તમારા માટે, તમારી સાથે, સતત…

કચ્છની સરહદે વ્યાપી રહેલો સૂનકાર

જિલ્લામાંથી ગામડાંની સંખ્યામાં પણ વર્ષોવર્ષ ઘટ નોંધાય છે.

0 104

સુરક્ષા – સુચિતા બોઘાણી કનર

કચ્છનાં ૯૨૪ ગામો પૈકી ૪૭ જેટલાં સરહદી ગામો વસતીવિહોણા થઈ ગયાં છે. છેલ્લાં ૬૦થી વધુ વર્ષથી વસતીવિહોણા ગામડાંની સંખ્યા વધી રહી છે. લોકો પાણી, રોજગારી, શિક્ષણ, આરોગ્યની સવલતો જેવા કારણોસર ગામડાં છોડી રહ્યાં છે. સરહદે તંગ પરિસ્થિતિ છે ત્યારે સરકારે આ સરહદ પરનાં ગામડાંમાં વસનારા લોકો કોઈ પણ કારણોસર હિજરત કરીને ન જાય તે માટે યોગ્ય પગલાં ભરવા જોઈએ. સતત માનવવસતી રહે, તેની ચહલપહલના કારણે સીમાપારના દુશ્મનો તરફથી નાપાક હિલચાલ ન થઈ શકે તેવા હેતુથી પંજાબના શીખ પરિવારોને જમીન આપીને વસાવાયા હતા, પરંતુ આ શીખ પરિવારો પણ ધીરે ધીરે નવા વસાવાયેલાં ગામડાં છોડીને શહેર તરફ જઈ રહ્યા છે.

કચ્છ ભારતની પશ્ચિમ સીમાએ આવેલો જિલ્લો છે. આઝાદી પહેલાં પાકિસ્તાનના સિંધ પ્રાંત સાથે કચ્છી લોકોની રોજિંદી અવરજવર હતી. મોટા રણ રસ્તે ભારત અને પાકિસ્તાન જોડાયેલા છે. આ વિસ્તારમાં બોર્ડર સિક્યૉરિટી ફોર્સ ઉપરાંત આર્મી, ઍરફોર્સ, કોસ્ટગાર્ડ જેવાં સુરક્ષા દળો બાજ નજર રાખીને સરહદનું રક્ષણ કરે છે. સરહદ પર વસેલા લોકો પણ ભારતના સંત્રી જેવી ભૂમિકા ભજવતા હોય છે. સામાન્ય લોકોની રોજિંદી અવરજવર, તેમની ખેતીની કે રોજગારી અર્થે અન્ય કામગીરીના કારણે દેશની સીમા જીવંત રહે છે. જીવંત ગામડાંમાં દુશ્મન દેશ પોતાની હિલચાલ કરવા અચકાય છે. તેમની ઘૂસણખોરી પણ દેશદાઝથી ભરેલા લોકોના કારણે અટકે છે, પરંતુ કચ્છનાં અનેક સરહદી ગામડાં છેલ્લાં ૬૦થી વધુ વર્ષોથી ધીમે ધીમે ખાલી થઈ રહ્યાં છે. એક તો આ વિસ્તારમાં પશુપાલન આધારિત જીવતા લોકોની સંખ્યા વધુ છે. આથી ઉનાળામાં કે દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં તેઓને ફરજિયાત હિજરત કરવી પડે છે. અનેક જાતિના લોકો રખડતું- ભટકતું  જીવન જીવે છે. સરહદ પરનાં નાનાં ગામડાં કે વાંઢમાં નથી હોતી આરોગ્યની પૂરતી સગવડો કે નથી હોતી શિક્ષણની કોઈ સગવડો. આથી અહીં વસનારા લોકો મજબૂરીવશ માદરે વતન છોડવા મજબૂર બને છે અને સરવાળે સરહદો સૂની બને છે. જેથી દેશની સુરક્ષા પર ખતરો તોળાતો રહે છે.

કચ્છની દરિયાઈ સરહદ અને જમીની એટલે કે રણવાળી સરહદ બંને પાકિસ્તાન સાથે જોડાયેલી છે. આઝાદી પહેલાં કચ્છના લોકોનો સિંધ પ્રાંત સાથે બહુ નજીકનો નાતો હતો. આજે પણ અનેક લોકોનાં સગાંઓ સિંધ પ્રાંતમાં વસે છે. કચ્છની સરહદો પરથી એક જમાનામાં દાણચોરી પણ ખૂબ મોટાપાયે થતી હતી. અનેક ઘૂસણખોરો કચ્છની સરહદ ઓળંગીને દેશમાં ઘૂસ્યા છે. અત્યારે પણ અવારનવાર માછીમારીના બહાને આવતા પાકિસ્તાની નાગરિકો પકડાય છે. રણ રસ્તે આજે અવરજવર નહિવત્ છે. છતાં જાણકારો આવી શકે છે. કચ્છમાંથી આર.ડી.એક્સ. કે અન્ય શસ્ત્રોનો જથ્થો પણ દેશમાં ઘૂસ્યાના દાખલા છે. જો સરહદી ગામો જાગતા હોય તો ઘૂસણખોરો પર લગામ લાગી શકે.

કચ્છની સરહદ પર સતત માનવ વસતી રહે તે હેતુથી ૧૯૬૫ના પાકિસ્તાન સાથેના યુદ્ધ પછી કેન્દ્ર સરકારે પંજાબના શીખ ખેડૂતોને અબડાસા તાલુકામાં વસાવ્યા હતા. તે સમયે કચ્છની સરહદ તદ્દન ખુલ્લી હતી. સેનાની હાજરી ખૂબ જ ઓછી હતી. ટૅક્નોલોજી પણ અત્યાર જેવી અદ્યતન ન હતી. કચ્છ સરહદ અતિસંવેદનશીલ હોવા છતાં પાકિસ્તાનીઓ સહેલાઈથી આવ- જા કરી શકે તેવી હતી. આ વિસ્તારમાં સુરક્ષા વધારવી આવશ્યક હતી. આથી તે સમયના વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીએ પંજાબના શીખ ખેડૂતોને અહીં વસવા આમંત્રણ આપ્યું હતું. તેમણે આ ખેડૂતો અને માજી સૈનિકોને જમીન આપી હતી. જોકે આજે વર્ષો વીત્યા છતાં શીખ પરિવારોના નામે જમીન થતી નથી. કચ્છ સરહદી વિસ્તાર હોવાથી અહીં બહારનાં રાજ્યોના ખેડૂતોને ખેડૂતો ગણાતા નથી અને તેમના નામે જમીન થતી નથી. આ માટે શીખ ખેડૂતોએ કોર્ટનો આશરો લીધો હતો. તેમણે આ ખેતીની જમીન ક્યારેય નહીં વેચવાની બાંહેધરી આપી હતી. હાઈકોર્ટે તેમની તરફેણમાં ચુકાદો આપ્યો હતો, પરંતુ સરકાર સુપ્રીમમાં ગઈ છે. આથી હજુ આ ખેડૂતોના નામે જમીન થતી નથી. જેના કારણે તેઓ લોન, ધિરાણ કે સબસિડી મેળવી શકતા નથી. આમ છતાં વર્ષો સુધી તેઓ અહીં ખેતી કરતા હતા, પરંતુ અનિયમિત વરસાદ અને સિંચાઈની સગવડના અભાવે અનેક શીખ ખેડૂતો નવી વસાવેલી જગ્યા છોડીને ભુજ, ગાંધીધામ જેવા શહેરોમાં સ્થાયી થયા છે. જોકે ગાંધીધામમાં ભાગલા વખતે પણ અનેક શીખો આવીને વસ્યા હતા. કચ્છના અન્ય ભાગોમાં સરકારે શીખોને વસાવ્યા હતા, પરંતુ સરકારની એક સારા હેતુ માટેની યોજનાનો મૂળ હેતુ માર્યો ગયો છે.

Related Posts
1 of 139

કચ્છના સરહદી વિસ્તારનાં ગામડાં આજે પણ પાયાની મહત્ત્વની સુવિધાવિહોણા છે. અનેક ગામોમાં પ્રાથમિક, માધ્યમિક શાળાઓ નથી. જ્યાં શાળાઓ છે ત્યાં પૂરતો સ્ટાફ નથી. આવાં ગામડાંમાં આરોગ્ય કેન્દ્રો નથી તો નિષ્ણાત તબીબોની તો વાત જ ક્યાં કરવી? અનેક ગામડાંના લોકોને રોજગારી મળતી નથી. આથી વતન છોડીને વધુ સારી જીવનશૈલીની શોધમાં લોકો શહેરો ભણી વળ્યા છે. ગામડાં ખાલી થઈ રહ્યાં છે. રડ્યાખડ્યા કે ઘરડાં લોકો પણ ત્યાં રહેતા નથી. વર્ષ ૨૦૧૧ની વસતી ગણતરી મુજબ કચ્છમાં વસતી વગરનાં ૪૭ ગામો છે. સૌથી વધુ ૧૪ ગામો સરહદી લખપત તાલુકામાં છે. તો નખત્રાણા અને ભુજ તાલુકાના અનુક્રમે ૧૨ અને ૧૦ ગામો આજે સૂના બન્યાં છે. ગાંધીધામ અને રાપર બે તાલુકા જ એવા છે કે જેમાં એક પણ ગામ વસતી વગરનાં નથી. અમુક ગામો એવાં છે કે જેમાં માત્ર એક જ વ્યક્તિની વસતી નોંધાઈ છે તો અમુક ગામોમાં ૫૦થી ઓછી વસતી છે. જેના કારણે સરહદ પર સાચા અર્થમાં સૂનકાર વ્યાપ્યો છે.

આ ઉપરાંત જિલ્લામાંથી ગામડાંની સંખ્યામાં પણ વર્ષોવર્ષ ઘટ નોંધાય છે. જે પણ ચિંતાનો વિષય છે. એક જમાનામાં ૯૮૦ આસપાસનાં ગામો કચ્છમાં હતાં. ૧૯૬૧માં ૯૩૭ હતાં અને ૨૦૧૧માં ૯૨૪ ગામો જ વસતી ગણતરી પત્રકમાં નોંધાયા છે. જોકે ૧૯૯૧માં ૯૪૯, ૨૦૦૧માં ૯૫૦ અને ૨૦૧૧માં ૯૨૪ ગામો નોંધાયા છે. કચ્છમાં અનેક નાનાં ગામડાં કે વાંઢમાં વસવાટ કરનારાં લોકો ગાય, ઊંટ જેવાં મોટાં પશુઓ અને બકરાં- ઘેટાં જેવાં નાનાં પશુઓનું પાલન કરે છે. ઘાસ અને પાણીનો પુરવઠો હોય ત્યાં સુધી તેઓ રહે છે. પુરવઠો ખલાસ થતાં પોતાનાં પશુઓ સાથે તેઓ હિજરત કરે છે. સ્થાયી જીવન જીવતાં નથી. આના કારણે પણ ગામોની સંખ્યામાં વધ-ઘટ દેખાતી હોવાનું જાણકારો કહે છે.

ભૂકંપ પહેલાં કચ્છમાં દર પાંચ વર્ષે ત્રણ વર્ષ દુકાળ પડતાં. તેમાં સરહદી લખપત, નખત્રાણા અને ભુજ તાલુકામાં તો આખા જિલ્લા કરતાં ઓછો વરસાદ પડે છે. તેના કારણે ખેતીમાં ઉત્પાદન પૂરતું મળતું નથી અને નાના ખેડૂતો માટે ખેતી નફાકારક બનતી નથી. ઔદ્યોગિકીકરણના પગલે અનેક ઉદ્યોગો આવ્યા, રોજગારીનું પ્રમાણ વધ્યું એ વાત સાચી હોવા છતાં ગામડાંના તમામ લોકોને પૂરતું કામ મળતું નથી. અનેક ઉદ્યોગો ૮૫ ટકા સ્થાનિક લોકોને રોજગારી આપવાના નિયમનું પાલન કરતાં નથી. નજીકના ગામોમાં આરોગ્યની કે ઉચ્ચ શિક્ષણની સુવિધા મળતી નથી. તેથી નવી પેઢી વંશપરંપરાગત વ્યવસાયો કરવા તૈયાર થતી નથી. તેઓ શહેરો તરફ દોટ મુકે છે.

આંકડાકીય વિગતો જોઈએ તો વર્ષ ૧૯૯૧ની વસતી ગણતરીમાં જિલ્લામાં કુલ ૯૪૯ ગામો નોંધાયા હતાં. જે પૈકી ૬૫ ગામો ઉજ્જડ હતાં તો વર્ષ ૨૦૦૧ની વસતી ગણતરી વખતે કુલ ૯૫૦ ગામો હતાં. તેમાંથી ૬૪ ગામોમાં વસતી ન હતી. જ્યારે વર્ષ ૨૦૧૧માં ૯૨૪ ગામો પૈકી ૪૭ ગામો વસતીવિહોણા હતા. કદાચ ૨૦૨૧ની ગણતરી વખતે આ આંકડો હજુ વધે તો નવાઈ નહીં. જે ગામો વસતી વગરનાં છે તે પણ પ્રમાણમાં સારું એવું ક્ષેત્રફળ ધરાવતાં ગામો છે. એક જમાનામાં આ ગામોમાં ઘણા લોકો વસતા હશે. ૨૦૦૧માં લખપત તાલુકાના હનુમાનખુડી ગામમાં ૧, મુન્દ્રાના ભરૃડિયામાં ૧, અંજારના ચંદ્રાપરમાં ૩, રાતાતળાવમાં ૩૭ અને ૨૦૧૧માં અંજાર તાલુકાના લહારિયા ગામમાં માત્ર ૧ વ્યક્તિની વસતી નોંધાઈ છે. અનેક ગામોમાં ૫૦, ૧૦૦ કે ૨૦૦થી પણ ઓછી વસતી છે. આ ગામોમાં કોઈ જ જાતની સુવિધાઓ નથી. ગામના મોટા ભાગના લોકો અન્ય શહેરો ભણી સ્થળાંતર કરી ગયા છે. આવી જ રીતે પંજાબથી આવેલા શીખ પરિવારો પણ સરહદી તાલુકામાંથી સ્થળાંતર કરીને કચ્છભરમાં ફેલાયા છે. વર્ષ ૨૦૧૧ની વસતી ગણતરી પ્રમાણે ગાંધીધામમાં સૌથી વધુ ૧૫૯૭, ભુજમાં ૧૦૪૫, અબડાસામાં ૯૩૧, મુન્દ્રામાં ૯૪૩, લખપતમાં ૮૫૫, અંજારમાં ૫૯૩, માંડવીમાં ૧૭૭, ભચાઉમાં ૧૦૧, નખત્રાણામાં ૭૧ અને રાપરમાં ૪૧ શીખ લોકો રહે છે.

પાકિસ્તાન સાથે ભારતના સંબંધો હંમેશાં તંગ રહે છે. ત્યારે વસતીવિહોણા ગામોનો ઉપયોગ નાપાક તત્ત્વો કરી શકે તેવી પણ ભીતિ જાણકારો દર્શાવે છે. ત્યારે સરહદ પરના વસતીવિહોણા ગામોમાં લોકો પુનઃ વસવાટ કરે તે માટે કોઈ યોજના અમલમાં મુકાઈ છે કે કેમ? તેવો પ્રશ્ન કચ્છ કલેક્ટર રેમ્યા મોહનને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, ‘સરહદી વિસ્તારના લોકો મોટા ભાગે ભટકતું જીવન જીવવાવાળા છે. તેમ જ શહેરીકરણે તેમને પણ આકર્ષ્યા છે. તેઓ વધુ શૈક્ષણિક તકો હોય ત્યાં જવાનું પસંદ કરવા લાગ્યા છે. શહેરોમાં વસવાટ કરતી નવી પેઢી પોતાના વડીલોને પણ પોતાની સાથે લઈ જાય છે. બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ સરહદી ગામડાંમાં પાણી, શિક્ષણ, આરોગ્યની સગવડો વધારવા પ્રયત્નો થઈ રહ્યા છે. આ કાર્યક્રમ હેઠળ ખાસ કરીને ૦થી ૧૦ અને ૧૦થી ૨૦ લોકોની વસતીવાળા ગામો માટે સગવડો વધારાઈ રહી છે. તેમ જ સરહદની સુરક્ષાનો મુદ્દો મહત્ત્વનો છે. આ માટે બી.એસ.એફ., આર્મી, કોસ્ટગાર્ડ જેવી એજન્સીઓ ચોકસાઈથી વૉચ રાખે છે. અમારી સાથે પણ તેમની સમયાંતરે સંયુક્ત બેઠક થાય છે. તેથી સરહદી સુરક્ષાનો પ્રશ્ન વસતી વગરનાં ગામડાંના કારણે ઉદ્ભવવાની શક્યતા નથી.’

સરકાર ભલે કહે ગામડાંને ફરી વસાવવાની કામગીરી ચાલુ છે, પરંતુ ખરેખર તો વધુ વસતીવાળાં ગામડાંમાં પણ આજે પૂરતી સુવિધાઓ જોવા મળતી નથી ત્યારે ઉજ્જડ થઈ ગયેલા કે સાવ જ નગણ્ય વસતી વગરનાં ગામોમાં લોકોને કેટલી સુવિધા, ક્યારે મળશે તે પણ પ્રશ્ન છે. સરકારે આ દિશામાં વધુ ઘનિષ્ટ પગલાં સત્વરે જ ભરવા જોઈએ તે જરૃરી છે.
————————-

Leave A Reply

Your email address will not be published.

Translate »