમસ્યા સર્જાતી નથી.’ જ્યારે ખંભાતના ભૂર્ગભમાં બનાવેલા પાણીના ટાંકા ઉત્તમ કેમ છે અને તેની રચના કેવી રીતે બની છે તે વિશે વાત કરતા મુકેશભાઈ રાઠોડ કહે છે, ‘આપણો દેશ ગામડાઓનો બનેલો દેશ છે અને જ્યાં પાણીનો સંગ્રહ કરવાની પદ્ધતિ છે. ઘર પર આવેલા ધાબા, કે છાપરા પર પડતાં પાણીને નાળ કે પાઇપ દ્વારા ટાંકીમાં એકત્ર કરવામાં આવે છે. જેના માટે જમીનમાં ૧૫ ફૂટ ઊંડો અને ૧૨ ફૂટ પહોળો ખાડો કરીને તેને ચૂના, સિમેન્ટ કે પછી ચિરોડીથી ચણતર કરવામાં આવે છે. તેને મજબૂત બનાવવા ચારેકોર પ્લાસ્ટર કરવામાં આવે છે. પ્રથમ વરસાદનું પાણી જવા દઈને પછીથી પાણીને ટાંકામાં ઉતારવામાં આવે છે. આ પાણી લાંબો સમય સુધી પીવાલાયક બની રહે છે. સામાન્ય રીતે અન્ય પાણી બે-ચાર દિવસમાં ખરાબ થઈ જાય છે, પરંતુ ટાંકામાં સંગ્રહ કરેલંુ વરસાદી પાણી વરસો વરસ પીવા યોગ્ય રહે છે.’

ખંભાત શહેરમાં સો વર્ષ કરતાં પણ વધુ જૂના હોય તેવા ભૂગર્ભ ટાંકા હાલમાં પણ ચાલુ સ્થિતિમાં છે. ખાસ કરીને આ ટાંકામાં મઘા નક્ષત્ર અને સ્વાતિ નક્ષત્ર દરમિયાન વરસતા વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવે છે.  ઘણા ઘરમાં તો ૨૦૦ વર્ષ કરતાં પણ જૂના ટાંકા છે જે હાલમાં પણ ચાલુ સ્થિતિમાં છે. શહેરમાં ૭૦થી ૭૫ ટકા લોકો હાલમાં પણ જૂના ટાંકામાં વરસાદી પાણીનો સંગ્રહ કરે છે. સંજોગો પ્રમાણે જૂના ઘરનું રિનોવેશન કરાવે કે પછી નવંુ બનાવે છતાં પણ પાણીના ટાંકા તો એ જ સ્થિતિમાં રહે છે. જોકે સમયની સાથે ટાંકામાંથી પાણી નિકાળવાની પદ્ધતિ જરૃર બદલાઈ છે. હવે લોકો ઇલેક્ટ્રિક મોટર, કે હેડપમ્પ દ્વારા પાણી મેળવતા થયા છે. ટાંકાની રચના એ પ્રકારની હોય છે કે વરસાદી પાણીનો સંગ્રહ કર્યા પછી લાંબા સમય સુધી ભૂગર્ભ ટાંકા બંધ હોય છે, સૂર્યનો પ્રકાશ પણ પડતો નથી છતાંય પાણીમાં લીલ જામતી નથી. પાણી ૧૧૦થી ૧૨૦ ટી.ડી.એસની માત્રા ધરાવે છે.

વિશ્વના ૮૦ દેશોમાં પાણીનો પ્રશ્ન જટિલ બન્યો છે. વિશ્વના ૪૦ ટકા લોકોને પીવાનું પાણી મળતું નથી. સમગ્ર વિશ્વમાં અંદાજે ૨૦ લાખ લોકોનું દર વર્ષે પાણીની ખામી અને સ્વચ્છ પીવાના પાણીના અભાવે મૃત્યુ થાય છે. એક અંદાજા પ્રમાણે વર્તમાન સમયમાં ૪૮ દેશોની બે અરબ જેટલી વસ્તી પાણીની સમસ્યાતળે અસરગ્રસ્ત છે. આવનારા સમયમાં પાણીની ભયાનક અછત ઊભી થવાના એંધાણ નકારી શકાય તેમ નથી. માટે દેર આયે દુરસ્ત આયેની જેમ આપણે પણ આજથી જ પાણીની સમસ્યાનું સમાધાન જાતે જ મેળવીને વરસાદી પાણીનો સંગ્રહ કરી અને બગાડ થતાં પાણીને અટકાવી યોગ્ય ઉપયોગ કરવાનો નિર્ધાર કરવો જરૃરી છે.
—————————-

Leave A Reply

Your email address will not be published.

Translate »