તમારા માટે, તમારી સાથે, સતત…

જાદવની મુક્તિનો માર્ગ હજુ અટપટો અને લાંબો છે

શીલા દીક્ષિતઃ જેમણે દિલ્હીની તસવીર બદલી

0 221
  • રાજકાજ

જાદવની મુક્તિનો માર્ગ હજુ અટપટો અને લાંબો છે
ભારતીય નૌકાદળના નિવૃત્ત અધિકારી કુલભૂષણ જાદવના કેસમાં હેગની આંતરરાષ્ટ્રીય અદાલતે આપેલા ફાંસી પર મનાઈના નિર્ણયથી ભારત રાહત જરૃર અનુભવી શકે, પરંતુ ત્યાં પણ આ કેસનો અંત આવ્યો નથી. આંતરરાષ્ટ્રીય અદાલતે જાદવના કેસ અંગે પાકિસ્તાનને પુનઃવિચારણા કરવા અને કેસને સામાન્ય અદાલતમાં ચલાવવા તેમજ જાદવને કાઉન્સેલર એક્સેસ એટલે કે કાનૂની મદદ આપવાનો આદેશ આપ્યો છે. પાકિસ્તાને આટલા દિવસ સુધી જાદવને કાનૂની મદદ નહીં આપીને વિયેના સંધિનું ઉલ્લંઘન કર્યું છે. નિવૃત્તિ પછી ઈરાનમાં પોતાનો બિઝનેસ કરી રહેલા જાદવનું અપહરણ કરીને પાકિસ્તાન લઈ જઈ તેમના પર જાસૂસીના ખોટા આરોપ હેઠળ સૈન્ય અદાલતમાં એક તરફી કેસ ચલાવી તેને મોતની સજા ફરમાવી હતી. ભારતે તેની સામે ઉગ્ર વાંધો ઉઠાવી આ નિર્ણયને આંતરરાષ્ટ્રીય અદાલતમાં પડકાર્યો હતો.

હવે હેગની અદાલતના નિર્ણય પછી પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું છે કે આ પ્રકરણમાં કાયદા મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. શક્ય છે કે જાદવનો કેસ હવે ફરીથી પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટમાં ચલાવાય. એ સ્થિતિમાં ભારત જાદવને કાનૂની મદદ ઉપલબ્ધ કરાવી શકશે, પરંતુ પાકિસ્તાનની અદાલતમાં જાદવને ન્યાય મળશે જ, એવું ખાતરીપૂર્વક કહી શકાય તેમ નથી. પાકિસ્તાનમાં ન્યાયના કેવા નાટક ચાલે છે એ દેશ અને દુનિયા જાણે છે. આંતરરાષ્ટ્રીય અદાલતના ચુકાદા પછી પણ જાદવની મુક્તિનો પ્રશ્ન અનિશ્ચિતતાઓથી ભરેલો છે. આંતરરાષ્ટ્રીય અદાલત પાસે તેના આદેશ કે ચુકાદાનો અમલ કરાવવાની ક્ષમતા કે સત્તા નથી. એથી પાકિસ્તાનની અદાલતમાં પણ જો જાદવને ન્યાય ન મળે તો ભારતે ફરી આંતરરાષ્ટ્રીય અદાલત સમક્ષ જવું પડશે. આ અદાલત પણ તેના આદેશના અમલ માટે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા સમિતિને ભલામણ કરી શકે છે. સુરક્ષા સમિતિમાં તેના પાંચેય કાયમી સભ્યો ઉપરાંત ચાર અસ્થાયી સભ્યો તેની તરફેણમાં હોવા જોઈએ. એ સ્થિતિમાં જ સુરક્ષા સમિતિની મંજૂરી મળે અને તો જ પાકિસ્તાન સામે આંતરરાષ્ટ્રીય કાર્યવાહી થઈ શકે. આ પ્રક્રિયામાં શક્યતા એવી રહે છે કે ચીન સુરક્ષા સમિતિમાં પાકિસ્તાનનો બચાવ કરે. આવું થાય તો બધી કવાયત નિરર્થક બની રહે. એટલે ભારત માટે ડિપ્લોમેટિક સ્તરે આ પ્રકરણના નિરાકરણના પ્રયાસો કરવાનું વધુ યોગ્ય બનશે. પાકિસ્તાને જાદવ પાસે બળજબરીથી જાસૂસીની કબૂલાત કરાવી છે એ વીડિયોમાં ૨૯ કટ છે. તેને ભારતે આંતરરાષ્ટ્રીય બિરાદરી સમક્ષ ગાઈવગાડીને કહેતા રહેવું જોઈએ. પાકિસ્તાનના સુરક્ષા સલાહકાર સરતાજ અજીજે પાકિસ્તાની સેનેટને એવું કહ્યું હતું કે જાદવ સામે નક્કર પુરાવા નથી. જોકે પાછળથી તેઓ તેમના નિવેદનમાંથી ફરી ગયા હતા. આ બધા સંજોગોને લક્ષમાં લેતાં ભારતે કૂટનિતિક સ્તરે પાકિસ્તાન પર આંતરરાષ્ટ્રીય દબાણ લાવીને જ તેનું સકારાત્મક પરિણામ મેળવવાનું રહેશે.
———————.

Related Posts
1 of 269

શીલા દીક્ષિતઃ જેમણે દિલ્હીની તસવીર બદલી
સતત ત્રણ વખત દિલ્હીનાં મુખ્યપ્રધાનપદે રહીને દિલ્હીના વિકાસને નવી ઊંચાઈએ પહોંચાડનાર શીલા દીક્ષિતનું ગત સપ્તાહે વીસ જુલાઈએ અવસાન થયું. એક કુશળ પ્રશાસક તરીકેની ઇમેજ ઊભી કરનારાં શીલા દીક્ષિતના કાર્યકાળ દરમિયાન જ દિલ્હીમાં ટ્રાફિક જામની સમસ્યા હળવી કરવા માટે સિત્તેર ફ્લાઇઓવર બ્રિજ અને મેટ્રો રેલવેની સોગાદ મળી. તેમના કાર્યકાળ દરમિયાન જ દિલ્હીમાં ૨૦૧૦માં કોમનવેલ્થ રમતોત્સવના સફળ આયોજન દ્વારા આવાં આયોજનોમાં ભારતની ક્ષમતાને વિશ્વ સમુદાય સમક્ષ ઉજાગર કરીને ઑલિમ્પિક રમતોત્સવના આયોજન માટેના ભારતના દાવાને મજબૂત આધાર આપ્યો. લગ્ન પહેલાં શીલા કપૂર તરીકે ઓળખાતાં શીલા દીક્ષિતના આઇએએસ પતિ વિનોદકુમાર દીક્ષિત કોંગ્રેસના એ જમાનાના કદાવર નેતા ઉમાશંકર દીક્ષિતના પુત્ર હતા. ૧૯૮૦માં કાર અકસ્માતમાં તેમના પતિનું અવસાન થયું હતું. એ પછી તેઓ શ્વશુર ઉમાશંકર દીક્ષિત સાથે રાજકારણમાં સક્રિય બન્યાં. ૧૯૮૪માં કનૌજની બેઠક પરથી પહેલીવાર લોકસભામાં ચૂંટાયા હતાં. ૧૯૯૧માં ઉમાશંકર દીક્ષિતના નિધન પછી તેમના રાજકીય વારસાને તેમણે સંભાળ્યો. ૧૯૮૬થી ૧૯૮૯ દરમિયાન તેઓ કેન્દ્રમાં પ્રધાનપદે રહ્યાં. ગત લોકસભાની ચૂંટણી તેઓ રાહુલ ગાંધીના કહેવાથી દિલ્હીમાંથી લડ્યાં હતાં. રાહુલના આગ્રહથી જ તેઓ દિલ્હી કોંગ્રેસનાં પ્રમુખ બન્યાં હતાં. તેમના પુત્ર સંદીપ દીક્ષિત પણ બે વખત સાંસદ રહી ચૂક્યા છે.
———————.

એક આંતરજાતીય લગ્નએ ભાજપની ચિંતા વધારી દીધી
ઉત્તર પ્રદેશમાં ભાજપના એક ધારાસભ્યની દીકરીએ દલિત યુવક સાથે ભાગીને લગ્ન કરી લીધાં એ ઉગ્ર ચર્ચાનો વિષય બન્યો છે. આ મામલો મીડિયામાં વધુ ઊછળ્યો તેનું કારણ એ રહ્યું કે ધારાસભ્યની દીકરીએ સોશિયલ મીડિયામાં એક વીડિયો દ્વારા એવું જણાવ્યું કે તેમણે આંતરજાતીય લગ્ન કર્યાં હોવાથી તેમને તેમના પિતા તરફથી જ જાનનો ખતરો છે. પિતા શાસક પક્ષ સાથે સંકળાયેલા હોવાથી સત્તાના જોરે શું કરી શકે તેની ધારણા દીકરીને હોય એ સ્વાભાવિક છે. દીકરીએ પોલીસ રક્ષણની માગણી કરી એ પછી તેમનો ઇન્ટરવ્યૂ ટીવીની સમાચાર ચેનલ પર પણ આવ્યો, એથી આ મામલો માત્ર એક પરિવારનો ન રહેતાં ભાજપની પણ ફજેતી થવા લાગી. તેના કારણે લગ્નના આ મામલાએ પક્ષને ચિંતામાં નાખી દીધો. પક્ષની ચિંતા કેટલી ગંભીર હશે તેનો અંદાજ એ વાત પરથી આવી શકે છે કે ભાજપ દ્વારા તેના ધારાસભ્યોને ‘ડઝ’ અને ‘ડોન્ટ્સ’ યાને શું કરવું અને શું ન કરવું તેને અંગેની સલાહ આપવાની ફરજ પડી હોવાનું કહેવાય છે. પક્ષની નેતાગીરીને એવું લાગ્યું કે ભાવાવેશમાં ધારાસભ્ય તરફથી કોઈ એવા પ્રત્યાઘાત ન આવે જેનાથી તેમને કોઈ જાતિ-વિશેષ વિરુદ્ધ ખડા કરી દે. એવું થાય તો તેની અસર માત્ર ધારાસભ્ય અને તેના પરિવાર સુધી સીમિત ન રહેતા પક્ષની એકંદર ઇમેજ પર પણ પડવાની શક્યતા રહે. પક્ષે ભારે સંઘર્ષ અને જહેમત પછી સવર્ણોના પક્ષની ઇમેજમાંથી મુક્તિ મેળવીને સર્વ સમાજની પાર્ટી બનવાની દિશામાં આગળ વધવામાં સફળતા મેળવી છે. ૨૦૧૪ અને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ભાજપની સફળતામાં અનુસૂચિત જાતિના મતોનું પ્રદાન પણ રહ્યું છે. એથી ભાજપ સાવધ રહે એ સ્વાભાવિક છે.
———————.

કર્ણાટક પછી બીજા રાજ્યોમાં ભાજપના ઑપરેશનની તૈયારી
કોંગ્રેસ માટે આજકાલ મુશ્કેલ દિવસો ચાલી રહ્યા છે. જુદાં-જુદાં રાજ્યોમાંથી તેમના ધારાસભ્યો તૂટી રહ્યા હોવાના સમાચાર આવી રહ્યા છે. એવું કહેવાય છે કે કર્ણાટકમાં ધારાસભ્યોનાં રાજીનામાંને કારણે જો કોંગ્રેસ – જનતા દળ (એસ)ની સરકારનું પતન થાય તો એ પછી કોંગ્રેસ માટે રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરકારોને બચાવવાનું મુશ્કેલ થઈ પડશે. તેમાં પણ મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર પાતળી બહુમતીથી ટકી રહેલી છે. કોઈ ને કોઈ કારણસર અસંતુષ્ટ રહેલા પક્ષના ધારાસભ્યો સામે ચાલીને ભાજપનો સંપર્ક કરતા હોય છે એ સ્થિતિમાં ભાજપનું કામ આસાન થઈ જાય છે. કર્ણાટકની સ્થિતિ માટે એકલો ભાજપ જવાબદાર નથી, ખુદ કોંગ્રેસનું આંતરિક રાજકારણ પણ એટલું જ જવાબદાર રહ્યું છે. અલબત્ત, આ બધા વચ્ચે સૌથી વધુ ‘સિક્રેટ મિશન’ના સમાચાર ઉત્તર પ્રદેશથી આવી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં રાહુલ ગાંધીને અમેઠીમાંથી હરાવ્યા બાદ ભાજપ નેતાગીરીનો પ્રયાસ ચોતરફથી રાહુલ વિરુદ્ધ મનોવૈજ્ઞાનિક અગ્રતા જાળવી રાખવાનો છે. તેના સંદર્ભમાં એવું કહેવાય છે કે ‘ઑપરેશન યુપી’ શરૃ થશે. ત્યાંના અનેક ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાનું કહેવાય છે. ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા અપાવવાને બદલે તેમને સામૂહિક રીતે પક્ષપલટો કરાવવાનો વિકલ્પ વિચારે છે. રાજ્યમાં કોંગ્રેસના માત્ર સાત ધારાસભ્યો છે. કોંગ્રેસના પાંચ ધારાસભ્યો પક્ષ છોડવા તૈયાર થઈ જશે તો ગોવાની માફક ઉત્તર પ્રદેશમાં પણ કોંગી ધારાસભ્યો ભાજપમાં સામૂહિક રીતે જોડાવાની જાહેરાત કરશે. જો પાંચથી ઓછા ધારાસભ્યો તૈયાર થશે તો તેમનાં રાજીનામાં અપાવવાનો વિકલ્પ અપનાવાશે.
———————.

રાજ ઠાકરેના પક્ષ સાથે ગઠબંધનની કોંગ્રેસની મજબૂરી
હજુ ચાર મહિના પહેલાં જ લોકસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસે રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના સાથે કોઈ પ્રકારના પ્રત્યક્ષ ચૂંટણી ગઠબંધનનો ઇનકાર કરી દીધો હતો. એ માટે પક્ષે એવું કારણ આપ્યું હતું કે બંને પક્ષોની વિચારધારા અલગ છે. રાજકીય સમીક્ષકો એવું માનતા હતા કે આ ઇનકારનું ખરું કારણ એ હતું કે ઉત્તર ભારતીયો અને મુસ્લિમોમાં રાજ ઠાકરેની પાર્ટીની ઇમેજ સારી નથી. આ ઉપરાંત એક અન્ય કારણ કોંગ્રેસનો અતિ આત્મવિશ્વાસ પણ હતો. કોંગ્રેસને કોઈ રીતે પોતાનો પરાજય દેખાતો ન હતો. તેને કારણે પક્ષને કોઈ નવા પાર્ટનરની જરૃર જણાતી ન હતી, પરંતુ પરિણામો પછી તો કોંગ્રેસને પોતાનો પાયો જ સરકી જતો જણાયો. એ સંજોગોમાં ચાલુ વર્ષની આખરમાં યોજાનાર મહારાષ્ટ્ર વિધાનસભાની સૂચિત ચૂંટણી માટે કોંગ્રેસને રાજ ઠાકરેની મ.ન.સે. સાથે ગઠબંધન કરવામાં કોઈ સંકોચ જણાતો નથી. બંને અસ્તિત્વ ટકાવી રાખવાની કવાયત કરી રહી છે. કોંગ્રેસ મોવડી મંડળ તરફથી આ ગઠબંધન માટે મંજૂરી મળી ગઈ હોવાનું કહેવાય છે. એ પછી પક્ષના પ્રદેશ એકમ દ્વારા એ પ્રકારનાં નિવેદનો પણ શરૃ થઈ ગયા છે. હવે કોંગ્રેસને એવું લાગે છે કે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના સાથે જોડાણ કરવાથી તેના પર મુસ્લિમ પક્ષ હોવાની લાગેલી છાપ દૂર થઈ શકશે. જોવાનું એ રહેશે કે જો આ ગઠબંધન સાકાર બને તો તેનો ખરેખર લાભ કોને મળશે – કોંગ્રેસને કે રાજ ઠાકરેની પાર્ટીને?
———————.

Leave A Reply

Your email address will not be published.

Translate »