તમારા માટે, તમારી સાથે, સતત…

કચ્છનાં જળાશયો પાણી વિના સુકાયાં

ખેતી અને ઉદ્યોગો માટે તારણહાર માત્ર નર્મદાના નીર છે.

0 165
  • પાંજો કચ્છ – સુચિતા બોઘાણી કનર

કચ્છનાં મોટા ભાગનાં ગામો પેયજળ માટે થોડાં વર્ષો પહેલાં સ્થાનિક સોર્સ એટલે કે બોર, તળાવો અને ડેમ પર જ આધારિત હતાં. હવે નર્મદાનું પાણી મળવા લાગતાં સ્થાનિક સોર્સની જાળવણી ભુલાઈ ગઈ છે અને લગભગ આખું કચ્છ આજે નર્મદાના પાણી આધારિત બન્યું છે. આ વરસે દુષ્કાળી સ્થિતિના કારણે ડેમ, તળાવો સહિતનાં જળાશયો શિયાળાના અંતે જ ખાલી થઈ ગયાં છે. ૯ મધ્યમ સિંચાઈના ડેમોમાંથી આસપાસના વિસ્તારો માટે પીવાનું પાણી લેવામાં આવતું હતું, પરંતુ અત્યારે માત્ર ત્રણ ડેમમાં જ પાણી છે અને તે પણ આ ડેમો નર્મદાના નીરથી ભરાયેલા હોવાના કારણે! આ વરસે મેઘમહેર થાય તો સ્થિતિમાં બદલાવ આવી શકે અન્યથા કચ્છ નર્મદા આધારિત જ બની રહેશે.

કચ્છવાસીઓ માટે દુકાળની સ્થિતિ અજાણી નથી. દર પાંચ વર્ષે ત્રણેક વર્ષ દુકાળના અનુભવતા આ જિલ્લામાં અત્યારે પાણીની જરૃરિયાત વધી ગઈ છે. સ્થાનિક સોર્સની નિયમિત જાળવણી થતી નથી. તેના કારણે અત્યારે જિલ્લાની પ્રજા, ખેતી અને ઉદ્યોગો માટે તારણહાર માત્ર નર્મદાના નીર છે. કચ્છમાં એક પણ બારમાસી કે મોટી નદી નથી. નદીઓની સંખ્યા સોથી વધુ હોવા છતાં બધી જ નદીઓમાં સારા ચોમાસામાં પાણી હોય અને વરસાદ બંધ થતાં જ નદીઓ ખાલી થઈ જાય તેવી સ્થિતિ છે. આથી આ જિલ્લામાં એક પણ મોટો ડેમ નથી. તેમ જ પીવાના પાણી માટે પણ એક પણ ડેમ બનાવાયો નથી. જે મધ્યમ અને નાના ડેમો છે તે સિંચાઈને ધ્યાને રાખીને બનાવાયેલા છે, પરંતુ મધ્યમ કક્ષાના  ૯ ડેમોમાંથી સિંચાઈ ઉપરાંત પીવા માટે પાણી મેળવાય છે. ગાંધીધામ સંકુલને પાણી પૂરું પાડતો ટપ્પર ડેમ, રાપર તાલુકાનાં ગામડાં માટે ઉપયોગી સુવઈ અને ફતેહગઢ ડેમ નર્મદાના પાણીથી ભરવામાં આવ્યા છે. અત્યારે પાણીની કટોકટી સર્જાઈ છે ત્યારે માત્ર આ ડેમોનું પાણી જ પીવા માટે ઉપાડાય છે. બધા જ ડેમ ખાલી થઈ ગયા હોય તેવી સ્થિતિ ભૂકંપ પછી પહેલી વખત જ સર્જાઈ છે. આખા કચ્છમાં પેયજળ તરીકે નર્મદાના પાણી પાઈપલાઈનથી અપાય છે. આથી આજે આખો જિલ્લો નર્મદા પર જ આધારિત બની ગયો છે.

કચ્છમાં મધ્યમ કક્ષાના ૨૦ અને નાની સિંચાઈના ૧૭૦ ડેમો છે. સામાન્ય રીતે નાની સિંચાઈના ડેમોમાંથી આસપાસના વિસ્તારના લોકો પીવા માટે પાણી મેળવે છે, પશુધન પણ પોતાની તરસ સંતોષે છે. અમુક વખતે સિંચાઈના ડેમ હોવા છતાં તેના પાણી પીવા માટે અનામત રખાય છે. જ્યારે મધ્યમ કક્ષાના મોટા ભાગના ડેમો સિંચાઈ માટે ઉપયોગી થતા હોય છે. ૨૦ પૈકીના ૯ ડેમોનું પાણી પીવા માટે ઉપયોગમાં લેવાય છે. ટપ્પર ડેમનું પાણી ગાંધીધામ કોમ્પ્લેક્ષ માટે જ અનામત રખાયું છે. તેનો કબજો પણ પાણી પુરવઠા તંત્ર હસ્તક છે. બાકીના આઠ ડેમોથી પીવાનું પાણી લેવામાં આવે છે, પરંતુ હાલે તો બધા જ ડેમો તળિયાઝાટક થઈ ગયા છે. અત્યારે ડેમોમાં ડેડ સ્ટોરેજ છે. તેનું પાણી પશુઓ પીવે છે, પરંતુ તે પણ ક્યાં સુધી ચાલશે તે સવાલ છે. માત્ર ટપ્પર ઉપરાંત રાપર તાલુકાના બે ડેમોમાં નર્મદાના પાણી ભરાયા છે.

સિંચાઈ વિભાગના અધિક્ષક ઇજનેર એન.વી. કોટવાલ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ‘આદિપુર પાસેનો ટપ્પર, રાપર તાલુકાના સુવઈ અને ફતેહગઢ ડેમને અત્યારે નર્મદાના પાણીથી ભરવામાં આવ્યા છે. તેથી માત્ર આ ત્રણ ડેમોમાં જ પાણી છે. તે તમામનું પાણી પીવા માટે ઉપયોગમાં લેવાય છે. ટપ્પરમાં ૧૪૩૭ એમ.સી.એફ.ટી., સુવઈમાં ૧૧૫ એમ.સી.એફ.ટી. અને ફતેહગઢમાં ૨૦૩ એમ.સી.એફ.ટી. પાણી છે. ટપ્પરમાંથી ૧૫૦, સુવઈમાંથી ૧૦-૧૧, અને ફતેહગઢમાંથી ૨૦૩ એમ.સી.એફ.ટી. પાણી દર મહિને ઉપાડાય છે. આમ ચોમાસા સુધી આ પાણી પીવા માટે આપી શકાશે. મધ્યમ કક્ષાના ૨૦ ડેમની સંગ્રહક્ષમતા ૧૧,૮૦૦ એમ.સી.એફ.ટી. અને નાની સિંચાઈના ૧૭૦ ડેમની ૧૦,૫૦૦ એમ.સી.એફ.ટી. છે. જ્યારે ૫૪ જેટલા નાના બંધારા પણ ૬ હજાર એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ કરી શકે છે. નાના ચેકડેમ અને તળાવોને ગણીને કચ્છમાં કુલ ૪૦ હજાર એમ.સી.એફ.ટી. પાણી સંગ્રહવાની ક્ષમતા છે.’

Related Posts
1 of 142

પાણીનો વધુ સંગ્રહ થઈ શકે તે હેતુથી અત્યારે ખાલી પડેલા ડેમોને ઊંડા ઉતારવાનું કામ અત્યારે ચાલુ છે, પરંતુ કુલ ૧૯૦ જેટલા નાના – મોટા ડેમો પૈકી ૧૫૦નું કામ ચાલુ કરાયું છે. હવે બાકીનું કામ લોકસભાની ચૂંટણી પછી હાથ ધરી શકાશે. મોટા ભાગનાં કામો અછત રાહત અને નરેગા હેઠળ હાથ ધરાયા છે.

પીવાના પાણી માટે અત્યારે સંપૂર્ણ કચ્છ પાઈપલાઈનથી આવતાં નર્મદાના નીર પર આધારિત બન્યું છે. તે અંગેની વાત કરતાં પાણી પુરવઠા બોર્ડના અધિક્ષક ઇજનેર એલ.જે. ફુફલ જણાવે છે કે, ‘કચ્છમાં પાણી પૂરું પાડતા તમામ ડેમો સુકાઈ જતાં હવે પાણી માટે નર્મદાના નીરનો જ આધાર રહ્યો છે. બોર કે અન્ય સ્થાનિક સોર્સ પણ હવે બહુ ઉપયોગી બનતા નથી. પહેલા ટપ્પર, ફતેહગઢ અને સુવઈ ઉપરાંત અબડાસાના મીઠી, વિંઝોડા, કનકાવતી ડેમમાંથી પીવાનું પાણી મેળવાતું હતું. મીઠી ડેમનું પાણી આસપાસનાં ૨૧ ગામો, નલિયા અને જખૌ ફિશિંગ પોર્ટને અપાતું હતું. તો વિંઝોડા ડેમનું પાણી વાયોર થઈને અબડાસા અને લખપતનાં ૨૦ ગામોને અપાતું હતું. કનકાવતીનું પાણી અબડાસાની નરેડી જૂથ પાણી પુરવઠા યોજનાનાં ૮ ગામોને અપાતું હતું. મીઠી ડેમનું રોજનું ૪થી ૫ એમ.એલ.ટી. પાણી ખીરસરાથી અબડાસા, નખત્રાણા અને લખપત સુધી પહોંચાડાતું હતું. જ્યારે વિંઝોડાનું રોજનું ૧ એમ.એલ.ટી પાણી અપાતું હતું. તેવી જ રીતે કનકાવતીનું પણ રોજનું ૧ એમ.એલ.ટી. પાણી આપવામાં આવતું હતું. લખપતના ગોધાતડ ડેમનું રોજનું ૩થી ૩.૫૦ એમ.એલ.ટી. પાણી પીવા માટે ઉપાડાતું હતું, પરંતુ ગત સપ્ટેમ્બર- ઑક્ટોબર માસથી જ તમામ ડેમનું પાણી ખૂટી જતાં હવે આ છેવાડાના વિસ્તારોનાં ગામોને પણ નર્મદાનું પાણી આપવું પડે છે. ટપ્પર ડેમમાંથી રોજનું ૧૦૦ એમ.એલ.ટી. પાણી ઉપાડીને કચ્છની વોટર ગ્રીડમાં નખાય છે. આ ડેમ ત્રણ વખત નર્મદાના પાણીથી ભરાયો છે. જ્યારે ફતેહગઢ અને સુવઈ ડેમ બે વખત ભરવામાં આવ્યા છે.

‘હાલમાં કચ્છની જરૃરિયાત પૂરી કરવા માટે માળિયાથી નર્મદાનું પાણી ૨૦૦ એમ.એલ.ટી, ટપ્પરનું નર્મદાનું પાણી ૧૦૦ એમ.એલ.ટી. પાણી મેળવાય છે અને ૧૨૦ એમ.એલ.ટી. જેટલા પાણી માટે સ્થાનિક સોર્સ પર આધાર રાખવો પડે છે. અત્યારે કચ્છના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં પાણી પુરવઠા બોર્ડ, નગરપાલિકા, ગ્રામપંચાયત હસ્તકના ૭૫૦ બોર છે. વધારાના ૮૦ બોર બની ગયા છે. નર્મદાનું અને બોરનું ઉપલબ્ધ પાણી એકઠું કરીને તેનું વિતરણ કરાય છે.’

જ્યારે ડેમોમાં પાણી હતું ત્યારે પણ રાપરનાં ૪૫૪ ગામો (૮૦ ટકા), લખપતના અને બન્નીનાં ૧૦૦- ૧૦૦ ટકા ગામો નર્મદાના પાણી આધારે હતા. હવે તો આખું કચ્છ જ નર્મદાના પાણીના આધારે છે. માત્ર ચોથા ભાગની જરૃરિયાત જ સ્થાનિક સોર્સ સંતોષે છે.

હાલમાં નર્મદાનું પાણી જે કચ્છને મળે છે તે પાઈપલાઈનથી મળે છે, પરંતુ કચ્છમાં ક્ષારનું પ્રમાણ વધુ હોવાથી પાઈપલાઈન કટાઈ જવાની અને વારંવાર તૂટી જવાની સમસ્યા સર્જાય છે. જ્યારે લાઈન તૂટે ત્યારે લોકોને પાણી વિહોણા રહેવું પડે છે. બે દિવસથી માંડીને પંદર દિવસ સુધી પાણી વગર રહેવું પડ્યું હોવાના દાખલા છે. જોકે ફુફલના જણાવ્યા મુજબ, ‘અત્યારે નવી લાઈન નાખવાનું કામ ચાલી રહ્યું છે. નવા પાઈપ ૩ લેયર પોલિથિલિન (૩ એલ.પી.ઇ.) કોટિંગવાળા અને માઇલ્ડ સ્ટીલમાંથી બનાવેલા હોવાથી કાટ લાગવાની કે તૂટવાની સમસ્યા સર્જાશે નહીં અને કચ્છને નિયમિત પાણી પુરવઠો મળી શકશે. આમ છતાં એવી વ્યવસ્થા કરાઈ છે કે ટપ્પર આગળથી પાઈપલાઈન તૂટે તો પશ્ચિમ કચ્છને અને માળિયાથી ટપ્પર વચ્ચેની લાઇનમાં ખોટીપો સર્જાય તો પૂર્વ કચ્છને તકલીફ પડે, પરંતુ એકી સાથે આખા કચ્છને તકલીફ પડશે નહીં.’

કચ્છમાં છેલ્લાં બે વર્ષથી વરસાદની ખેંચ રહે છે. તેમાં ગત વર્ષે જરા પણ વરસાદ પડ્યો નથી. આથી તમામ ડેમ તળિયાઝાટક છે. આવી સ્થિતિ ભૂકંપ પછી પહેલી વાર સર્જાઈ છે. જોકે ૨૦૧૩માં લખપત અને અબડાસામાં વરસાદ પડ્યો ન હોવાથી આ બે તાલુકાના ડેમ ખાલી થઈ ગયા હતા. ભૂકંપ પહેલાં ૧૯૮૪થી ૧૯૮૭ સુધીના દુકાળનાં વર્ષોમાં પણ આવી સ્થિતિ સર્જાઈ હતી. અત્યારે કચ્છમાં પીવા માટે નર્મદાનું પાણી પાઈપલાઈનથી મળી રહ્યું છે તેથી ૩૦ વર્ષ પહેલાના દુકાળ જેવી સ્થિતિ સર્જાઈ નથી, પરંતુ સ્થાનિક સોર્સ પર જરા પણ ધ્યાન અપાયું ન હોવાથી ઉનાળાના મહિનાઓમાં જો નર્મદાના નીરને કચ્છ પહોંચવામાં મુશ્કેલી ઊભી થાય તો કચ્છવાસીઓ માટે ફરી ઘેરું જળસંકટ વેઠવાના દિવસો આવી શકે છે.
—————–

Leave A Reply

Your email address will not be published.

Translate »