તમારા માટે, તમારી સાથે, સતત…

ગુજરાતી યોગગુરુ અમૃત દેસાઈનો અમેરિકામાં શક્તિપાત

પશ્ચિમમાં યોગવિદ્યાના પ્રારંભના ફેલાવામાં અમૃત ચીમનલાલ દેસાઈનો ફાળો મહત્ત્વનો છે

0 245
  • કવર સ્ટોરી – વિનોદ પંડ્યા

આજના મૉડર્ન યુગમાં  યોગગુરુઓ વિશ્વભરમાં અનુયાયીઓ ધરાવતા હોય અને બેસુમાર સંપત્તિ અને દોલતના માલિક બની બેઠા હોય છે. જેમ કે આસારામ. આવા ગુરુઓ પોતાની કોઈ યોગવિદ્યા શોધી કાઢે. પોતાની કપોળકલ્પિત કુંડલિની કેવી રીતે જાગૃત બની તેની વાયકાઓ ફેલાવે.

શિષ્યાઓ અને આશ્રમવાસી સ્ત્રીઓ સાથે શારીરિક સંબંધો બાંધવાના આરોપો ઘણા યોગગુરુઓ અને સ્વામીઓ પર થયા છે. પરંપરાગત હઠયોગનો જમાનો ગયો. કહેવાતા ગુરૃઓ આવી હાઈપોથેટિકલ, ધારી લીધેલી વિદ્યાઓના કોપીરાઈટ થતા નથી, નહીંતર એ પણ કરાવી લે. પોતાને કેવા ખાસ સંજોગોમાં એ વિદ્યા પ્રાપ્ત થઈ અને પોતાની કપોળકલ્પિત કુંડલિની કેવી રીતે જાગૃત બની તેની વાયકાઓ ફેલાવે. એ કામ શિષ્યો સારી પેઠે કરી આપે. યોગવિદ્યામાં ગુરુ શિષ્યા વચ્ચે શારીરિક સંપર્ક અને પછી સંબંધો સ્થાપવાનું આસાન બને છે.

આધુનિક યોગવિદ્યા પર માર્ક સિંગલટન અને એલન ગોલ્ડબર્ગ નામના સંશોધકોએ સંશોધન કર્યું છે. તેઓના મતે આધુનિક યુગના ગુરુઓ દુનિયાના એવા લોકો વચ્ચે પ્રસિદ્ધિ અને પહોંચ મેળવે છે જેઓ ગુરુના બૅકગ્રાઉન્ડ અને ધાર્મિક વિચારસરણી, કાર્ય પદ્ધતિ અને ભાવનાઓ તેમ જ વિચારો વિષે કશું જાણતા હોતા નથી. ગુરુ કહે તેને તેઓ સાચી વાત માની લે. આ સ્થિતિનો લાભ વિદેશોમાં અને ભારતમાં પણ ઉઠાવવામાં આવે છે. જાગતીકરણે ગુરુ અને શિષ્ય વચ્ચેના સંબંધોને ધરમૂળથી ફેરવી નાખ્યા છે. છેવટે તો એ ગુરુના આશ્રમો અને કેટલાક અનુયાયીઓના મની અને સેક્સ સ્કેન્ડલો ઉજાગર થાય છે. લેખક એન્થની સ્ટોર્ર દ્વારા ગુરુઓની કમજોરીઓને જાહેર કરતું પુસ્તક ‘ફિટ ઓફ કલે’ (અથવા માટી પગા) ૧૯૯૭માં બહાર પડ્યું હતું.

Related Posts
1 of 262

બિક્રમ ચૌધરી સિવાય પણ અનેક યોગગુરુઓનાં સ્કેન્ડલો નાના કે મોટા પાયે બહાર પડતા રહે છે. મીડિયામાં આવી ઘણી ઘટનાઓ ત્રુટક ત્રુટક બહાર પડે છે. વરસ ૨૦૦૯માં લેખક જ્યોફ્રી ફાલ્ક દ્વારા એક પુસ્તક પ્રસિદ્ધ થયું હતું. શીર્ષક હતું, ‘ગુરુઝઃ સેક્સ, વાયોલન્સ, એબ્યુઝ એન્ડ એનલાઈટ્નમૅન્ટ’ આ પુસ્તકમાં જૂના સમયથી માંડીને આજ સુધીના ગુરુઓનાં કર્મો કે કુકર્મોને છત્તાં કરાયાં છે. અમુક નામો એવાં છે જેઓ સ્વામી કે યોગી તરીકે વિદેશોમાં (ખાસ કરીને અમેરિકામાં) ગયા હતા અને ત્યાં મનફાવે તેવાં વર્તનો કરી આવ્યાં હતાં. આ નામો એવાં છે જેને ભારતીય પ્રજા આજે પણ પૂજનીય ગણે છે. તેમાંનાં કેટલાંક નામોનો ઉલ્લેખ ટાળવો પડે તેમ છે. જે જગજાહેર છે તેવાં નામોમાં મહર્ષિ મહેશ યોગી, કૃષ્ણમૂર્તિ અને ઓશો રજનીશ છે. મીડિયામાં અન્યત્ર અનુસર યોગના સ્થાપક જ્હોન ફ્રેન્ડ, ‘ફાધર ઓફ મૉડર્ન યોગા’ તરીકે જાણીતા ક્રિષ્નામાચાર્યના પૌત્ર કૌસ્તુભ દેશીકાચાર, અમેરિકન યોગ ટીચર રોડની યી, સત્ય સાઈબાબા, કૃપાલુ યોગાના ગુજરાતી સ્થાપક અમૃત દેસાઈ, હિમાલયન યોગા ઇન્સ્ટિટ્યૂટના સ્વામી રામ વગેરે અનેકનાં નામો જાહેર થયાં છે. લંડનના પ્રસિદ્ધ ‘ધ ઇકોનોમિસ્ટ’ સાપ્તાહિકે અષ્ટાંગ વિન્યાસ યોગના સ્થાપક કે. પટ્ટાભિ જોઈસ પર યોગાસનોમાં એવા ફેરફારો કરવાનો આક્ષેપ મૂક્યો છે જેમાં મહિલા સાધકોને માટે અલગ પ્રકારનાં આસનો ડેવલપ કરાવ્યાં છે. કાઉન્ટરપંચ નામના એક મૅગેઝિને પટ્ટાભિ જોઈસને શિષ્યાઓના રિપોર્ટેડ સેક્સ્યુઅલ એબ્યુઝર ગણાવ્યા છે. યોગાડોર્ક મૅગેઝિનનો આક્ષેપ છે કે પટ્ટાભિ શિષ્યાઓનાં અંગોને અનિચ્છનીયપણે સ્પર્શ કરતા હતા. યોગને લગતાં બીજા અનેક સામયિકોએ આ આક્ષેપને સાચા ગણાવ્યા છે.

પશ્ચિમમાં યોગવિદ્યાના પ્રારંભના ફેલાવામાં અમૃત ચીમનલાલ દેસાઈનો ફાળો મહત્ત્વનો છે. પ્રતાપપુરા ગામમાં જન્મેલા દેસાઈ બાદમાં હાલોલમાં જઈને વસ્યા હતા ત્યારે એમની ઉંમર દસ વરસની હતી. પંદર વરસની ઉંમરે એ એમના ગુરુ સ્વામી કૃપાલવનંદ (બાપુજી)ને મળ્યા હતા. હાલોલમાં એક ગૌશાળામાં એ વ્યાયામ અને યોગ શિખતા અને શિખવતા હતા. ત્યાં એમના ગુરુ પણ વસતા હતા. એક દિવસ ગુરુ બાપુજીએ એમની સાધનાનાં દર્શન અમૃત દેસાઈને કરાવ્યા. સ્વામી ટ્રાન્સમાં જતા રહ્યા અને એમનું શરીર ‘પ્રાણિક’ ઊર્જાથી ભરાઈ ગયું. એમનું શરીર એ રૃમમાં ચારે તરફ પ્રચંડ વેગથી એકથી બીજી દિશામાં ફંગોળાવા માંડ્યું હતું. અમૃત દેસાઈ કહે છે કે, ‘હું આશ્ચર્યચકિત બનીને જોઈ રહ્યો. એ નૃત્ય કરી રહ્યા હતા અને જટિલ આસનોમાં શરીર ગૂંથી રહ્યા હતા અને ખોલી રહ્યા હતા.’

અમૃત દેસાઈએ થોડો સમય ઍરફોર્સમાં મદ્રાસ ખાતે તાલીમ લીધી, તે પડતી મૂકીને હાલોલની હાઈસ્કૂલમાં આર્ટ ટીચર તરીકે જોડાયા. ૧૯૫૫માં ઉર્મિલા શાહ જોડે લગ્ન કરી, અમદાવાદ જઈ વસ્યા. ત્યાં આર્ટનો ડિપ્લોમા મેળવ્યો. ૧૯૬૦માં અમેરિકા જઈ ફિલાડેલ્ફિયા કૉલેજ ઓફ આર્ટમાં અભ્યાસ કર્યો. સખત મહેનત બાદ પત્ની અને બાળકોને અમેરિકા તેડાવી લીધાં. ત્યાં ચાર વરસ કલાક્ષેત્રમાં અને ખાસ કરીને ટેકસ્ટાઇલ આર્ટ્સમાં સારી એવી મહારત હાંસલ કરી, ફિલાડેલ્ફિયામાં હતા ત્યારે, ૬૦ના દશકના પ્રારંભમાં, તેઓ યોગાના વર્ગો લેતા હતા. ૧૯૬૬માં ભારતમાં પાછા આવી એમના ગુરુ પાસેથી કુંડલિની યોગ શિખ્યા એવો એમનો દાવો છે. પોતાનો આર્ટ્સનો વ્યવસાય અને નોકરી છોડી, અમેરિકા પરત જઈ ‘યોગા સોસાયટી ઓફ પેન્સિલવેનિયા’ની સ્થાપના કરી અને ફુલટાઇમ યોગનું શિક્ષણ આપવા માંડ્યા. એમના કહેવા પ્રમાણે ૧૯૭૦માં એમની કુંડલિની જાગૃત થઈ ઊઠી. એમને એવો અનુભવ થયો જેમાં એમનું શરીર આપમેળે જુદાં જુદાં યોગાસનોમાં ગોઠવાવા માંડ્યું. એમનું કહેવું છે કે શરીરની આ ક્રિયાને કારણે એમનું ધ્યાન આત્મકેન્દ્રિત થયું. એમની ચેતના વિસ્તરી રહી હતી. એ ઊંડા અને પ્રફુલ્લિત ધ્યાનમાં સરી પડ્યા. આ અનુભવથી એમને પતંજલિ યોગસૂત્રનાં રહસ્યો સમજાયાં. એમણે પોતે એક અલગ પ્રકારના હઠયોગની રચના કરી જેને ‘કૃપાલુ યોગા’ નામ આપ્યું.

ત્યાર બાદ એમણે અમેરિકામાં પાંચ યોગા અને હેલ્થ સેન્ટરો ખોલ્યાં. બીજાઓ સાથે મળીને યુનિવર્સિટી ઓફ આયુર્વેદિક સાયન્સની સ્થાપના કરી. ૧૯૭૦ના દશકના ઉત્તરાર્ધમાં પેન્સિલવેનિયા યોગા સોસાયટીના આશ્રયે યોગશિક્ષકોને તાલીમ આપી. ૪૪ શિક્ષકો દ્વારા ૧૫૦ કેન્દ્રોમાં તાલીમ અપાતી થઈ, જેમાં દર સપ્તાહે ૨૫૦૦ વિદ્યાર્થીઓ યોગની તાલીમ લેતા હતા. ડેલાવેર, ન્યુ જર્સી વગેરે સ્થળોએ પણ યોગ કેન્દ્રો શરૃ કર્યા. ૧૯૭૨માં પેન્સિલવેનિયામાં કૃપાલુ આશ્રમની સ્થાપના કરી. ૫૦ એકરની જમીન પર સુંદર આશ્રમ બંધાયો. સ્ટાફની સંખ્યા વધારવામાં આવી. યોગા, આરોગ્ય અને અધ્યાત્મના અનેક પ્રકારના કલાસો શરૃ થયા. ૧૯૮૩માં લેનોક્સમાં કૃપાલ સેન્ટર ફોર યોગાની સ્થાપના થઈ. ૧૯૯૪ સુધીમાં કૃપાલુ યોગગુરુઓ દ્વારા અમેરિકામાં ૫૦ રાજ્યો અને બીજા ૪૫ દેશોમાં યોગની તાલીમ અપાવા માંડી. ૨૦૧૪માં ઇન્ટરનેશનલ યુનિવર્સિટી ઓફ યોગ એન્ડ આયુર્વેદની સ્થાપના કરી.

કહે છે કે સ્વામી કૃપાલુ દ્વારા અમૃત દેસાઈને શૈવ કંુડલિની યોગ સાધનાનું શિક્ષણ અપાયું હતું. તાંત્રિક સાધના વડે અમૃત દેસાઈને શક્તિપાતનો અનુભવ કરાવાયો હતો. ‘કૃપાલુ સેન્ટર ફોર યોગા’ એક આશ્રમ જ હતો. ત્યાં વસતા તમામ સાધકોએ બ્રહ્મચર્ય પાળવાનું રહેતું હતું. ૧૯૬૮માં ત્રીજા બાળકના જન્મ બાદ અમૃત દેસાઈએ જાહેર કર્યું કે પોતે બ્રહ્મચર્ય વ્રત ધારણ કરે છે. આ જાહેરાત માટે એક ખાસ ઉત્સવનું આયોજન કરાયું હતું. બ્રહ્મચર્યને એટલું પ્રાધાન્ય અપાયું હતું કે વખતોવખત સાધકોની મિટિંગ બોલાવીને પૂછવામાં આવતું હતું કે આશ્રમમાં કોઈ બ્રહ્મચર્યની પ્રતિજ્ઞાનો ભંગ તો નથી કરતા ને? જેમણે ભંગ કર્યો હતો તેવા સાધકોને આશ્રમમાંથી તગેડી મૂકવામાં આવ્યા હતા. વિકિપિડીયા લખે છે કે કટાક્ષ એ સર્જાયો કે આશ્રમના બે સિનિયર સાધકો, અમૃત દેસાઈ પણ તેમાંના એક, વ્યભિચાર આચરતા પકડાયા. અનેક લોકો સાથેના લગ્નબહારના સંબંધો બાદ ૧૯૯૪માં એ સ્પષ્ટ થયું કે અમૃત દેસાઈને આશ્રમમાં રહેતી કમ સે કમ ત્રણ સાધિકાઓ અથવા સાધ્વીઓ સાથે શરીર સંબંધો રહ્યા હતા. દેસાઈને આશ્રમના સ્પિરિચ્યુઅલ ડિરેક્ટરપદેથી રાજીનામું આપવાની ફરજ પડી હતી. હાલમાં એ ફિલોરિડા ખાતેના એક આશ્રમમાં યોગ વિદ્યા શિખવાડે છે.
———————-

Leave A Reply

Your email address will not be published.

Translate »