તમારા માટે, તમારી સાથે, સતત…

કચ્છની બ્રેઇલ લાઇબ્રેરીમાં પ્રજ્ઞાચક્ષુઓ માટેનાં પુસ્તકોનું સર્જન

0 142
  • પાંજો કચ્છ – સુચિતા બોઘાણી કનર

કચ્છમાં પ્રજ્ઞાચક્ષુઓ વાંચી શકે તે માટે માધાપરમાં નવચેતન અંધજન મંડળ સંચાલિત બ્રેઇલ લાઇબ્રેરી આવેલી છે. અહીં બ્રેઇલ પુસ્તકો તો વાંચવા મળે જ છે ઉપરાંત વધુ ને વધુ પુસ્તકો પ્રજ્ઞાચક્ષુઓ સુધી પહોંચે તે હેતુથી બ્રેઇલ લિપિનાં નવાં પુસ્તકો પણ અહીં બને છે. માત્ર વાંચવાના બદલે તેઓ સાંભળી શકે તે માટે ઓડિયો પુસ્તકો પણ અહીં તૈયાર કરીને જરૃરતમંદોને અપાય છે તથા ઓનલાઇન પણ મુકાય છે.

વાંચન માણસને જ્ઞાનસભર બનાવે છે, પરંતુ ટૅક્નોલોજીના યુગમાં યુવા પેઢી વાંચનથી વિમુખ થઈ રહી છે. તેવા સમયમાં ભુજના પરાં સમાન માધાપરમાં પ્રજ્ઞાચક્ષુ લોકો વાંંચનની ભૂખ સંતોષી શકે તે માટે બ્રેઇલ લાઇબ્રેરી ચલાવાય છે. જોકે આ લાઇબ્રેરી વાચકોને વાંચવા માટે પ્રોત્સાહિત તો કરે જ છે. સાથે-સાથે નવાં નવાં પુસ્તકો બ્રેઇલમાં બનાવીને ગુજરાત આખાના પ્રજ્ઞાચક્ષુઓ માટે ઉપલબ્ધ કરાવે છે. ઉપરાંત અનેક પુસ્તકો અને વાંચવા માટેનો સાહિત્યનો રસથાળ ઓડિયો ફોર્મેટમાં ઓનલાઇન મુકીને વિશ્વભરના લોકોને અપાય છે. આમ કુદરતની અવકૃપા વેઠી રહેલા લોકો માટે જ્ઞાન પ્રાપ્તિનો વધુ એક દરવાજો ખોલાય છે.

માધાપરમાં આવેલા નવચેતન અંધજન મંડળ દ્વારા પ્રજ્ઞાચક્ષુઓ સહિતના વિકલાંગો સ્વમાનભેર જીવી શકે, પગભર થઈ શકે તે હેતુથી વિવિધ યોજનાઓ ચલાવાય છે. તેમાં સૌથી વધુ મહત્ત્વની છે અહીંની લાઇબ્રેરી જે પ્રજ્ઞાચક્ષુઓને નવી-નવી માહિતીથી સભર બનાવે છે. આ લાઇબ્રેરીમાં ત્રણ પ્રકારનાં પુસ્તકો છે- સામાન્ય માણસ વાંચી શકે તેવા પુસ્તકો, બ્રેઇલ પુસ્તકો અને પુસ્તકોનું ઓડિયો વર્ઝન. તેમાં સતત વધારો થાય છે. ઓડિયો સીડી- ડીવીડી ફોર્મેટમાં અને બ્રેઇલ લિપિમાં નવાં-નવાં પુસ્તકો બનાવવાનું કામ સતત ચાલી રહ્યું છે. ચૂંટણી માટે પ્રજ્ઞાચક્ષુઓ પોતે ઇચ્છે તે ઉમેદવારને મત આપી શકે તે માટે બ્રેઇલમાં વૉટર સ્લિપ, ડમી બેલેટ પેપર વગેરે બનાવવાનું કામ પણ આ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું.

સંસ્થાના જનરલ સેક્રેટરી અને પ્રજ્ઞાચક્ષુ લાલજીભાઈ પ્રજાપતિ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ‘અમારી લાઇબ્રેરીનું ધ્યેય માત્ર પ્રજ્ઞાચક્ષુઓને જ નહીં, પરંતુ સામાન્ય લોકો અને અન્ય પ્રકારની વિકલાંગતા ધરાવતા લોકો અને ખાસ કરીને યુવાનોને વાંચતા કરવાનું છે. આજનો સામાન્ય કે વિકલાંગતા ધરાવતો કોઈ પણ યુવાન વાંચન પ્રત્યે વિમુખ થઈ ગયો છે. તે મોબાઇલ અને ટીવીમાંથી મનોરંજન મેળવી લે છે. જ્યારે વાંચન માત્ર મનોરંજન પૂરું પાડતું નથી, પણ સાથે જ્ઞાન પણ આપે છે. દરેક જિલ્લા કક્ષાની લાઇબ્રેરીમાં એક બ્રેઇલ કોર્નર બનાવવાની ગ્રંથાલય વિભાગે સૂચના આપી હોવા છતાં તેનું પાલન થતું નથી. આજે ગુજરાતમાં ૮-૧૦ બ્રેઇલ લાઇબ્રેરી છે, પરંતુ મારી ઇચ્છા દરેક જિલ્લામાં, તાલુકા કક્ષાએ એક બ્રેઇલ લાઇબ્રેરી બને તેવી છે.’

Related Posts
1 of 319

સંસ્થાનાં લાઇબ્રેરિયન ભારતીબહેન ચાવડા જણાવે છે કે, ‘અમારી લાઇબ્રેરી નોર્મલ કરતાં જુદી છે. જે પ્રજ્ઞાચક્ષુઓને બ્રેઇલ લિપિ આવડતી ન હોય, પરંતુ શિખવા પ્રયત્નશીલ હોય તેઓ માટે, ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે અમે ઓડિયો સીડી તૈયાર કરીએ છીએ. પુસ્તકોનું ઓડિયો ફોર્મેટ બનાવવા માટે શૈક્ષણિક પુસ્તકોને પ્રથમ અગ્રતા આપીએ છીએ. તે ઉપરાંત વાર્તાનાં પુસ્તકો, કોમ્પ્યુટર અંગેનાં પુસ્તકો, સ્પર્ધાત્મક પરીક્ષા અંગેનાં  પુસ્તકો મળીને અમે ૨૫૦૦ જેટલાં ઓડિયો પુસ્તકો તૈયાર કર્યા છે. મેમરી કાર્ડ કે સીડી- ડીવીડીમાં આ પુસ્તકો અમે ઇચ્છુકોને આપીએ છીએ. આ ઉપરાંત ભારત સરકાર દ્વારા વિકલાંગ લોકો માટે શરૃ કરાયેલી સુગમ્ય ઓનલાઇન લાઇબ્રેરીમાં પણ અમે પુસ્તકો અપલોડ કરીએ છીએ. જે વ્યક્તિએ તેમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તેઓ આ પુસ્તકો સાંભળી શકે છે. આ ઓનલાઇન લાઇબ્રેરીમાં તો બધી જ ભાષાનાં, વિવિધ વિષયોનાં પુસ્તકો ઉપલબ્ધ હોય છે. અમે વિવિધ અખબારો કે સામયિકોમાં પ્રસિદ્ધ થયેલા સારા લેખો, સમાચારોનું સંકલન કરીને એક ત્રિમાસિક પણ બનાવીએ છીએ. બધું ઓડિયો ફોર્મેટમાં હોય છે. જેથી જે લોકો વાંચી શકતા નથી તેઓ સાંભળીને દુનિયાના સમાચારોથી વાકેફ થઈ શકે છે. ઉપરાંત સાહિત્ય વધુ ને વધુ વ્યક્તિઓ સુધી પહોંચે તે માટે વૉટ્સઍપ લિટરેચર ગ્રૂપ પણ ચલાવીએ છીએ.’

આ સંસ્થામાં સામાન્ય પુસ્તકો, ઓડિયો સીડી, ડીવીડી અને બ્રેઇલ પુસ્તકો મળીને ૧૦થી ૧૧ હજાર પુસ્તકો છે. તેમાં સતત વધારો થતો રહે છે. સામાન્ય યુવાનોની જેમ જ પ્રજ્ઞાચક્ષુ યુવાનોને પણ નવલકથાઓ, પ્રેરણાત્મક પુસ્તકો વાંચવા વધુ ગમે છે. પ્રાથમિક શાળાનાં બાળકોને બાળવાર્તામાં રસ પડે છે, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાના કિશોરોને જય વસાવડા, કાજલ ઓઝા વૈદ્ય, ચેતન ભગત, રોબીન શર્માનાં પુસ્તકો ગમે છે. જ્યારે કૉલેજના વિદ્યાર્થીઓને, ખાસ કરીને સાહિત્યમાં રસ ધરાવનારાઓને નવલકથામાં વધુ રસ પડે છે.

અહીં શૈક્ષણિક સાહિત્ય ઉપરાંત બાળવાર્તાઓ, બાળગીતોનાં પુસ્તકો, કોમ્પ્યુટર, પ્રાર્થના, આધ્યાત્મિક, ચિંતનાત્મક પુસ્તકો, નવલકથાઓ, નવલિકાઓ, વિજ્ઞાન અંગેનાં પુસ્તકો બ્રેઇલમાં અનુવાદિત કરવામાં આવે છે. આ લાઇબ્રેરીમાં નવચેતન અંધજન મંડળ સંચાલિત વિકલાંગ કન્યા ‘ને કુમારોની નિવાસી શાળાના વિદ્યાર્થીઓ આવે છે અને વાંચે છે.

પહેલા ંતો બ્રેઇલમાં પુસ્તકો બનાવવા ખૂબ મુશ્કેલીભર્યું કામ હતું, પરંતુ હવે કોમ્પ્યુટરે આ કામ હળવું બનાવી દીધું છે. કોઈ પણ પુસ્તક જો શ્રુતિ ફોન્ટમાં હોય તો કોમ્પ્યુટરની મદદથી તે બ્રેઇલમાં ટ્રાન્સફર કરી શકાય છે. પછી તે બ્રેઇલ પ્રેસમાં ખાસ પ્રકારના પ્રિન્ટિંગ મશીન પર પ્રિન્ટ થઈ શકે છે. જે પુસ્તક શ્રુતિ ફોન્ટમાં ન હોય તેને પ્રથમ શ્રુતિ ફોન્ટમાં કમ્પોઝ કરાય છે. પછી તે બ્રેઇલમાં ટ્રાન્સફર કરાય છે. તેવી જ રીતે સામાન્ય પુસ્તક મોટેથી વાંચીને તેનું રેકોર્ડિંગ કરીને તેને ઓડિયો ફોર્મેટમાં ફેરવાય છે. આ બંને માટે બહેનોને કે યુવાનોને ખાસ કામ અપાય છે. ઓડિયો ફોર્મેટનાં પુસ્તકો સુગમ્ય પુસ્તકાલયમાં અપલોડ કરવામાં આવે છે. બ્રેઇલ પ્રેસમાં શાળાનાં પાઠ્યપુસ્તકો બનાવીને રાજ્યભરના પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને વિતરીત પણ કરવામાં આવે છે.

લાઇબ્રેરીમાં નબળી દૃષ્ટિવાળા વ્યક્તિઓ, વિદ્યાર્થીઓ સહેલાઈથી વાંચી શકે તે માટેનાં ખાસ સાધનો પણ છે. સ્ટેન્ડ મેગ્નિફાઇંગ ગ્લાસ, પોર્ટેબલ મેગ્નિફાઇંગ ગ્લાસ, વિક્ટર રીડર જેવાં સાધનોની મદદથી નબળી દૃષ્ટિવાળા નાના અક્ષરોમાં છપાયેલું પણ સારી રીતે વાંચી શકે છે. આ સાધનોનો ઉપયોગ સામાન્ય પરંતુ મોટી ઉંમરની વ્યક્તિ પણ કરી શકે છે. માધાપરની આ લાઇબ્રેરી પ્રજ્ઞાચક્ષુઓ સામે માહિતીનો ખજાનો ખુલ્લો મુકી શકવાની ક્ષમતા ધરાવે છે. તેનો યથાયોગ્ય ઉપયોગ કરે તેવા સામાન્ય, પ્રજ્ઞાચક્ષુઓ કે અન્ય વિકલાંગતા ધરાવતા વધુ ને વધુ વાચકો આવે તેવી લાઇબ્રેરીને અપેક્ષા છે.
————————-

Leave A Reply

Your email address will not be published.

Translate »