તમારા માટે, તમારી સાથે, સતત…

સાત દાયકામાં દેશના મતદારો અને નેતાઓમાં આવેલું પરિવર્તન કેવું છે?

દુનિયાની આ સૌથી મોટી ચૂંટણી દુનિયાની સૌથી ખર્ચાળ ચૂંટણી પણ છે

0 314
  • ચૂંટણી વિશેષ – વિનોદ પંડ્યા

વરસ ૧૯૫૨થી અત્યાર સુધીમાં લોકસભાની સોળ ચૂંટણી યોજાઈ છે અને એપ્રિલ-મેમાં સત્તરમી લોકસભાની ચૂંટણી યોજાશે. આ ૬૭ વર્ષમાં મતદારોની સંખ્યા પાંચ ગણી વધી છે અને સાથે આ લોકશાહીય સંસ્થામાં લોકોની આસ્થા પણ ખૂબ વધી છે. ૧૯૫૨માં કુલ મતદારોની સંખ્યા ૧૭ કરોડ ૩૦ લાખ હતી. ૪૮૯ બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. તેમાં ૪૫ ટકા મત સાથે કોંગ્રેસને ૩૬૪ બેઠકો મળી હતી. દેશને સ્વરાજ અપાવનાર પક્ષ તરીકે કોંગ્રેસ ખૂબ લોકપ્રિય હતી જેના સંખ્યાબંધ નેતાઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ ધરાવતા હતા. આ એ જ કોંગ્રેસ છે જેમાં આજે જોડાવાનો હરિયાણાના પીટ ક્લાસની નર્તકી સપના ચૌધરી ઇનકાર કરી દે છે. ચૂંટણી અને પક્ષીય વ્યવસ્થાઓ અને સ્થિતિઓમાં કેટકેટલાં પરિવર્તનો આવ્યાં છે તેનો આ એક ચિતાર છે.

એ ચૂંટણીમાં ભાજપના પિતૃપક્ષ જનસંઘને માત્ર ત્રણ અને સામ્યવાદીઓને ૧૬ બેઠકો મળી હતી. કોંગ્રેસ પછી બીજા ક્રમે અપક્ષ ઉમેદવારો ચૂંટાયા હતા. ૨૦૧૪માં સોળમી લોકસભાની ચૂંટણી વખતે ભારતમાં ૮૧ કરોડ ૪૫ લાખ નોંધાયેલા મતદાતાઓ હતા અને તે ચૂંટણી દુનિયાની સૌથી મોટી ચૂંટણી બની રહી હતી. હાલની ચૂંટણીમાં મતદારોની સંખ્યા ૯૦ કરોડને પાર કરી જશે.

દુનિયાની આ સૌથી મોટી ચૂંટણી દુનિયાની સૌથી ખર્ચાળ ચૂંટણી પણ છે. સ્વાભાવિકપણે જ ભારતીય જનતા પક્ષ કેન્દ્રમાં સત્તાસ્થાને છે તેથી બાકીના પાંચ રાજકીય પક્ષોને મળેલા કુલ ડોનેશન કરતાં ચાર ગણુ વધુ ડોનેશન એકલા ભાજપને ગયા વરસે મળ્યું હતું. ચાલુ વરસની વાત અલગ છે. વિદેશી માતબર મીડિયા હાઉસોના અંદાજ પ્રમાણે ભારતની આ ચૂંટણીમાં રૃપિયા ૫૦ હજાર કરોડથી ૭૦ હજાર કરોડ રૃપિયા સરકારના રાજકીય પક્ષોના અને ઉમેદવારોના વપરાઈ જશે. લોકસભાની ૫૪૫ બેઠકો વડે તેનો ભાગાકાર કરીએ તો બેઠક દીઠ સરેરાશ લગભગ ૯૨ કરોડથી ૧૧૮ કરોડ રૃપિયા ખર્ચાશે, પરંતુ આ પ્રવૃત્તિથી અર્થતંત્રમાં તેજી આવશે. રસ્તાઓ રિપેર થઈ જશે અને ત્રણેક મહિના લોકોને બરાબર વીજળી મળશે. સત્તાવાર રીતે ઉમેદવાર એક બેઠક માટે રૃપિયા સિત્તેર લાખથી વધુ રકમ ખર્ચી શકતો નથી, પણ શરાબ કેટલી મોંઘી છે? આટલી રકમમાં શું થાય? આ મોંઘવારીમાં માત્ર ભાજપ જ સૌથી વધુ એટલે કે ૫૦૦થી વધુ ઉમેદવારો ઊભા કરવા સક્ષમ હશે. વિધાન સદસ્યો અને સાંસદોની ઊંચી પડતર આવે છે, પણ ચૂંટાયા પછી વસૂલ કરી શકાય છે. કર્ણાટક વિધાનસભામાં એક વિધાયકની કિંમત ૨૫થી ૩૦ કરોડ રૃપિયા હોય તો એક સાંસદની કેટલી? ત્રિરાશ માંડવાનું આસાન છે, પણ બધા સાંસદો કે વિધાયકો એટલા નસીબદાર નથી હોતા. ખાસ કરીને ત્યારે જ્યારે પોતાના પક્ષને ખાસ્સી બહુમતી મળે.

વરસ ૧૯૫૨માં એક મતદારની સામે આજે લગભગ પાંચ મતદારો છે છતાં દરેક મતદાર મત આપે અને આપી શકે તે માટે ચૂંટણી પંચ ખૂબ ખેવના રાખે છે. ભારતના અરુણાચલ પ્રદેશમાં, બર્મા અને ચીનની સરહદ નજીક ઊંચી પહાડીઓની ટોચ પર વસતા એક માત્ર સોકેલા તયાંગ નામક મતદાર મત આપી શકે તે માટે ચૂંટણી અધિકારીઓની આખી ટીમ પગપાળા અને ઘોડે સવાર થઈને એક આખા દિવસની મુસાફરી બાદ સોકેલા તયાંગ પાસે પહોંચશે. આને કહેવાય લોકશાહી મજબૂત કરવા માટેનું ચૂંટણી પંચનું કમિટમૅન્ટ.

આ ચૂંટણીમાં યુવા મતદારો મોટી સંખ્યામાં પ્રથમ વખત મતદાન કરશે. ૨૦૧૪ની સંખ્યામાં નવા અને યુવાન ૧૩ કરોડ મતદારોનો ઉમેરો થશે. ૧૯૫૨માં કુલ મતદાન મથકો બે લાખથી થોડા વધારે હતાં, જે આ ચૂંટણીમાં લગભગ દસ લાખ જેટલા હશે. ચૂંટણીઓ નિષ્પક્ષપણે, કાર્યક્ષમ રીતે અને સરળતાથી પાર પાડવા માટે ચૂંટણી પંચને જેટલો યશ આપીએ એટલો ઓછો છે. દુનિયાના કોઈ પણ દેશનું ચૂંટણી તંત્ર આટલું સબળ, વિરાટ અને સક્ષમ નથી અને છતાં ભારતના અભણ અને અપ્રમાણિક રાજકારણીઓના મનઘડંત આક્ષેપો ચૂપચાપ સહન કરી લે છે. ૬૭ વરસમાં ચૂંટણી પંચે ૩૭૬ વિધાનસભાઓની અને ૧૬ લોકસભાઓની મળીને કુલ ૩૯૨ ચૂંટણીઓ યોજી છે. રાજકારણીઓને ભલે ના હોય, પણ લોકોને ચૂંટણીપંચમાં ખૂબ શ્રદ્ધા અને વિશ્વાસ છે. નેતાઓ બાલિશ બની રહ્યા છે, પણ લોકશાહી પુખ્ત બની રહી છે.

એનડીટીવીના વડા અને પત્રકાર પ્રણોય રોય અને ચૂંટણીઓ તેમ જ ઓપિનિયન પોલ બાબતોના ખેરખાં (નિષ્ણાત) દોરાબ આર. સોપારીવાલાએ સાથે મળીને ‘ધ વરડિક્ટ’ (ડિકોડિંગ ઇન્ડીઓઝ ઇલેક્શન્સ) શીર્ષકથી આજ સુધીની તમામ ચૂંટણીઓ અને મતદારોના વર્તનનો વિશદ્ અભ્યાસ કરીને પુસ્તક લખ્યું છે. આ પુસ્તક પોતે જ લોકશાહીય પ્રક્રિયામાં એક માઈલસ્ટોન બરાબર છે. છેલ્લા સાત દાયકામાં ભારતીય મતદારો અને ભારતીય નેતાઓ કેટલા બદલાયા છે? મતદારોનાં વર્તન, વિચારો અને માઈન્ડસેટમાં કેવા કેવા ફેરફારો થયા છે અને નેતાઓએ એ ફેરફારોની નોંધ લીધી છે કે કેમ? સંખ્યાબંધ ચૂંટણીઓએ વાચકોની નિર્ણય-પ્રક્રિયા પર કેવો પ્રભાવ પાડ્યો છે વગેરે અનેક બાબતોની બંને સુજ્ઞ લેખકોએ ખંતપૂર્વક અને હકીકતો સાથે છણાવટ કરી છે.

લેખકોના મતે ભારતીય લોકશાહીમાં એન્ટિ-ઇન્કમ્બન્સી એક ખાસ વિશેષતા રહી છે. એન્ટિ-ઇન્કમ્બન્સી મતદારોનું એક એવું લક્ષણ છે જેમાં શાસક પક્ષ અને નેતાઓને મુદત પૂરી થયે ચૂંટણીમાં હરાવીને સત્તાની બહાર ફેંકી દેવામાં આવે છે. ઇન્કમ્બન્ટ એેટલે જે સત્તા પર છે તે અને તેના વિરોધની લાગણી અથવા ભાવના એટલે એન્ટિ-ઇન્કમ્બન્સી. પશ્ચિમના દેશોમાં શાસક પક્ષને સત્તા પરથી ઊખેડી ફેંકવાના એક માત્ર આશયથી લોકો મતદાન કરતા નથી તેથી પશ્ચિમની લોકશાહીઓમાં એન્ટિ-ઇન્કમ્બન્સી શબ્દ પ્રચલિત નથી કે કોઈ જાણતું નથી. હકીકતમાં ચૂંટણીઓનું વિશ્લેષણ કરતી વેળા શ્રી દોરબ સોપારીવાલાએ આ શબ્દ કોઈન કર્યો હતો, એટલે કે પ્રયોજ્યો હતો અને ત્યારથી ભારતીય મતદાનનું એક લક્ષણ અને પેટર્ન દર્શાવતો તે મહત્ત્વનો શબ્દ બની ગયો છે.

લેખકોનાં સંશોધનો મુજબ ભારતીય લોકશાહીય ચૂંટણીઓના ૧૯૫૨થી ૧૯૭૭ સુધીના પ્રથમ ૨૫ વરસ પ્રો-ઇન્કમ્બન્સીનો, અર્થાત્ જે સત્તા પર હતા તેને જ ફરી સત્તા પર બેસાડવાનો દોર રહ્યો હતો. એ સમયમાં મતદારો ભોળા પણ હતા અને સરકારો કંઈક સારું કરશે એવી આશા પણ ધરાવતા હતા. એ સમયના નેતાઓ શિક્ષિત અને પ્રમાણિક હતા તેથી પૈસાની તંગી હોવા છતાં જે કંઈ વપરાતા હતા તે દેખાતા હતા. એ ૨૫ વરસની ચૂંટણીઓમાં મતદારોએ ૮૨ ટકા વખત જૂની સરકારોને જ ફરીથી ચૂંટી હતી. લોકોને નેતાઓમાં શ્રદ્ધા અને વિશ્વાસ હતા. એ ૨૫ વરસમાં લોકસભા-વિધાનસભાની કુલ ૭૮ ચૂંટણીઓ યોજાઈ હતી. તેમાંથી માત્ર અઢાર ટકા વખત સરકારો બદલાઈ હતી. મોટાં રાજ્યોમાં તો ૯૧ ટકા (સરેરાશ ૮૨ ટકા) એ જ પક્ષની સરકારો ફરી ફરી ચૂંટાતી રહી હતી અને એ પક્ષ એટલે કોંગ્રેસ. જે પક્ષ દેશને આઝાદી અપાવે તે લાંબા સમય માટે શાસન કરે તે ઘટના દુનિયાના ઘણા દેશોમાં ઘટે છે.

મેક્સિકોમાં આઝાદી માટે લડનાર ‘ઇન્સ્ટિટ્યૂશનલ રિવૉલ્યુશનરી પાર્ટી’એ આઝાદી મળ્યા બાદ એકધારું સિત્તેર વરસ શાસન કર્યું હતું. અમુક અણધાર્યા પ્રસંગો, જેવા કે અદાલતે ઇન્દિરા ગાંધીને કસૂરવાર ઠરાવ્યા અને કટોકટી લાદવી પડી, વગેરેએ આકાર લીધો ના હોત તો ભારતમાં કોંગ્રેસ પણ મહદ્અંશે બેરોકટોક સિત્તેર કે તેથી વધુ વરસોનું શાસન કરી શકી હોત, પણ જો અને તોનો કોઈ મતલબ નથી. છતાં જે નેતાઓએ આઝાદીની લડતમાં ભાગ લીધો હતો તેમાંના લગભગ તમામ કોંગ્રેસમાં હતા અને કોંગ્રેસમાં ન હતા તેવા મહાન નેતાઓ જેવા બાબાસાહેબ આંબેડકર, શ્યામા પ્રસાદ મુખરજી અને સરદાર બલદેવ સિંહ વગેરેને વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ પોતાના પ્રધાનમંડળમાં સ્થાન આપ્યું હતું. આજે સ્થિતિ એવી છે કે મીનાક્ષી લેખી, અરુણ શૌરી વગેરેની પોતાના જ પક્ષ દ્વારા કદર થતી નથી. સંકુચિતતાનું આ લક્ષણ નહેરુની આજની કોંગ્રેસે પણ મજબૂતાઈથી ધારણ કર્યું છે, પકડી રાખ્યું છે. નહેરુના સમયમાં વિપક્ષ જેવું ખાસ કશું હતું નહીં. કોંગ્રેસ સામે જે કોઈ વિરોધ થતો તે કોંગ્રેસની જ હરીફ છાવણી દ્વારા થતો. મતલબ કે કોંગ્રેસ જ શાસક પક્ષ અને કોંગ્રેસ જ વિરોધ પક્ષ હતી. મહાન રાજકીય વિશ્લેષક રજની કોઠારી આ કારણથી ભારતની પાર્ટી સિસ્ટમને ‘કોંગ્રેસ સિસ્ટમ’ તરીકે ઓળખાવતા હતા. રાજ્યોના મુખ્યમંત્રીઓ પદે પણ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હતા. ગુજરાતમાં (અને તત્કાલીન સૌરાષ્ટ્ર જોડીએ તો) ડૉક્ટર જીવરાજ મહેતા, બળવંતરાય મહેતા, હિતેન્દ્ર દેસાઈ, ઘનશ્યામભાઈ ઓઝા અને ઉછરંગરાય ઢેબર હતા. તમામે તમામ નખશિખ પ્રમાણિક.

ઉત્તર પ્રદેશમાં ગોવિંદ વલ્લભ પંત, મધ્ય પ્રદેશમાં રવિ શંકર શુક્લ, બિહારમાં શ્રીકૃષ્ણ સિંહા, પશ્ચિમ બંગાળમાં બી.સી. રોય અને મુંબઈમાં મોરારજી દેસાઈ. એ દિવસોમાં વિપક્ષો પણ કોઈ મોટા ગજાના ન હતા. પ્રાંતીય અને નાનકડા. જેમ કે ગુજરાત અને મુંબઈમાં સ્વતંત્ર પક્ષ. તે રજવાડાંઓના પક્ષ તરીકે બિરુદ પામીને સમેટાઈ ગયો.

પક્ષ હોય એટલે વિપક્ષો પેદા થવાના જ છે. શ્યામા પ્રસાદ મુખરજીએ ૧૯૫૦માં હિન્દુ મહાસભામાંથી રાજીનામું આપ્યું અને ભારતીય જનસંઘની સ્થાપના કરી જે આજનો ભારતીય જનતા પક્ષ છે. સી.રાજાગોપાલાચારીએ ૧૯૫૧માં પ્રધાનપદેથી રાજીનામું આપી અને સ્વતંત્ર પક્ષની સ્થાપનામાં ભાગીદાર બન્યા. બાબાસાહેબ આંબેડકરે પણ ૧૯૫૧માં રાજીનામું આપી પોતાનો અલગ પક્ષ રાખ્યો. ૧૯૪૭માં કોંગ્રેસના પ્રમુખ હતા તેમણે પક્ષ છોડી કિસાન મજદૂર પ્રજા પાર્ટી નામનો પક્ષ સ્થાપ્યો જે બાદમાં સમાજવાદી પક્ષ સાથે જોડાઈને પ્રજા સમાજવાદી પક્ષ બન્યો. ૧૯૫૭માં ઇ.એમ.એસ. નાંબુદીરીપાદે ભારતમાં પ્રથમ સામ્યવાદી સરકારની સ્થાપના કરી. ૧૯૬૦ના દશકમાં કેટલાક બિન-કોંગ્રેસી પણ મજબૂત નેતાઓ જેવા કે રામ મનોહર લોહિયા, સી.એન. અન્ના દુરાઈ વગેરે રાજકીય પટલ પર ઊભરી આવ્યા. વરસ ૧૯૬૪માં નહેરુનું અવસાન થયું અને કોંગ્રેસ વધુ નબળી પડી. ૧૯૫૨ પછીનાં ૨૫ વરસ એવાં હતાં જેમાં નેતાઓ મીડિયાની ચકાસણીમાં ખાસ મુકાતા ન હતા. મીડિયા સાવ બાલ્ય અવસ્થામાં હતું. સરકારી રેડિયો અને બીબાઢાળ અખબારો એટલે મીડિયા. નેતાઓ શું કરી રહ્યા છે? ક્યાં છે તેની જનતાને કશી ખબર પડતી ના હતી અને ના તો નેતાઓ જનતા સાથે વધુ ઓતપ્રોત થતા હતા. અખબારોના ફેલાવા અને વ્યાપ મોટાં શહેરો અને નગરો પૂરતાં સીમિત હતાં.

વરસ ૧૯૭૭માં, ઇમરજન્સી બાદ, કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર પ્રથમ વખત હારી ગઈ. દેશને અને કોંગ્રેસને પ્રથમ વખત સમજાયું કે ઇન્દિરા ગાંધી જેવા પ્રચંડ નેતાને પણ પ્રજા હરાવી શકે છે. પ્રો-ઇન્કમ્બન્સી કાળ પૂરો થયો. લાલ બહાદુર શાસ્ત્રીના નિધન બાદ ઇન્દિરાજી વડાપ્રધાન બન્યાં ત્યારે કોંગ્રેસનું બે ફાંટા, સંસ્થા કોંગ્રેસ અને ઇન્દિરા કોંગ્રેસ (સિન્ડિકેટ અને ઇન્ડિકેટ)માં વિભાજન થયું. સંસ્થા કોંગ્રેસમાં કોંગ્રેસના જૂના જોગીઓ જેવા કે કામ રાજ, મોરારજી દેસાઈ વગેરે રહ્યા. ઇન્દિરા કોંગ્રેસમાં રહ્યાં તેમાંના કેટલાક યુવાન તુર્કો તરીકે ઓળખાયા. ઇન્દિરા ગાંધીની ત્વરા, સ્ફૂર્તિ, ચતુરાઈને કારણે એ ખૂબ લોકપ્રિય થયાં, પણ ઇમરજન્સી બાદ લોકોએ ખીજ કાઢીને એમની સરકારને હરાવી દીધી.

ઇન્દિરા ગાંધીના શાસન કાળમાં નેતાઓમાં સત્તાના ભોગવટાના અને ભ્રષ્ટાચારનાં લક્ષણો દેખાવાની શરૃઆત થઈ હતી. દેશની સંપત્તિઓ પર નેતાઓ કબજો જમાવવા માંડ્યા તે પ્રવૃત્તિ હજી સુધી ચાલુ છે. દેશની સંસ્થાઓ, સરકારી એજન્સીઓ, સાધન સ્ત્રોત પર નેતાઓ સવાર થઈ ગયા. આ જે પ્રવૃત્તિ ચાલી તેને નિરીક્ષકો ‘સ્ટેટ કેપ્ચર’ અર્થાત્ સરકારી કબજેદારી જેવી સંજ્ઞા આપે છે. સરકારી કંપનીઓ પર, ખાનગી કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કરી અને પછી તેની વ્યવસ્થા પર નેતાઓ ચડી બેઠા અને કંપની કે સંસ્થાના નાણાનો, સાધનોનો ઉપયોગ પોતાના ખાનગી હિતો સાધવા માટે અને લૂંટવા માટે કર્યો, જે પ્રવૃત્તિના પ્રતાપે આજે પણ બેન્કોની આર્થિક તબિયત બગડેલી જ રહે છે. શરૃઆતથી જ નેતાઓએ એક વખતની સફળ, સક્ષમ કંપનીઓને પચાવી પાડી અને તેને ખાડે નાખી. આ પ્રવૃત્તિઓમાં ઘણા પક્ષો જવાબદાર છે, પણ કોંગ્રેસની ભૂમિકા મહત્ત્વની રહી છે, નેતાઓ શ્રીમંત અને સત્તાશાળી બનતા ગયા. તેલ અને ગેસ ક્ષેત્રની મોટી કંપનીઓ, વીમા કંપનીઓ અને બેન્કોનું ઇન્દિરા ગાંધીએ રાષ્ટ્રીયકરણ કર્યું. ગરીબી દૂર કરવાનો હવાલો અને આશય જાહેર કરાયા હતા. ગરીબી છે, કંપનીઓ અને સંસ્થાઓ ખતમ થઈ ગઈ છે. ગરીબોને હજી ખબર નથી કે રાષ્ટ્રીયકરણ એ કઈ બલા છે?

અનેક નેતાઓ, પ્રધાનો સરકારી કોર્પોરેશનોના ચૅરમેન થયા અથવા પોતાના સેવકને એ સ્થાનો પર બેસાડ્યા. એમટીએનએલ, બીએસએનએલ, ઍર-ઇન્ડિયા, રેલવેની શી હાલત છે તે જોઈ શકાય છે. ઍર-ઇન્ડિયામાં નેતાઓ પોતાના પ્રિયજનોને બેસુમાર સંખ્યામાં ફર્સ્ટ કલાસના પાસ આપવા માંડ્યા. દૂરનાં સગાંઓને પણ વિદેશ યાત્રાઓ કરાવી. કોઈ વીઆઈપી કે તેના સગા માટે ઍર-ઇન્ડિયાની ફલાઈટ કલાકો સુધી મોડી પાડવામાં આવતી. જેથી વીઆઈપી આવીને સવાર થઈ શકે. યાત્રીઓ કંટાળી જાય તો તેમની કોઈ સૂધબૂધ લેવામાં ના આવતી. દુબઈમાં વીઆઈપી મહેમાન શોપિંગમાં બિઝી હોય, દાણચોરીથી માલ લાવવાના હોય અને ટારમાક પર પડેલા ઍરક્રાફ્ટમાં મુસાફરો કલાકોથી રાહ જોઈ રહ્યા હોય તેવા અનેક કિસ્સાઓ છે.

Related Posts
1 of 319

અપ્રતીમ અને જીવસટોસટનાં સાહસ બાદ પ્રચંડ જે.આર.ડી ટાટાએ ઍર-ઇન્ડિયાની સ્થાપના કરી હતી. દુનિયામાં નામના કમાઈ ચૂકેલી કંપનીને સરકારે જોહુકમીથી હસ્તગત કરી લીધી. જોકે ૧૯૫૩થી ૧૯૭૭ સુધી જે.આર.ડી. તેના ચૅરમેનપદે રહ્યા અને એટલી કુશળતાથી કંપની ચલાવી કે અમેરિકાની પાનામ (પાન અમેરિકા) બાદ દુનિયાની બીજા ક્રમની શ્રેષ્ઠ ઍરલાઈન ૧૯૭૭ સુધી બની રહી. ‘૭૭માં મોરારજી દેસાઈ વડાપ્રધાન બન્યા અને પૂર્વગ્રહને કારણે એમણે જે આરડીને ચૅરમેનપદેથી દૂર કર્યા. એ માણસના ડંખીલા સ્વભાવને કારણે રાષ્ટ્રને પારાવાર નુકસાન થયું. ટાટાના સમયમાં સિંગાપુર ઍરલાઈન્સના કર્મચારીઓને ઍર-ઇન્ડિયામાં તાલીમ લેવા મોકલવામાં આવતા. આજે સિંગાપુર ઍરલાઈન્સ દુનિયાની સૌથી પ્રતિષ્ઠિત ઍરલાઈન્સ છે અને ઍર-ઇન્ડિયાને ખોટ કરીને વેચવી હોય તો પણ કોઈ હાથ ઝાલવા તૈયાર નથી. સરકારે મુરતિયાઓ શોધી જોયા, પણ સફળતા મળતી નથી.

ઇન્દિરા ગાંધી અને એમના સમાજવાદે આજે વિજય માલ્યા, વેણુગોપાલ ધૂત, નીરવ મોદી અને મેહુલ ચોક્સી જેવા લોકોનો ખ્યાલ રાખ્યો છે. શરૃઆત રાષ્ટ્રીયકૃત સ્ટેટ બેન્કના એક કર્મચારી નગરવાલા અને ઇન્દિરા ગાંધી વચ્ચેના આજ સુધી ગુપ્ત રખાયેલા કોઈ હિસાબ કિતાબથી થઈ હતી. રૃપિયા ૬૦ લાખનો મામલો હતો. નગરવાલાની ધરપકડ થઈ અને જેલમાં તેનું અચાનક મરણ થયું. ઘણું બધું ગોપનીય રહી ગયું, પરંતુ બેન્કોનો શાસક પક્ષ દ્વારા ફાયદો ઉઠાવવાની શરૃઆત ત્યારથી થઈ ચૂકી હતી.

ઇન્દિરા ગાંધીના સમયમાં એક સાચી ઘટના ખૂબ જાણીતી બની હતી. એ દિવસોમાં એક સાંજે દૂરદર્શનના ડિરેક્ટરને એક કેબિનેટ મંત્રીનો રાત્રે સાડા આઠ વાગ્યે ફોન આવ્યો. મંત્રીએ ડિરેક્ટરને જણાવ્યું કે, ‘આજે મારા ઘરે પાર્ટી છે માટે તમારે બરાબર રાત્રે નવ વાગ્યે ફલાણી ફિલ્મનું ફલાણુ ગીત પ્રસારિત કરવાનું છે. જેમાં પેલી હીરોઇન સરસ નૃત્ય કરે છે. બરાબર નવ વાગ્યે ટેલિકાસ્ટ કરજો અને તે માટે સમાચારને દૂર ઠેલવા પડે તો તેમ કરજો. આ જોઈને મારા મહેમાનો ચકિત થઈ જશે.’ દૂરદર્શનના ડિરેક્ટરે તે આજ્ઞાનું પાલન કર્યું. પ્રજાએ પણ એ ગીત માણ્યું અને નવ વાગ્યાના સમાચાર પાંચ મિનિટ પછી શરૃ થયા.

લોકશાહીમાં રાજાશાહી ઘૂસી રહી હતી તેનાં આ ઉદાહરણો છે, પણ સામાન્ય જનતા અઢળક ભ્રષ્ટાચારથી ત્રાસવા માંડી હતી. ગેસનું કનેક્શન કે ફોનની લાઈન ખૂબ નસીબદારને જ મળે એવી હતાશા વ્યાપી હતી. કાંડા ઘડિયાળ કે સ્કૂટરો માટે વરસોનું વેઇટિંગ લિસ્ટ રહેતું. સરકારે રીતસરના ધંધાઓ શરૃ કરી દીધા. વધુ ને વધુ કંપનીઓ અને કોર્પોરેશનો ખોલ્યાં. અર્થશાસ્ત્રી અતનુ ડે જણાવે છે કે, વરસ ૧૯૫૧માં સરકારના જાહેર ક્ષેત્રના એકમો (સરકારી કંપનીઓ)ની સંખ્યા તમે એક હાથની આંગળીઓના વેઢે ગણી શકતા હતા. માંડ માંડ પાંચ જેટલી કંપનીઓ હતી. ૨૬-૨૭ વરસ પછી, ૧૯૭૭માં સરકારી કંપનીઓની સંખ્યા વધીને ૧૫૫ થઈ ગઈ.

ત્યાર બાદના ૩૦ વરસમાં સરકારે બીજી ૭૦ જેટલી જાહેર ક્ષેત્રની કંપનીઓ શરૃ કરી અને ૨૦૧૪ સુધીમાં તેની સંખ્યા ૨૯૦ સુધી પહોંચી ગઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૦૧૪ના ચૂંટણી પ્રચાર દરમિયાન એ વાત પર જોર મૂકતા હતા કે સરકારોનું કામ ધંધો કરવાનું નથી. એ ઇચ્છા વ્યક્ત કરતા હતા કે બને એટલી વધુ કંપનીઓનું ડિસઇન્વેસ્ટમૅન્ટ કરાશે. અર્થાત્ સરકાર તે ખાનગી ક્ષેત્રને વેચી નાખશે. તેમાં રેલવેનો પણ સમાવેશ હતો, ઍર-ઇન્ડિયાનો પણ. નેટ રિઝલ્ટ જુદું છે. ૨૦૧૪થી ૨૦૧૮ દરમિયાન સરકારે વધુ ૫૦ (પચાસ) કંપનીઓ શરૃ કરી છે. મૂળ વાત એ છે કે સરકારોને અનેક બાબતો પર કબજો રાખવાનું ગમે છે અને સત્તા છોડવી ગમતી નથી, પણ આ કોર્પોરેશનો ભ્રષ્ટાચારના અખાડા બની જાય છે. ભારતમાં જ નહીં, રશિયા, બ્રાઝિલ વગેરે અનેક દેશોમાં આવું થયું છે.

ભ્રષ્ટાચારે માઝા મૂકી હતી ત્યારે ઇન્દિરા ગાંધીએ ભ્રષ્ટાચાર વિશ્વવ્યાપી ઘટના છે એમ કહીને પોતાનો અને ભ્રષ્ટાચારનો બચાવ કર્યો હતો. લોકોએ ૧૯૭૭માં થાકી હારીને કોંગ્રેસની કેન્દ્ર સરકારને રુખસદ આપી અને ચૂંટણીઓના ઇતિહાસમાં એન્ટિ-ઇન્કમ્બન્સી નામનો નવો દોર શરૃ થયો.

નેતાઓને એ સમજાવા માંડ્યું કે બીજી વાર ચૂંટાઈ આવવાની હવે કોઈ ૮૪ ટકા ગેરન્ટી રહેતી નથી. ચૂંટણી પટલ પર જે નવા મતદારો આવ્યા તે યુવાન અને ગુસ્સાવાળા હતા. લોકોની સમાધાન કરી લેવાની વૃત્તિ હવે ગુસ્સામાં બદલાઈ રહી હતી. ૧૯૭૭થી ૨૦૦૨ સુધીના ૨૫ વરસનો એ તબક્કો આવ્યો જેમાં સરકાર કામ કરે કે ના કરે, પાંચ વરસ પછી તેને રવાના કરો તે વલણ પ્રખરપણે જોવા મળ્યું. સરકારો ફરીથી ચૂંટાઈ આવવાની શક્યતાઓ ૮૪ ટકા જેટલી રહેતી હતી, તેમાં ધરખમ ઘટાડો થયો. ફરી ચૂંટાવાની શક્યતા માત્ર ૨૯ ટકા જ રહી ગઈ. મતલબ કે એ ૨૫ વરસમાં ૭૧ ટકા ચૂંટણીઓમાં સરકારો ફરીવાર ચૂંટાઈ નથી. મોટાં અને મધ્યમ કદનાં રાજ્યોમાં પચીસ વરસ દરમિયાન યોજાયેલી વિધાનસભાઓની ૯૩ ચૂંટણીઓનાં પરિણામોનો આ નિષ્કર્ષ છે. આ સમયમાં સેફોલોજિસ્ટ અને માર્કેટ રિસર્ચર દોરાબ સોપારીવાલાએ એન્ટિ-ઇન્કમ્બન્સી શબ્દ કોઈન કર્યો. મધ્યમ કદનાં રાજ્યોમાં તો મતદારોએ ૯૪ ટકા ચૂંટણીઓમાં સરકારોને ફરીવાર ચૂંટવાની ના પાડી દીધી.

પ્રણોય રોય અને દોરાબ સોપારીવાલા લખે છે કે, ‘અમે એક સો કરતાં વધુ મતક્ષેત્રોમાં ફર્યા ત્યારે લોકોની સર્વસામાન્ય ફરિયાદ એ હતી કે ચૂંટણી પછીના પાંચ વરસમાં તેઓએ એમના સાંસદ કે વિધાયકોનું મોઢું ફરીવાર જોયું નથી.’ મતક્ષેત્રોની તેઓ સદંતર અવગણના કરતા હતા. મતદારોના મતે અવગણનાનો આ મુદ્દો ભ્રષ્ટાચાર કરતાં પણ વધુ ગંભીર હતો.

જે પક્ષ પ્રજાના પ્રશ્નો વધુ સારી રીતે ઉકેલી આપે તે ઉમેદવાર વધુ સારો, પછી ભલે તે ભ્રષ્ટ હોય. જ્યારે મતદારોને લાગે કે બધા જ પક્ષો કે ઉમેદવાર એક સરખા જ નાલાયક છે ત્યારે ચૂંટણીમાં કોઈ મહત્ત્વનો મુદ્દો પણ પ્રભાવ પાડી શકતો નથી. ભ્રષ્ટાચાર બાબતમાં મતદારોનું વલણ તામિલનાડુના વિચારક પત્રકાર ચો.રામસ્વામીએ કહ્યું હતું તેવું છે. એ કહેતા કે, એક ચોર હોય અને બીજો ખીસ્સાકાતરું હોય તો મતદાર કેવી રીતે પસંદગી કરી શકે? લોકો એ વાતથી પણ નિરાશ થવા લાગ્યા કે નેતાઓની સાથે સાથે સરકારી અધિકારીઓ, પોલીસ પણ મતક્ષેત્રોની અવગણના કરતા હતા. તેઓના ભ્રષ્ટાચાર અને બેદરકારી પર નેતાઓ કોઈ લગામ મૂકતા ન હતા. અમુક ક્ષેત્રોમાં તો પોલીસ અને અધિકારીઓ નેતાઓના વસૂલી એજન્ટની માફક કામ કરવા માંડ્યા. પ્રજા ચૂંટણીમાં તેનો બદલો લેવા માંડી. હવે નેતાઓને ભાન થવા માંડ્યું છે કે ફરીવાર કે પ્રથમવાર પણ ચૂંટાવું હશે તો લોકો સાથે મધુર સંબંધો જાળવવા પડશે અને અવારનવાર ક્ષેત્રમાં હાજર થવું પડશે. આમ જનતાના રોજબરોજના જીવનમાં પણ અનુકૂળતા આણવી પડશે. સામાન્ય જનતાને દેશનો વિકાસ દર કે જીડીપીના દર સાથે કશું ખાસ વળગતંુ નથી. પ્રથમ તો તેઓને વીજળી, સડક અને પાણીની સવલતો અનિવાર્યપણે પૂરી પાડવી પડશે. પછી બીજી બાબતો આવે. જીડીપીનો દર ખૂબ ઊંચે હોય તો પણ શાસક પક્ષના ઉમેદવારો ગ્રામીણ ક્ષેત્રોમાં હારી જતા જોવા મળે છે.

વરસ ૧૯૭૭થી ૨૦૦૨ના ગાળામાં એવા યુવાન મતદારો આવ્યા જેમને આઝાદીની લડત વિષે ખાસ કોઈ સંધાન ન હતું કે ન તો તેને કારણે કોંગ્રેસ માટે કોઈ સોફ્ટ કોર્નર પણ હતો. કોંગ્રેસ પણ ક્યાં એ જ જૂની રહી હતી! છતાં મોટી ઉંમરના મતદારોમાં કોંગ્રેસ પ્રત્યે સહાનુભૂતિ જોવા મળી હતી. ૨૦૧૪ની રાષ્ટ્રીય ચૂંટણીમાં ૧૮થી ૩૦ વરસના મતદારોના મત યુપીએ કરતાં ભાજપની તરફેણમાં વીસ ટકા વધુ પડ્યા હતા. પચાસ વરસથી વધુ ઉંમરના મતદારોના ૧૧ ટકા વધુ મત યુપીએ કરતાં એનડીએ (ભાજપ)ને મળ્યા હતા. મતલબ કે યુવાનોએ વડીલો કરતાં ભાજપને વધુ પ્રમાણમાં મતો આપ્યા હતા. એન્ટિ-ઇન્કમ્બન્સીના તબક્કા દરમિયાન લેખકોના ધ્યાનમાં એ પણ આવ્યું કે ઘણા નેતાઓએ લોકોના ગુસ્સાને ક્ષણિક ગણવાની ભૂલ કરી હતી અને એવા ખ્યાલમાં રાચતા હતા કે જૂના સમયની માફક લોકો ફરીથી ચૂંટી મોકલતા થઈ જશે. સુશીલકુમાર શિંદે છેલ્લે સુધી એવા વહેમમાં રહી ગયા હતા કે લોકો માફ કરી દેતાં હોય છે. એ બોલ્યા હતા કે, લોકો બોફોર્સને ભૂલી ગયા તેમ ટુજી અને કોલસા કાંડને પણ ભૂલી જશે. નિરીક્ષકો નેતાઓની આ વૃત્તિને ‘લેગ સિન્ડ્રોમ’ તરીકે ઓળખાવે છે. લેગ એટલે બે સ્થિતિ વચ્ચેનો તફાવત. જેમાં મતદારોના માનસ ઝડપથી બદલાઈ જતાં હોય છે; પરંતુ નેતાનું માનસ બદલતા ખૂબ લાંબો સમય લાગી જાય છે. આ કારણથી એન્ટિ-ઇન્કમ્બન્સીના ૨૫ વરસમાં નેતાઓ એમની જૂની માન્યતામાં જ રાચતા રહ્યા કે તેઓ કશું નહીં કરે તો પણ મતદારો તેમને ફરીથી ચૂંટણીને મોકલશે. મતક્ષેત્રમાં લોકોને મળવું, કામો કરવા વગેરે તેમને ખાસ જરૃરી જણાતા ન હતા.

જ્યારે લોકોએ તેમને ફેંકી દીધા ત્યારે તેઓને ભાન થયું, પણ ખૂબ મોડું થયું. ગુસ્સાવાળા મતદારોનો રોષ પામી, સમજી જઈને ઘણા નવા જૂના નેતાઓ સમયને અનુરૃપ ઢળાયા. મતદારો પણ સમજદાર નેતાઓ પ્રત્યે કૂણા પડ્યા. જેમણે સારું કામ કર્યું તેમને ફરી ચૂંટતા થયા અને નવી સદીની શરૃઆત સાથે ૨૦૦૨-૨૦૧૯ સુધી ‘ફિફ્ટી-ફિફ્ટી’નો ત્રીજો તબક્કો શરૃ થયો છે, તેમ આ લેખકોનો અભ્યાસ કહે છે. આને મતદારોની સાચી સમજનો તબક્કો પણ કહી શકાય. લોકો કામ કરતી અને નકામી સરકારો વચ્ચેનો તફાવત સમજતા થયા છે. આ સત્તર વરસમાં નકામી સરકારો ફેંકાઈ ગઈ અને જે કામ કરતી હતી તેને લોકોએ ફરીથી ચૂંટી છે. તેનો અર્થ એ પણ થયો કે નેતાઓએ હવે ખૂબ કામ કરવું પડશે. છાશવારે વૅકેશન પર કે નાનીને મળવા જતા રહેશે તો તેની પણ નોંધ લેવાશે. એન્ટિ-ઇન્કમ્બન્સી કામ કરશે, પણ વિવેકબુદ્ધિ પણ કામ કરશે તેથી ફિફ્ટી-ફિફ્ટી (પચાસ પચાસ)નો તબક્કો ગણાવાયો છે. ૨૦૦૨થી આજ સુધીમાં યોજાયેલી રાજ્ય વિધાનસભાઓની ૪૬ ચૂંટણીઓમાં ૪૮ (અડતાલીસ) ટકા કિસ્સામાં સરકારોને ફરીવાર ચૂંટણીમાં આવી છે અને બાવન (૫૨) ટકા કિસ્સામાં સરકારોને રવાના કરી દેવાઈ છે. લગભગ ફિફ્ટી-ફિફ્ટી.

આ ત્રીજા તબક્કામાં દેશનો વિકાસ દર પણ ઘણો ઊંચો રહ્યો છે. લેખકો કહે છે કે આ એક યોગાનુયોગ નથી, પણ પ્રગતિ માટેની લોકોની આકાંક્ષાઓને અનુરૃપ થવા સરકારોને કામ કરવાની અને જરૃરી નીતિનિર્ધારણો કરવાની ફરજ પડી છે અને તેથી વિકાસ ઝડપી બન્યો છે. વાઇબ્રન્ટ અને વર્કિંગ ડેમોક્રસીનું આ પરિણામ છે. જોકે લેખકોના અભ્યાસ અનુસાર પ્રો-ઇન્કમ્બન્સી કે એન્ટિ-ઇન્કમ્બન્સીનું તત્ત્વ લોકસભાની ચૂંટણીઓ કરતાં વિધાનસભાની ચૂંટણીઓમાં વધુ કામ કરે છે. લોકસભાની ૧૬ ચૂંટણીઓમાં મહદ્અંશે ફિફ્ટી-ફિફ્ટીનું વલણ વધુ જોવા મળ્યું છે.

ત્રીજા તબક્કામાં એ પણ જોવા મળ્યું છે કે ફરીવાર ચૂંટાવા માટે નેતા વાક્ચતુર, ભાષણબાજ કે કરિશ્માઈ હોય તે જરૃરી રહ્યું નથી. ચતુર મતદારોને હવે એ પ્રકારની શૉ-બાજી પસંદ નથી. નેતા કામ પાર પાડતો હોય તે જ જરૃરી છે. ભલે શાંત હોય, પણ સારો વહીવટકર્તા હોય તે જરૃરી છે. આ ત્રીજા તબક્કામાં લગાતાર ત્રણ કરતાં વધુ વખત ચૂંટાઈ આવેલા પાંચ નેતાઓમાં ઓડિશાના નવીન પટનાઈક, મધ્ય પ્રદેશના શિવરાજ ચૌહાણ, છત્તીસગઢના રમણ સિંહ, ત્રિપુરાના માણિક સરકાર અને દિલ્હીનાં શીલા દીક્ષિત છે. આ પાંચમાંથી એકેય વાક્પટુ, આંજી દે તેવા ભાષણ આપનારા છેલબટાઉ કે મેગ્નેટિક નથી, પરંતુ પોતપોતાનાં રાજ્યોના નોંધપાત્ર વિકાસ દ્વારા તેઓ ફરીથી ચૂંટાયા હતા. જોકે નરેન્દ્ર મોદી તેમાં અપવાદ છે. તેમની ભાષણ કળા ઉપરાંત વહીવટને કારણે એ સતત ચાર વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા હતા.

ફિફ્ટી-ફિફ્ટીના તબક્કા દરમિયાન ભારતમાં ન્યૂઝ મીડિયા ચેનલો અને સોશિયલ મીડિયાનો વિસ્ફોટ શરૃ થયો. ભારતમાં રાષ્ટ્રીય અને પ્રાદેશિક મળીને લગભગ ૪૦૦ જેટલી ૨૪ કલાક ચાલતી ન્યૂઝ ચેનલો છે. દેશમાં ૬૫ કરોડ સેલફોન વાપરનારા છે. જેમાંના ૩૫ કરોડ સ્માર્ટફોન વાપરે છે. પરિણામે ન્યૂઝ, ફૅક ન્યૂઝનો વ્યાપ તેમજ પ્રાદુર્ભાવ બંને વધી ગયા છે. રશિયન સોર્સીઝમાંથી બનાવટી સમાચારો ફેલાવીને હિલેરી ક્લિન્ટનને હરાવવામાં રશિયનો સફળ થયા હતા. અમેરિકાની સરખામણીમાં ભારતમાં અનેક ગણી ન્યૂઝ ચેનલો છે. આ સ્થિતિમાં કઈ ચેનલ મતદાર પર કેટલી અસર પાડે છે તે નક્કી કરવું શક્ય નથી, પરંતુ ન્યૂઝ ચેનલોની સંખ્યા વધી હોવાને કારણે મતદારોને એમના નેતાઓનાં દર્શન હવે આસાનીથી થાય છે. મતદારો વતી ન્યૂઝ ચેનલો નેતાઓને સવાલો પૂછીને એમની ફરજનું ભાન કરાવે છે તે બાબત પણ મતદારોને પસંદ પડે છે. એ પણ જણાયું છે કે ન્યૂઝ ચેનલો જોઈને મતદારો કોઈ પ્રવાહમાં તણાઈ જતા નથી.

જો એમ જ હોય તો તામિલનાડુમાં પોતાના જ બહોળા ટીવી નેટવર્ક ધરાવતા ડીએમકે અને જયલલિતાનો એઆઈએડીએમકે બંને ચૂંટણીમાં હારી ગયા હતા તે હાર્યા ન હોત. નેતાઓ પણ ન્યૂઝ ચેનલોના પ્રભાવથી ચબરાક બન્યા છે. ન્યૂઝ ચેનલ પર કોઈ સાઉન્ડ બાઈટ વીસથી ત્રીસ સેકન્ડ કરતાં વધુ ચાલે તે ચેનલ માટે સારી વાત ગણાતી નથી. અગાઉ નેતાઓ બોલવામાં કે ટીવી પત્રકારનો જવાબ આપવામાં ખૂબ સમય લેતા હતા. પરિણામે એ ક્લીપ જ સ્ટેશન દ્વારા રદ થતી હતી. પ્રણોય રોય કહે છે કે દેશના એક જાણીતા નેતાએ એક મુદ્દાને સમજાવવા માટે અરધો કલાક વાતો વાગોળ્યા કરી હતી. તેથી એમની આખી મુલાકાત એનડીટીવી સ્ટેશને પ્રસારિત કરવાને બદલે પડતી મુકી હતી. નેતાઓ આવી હકીકતોથી વાકેફ થઈ ગયા છે અને તેથી ટીવી-સાવ્વી બની ગયા છે. તેઓ જે મુદ્દાની વાત કહેવાના હોય તે ૩૦ સેકન્ડમાં કહી દે છે. બ્રિટનમાં હવે માત્ર સાત સેકન્ડમાં વાત પૂરી કરવાનો સમય આવ્યો છે. ટૂંકમાં, મીડિયા અને પોલિટિશિયનોમાં વિશ્વભરમાં બદલાવ આવી રહ્યો છે.

ફિફ્ટી-ફિફ્ટીના વર્તમાન તબક્કામાં દરેક સરકારે ફરીથી ચૂંટાવા માટે કામ કરવું પડે છે તેથી એ સૂત્રને પણ વ્યાપક સ્વીકાર્યતા મળી છે કે, ‘પરફોર્મ ઓર પેરિશ’ અથવા ‘ડૂ ઓર ડાઈ’. આ વલણને કારણે ઘણી સરકારો ફરી ફરી ચૂંટાઈ પણ છે. છતાં કોઈ પણ સરકાર માટે ત્રીજી કે ચોથીવાર ચૂંટાઈ આવવાનું ખૂબ મુશ્કેલ હોય છે. ઘણી વખત સરકારનો વહીવટ પ્રભાવશાળી રહ્યો હોય તો પણ લોકો એકને એક સરકારને મત આપીને કંટાળો અનુભવે છે. પ્રણોય રોયને છત્તીસગઢના એક સાઇકલ રિપેરરે કહ્યું હતું કે, ‘ગઈ ચૂંટણીમાં મેં રમણ સિંહની સરકારને મત આપ્યો હતો, પણ આ વખતે (ચાર મહિના અગાઉ) ભાજપને મત આપવાનો નથી.’ રોયે પૂછ્યું ‘કેમ? શા માટે?’ જવાબમાં રિપેરરે કહ્યું કે, ‘છેલ્લાં પંદર વરસથી એકની એક શાકભાજી ખાઈને કંટાળો ના આવે?’
—————-

Leave A Reply

Your email address will not be published.

Translate »