તમારા માટે, તમારી સાથે, સતત…

એક ભારતીય યોગગુરુના અમેરિકામાં વિક્રમી પ્રપંચો

ભારતના યોગીઓને પશ્ચિમની સુંદરીઓ અને સંપત્તિમાં જ રસ હોય છે

0 228
  • કવર સ્ટોરી – વિનોદ પંડ્યા

પશ્ચિમની પ્રજામાં હવે એ વાત ઘર કરવા માંડી છે કે ભારતના યોગીઓને પશ્ચિમની સુંદરીઓ અને સંપત્તિમાં જ રસ હોય છે. યોગ અને ધર્મની આડશમાં તેઓ પોતાનો મકસદ સાધે છે. ધર્મનું સૌથી મોટું અને સૌથી છેતરામણુ હથિયાર રહસ્યવાદ છે. તમારે કોઈ સ્પષ્ટ જવાબ આપવા પડતા નથી. ગમે તે જવાબ આપો તે ચાલે. માટે કોઈ ઢોંગીનો ધંધો પણ ચાલે. બધા જ તિકડમબાજો વિદેશમાં ભારતીય સંસ્કૃતિનો પ્રચાર કરવા યુરોપ, અમેરિકામાં જ જાય છે. બાંગ્લાદેશ, મ્યાનમાર, કમ્બોડિયા કે વિયેતનામ કે પછી ગુઆમ ટાપુઓ પર કેમ જતા નથી?

સેક્સ અને રિલિજિયન, ધર્મ અને કામની સેળભેળ સાધુ બાવાઓ અને ઉપદેશકો વધુ કરતા હોય છે. પશ્ચિમના વિચારક રેમી દ ગોરમાંન કહેતા કે, ‘સેક્સની વાતો ધર્મની આજુબાજુ ગોળગોળ રૃમડા, રાસ લેતી હોય છે.’ અને તમે ધર્મોપદેશકોનું ઓબ્સેશન પણ કહી શકો. આવું ઓબ્સેશન અભાવમાંથી પણ જન્મે છે. ભારતના તથાકથિત યોગીઓએ યોગ સાથે ધર્મની અને અંતતોગત્વા સેક્સની પણ સેળભેળ કરી નાખી. પશ્ચિમની ગોરી મૅડમોએ તેઓની તથાકથિત તપસ્યાઓનો વારંવાર ભંગ કર્યો છે. એ યોગીઓ દેશમાં અને વિદેશમાં સેક્સ કૌભાંડોમાં સપડાયા છે અને કેટલાક પકડાયા છે. ભારતમાં જેઓને હજુ યોગીઓ માનવામાં આવી રહ્યા છે તેઓના ગોરી બાનુઓ સાથેના સહચર્યો વિશે પશ્ચિમમાં પ્રશ્નો પૂછાતા થયા છે. ભારતમાં તેઓને મહર્ષિઓ એટલા માટે માનવામાં આવે છે કે તેઓ પશ્ચિમમાં સફળ અને લોક્પ્રિય થયા. ભારતમાંના અનુયાયીઓએ ઉપજાઉ વાતોથી અભિભૂત થાય કે વિદેશમાં મહર્ષિ, પરમહંસ, ગુરુ કે યોગીએ ‘વેદ સંસ્કૃતિનો પ્રકાશપુંજ’ ફેલાવ્યો. હકીકતો સાવ જુદી હોય છે.

આવો એક તિકડમબાજ, ઢોંગી યોગી, નામે બિક્રમ(વિક્રમ) ચૌધરી સિત્તેરના દાયકામાં બંગાળથી અમેરિકા પહોંચ્યો. પરંપરાગત હઠ યોગીની પદ્ધતિઓ સાથે, અમેરિકામાં પ્રચલિત કસરતની કેટલીક ટૅક્નિકોની સેળભેળ કરી, નવી પદ્ધતિને ‘હઠ યોગ’ને બદલે ‘હોટ યોગા’ નામ આપ્યું. હોટ શબ્દના ઘણા અર્થો અને અર્થચ્છાયાઓ છે. હોટ એટલે બોલચાલની ભાષામાં સેક્સી પણ થાય, કામુક થાય, પોપ્યુલર પણ થાય અને બ્રાઇટ પણ થાય. હોટ યોગને વધુ હોટ બનાવવા, યોગ ખંડમાં વધુ ગરમ વાતાવરણ રાખવાની ટૅક્નિકને પણ વ્યવસ્થાનો ભાગ બનાવવામાં આવી. રૃમમાં ૩૫થી ૪૨ ડિગ્રી સેલ્સિયલ્સ અથવા ૯૫થી ૧૦૮ ડિગ્રી ફેરનહિટ તાપમાન રાખવામાં આવતું. ૬૦ ડિગ્રી ફેરનહિટથી વધુ તાપમાન હોય તો અમેરિકનોને ગરમી લાગે. ત્યારે ૧૦૦ ડિગ્રીની આસપાસના હવામાનને, યોગ માટે જરૃરી હશે તેથી બાબાએ રાખ્યું હશે તેમ થોડા ભોળા અને થોડા ભોટ અમેરિકનો માનતાં થયાં.

બિક્રમ યોગાનું નામ રજિસ્ટર્ડ થયું. નાનાં મોટાં શહેરોમાં તેના ક્લાસ સ્વાઇન ફ્લુની માફક ફેલાઈ ગયા. બિક્રમ યોગા એક મોટું કોર્પોરેશન બની ગયું. ૨૬ હોટ આસનોનો એક કોર્સ ડિઝાઇન કર્યો હતો. રૃમમાં પસીનો થાય એટલે લોકોને લાગે કે યોગાસનો કામ કરી રહ્યા છે. સ્ત્રીઓ બિકીની પહેરીને અને પુરુષો સૂક્ષ્મ વસ્ત્રો પહેરીને યોગ કરે. બિક્રમ ચૌધરી પોતે જે ક્લાસ કંડક્ટ કરે તેમાં ગંદી ગાળો બોલે. સાધકોને ઉદ્દેશીને તેમનાં અંગ ઉપાંગો વિશે કોમેન્ટ કરે. બિક્રમ યોગાનો કોમર્શિયલ ફેલાવો કરવા તે માટેના ખાસ શિક્ષકો તૈયાર કરાયા. ગોરા લોકોમાં ક્રેઝ ફાટી નીકળ્યો હતો. નવ સપ્તાહનો કોર્સ પૂરો કરે એટલે વિક્રમ દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવતું. ક્લાસમાં યોગવિદ્યાર્થીઓ સાથે કેવી રીતે વાર્તાલાપ કરવો તે પણ શિખવવામાં આવતું. જોકે શિક્ષકો લાંબો સમય શિખવે પછી તેમાં પોતાની મેળે ફેરફારો કરતા અને આખરે અલગ-અલગ વિક્રમ કેન્દ્રો અલગ અલગ પદ્ધતિથી પણ શિખવતા થયા.

વરસ ૨૦૦૬માં તો વિક્રમ યોગાનું નામ જગવિખ્યાત બની ગયું. દુનિયાભરમાં તેના ૧૬૫૦ જેટલા યોગા સ્ટુડિયો ખૂલી ગયા હતા. બાબા રામદેવની માફક વિક્રમે પણ અઢળક કમાણી શરૃ કરી હતી, પણ તેના ઉષ્ણ તાપમાનમાં થતાં યોગાસનોની કેટલીક આડઅસરો જાહેર થવાની શરૃઆત થઈ. જે શિક્ષકોએ લાંબા સમય સુધી શિક્ષણ આપ્યું હતું અને કેટલાક અઘરા આસનો શિખવાડતા હતા તેઓના શરીરમાંથી પસીનો વહી જવાથી અને વધુ પાણી પીવાને કારણે નમકની ઊણપની ખામીઓ શરૃ થઈ હતી. પરિણામે વિક્રમ યોગાની લોકપ્રિયતા ઘટતી ચાલી, છતાં વરસ ૨૦૧૨માં બિક્રમના ૩૩૦ સ્ટુડિયો અમેરિકામાં અને બાકીની દુનિયામાં ૬૦૦ સ્ટુડિયો કાર્યરત હતા.

દરમિયાન બિક્રમના ગપ્પાષ્ટકો પણ બહાર આવવા માંડ્યા હતા. તદાનુસાર વિક્રમનો જન્મ ૧૯૪૪માં કોલકાતામાં થયો હતો. ચાર વરસની કુમળી વયે એણે યોગાભ્યાસ શરૃ કર્યો હતો. રોજના ચારથી છ કલાક યોગ સાધનામાં ગાળતો હતો. એવી વાત ફેલાવાઈ કે માત્ર તેર વરસની ઉંમરે એણે ભારતમાં રાષ્ટ્રીય યોગા ચેમ્પિયનશિપ જીતી હતી અને ત્યાર બાદ સતત ત્રણ વરસ સુધી એ જીતતો રહ્યો હતો અને ઓલ-ઇન્ડિયા નેશનલ યોગ ચેમ્પિયન તરીકે સ્પર્ધામાંથી નિવૃત્તિ લીધી. બાદમાં ૨૬ આસનોની પોતાની ‘બિક્રમ યોગા’ પદ્ધતિ વિકસાવી. ભારતમાં યોગા કૉલેજની સ્થાપના કરી. યોગા પર એણે ઘણા પુસ્તકો પણ લખ્યા છે, વગેરે દાવાઓ વિક્રમે વહેતા કર્યા.

પત્રકારો અને પુસ્તક લેખકોએ તપાસ કરી તો જાણવા મળ્યું કે ચાર વરસની કુમળી વયે યોગાભ્યાસ શરૃ કર્યાનો દાવો સરાસર જૂઠો છે. રાષ્ટ્રીય યોગા ચેમ્પિયનશિપ જીતવાની વાત પણ ઉપજાવી કાઢેલી છે. ભારતમાં રાષ્ટ્રીય યોગ ચેમ્પિયનશિપનો પ્રારંભ સૌપ્રથમ ૧૯૭૪માં થયો હતો અને તે અગાઉ વિક્રમ ભારત છોડીને વિદેશ જતો રહ્યો હતો. ઇએસપીએન ટીવી ચેનલ દ્વારા વિક્રમ પર એક સિરીઝ ટેલિકાસ્ટ થઈ હતી. આ ઉપરાંત જેરોમ આર્મસ્ટ્રોન્ગ નામના લેખકે ‘કલકત્તા યોગા’ નામથી પુસ્તક લખ્યું છે. એ બંનેમાં વિક્રમના દાવાઓને ઠગાઈ અને બનાવટ ગણાવવામાં આવ્યા છે. વિક્રમનો એક દાવો એવો છે કે એણે કોલકાતામાં પંડિત વિષ્ણુ શરન ઘોષ પાસેથી યોગની તાલીમ લીધી હતી. આ દાવો પણ પોકળ સાબિત થયો છે.

કહે છે કે વિક્રમ ચૌધરીએ વિષ્ણુ શરણ ઘોષ દ્વારા રચિત યોગાસનોની શૃંખલામાં થોડા ફેરફારો કરી, તે આસનો પોતે વિકસાવ્યા છે એવો જુઠ્ઠો દાવો કર્યો છે. એ આસનોનાં જૂનાં સંસ્કૃત નામોમાં થોડા ફેરફાર કરી નવાં નામો અપાયાં છે. પતંજલિ પોતે કશું કમાયા નહીં હોય અને એમને એવી જરૃર પણ નહીં હોય, પણ રામદેવ પતંજલિના નામનો વેપાર કરી હજારો કરોડ કમાયા છે. વિક્રમે પણ ઘોષનું નામ વાપરી કાઢ્યું.

બાબા રામદેવ પણ દાવો કરતા હતા કે યોગથી અદ્ભુત દિવ્ય શક્તિઓ ખીલી ઊઠે છે. એ વાત નિઃશંક છે કે યોગ કરવાથી આરોગ્ય ખૂબ સુધરે છે, પણ દિવ્ય શક્તિનો દાવો રામદેવે પોતે જ ખોટો સાબિત કર્યો. મનમોહન સિંહ સરકાર સામે આંદોલનને ચડ્યા હતા ત્યારે મંચ પરથી જાહેર કર્યું હતું કે, ‘યોગ સાધનાને કારણે મારી માનસિક સ્થિતિ દ્રઢ અને મક્કમ બની છે. મને કોઈ હટાવી કે હરાવી નહીં શકે.’

બાબાએ ભૂખ હડતાલ શરૃ કરી હતી. રાત્રે પોલીસે રેડ પાડી. બાબાએ મંચ પરથી સ્ત્રીઓનું કવચ માગ્યું. કૂદી પડ્યા અને બહેનોએ ઘેરી લીધા. અંધારું થયું. નાસભાગમાં લાંબી દાઢીવાળા બાબા મીનાકુમારીનો ડ્રેસ પહેરીને, કહો કે સ્ત્રી-લિબાસમાં ભાગી નીકળ્યા. સાથી આંદોલનકારીઓનું જે થવું હોય તે થાય. રાજકુમારી નામની સ્ત્રીએ જીવ ગુમાવ્યો. બાબાને યોગાનુયોગે ચૂડીદાર મળ્યો. ચણિયાચોળી મળ્યા હોત તો તે પણ ધારણ કરી લીધા હોત! બીજા દિવસે અખબાર નવીશો સામે હાજર થઈ રડ્યા. ભૂખ હડતાલ ચાલુ રાખી, પણ ભૂખની પીડા જેણે ભોગવી હોય તે જાણે. કહે છે કે તે યોગીનું કામ, ભોગીનું નહીં. સપ્તાહ થયું એટલે બાબાએ વેન માંડ્યું કે મોરારિબાપુને તેડાવો અને મને જમાડે. ક્યાં ગયા બધા દ્રઢ મનોબળો?

હમણા પુલવામા ઘટના અગાઉ ધારણા હતી કે મોદી સરકાર ફરીવાર ના પણ રચાય. ત્યારે બાબાએ નરેન્દ્રભાઈ મોદી અને સરકાર માટે અમંગળ ભાવી ભાખવાની શરૃઆત કરી દીધી હતી, પણ જ્યારે નવા સર્વે રિલીઝ થયાં એટલે બાબા બોલવા માંડ્યા કે નરેન્દ્રભાઈ હિમાલય છે, એવરેસ્ટ છે. વગેરે વગેરે.

આ અહીં ફરીથી યાદ અપાવવાની જરૃર એટલા માટે લાગી કે યોગાસનો કરવાથી આરોગ્ય જરૃર સુધરે છે, જે રામદેવે પુરવાર કર્યું છે, પણ તેનાથી માણસ તકસાધુ મટી જતો નથી, જે પણ રામદેવે પુરવાર કર્યું છે. માટે યોગવિદ્યાને આરોગ્ય અને તેના ફાયદા પૂરતી જ સીમિત માનવી અને રાખવી જરૃરી છે. અન્યથા છેતરાઈ જવાની પૂરેપૂરી શક્યતા છે.

Related Posts
1 of 258

વિક્રમની કહાની તો હજુ અટપટી અને વળાંકો ધરાવે છે. ચૌધરીની પત્ની રાજશ્રી ચૌધરીએ ‘યોગા સ્પોટ્ર્સ ફેડરેશન’ નામથી એક સંસ્થા સ્થાપી હતી. વિષ્ણુ શરણ ઘોષના નામથી વાર્ષિક સ્પર્ધાઓ અને પારિતોષિક કપની શરૃઆત કરી. આ ફેડરેશનનો એક હેતુ યોગાસનોને એક માન્યતાપ્રાપ્ત ઑલિમ્પિક સ્પોટ્ર્સનો દરજ્જો અપાવવાનો છે. વિક્રમ ચૌધરી એ કપ દ્વારા અમેરિકાના યોગા પટલ પર મહત્ત્વની વ્યક્તિ તરીકે છવાઈ ગયો હતો.

વિક્રમનો એક ગળે ના ઊતરે એવો દાવો એ છે કે એ વીસ વરસનો હતો ત્યારે મોટું વજન ઉપાડવા ગયો ત્યારે તેના કરોડરજ્જુને ઈજા પહોંચી હતી. તબીબોએ એને કહ્યું કે એ હવે ચાલી શકશે નહીં, પરંતુ એના ગુરુ ઘોષે માત્ર છ મહિનામાં એને ચાલતો કરી દીધો હતો. ચૌધરીએ આવા અનેક દાવા પોતે લખેલા પુસ્તકમાં પણ કર્યા છે. આવું બની શકે, પણ ચૌધરી એ કહે છે તેથી ગળે ઊતરતું નથી.

એ સિત્તેરના દાયકાના પ્રારંભમાં અમેરિકા પહોંચ્યો પછી કેલિફોર્નિયા અને બાદમાં હવાઈ ટાપુ ખાતે યોગા સ્ટુડિયોની શરૃઆત કરી. અમેરિકામાં જેણે યોગ ફેડરેશનની સ્થાપના કરી હતી એ રાજશ્રી ચૌધરી સાથે લગ્ન કર્યાં.

વિક્રમે એ દાવો પણ કરવા માંડ્યો કે એના દ્વારા રચિત ‘બિક્રમ યોગા’ પર પોતાનો કોપીરાઈટ છે અને વિક્રમે જેને લાઇસન્સ કે પરમિશન ના આપ્યાં હોય એવી કોઈ વ્યક્તિ એ યોગાસનો કોઈને શિખવી શકે નહીં, તેમજ તેની રજૂઆત કરી શકે નહીં. વિક્રમના એક ભૂતપૂર્વ વિદ્યાર્થીએ ન્યૂયૉર્કમાં બિક્રમના યોગા સ્ટુડિયોની નજીક ‘યોગા ટુ ધ પિપલ’ નામનો  નવો સ્ટુડિયો શરૃ કર્યો, જે વિક્રમના સ્ટુડિયો સામે હરીફાઈમાં હતો. ચૌધરીએ તે સ્ટુડિયોના માલિક સામે કોપીરાઈટનો દાવો માડ્યો. ત્યાર બાદ ફ્લોરિડા ખાતે ‘ઇવોલેશન યોગા’ નામનો સ્ટુડિયો શરૃ થયો. તેની સામે પણ વિક્રમે દાવો માંડ્યો. બંને કેસ વિક્રમ ચૌધરી હારી ગયો. યુનાઈટેડ સ્ટેટ્સ કોપીરાઈટ ઑફિસ દ્વારા સ્પષ્ટતા જાહેર કરાઈ કે યોગાસનોના કોપીરાઈટ કોઈને આપી શકાય નહીં. જે રીતે વિક્રમે દાવો માંડ્યો છે એ રીતના અધિકારો વિક્રમને આપી શકાય નહીં અને ‘યોગા ટુ ધ પિપલ’ અને બીજા લોકો આ આસનો કોઈ પણને શિખવવા માટે મુક્ત છે. ઉપરી અદાલતમાં એ અપીલમાં ગયો, ત્યાં પણ એનો દાવો રદ્દ કરવામાં આવ્યો.

વરસ ૨૦૧૩માં વિક્રમ ચૌધરી નવી મુસીબતમાં સપડાયો. વિચિત્ર માન્યતાઓમાં રાચતા કલ્ટ-આશ્રમ જેવા વાતાવરણમાં પોતાના પર જાતીય સતામણી, મારપીટ, અનધિકૃત કેદ, ભેદભાવ, પક્ષપાત આચરવાનો વિક્રમ પર આરોપ મૂકતી એક ફરિયાદ જેન ડો નામની એક મહિલાએ નોંધાવી અને મોટી રકમનો લોસૂટ દાખલ કરાવ્યો. મીનાક્ષી ‘મીકી’ જફા-બોડેન નામની બીજી એક મહિલાએ પણ આવો જ દાવો માંડ્યો. લોસ એન્જેલીસ ખાતેની ‘સુપિરિયર કોર્ટ ઓફ કેલિફોર્નિયાં’માં ફાઈલ કરેલા દસ્તાવેજોમાં મીનાક્ષી બોડેને જણાવ્યું હતું કે, એને નોકરીમાંથી અચાનક અને ગેરકાયદેસર કાઢી મૂકવામાં આવી હતી. મીનાક્ષી બિક્રમ યોગામાં લિગલ અને ઇન્ટરનેશનલ અફેર્સ વિભાગની હેડ હતી. એણે લગભગ બે વરસ સુધી નોકરી કરી હતી અને દાવો કર્યો છે કે એ વિક્રમના સ્ત્રીઓ, હોમોસેક્સ્યુઅલ્સ, કાળા અમેરિકનો અને બીજી લઘુમતીઓ તરફના સતત ચાલતા અને વ્યાપક, કઠોર અને આક્રમક વર્તનની શિકાર પણ રહી છે અને સાક્ષી પણ રહી છે. મીનાક્ષીને રૃખસદ અપાઈ તે સમયની આસપાસ વિક્રમ યોગાની એક શિક્ષિકા સારાહ બોઘને પણ જાતીય સતામણીનો સૂટ ફાઇલ કર્યો હતો. અમેરિકામાં એક સ્ત્રી દાવો માંડે પછી બીજી અનેક સ્ત્રીઓ એવા જ પ્રકારનો દાવો માંડવા આગળ આવતી હોય છે. તેમાં સત્ય જાણવાનું કે પુરવાર કરવાનું મુશ્કેલ બનતું હોય છે. જાન્યુઆરી, ૨૦૧૬માં જ્યુરીએ ચુકાદો આપ્યો કે વિક્રમ ચૌધરીએ ખરેખર નુકસાનીની ભરપાઈ પેટે સવા નવ લાખ ડૉલર ચૂકવવા. જ્યુરીએ એવો પણ ચુકાદો આપ્યો કે વિક્રમ ચૌધરી રાગદ્વેષ, દમન અને છેતરપિંડીઓ આચરીને કર્મચારીઓ અને શિષ્યો પાસેથી કામ કઢાવતો હતો. બીજા દિવસે જ્યુરીએ બીજો ચુકાદો આપ્યો તેમાં મીનાક્ષી જફા-બોડેનને ૬૪ લાખ ડૉલર દંડાત્મક ચુકવણી કરવાનો વિક્રમને આદેશ અપાયો.

જેન ડોના આરોપો હતા કે એની સાથે જબરદસ્તી જાતીય સંબંધ બાંધવામાં આવ્યો હતો, બળાત્કાર ગુજારાયો હતો. એક કલ્ટ જેવા વાતાવરણમાં વિક્રમના ઈનર સર્કલના સભ્યો વિક્રમ માટે નવી છોકરી શોધી અને તાબે કરવાની પ્રવૃત્તિમાં વિક્રમને મદદ કરતા હતા. જેન ડોનો આરોપ છે કે વિક્રમ વિદેશોમાં પોતાના અનુયાયીઓ બનાવતો હતો અને વિક્રમની અવકૃપાનો એટલો ડર બતાવતો હતો કે એ અનુયાયીઓ ઈમિગ્રેશનના કાયદાઓનો ભંગ કરીને પણ અમેરિકામાં વિક્રમની સેવા માટે હાજર થઈ જતા હતા.

આવા આરોપોમાં ઘેરાયેલા વિક્રમનું ૩૧ વરસનું લગ્નજીવન તૂટી પડ્યું. પત્ની રાજશ્રી ચૌધરીએ છૂટાછેડાનો દાવો માંડ્યો અને બંને વચ્ચે મનમેળ થવાની શક્યતા નથી તે કારણ દર્શાવ્યું. મે, ૨૦૧૬માં છૂટાછેડા થયા. હોલિવૂડના બેવરલી હિલ્સ ખાતેના આલીશાન મકાનોનો કબજો રાજશ્રીને મળ્યો. સાથે અનેક બેશકિંમતી લક્ઝરી મોટરગાડીઓનો કાફલો પણ મળ્યો. જ્યારે વિક્રમને હવાઈ ખાતેનું માત્ર એક એપાર્ટમેન્ટ મળ્યું. વિક્રમ સામે અનેક સ્ત્રીઓએ કે બીજાઓએ દાવાઓ માંડ્યા છે તેમાં વિક્રમને જે રકમ ચૂકવવાની થશે તેની વસૂલાત રાજશ્રીને અપાયેલી રકમ કે પ્રોપર્ટીમાંથી નહીં થાય એવી ખાતરી પણ અદાલતે રાજશ્રીને આપી છે.

આવી જાતે ઊભી કરેલી જફાઓથી કંટાળીને વિક્રમ ચૌધરી ૨૦૧૬માં કોલકાતા આવી ગયો અને પોતાનો યોગા સ્ટુડિયો શરૃ કર્યો. એના વકીલે અમેરિકાની સરકાર અને અદાલતને જણાવ્યું છે કે અસીલ વિક્રમ હવે અમેરિકા પાછો ફરવા માગતો નથી. એ અમેરિકામાં ચાલતાં એની સામેના કેસોમાં સ્વબચાવ માટે હાજર રહી શકશે નહીં, પરંતુ સ્કાઇપ (ઇન્ટરનેટ) દ્વારા જુબાની આપશે.

આ વિક્રમ ચૌધરી કોઈક જુદી દુનિયામાં રાચી રહ્યો છે. રીઅલ સ્પોર્ટ નામક એક ચેનલના કાર્યક્રમમાં મુલાકાત આપતા એ બોલ્યો હતો કે, ‘મારે સ્ત્રીઓને ફસાવવાની કે સતાવવાની જરૃર શી છે? મારા વીર્યની એક બુંદ માટે મને લોકો સામેથી દસ લાખ ડૉલર આપવા કે ખર્ચવા તૈયાર છે ત્યારે હું સ્ત્રીઓને શા માટે ફસાવું?’

પોતાના પર આક્ષેપ કરનારી સ્ત્રીઓને વિક્રમ ‘કચરા’ સમાન અને ‘પાગલ’ ગણાવે છે. વરસ ૨૦૧૫માં સીએનએન ચેનલ સાથેની મુલાકાતમાં વિક્રમે પ્રથમ વખત પોતાની સામેના આરોપોને જૂઠા ગણાવ્યા, પણ એ જે બોલ્યો તે હરકોઈને હંમેશાં યાદ રહેશે. એ બોલ્યો, ‘મારી કોઈ વિદ્યાર્થિની કે શિષ્યા કે કોઈ પણ સ્ત્રી સાથે શારીરિક સંબંધો બાંધવાની હું ઇચ્છા રાખતો નથી. હકીકતમાં ઘણી વખત સ્ત્રીઓ આત્મહત્યાઓ કરે છે. મારી અનેક શિષ્યાઓએ એટલા માટે આત્મહત્યા કરી છે કે હું તેઓની જોડે શારીરિક સંબંધો બાંધી શક્યો નથી. મારી જોડે સંબંધ બાંધવામાં નિષ્ફળ ગયેલી શિષ્યાઓ આખરે આત્મહત્યા કરે છે.’

વિક્રમના આવા વર્તનને કારણે અમેરિકાભરમાં યોગા સમાજ વિષે સવાલો પૂછાતા થયા. વોશિંગ્ટન પોસ્ટ અખબારે એવા શીર્ષકથી લેખ લખ્યો કે, ‘આવા ગુરુઓમાં આટલી બધી શ્રદ્ધા રાખવામાં કોઈ ડહાપણ ખરું કે?’

રીઅલ સ્પોટ્ર્સના કાર્યક્રમમાં યોગી વિક્રમે ઇન્ટરવ્યૂ આપ્યો ત્યારે એના પર બળાત્કારનો આરોપ મૂકનારી ત્રણેય સ્ત્રીઓને પણ એ ઇન્ટરવ્યૂમાં હાજર રાખવામાં આવી હતી. ૨૦૧૭માં વિક્રમની ધરપકડ માટે વૉરન્ટ બહાર પાડવામાં આવ્યું હતું. લોસ એન્જેલસની કોર્ટે એટલા માટે વૉરન્ટ ઈસ્યુ કર્યું હતું કે વિક્રમ ચૌધરીએ નુકસાન વળતર પેટે મીનાક્ષી જફા-બોડેનને સિત્તેર લાખ ડૉલર ચૂકવવાના થતા હતા તે ચૂકવ્યા વગર એ અમેરિકાથી રફુચક્કર થઈ ગયો હતો અને કોલકાતા આવી ગયો હતો. ‘બિક્રમ યોગા’ કંપની હવે અદાલતે મીનાક્ષીને સોંપી દીધી છે. એનું મીનાક્ષી નામ ગુરુએ પાડ્યું. વાસ્તવમાં એ અમેરિકન ગોરી મહિલા છે. વિક્રમની પત્ની રાજશ્રી અને એમનાં બાળકો પર પણ માલમિલકતની કપટયુક્ત હેરફેર કરવા અને સગેવગે કરવાના આરોપસર વધારાનો કેસ માંડવામાં આવ્યો છે. લક્ઝરી ગાડીઓ બીજા રાજ્યોમાં પહોંચાડી દેવામાં આવી છે એવા અખબારી અહેવાલો બાદ ફ્લોરિડા અને નેવાડાના ગોદામોમાંથી કોઈ પણ ચીજવસ્તુના સ્થળાંતર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

જેના પર એક સમયે અમેરિકન લેખકો પુસ્તકો લખતા હતા અને હાર્પર એન્ડ કોલિન્સ જેવી મશહૂર પ્રકાશન સંસ્થા તે પ્રસિદ્ધ કરતી હતી એ વિક્રમ આજે ૭૫ વરસની ઉંમરે રાજ રજવાડું છોડીને, નાસતા ભાગતા ગુનેગારની માફક બંગાળમાં આવીને છૂપાયો છે. ઘણા તેને નસીબની બલિહારી કહેશે. કોઈ કહેશે કે ભારતીય સંસ્કૃતિને તોડી પાડવાનું અમેરિકી કારસ્તાન છે. આવા કિસ્સાઓમાં સત્ય ઘણુ અસ્પષ્ટ અને ક્યારેક સાવ જુદું જ હોય છે, પણ પોતાના વીર્યના ઉચ્ચતમ મૂલ્ય, સ્ત્રીઓની વિક્રમને પામવાની પ્રબળ ઇચ્છા વગેરે બાબતમાં એના ખ્યાલો જોતા લાગે છે કે આ માણસ ભેજાગેપ છે અને આવા લોકોનાં નાટકો સામાન્યતઃ લાંબા ચાલે નહીં, પણ આનું ૪૫ વરસ લાંબું ચાલ્યું. વળી પાછી નસીબની બલિહારી?
———————————.

Leave A Reply

Your email address will not be published.

Translate »