તમારા માટે, તમારી સાથે, સતત…

લગ્ન ન થાય તો રેપનો આરોપ કેમ..?

કરણ ઓબેરૉય નિર્દોષ છે

0 209
  • કવર સ્ટોરી-૨ – હેતલ રાવ

કાયદામાં સુધારા શક્ય છે?
આ વિશે સુપ્રીમ કોર્ટનાં વકીલ મોનિકા અરોડાનું કહેવું છે કે, ‘મહિલાઓને જે રીતે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો અને પુરુષની હેરાનગતિનો ભોગ બનવું પડતંુ તેની સામે રક્ષણ મળી રહે તે માટે કાયદા બનાવવામાં આવ્યા હતા. મહિલાઓ પાસે આર્થિક શક્તિ ઓછી હોય છે, સમાજનો સહકાર પણ તેમને ઓછો મળી રહે છે. માટે તેમને કાયદાકીય મદદની જરૃર પડે છે. પુરુષ વધુ મજબૂત હોય છે. ઉપરાંત તેમની પાસે આર્થિક શક્તિ પણ વધુ હોય છે. મહિલાને બાળકો સાથે ઘરની બહાર નિકાળી શકે છે. આ બધી વાતોને ધ્યાનમાં રાખીને આજે પણ મહિલાઓને કાયદાકીય રક્ષણની જરૃર છે, પરંતુ હવે મહિલાઓનો એવો વર્ગ પણ સામે આવી રહ્યો છે. જે શિક્ષિત અને જાગરુક છે તેમાંથી જ એવી મહિલાઓ છે જે કાયદાનો દુરુપયોગ કરી રહી છે. ઘણા એવા કાયદા છે જેનો ખોટો ઉપયોગ થઈ રહ્યો છે. એ જ રીતે મહિલાઓના કાયદાનો પણ દુરુપયોગ થાય છે. માટે જ આવા કાયદામાં સુધારો કરવાની જરૃર છે. કેટલાક કાયદામાં સુધારો કરવામાં પણ આવ્યો છે. જેમાં દહેજના કાયદામાં તત્કાલ ધરપકડ કરવામાં નથી આવતી. લગ્નેતર સંબંધો સાથે જોડાયેલા કાયદામાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે, પરંતુ આ બધામાં એ મહિલાઓને નુકસાન ન થાય જે ખરેખર કમજોર છે કે જેમને હકીકતમાં કાયદાકીય મદદની જરૃર છે તેનું ધ્યાન રાખવું પણ જરૃરી છે.’
——————.

કરણ ઓબેરૉય નિર્દોષ છે
જસ્સી જૈસી કોઈ નહીં, સાયા અને દિશાએ જેવી ટીવી સિરિયલથી જાણીતા બનેલા અભિનેતા કરણ ઓબેરૉયની મુંબઈ પોલીસે બળાત્કારના આરોપમાં ધરપકડ કરી હતી. કરણ પર એક ફેશન ડિઝાઇનરે રેપનો આરોપ લગાવ્યો છે. ઓશીવારા પોલીસે કરણ વિરુદ્ધ રેપ અને જબરદસ્તી વસૂલાતના આરોપો પર રિપોર્ટ ફાઇલ કરી છે. પોલીસે જણાવ્યું કે કરણ પર બળાત્કાર ઉપરાંત વીડિયો બનાવવો અને તે વીડિયોના આધારે ગેરકાયદેસર વસૂલાત કરવાનો આરોપ પણ છે. પીડિતાએ કહ્યું કે, કરણે તેને ધમકી આપી હતી કે જો તેની વાત નહીં માને તો વીડિયોને વાયરલ કરશે. કરણને પોલીસ હિરાસતમાં મોકલી દેવામાં આવ્યો હતો. આ ફરિયાદ ૨૦૧૮માં દાખલ કરવામાં આવી હતી. અંધેરી કોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન કરણ રડવા લાગ્યો હતો. પીડિતાએ ઑક્ટોબર ૨૦૧૮માં જણાવ્યું હતું કે હું એક ડેટિંગ ઍપ દ્વારા કરણના સંપર્કમાં આવી હતી. શરૃઆતમાં કરણે મારી પાસે મારા સામાન્ય ફોટો માગ્યા હતા. પછી તેણે મારા વીડિયો અને ફોટા સાથે ચેડા કર્યા. આ સંદર્ભે કરણે પણ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. જોકે એ પછી કરણ ઓબેરૉયની મિત્ર પૂજા બેદી તેમના બચાવમાં આગળ આવી હતી અને મીડિયા સમક્ષ કરણ સામે આક્ષેપ કરનાર યુવતીની પોલ ખોલતી સિલસિલાબંધ હકીકતો રજૂ કરી કરણ નિર્દોષ હોવાનો દાવો કર્યો હતો.
————–.

લગ્ન ન થાય તો રેપનો આરોપ કેમ..?
મહિલાઓ માટે તો આપણે ઘણા કાયદાઓ બનાવી દીધા છે. જે યોગ્ય છે અને દોષી છે તેને સજા પણ મળવી જોઈએ, પરંતુ પુરુષો પર કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારનો આરોપ લગાવી દે છે. સાચો-ખોટો ગમે તે અને એ આક્ષેપ એક વ્યક્તિના પુરા જીવનનો સંઘર્ષ બની જાય છે. આક્ષેપો મૂકાય તો પુરુષ પર કાર્યવાહી થાય છે, પણ તેના પર થયેલા આક્ષેપો સાચા ઠરે એ પહેલાં જ તે સમાજની નજરમાં ગુનેગાર બની જાય છે. કેટલીક વાર પુરુષ પણ નિર્દોષ હોય છે, પણ એ સમયે તેના  આત્મસન્માનને પહોંચેલી ઠેસની ભરપાઈ કોઈ પણ રીતે નથી થઈ શકતી. એક મહિલા પુરુષ પર આરોપ લગાવે છે તો તે સાચું જ બોલે છે તેની કોઈ ગૅરન્ટી નથી. કાયદો કહે છે તપાસ કરો, એવું નથી કે મહિલાઓ સાથે  ખોટંુ નથી થતું. ઘણા કેસ છે જેમાં મહિલાઓ સાથે ક્રાઇમ બને છેે અને સામો પક્ષ પાવરફુલ હોવાના કારણે મહિલા બોલી નથી શકતી, પરંતુ એવા પણ ઘણા કેસ છે જેમાં કોઈ સચ્ચાઈ નથી હોતી.

Related Posts
1 of 262

આરોપ લાગતા જ જેલ થાય છે
પુરુષ પર આરોપ લાગે તો તરત જ તેને જેલ ભેગો કરવામાં આવે છે. એક વર્ષ નહીં, બેથી પાંચ વર્ષ વીતી જાય છે. વિક્રમ સિંહ કેસની વાત કરીએ. એ હિમાચલમાં રહે છે. તેમણે ચારથી પાંચ વર્ષ જેલમાં નિકાળ્યા છે. તેમને નીચલી કોર્ટે ગુનેગાર ઘોષિત કર્યા હતા, પરંતુ તેમના વિરુદ્ધમાં કોઈ પુરાવા નહોતા. પુરો કેસ ખોટો હતો. પાછળથી તેમને આરોપમુક્ત કરવામાં આવ્યા. જેલમાં હતા તે દરમિયાન તેમણે એક બુક પણ લખી હતી. નીચલી કોર્ટે એમ કહ્યું હતું કે ગામડાની યુવતી સાથે શારીરિક સંબંધ હતો તે રેપ કહેવાય, કારણ કે ગામડાની યુવતી પોતાની મરજીથી શારીરિક સંબંધ રાખવા તૈયાર નથી થતી. શું ગામડાની યુવતી મૂર્ખ હોય છે..? એકથી દોઢ દિવસ સુધી એ લોકો સાથે હતા, આ દરમિયાન ઘણીવાર સંબંધો બંધાયા હતા. ક્યાંય જબરદસ્તી નથી થઈ તો પછી કેવી રીતે કહી શકાય કે આ બધું મંજૂરી વિના થયું.તેમણે અપીલ કરી તો આ ગ્રાઉન્ડ પર જ તેમને છોડવામાં આવ્યા, પરંતુ કોર્ટ તરફથી જે દલીલ રજૂ કરવામાં આવી હતી તેમાં કોઈ લૉજિક નહોતંુ.

નેશનલ બ્યુરો ઓફ ક્રાઇમ રેકોર્ડ પાસે વર્ષ ૨૦૧૫માં લગભગ ૩૩ હજાર જેટલા રેપ કેસ નોંધાયા હતા. જેમાં ૭ કે ૭.૫ હજાર જેવા રેપ કેસ એવા હતા જેમાં લગ્નનું વચન આપવામાં આવ્યંુ હતું. પુરુષો પર આક્ષેપ હતા, લીવ ઇનમાં રહેતા હતા અને રેપના આરોપ લગાવવામાં આવ્યા. અન્ય કોઈ સાથે લગ્ન કરી લીધા તો પણ રેપનો કેસ લગાવવામાં આવ્યો. સૌથી જરૃરી બાબત એ છે કે રેપ એ ગંભીર ગુનો છે. આ વાત તો ઉપર લેવલ પર પહોંચીને નક્કી થાય છે. નીચલી કોર્ટમાં તો કેસ દાખલ કરી દેવામાં આવે છે. ત્યાં કોઈ નથી જોતું કે કેટલી લાંબી લીવ ઇન રિલેશનશિપ હતી. કરણ ઓબેરૉયનો કેસ જુઓ તો એ યુવતીએ જાતે જ મીડિયામાં જઈને ઇન્ટરવ્યૂ આપ્યો હતો. વર્ષ ૨૦૧૮માં યુવતીએ કરણ પર પૈસા ખર્ચ કર્યા હતા, તે કરણ સાથે લગ્ન કરવા ઇચ્છતી હતી. કરણે પણ તેના વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો, યુવતીએ પણ કેસ કર્યો. ત્યાં સુધી કોઈ પણ જગ્યાએ રેપ શબ્દનો ઉલ્લેખ કરવામાં નહોતો આવ્યો. હવે આ વર્ષે મે મહિનામાં અચાનક રેપનો આરોપ લગાવવામાં આવ્યો.કરણને જેલ થઈ. બંને વચ્ચે થયેલી ચેટિંગ વાંચો તો સ્પષ્ટ થઈ જશે કે આ વન સાઇડ લવ હતો. તે જબરદસ્તી લગ્ન કરવા ઇચ્છતી હતી. કોઈની સાથે લગ્ન કરવા માટે રેપનો આરોપ તો ના લગાવાય ને.

આ માટે છે મેન-ટૂની જરૃર
આપણા ત્યાં પુરુષો માટે કાયદા નથી. આપણે એ વાતનો સ્વીકાર નથી કરતા કે પુરુષોની સાથે પણ ઘરેલુ હિંસા થઈ શકે છે. પુરુષો સાથે માનસિક અત્યાચાર કે શારીરિક શોષણ થાય તે વાત આપણે સ્વીકારી નથી શકતા.

પુરુષ પર જ કેમ અત્યાચાર?
એવો વિચાર ક્યારેય ના કરવો જોઈએ કે મહિલાઓને બચાવવી છે માટે પુરુષનું જે થવું હોય તે થાય. તે પણ મનુષ્ય છે, તેમને પણ અન્ય જેટલું જ દર્દ થતું હોય છે. ધીમે-ધીમે સમાજમાં અસંતોષ આવવા લાગ્યો છે, કારણ કે લોકો સમજવા લાગ્યા છે કે પુરુષને પણ તકલીફ થાય છે. સારો અને સમાનતાવાળો સમાજ બનાવવા માટે માત્ર એક જેન્ડરની વાત ના કરી શકાય. યુવતી માટે કાયદાની વાત કરવાની હતી ત્યારે મી-ટૂમાં ઘણી મહિલાઓ સામે આવી હતી. જોકે એ સમયે કેટલાક ખોટા આરોપો પણ લગાવવામાં આવ્યા હતા. પુરુષોની વાત ત્યારે કરવામાં નથી આવી માટે મેન-ટૂને સમજવાની જરૃર છે. મી-ટૂમાં બંને વાતનો સમાવેશ નથી થતો ત્યારે ફોકસ એ જ વાત પર હતું કે મહિલાઓ સાથે શું બની રહ્યું છે. વર્કપ્લેસ પર થતાં યૌન શોષણની વાતો છાપવામાં આવી હતી. ત્યાર બાદ દરેક પ્રકારના હેરેસમેન્ટનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. મેન-ટૂ માટે પણ તટસ્થ કાયદો હોવો જોઈએ.

પુરુષોની ઓળખ છતી કેમ થાય છે?
તમે જુઓ, પોક્સો કાયદો તટસ્થ છે. ઘણા એવા કેસ છે જેમાં મહિલાઓ પર આરોપ હોવા છતાં તેમના નામ બહાર નથી આવતાં. પુરુષ પર આક્ષેપ થયા હોય ત્યારે નિયમ કેમ બદલાઈ જાય છે. પુરુષના ઘરનું સરનામું, ક્યાં કામ કરે છે, દરેક વાત છપાઈ જાય છે. જો તમે એમ વિચારતા હોવ કે મહિલાઓનું નામ લેવાથી તેની બેઇજ્જતી થશે તો પુરુષોને પણ આ વાત લાગુ પડે છે. તેના પરિવારને પણ ખરાબ નજરે જોવામાં આવે છે. જો આક્ષેપો સાચા ના પણ હોય તો પણ લોકો તેને સાચા માની લે છે. તેથી આવા બધા કિસ્સાઓમાં જ્યાં સુધી આક્ષેપો સાચા ના ઠરે ત્યાં સુધી માધ્યમોમાં કોઈ વ્યક્તિનું નામ ન આવવંુ જોઈએ.
———————–

Leave A Reply

Your email address will not be published.

Translate »