તમારા માટે, તમારી સાથે, સતત…

સૌરાષ્ટ્રમાં વરસાદનું પાણી સંગ્રહ કરવાની દિશામાં કદમ તેજ કરવાની જરૂર છે

વરસાદનું પાણી સંગ્રહ કરવાનું તેમણે પ્લાનિંગ કર્યું

0 200
  • કવર સ્ટોરી – દેવેન્દ્ર જાની

પાણીની કિંમત સૌરાષ્ટ્રવાસીઓ બહુ સારી રીતે સમજી શકે છે. સૌરાષ્ટ્રના લોકોને વારંવાર દુષ્કાળનો ભોગ બનવું પડતું હોવાથી પાણીનું મૂલ્ય સમજે છે. પાણીની સમસ્યાના ઉકેલ માટે અનેક સ્તરે પ્રયાસો ચાલી રહ્યા છે, તેમાં એક છે વરસાદનંુ પાણી શક્ય તેટલું સંગ્રહ કરવું. સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રયાસોથી પાણી સંગ્રહ કરવા માટે જાગૃતિ આવી રહી છે, પણ હજુ આ દિશામાં ઘણુ કામ કરવું પડે તેમ છે.

Related Posts
1 of 262

સૌરાષ્ટ્રમાં વરસાદનું પાણી સંગ્રહ કરવા માટે કેવી રીતે કામ થઈ રહ્યું છે તેને સમજવા માટે આ વિષયને બે ભાગમાં સમજવો પડે તેમ છે. એક તો ગ્રામ્ય સ્તરે ખેત તલાવડી કે ચેકડેમ બાંધીને વરસાદનું પાણી નદીઓમાં વહેતંુ અટકાવીને તળ સાજા કરવાનું કામ થઈ રહ્યું છે. ૧૯૯પ પછી એટલે કે કેશુભાઈ પટેલની સરકાર આવી ત્યાર પછી જળસંચયના આ કામમાં નોંધનીય પ્રગતિ થઈ હતી. સરકારે ગ્રામ્ય સ્તરે આ કાર્યને વેગવાન બનાવવા સિંચાઈ વિભાગને સક્રિય કર્યો હતો, પણ એ વખતે નાનાં-મોટાં શહેરોમાં વરસાદનું પાણી સંગ્રહ કરવા કોઈ જાગૃતિ જોવા મળી ન હતી એટલે આ દિશામાં સૌ પહેલાં ગ્રામ્ય સ્તરેથી કાર્ય શરૃ થયું હતંુ. ખેડૂતો જાતે ખેતરોના વહી જતાં પાણીને કૂવામાં વાળવા પ્રયાસો કરતા થયા છે. સૌરાષ્ટ્રનાં અનેક ગામોમાં લાખો ચેક ડેમ બની ગયા છે, તેનો ફાયદો થઈ રહ્યો છે, ગામડાંઓમાં વરસાદ આવે તો નજીકના ચેક ડેમ ઓવરફલો થઈ જાય છે.

સૌરાષ્ટ્રના શહેરી વિસ્તારોની વાત કરીએ તો પોરબંદર પંથકમાં દાયકાઓથી લોકો ઘરમાં ટાંકા બનાવે છે. ઘરનું પાણી ઘરમાં જ રહે તે કન્સેપ્ટ સૌ પહેલાં પોરબંદર પંથકમાંથી જ બહાર આવ્યો છે. આજે પણ પોરબંદરના જૂનાં મકાનોના ફળિયામાં ટાંકા જોવા મળે છે. ધીરે ધીરે ગામનું પાણી ગામમાં અને શેરીનંુ પાણી શેરીમાં રહે તેવંુ લોકો વિચારતા થયા છે. નાનાં શહેરોમાં નવા બનતા મકાનમાં પાણીના ટાંકા કરવામાં આવે છે. જોકે તે મોટા ભાગે સુધરાઈના નળનું વધારાનંુ જે પાણી આવે તેને સંગ્રહિત કરવામાં ઉપયોગમાં લેવામાં આવે છે. મોટી ટાઉનશિપ બનતી હોય છે ત્યારે ફળિયાના ભાગનો આવા ટાંકા બનાવવામાં ઉપયોગ થાય છે, પણ રાજકોટ અને જામનગર જેવાં શહેરોમાં નવા મકાન બંધાય છે એ વખતે જ વરસાદનંુ પાણી સંગ્રહ કરવા માટેની સિસ્ટમ ઊભી કરવાની શરૃઆત થઈ છે, પણ આવો વર્ગ ખૂબ જ મર્યાદિત છે.

રાજકોટના યુનિવસિર્ટી રોડ પર આવેલા જલારામ પ્લોટમાં અમિતભાઈ અઢિયાના ચાર માળના મકાનનંુ ચણતર કામ ચાલુ છે. અગાઉથી જ વરસાદનું પાણી સંગ્રહ કરવાનું તેમણે પ્લાનિંગ કર્યું હોવાથી મકાનના ચણતર વખતે જ અલગથી એક દાર બનાવ્યો છે. અમિતભાઈ ‘અભિયાન’ને કહે છે, ‘મેં ઘરના પાછળના ભાગમાં બે દાર બનાવ્યા છે. ૧પ૦ ફૂટનો એક દાર માત્ર વરસાદનંુ સંગ્રહિત કરવા જ બનાવ્યો છે. ચોથા માળની અગાશી પરથી વરસાદનું પાણી નીચે સુધી આવે તે માટે પાઇપ ફિટ કરી છે તેને સીધી આ દાર સાથે જોડી છે. નીલ અને વ્રિતીકા આ બંને ભાઈ-બહેને રેઇન વૉટર હાર્વેસ્ટિંગ માટે લોકોને પ્રેરિત કરવાનંુ અભિયાન છેડ્યું છે. તેમનાં સૂચન બાદ મેં નવા મકાનમાં આ પ્રયોગ કર્યો છે. વીસેક હજારનો ખર્ચ થયો છે, પણ વરસાદનું પાણી આ દારમાં સંગ્રહિત થવાથી ભવિષ્યમાં આસપાસનાં તળ સાજા રહે છે. મતલબ લાંબા ગાળે મોટો ફાયદો થશે. નજીકની શિવસંગમ સોસાયટીમાં રહેતા અજયભાઈ કતીરાએ પણ આવું વિચારીને તેમના નવા મકાનનંુ બાંધકામ ચાલુ છે ત્યારે જ વધુ એક અલગ દાર વરસાદનંુ પાણી સંગ્રહ કરવા બનાવ્યો છે. રાજકોટ કોર્પોરેશન દ્વારા નવી જે આવાસ યોજનાઓ બની રહી છે તેમાં ગ્રાઉન્ડ વૉટર રીચાર્જ થાય તે માટે શરૃઆતથી જ એક આખી સિસ્ટમ ઊભી કરવામાં આવે છે. ખાસ ફરજ પરના અધિકારી અલ્પનાબહેન મિત્રા કહે છે, ‘ર૦૧૩ પછી બનેલી વીસ જેટલી આવાસ યોજનામાં અગાઉથી વરસાદનંુ પાણી સંગ્રહિત થાય તે માટે ગ્રાઉન્ડમાં એક કૂવો બનાવવામાં આવી રહ્યો છે, તેમાં પથ્થરોની મદદથી પાણી સંગ્રહિત કરવામાં આવી રહ્યું છે. આ પ્રયોગથી વરસાદનંુ જમીનમાં પાણી ઊતરે છે અને તળ સાજા રહે છે.’
————————————–.

Leave A Reply

Your email address will not be published.

Translate »