તમારા માટે, તમારી સાથે, સતત…

મુસ્લિમોના મત ભાજપને મળ્યા કેમકે…

મુસ્લિમ સમાજ માત્ર કૉંગ્રેસની જ વોટ બેંક છે એવી માન્યતામાં હવે છિદ્રો પડ્યા છે

0 215
  • સાંપ્રત – નરેશ મકવાણા

મુસ્લિમ સમાજ માત્ર કૉંગ્રેસની જ વોટ બેંક છે એવી માન્યતામાં હવે છિદ્રો પડ્યા છે અને મુસ્લિમો ભાજપને કદી મત ન આપે એ માન્યતા પણ હવે તુટી છે. નરેન્દ્ર મોદીના રાષ્ટ્રીય રાજકારણમાં ઉદય સાથે આ કરિશ્મા સર્જાયો છે. ૧૭મી લોકસભામાં દેશભરમાં ભાજપનો મુસ્લિમ વોટ શેર ૨૬ ટકા સુધી પહોંચી ગયો છે જે ૨૦૧૪ની ચૂંટણીમાં ૫ ટકાથી પણ ઓછો હતો. આ તફાવત પાછળ ક્યાં કારણો જવાબદાર છે તેની અહીં વાત કરવી છે…

જનમાનસમાં સામાન્ય છાપ એવી છે કે, હિન્દુત્વના મુદ્દાને આગળ કરીને ચૂંટણી લડતાં ભાજપને મુસ્લિમો કદી મત આપતા નથી, પણ હાલમાં જ આવેલા લોકસભા ચૂંટણીનાં પરિણામો પર નજર કરતાં જુદંુ જ ચિત્ર ખડું થાય છે. આશ્ચર્ય એ બાબતને લઈને થાય કે, મુસ્લિમોની વસ્તી ૨૦ ટકાથી વધુ છે તેવી અડધાથી વધુ બેઠકો પર ભાજપે જીત મેળવી છે. એટલું જ નહીં, ગત લોકસભા ચૂંટણીની સરખામણીએ તેના વોટ શેરમાં પણ વધારો નોંધાયો છે. ગુજરાતના મુસ્લિમ અગ્રણીઓના આંતરિક તારણો મુજબ ૧૭મી લોકસભામાં દેશભરમાં ભાજપનો મુસ્લિમ વોટ શેર વધ્યો છે. અગાઉ તે ૫ ટકાથી પણ ઓછો હતો, જે આ વખતે સીધો ૨૬ ટકાએ પહોંચી ગયો છે. એ જ રીતે ગુજરાતમાં પણ તે ૬ ટકાથી વધીને સીધો ૧૭ ટકાએ પહોંચી ગયો છે. અગાઉ જ્યારે પણ ચૂંટણી આવતી ત્યારે મુસ્લિમ વોટ બેંક અને મુસ્લિમ તુષ્ટીકરણ જેવા શબ્દો સતત ચર્ચામાં રહેતા હતા. એવું લાગતું જાણે દરેક રાજકીય પક્ષ માટે મુસ્લિમ સમાજ એક વોટ બેંક છે અને સૌ કોઈ તેને પોતાની તરફે કરવા મથી રહ્યા છે, પણ વર્તમાન ચૂંટણી આ મામલે વિશિષ્ટ છે, કેમ કે જે ભાજપને અત્યાર સુધી મુસ્લિમો પોતાનો વિરોધી માનતા હતા તેની તરફેણમાં તેમનું મતદાન વધ્યું છે.

ભાજપના બિન-મુસ્લિમ ઉમેદવારોએ મુસ્લિમોની બહુમતી ધરાવતી લગભગ ૫૦ ટકા બેઠકો પર તેણે જીત મેળવી છે. એક તારણ મુજબ ૨૦૧૯ લોકસભા ચૂંટણીમાં દેશભરની કુલ ૫૪૩ લોકસભા સીટો પૈકી ૯૨ એવી સીટો હતી જ્યાં બહુમતી મતદારો મુસ્લિમો હતા. આ ૯૨ પૈકી ૪૧ સીટો એવી હતી જ્યાં મુસ્લિમ વસ્તી ૨૧થી લઈને ૩૦ ટકા સુધી હતી અને તેમાં ભાજપને ફાળે ૨૫ સીટો આવી છે. ૩૧થી ૪૦ ટકા મુસ્લિમ વસ્તી ધરાવતી ૨૪ સીટોમાંથી ભાજપને ૧૩ જ્યારે કોંગ્રેસને માત્ર ૩ સીટો મળી છે. ૧૧ એવી સીટો હતી જ્યાં મુસ્લિમ વસ્તી ૪૧થી લઈને ૫૦ ટકા સુધી હતી અને ત્યાં ભાજપને ફાળે ૫ બેઠકો ગઈ છે. જોકે ૫૦ ટકાથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતી ૧૬ સીટો પૈકી ભાજપને માત્ર ૨ બેઠકો મળી છે જ્યારે કોંગ્રેસને ૧૦. પણ આ અપવાદને બાદ કરતાં મોટા ભાગનાં તારણો સ્પષ્ટ કહે છે કે ભાજપના મુસ્લિમ મતોની ટકાવારી વધી છે. આ મામલે ઉત્તર પ્રદેશનું ઉદાહરણ રસપ્રદ છે. અહીં મુસ્લિમ સમાજની વસ્તી અંદાજે ૨૦ ટકા આસપાસ છે. છતાં ભાજપ અહીં એસપી-બીએસપી સામે ૮૦માંથી ૬૨ બેઠકો જીતવામાં સફળ રહ્યું હતું. ઉત્તર પ્રદેશ ઉપરાંત અન્ય રાજ્યોની મુસ્લિમ બહુમતી ધરાવતી સીટો પર પણ ભાજપના હિન્દુ ઉમેદવારનું જીતવું એ સાબિત કરે છે કે મુસ્લિમો માત્ર મુસ્લિમને જ મત આપે છે એવું હવે નથી રહ્યું.

ગુજરાતમાં મુસ્લિમોની વસ્તી ૧૦ ટકા આસપાસ છે. અગાઉ છ ટકા જેટલા મુસ્લિમ મતો ભાજપને મળ્યા હતા તે આ ચૂંટણીમાં વધીને ૧૭ ટકા આસપાસ પહોંચી ગયા છે.

Related Posts
1 of 319

સૂફી અનવરહુસેન ભાજપનો મુસ્લિમ વોટ શેર વધવા પાછળ ભાજપ દ્વારા મુસ્લિમ સમાજને સલામતીની મળેલી ખાતરી અને સૂફી વિચારધારામાં માનતા મુસ્લિમ અગ્રણીઓ પર તેમણે મુકેલા વિશ્વાસને જવાબદાર માને છે. તેમના મતે, ‘આજેય મુસ્લિમ સમાજની પહેલી પ્રાથમિકતા સલામતીને લઈને છે. કોંગ્રેેસના સ્થાનિક નેતાઓ ચૂંટણી ટાણે સતત રમખાણોનો ભય બતાવીને મતો મેળવી જતાં હતા, પણ આજદિન સુધી તેમણે એવું કોઈ કામ નથી કર્યું જે સમાજોપયોગી હોય. આ તરફ નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી તરીકેના સવા દાયકાના શાસનમાં એકેય કોમી રમખાણો ન થયાં તેનાથી મુસ્લિમ સમાજનો ભાજપમાં વિશ્વાસ વધ્યો છે. ભાજપે કોંગ્રેસની જેમ ઉગ્રવાદી મુસ્લિમ નેતાઓને બદલે હળીમળીને રહેતાં સૂફી નેતાઓને આગળ કર્યા તેનાથી પણ સ્થિતિ બદલાઈ છે. સૂફી અગ્રણીઓ ઉચ્ચ શિક્ષિત છે, ટોચના પદો પર બિરાજે છે અને સમાજમાં તેમનો પડ્યો બોલ ઝિલાય છે. તેમણે સમાજ વચ્ચે જઈને ભાજપ તરફી સકારાત્મક વાતાવરણ ઊભું કર્યું અને તેની અસર લોકસભા ચૂંટણીઓનાં પરિણામોમાં દેખાય છે. જો ભાજપે પણ કોંગ્રેસની જેમ ભાગલાવાદી, ઉગ્ર મુસ્લિમ નેતાઓને આગળ કર્યા હોત તો હજુ સ્થિતિ ઠેરની ઠેર હોત, પણ પરિસ્થિતિ હવે બદલાઈ રહી છે અને ભાજપ મુસ્લિમ સમાજ માટે અસ્પૃશ્ય પક્ષ નથી રહ્યો. આ ચૂંટણીમાં ભાજપ તરફે તેણે મોટાપાયે કરેલું મતદાન તેનો બોલતો પુરાવો છે.’

ગુજરાત ભાજપના અગ્રણી મુસ્લિમ આગેવાન અને અમદાવાદ સ્થિત મુહિબ્બાન-એ-એહલેબૈત ફાઉન્ડેશનના પ્રમુખ સૂફી અનવરહુસેન શેખ એક જુદા જ મુદ્દા તરફ ધ્યાન દોરે છે. તેઓ કહે છે, ‘૨૦૧૯ લોકસભાની ચૂંટણીમાં જે રીતે મોટી સંખ્યામાં મુસ્લિમ મતદારોએ ભાજપની તરફેણમાં મતદાન કર્યું તેનાથી એ ભ્રમ ભાંગી જાય છે કે તેઓ મૌલવીઓ, ધર્મગુરુના કહ્યા પ્રમાણેના ઉમેદવારને મતદાન કરે છે.’

અમદાવાદના મુસ્લિમ અગ્રણી અને ‘હમારી આવાઝ’ સંસ્થાના સંચાલક કૌશરઅલી સૈયદ આ હકીકતને પોતાની રીતે કંઈક આમ મુલવે છે, ‘મને લાગે છે, સરેરાશ મુસ્લિમ ભાજપથી રાજી નથી, પણ વિકલ્પના અભાવે અને ક્યાંક ભય અને મજબૂરીનો માર્યો તે ભાજપ તરફ વળ્યો હોઈ શકે.’

ત્રિપલ તલાક પર પ્રતિબંધ પણ આમાનું એક કારણ છે. ઍડ્વોકેટ અને મહિલા એક્ટિવિસ્ટ અમન શેખ કહે છે, ‘કુરાન શરીફમાં ક્યાંય ટ્રિપલ તલાકનો ઉલ્લેખ નથી. તેને અરબના મૌલવીઓએ પોતાના લાભ માટે શરૃ કરી હતી. આ પ્રથા પછીથી કુપ્રથા બનીને ભારતમાં સ્થાપિત થઈ હતી. ટ્રિપલ તલાક ગેરકાયદે જાહેર થતા મુસ્લિમ પુરુષો મનમરજી પ્રમાણે તલાક આપી દેતા હતા તેમાં ઘટાડો નોંધાયો છે. આનાથી પરિવારો તૂટતાં બચ્યા છે. પતિપત્નીના ઝઘડામાં બાળકોનો ભોગ લેવાતો અટક્યો છે અને બહુપત્નીત્વની પ્રથા પર પણ અંકુશ મુકાયો. આ બધાં સકારાત્મક કારણોસર મુસ્લિમ મહિલાઓએ સાયલન્ટ વૉટર તરીકે ભાજપને મત આપ્યા છે.’

આનું એક ઉદાહરણ અમદાવાદના જુહાપુરા વિસ્તારના વફા ખાનનું છે. તેમના પતિ તેમની સાથે ત્રણ દીકરીઓને મૂકીને વર્ષોથી કુવૈત જતા રહ્યા છે. તેઓ ઘરના મોભી તરીકેની એકેય જવાબદારી નિભાવતા નથી. જોકે ટ્રિપલ તલાકના કાયદાને કારણે તેઓ આશાવાદી બન્યાં છે. અગાઉ તેમના પતિ સતત તલાક આપી દેવાની ધમકી આપતા હતા તે કાયદાની બીકને કારણે બંધ થઈ છે. એથી તેમની હિંમત પણ ખૂલી છે. હવે તેમને લાગે છે કે સરકાર અને કાયદો તેમની સાથે હોવાથી આ મામલે કોર્ટમાં જઈને ન્યાય મેળવી શકાય છે. વફા ખાન કહે છે, ‘સતત બીકમાં જીવતી હું ટ્રિપલ તલાક મામલે સરકારે લીધેલાં પગલાંને કારણે મજબૂત બની છું. હવે તલાકને લઈને બીક નથી લાગતી.’
———————————-

Leave A Reply

Your email address will not be published.

Translate »