કોણાર્કના અદ્ભુત સૂર્ય મંદિરનો અકલ્પ્ય જીર્ણોદ્ધાર
આ ભવ્ય મંદિર જીર્ણ બની ગયું તેનો અફસોસ આજની સમજદાર પેઢીને જરૃર થાય.
- કવર સ્ટોરી – વિનોદ પંડ્યા
કોણાર્કનો અર્થ સૂર્યનો ખૂણો અથવા સ્થાન એવો થાય છે. અર્ક એટલે સૂર્ય. આ નામનું નગર પણ અહીં જ છે. મંદિર બંધાયું ત્યારે ચન્દ્રભાગા નદી અહીં જ સમુદ્રને મળતી હતી, પણ કાળક્રમે પુરાણ થતાં તેનો કાંઠો દૂર ગયો છે. ઐતિહાસિક લખાણોમાં મંદિરનો ઉલ્લેખ મળે છે. સન ૧૬૭૬ની આસપાસ યુરોપિયન ખલાસીઓ અને નાવિકો તેને ‘કાળા પેગોડા‘ તરીકે ઓળખતા હતા, કારણ કે તેનું શિખર (જે હવે નથી ) કાળું પડી ગયું હતું. જગન્નાથ પુરી મંદિરને તેઓ સફેદ પેગોડા તરીકે ઓળખતા હતા. જોકે, હવે મંદિરની સંરચના પહેલાં જેવી નથી રહી. મંદિરના વિનાશ માટે એક કરતાં વધુ કારણો જવાબદાર મનાય છે.
ઓડિશાના કોણાર્કનું જગપ્રસિદ્ધ સૂર્ય મંદિર આજે સાંગોપાંગ ઊભું નથી. છતાં જેટલો ભાગ ઊભો છે તે બુલંદ અને ભવ્ય છે જ, પણ તેનાથી વધુ ભવ્ય અને બુલંદ જે ભાગ તૂટી પડ્યો છે અથવા મુસ્લિમ આક્રામકો દ્વારા તોડી પડાયો છે તે હતો. આજનાં ખંડેરો કહે છે કે ઇમારત બુલંદ હતી. મંદિર કોમ્પ્લેક્સ જેટલું ઊભું છે તેની પુનઃસ્થાપના અને જીર્ણોદ્ધારનું ભગીરથ કાર્ય આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (એએસઆઇ) દ્વારા હાથ ધરાયું છે. આજે તેનાં ખંડેરો જોઈને દુનિયા નતમસ્તક બને છે, જો તે હેમખેમ ઊભું હોત તો તેની કીર્તિ ચારે દિશામાં ફેલાઈ હોત.
ઈસવીસનની તેરમી સદીમાં ઓડિશા સહિત પૂર્વ ભારતમાં ગંગા વંશનું શાસન હતું. સન ૧૨૩૮થી ૧૨૬૪ સુધી આ વંશના નરસિંહ દેવ એ પ્રદેશના રાજા હતા. જગન્નાથ પુરીથી ઈશાનમાં ૩૫ કિલોમીટર દૂર અને ભુવનેશ્વરથી નૈઋર્ત્યમાં ૬૦ કિલોમીટર દૂર, કોણાર્ક ખાતે, બંગાળના સમુદ્રના કાંઠે આ ભવ્ય મંદિર રચાવ્યું હતું. કોણાર્કનો અર્થ સૂર્યનો ખૂણો અથવા સ્થાન એવો થાય છે. અર્ક એટલે સૂર્ય. આ નામનું નગર પણ અહીં જ છે. મંદિર બંધાયું ત્યારે ચન્દ્રભાગા નદી અહીં જ સમુદ્રને મળતી હતી, પણ કાળક્રમે પુરાણ થતાં તેનો કાંઠો દૂર ગયો છે. ઐતિહાસિક લખાણોમાં મંદિરનો ઉલ્લેખ મળે છે. સન ૧૬૭૬ની આસપાસ યુરોપિયન ખલાસીઓ અને નાવિકો તેને ‘કાળા પેગોડા’ તરીકે ઓળખતા હતા, કારણ કે તેનું શિખર (જે હવે નથી ) કાળું પડી ગયું હતું. જગન્નાથ પુરી મંદિરને તેઓ સફેદ પેગોડા તરીકે ઓળખતા હતા. બંગાળના સમુદ્રમાં આ બંને શિખરો દુનિયાના ખલાસીઓને માર્ગ દર્શાવતા હતાં તેથી લોકપ્રિય હતાં. મંદિરના વિનાશ માટે એક કરતાં વધુ કારણો જવાબદાર મનાય છે. મંદિરના બાંધકામ માટે વપરાયેલો સ્થાનિક ‘ખોંડોલાઈટ’ પથ્થર પણ સમુદ્રના હવામાન સામે ટકી શક્યો નથી તે એક કારણ છે. પણ એ જ પથ્થરમાંથી બનેલાં બીજા મંદિરો હજી ઊભાં છે. બીજું કારણ એ અપાય છે કે ૧૫થી ૧૭મી સદી સુધીમાં મુસ્લિમ આક્રામકો અને ધાડપાડુઓએ તે તોડી પાડ્યું હતું. ગુજરાતના સિદ્ધપુર ખાતે સિદ્ધરાજ જયસિંહે બંધાવેલું પ્રસિદ્ધ રુદ્રમહાલય સહસ્ત્રલિંગ મંદિર મુસ્લિમોએ તોડી પાડ્યું હતું અને તેના પર ચૂનાથી મસ્જિદ બાંધી દીધી છે એવી કોઈ મસ્જિદ કોણાર્કમાં બંધાઈ નથી, પરંતુ કાલાપહાડ નામનો એક મુસ્લિમ આક્રામક મંદિરનાં કળશ, ધ્વજ અને કિંમતી ચીજો સાથે ઉઠાવી ગયો હતો. એણે મંદિરનું શિખર તોડ્યું હતું. આજે મંદિરનો જે ભાગ અસ્તિત્વ ધરાવે છે તે માટે બ્રિટિશરોને યશ આપવો પડે. બ્રિટિશ સરકારના ખાસ પ્રયત્નોને કારણે કલિંગ સ્થાપત્યનો આ અદ્ભુત નમૂનો ટકી રહ્યો છે. ૧૮૯૪માં યુનેસ્કોએ આ મંદિર કોમ્પ્લેક્સને વર્લ્ડ હેરિટેજ (વૈશ્વિક વારસો) જાહેર કર્યું હતું અને આજે પણ મંદિર પૂજા અને આસ્થાનું સ્થળ છે. ફેબ્રુઆરી મહિનામાં અહીં ‘ચન્દ્રભાગ’ મેળાનું આયોજન થાય છે.
મંદિર સાંગોપાંગ હતું ત્યારે તેનો સમગ્ર ઘાટ એક વિશાળ સૂર્ય રથ જેવો બનાવાયો હતો. સુંદર કલ્પનાશીલતાનું આ ચરમબિન્દુ કહેવાય. તેનું મુખ્ય શિખર એ રથની મુખ્ય છત્રી હતી. રથ કોમ્પ્લેક્સની બંને બાજુઓ બાર બાર વિશાળ અને ઝીણવટભર્યાં નકશીવાળાં પૈડાં હતાં તે આજે પણ જોવા મળે છે. દરેક પૈડાંનો વ્યાસ ૧૨ ફીટ છે. મતલબ કે પૈડાંની એક્સેલ (ધરી) સુધી પણ સામાન્ય માણસનું માથું ના પહોંચે એટલાં વિશાળ એ પૈડાં. બાર પૈડાં વરસના બાર મહિના અને કૃષ્ણ તેમ જ શુક્લ પક્ષના પ્રતીક છે. બંને બાજુ મળીને કુલ ૨૪ પૈડાં છે. તેના પરના નકશીકામની સુંદરતા અને સંપૂર્ણતા તેને જોઈને જ સમજી શકાય. પૈડાંની ધરી અને પિન એવી રીતે કોતરાયાં છે કે જાણે અસલ ધરી અને પિન (કાઠિયાવાડીમાં જેને ‘બડલ’ કહે છે) અસલી મૂકવામાં આવ્યાં છે. રથ સાથે જોડાયેલા સાત અશ્વોનું નકશીકામ પણ અદ્ભુત. મંદિર કોમ્પ્લેક્સ એક સો ફીટ (૩૦ મીટર) ઊંચા રથ જેવું છે જેની પ્લિન્થનો સમગ્ર ભાગ, થોડી નુકસાની સાથે, હજી અકબંધ છે. ૩૦ મીટર ઊંચા એ રથ પર ૨૦૦ ફીટ ઊંચું શિખર અથવા છત્રી હતી. એ છત્રીનું અથવા મુખ્ય ગોપુરમ શિખરનું અસ્તિત્વ આજે રહ્યું નથી, પણ જગમોહન તરીકે ઓળખાતો મંડપ અને તેની આગળ એક નટમંડપ આજે જીર્ણ હાલતમાં હયાત છે. આ મંદિર સૂર્ય દેવાલય તરીકે પણ ઓળખાય છે. તેની દીવાલો પરના નકશીકામ તેમજ કલ્પનાશીલ સ્થાપત્ય કલા માટે તે જગમશહૂર બન્યું છે. અનેક થીમની કલ્પનાઓ પર શિલ્પકામ થયું છે. સૂર્ય દેવની ઉપાસના સાથે જીવનના અનેક ક્રમોને વણી લેવામાં આવ્યા છે. કામ અને મૈથુનની થીમ પર પણ શિલ્પકૃતિઓ જોવા મળે છે. સમુદ્રની પાશ્ચાદભૂમિ સાથે આ સૂર્ય મંદિર રથને નિરખવામાં આવે તો સમુદ્રના નીલા પાણીમાંથી સૂર્ય દેવનો સાત અશ્વોનો રથ બહાર આવી રહ્યો છે અને પરિક્રમા માટે તૈયાર થઈ રહ્યો છે એવું દૃશ્ય ઊપસે છે. આ રથના મહારથી ‘અરુણ’ છે અને અરુણ માટેનો એક અલગ સ્તંભ પણ મંદિરમાં રચવામાં આવ્યો હતો. મંદિરના મુખ્ય સૂર્ય દેવની માનવ કદની પ્રતિમા હવે રહી નથી. માત્ર તે માટેનું મૂર્તિતલ (પેડેસ્ટબ) હયાત છે, પરંતુ રથના આ મુખ્ય સવાર સૂર્ય દેવ બંને હાથમાં એક એક કમળ લઈને ઊભા હતા. એમની બંને બાજુ ઉષા અને પ્રત્યુષા નામની પ્રાતઃકાળની દેવીઓ ઊભેલી છે. બંને દેવીઓના હાથમાં તીર છે જે અંધારાને દૂર કરવાના પ્રતીક તરીકે રખાયાં છે. મંદિર વૈદિક આધાર પર બનાવાયેલું છે જેમાં સૂર્યોપાસના પ્રમુખ હતી. જે સાત અશ્વો છે તેને સંસ્કૃત છંદશાસ્ત્રનાં સાત નામ અપાયાં છે. જેમ કે ગાયત્રી, બૃહતિ, ઉષ્નીય, જાગતિ, ત્રિષ્ટુભા, અનુષ્ટુભ અને પંક્તિ. અરુણ માટેનો અરુણ સ્તંભ, જે જગમોહન અને નટમંડપની વચ્ચે હતો તે કોઈક સમયે જગન્નાથ પુરીના મંદિરમાં કોઈક કારણસર ખસેડાયો છે. મંદિરની રચના કપિલ વાત્સાયન મુજબ વર્તુળ અને ચોરસ ભૌમિતિક ઘાટમાં થઈ છે, તેના ઉલ્લેખો ઓડિશા શૈલીનાં મંદિરોની રચના માટેના ‘શિલ્પ સારિણિ’ ગ્રંથમાં પણ મળે છે. સૌથી મહત્ત્વનો ઉલ્લેખ નકશીકામનો કરવો પડે. સોનાનાં ઘરેણાં પર જે ચીવટ અને કુશળતાથી નકશીકામ કરવું પડે તે પથ્થરો પર થયું છે. હિન્દુ દેવીદેવતાઓ, અપ્સરાઓ, સંગીત મંડળીઓ, જળચર પ્રાણી પક્ષીઓ, રોજબરોજના જીવનક્રમ, અર્થ અને ધર્મ જણાવતાં શિલ્પો દર્શાવે છે કે આપણા પૂર્વજો મહાન હતા અને વર્તમાન ભારત એ અમૂલ્ય વારસો જાળવી શક્યું નથી.
આ ભવ્ય મંદિર જીર્ણ બની ગયું તેનો અફસોસ આજની સમજદાર પેઢીને જરૃર થાય. એવો પણ સવાલ થઈ રહ્યો છે કે સમુદ્રના કાંઠે નરસિંહ દેવે (પ્રથમ) આ મંદિર શા માટે બાંધ્યું? અને તે પણ એવા ખોંડોલાઈટ પથ્થરો વડે બાંધ્યું જે સમુદ્રની હવામાં ખવાઈ જાય. બીજા મજબૂત પથ્થરો પણ અહીં ઉપલબ્ધ હતા. શું રાજાના સ્થાપત્યકારો અથવા સ્થપતિઓ એ વાતથી વાકેફ ન હતા કે સમુદ્રની હવા, રેતી, ખારાશ અને ભેજ સામે આ પથ્થરો ટકી શકતા નથી? ખૂબ જ ચોક્સાઈપૂર્વક મંદિરના બાંધકામનું આયોજન થયું હતું ત્યારે આ જાણ્યે અજાણ્યે થયેલી ભૂલ ગણાય. તેઓએ મજબૂત ક્લોરાઈટ પથ્થર વડે સૂર્ય દેવની મળીને ત્રણ પ્રતિમાઓ રચી હતી ત્યારે પથ્થરની ગુણવત્તા વિશે સ્થપતિઓને જ્ઞાન તો હતું જ. તો પછી આમ કેમ થયું તે કોયડો છે. મંદિરના બારસાખ પણ ક્લોરાઈટ પથ્થરોમાંથી ઘડવામાં આવ્યાં હતાં.
આજે સૂર્ય મંદિરનું રક્ષણ કરવું તે હવામાન સામે ઝઝૂમવા જેવું છે. એએસઆઇના સ્થપતિઓ અને સુરક્ષાકારોએ મંદિરની જાળવણી અને પુનઃસ્થાપનાનું મોટું કામ હાથ ધર્યું છે. પ્રથમ તો મંદિરના બાંધકામ અને શિલ્પોને પાણીના ધોધ (હોઝ પાઇપ) વડે સંભાળપૂર્વક સાફ કરવા પડે છે. દાયકાઓ અને સદીઓથી તેના પર અને પથ્થરનાં છિદ્રોમાં જમા થયેલી ખારી રેતી, શેવાળ, ભેજ અને બીજી અશુદ્ધિઓને દૂર કરવી પડે છે. ત્યાર બાદ તેના પર કાગળના માવાનો લેપ લગાવવો પડે છે. એ લેપ રહી સહી અશુદ્ધિઓને પકડી લે છે. બાદમાં એ લેપ દૂર કરવામાં આવે છે. ત્યાર બાદ તેના પર જીવાણુનાશક અને ફૂંગીનાશક દવાઓની ટ્રીટમેન્ટ અપાય. જે પથ્થરો નબળા પડી ગયા હોય તેને મજબૂત બનાવે તેવાં રસાયણોનો ઢોળ અને પ્રાશ ચડાવવામાં આવે. પથ્થરોમાં કે સાંધાઓમાં તિરાડો પડી હોય તો તેમાં રસાયણ ભરીને જોડવામાં આવે.
મંદિરના પ્રાંગણમાં, મેદાનમાં અને દરિયાકાંઠે મંદિરનાં પથ્થરો, શિલ્પો વગેરે વિખેરાઈને પડ્યાં છે. કેટલાક તો સદીઓની અવગણનાને કારણે માટીના થરોની નીચે દટાઈ ગયાં છે. મંદિરની ‘પ્રકાર’ દીવાલને અડીને અનેક શિલ્પો અને પથ્થરો પર રેતીના થર જામ્યા છે. ગયા ફેબ્રુઆરી મહિનામાં એએસઆઇ દ્વારા આ સઘળા અવશેષો હાથ કરી, તેઓની તસવીર લઈ, ક્રમ નંબર આપીને ચોપડા પર ચડાવવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. એએસઆઇના ભુવનેશ્વર વિભાગના વડા અરુણ મલિક એ પ્રોજેક્ટ સંભાળી રહ્યા છે. અહીંનાં તમામ શિલ્પો, મૂર્તિઓ અને પથ્થરો હાથ કરાયા બાદ એક નવા મ્યુઝિયમમાં પ્રદર્શનમાં મૂકવામાં આવશે. આ એક ખૂબ મોટો પ્રોજેક્ટ છે અને તે પરિપૂર્ણ થતાં ચાર વરસ લાગશે.
મંદિરમાં શ્રદ્ધા ધરાવતા લોકો છે, પણ ત્યાં પૂજા આરતી થતાં નથી. મુખ્ય સૂર્ય દેવની પ્રતિમા જ નથી. જે બે બાંધકામો બચ્યાં છે તેમાં એક જગમોહન નામનો પિરામિડ જેવો ગુંબજ ધરાવતો વિશાળ મંડપ છે. આ જગમોહન મંડપ જ ૩૯ મીટર એટલે કે ૧૨૮ ફીટ જેટલો ઊંચો છે. લગભગ ૧૪ માળની ઇમારત જેટલો ઊંચો. આ મંડપ હજી અકબંધ ઊભો છે અને તેથી રૃબરૃ પ્રવાસે જવાથી તેની ભવ્યતા વધુ સમજી શકાય. જગમોહનની મરમ્મતનું કામ ચાલી રહ્યું છે. અહીંની તસવીરોમાં સમારકામ માટે વાંસના માંચડા ઊભા કરાયા છે, તે જગમોહન મંડપ છે. જગમોહનનો અર્થ દુનિયામાં સૌને આકર્ષનારું, સૌથી આકર્ષક એવો થાય છે. તેના પર સેંકડો નકશીકામો, શિલ્પો છે. જગમોહનથી લભગ ૨૫ ફીટ દૂર એક અલગ પ્લેટફોર્મ છે, જે નટમંડપ હતો. ત્યાં સંગીતકારો વાદ્યો વગાડતાં અને નર્તકીઓ નૃત્ય કરતી. એ દર્શાવતાં શિલ્પો પણ ત્યાં મોજૂદ છે, પરંતુ નટમંડપના છત્રનો ભાગ હાલમાં અસ્તિત્વમાં નથી.
કોણાર્કનું સૂર્ય મંદિર હવે વર્લ્ડ હેરિટેજ સાઇટ છે અને તેથી તેની જાળવણીનું કામ આંતરરાષ્ટ્રીય નિયમો પ્રમાણે કરવું પડે છે. જગમોહન અને નટમંડપનાં બાંધકામો હાલમાં તો સ્થિર છે અને તૂટી પડે તેવી સ્થિતિમાં નથી. આમ છતાં નિયત સમયે તેની જાળવણી અને સુરક્ષાનું કામ પડકાર રૃપ છે, કારણ કે મંદિરનું માળખું ૮૦૦ વરસ જૂનું છે. વળી, આગળ લખ્યું તેમ તે સમુદ્ર કાંઠે હોવાથી તેને હાનિ પણ જલ્દી પહોંચે છે. ખોંડોલાઇટ છિદ્રાળુ (કાણાવાળો) પથ્થર છે અને તે ઝડપથી ખવાઈ જાય છે. અરુણ મલિક કહે છે કે નિયત સમયે બાંધકામની સાયન્ટિફિક સફાઈ કરવી પડે છે. એએસઆઇ દ્વારા જગમોહન મંડપના બાંધકામનો અભ્યાસ કરવા વાંસનો માંચડો બાંધવામાં આવ્યો હતો. કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (સીએસઆઇઆર) રૃડકી, ઉત્તરાખંડની પેટા સંસ્થા સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બાંધકામનો અભ્યાસ કરી, કેન્દ્ર સરકારને અહેવાલ આપવામાં આવ્યો હતો. એ અહેવાલની ભલામણોનું પાલન કરવાનું પડકારરૃપ છે તેમ અરુણ મલિક કહે છે. તે ભલામણોમાં એક ભલાામણ એવી છે કે જગમોહનની અંદરના ઓરડાઓને પૂરેપૂરા રેતીથી ભરી દેવા. તેની ઝરૃખા જેવી છતને મજબૂત રાખે તેવા ટેકા પૂરા પાડવા. એએસઆઇ દ્વારા આ ભલામણો અમલમાં મુકાઈ રહી છે. જગમોહનના અંદરના ભાગને ટૂંક સમયમાં જ રેતીથી ભરી દેવામાં આવશે. તેનો અર્થ એ થશે કે લોકો બહારથી જગમોહનનું બાંધકામ નિહાળી શકશે, પણ અંદર પ્રવેશવા માટે જગ્યા જ નહીં હોય.
જોકે હાલમાં પણ જગમોહનની અંદર પ્રવેશી ના શકાય તેવી બિસ્માર સ્થિતિ છે. દૂરથી ઓપરેટ કરી શકાય એવા કેમેરા વડે તેનો અભ્યાસ કરવામાં આવે છે.
જગમોહન મંડપની અંગ્રેજોના સમયની ખૂબ જૂની તસવીરો જુઓ તો સમજાય કે આજે તેની સ્થિતિ ઘણી સારી છે. જગમોહન ખંડને આ પ્રથમ વખત રેતીથી ભરવામાં આવી રહ્યો નથી. તે તૂટી ના પડે તે માટે છેક ૧૯૦૩માં અંગ્રેજોએ તેની છતનો (શિખરનો) ભાગ ખોલી તેમાં રેતી ભરી હતી. આ ખંડના ઉત્તર, પૂર્વ અને દક્ષિણના ત્રણ દરવાજાઓ બંધ કરીને, તેની મૂળ દીવાલોને ટકાવી રાખે તેવી ટેકાની ત્રણ દીવાલો (અથવા ધક્કા) ચણી હતી. છેલ્લાં ૧૧૬ વરસમાં જગમોહનની અંદર કોઈ પ્રવેશ્યું નથી અથવા પ્રવેશી શકાય તેવી સ્થિતિ ન હતી. આ કારણથી ફોટોગ્રાફી અને કેમેરા દ્વારા નિરીક્ષણ કરવું પડ્યું હતું. બ્રિટિશ રક્ષણકર્તાઓએ જગમોહનના દરવાજા પાસે તકતીમાં લખાણ મૂક્યું છે કે, ‘ભારતીય સ્થાપત્યનો આ શ્રેષ્ઠતમ નમૂનો જળવાઈ રહે તે માટે, બંગાળના લેફ્ટનન્ટ ગવર્નર જે. એ. બોર્દીલોનના ૧૯૦૩ના આદેશ મુજબ મંડપના અંદરના ભાગને (રેતીથી) પૂરવામાં આવ્યો છે.’
અંગ્રેજોએ ભરેલી રેતી હવે સારી પેટે સ્થિર થઈને નીચે બેસી ગઈ છે. હવે નવી રેતી ભરવાની જરૃર ઊભી થઈ છે. મંડપની ટોચ પરની ‘સુખાનસી’ તરીકે ઓળખાતી બારી ખોલીને એએસઆઇના ઇજનેરો હવે નવેસરથી રેતી ઢોળશે. આ માટે ખાસ પ્રકારના માંચડાની રચના કરવી પડશે. એએસઆઇના સૂત્રો કહે છે કે આ મંદિર પરિસર એવડું મોટું છે કે તેની વૈજ્ઞાનિક સફાઈ અને સંરક્ષણની પ્રવૃત્તિમાં જ બાર વરસ લાગી જશે. દરિયાઈ હવામાન ઉપરાંત કોણાર્કમાં તાપમાનમાં પણ વારંવાર તીવ્ર વધારો ઘટાડો થતો જોવા મળે છે. ભેજનું પ્રમાણ પણ ઊંચંુ રહે છે. આ બધાની બાંધકામ પર સામૂહિક અસર પડે છે. મંદિરના બાંધકામ પર એ હકીકતની પણ અસર પડી કે જે ખોંડોલાઇટ પથ્થર વાપરવામાં આવ્યો તે પણ અલગ અલગ
પ્રકૃતિ અને સ્વભાવ ધરાવતો હતો. આથી એક જ બાંધકામમાં જુદા જુદા પથ્થરોના બંધારણ જુદાં પડતાં હતાં. પરિણામે કોઈ જલદી ખવાઈ ગયા અને સમૂળગા બાંધકામને નબળું પાડતા ગયા. પથ્થરોની અંદર વનસ્પતિઓનાં મૂળ પેસી ગયાં તેથી પણ મોટું નુકસાન થયું.
જેનાં રથનાં વિશાળ ચક્રો પરનું બારીક કોતરકામ જોઈને, તેની સુંદરતા અને ચીવટ જોઈને આમ પ્રજા, ઇતિહાસકારો અને આર્કિયોલોજિસ્ટો, કલાકારો દંગ રહી જાય છે એ મંદિર કેવું હશે તેની કલ્પના કરવી મુશ્કેલ નથી. ઇતિહાસકારો તેનાં ચક્રો અથવા પૈડાંને જ મંદિરના મુકુટ સમાન ગણાવે છે. અંગ્રેજો પણ તે જોઈ મંત્રમુગ્ધ બની ગયા. લેખિકા દેવળ મિત્રાએ ‘કોણાર્ક’ શીર્ષકથી પુસ્તક લખ્યું છે જે એએસઆઇ દ્વારા પ્રકાશિત થયું છે. દેવળ મિત્રા લખે છે કે ઓડિશાનાં સેંકડો પ્રાચીન મંદિરોમાં સ્થાપત્યની પરિકલ્પના અને શિલ્પકારીની અજોડ કળાની દૃષ્ટિએ કોણાર્કનું મંદિર શ્રેષ્ઠ અને બેનમૂન છે. લેખિકા સૂર્ય મંદિરને પરિકલ્પનાઓના મહાનગ્રંથ સમાન ગણાવે છે. ‘એવી પરિકલ્પનાઓ કે જેણે સાતમીથી બારમી સદી સુધીના પાંચસો વરસ માટે ઓડિશાની કળાને ધબકતી રાખી હતી.’
મંદિર પરિસરમાં અનેક થીમનાં શિલ્પો છે. જેમાં શૃંગારિક શિલ્પો છે, નાગ કન્યાઓ છે, હાથીઓના સરઘસ છે, ઘોડેસવાર યોદ્ધાઓ છે, સ્નાન બાદ વાળ સરખા કરતી સ્ત્રીઓ છે, શિષ્યોને ભણાવતા ગુરુઓ છે, પલંગ પર નવરાશની પળોમાં બેઠેલી સ્ત્રીઓ છે, આસપાસ નોકરો છે, કૂતરાને લાકડીથી ફટકારતાં પુરુષો છે. એક શિલ્પમાં રાજા હાથીની અંબાડી પર બેઠા છે. એમના હાથમાં ભાલા અને તીર-કમાન છે. હાથી પર મહાવત છે. હાથી સામે લાંબા કુરતા પહેરેલા ત્રણ વિદેશી નાગરિકો છે અને એ વિદેશીઓ સાથે એક જિરાફ લઈને આવ્યા છે. ચિત્ર દર્શાવે છે કે તેઓ એ જિરાફ રાજાને ભેટ આપવા માટે છેક આફ્રિકાથી લઈને આવ્યા છે. તેનો અર્થ એ કે એ કાળમાં પૂર્વ ભારત અને આફ્રિકા વચ્ચે વેપારવણજના સંબંધો હતા.
મંદિર પરિસરમાં સૂર્ય ભગવાનની ત્રણ મૂર્તિઓ બચી છે જે અલગ-અલગ ત્રણ જગ્યાએ સ્થાપિત થઈ હતી. એક પ્રતિમામાં સૂર્ય દેવને અશ્વારૃઢ થયેલા દર્શાવ્યા છે, જ્યારે બીજી બે મૂર્તિઓમાં ઊંચા કદના સૂર્ય દેવ સાત અશ્વો વડે ખેંચાતા રથમાં ઊભા છે. તેમાં રથી તરીકે સાથળ વગરના અરુણ દેવ છે. સૂર્ય દેવની આસપાસ આકાશમાં દેવદૂતો હાથમાં માળા લઈને વિહરતા જોવા મળે છે. ભક્તો પણ ઊભા છે.
ગુજરાતના મોઢેરાના સૂર્ય મંદિર અને કોણાર્કના સૂર્ય મંદિરમાં અમુક કોમન વિગતો જોવા મળે છે. મોઢેરાનું સૂર્ય મંદિર મહેસાણા જિલ્લામાં પુષ્પાવતી નદીના કાંઠે આવ્યું છે. કોણાર્કના સૂર્ય મંદિરની લગભગ ૨૦૦ વરસ અગાઉ, ઈસવીસન ૧૦૨૬-૨૭ બાદ ચૌલુક્ય (સોલંકી) વંશના રાજવી ભીમદેવ પ્રથમના વખતમાં તેનું બાંધકામ થયું હતંુ. અહીંનું નકશીકામ અને કુંડનું નકશીકામ પણ ચિત્તાકર્ષક છે. મુસ્લિમ આક્રામક મહમૂદ ગઝનીએ તેના પર ચડાઈ કરી તેનો નાશ કર્યો હતો. ઈસવીસન ૧૦૨૬ બાદ ભીમ પ્રથમ ગાદીએ બેઠા પછી તેનું બાંધકામ કરાવ્યું હતું, પણ નટમંડપનું તેમજ દરવાજાનું બાંધકામ સદીના ઉત્તરાર્ધમાં રાજા કર્ણ દેવના વખતમાં થયું હતું. તેના સ્તંભો અને છત પરનાં શિલ્પકામ માટે મોઢેરાનું સૂર્ય મંદિર પ્રખ્યાત છે. તેનું બાંધકામ મારુ-ગુર્જર શૈલીમાં થયું છે, પણ સૂર્ય દેવની મૂર્તિઓ બાબતમાં મોઢેરાના અને કોણાર્કના સૂર્ય મંદિરમાં કેટલીક સામ્યતા જોવા મળે છે. જેમ કે સૂર્ય દેવની મૂર્તિએ લાંબા ગોઠણ સુધીના બૂટ (ગમ બૂટ) ધારણ કર્યા છે. પર્શિયન એટલે કે પારસીઓના ભગવાનો આવા બૂટ ધારણ કરતા હોય છે. એ સમયે ગુજરાત અને પર્શિયા વચ્ચે આવન-જાવન અને વેપારનો સંબંધ ખૂબ ખીલેલો હતો. ગુજરાતમાં પારસીઓ આવી ચૂક્યા હતા. એ અસર શિલ્પોમાં જોવા મળે છે. મોઢેરાનું મંદિર કોમ્પ્લેક્સ કોણાર્કના મંદિર કરતાં નાનું હતું. વળી તે અગાઉ બંધાયું હતું તેથી મોઢેરાના સૂર્ય દેવની મૂર્તિની કલ્પના પ્રમાણે કોણાર્કની મૂર્તિની કલ્પના થઈ હોય તે શક્ય છે.
કોણાર્કના કોમ્પ્લેક્સમાં સૂર્યનાં પત્ની માયાદેવીને સમર્પિત એક મંદિર બાંધવામાં આવ્યું હતું, પણ આ મંદિર એટલી હદે રેતી નીચે દબાઈ ગયું હતું કે મંદિરના પશ્ચિમના પરિસરમાં ખોદકામ થઈ રહ્યું હતું ત્યારે તે બહાર આવ્યું હતું. આજથી સો વરસ અગાઉ થયેલા ખનન દરમિયાન તેની ભાળ મળી હતી. અશ્વ પર સવાર થઈને જઈ રહેલા સૂર્ય દેવ, અગ્નિ અને છ હાથવાળા નટરાજના સુંદર શિલ્પો આ મંદિરમાંથી મળી આવ્યાં છે. દસમી-અગિયારમી સદીમાં બંધાયેલા એક ઈંટોના મંદિરના અવશેષો પણ છેક ૧૯૬૫માં મળી આવ્યા હતા.
કોણાર્કમાં ગર્ભગૃહ પરનું મુખ્ય શિખર હતું તે નામશેષ થઈ ગયું છે. ઊંચું લાંબંુ, ગોળ ટાવર અથવા શિવલિંગ આકારનું એ શિખર હતું જે તેના સ્કેચ પરથી જોઈ શકાય છે. તેની ઊંચાઈ ૨૦૦ ફીટ હતી. ટૂક પર કળશ અને ધ્વજા પદ્મ હતાં. શિખરની પડખેની બાજુએ ગજસિંહની મૂર્તિઓ હતી. દરિયાકાંઠાની નરમ, કળણવાળી જગ્યાએ તે બંધાયું હતું તેથી તેનો પાયો હલી ગયો હતો અને તૂટી પડ્યું એવું કારણ પણ અપાય છે. શિખરની ટોચ પર ‘વિમાન’ તરીકે ઓળખાતું બાંધકામ વધુ વજનદાર હતું અને ભૂકંપ કે વીજળી પડવાથી તે ખસી ગયું હોય અને દુર્ઘટના ઘટી હોય તેવી શક્યતા પણ છે. એ પણ પુરાવા મળે છે કે ઈસવીની સોળમી સદીમાં મુસ્લિમ હુમલાખોરો દ્વારા સૂર્ય મંદિર પર હુમલાઓ થયા હતા અને મંદિરની તોડફોડ કરવામાં આવી હતી અને તેથી તેનું વિમાન જમીનદોસ્ત થયું હશે તેમ મનાય છે. સર્વ સામાન્ય મત એવો છે કે શિખર અથવા મુખ્ય મંદિરનું બાંધકામ ક્રમશઃ ધીરે ધીરે તૂટ્યું હતું, પરંતુ તેની શરૃઆત મુસ્લિમ ચડાઈખોરના હુમલા બાદ થઈ હતી તેમ દેવળ મિત્રાનું કહેવું છે.
ઈસવીસન ૧૫૬૫ના અરસામાં, રાજા મુકુંદ દેવના સમયમાં કાલાપહાડ તરીકે ઓળખાતા મુસ્લિમ મૂર્તિભંજકે ઓડિશાનાં મંદિરો પર આક્રમણો કર્યાં હતાં અને કોણાર્કનું મંદિર તોડી પાડવાની કોશિશો કરી હતી. તેમાં તેને સફળતા નહીં મળતા તેઓ કળશ અને ધ્વજા ઉઠાવીને જતા રહ્યા હતા. પરિણામે વિમાન ભાગ ખુલ્લો પડી ગયો હતો. બંગાળ સરકારમાં પીડબલ્યુડીમાં સિવિલ એન્જિનિયર તરીકે સેવા આપી ચૂકેલા બિશન સ્વરૃપે ‘કોણાર્ક ઃ ધ બ્લેક પેગોડા ઓફ ઓરિસા’ શીર્ષકથી પુસ્તક લખ્યું હતું જે આજથી ૧૦૯ વરસ અગાઉ ૧૯૧૦માં પ્રકાશિત થયું હતું તેમાં આ વિગતો લખી છે. એમણે ૧૮૯૨થી ૧૯૦૪ સુધી સૂર્ય મંદિરની જાળવણીની અને સુરક્ષાની જવાબદારી નિભાવી હતી.
કાલાપહાડનાં કરતૂતો બાદ શિખરના પૂર્વ દિશાના પડખે ચણેલા ગજ સિંહની મૂર્તિઓનો ઝરૃખો નીચે તૂટી પડ્યો હતો જેનો કેટલોક ભાગ જગમોહન મંડપની પિરામિડ જેવી છત પર પડ્યો હતો અને પરિણામે છતમાં કાણુ પડી ગયું હતું. તેમ બિશન સ્વરૃપ લખે છે. આજે ગર્ભગૃહમાં સૂર્ય દેવની મૂર્તિ નથી. દુનિયાના કોઈક ખાનગી મ્યુઝિયમમાં ચોરીચૂપકીથી પહોંચી ગઈ હશે, પણ સિંહાસન યથાવત્ છે. તેની આસપાસ પુરુષ અને મહિલા ભક્તો દર્શાવતી પ્રતિમાઓ કોતરેલી છે. હાથીઓનું સરઘસ છે અને સૂર્યને નમન કરી રહેલા રાજાની પ્રતિમા છે.
સોળમી સદી સુધી મંદિર અકબંધ રહ્યું હશે. અબુલ ફઝલ રચિત આઇન-એ-અકબરીમાં કોણાર્ક મંદિરનો ઉલ્લેખ છે અને લખ્યું છે કે આ મંદિર એટલું ભવ્ય છે કે તેને જોઈને મુલાકાતીઓ દંગ રહી જાય છે. અબુલ ફઝલે મંદિરના તૂટવા વિશેનો કોઈ ઉલ્લેખ કર્યો નથી. આ પુસ્તક લખાયા બાદ ૧૫૬૫માં કાલાપહાડે આક્રમણ કર્યું હતું, પણ છેક ૧૯મી સદીનાં લખાણોમાં મંદિર નષ્ટ થયું હોવાનાં વિવરણો જોવા મળે છે. મદાલા પાંજી નામના એક સંસ્કૃત પુસ્તકમાં તેમ જ સ્થાનિક ઉલ્લેખો દ્વારા જાણવા મળે છે કે ૧૫૬૫ બાદ ૧૫૬૮માં કાલાપહાડે મંદિર પર ફરીથી આક્રમણ કર્યું હતું. ત્યાર બાદ મંદિરમાં ભક્તો આવતા બંધ થયા હતા. કોણાર્ક મંદિર એકલું અટૂલું પડી ગયું હતું અને તેની આસપાસ ગાઢ જંગલ ઊગી નીકળ્યું હતું. અંગ્રેજોએ જ્યારે જગમોહનની પ્રથમ તસવીરો ખેંચી ત્યારે તે માટીના ટીંબા વચ્ચે અરધું દબાયેલું હતું. આજે તેની સ્થિતિ મરમ્મતને કારણે ઘણી સારી છે.
જે કંઈ બચ્યું હતું તેને જાળવવાના કામમાં બ્રિટિશરો ૧૯૦૧થી લાગી ગયા હતા. મંદિરની આસપાસનું જંગલ અને માટીના ટીંબાઓ દૂર કરવામાં આવ્યા. તે દૂર થતાંની સાથે મંદિરનાં રથનાં ચક્રો, ટુકડાઓમાં વહેંચાયેલા ઘોડાનાં શિલ્પો, તોડી પડાયેલી મૂર્તિઓ, પ્લેટફોર્મ, ઝરૃખા, છત્ર વગરનો બનેલો નટમંડપ વગેરે બહાર આવ્યાં. તે જોઈને બ્રિટિશરો અને ભારતીયો અભિભૂત બની ગયા. જ્યારે ગર્ભગૃહમાંનાં ખંડેરો અને કાટમાળને દૂર કરવામાં આવ્યાં ત્યારે સૂર્ય દેવની મુખ્ય મૂર્તિ વગરનું સિંહાસન નજરે ચડ્યું.
મુખ્ય ગર્ભગૃહમાં જાળવવા માટે ખાસ કશું બચ્યું ન હતું. તેના શિખરનો મોટો ભાગ પડી ગયો હતો. આથી જગમોહન મંડપની જાળવણી કરવા પર ધ્યાન અપાયું. મંદિર રચાયું ત્યારે ઊંચાઈમાં જગમોહન મુખ્ય શિખર કરતાં નીચો મંડપ હતો તે મંદિર સ્થાપત્યમાં સર્વ સામાન્ય બાબત છે. જગમોહનની સ્થિતિ પણ ખૂબ વણસેલી હતી. તે તૂટી પડવાની કગાર પર હતો. ખાસ કરીને દક્ષિણની બાજુએ તેના પરથી પથ્થરો પડી રહ્યા હતા. આથી બ્રિટિશરોએ ટેકા માટે ત્રણ બાજુએ ધક્કા માટેની દીવાલો બાંધી. જગમોહન મંડપમાંથી જે પેસેજ ગર્ભગૃહ તરફ જતો હતો તેને સીલ કરી દેવામાં આવ્યો. જગમોહન ટાવરની છત પર ડાયમન્ડ ડ્રીલ એટલે કે હીરાકણીની કરવતથી કાણુ પાડવામાં આવ્યું અને મોટી ગળણી વાટે તેમાં રેતી ઠાલવવામાં આવી. બીજા બે નાનકડા કાણા બાજુની દીવાલોમાં પાડ્યાં. તેમાંથી બે વાંસ ઘૂસાડી, રેતી હલાવીને સમથળ કરવામાં આવી. ૧૯૦૫માં જગમોહનની જાળવણીનું પ્રથમ કામ પૂરું થયું. સન ૧૯૩૨માં મંદિર એએસઆઇની દેખરેખ હેઠળ મૂકાયું. ૧૯૩૯ બાદ એએસઆઇ દ્વારા જાળવણીનો બીજો તબક્કો શરૃ થયો, પરંતુ મહત્ત્વનું કામ છેક ૧૯૮૫ બાદ શરૃ થયું અને ૧૯૯૭ સુધી ચાલ્યું. જે પંદર ફીટ જેટલું ઊંચુ વિશાળ પ્લેટફોર્મ છે, તેને પણ મજબૂત કરવામાં આવ્યું. એએસઆઇની પૉલિસી પ્રમાણે જે પથ્થરો ગુમ હતા તેની જગ્યાએ નવા સાદા (કોતરકામ વગરના) પથ્થરો જડવામાં આવ્યા. પ્લેટફોર્મની ખાલી પડેલી જગ્યાઓ પણ પથ્થરોથી પૂરવામાં આવી જેથી પર્યટકો તેના પર ચાલી શકે. જૂના અને નવા કામનો ભેદ પારખી શકાય તે માટે નવા પથ્થરો સાદા રખાય છે. તેમાં કોતરકામ કરાતું નથી.
ગયા વરસે આ જાળવણીની પ્રવૃત્તિ ચાલી રહી હતી ત્યારે મીડિયામાં વિવાદ ચગ્યો કે એએસઆઇ દ્વારા પ્લિન્થ પરથી જૂનાં શિલ્પો ધરાવતા પથ્થરો ઊખેડી લેવામાં આવે છે અને તેની જગ્યાએ સાદા પથ્થરો ગોઠવવામાં આવે છે. એવો આક્ષેપ થયો કે આફ્રિકનો દ્વારા રાજાને જિરાફની ભેટ અપાઈ રહી છે તે દર્શાવતું શિલ્પ ગુમ થયું છે. કોણાર્કના પત્રકારોની ફરિયાદના આધારે સ્થાનિક પોલીસે એફઆઇઆર પણ નોંધી. વિવાદ ખૂબ ચગ્યો ત્યારે એએસઆઇએ જાહેર કરવું પડ્યું કે, ‘એક પણ શિલ્પને તેની મૂળ જગ્યાએથી દૂર કરવામાં આવ્યું નથી. જાળવણી પ્રક્રિયા આંતરરાષ્ટ્રીય નિયમો મુજબ ચાલી રહી છે.’
એએસઆઇ દ્વારા ગયા નવેમ્બરમાં ‘કોણાર્ક ઃ ધ અનટોલ્ડ સ્ટોરી’ શીર્ષકથી એક જાહેર પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું. ‘વર્લ્ડ હેરિટેજ વીક’ની ઉજવણી માટે કોણાર્ક ખાતે જ આ પ્રદર્શન યોજાયું હતું. તેમાં એવા ફોટોગ્રાફ્સ રજૂ થયા હતા જે દર્શાવતા હતા કે ૧૮૮૦ના દશકમાં કોણાર્કના અવશેષો કેવા દયનીય ખંડેરોમાં ફેરવાઈ ગયા હતા! સન ૧૮૩૯માં એક રેખાચિત્ર દોરવામાં આવ્યું હતું તેમાં મુખ્ય શિખર (વિમાન)નો અમુક ભાગ હયાત હતો તેમ દર્શાવાયું હતું તે ચિત્ર પણ પ્રદર્શનમાં હતું. ગર્ભગૃહ પર તે બાંધકામ જોઈ શકાતું હતું. હવે તેનું અસ્તિત્વ નથી. આટલાં વરસોમાં જાળવણી અને સુરક્ષાની જે-જે વિધિઓ થઈ અને જે ફરક પડ્યો તે તસવીરો રૃપે રજૂ કરવામાં આવ્યો હતો. હાથી, રાજા અને જિરાફની શિલ્પ પેનલ યથાસ્થળે છે તે દર્શાવતો ફોટોગ્રાફ પણ પ્રદર્શનમાં રજૂ થયો હતો. એ પુરાવાઓ જોઈને ટીકાકારો મૌન બન્યા હતા. વર્લ્ડ હેરિટેજ સાઇટના રિસ્ટોરેશન પ્રોજેક્ટ માટે યુનેસ્કોની મંજૂરી મેળવવી પડે છે અને મંજૂરી વગર બાંધકામની એક કાંકરી પણ ખસેડી શકાતી નથી.
સમુદ્રીય હવામાન ઉપરાંત ઓડિશામાં દર વરસે ચક્રવાતી તોફાન, પૂર અને અતિવૃષ્ટિનો પણ સામનો કરવાનો રહે છે. આ વરસે વાવાઝોડું આવ્યું ત્યારે મંદિર પરિસરમાં પાણી ઘૂસી ગયા હતા અને ભરાઈ રહ્યા હતા. તે દૂર કરવા માટે પમ્પિંગ સિસ્ટમ બેસાડવી પડી છે. મંદિરની આસપાસ ફેરિયાઓ અને લેભાગુઓનું અતિક્રમણ ખૂબ વધી ગયું છે. આ એક પ્રોટેક્ટેડ એરિયા હોવાથી તેની આસપાસ ૧૦૦ મીટર સુધી કોઈ નવા બાંધકામને પરમિશન અપાતી નથી. તેમ છતાં પ્રોટેક્ટેડ એરિયામાં પેશકદમી ફૂલીફાલી છે. અનેક દુકાનો ખૂલી છે. મંદિર તરફ જતા રસ્તાની બંને બાજુએ અસંખ્ય દુકાનો છે તે હટાવવાનો ઓડિશા હાઈકોર્ટે હુકમ કર્યો હતો, પરંતુ સાથે એવો આદેશ આપ્યો હતો કે જે દુકાનદારને ખસેડવામાં આવે તેને વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવે. દુકાનદારો ખસેડવામાં તો આવ્યા, પણ થોડો સમય બાદ પાછા આવી ગયા. હવે એએસઆઇએ રાજ્ય સરકાર સમક્ષ ફરિયાદ રજૂ કરી છે. નવીન પટનાયક પ્રગતિશીલ નેતા છે અને સૂર્ય મંદિરનું ઐતિહાસિક મૂલ્ય સમજે છે. કોઈ સારો નિર્ણય લેવાશે. વાસ્તવમાં સૂર્ય મંદિરની માફક દેશની અનેક અમૂલ્ય ધરોહરો રાહ જોઈ રહી છે કે કોઈક આવે અને બચાવે. ખાસ કરીને પ્રેમમાં પડેલા યુવાનોના નકશીકામથી છુટકારો માગે છે.
—————————–