તમારા માટે, તમારી સાથે, સતત…

ચિંતા એટલે ઈશ્વર પ્રત્યે અશ્રદ્ધા

'આજકાલ મારે દિવસે અજંપો અને રાતે ઉજાગરો જેવી સ્થિતિ રહે છે

0 356

પંચામૃત – ભૂપત વડોદરિયા

આપણને કોઈ એવો પ્રશ્ન કરે કે તમે ઉછીની નહીં લીધેલી મૂડી ઉપર નિયમિત વ્યાજ ચૂકવો છો એ વાત શું સાચી છે? તો આપણે અચંબામાં પડી જઈશું અને કદાચ એવો જવાબ આપીશું કે ભલા માણસ, તમે શું અમને એટલા મૂર્ખ કે ભોળા સમજો છો કે અમે ઉછીની નહીં લીધેલી રકમ ઉપર કોઈને વ્યાજ ચૂકવીએ? પણ હકીકતે ચિંતા એ ઉછીની નહીં લીધેલી રકમ ઉપર રીતસર ચૂકવવામાં આવતું વ્યાજ નથી તો બીજું શું છે?

હમણા એક સંબંધીએ કહ્યું ઃ ‘આજકાલ મારે દિવસે અજંપો અને રાતે ઉજાગરો જેવી સ્થિતિ રહે છે. પછી ખુલાસો કર્યો ઃ છોકરાને પરીક્ષાની તૈયારી અને એ પાસ થશે કે નહીં થાય, કેવા માર્ક લાવશે તેની જ ચિંતા મને રહ્યા કરતી હતી. આવાં માબાપો કેટલીક વાર આ પ્રકારની ચિંતામાં એટલું સહન કરતાં હોય છે કે તેમનું જો ચાલે તો પોતાના બાળક વતી જાતે જ ઉત્તરપત્રો લખી નાખે. પરીક્ષા જ આપી દે. પછી જે થવું હોય તે થાય. તમે જ્યારે આ રીતે તમારા સગા પુત્ર સહિત કોઈના પણ માટે ચિંતા કરો છો ત્યારે તમે જેના માટે ચિંતા કરો છો તેને પણ અન્યાય કરો છો. કેટલાક લોકો આ રીતે આખા ઘરનો ભાર માથે ઉપાડે છે. તમે એમની તરેહ તરેહની ચિંતાઓનો ઉકળાટ જુઓ અને તેમના ઉદ્ગારો સાંભળો તો તમને લાગે કે આ માણસના બિચારાના આખા કુટુંબના તમામ સભ્યો બિલકુલ બેજવાબદાર જ હશે. પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ લેવાનું શક્ય છે, પણ ચિંતામાંથી નિવૃત્તિ લેવાનું ભારે મુશ્કેલ છે. ઘણા મા-બાપ પાંત્રીસ વરસના પુત્રની ચિંતા કરતા હોય છે. પાંત્રીસ વર્ષનો દીકરો પોતાની ખુદની ચિંતા કરવા માટે ‘પુખ્ત’ ગણાય એટલું પણ એમને સમજાતું નથી.

Related Posts
1 of 281

આટલી ઉંમરના પુત્રે પિતાને કોઈ ચિંતા કરવાનું કહ્યું હોતું નથી, પણ માબાપ માને છે કે અમને ચિંતા કરવાનો પણ હક નહીં? હક છે જ – કુટુંબની ચિંતા કરવાનો, સ્નેહીઓ-સંબંધી ‘ને મિત્રોની ચિંતા કરવાનો પણ આપણને જરૃર હક છે, પણ ચિંતાનું કોઈ વાજબી કારણ તો હોવું જોઈએ કે નહીં? વાજબી કારણ હોય તો જરૃર ચિંતા કરો, પણ જ્યાં ચિંતાનું કોઈ પ્રગટ કારણ સામે છે જ નહીં, પછી સાચીખોટી શંકાઓ અને અનુમાનોના આધારે તમે ચિંતા કરવાનું ચાલુ રાખો તો તેનો અર્થ એ કે તમને ચિંતા કરવાની એક ટેવ પડી ગઈ છે. આ તમારી ‘ચિંતા’ તમારા સ્નેહીજનો-સ્વજનો માટે કશું પણ ખરેખર નક્કર કરવાની તમારી અશક્તિ કે નિષ્ક્રિયતા ઢાંકવા માટેનો તમે એક ઊભો કરેલો પડદો જ છે, એવું માનવા કોઈ પ્રેરાય તો તેનો શું વાંક?

હવે ધારો કે ચિંતા માટે તમારી દ્રષ્ટિએ વાજબી કારણો છે તોપણ ચિંતા કરવાથી શું વળશે? તમે આ પ્રશ્નમાં ખરેખર કશું કરી શકો તેમ હો તો જરૃર કરો. માત્ર ચિંતા કરવાથી તો કશું જ વળવાનું નથી. તમે વિમાનમાં કે બસમાં મુસાફરી કરી રહ્યા હો ત્યારે તમે આખા રસ્તે ઢગલાબંધ અકસ્માતોની જ કલ્પના કર્યા કરશો તો તમારી ચિંતાનો કોઈ પાર નહીં રહે, પણ જ્યાં સુધી અમુક ઘટના બની નથી ત્યાં સુધી તે ઘટના નહીં, પણ દુર્ઘટના જ પુરવાર થશે તેવા કલ્પિત ભયથી વિચારવાનો અર્થ શું? સાચું કહીએ તો માનસિક નિર્બળતાની જ આ નિશાની છે અને જ્યારે મન નબળું પડે છે ત્યારે મનની ભૂતાવળો ગમે તેટલી સારી વાસ્તવિકતાને પણ ફોક કરી દઈને તમારા માટે નરક ખડું કરી દે છે. કશું સારું બનવાનું નથી, ઘણુખરું તો બધું ખરાબ જ બનવાનું છે એવી ગ્રંથિ બંધાઈ જાય છે અને આના મૂળમાં ઈશ્વરમાં અશ્રદ્ધા, માણસોમાં પણ અશ્રદ્ધા અને જિંદગીના શુભ મંગલમાં પણ અશ્રદ્ધા પડેલી હોય છે. આવા માણસો કોઈ વાર વિચાર કરે તો તેમને જરૃર સમજાય કે આ પૃથ્વી ઉપર જીવનને પોષક અને રક્ષક એવી ઝીણામાં ઝીણી અને જડબેસલાક વ્યવસ્થાનું એક માળખું કોઈકે ઊભું કર્યું છે.

આ પૃથ્વી પોતે તેની ધરી ઉપર સતત ઘૂમ્યા કરે છે અને સૂર્ય – ચંદ્ર તો ઠીક, માણસે મોકલેલા ઉપગ્રહો પણ તેના નિર્ધારેલા પંથ-ગતિ પ્રમાણે ઘૂમ્યા કરે છે. આટલી અટપટી અને છતાં સંપૂર્ણ ચોક્સાઈથી કરવામાં આવેલી એક અનંત ‘વ્યવસ્થા’ આપણને દેખાય નહીં અને માત્ર થોડા અકસ્માતો જ દેખાય એ કેવું? એ અકસ્માતોથી આપણે ડરી મરીએ, બધે અંધાધૂંધી જ છે એવું માની લઈએ, ગમે ત્યારે ગમે તે અકસ્માત આપણા પગ પાસે જ આવી પડવાની ભીતિ સતત અનુભવ્યા કરીએ એ કેવું? ઈશ્વરની ગોઠવેલી સલામતીમાં ભરોસો નથી તો તમે થોડી વ્યવસ્થા જાતે કરો ત્યાં સુધી તો ઠીક છે, પણ પછી તમને એમાં પણ વિશ્વાસ ન બેસે ત્યારે તો કોઈ ઇલાજ જ રહેતો નથી. ધર્મ એટલે જ આપણને ‘અભય’નો આગ્રહ કરે છે અને ઈશ્વરના રક્ષણમાં વિશ્વાસ રાખવાનું કહે છે.
——————-

Leave A Reply

Your email address will not be published.

Translate »