તમારા માટે, તમારી સાથે, સતત…

ટિકટૉકઃ ટીન-એજનો ક્રેઝ કે આત્મશ્લાઘા, યા ડિજિટલ લત?

'ટિકટૉક' નામની શોર્ટ વીડિયો ઍપ હમણા અચાનક લાઇમલાઇટમાં આવી

0 834

કવર સ્ટોરી – નરેશ મકવાણા

દારૃ દવા તરીકે વપરાય છે અને પીવાય પણ છે. કેરોસીનથી દીવો પણ બળે અને ઘરેય બાળી શકાય. દરેક નવાં સંશોધનની બે બાજુઓ હોવાની. જો તેનો સદુપયોગ થાય તો માણસ સમૃદ્ધ બને અને દુરુપયોગ અધોગતિ નોતરે. ઇન્ટરનેટનો દાખલો આપણી સામે છે. એક તરફ તેણે માણસનું મોટા ભાગનું કામ સરળ કરી આપ્યું છે, તો બીજી તરફ આત્મશ્લાઘાને પોષતાં અમુક સોશિયલ માધ્યમોને જન્મ આપીને ખોટે રસ્તે પણ ચડાવી દીધો છે. ટિકટૉકનામની ઍપ્લિકેશન એનું તાજું ઉદાહરણ છે…

ચેતના સોલંકી એક ગૃહિણી છે. અમદાવાદના રાણીપ વિસ્તારમાં પતિ શક્તિ અને દીકરા અંશુ સાથે સુખેથી રહે છે. દરરોજ સવારે પતિ નોકરી પર અને દીકરો સ્કૂલે જાય એ પછીના સમયમાં તે ટ્યૂશન ક્લાસ ચલાવે છે. એ રીતે તેનો સમય પણ પસાર થઈ જાય છે અને થોડીઘણી કમાણી પણ. થોડા મહિના અગાઉ સુધી તે સગવડ હોવા છતાં સ્માર્ટફોન લેવાનું ટાળતી હતી. દીકરા અંશુની પરીક્ષા નજીક હોવાથી એક જાગૃત માતા તરીકે તેનું પગલું યોગ્ય હતું. દરમિયાન ઘરમાં નવું સ્માર્ટ ટીવી આવ્યું અને તેમાં મિરરિંગ માટે તેણે સ્માર્ટફોન ખરીદ્યો. સૌ જાણે છે કે આજનાં બાળકો સ્માર્ટફોન ઑપરેટમાં ભારે હોશિયાર હોય છે, માટે અંશુ પણ એમાંથી બાકાત નહોતો.

એટલે જેવો સ્માર્ટફોન હાથમાં આવ્યો કે તરત તેણે ‘ટિકટૉક’ ઍપ્લિકેશન ડાઉનલોડ કરી લીધી. આ જ્ઞાન તેને એક મિત્ર પાસેથી મળ્યું હતું. હવે તે આ ઍપ પરના વીડિયો જુએ છે અને મમ્મીને પણ બતાવે છે. ચેતનાને શરૃઆતમાં આ બધું સારું લાગતું હતું, પણ પછી તેનાં કન્ટેન્ટને લઈને તેના મનમાં સવાલો ઊભા થવા લાગ્યા. કેમ કે તેમાં ઘણા અશ્લીલ પ્રકારના વીડિયો પણ હતા. વધારામાં તેનો અને દીકરાનો સારો એવો સમય પણ તેમાં બગડતો હતો. આખરે એક સજાગ માતા તરીકે તેણે પાણી પહેલાં પાળ બાંધીને ટિકટૉક અનઇન્સ્ટોલ કરી નાખી. શરૃઆતમાં થોડું અજુગતું લાગ્યું, પણ હવે ફરી જીવન રાબેતા મુજબ થઈ ગયું છે. દીકરો અંશુ ભણવામાં ધ્યાન આપે છે અને પોતે પણ ટ્યૂશન ક્લાસીસ અને ઘરકામમાં મન પરોવતી થઈ છે. ચેતનાના કિસ્સામાંથી દરેક માતાપિતાએ ધડો લેવાની જરૃર છે, કેમ તે હાલ આ ઍપનું વળગણ ગાંડપણની હદે વધતું જઈ રહ્યું છે.

‘ટિકટૉક’ નામની શોર્ટ વીડિયો ઍપ હમણા અચાનક લાઇમલાઇટમાં આવી ગઈ. એકાદ મહિના અગાઉ તેના પર પિરસાતી સામગ્રીને લઈને મદ્રાસ હાઈકોર્ટે કેન્દ્ર સરકારને તેના પર પ્રતિબંધ મૂકવાનો આદેશ કર્યો હતો. જેનો અમલ થતાં ગૂગલ, એપલ સહિતનાં ડાઉનલોડ પ્લેટફોર્મ પરથી તેને દૂર કરી દેવામાં આવી હતી. અદાલતે ૩જી એપ્રિલ, ૨૦૧૯ના રોજ ટિકટૉક પર પ્રતિબંધ મૂકતી વખતે કહ્યું હતું કે તે પોર્નોગ્રાફીને ઉત્તેજન આપે છે અને બાળકોને જાતીય હિંસક બનાવે છે. આ સિવાય તેના પર અશ્લીલ સામગ્રી પિરસવાનો પણ આરોપ લાગ્યો હતો. પ્રતિબંધ પછી એવું લાગતું હતું કે ટિકટૉક ભારતમાં ફરી જોવા નહીં મળે, પણ આર્થિક પરિબળો સામે સરકારે નમતું જોખવું પડ્યું અને આખરે ૨૪ એપ્રિલના રોજ ભારતમાં આ ઍપ્લિકેશન પરનો પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો. હવે ફરી તે ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે અને લોકો એટલા જ ઉમળકાથી તેને ડાઉનલોડ કરી રહ્યા છે.

૧૨ હજાર કરોડનાં રોકાણ સાથેની ચીનની આ ઍપ્લિકેશને ભારતમાં, ખાસ કરીને નાનાં શહેરો અને ગામડાંનાં યુવાનોમાં જબરી લોકપ્રિયતા હાંસલ કરી લીધી છે. જ્યારે તેના પર પ્રતિબંધ મૂકાયો ત્યારે સોશિયલ મીડિયા પર જાતભાતના પ્રતિભાવો આવ્યા હતા. કેટલાક યુઝર્સ તેને બેરોજગારી સાથે જોડીને જોતા હતા, તો કોઈ તેને આત્મરતિમાં મસ્ત રહેતાં લોકોનું સાધન ઝૂંટવી લેવાયું તેમ કહેતાં જોવા મળ્યા. કેટલાક હીરોગીરીનું એક પ્લેટફોર્મ છીનવાઈ ગયાનું કહેતા હતા, તો કોઈક ‘ભલું થયું ભાંગી જંજાળ’ સમજીને નિરાંતનો શ્વાસ લેતા હતા. એક તબક્કે ટિકટૉક પરના પ્રતિબંધે સમગ્ર સોશિયલ મીડિયા જગતને બે ભાગમાં વહેંચી દીધું હતું. કેટલાક તેની તરફેણમાં હતા, કેટલાક વિરોધમાં.

બાકીના એવા હતા જે કશી પણ પ્રતિક્રિયા આપ્યા વિના આખો તમાશો જોતા હતા. અગાઉ ટિકટૉક મામલે ગઈ સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટને ઍપ્લિકેશન પર લાગેલા પ્રતિબંધ પર ફેરવિચારણા કરવા કહ્યું હતું. કોર્ટે આ આદેશ તામિલનાડુના સૂચના અને પ્રસારણ મંત્રીના નિવેદન બાદ આપ્યો હતો. કેમ કે, ટિકટૉકની માલિક કંપની બાઇટડાન્સ ટૅક્નોલોજીનું કહેવું હતું કે, તેના પર પ્રતિબંધ મૂકવાનો અર્થ ભારતની જનતાની બોલવાની આઝાદી પર તરાપ મારવી. ફિલ્મો, ટી.વી. અને હવે સ્માર્ટફોન પર ઉપલબ્ધ સોશિયલ માધ્યમો પર યુવાધન પહેલેથી જ ગળાડૂબ છે એવામાં ટિકટૉક જેવી ઍપ્લિકેશનની આ હદની લોકપ્રિયતા સાચે જ ચિંતાનો વિષય છે. સમય, સંબંધો, નૈતિકતા બધું ટિકટૉક આગળ પાણી ભરે. લોકો એટલાં બધાં તેમાં મશગૂલ હોય છે કે કોઈ કોઈના કહ્યામાં નથી હોતા. નાના-મોટાનું ભાન પણ ભૂલાવા લાગ્યું છે.

જે-તે ઉંમરની અને હોદ્દાની ગરિમા સુદ્ધાં કોરાણે મૂકાઈ ગઈ છે. અફસોસ તો એ વાતનો છે કે, ટિકટૉક પાછળ ઘેલા લોકો અને કેટલીક હદે તેમના વાલીઓને પણ આમાં કશું અજુગતું કે ખરાબ લાગતું નથી. એ સ્થિતિમાં સરકાર અને સભ્ય સમાજની જવાબદારી ચોક્કસ જ વધી જાય છે.

ચાઈનીઝ ટિકટૉકનો વૈશ્વિક દબદબો
મોબાઇલ પર ગૂગલ પ્લે સ્ટોર પર જઈને ટિકટૉક વિશે ચેક કરતાં ખ્યાલ આવે છે કે, તે એક શોર્ટ વીડિયો ઍપ છે. ૨૨ એપ્રિલ, ૨૦૧૯ના રોજ તેનું અપડેટ ૧૧.૦.૩ વર્ઝન માર્કેટમાં મૂકવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં તે ૫૦ કરોડ કરતાં પણ વધુ ડાઉનલોડ થઈ ચૂકી છે. વિકિપીડિયાના જણાવ્યાનુસાર તે સપ્ટેમ્બર ૨૦૧૬માં રિલીઝ કરવામાં આવી હતી, પણ પ્લે સ્ટોર કહે છે કે તે ૧૪ સપ્ટેમ્બર, ૨૦૧૫ના રોજ રજૂ થઈ હતી. ૨ ઑગસ્ટ, ૨૦૧૮માં ટિકટૉકની પેરન્ટ કંપની બાઈટડાન્સે શાંઘાઈની સ્ટાર્ટઅપ બેઇઝ મ્યુઝિકલી ઍપને એક બિલિયન ડૉલરમાં ખરીદીને ટિકટૉકમાં ભેળવી દીધી હતી. એ સાથે જ ટિકટૉક માર્કેટમાં સૌથી મોટી વીડિયો કમ્યુનિટી બની ગઈ. ૨૦૧૮માં ટિકટૉકે ૬૬.૩ કરોડ ડાઉનલોડ સાથે ઇન્સ્ટાગ્રામને પાછળ છોડ્યું હતું. આ ડાઉનલોડ પૈકી ૪૦ ટકા તો માત્ર ભારતમાં જ થયા હતા.

અમેરિકામાં ૨૦૧૮માં તે સૌથી વધુ વખત ડાઉનલોડ થયેલી ઍપ હતી. ટિકટૉકનો ફંડા એકદમ સિમ્પલ છે. યુઝરને ૩થી ૧૫ સેકન્ડનું મ્યુઝિક આપવું, જેને અનુરૃપ વીડિયો તે ક્રિએટ કરી શકે. મોટા ભાગે ફિલ્મી ગીતો, લોકગીતો, ફિલ્મી સંવાદો, જોક્સ, મશ્કરી, સ્લો મૉશન આધારિત ઍક્શન વીડિયોની અહીં ભરમાર જોવા મળે છે. કેટલાક યુવાનો, યુવતીઓ, ઇવન મહિલાઓ ટિકટૉક પર સેલિબ્રિટી બની ગયેલાં જોવા મળે છે. મજાની વાત એ છે કે ટિકટૉક પરનાં મોટા ભાગનાં યુઝર્સ મેટ્રો સિટીનાં નહીં, પરંતુ નાનાં ટાઉન કે હાલમાં જ ૪જી યુગમાં પ્રવેશેલાં ગામડાંઓનાં છે. આ ઍપની સૌથી મોટી યુએસપી એ છે કે તેના મોટા ભાગના વીડિયોમાં ગૃહિણીઓ, કિશોર-કિશોરીઓ અને નાનાં શહેરોનાં કૉલેજિયનો એકદમ દેશી સ્ટાઇલમાં રજૂ થાય છે અને એ જ કદાચ ગ્રામીણ ભારતને પોતીકાં લાગે છે. આજે અહીં રોજ એક કરોડથી વધુ વીડિયો જોવાય છે. વિવિધ ૭૫ જેટલી ભાષાઓમાં અને ૧૫૦ જેટલાં પ્લેટફોર્મ પર તે ફરતાં રહે છે.

અહીં સુધી બધું બરાબર હતું. સમસ્યા ત્યારે થઈ જ્યારે તે વધારે પડતી ડાઉનલોડ થવા માંડી. નિતનવા વીડિયો તેમાં શેઅર થવા લાગ્યા. આગળ જતાં એમાં અશ્લીલ ચેનચાળા અને બીભત્સ વર્તન કરતાં વીડિયો પણ અપલોડ થવા માંડ્યા. જેણે ટીનેજરોનું મગજ વિકૃત કરવાનું ચાલુ કર્યું. કંપનીને પણ આમાં લાભ દેખાતો હોવાથી એવી સામગ્રી માટે છૂટછાટ આપી દીધી. આવા કન્ટેન્ટને કોઈ રેગ્યુલેટ નહોતું કરતું. જેનાથી સમાજ અને દેશને ખતરો હતો. આખરે મદ્રાસ હાઈકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીએ ચીનાઓની સાન ઠેકાણી લાવી છે. કંપનીએ આ પ્રકારની સામગ્રી ધીમેધીમે હટાવવા માંડી છે. હવે ફરી બધું પહેલાંની જેમ સામાન્ય થઈ જશે. આપણા માટે સમજવાની વાત એ છે કે ઇન્ટરનેટ પર આવી તો બીજી પણ અનેક ઍપ છે, છતાં ટિકટૉક જેટલી લોકપ્રિયતા અન્ય કોઈને સાંપડી નથી. કેમ? એવું તે શું છે ટિકટૉકમાં કે આટલી મોટી સંખ્યામાં યુવાનો, યુવતીઓ, મહિલાઓ, બુઢ્ઢાઓ બધાંને તેમાં રસ પડવા માંડ્યો છે ? ચાલો જાણીએ.

ટિકટૉકની લોકપ્રિયતા, સમસ્યા અને નિવારણ
અમદાવાદના જાણીતા સાઇકૉલૉજિસ્ટ વિશાલ પરમારના મતે, ‘ભારતમાં આ ઍપ્લિકેશન વધારે ચાલવા પાછળ એકથી વધુ કારણો જવાબદાર છે. તેમાં સારાં અને ખરાબ બંને કારણો સામેલ છે. પ્રથમ સારાંની વાત કરીએ તો આ ઍપ્લિકેશન થકી ખરેખર જેમનામાં કશુંક અસામાન્ય ટેલેન્ટ છે તેમને નાનું સરખું પણ પ્લેટફોર્મ મળ્યું છે. ખાસ કરીને ગામડાંઓમાં વસતાં છોકરા-છોકરીઓ જેઓ ખરેખર કશુંક હટકે કરવા માંગતા હતાં પણ તેમને તક નહોતી મળતી, તેમને ટિકટૉકમાં મોકો દેખાતો હતો. આજે એવા ઘણા યુવાનો છે જેઓ ટિકટૉકના માધ્યમથી ફેમસ થયા હોય અને ડાન્સ, મિમિક્રી કે હાસ્યના ક્ષેત્રે આગળ વધ્યા હોય. અહીં એવા ઘણા લોકો છે જેઓ ગામડાંઓમાં રહે છે અને છતાં લાખો ફોલોઅર્સ ધરાવે છે. ટિકટૉક કુંવારાઓ, એકલા રહેતા યુવાનો અથવા કામ પર હોવા છતાં મોટા ભાગે ફ્રી રહેતાં આધેડોમાં ભારે લોકપ્રિય છે.

આ સિવાય તે કૉલેજ કન્યાઓ અને ગૃહિણીઓમાં પણ ફૅમસ છે. ઘણી છોકરીઓ, જેમનામાં ડાન્સિંગ, મૉડેલિંગ કે ગાયકીની પ્રતિભા છે, પણ પરિવાર ઘરની બહાર નીકળવા નથી દેતો, તેમના માટે ટિકટૉક વરદાન સાબિત થયું છે. તેઓ ઘરના રૃમમાં પુરાઈ રહીને પણ પોતાની પ્રતિભા દુનિયા સમક્ષ મૂકતી થઈ છે. અહીં ફેસબુક કે ઇન્સ્ટાગ્રામની જેમ મમ્મી-પપ્પા કે પરિવારના અન્ય સભ્યોની હાજરી નથી. માત્ર ગ્રૂપના મિત્રો અથવા તો સાવ અજાણ્યા લોકો તેમના સંપર્કમાં હોય છે. ઘણા ટિકટૉક પર યુઝર નેઇમ પોતાના નામ કરતાં સાવ અલગ રાખતાં હોય છે. જેથી ઘરના સભ્યો સુધી તેમના વીડિયો પહોંચતા પણ નથી. અહીંથી કેટલાક યુવાનો યુ-ટ્યૂબ પર આવ્યા છે. સૌરાષ્ટ્રની એક છોકરીને ઍરટેલ કંપનીએ પોતાની જાહેરાતમાં સ્થાન આપ્યું છે. અમદાવાદના કેટલાક આર્ટિસ્ટોને ફિલ્મો તો કેટલાક ફેમસ ટિકટૉક આર્ટિસ્ટોને ફિલ્મ પ્રમોશનનું કામ પણ મળતું થયું છે. આ તેની સકારાત્મક બાજુ થઈ.’

Related Posts
1 of 262

નકારાત્મક બાજુની વાત કરતાં વિશાલ કહે છે, ‘અહીં સૌથી મોટી સમસ્યા ઍડલ્ટ કન્ટેન્ટની છે. કોર્ટ કેસ થયા બાદ કંપનીએ ધીમેધીમે અશ્લીલ વીડિયો હટાવવાનું ચાલુ કર્યું છે. છતાં તેની ધારી અસર થઈ નથી. ટિકટૉક પર લોગ ઇન થવા માટે માત્ર તમારે ફેસબુક, ટ્વિટર કે જીમેઇલ એકાઉન્ટને તેની સાથે જોડવાનું હોય છે. કહેવા માટે તો અહીં ૧૩ વર્ષની મર્યાદા બાંધવામાં આવી છે, પણ સૌ જાણે છે કે જીમેઇલ, ફેસબુક કે ટ્વિટર એકાઉન્ટ બનાવવા માટે સાચી માહિતી આપવી જરૃરી નથી હોતી. પરિણામે બાળકો પણ મોબાઇલમાં આ ઍપનો ઉપયોગ કરે છે. એ રીતે અશ્લીલ વીડિયોના સંપર્કમાં તેઓ આવી જાય છે. જાતભાતના વીડિયો જોઈને તેઓ પણ તેની લતે ચડે છે. ઘણા કેસમાં તો એવું પણ થાય છે કે પરિવારને ખબર પણ નથી હોતી કે તેમનાં બાળકો ટિકટૉક પર અમુક વીડિયોને કારણે ફૅમસ છે. હવે તો ઘણા બોલિવૂડ સ્ટાર્સ, ગાયકો વગેરે પણ ટિકટૉક માટે વીડિયો બનાવે છે અને ફિલ્મનું પ્રમોશન પણ કરે છે.

તેના કારણે ફૅમસ થઈ જવાની ઘેલછા સતત વધતી જાય છે. માટે અહીં પહેલી જવાબદારી માતાપિતાની આવે છે. એ પછી શિક્ષકોની. તેમણે પોતાનાં બાળકો શું કરે છે તે ફરજિયાત જોવું પડશે. આ ઍપ ભારતમાં વધારે જોવાય છે તેની પાછળ બીજું મોટું કારણ બેરોજગારી છે. દેશમાં આજે યુવાઓનો એક આખો વર્ગ છે જેમનું ભણવાનું પૂરું થઈ ગયું છે, લગ્ન થયાં નથી, નોકરી માટે અનેક ફોર્મ ભર્યાં છતાં મળતી નથી, તેવા પાસે ફાજલ સમયનો તોટો નથી. ટિકટૉક આવા દરેકની મહત્ત્વાકાંક્ષાઓ પંપાળે છે. તેમને જીવનમાં રહેલી સમસ્યાઓ, દુઃખ, પીડામાંથી દૂર એક સ્વપ્નની આભાસી દુનિયામાં વિહરતા કરી દે છે. જ્યાં હતાશ વ્યક્તિ હીરોગીરી કરી શકે છે, રોબીનહૂડની અદાથી ડાયલોગ બોલીને પોરસાઈ શકે છે. કોઈની મિમિક્રી કરીને જાતને હળવી કરે છે. સુંદર છોકરીઓના વીડિયોને લાઇક કે કમેન્ટ કરીને તેના સુધી પહોંચી શક્યાનો આનંદ લઈ શકે છે. એ રીતે તે ચોતરફથી સાંત્વના મેળવે છે. સમસ્યા ત્યારે થાય છે જ્યારે તે આ આભાસી દુનિયામાં એ હદે ખૂંપી જાય છે કે એક તબક્કે તેને આજુબાજુના વાતાવરણ અને વાસ્તવિકતાનું પણ ભાન નથી રહેતું. વર્ચ્યુઅલ એ વિશ્વ સાથે તે એટલો જોડાઈ જાય છે કે તે હકીકત સાથે પનારો પાડવાની તાકાત પણ ખોઈ બેસે છે. આવા હતાશ લોકો પાસે જિંદગીમાં કોઈ લક્ષ્યાંક રહેતું નથી.’

રાજસ્થાનનો રાજ ચૌહાણ છેલ્લા એક વર્ષથી ટિકટૉક પર એક્ટિવ છે. આજે તેનાં ૪૦ હજારથી વધુ ફોલોઅર્સ છે. દરરોજ બેથી ત્રણ વીડિયો તે પોતાના એકાઉન્ટ પર મૂકે છે. ઇન્સ્ટાગ્રામ પર જાણીતી બોલિવૂડ હસ્તીઓના વીડિયો જોઈને તેને પણ ખુદના વીડિયો તૈયાર કરવાનો વિચાર આવેલો. ટિકટૉકના પોતાના અનુભવો જણાવતા રાજ કહે છે, ‘અહીં સૌથી મોટો ફાયદો ફૅમસ થવાનો છે. ટિકટૉકના કારણે લોકો તમને ઓળખતાં થાય છે. તમારું ફ્રેન્ડ ફોલોઇંગ વધે છે. આગળ જતાં તેના આધારે કામ મળવાની તકો પણ રહેતી હોય છે. અહીં કોમૅડી, ફની, ઇમોશનલ, સૅડ, સ્લો મૉશન વગેરે પ્રકારના ૧૫ સેકન્ડથી લઈને એક મિનિટ સુધીના વીડિયો બનાવી શકાય છે. ટિકટૉક પણ અમુક લેવલે પહોંચ્યા પછી તમને પોપ્યુલર કેરેક્ટરનો ઍવૉર્ડ આપતી હોય છે. જેમાં વીડિયો, આલ્બમ વગેરેમાં કામ કરવાની તક મળે છે.

દુબઈ સહિતના સ્થળનું ટૂર પૅકેજ પણ ગિફ્ટ અપાય છે. ટિકટૉક તરફથી મોટાં શહેરોમાં આયોજિત કાર્યક્રમોમાં આમંત્રણ અપાતું હોય છે. ગુજરાતમાં ભાવિન ભાનુશાળી, વિશાલ ડોક, કીર્તિ પટેલ, ધ્રુવ ડી ડી, હાર્દિક ચેરીવાલ વગેરે ઘણા લોકો ટિકટૉક પર ખૂબ લોકપ્રિય છે. મારી વાત કરું તો આજે લોકો મને ટિકટૉકના કારણે ઓળખે છે. ઇન્સ્ટાગ્રામ પર પણ તેની અસર જોવા મળી છે. હું ટિકટૉકને એક સારા પ્લેટફોર્મ તરીકે જોઉં છું. કેમ કે તેનાથી મને અંગત રીતે ઘણો ફાયદો થયો છે. બાકી ઘણા એવા લોકો પણ હોય છે જેઓ કોઈ જ કારણ વિના ટિકટૉક પાછળ સમય, કરિયર અને બીજું ઘણુ બધું બરબાદ કરે છે. મેં એવા પણ યુવાનો જોયા છે જે

ટિકટૉકમાં ગળાડૂબ હોવાથી પરીક્ષાની તૈયારી પણ કરી શકતાં નથી. હવે તો બાળકોમાં પણ આવી જ અસર જોવા મળી છે. કેટલાક યુવાનો ટિકટૉક વીડિયોને ધારી સફળતા ન મળે તો  ડિપ્રેશનમાં આવી જાય છે. કોઈ કામમાં તેનું મન લાગતું નથી. સમાજમાંથી પોતાની જાતને ખેંચીને એકલતામાં સરી પડે છે. આટલું ઓછું હોય તેમ અશ્લીલતા પણ તેમાં ઘૂસી ગઈ છે. હાઈકોર્ટના નિર્ણય બાદ તેમાં સુધારો થયાનું કહેવાય છે, પણ છોકરીઓના વીડિયો પર અશ્લીલ કમેન્ટ કરવાનું બંધ થયું નથી. જોકે ઘણા એવા પણ લોકો છે જેઓ માનવ જીવનની સારપની વાતો કરે છે, પણ આ બધું પાશેરામાં પૂણી જેવું છે. ટિકટૉકનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં આવે તો વાંધો નથી. સમસ્યા તેના અતિરેકથી થાય છે.’

અમદાવાદની હેલી પંચાલ ટિકટૉક પર પોતાના વીડિયો શેઅર કરતી રહે છે. અમે તેને અહીં એક યુવતીને કોઈ સમસ્યાનો સામનો કરવો પડે છે કે નહીં, તેવો સવાલ કર્યો. જેના જવાબમાં તેણે કહ્યું કે, દેખાવડી દરેક યુવતીને ટિકટૉક પર સૌથી વધુ સમસ્યા અશ્લીલ કમેન્ટ્સ અને અંગત માહિતી લીક થઈ જવાની રહેતી હોય છે. ઘણા યુવાનો છોકરીઓના વીડિયો જોઈને તેનાં ફિગર, જાતીય અંગોને લઈને કમેન્ટ કરતાં અચકાતાં નથી. કેટલાક વળી તેનાથી પણ આગળ વધીને પર્સનલ મેસેજ કરીને દોસ્તી કરવા અને મોબાઇલ નંબર માગવા સુધી પહોંચી જાય છે. જોકે હેલી આ બધી બાબતોને હેન્ડલ કરતાં શીખી ગઈ છે. તે આવા તત્ત્વોને પોલીસની બીક બતાવીને બોલતી બંધ કરી દે છે. તો ક્યારેક વખત આવ્યે તેમને તેમની જ ભાષામાં જવાબ દેતાં પણ અચકાતી નથી. ટિકટૉક તેને પોતાની પ્રતિભા સાબિત કરવાની તક આપતી હોઈ તે છોડવું પણ તેને પોસાય તેમ નથી. છતાં તે તેનો અતિરેક કરતી નથી.

ટિકટૉકના અતિરેકની વાત નીકળી જ છે તો જણાવી દઈએ કે ભારતમાં એક રિપોર્ટ મુજબ દર મહિને અંદાજિત ૨ કરોડ લોકો ટિકટૉકનો ઉપયોગ કરે છે. ગૂગલ પ્લે સ્ટોર પર તેના ડાઉનલોડનો આંકડો ૫૦ કરોડને પાર કરી ગયો છે, જે તેની લોકપ્રિયતાની ચાડી ખાય છે. આશ્ચર્યની વાત એ છે કે તેનો ઉપયોગ કરનારાઓમાં એક મોટી સંખ્યા ગામડાં અને નાનાં શહેરોનાં લોકોની છે. તો સાત-આઠ વર્ષનાં બાળકોની સંખ્યા પણ ઓછી નથી. તેની પ્રાઇવસી પૉલિસી અંતર્ગત ઉપયોગ માટે યુઝર્સની ઉંમર ૧૩ વર્ષથી વધુ હોવી જોઈએ, પણ તેનું પાલન થતું નથી.

એનો ખ્યાલ એના પરથી પણ આવે છે કે આપણે ત્યાં ટિકટૉક પર જે વીડિયો બને છે તેમાં ૧૩થી ઓછી ઉંમરનાં બાળકોની સંખ્યા ઘણી મોટી છે. પ્રાઇવસીની દ્રષ્ટિએ જોઈએ તો આ ઍપ્લિકેશન ખતરાથી ખાલી નથી, કારણ કે અહીં માત્ર ફ્રેન્ડ્સ, ઓન્લી અને પબ્લિક એમ ત્રણ જ સેટિંગ છે. મતલબ તમારા બનાવેલા વીડિયો કોણ જોઈ શકે તે નક્કી કરવા માટે બેથી વધુ વિકલ્પો જ નથી. તમારા મિત્રો પૂરતું રાખો તો ધારી લાઇક, કમેન્ટ મળતી ન હોવાથી નાછૂટકે લોકોએ પ્રાઇવસી ઑપ્શનમાં ‘પબ્લિક’ જ રાખવું પડે છે. એટલે કાં તો તમે વીડિયો બનાવીને જાતે જ જુઓ અથવા દુનિયા આખીને જોવા દો. વળી, જો કોઈ યુઝર પોતાનું ટિકટૉક એકાઉન્ટ ડિલિટ કરવા માગે છે તો તે જાતે એવું કરી શકતો નથી. એના માટે તેણે કંપનીને વિનંતી કરવી પડે છે. આ સિવાય આ પ્રકારની ઍપ વ્યક્તિની અંગત માહિતી પણ એકઠી કરતી હોય છે.

ટિકટૉકનો સમાજશાસ્ત્રીય દ્રષ્ટિકોણ
ટિકટૉક યુવાનોમાં આટલી લોકપ્રિય થવા પાછળ આમ તો અનેક કારણો જવાબદાર છે, પણ જાણીતા સમાજશાસ્ત્રી ડૉ. વિદ્યુત જોષીનો દ્રષ્ટિકોણ અલગથી મૂકવો પડે. તેઓ ભારતીય સમાજજીવનમાં પડેલી કેટલીક એવી બાબતો તરફ ઇશારો કરે છે જેના વિશે જાહેરમાં કદી ચર્ચા થતી નથી. ખાસ કરીને ગ્રામીણ ભારતમાં દરેક સમાજ જે રીતે સ્ટેટસને મહત્ત્વ આપે છે, તેમાં જ ટિકટૉકની સફળતાનું રહસ્ય રહેલું છે. આખો મામલો સમજાવતા ડૉ. વિદ્યુત જોષી કહે છે, ‘આપણે કાર્યલક્ષી નહીં પણ દરજ્જાલક્ષી સમાજ છીએ. એટલે જ અહીં કોઈ પોતાને શિક્ષક, વૈજ્ઞાનિક, ડૉક્ટર કે વકીલ તરીકેના પોતાના કાર્યક્ષેત્રને લઈને નહીં, પણ પોતે જે જ્ઞાતિમાંથી આવે છે તેના આધારે ઓળખ આપે છે. આપણો સમાજ સ્ટેટસ ઓરિએન્ટેડ છે, અહીં દરેક વ્યક્તિ અન્ય સાથે પોતાની જાતને સરખાવીને જુએ છે. જ્યાં સુધી તેને સામેની વ્યક્તિમાં પોતાના સ્ટેટસ મુજબની યોગ્યતા ન દેખાય ત્યાં સુધી તેની સાથે ભળતા ખચકાય છે. વાસ્તવિક જીવનમાં હજુ આપણે સ્ટેટસ ઓરિએન્ટેડ છીએ, બે વ્યક્તિ વચ્ચે જોડાવામાં વચ્ચે અનેક બંધનો આડા છે. પરિણામે સરળતાથી લોકો એકબીજા સાથે હળીમળી શકતાં નથી.

ટિકટૉક ઍપમાં તમારો દરજ્જો ગૌણ બની જાય છે, કેમ કે અહીં જ્ઞાતિજાતિ કે સ્ટેટસની અડચણો તોડી દરેક વ્યક્તિ આસાનીથી એકબીજા સાથે જોડાઈ શકે છે. આ એવી આભાસી દુનિયા છે જ્યાં વ્યક્તિ એ બધું કરી શકે છે જે તે સમાજમાં રહીને કરી શકતો નથી. ગ્રામીણ ભારતમાં આજે પણ સમાજ અનેક બંધનોમાં જકડાયેલો છે. કોણે, કોની સાથે, કેવી રીતે વર્તવું તેનાં વર્ષો જૂના નિયમો આજે પણ કડકાઈથી અમલમાં છે. ટિકટૉક તેને તોડે છે એટલે લોકપ્રિય છે. અહીં ગામડાનો ગાયો ચારતો છોકરો દૂરના શહેરની રૃપાળી કૉલેજ કન્યા સાથે વીડિયો શેઅર કરી શકે છે. આ આભાસી આનંદ વધુ ને વધુ લોકોને અહીં ખેંચી લાવે છે. આમ પણ વાસ્તવિક જીવનમાં આપણાથી જે શક્ય ન હોય તે આભાસી દુનિયામાં વધારે ગમતું હોય છે. જેમ કે કોઈ લોકલ ગુંડાને આપણે પહોંચી ન શકતા હોઈએ, પણ ફિલ્મોમાં હીરો ગુંડાઓને મારે ત્યારે આપણને તે આનંદ આપે છે. આવું જ અન્ય ક્ષેત્રનું પણ છે. જે લોકો હીરો ન બની શક્યા હોય તે ગમતાં હીરો જેવા દેખાવા પ્રયત્ન કરતાં હોય છે. છોકરીઓને પણ બહુ બધાં લોકો પોતાને પસંદ કરે, એક ચોક્કસ સ્ટેટસ આપે એવી ભાવના વધુ હોય છે. એટલે જ આ પ્લેટફોર્મ પર તેમની હાજરી વધુ જોવા મળે છે.’

જોકે ડૉ. વિદ્યુત જોષી ટિકટૉકને સમસ્યા તરીકે નહીં, પણ લેઇટ ટીન-એજના ક્રેઝ તરીકે જુએ છે. તેમના મતે, છોકરો-છોકરી ૧૨ વર્ષ સુધી માતાપિતાની અસરમાં હોય છે. ૧૨થી ૧૫ વર્ષ, જે ટીન-એજ પહેલાંની અવસ્થા કહેવાય છે, એમાં તે ઘરની બહાર નીકળીને મિત્રો સાથે પોતાની ઓળખ શોધતો થાય છે. ૧૬ વર્ષે તેને શું બનવું તેની સમજ આવવા માંડે છે. એ પછીનાં વર્ષોમાં તે સમાજમાં પોતાની ઓળખ શોધે છે, અનેક પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે અને એમાંથી જે તેની આવડત પ્રમાણે મગજમાં ફિટ થાય તે તરફ આગળ વધે છે. ટિકટૉક આ ઉંમરને જ ટાર્ગેટ કરીને ચાલે છે. કેમ કે ટીનેજર્સ હજુ પરિપક્વ હોતાં નથી. એટલે તેમને આસાનીથી આભાસી દુનિયામાં ખેંચી શકાય છે.

એક સવાલ એવો પણ છે કે, શા માટે મોટાં શહેરોનાં કિશોર-કિશોરીઓ ટિકટૉક પર એટલાં એક્ટિવ નથી? ડૉ. વિદ્યુત જોષી તેની પાછળનું કારણ જણાવતાં કહે છે કે, ‘શહેરનાં, એમાં પણ અપર કાસ્ટનાં કિશોરોને માતાપિતા બહુ વહેલા કારકિર્દી, ભણતર વગેરે પર ફોકસ કરવા કહે છે. તેમને સતત ટ્યૂશન્સ, સ્પોર્ટ્સ એક્ટિવિટી વગેરેમાં જોતરી દેવામાં આવ્યાં હોઈ ટિકટૉક જેવી પ્રવૃત્તિ તરફ તેમનું ધ્યાન ઓછું જાય છે.’

ઘણા લોકો ટિકટૉકની લોકપ્રિયતા પાછળ બેરોજગારીને જવાબદાર માને છે, પણ ડૉ. જોશી તેનાથી જુદો તર્ક ધરાવે છે. તેમના મતે ટિકટૉક પર મોટા ભાગે ટીનેજરો એક્ટિવ છે અને તેમના પર કમાવાની જવાબદારી હોતી નથી. એટલે બેરોજગારી ટિકટૉકની સફળતા પાછળનું કારણ નથી. તેઓ મનોચિકિત્સકોની જેમ ટિકટૉકને જોખમ તરીકે પણ જોતાં નથી. તેમનું માનવું છે કે, જે રીતે નવી કોઈ વસ્તુ માર્કેટમાં આવે ત્યારે લોકો તેના પ્રત્યે આકર્ષાતા હોય છે, પણ પછી ધીરે-ધીરે તેનો ક્રેઝ ઘટતો જતો હોય છે, એવું અહીં પણ થવાનું. ધીમે-ધીમે લોકોનો રસ ઘટતો જશે અને ત્યાં સુધીમાં બીજું કશુંક આવી ચડશે.
—————————-

Leave A Reply

Your email address will not be published.

Translate »