તમારા માટે, તમારી સાથે, સતત…

મનોરંજક ટિકટૉક બદનામ કેમ થઈ?

સામાન્ય વ્યક્તિને પણ સ્ટાર બનાવતી મનોરંજક ટિકટૉક કેટલાક  યુઝર્સના લીધે બદનામ થઈ

0 397

કવર સ્ટોરી – નિલેશ કવૈયા

બૅકગ્રાઉન્ડમાં શત્રુઘ્નસિંહાની જાણીતી ફિલ્મ મેરે અપનેનો ફેમસ ડાયલોગ ગુંજે છે, ‘શ્યામ કહાં હૈ?’ પણ મોબાઇલની સ્ક્રીન પર એક છોકરી ફની અંદાજમાં આ ડાયલોગ બોલતી નજરે પડે છે. બીજા એક સીનમાં સ્કૂલ ડ્રેસ પહેરેલા બે છોકરા અમિતાભની ફિલ્મ દીવારના રિયલ ડાયલોગ પર ખાલી હોઠ ફફડાવે છે, ‘મેરે પાસ ગાડી હૈ, બંગલા હૈ, તુમ્હારે પાસ કયા હૈ?…’ આ બધું એટલંુ મજેદાર હોય છે કે જોવાવાળા હસી હસીને બેવડ વળી જાય. આવા નાના-નાના ફની વીડિયો ટિકટૉકની દેન છે.

ટિકટૉક ડોયુઇન તરીકે પણ ઓળખાય છે. જેનો અર્થ થાય છે વાઇબ્રેટિંગ સાઉન્ડ. ટિકટૉક માત્ર ભારતમાં જ નહીં, પણ સમગ્ર એશિયા, અમેરિકા સહિત દુનિયાભરમાં લોકપ્રિય એવું સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ છે. ભારતના યંગસ્ટર્સ પબજીની જેમ ટિકટૉકના દીવાના છે. એન્ડ્રોઇડના પ્લે-સ્ટોર અને એપલના આઇઓએસ પ્લેટફોર્મ પરથી તે ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે. આ ઍપથી યુઝર ૩થી ૧૫ સેકન્ડનો ટૂંકો મ્યુઝિક વીડિયો અને ૩થી ૬૦ સેકન્ડનો લુપિંગ વીડિયો બનાવી શકે છે. બાઇટ ડાન્સ કંપનીએ સપ્ટેમ્બર, ૨૦૧૬માં ચીનમાં ડોયુઇન નામની ઍપ લોન્ચ કરી હતી. એક વર્ષ પછી અન્ય દેશો માટે તે ટિકટૉકના નામે આવી હતી. ૨૦૧૮માં અમેરિકામાં તે જોરદાર રીતે સફળ થઈ અને સૌથી વધુ ડાઉનલોડ થતી ઍપમાં તે આવી ગઈ. અત્યારે ટિકટૉકમાં ૭૫ જેટલી ભાષામાં શોર્ટ વીડિયો બનાવી શકાય છે. રસપ્રદ બાબત એ છે કે ભારતમાં આ ઍપના લાખો દીવાના નાનાં શહેરો અને ગામડાંના છે.

Related Posts
1 of 262

સાત-આઠ વર્ષના ટાબરિયાઓમાં પણ ટિકટૉકનો જબરદસ્ત ક્રેઝ છે. બોલિવૂડનાં ટાઇગર શ્રોફ, શ્રદ્ધા કપૂર, નેહા કક્કડ સહિતની સેલિબ્રિટીઓ પણ ટિકટૉક પર આવી ચૂક્યાં છે. ટિકટૉકની ખાસિયત એ છે કે તેમાં તમે તમારા અવાજનો ઉપયોગ કરી શકતા નથી. ઓરિજનલ ગીત કે ડાયલોગની સાથે હોઠ ફફડાવીને તમારે ઍક્ટિંગ કરવાની હોય છે. ફેસબુક અને ટ્વિટર પર તમારું એકાઉન્ટ વૅરિફાય કરાવીને બ્લુ ટિક લેવા માટે ઘણાબધા પુરાવા આપવા પડે છે. જોકે ટિકટૉકમાં વૅરિફાઇડ એકાઉન્ટ ધરાવતા લાખો યુઝર્સ છે. ટિકટૉકમાં જોકે બ્લુ નહીં, પણ ઓરેન્જ ટિક મળે છે. આવા યુઝરના એકાઉન્ટમાં પોપ્યુલર ક્રિએટરનો ટૅગ પણ લાગે છે. એકાઉન્ટ જોઈને એ પણ જાણી શકાય છે કે યુઝરને કેટલા હાર્ટ એટલે કે દિલ મળ્યા છે, એટલે કે વીડિયોને કેટલા લોકોએ પસંદ કર્યો છે. ટિકટૉકનું પ્લેટફોર્મ પોતાની પ્રતિભા બતાવવા માગતા લોકો માટે ઉપયોગી છે. સાવ સામાન્ય ચહેરા ધરાવતા લોકો પણ ટિકટૉક પર સેલિબ્રિટી જેવા બની ગયા છે. કેટલાકના તો લાખો ફોલોઅર્સ છે. ઘણાબધા લોકો કમાણી પણ કરી રહ્યા છે. જોકે આ પ્લેટફોર્મનો ઉપયોગ ઘણા યુવાનોએ વલ્ગારિટી માટે કરતા વિરોધ શરૃ થયો હતો.વળી, ટિકટૉકના સંચાલકોએ પણ તેની સામે આંખ આડા કાન કર્યા હતા. ચોંકાવનારી વાત એ છે કે ગીત કે ડાયલોગને વલ્ગર બનાવીને રેકોર્ડ કરવામાં યુવતીઓ પણ પાછળ નથી. આમ તો ફેસબુક, યુ-ટ્યૂબ, વૉટ્સઍપ સહિતના સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર વલ્ગર કન્ટેન્ટની ભરમાર હોય છે.

વૉટસઍપ તો પોર્ન વીડિયોની આપલે કરવાનું મુખ્ય પ્લેટફોર્મ ગણાય છે. જેના પર કોઈ પ્રતિબંધ નથી અને તેના વિશે વધુ ઊહાપોહ પણ થતો નથી. ફેસબુક કે ટ્વિટર પર પણ લોકો બેફામ અપશબ્દો અને ઉશ્કેરણીજનક લખાણો લખે છે, પરંતુ ટિકટૉકની લોકપ્રિયતાના કારણે અને તેમાં જે-તે યુઝર પોતે પરફોર્મ કરતા હોઈ પબજીની જેમ વિવાદ સર્જાયો છે. હરિયાણામાં રહેતા સાહિલના ટિકટૉક પર ત્રણ લાખથી વધુ ફોલોઅર્સ છે. તેને તેના વીડિયોથી મહિને ત્રણથી પાંચ હજારની કમાણી થાય છે. બિહારનો ઉમેશ મુખિયા વીગો ઍપ પર કોમેડી વીડિયો પોસ્ટ કરે છે. તેને અત્યારે પાંચથી દસ હજારની કમાણી થાય છે. હવે તે ટિકટૉક પર નસીબ અજમાવવા માગે છે. ટૅક્નોલોજીની દુનિયાના જાણકારો કહે છે કે, જ્યારે કોઈ પણ દેશમાં ઍપ લોન્ચ કર્યા પછી જે-તે કંપની કેટલાક લોકોને હાયર કરે છે.

સામાન્ય રીતે એવા લોકોને રખાય જેમનો દેખાવ ઠીકઠાક હોય અને કોમેડી,ડાન્સ આવડતા હોય. તેમણે રોજના કેટલાક વીડિયો બનાવીને મૂકવાના હોય છે. આ માટે તેમને પૈસા મળે છે. એક રીતે તેઓ ઍપના બ્રાન્ડ એમ્બેસેડર હોય છે. ઉપરાંત એવા કલાકારોને પણ રખાય છે જે હજુ બહુ જાણીતા ના હોય અને સંઘર્ષ કરતા હોય. આ પ્લેટફોર્મ પર પ્રોડક્ટ્સનો પ્રચાર પણ થાય છે. જેમ કે કોઈ ચોક્કસ બ્રાન્ડનું કૉલ્ડ ડ્રિન્ક્સ કે મોબાઇલ હાથમાં રાખીને વીડિયો બનાવે તો તેના પણ પૈસા મળે છે. યુ-ટ્યૂબની જેમ અહીં પણ ટિકટૉક પર તમારા ફોલોઅર, લાઇક્સ અને વીડિયો કેટલીવાર જોવાયા તેના આધારે પૈસા મળે છે. આ ઍપના નકારાત્મક પાસા પણ છે. ગૂગલ પ્લે-સ્ટોર પર ૧૩ વર્ષથી મોટી વયના લોકો જ આ ઍપનો ઉપયોગ કરી શકે છે તેમ કહેવાયું છે, પરંતુ તેનું પાલન થતું નથી. ટિકટૉક પર જે વીડિયો બનાવાય છે તેમાં મોટી સંખ્યા ૧૩ વર્ષથી ઓછી ઉંમરના લોકોની છે.

ડિસેમ્બર, ૨૦૧૮માં ફક્ત ભારતના ૩૩ લાખ લોકોએ ટિકટૉક ઍપ ડાઉનલોડ કરી હતી. જે રીતે ટિકટૉકના યુઝર્સ વધતા હતા તેમાં ગત એપ્રિલમાં દુનિયાભરમાં કમી આવી હતી. બીજી બાજુ ટિકટૉકની કંપનીએ સુપ્રીમ કોર્ટમાં એવી રજૂઆત કરી હતી કે ભારતમાં પ્રતિબંધથી તે રોજની ૫ લાખ ડૉલરની આવક ગુમાવે છે. આ આંકડા પરથી અનુમાન લગાવી શકાય છે કે દુનિયાભરના યંગસ્ટર્સને ઘેલું લગાડનાર ટિકટૉકથી આ કંપની કેટલી તગડી કમાણી કરે છે.
————–

Leave A Reply

Your email address will not be published.

Translate »