તમારા માટે, તમારી સાથે, સતત…

હવે મેન-ટૂઃ પુરુષ ક્યાં જાય?

પૈસા આપવાની ના કહી તો તેણે મને બદનામ કરવાની ધમકી આપી

0 371
  • કવર સ્ટોરી-૨  – હેતલ રાવ

ગત વર્ષ ઑક્ટોબર મહિનામાં મી-ટૂ અભિયાનની શરૃઆત થઈ હતી. જેમાં બોલિવૂડ અભિનેત્રીઓથી લઈને કામ કરતી મહિલાઓએ પોતાની સાથે થતાં શારીરિક શોષણ વિરુદ્ધ લડત શરૃ કરી. જ્યારે હવે મેન-ટૂ અભિયાનની પણ જરૃરિયાત અનુભવાઈ છે. પુરુષોને ખોટી રીતે બદનામ કરી તેમની સામે કાર્યવાહીની માગ કરતી મહિલાઓ સામે લડત શરૃ કરવાની આવશ્યકતા છે.

એક યુવતી બસમાં ચઢે છે, આજુબાજુ નજર નાંખે છે, પણ ભીડ એટલી બધી હોય છે કે બેસવાનું તો ઠીક પણ ઊભા રહેવાની પણ માંડ જગ્યા મળે છે. યુવતી બસમાં હેન્ડલ પકડી ઊભી રહે છે, તે જ્યાં ઊભી હોય છે તેની બિલકુલ બાજુની સીટમાં એક યુવક બેઠો હોય છે. વીન્ડો સીટ પર એક ઉંમરલાયક મહિલા બેઠી હતી. ડ્રાઇવર બસને બ્રેક મારે છે અને યુવતી બેઠેલા યુવક સાથે અથડાય છે, તેને લાગે છે કે યુવકે ખોટી રીતે તેને ટચ કરી, તે કશું પણ વિચાર્યા વિના જ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ બની યુવકને સીધો તમાચો ઝીંકે છે. ઓછંુ હોય તેમ આજુબાજુના લોકો પણ કંઈ વિચાર્યા વિના વચ્ચે કૂદી યુવકને બસમાંથી નીચે ઉતારે છે. યુવતીની હિંમત માટે બધા તેને દાદ આપે છે અને તેને સહેલાઈથી બસમાં જગ્યા પણ મળી જાય છે.

વાત અહીં પૂર્ણ નથી થતી, કારણ કે આ આખી ઘટનાનો વીડિયો બનીને વાઇરલ થાય છે. દરેક સોશિયલ સાઇટ પર આ વીડિયો એટલો બધો જોવાય છે કે યુવતી રાતોરાત તેની હિંમત માટે ફેમસ બને છે અને યુવક ગુનેગાર. વાત હજુ પણ અટકતી નથી, પોલીસ યુવકની ધરપકડ કરી જેલ ભેગો કરે છે ત્યાં તેને ખૂબ જ મારવામાં આવે છે, માંડ માંડ ત્યાંથી છૂટે છે. યુવકને નોકરીમાંથી હાંકી કઢાય છે. મિત્રો પણ તેનાથી દૂર થઈ જાય છે. માતા-પિતા પણ દીકરાને સપોર્ટ નથી કરતા, તે સાવ એકલો પડે છે, ત્યારે તેને વિચાર આવે છે કે મારી સાથે આ બધંુ શંુ બની રહ્યંુ છે, યુવક યુવતીનું અપહરણ કરે છે અને પૂછે છે કે તું જાણે છે કે તે દિવસે મેં તને ટચ નથી કરી, તે માત્ર અજાણતા બનેલી ઘટના હતી અને તેમાં મારો કોઈ વાંક નથી. તો પછી તે કેમ મારા વિશે ખોટી વાત કરી. ત્યારે યુવતી હકીકત કહે છે કે, તને લાફો મારી હું પ્રખ્યાત બની ગઈ. ફેસબુકથી લઈને દરેક સોશિયલ સાઇટ પર મારો વીડિયો હતો. હજારો લાઇક અને વ્યૂઝ આવવા લાગ્યા. મને લાગ્યું વહેતી ગંગામાં હાથ ધોઈ લઉં. માટે આ ઘટનાને મેં હવા આપી. યુવકે યુવતીને કહ્યંુ, હવે તંુ આ સત્ય સોશિયલ સાઇટ પર સ્વીકાર કર. યુવતીએ વાતનો સ્વીકાર કર્યો, પરંતુ યુવકને લાગ્યું કે આ યુવતીના એક નાનકડા જૂઠથી મારે જે ગુમાવવંુ પડ્યંુ છે તે ક્યારેય મને પરત નહીં મળે અને યુવક પોતાની જાતને ગોળી માળી આત્મહત્યા કરી લે છે.

ફેસબુક, વૉટ્સઍપ, ટ્વિટર અને સોશિયલ મીડિયાની અન્ય સાઇટો પર નિર્દોષ યુવક સાથે બનેલી આ ઘટનાનો વીડિયો ખૂબ જ વાઇરલ થયો હતો. વીડિયોમાં માત્ર નાટકીય સ્વરૃપ દર્શાવવામાં આવ્યંુ હતું, પરંતુ તે જોતા દરેક વ્યક્તિને ખોટંુ બોલનારી યુવતી પર ગુસ્સો અને યુવક પ્રત્યે લાગણી ચોક્કસ થઈ હશે. ભલે આ કાલ્પનિક વાત હતી, પરંતુ વીડિયોમાં દર્શાવવામાં આવેલી ઘટના આપણી આજુબાજુ રોજ બનતી હોય છે. વગર કારણે યુવકોને ટાર્ગેટ કરતી ઘણી યુવતીઓ પણ મળી આવે છે. ઘરથી લઈને જોબ સેક્શન સુધી દરેક જગ્યા પર પુરુષો ઉપર અનેક પ્રકારના ખોટા આક્ષેપો થતા હોય છે અને તે પુરુષ છે માટે તેનો જ વાંક છે એમ સમજી આપણો સમાજ પણ વગર વાંકે તેના વિરુદ્ધમાં બોલવા લાગે છે. ન્યૂઝ પેપરથી લઈને ન્યૂઝ ચેનલો સુધી તેના નામથી લઈને ફોટા સુધી બધંુ જ છપાઈ જાય છે. એટલું જ નહીં, તેં શું કરે છેથી લઈને ક્યાં રહે છે અને તેની જન્મકુંડળી પણ લોકો સુધી મિનિટોમાં પહોંચી જાય છે. જેના પરિણામનો ભોગ માત્ર તે પુરુષ જ નહીં, પણ તેનો સમગ્ર પરિવાર બને છે, પરંતુ હવે મેન-ટૂનું અભિયાન છેડી પુરુષોએ પણ પોતાના પર લગાવવામાં આવતા ખોટા આરોપોની સામે બાથ ભીડી છે.

મેન-ટૂ અભિયાન અંતર્ગત ૧૮મી મે દિલ્હીના ઇન્ડિયાગેટ પર પુરુષ અધિકારો માટે કામ કરતા કેટલાંક સંગઠનોએ એક શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કર્યું હતંુ. જેમાં પુરુષ સાથે થતા ઉત્પીડન, તેમના પર લગાવવામાં આવતા ખોટા આરોપોની તપાસ અને પુરુષ આયોગ બનાવવાની માગ કરવામાં આવી. પુરુષ પર ખોટા આક્ષેપો લગાવવામાં આવે છે તે મુદ્દા પર પહેલા પણ ઘણી ચર્ચાઓ થતી રહી છે, પરંતુ આ અભિયાનની શરૃઆત અભિનેતા અને ગાયક કરણ ઓબેરૉય પર લગાવવામાં આવેલા રેપના આરોપ પછી કરવામાં આવી. કરણ ઓબેરૉય પર એક મહિલાએ રેપનો આરોપ લગાવ્યો, પરંતુ કરણના પક્ષમાં અભિનેત્રી પૂજા બેદીએ અવાજ ઉઠાવ્યો. પછી ધીમે ધીમે કરણના સપોર્ટમાં બધા જોડાતા ગયા. જોકે કરણ ઓબેરૉયની વાત તો જગજાહેર બની ગઈ છે. આપણે વાત કરવી છે મેન-ટૂ વિશે.

કાયદાઓ માત્ર મહિલાઓના રક્ષણ માટે જ કેમ? એ સવાલ અમદાવાદનાં રાગિણી શાહ (નામ બદલેલ છે)ના મનમાં ઊઠ્યો છે. ‘અભિયાન’ સાથે વાત કરતાં રાગિણી કહે છે, ‘મારા પતિ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, તેમનો બિઝનેસ ઘણો વિસ્તરેલો છે. આઠ મહિના પહેલાં એક રાત્રે તે ફોન પર કોઈને કહી રહ્યા હતા કે, તંુ ગમે તે કરે, હું તને પૈસા નહીં જ આપું, તારાથી થાય તે કરજે. ફોન કટ થતા જ મને જોઈને તે ચોંકી ગયા. મારા ઘણા સવાલો હતા, પરંતુ તેમની પાસે કોઈ જવાબ ન હતા. લગ્નજીવનને ૨૨ વર્ષ થયાં છે. માટે તેં શું વિચારે છેથી લઈને શંુ કરશે સુધી હું તેમને ઓળખી ગઈ હતી. હવે મારે જવાબ મેળવવા છેલ્લો રસ્તો અપનાવો પડ્યો. મારા માથા પર હાથ મુકાવ્યો અને કરોડોના ટર્નઓવર કરતા મારા પતિ નાના બાળકની જેમ રડવા લાગ્યા. મને ખબર પડી ગઈ કે ચોક્કસ કોઈ મોટી વાત છે. તેમણે ખૂલીને વાત કરી કે મારી ઑફિસની સેક્રેટરી પારૃલ (નામ બદલ્યું છે) મને બ્લેકમેલ કરે છે, દસ કરોડ રૃપિયા માગે છે. મારા અને તેના ફોટાને તકનીકના ઉપયોગથી જુદા-જુદા પોઝમાં બનાવ્યા છે અને મારા હેન્ડરાઇટિંગની નકલ કરી મારા નામથી લેટરો લખ્યા છે. એટલું જ નહીં, મારી ગેરહાજરીમાં મારા મોબાઇલથી તેના મોબાઇલ પર ના મોકલાય તેવા મેસેજ અને ફોટા મોકલ્યા છે.

મારા નામથી જુદી-જુદી હોટલોમાં રૃમ પણ બુક કરાવ્યા છે. હવે આ બધંુ બતાવી મને હેરાન કરે છે. બદનામ કરવાની ધમકી આપે છે. તંુ તો જાણે છે, એક વાર નામ બહાર આવે પછી ભલે આપણે સાચા હોઈએ છતાં દરેક વ્યક્તિ મહિલાને જ સાથ આપે છે. શંુ કરું સમજાતંુ નથી. મેં તેની ઘણી મદદ કરી છે, ઘણી વાર મારી પાસેથી એડવાન્સના નામે પૈસા લીધા છે છતાં પણ ક્યારેય પગારમાં કાપ્યા નથી. ભાઈ કુણાલ અને અંકલ પારૃલને સાથ આપે છે. મને ડર હતો કે તંુ વાત જાણીશ તો ક્યાંક તને પણ…  આટલું સાંભળતા જ રાગિણી બોલી, મને તમારા પર ભરોસો છે અને હું તમને સહકાર આપીશ. તમારે કોઈ ચિંતા કરવાની જરૃર નથી. અનિલ શાહ (નામ બદલ્યંુ છે) આગળ વાત કરતા કહે છે, રાગિણીની વાત પછી જ મને હિંમત આવી અને મેં મારા લીગલ એડવાઇઝર અને મિત્રને વાત કરી. તેમણે પોલીસમાં ફરિયાદ કરી. એફઆઇઆર નોંધાવવાની વાત કરી અમે એ જ પ્રમાણે પગલા ભર્યા છે. હાલમાં અમારો કેસ ચાલી રહ્યો છે. પોલીસે અમારું નામ ગુપ્ત રાખ્યું અને પારૃલને કોઈ પણ પ્રકારનું નાટક ન કરે તેવી ચેતવણી આપી છે. હવે તેને પણ લાગી રહ્યંુ છે કે મારી પાસેથી કઈ જ નહીં મળે માટે રાગિણીને ફોન કરી કેસ પાછો લેવા અને વાત પર પૂર્ણવિરામ લગાવવાનું કહે છે,  પરંતુ રાગિણી મક્કમ છે કે જો પારૃલ આજે છૂટી જશે તો કાલે ફરી કોઈ નિર્દોષને ફસાવશે માટે આવી મહિલાઓને પાઠ ભણાવવા માટે મારી પત્નીએ બાંયો ચઢાવી છે.’

અનિલનું નસીબ સારું હતું કે તેની પત્નીએ તેને સહકાર આપ્યો, કારણ કે મોટા ભાગે એવંુ બને છે કે પત્નીને પતિ પર ગમે તેટલો ભરોસો હોય, પરંતુ આવી કોઈ ઘટના બને એટલે પતિને છોડી બાળકોને લઈને ચાલી જાય છે. પુરુષ ત્યારે ગમે તેટલો સાચો હોય પરંતુ બાળકો અને પત્નીને ગુમાવ્યાના દુઃખમાં તે સાચી તસવીર રજૂ કરવામાં નિષ્ફળ નિવડે છે.

Related Posts
1 of 262

વડોદરાના અનિકેત મહેતાની વાત પણ કંઈક આવી જ છે. (નામ બદલ્યંુ છે) ઉચ્ચ હોદ્દા પર કામ કરતા અનિકેતનો પગાર પણ એટલો બધો હતો કે વર્ષમાં બેથી ત્રણ વાર વિદેશ ટૂર કરી શકે. ‘અભિયાન’ સાથે વાત કરતા અનિકેત કહે છે, ‘લગ્નજીવનને ૧૭ વર્ષ થયાં છે. પત્ની ઊર્મિલા (નામ બદલ્યંુ છે) અને બે સંતાનો સાથે મજાની લાઇફ ચાલી રહી હતી. ત્યાં અચાનક અમારી જૂની મેડ કંચનને ગામડે જવાનું થયું. તેને પોતાની જગ્યાએ આરતી (નામ બદલ્યંુ છે)ને અમારા ઘરે કામ માટે મોકલી. કંચન વર્ષોથી અમારા ઘરે કામ કરતી, મારા દીકરા આયર્નને તેણે જ મોટો કર્યો છે એમ કહું તો પણ ચાલે. માટે આરતી પર અવિશ્વાસ કરવાનું કોઈ જ કારણ અમારી પાસે ન હતંુ. શરૃઆતમાં તો આરતી પોતાના કામથી જ કામ રાખતી, પણ ધીમે-ધીમે તે ઊર્મિલા સાથે અને બાળકો સાથે વાતો કરતી થઈ. હું વધારે પડતો બિઝી રહેતો માટે શરૃઆતમાં મને કઈ ખબરના પડી, પરંતુ રજાના દિવસો કે કઈ બહાર જવાનું હોય ત્યારે હું નોટિસ કરતો કે મારા દરેક કામ તે આગળ પડીને કરતી. ત્યાં સુધી કે મારો રૃમાલ, મોજાં વગેરે જેવી વસ્તુ જે હંમેશાં ઊર્મિલાના હાથે લેવાનું પસંદ કરતો તે પણ આરતી જ આપી જતી. એક દિવસ મેં ઊર્મિલાને કહ્યંુ પણ ખરા કે આરતીને માત્ર તારા કામ પૂરતી જ સીમિત રાખ.

આરતીએ આ વાત બિલકુલ ગંભીરતાથી ન લીધી, પણ મેં આરતીથી અંતર વધાર્યું. મને તેના વર્તન પર શંકા જતી હતી. અમારી લગ્નની તિથિ હતી. માટે ઊર્મિલાને સરપ્રાઇઝ આપવા હું વહેલો ઘરે આવ્યો, પણ તે બાળકોને લઈને મારી માટે સરપ્રાઇઝ પ્લાન કરવા સામાન લેવા ગઈ હતી. આરતી સીધી જ પાણીનો ગ્લાસ લઈને અમારા બેડરૃમમાં પ્રવેશી ગઈ અને ના કરવાની હરકત કરવા લાગી. હું સ્તબ્ધ થઈ ગયો, તેને કઈ કહું તે પહેલાં તો ઊર્મિલા આવી ગઈ અને મારી કોઈ પણ વાત સાંભળ્યા વિના બાળકોને લઈને તેના ભાઈના ઘરે ચાલી ગઈ. આરતી હસવા લાગી અને મને કહેવા લાગી મને તારામાં કોઈ રસ નથી મિસ્ટર અનિકેત. બસ, મને ૨૫ લાખ આપ અને છુટ્ટો થઈ જા. મારી પત્ની, બાળકો મને ખોટો સમજી ચાલ્યા ગયાનો ઝટકો મને લાગ્યો હતો. ત્યાં આરતીના આવા વર્તનથી મોટો ઝટકો લાગ્યો.

પૈસા આપવાની ના કહી તો તેણે મને બદનામ કરવાની ધમકી આપી અને કાલે પૈસા લેવા આવીશ કહી ચાલી ગઈ. હવે મારી સ્થિતિ કફોડી થઈ ગઈ. એકવાર તો મરવાનો પણ વિચાર આવ્યો, પણ ડોરબેલ વાગતા જ ઊર્મિલા હશે સમજી દોડી ગયો, પણ સામે મારો સાળો પંકજ હતો. તેને ભેટી હું રડી પડ્યો અને સમગ્ર વાતની રજૂઆત કરી. તેણે ઊર્મિલાને સમજાવી અને અમે વકીલની સલાહ લઈ આરતી માટે ઘરમાં જ પ્લાન ગોઠવ્યો. બીજા દિવસે આરતી પૈસા લેવા આવી અને મેં આપવાની ના કહી ત્યારે તે મને ધમકી આપવા લાગી. પોલીસ, મારી પત્ની, બાળકો અને આજુબાજુમાં રહેતા મારા મિત્રો પણ ત્યાં હાજર થઈ ગયા. આ જોઈ આરતી કઈ વિચારી ના શકી. કશું બોલે તે પહેલાં જ વીડિયો રેકોર્ડિંગના આધારે પોલીસે તેને પકડી લીધી. સમગ્ર ઘટના અમને બિલકુલ ફિલ્મ જેવી લાગી, પરંતુ આ મારા જીવનની એ હકીકત છે જે હું ક્યારેય નહીં ભૂલી શકું. વિચાર આવે છે કે તે દિવસે જો પંકજ સમયસર ન આવ્યો હોત તો હું આત્મહત્યા કરી લેત અને આરતીએ મારા જેવા કેટલાનોય ભોગ લઈ લીધો હોત. થેન્કસ ટુ ગોડ.’

અંકલેશ્વરનો નીરવ જોષી (નામ બદલ્યું છે) ધનિક પિતાનો એકનો એક દીકરો હતો. પિતા કુંદનલાલ (નામ બદલ્યું છે) માટે તો નીરવ જ જીવનનો સહારો હતો. કરોડો રૃપિયાની સંપત્તિ તેના નામે હતી. માતા બાળપણમાં જ ગુજરી જવાના કારણે પિતા-પુત્ર ક્યારે મિત્ર બની ગયા તેની જાણ તેમને ખુદને જ ના થઈ. કુંદનલાલ દીકરાની વાત કરતાં ‘અભિયાન’ને કહે છે, ‘નિરુ ડૉક્ટર બની બધાની સેવા કરવા ઇચ્છતો હતો. આટલા બધા નોકર-ચાકર વચ્ચે રાજકુમારની જેમ મોટા થયેલા દીકરામાં સહેજ પણ પૈસાનું ગુમાન ન હતું. બિલકુલ તેની મમ્મી જેવો હતો. અમારી દિનચર્યા ફિક્સ હતી. ગમે તે સંજોગોમાં સવારનો નાસ્તો અને રાત્રી ભોજન સાથે જ કરતા. ત્રણ મહિના પહેલાં અમારી દિનચર્યામાં અડચણ નાંખનારી રાહીનો પ્રવેશ થયો. નીરવ વધારે ખુશ રહેવા લાગ્યો અને જાણે તેનું જીવન બદલાવા લાગ્યું. મને ખ્યાલ આવી ગયો, અમે મિત્રો હતા એટલે નિરુએ રાહી વિશે મને દરેક વાત જણાવી, ઉંમરના અનુભવના આધારે તેનો વ્યવહાર મને થોડો ફાસ્ટ લાગ્યો.

મેં નીરવને જણાવ્યું પણ તે પ્રેમમાં ડૂબેલો હતો માટે મારી વાતને ગંભીરતાથી ન લીધી. ધીમે ધીમે તેના વર્તનમાં ફરી ફેરફાર લાગ્યા, પરંતુ આ વખતના તેના બદલાયેલા વલણે મને ચિંતામાં મુકી દીધો. માટે મેં રાહીને ઘરે લાવવાની જીદ કરી, પણ તેણે માત્ર માથંુ ધુણાવ્યંુ અને ચાલ્યો ગયો. હજુ તો તેના અને રાહીના રિલેશનને વધુ સમય પણ નહોતો થયો તો પછી નીરવની નિરાશાનું કારણ શું હશે. મારા સ્ટાફને મેં તેની પાછળ લગાવી દીધો, પણ પરિણામ આવે તે પહેલાં જ મારા નીરવે પોતાના રૃમમાં જ ઊંઘની ગોળી ખાઈને આત્મહત્યા કરી લીધી. વગદાર હતો માટે દીકરાનું બીમારીમાં નિધન થયંુ છે તેવા ખોટા સમાચારને મેં જાતે જ વેગ આપ્યો. એટલી તો ખબર હતી કે દીકરાનું મૃત્યુ રાહીના કારણે જ થયું છે, પણ કેમ, તે સત્ય કારણ શોધવાનું હતું. રાહીનું સરનામું લઈને હું કઈ પણ જાણતો નથી એ રીતે તેને સ્ટાફ સાથે બોલાવી અને વાતવાતમાં જ તેનો મોબાઇલ સ્ટાફની મદદથી ચેક કરાવ્યો. પૈસાની લાલચમાં તે ખોટા આંસુ સારી રહી હતી અને તેના મેસેજોએ સ્પષ્ટ કર્યું કે મારા દીકરાના ફોનમાં જે મેસેજો છે તે રાહીના ફોનમાંથી કરવામાં આવ્યા છે. પોલીસમાં સારી ઓળખાણ હતી માટે વાતને હવાના મળે તે રીતે જ રાહી પાસે પોલીસના સહારે હકીકત જાણી. તે મારા દીકરાને યુઝ કરી રહી હતી અને હવે તે અંકલેશ્વરમાં બંગલો, ગાડી અને પચાસ લાખ કેશની ડિમાન્ડ કરતી હતી. એટલું જ નહીં, રોજ નીરવને ગમે ત્યાં ગમે તેવી જગ્યાએ લઈ જતી અને મિત્રો સાથે મળી ના કરવાની હરકતો કરતી. નીરવ લાડમાં ઉછરેલો આવા અયોગ્ય વાતાવરણથી ઘણો દૂર હતો. તેના મિત્રો પણ બધા સારા હતા, પણ રાહી જેવી ખોટી યુવતી તેના જીવનમાં પ્રવેશી અને મારા ઘરના દીપકને કાયમ માટે ઓલવી ગઈ. રાહી હાલ તો જેલમાં છે, પણ હું સાવ એકલો પડી ગયો છું. કાશ મારા દીકરાએ દરેક વાતની જેમ આ વાત પણ કરી હોત તો આજે તે હયાત હોત.’

આવા તો અગણિત કિસ્સાઓ છે જેમાં મહિલાઓ, યુવતીઓ પુરુષો અને યુવકને ફસાવે છે અને પોતાનું કામ પૂર્ણ કરવા માટે દબાણ કરે છે. જો પુરુષ વાત ન માને તો ક્યારેક બળાત્કારના નામે તો ક્યારેક છેડતીના નામે તો ક્યારેક મારપીટના નામે તેમને એ હદે બદનામ કરે છે કે તેમને જીવવા કરતાં મોત વ્હાલંુ કરવંુ વધુ યોગ્ય લાગે છે. જેમ દરેક પુરુષ સારો નથી હોતો તે જ રીતે દરેક મહિલા પણ સારી જ હોય તે જરૃરી નથી. મહિલાઓના રક્ષણમાં કાયદાઓ એટલા બધા કડક છે કે તે ખોટી હોય છતાં કોઈ નિર્દોષને સહેલાઈથી સજા કરાવી શકે છે.

આ વિશે વાત કરતાં હાઈકોર્ટના વકીલ વિનોદ કે. જોષી કહે છે, ‘મહિલાઓ માટે જે કાયદા બનાવવામાં આવ્યા છે તે વન સાઇડ છે અને મોટા ભાગે તેના ગેરલાભ લેવામાં આવે છે. મહિલા પ્રત્યે સહાનુભૂતિ સો ટકા હોવી જોઈએ, પરંતુ તેનો દુરુપયોગ થતો હોય ત્યારે સમાજે પણ એકજૂટ રહેવંુ જોઈએ, કારણ કે ખોટા આક્ષેપોના કારણે પુરુષના ચારિત્ર્ય અને આબરૃ પર ઘણી મોટી અસર પડે છે. પરિવાર પણ વિખરાઈ જાય જેની ભરપાઈ ક્યારેય થતી નથી. આ માટે ક્રોસ ચેક એક્ટ હોવો જોઈએ અને જ્યાં સુધી તમારી સામે પ્રાઇમા ફેસી કેસ ના થાય ત્યાં સુધી નો એફઆઇઆર, નો પબ્લિસિટી, નો ન્યૂઝ, કોઈ પણ જાતની વાત બહાર ના આવવી જોઈએ. એ માટે કોઈ ઇન્સ્ટિટયૂશન હોવંુ જોઈએ. કારણ વિના કોઈની સામે કેસ કરી દેવામાં આવે તે યોગ્ય નથી. આવા કારણોથી કોઈને બિઝનેસમાં તો કોઈને ઑફિસમાં ઘણુ બધંુ ગુમાવવું પડતંુ હોય છે, જેની ભરપાઈ ક્યારેય શક્ય નથી બનતી. કોર્ટની અંદર આવા બધા કેસોમાં છેવટે પૈસા લઈને સમાધાન જ થાય છે. આવી ઘટનાઓમાં ક્રોસ ચેક થાય તો બધું જ અટકે એવું છે. મીડિયામાં પણ ન્યૂઝ પેપરો, ચેનલોએ પણ ખરાઈ કર્યા વિના અને સત્યની ચકાસણી કર્યા વિના સ્ટોરી છાપી નાંખવી યોગ્ય નથી. આવી સ્ટોરીઓ માણસનું જીવન પૂર્ણ કરી નાંખે છે. મહિલા આયોગના જેમ પુરુષ આયોગની રચના થઈ શકે કે કેમ? તેનો જવાબ આપતા વિનોદ જોષી કહે છે કે મને નથી લાગતું કે કોર્ટ આવા કોઈ આયોગ માટે પરમિશન આપે, પરંતુ આવી બધી બાબતોનું ક્યાંક ક્રોસ ચેકિંગ થાય તે જરૃરી છે.’

ચેતના પારેખ કહે છે, ‘વકીલાતમાં મારા ૨૫ વર્ષ નીકળી ગયા છે, જ્યારે પણ મહિલા પર અત્યાચાર કે શારીરિક શોષણની વાત આવે ત્યારે મને ખૂબ જ ગુસ્સો આવે છે. એટલું જ દુઃખ કોઈ નિર્દોષ પુરુષને સજા થાય કે તેની બદનામી થાય ત્યારે થાય છે. હું એવા કાયદા સામે લડત આપવા માંગુ છું જેમાં માત્ર મહિલાઓની વાતને મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે. મહિલાઓ આવી વાતનો દુરુપયોગ કરે છે. કોર્ટરૃમમાં એવા ઘણા કેસ જોયા છે જેમાં મહિલાઓ રેપ, દહેજ, પજવણી માટેના કાયદાનો પોતાના સ્વાર્થ માટે ખોટો ઉપયોગ કરે છે. આ દલદલમાં પુરુષ એક વાર ફસાય પછી તેનું સમાજમાં તો કોઈ સન્માન નથી જ રહેતંુ, પરંતુ વર્ષો સુધી કાયદાકીય લડાઈ લડીને માનસિક રીતે પણ તે કમજોર બની જાય છે. દાયકાની લડત પછી તે નિર્દોષ છૂટે છતાં પણ પૈસાની કે ઇજ્જતની ભરપાઈ નથી થઈ શકતી. માટે દરેક કિસ્સામાં પુરુષ પર આંગળી ચીંધ્યા કરતાં એક વાર મહિલાનો ભૂતકાળ પણ ચકાસી લેવો જોઈએ.’

પુરુષ પ્રધાન સમાજમાં પુરુષને જ રક્ષણની જરૃર પડી છે તે મહિલાઓ માટે ગર્વની વાત નથી, કારણ કે આવી કોઈ પણ ઘટનાથી મહિલાની પ્રગતિ નહીં, પરંતુ તેમની નિમ્ન કક્ષાની વિચારધારા છતી થાય છે. મહિલા હોય કે પુરુષ, નિર્દોષને વગર વાંકે સજા મળે ત્યારે સમાજની વરવી વાસ્તવિક્તા સ્પષ્ટ  થાય છે.
——————.

Leave A Reply

Your email address will not be published.

Translate »