તમારા માટે, તમારી સાથે, સતત…

અનુરાગ સહેજ ઊંચે જતા વૈરાગ બને છે…

દામ્પત્ય જીવનમાં અનુરાગથી વૈરાગ સુધીની યાત્રા છે.

0 98
  • હૃદયકુંજ – દિલીપ ભટ્ટ

પ્રેમમાં ઊંડા ઊતરવામાં જ મઝા છે જ્યાં ડૂબવાનો અર્થ થાય છે તરવું !

પ્રેમની ઓળખ પરમ સાથેના અનુસંધાનમાં થાય. રૈ દાસ કહે કે સાંચિ પ્રીત બિનુ રામ ન મિલહી….. પ્રેમ પદારથ એમ ઓળખાય નહીં. દેખાય છે કે કૃષ્ણ યશોદાને વશ છે, રાધિકાને અનુસરે છે, સુદામાને ગળે વળગે છે…. ગોપબાલો સાથે આમતેમ રખડે છે ને ગોઠડી કરે છે…. હકીકતમાં કૃષ્ણ તો માત્ર પ્રેમને વશ છે. પ્રેમ પ્રારંભમાં સ્વાર્થી હોય છે. બાળક જ્યારે માતાના ખોળામાં રમે છે અને જન્મ પછી એ પોતાના પગ પર ઊભા થવા પ્રયત્ન કરે છે ત્યારે એને પોતાને માટેનું પરિપોષણ જ માતા તરફનો પ્રેમ વધારે છે. દરેક સંતાનની કસોટી માતાપિતા પર નિર્ભરતા પૂરી થાય પછી એનો સ્નેહ કેવો રહે છે એના પર છે. માતાપિતાને તો સંતાનો વહાલા હોય છે જ અને જે રીતે બાળક નાનું હોય ત્યારે માતાપિતા પર નિર્ભર હોય છે. બાળકો મોટા થાય પછી માતાપિતા એ જ બાળકો પર નિર્ભર હોય છે, પરંતુ માતાપિતા જે આનંદથી બાળકોને નિભાવે છે એવા જ આનંદથી પોતાના માબાપને નિભાવતા હોય એવા લોકો તો ક્યાંક જ જોવા મળે.

પ્રેમ પણ એવો જ છે. પ્રેમના પાયામાં સ્વાર્થ હોય છે. પ્રેમની વાતો કરનારા લોકોએ શરૃઆતથી બહુ મહાન વાતો કરી છે, પરંતુ વાસ્તવમાં દરેક પ્રેમના આરંભબિન્દુમાં સ્વાર્થ હોય છે, પરંતુ એ સ્વાર્થની સીમાનું ઉલ્લંઘન કરવાનું હોય છે. કોઈ પણ પ્રેમ શરૃઆતમાં અનુરાગ હોય છે, પરંતુ આગળ જતાં એ વૈરાગ બને છે. પ્રેમનો પ્રારંભ થાય છે કંઈક પ્રાપ્ત કરવા માટે, પરંતુ પછી પ્રેમ જ પ્રેમને ત્યાગ શીખવે છે. જ્યારે ત્યાગ શરૃ થાય છે ત્યારે પ્રેમ એના અસલ રૃપમાં પ્રગટવા લાગે છે. પ્રેમમાં શરૃઆતની જે સમજણ છે એ અને એમાં ત્યાગ પ્રવેશે પછી – એ બંને વચ્ચે કામ અને રામ જેવો ભેદ છે.

Related Posts
1 of 48

દામ્પત્ય જીવનમાં અનુરાગથી વૈરાગ સુધીની યાત્રા છે. મહત્ લોકો અનુરાગમાં જ આયુષ્ય વીતાવે છે. માત્ર અનુરાગ, અનિવાર્યપણે કલહ પણ નોતરે છે. જેને આપણે પોતાનું માનીએ એ તો ધન્યતા છે, પણ પોતાની માલિકીનું માનીએ એ દુર્ઘટના છે. પોતાનું હોવાનો વારંવારનો સુખદ અનુભવ માલિકીનો ભ્રમ નીપજાવે છે. સંબંધોમાં માલિકીભાવ એ વિખૂટા પડવાની ખરી શરૃઆત છે. મારી મા છે, હું કહું એમ કેમ ન કરે? અથવા મારો પુત્ર મને પૂછ્યા વિના એ પગલું કેમ ભરી શકે…! સંબંધોનો અંતકાળ આવો જ હોય. જે સત્ય તમે સ્વીકારતા નથી એને લોકો તમારાથી છુપાવવા લાગે છે અને સત્યનો સ્વભાવ છાને ખૂણે રહેવાનો તો નથી. એટલે પાછલે બારણેથી અથવા અગાસીમાંથી ઘરમાં એક ન દેખાય એવી હોનારત પ્રવેશે છે, એનું નામ જ ક્લેશ છે.

ક્લેશને શરીર નથી, પણ એ કોઈની જીભમાં, કોઈના વર્તનમાં ને કોઈના વિચારમાં અવતરે છે પછી ધુમાડાનો આરંભ થાય છે. પ્રેમમાં અસ્પષ્ટતા, નિરંતર સ્વાર્થ અને અસત્ય ઉમેરાય એટલે સંબંધોનો ખખડાટ શેરીઓમાં વહેવા લાગે. જે પ્રેમ ઊંચે જઈ શકતો ન હોય એ પ્રેમનો જ ત્યાગ કરવો જોઈએ. એ પ્રેમને સદાય વીસરી જવો જોઈએ. ત્યાગ જિંદગીના અસામાન્ય અને ભીષણ સાહસોમાં સમાવિષ્ટ છે. લગભગ અસંભવ જ લાગે એ ત્યાગ છે. અનેક ત્યાગ ઘડીકના હોય અને ફરી એનું એ જ વળગણ. ખરો ત્યાગ તો ઓળખ અને અનુભવ બંને ભૂંસી નાંખે છે. સ્મૃતિમાં પણ કંઈ શેષ ન રહે એ ત્યાગ છે. સામાન્ય મનુષ્ય કે જે સંસારના સર્વ ગુણથી લિપ્ત છે એનું કામ ત્યાગ નથી.

ત્યાગના મૂળમાં પ્રચંડ ધધખતા લાવા જેવી સંકલ્પશક્તિની પાર્શ્વભૂ હોય છે. એ લાવા જ ત્યાગનો કારક અને પરમ શાન્તિનો તારક છે. જેનાથી છૂટવાનું છે એને ધક્કો નથી મારવાનો, એનાથી દૂર સ્વયંનો જ ઘા કરવાનો છે એ ત્યાગ છે. હું તમારો ત્યાગ કરું છું એ ભાવાવેશ તો માત્ર ઘોર અહંકાર છે. દામ્પત્ય જીવનમાં શરૃઆત તો અનુરાગથી થાય છે. પછી ઘૂંટાયેલા કેસૂડાના રંગની જેમ એ અનુરાગ ઘટાટોપ બને છે. એના છાંયામાં જ વરસો પસાર થઈ જાય છે. પછી પ્રેમની વિશુદ્ધિ એનો રંગ બતાવે છે. જો મૂળભૂત પ્રેમમાં ઘટ હોય તો દીકરાની વહુ આવે પછીય શ્રીમતીની વાણીમાં શ્રીમાનનું વાંકદેખું વર્ણન ચાલુ જ રહે છે. પ્રેમની ઓછપ દોષદર્શન બને છે ને ભરપૂર પ્રેમમાં તો હજાર અવગુણ તણાઈ જાય છે. તોરલે કદી જેસલની નિંદા તો નહીં કરી હોય. જો એ નિંદા કરવા જાય તો જેસલના માથે જે પોટલા હતા એ બધા તોરલની સોડમાં ભરાઈ જાય. તોરલને અનુરાગ નથી, અનુકંપા છે. એ અનુકંપાના અમૃતનું પાન કરીને જેસલનો અનુરાગ આખરે વૈરાગ સુધી પહોંચે છે. પ્રેમમાં ઊંડા ઉતરવામાં જ મઝા છે જ્યાં ડૂબવાનો અર્થ થાય છે તરવું!

રિમાર્કઃ આખા જગતમાં કોઈ જ જે દર્દને જાણી શકતું નથી એ અને એ જ વિલોહિત પ્રેમ છે – મીરાંબાઈ
——————————-

Leave A Reply

Your email address will not be published.

Translate »