અને મિશન શક્તિ કાર્યક્રમનો આરંભ થયો…
આપણે લો ઓર્બિટનો સેટેલાઇટ પસંદ કરવાના હોવાથી કોઈ સમસ્યા ઊભી નહીં થાય.
- કવર સ્ટોરી – ધનંજય રાવલ
એક વખત એવું બન્યું કે વર્ષ ૨૦૧૪માં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે એક અગત્યની ઉચ્ચસ્તરીય મીટિંગ બોલાવી. અજીત ડોવાલની નવી નવી નિમણૂક થઈ હોવાથી સૌના મનમાં હતું કે આ બેઠક પણ એક ઔપચારિક બેઠક હશે. ગૃહ, સુરક્ષા, નૌસેના, વાયુસેના, થલસેના, ઇસરો, DRDO અને CRPFના વડાઓને જ્યારે આ બેઠકમાં હાજર થવા માટેના પત્રો મળ્યા ત્યારે હોમવર્ક પણ આપવામાં આવ્યું હતંુ. તેમાં કહેવામાં આવ્યું હતું કે દેશની સુરક્ષાના પ્રશ્નોના ટૂંકા ગાળાના ઉકેલ અને લાંબા ગાળાના ઉકેલ કેવી રીતે લાવી શકાય તેનું પ્રેઝન્ટેશન તૈયાર કરીને લાવવું.
આ અલગ પ્રકારની આમંત્રણ પત્રિકા મળવાથી બધાનાં ભવાં ઊંચાં થઈ ગયાં. બધાએ ઇન્ટરનેટ ચાલુ કરીને અજીત ડોવાલ ટાઈપ કરીને ગૂગલ સર્ચ કર્યું. તો અજીત નામનો ફિલ્મી વિલન અને અજીત વાડેકર ક્રિકેટર મળી આવ્યા, પણ અજીત ડોવાલ નામના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની કોઈ માહિતી ના મળી અને મળે પણ ક્યાંથી? અજીત ડોવાલ કમ્પ્યૂટરનો માત્ર ટાઈપ રાઇટર તરીકે જ ઉપયોગ કરે છે. ઇન્ટરનેટ વાપરતા જ નથી. તેમના પાસે મોબાઇલ ફોન પણ નથી. એટલે જ તેમને ઇન્ડિયન જેમ્સબોન્ડ કે વ્યોમકેશ બક્ષી તરીકે ઓળખવામાં આવે છે. તેમણે પાકિસ્તાન સહિત કેટલાય દેશોમાં એકલા હાથે કેટલાય સિક્રેટ મિશન પાર પાડ્યા છે. અમૃતસરના સુવર્ણ મંદિરમાં એકલા હાથે આતંકવાદીની વચ્ચે જઈને લશ્કરને માહિતી પહોંચાડવાની કામગીરી પણ તેમણે કરી હતી.
રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની વિચારધારા એ રહી છે કે બને ત્યાં સુધી દેશની અંદરના કે બહારના દુશ્મનોનો સામનો કરવાની નીતિ ઘડવી અને તેમાં જુદી-જુદી એજન્સીઓનો સમન્વય કરવો. તે ઉપરાંત પારંપરિક યુદ્ધથી દેશ અને દુશ્મન એમ બંનેને ખૂબ જ નુકસાન વેઠવું પડે છે. જાનમાલના નુકસાનની યાતના વર્ષો સુધી વેઠવી પડે છે. બીજા યુદ્ધની તારાજી સૌ કોઈએ જોઈ છે. આપણે પાકિસ્તાન અને ચીનની વાત કરીએ તો સામસામે યુદ્ધ લડવાની જગ્યાએ પરોક્ષ રીતે યુદ્ધ લડીને વર્ષોથી હેરાન કરતું રહ્યું છે અને પરિણામે આપણે ઘણુબધંુ ગુમાવાનો વારો આવ્યો છે. આપણા દેશમાં ટેલિવિઝન ક્રાંતિ આવી એ પહેલાં ‘૭૦ના દાયકામાં પાકિસ્તાનમાં રંગીન ટીવી જોવાતા હતા અને તેને અમેરિકાની મદદથી સાંસ્કૃતિક ક્રાંતિ ફેલાવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ અવકાશી સંશોધનમાં એક પછી એક સફળતા મેળવ્યા પછી આપણે ક્યાંયના ક્યાંય પહોંચી ગયા. સ્પેસ પ્રોગ્રામનો ઉપયોગ હવામાન, ખેતીવાડી, સુરક્ષા, જીપીએસ અને અન્ય કાર્યક્રમ માટે પણ થવા લાગ્યો.
કચ્છની બોર્ડરથી જમ્મુ કાશ્મીરની બોર્ડર વિસ્તારની મુલાકાત લેશો તો એ બધા વિસ્તારો ખેતીવાડીથી સમૃદ્ધ રોડ, પાણી અને કમ્યુનિકેશનના નેટવર્કથી દેશ રોકેટગતિએ પ્રગતિના પંથે છે. આ સમયે પારંપારિક યુદ્ધ જરા પણ ના પોષાય. ઉચ્ચસ્તરીય બેઠકમાં કોઈ એવો વિચાર મળી જાય કે જેના કારણે પારંપરિક યુદ્ધ અટકે અને દેશના કે દુશ્મનના જાનમાલના નુકસાન વગર દાંત ખાટા કરી શકાય. દુશ્મન તેને જિંદગીભર ના ભૂલે તેવા નિર્ણય તરીકે ઓળખે. દેશની વિશાળ સંખ્યાની પ્રજા પર સુરક્ષા અને દુશ્મનોની વિશાળ સંખ્યાની પ્રજા પર લાંબા સમય સુધી ભયની માનસિક અસર છવાયેલી રહે તેવો કોઈ ઉપાય મળી રહે તે ઇચ્છનીય હતું. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં અમુક કઠોર નિર્ણય લેવામાં આવ્યા જે આ મુજબ છે. આર્મી કે ઝ્રઇઁહ્લ આતંકવાદ ડામવાની વાત નહીં કરે, અગાઉ તેની ધરપકડ થતી હતી. પછી કેસ ચાલતો હતો. પૈસાની અને સમયની બરબાદી થતી હતી અને ગંદા રાજકારણને લીધે સજા તો થતી જ નહોતી. સેના અને પોલીસનું મનોબળ તો તૂટતું જ હતું. લોકોને પણ સરકાર પરથી વિશ્વાસ ઊઠતો જતો હતો. તેથી આતંકીને ન્યુટ્રલાઇઝ કરવાનો નિર્ણય લેવાયો. સીધો ઉડાવી દો.
સીમા પારથી બરફ ઓગળે ત્યારે આતંકીઓ ઘૂસણખોરી કરતા હતા. આટલી લાંબી બોર્ડર પર સજાગ રહેવું સહેલું નથી. ઇસરોએ હાઈરિઝોલ્યુશન થર્મલ ઇમેજર કેમેરા તૈયાર કર્યા. આ કેમેરાને તૈયાર કરીને સેટેલાઇટમાં ફિટ કર્યા. તેને ભારતની ભ્રમણ કક્ષામાં મૂકવામાં આવ્યા. આજે તેની મદદથી છ ઇંચથી મોટી કોઈ જીવિત વસ્તુની મૂવમેન્ટની જાણ ઇસરોને થઈ જાય છે. તેનું કો-ઑર્ડિનેશન ઇન્ડિયન આર્મી સાથે કરી દેવામાં આવ્યું છે. હવે ભારતના આર્મી જવાનો બંકરમાં બેઠા બેઠા પાકિસ્તાન કઈ ચાલ ચાલી રહ્યું છે તે જોઈ શકે છે. તેનો સૌથી પહેલો ફાયદો સર્જિકલ સ્ટ્રાઇક ઉરી વખતે થયો. સેટેલાઇટ માત્ર પાકિસ્તાન પર જ નજર રાખે છે એવું નથી. તે ચીન, બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા પર પણ નજર ફેરવી લે છે. ઇસરોએ નેવિગેશન માટે ગૂગલ કરતાં પણ એક્યુરેટ જીપીએસ સિસ્ટમ ડેવલપ કરી છે જે પ્રેઝન્ટેશનમાં બતાવવામાં આવ્યું હતું.
પ્રેઝન્ટેશનમાં હવે વારો હતો ડીઆરડીઓનો. ડીઆરડીઓ બ્રહ્મોસ અને અગ્નિ મિસાઇલનું સફળ પરીક્ષણ કરી ચૂક્યું હતું. તેના સર્ફેસ ટુ ઍર મિસાઇલને બોર્ડર પર પણ તૈનાત કરી દેવાયા છે.
દુશ્મનોનાં વિમાનો રડારમાં પકડાય અને ગણત્રીની મિનિટમાં ફુરચા બોલાવવામાં સક્ષમ છે. પાકિસ્તાનના એફ-૧૬ વિમાનો ક્યાં ક્યાં છુપાયાં છે તે પણ આપણા સેટેલાઇટના કેમેરા શોધી કાઢે છે. તેથી પાકિસ્તાન કોઈ પણ જાતની મૂવમેન્ટ કરતા ડરે છે, પરંતુ તેની મદદે ચીન આવે છે. તે પોતાના સેટેલાઇટની મદદથી ભારતમાં થતી મૂવમેન્ટની જાણ પાકિસ્તાનને કરે છે. ભારતને આ કઠતું હતું. તેનો રસ્તો ડીઆરડીઓએ પોતાના પ્રેઝન્ટેશનમાં આપ્યો. એક એવી મિસાઇલ બનાવવાની વાત થઈ કે જે સેટેલાઇટ જો તે આપણા દેશની જાસૂસી કરે તો તેને ગણત્રીની મિનિટમાં આપણે તોડી પાડીએ. તેને નામ આપવામાં આવ્યું, ઍન્ટિ સેટેલાઇટ વૅપન A-Set.
કાઉન્ટર ક્વેશ્ચન એ થયો કે છેલ્લે ચીને આવું મિશન બનાવીને ઉપયોગ કર્યો ત્યારે ખૂબ નિંદા થઈ હતી. તો ભારત આવું કેમ કરે, તો ત્યારે ડીઆરડીઓના અધિકારીઓ પાસે જવાબ હતો કે તેમનો નિર્ણય સાચો હતો, પણ પસંદગી ખોટી હતી. ચીને હાયર ઓર્બિટના સેટેલાઇટને ઉડાડ્યો હતો. તેથી તેના ટુકડા નીચે પડતી વખતે એ જગ્યાએ અને નીચે ઘણા બધા સેટેલાઇટ હોય છે. તેથી અન્ય સેટેલાઇટને પણ નુકસાન થયું હતું. આપણે લો ઓર્બિટનો સેટેલાઇટ પસંદ કરવાના હોવાથી કોઈ સમસ્યા ઊભી નહીં થાય.
નિર્ણય લેવો પણ અઘરો હતો અને અમલ પણ ખૂબ જ અઘરો હતો. સર્ફેસ ટુ ઍર મિસાઇલમાં ઘણાબધા મૉડિફિકેશન કરવાના હતા. ટૅકનિકલી છણાવટ કરતાં સામાન્ય સર્ફેસ ટુ ઍર મિસાઇલને જ્યારે ફાયર કરીએ ત્યારે જમીન પરથી મિસાઇલ વિમાન તરફ જાય ત્યારે વધુમાં વધુ ૫૦ હજાર ફૂટથી ઉપર જતી નથી. પેસેન્જર પ્લેન પણ ૩૫ હજાર ફૂટ ઊંચું ઊડે છે. જ્યારે લો ઓર્બિટ સેટેલાઇટ ઓછામાં ઓછું ૩૦૦ કિ.મી.એ હોય છે. (ત્રણ લાખ ફૂટ) એટલે તેની રચના લગભગ સ્પેસ રોકેટ જેવી કરવી પડે. ખાસ કરીને આગળનો ભાગ ટોપકું-હિટ સિલ્ડ ગરમી સહન કરી શકે તેવો બનાવવો પડે. એ-સેટ મિસાઇલ સેટેલાઇટ દ્વારા સંચાલિત મિસાઇલ છે. સેટેલાઇટ મિસાઇલ જાસૂસી કરતાં શિકારી સેટેલાઇટ લાઇન ઓફ સેટમાં હોય તે જરૃરી છે. જો ત્રણમાંથી કોઈ એક ૧૨૦ ડિગ્રીના ગોળાર્ધમાંથી બહાર નીકળી જાય તો નિશાન પાર પાડી શકાતું નથી. તો ઓર્બિટ સેટેલાઇટની ઝડપ કલાકના ૨૭ હજાર કિમીની છે.
તેથી કાશ્મીરથી કન્યાકુમારી કે આસામ કે કચ્છ સુધીના વિસ્તારમાં સેટેલાઇટ પસાર થતો હોય ત્યારે તેને તોડી પાડવો પડે અને તે લગભગ ત્રણ હજાર કિમીના વિસ્તારમાં પસાર થતા વધુમાં વધુ સાત મિનિટ થાય. આ સાત મિનિટમાં શિકારી સેટેલાઇટ શોધવાનો, નિશાન તાકવા માટે ગણતરી કરવાની, ફાયર કરવાનું, એ-સેટ મિસાઇલને ત્યાં પહોંચતા ત્રણ મિનિટ થાય અને છેલ્લે બ્લાસ્ટ. સર્ફેસ ટુ ઍર મિસાઇલ ૧૫ મીટર લાંબા પાકિસ્તાનના એફ-૧૬ વિમાનને ૧૦ હજાર ફૂટની ઊંચાઈ પર તોડી પાડે છે. જ્યારે એ-સેટ મિસાઇલ મારુતિકાર જેટલા ઝીણકા સેટેલાઇટને ૩૦૦ કિમીની ઊંચાઈએ તોડી પાડવાની ક્ષમતા ધરાવે છે અને તે પણ ૨૭ હજાર કિમીની ઝડપથી ચાલતા સેટેલાઇટ. સલામ છે, ડીઆરડીઓ ઇસરોના વૈજ્ઞાનિકોને. સલામ છે, રાષ્ટ્રીય સલાહકાર અજીત ડોવાલને.
———————