તમારા માટે, તમારી સાથે, સતત…

બેઉ બેન્જામિન બાથે વળગ્યા

ઇઝરાયલના વડાપ્રધાનના પદ માટે બે બેન્જામિન વચ્ચે દ્વંદ્વ ચાલી રહ્યું છે

0 165

ચર્નિંગ ઘાટ – ગૌરાંગ અમીન

પાતળી બહુમતી હારી અને પાતળી બહુમતી જીતશે
ઇઝરાયલમાં જે જીતશે તે રાષ્ટ્રનો તગડો ભક્ત હશે

ઇઝરાયલ વર્ષોથી આપણા રસનો વિષય રહ્યો છે. એક જમાનામાં ઇઝરાયલ સાથે આપણે સંબંધ બાંધીએ ‘ને સાચવીએ તો આપણા દેશના મુસ્લિમો નારાજ થઈ જાય તેવી ટેબલ-સ્ટોરીને આધારે ભારતીય સરકારોએ આપણા મુસ્લિમ બાંધવોને કમ તથા કનિષ્ઠ અક્કલના ધારીને તેમનું ગેરમૂલ્યાંકન કર્યું હતું. હાલાંકિ સાવ એવું નથી કે ભારતમાં ઇઝરાયલ કે યહૂદીઓને દુશ્મન માનનારા મુસ્લિમ તથા અન્ય ધર્મીઓ ઓછા છે. કારણ સીધું છે કે ૭૨ વર્ષની આપણી ‘ને ૭૧ વર્ષની એમની આયુમાં ભારત ‘ને ઇઝરાયલના ખરા સંબંધ ‘૯૨થી શરૃ થયેલા. ભલે યહૂદીઓના ધાર્મિક પુસ્તકોમાં ભારત ‘ને ઇઝરાયલ વચ્ચે ઈસુ પૂર્વેના સંબંધના પુરાવા છે, બૌદ્ધ ગ્રંથોમાં બંને દેશ વચ્ચેના વેપારની સાબિતીઓ છે. ઇઝરાયલ દેશ બનવાના વિરોધમાં આપણે યુનોમાં મતદાન કરેલું. ‘૫૦થી ‘૯૧ સુધી આપણે ઇઝરાયલ સાથે ફક્ત હાય હલ્લોના સંબંધ રાખેલા. ખરા સંબંધ પીએમ નરસિંહરાવે શરૃ કરેલા.

૨૦૦૯માં થયેલા એક આંતરરાષ્ટ્રીય સરવે અનુસાર ૫૮% ભારતીયોએ ઇઝરાયલ પરત્વે સ્પષ્ટ હકારાત્મક લાગણી ધરાવવાનું કીધેલું. આજે ઇઝરાયલ આપણુ દસમા નંબરનું ટ્રેડિંગ પાર્ટનર છે. સંરક્ષણ બાબતમાં રશિયા પછી બીજા નંબરનું. સંબંધ નહોતા ત્યારે ‘૭૧માં ભારત-પાકિસ્તાન યુદ્ધ વખતે ઇઝરાયલે ગુપ્ત રીતે ભારતને લશ્કરી સહાયતા મોકલી હતી. અમેરિકન પત્રકાર ગેરી બાસ ‘હક્સર પેપર્સ’ ટાંકીને ૨૦૧૩માં બહાર પાડેલા પોતાના પુસ્તક ‘ધ બ્લડ ટેલિગ્રામ’માં જણાવે છે કે, ‘ઇઝરાયલના વડાપ્રધાન ગોલ્ડા મેયરે ઇઝરાયલના શસ્ત્ર સોદાગર શ્લોમો જબલુદોવિક્ઝ દ્વારા ભારતને મોર્ટાર તથા હથિયાર મોકલાવેલા. એ હથિયારો સાથે કેટલાક ઇઝરાયલી ટ્રેઇનર્સ પણ ભારત આવેલા. ઇન્દિરા ગાંધીના પ્રધાન સચિવ પી.એન. હક્સરે વધુ હથિયારો માટે કરેલી વિનંતીના જવાબમાં મેયરે આશ્વાસન આપેલું કે અમારી મદદ ચાલુ રહેશે.’ ખેર, હવે સોવિયેત સંઘ નથી રહ્યો જેના ડરથી પણ આપણે ઇઝરાયલ સાથે દૂરી વર્તતા. આપણા રિલેશનના પરિણામ સીધાં ‘ને સારાં આવવા લાગ્યાં છે. આપણે ‘૧૯ની (પહેલી) ઍર-સ્ટ્રાઇકમાં ઇઝરાયલનો ‘સામાન’ ખુલ્લેઆમ વાપરી શક્યા. આપણા મિત્ર દેશ ઇઝરાયલમાં ૯ એપ્રિલ, મંગળવારે ચૂંટણી છે. આપણી સ્વાભાવિક ફરજ છે કે આપણે એ વિષે થોડું જાણીએ.

ચૂંટણીની સાચી તારીખ ૫ નવેમ્બર હોવી જોઈતી હતી, પણ આ તો રાજકારણ છે. અર્લી ઇલેક્શનના એંધાણ તો છેક ૧૨ માર્ચ, ૨૦૧૮ના રોજ આવી ગયેલા. રક્ષા મંત્રી લિબરમેન અને એમના રાજકીય પક્ષે સરકાર દ્વારા રજૂ થયેલા એક ખરડાનો વિરોધ કરેલો. અલ્ટ્રા-ઓર્થોડોક્સ તરીકે ઓળખાતી પાર્ટીઓએ જે બિલને ટેકો આપેલો તે યહૂદી ધર્મના ફુલ ટાઇમ અભ્યાસ કરનારને ફરજિયાત લશ્કરી તાલીમમાંથી મુક્તિ અપાવનારું હતું. બાર માર્ચે બે પક્ષોએ નેસેટ એટલે કે ત્યાંની સંસદ વિખેરી નાખવાની પ્રપોઝલ રજૂ કરેલી. અંતે ‘ટાઇમ્સ ઓફ ઇઝરાયલ’ની ભાષામાં કહીએ તો ‘છેલ્લી મિનિટના સોદાથી સાથી પક્ષોએ વહેલી ચૂંટણી ટાળવા સમાધાન કર્યું.’ લેકિન, રાજકારણ એકથી વધુ કિન્તુ પરંતુથી તરંગિત રહેતી વાયુમય વાસ્તવિકતા છે. નેતાન્યાહુ સરકાર હમસ સાથે શસ્ત્રવિરામ યાને યુદ્ધમોકૂફી કરવા સહમત થઈ. લિબરમેન ફરી અકળાયા ‘ને સરકારનો ત્યાગ કર્યો. અંતે પીએમ નેતાન્યાહુ પાસે ૧૨૦માંથી ૬૧ સભ્યનો ટેકો બચ્યો. માત્ર એક સભ્યની બહુમતી. ૧૬ નવેમ્બરે ‘યહૂદી ઘર’ નામક પક્ષે એમના નેતા બેનેટને રક્ષા મંત્રાલય ના આપ્યું એટલે સરકાર છોડવાની જાહેરાત કરી. જોકે બેનેટે શિક્ષા મંત્રાલય સાંભળવાનું ચાલુ રાખ્યું. બટમ, એમ સરકાર ઠેલણગાડીની જેમ ના ચાલી શકે. અલ્ટ્રા-ઓર્થોડોક્સનો લશ્કરી સેવામાં ના જોડાવાવાળો ઇસ્યૂ મોટો હતો. આખરે ‘ઇઝરાયલ ઇન્ટરનેશનલ ન્યૂઝ’ની ભાષામાં કહીએ તો ‘અંતે એ નિશ્ચિત થયુંઃ ૨૦મી નેસેટ વિખેરી કાઢવામાં આવી, ઇઝરાયલ ચૂંટણી તરફ આગળ વધ્યું.’

ઇઝરાયલના વડાપ્રધાનના પદ માટે બે બેન્જામિન વચ્ચે દ્વંદ્વ ચાલી રહ્યું છે. બેન્જામિન નેતાન્યાહુ વિરુદ્ધ બેન્જામિન ગેન્ટઝ. નેતાન્યાહુનું હુલામણુ નામ છે બીબી તો ગેન્ટઝનું બેની. બીબી મોટા ભાગના જાણે છે તેમ ચાલુ પીએમ છે. બેની થ્રી સ્ટાર જનરલ છે, ઇઝરાયલી ડિફેન્સના જનરલ સ્ટાફના વડા રહી ચૂકેલા છે. મજાની વાત એ છે કે વિશ્વભરના મીડિયામાસ્તરોને ઇઝરાયલમાં કોણ જીતવું જોઈએ એ અંગે દર વખતની જેમ આ વખતે પણ ફક્ત એક જ મુદ્દો દેખાય છે- ઇઝરાયલ ‘ને યુદ્ધ. એક તરફ શાંતિની વાતો કરીને ઇઝરાયલને એક તરફી લાતો મારવા ‘ને ખવડાવવામાં રત રહેલા મહાનુભાવો છે તો બીજી તરફ વૈશ્વિક કક્ષાએ આતંકવાદ સામે લડવા માટે ઇઝરાયલની પ્રત્યક્ષ તેમ જ પરોક્ષ જરૃરિયાત પર ભાર મૂકાઈ રહ્યો છે. સ્વાભાવિક છે પીએમ કોણ બનશે એ ત્યાંની પ્રજા જ નક્કી કરશે. નક્કી ઇઝરાયલીઓએ કરવાનું છે કે એમને કેવી શાંતિ અને કેવું યુદ્ધ જોઈએ છે. ગેન્ટઝ હુંકાર કરે છે કે એ નેતાન્યાહુનો કાળ સમાપ્ત કરી દેશે. એ વાત અલગ છે કે ચૂંટણીની જાહેરાત પછી તરત થયેલા પોલમાં લોકોએ નેતાન્યાહુને પસંદ કરેલા.

નેતાન્યાહુ લશ્કરમાં કેપ્ટન સુધી પહોંચ્યા હતા. ઑપરેશન ઇન્ફર્નો, ઑપરેશન ગિફ્ટ, ઑપરેશન આઇસોટોપ જેવી લશ્કરી કામગીરીમાં મહત્ત્વનો રોલ અદા કરી ચૂકેલા છે. ખભામાં ગોળી ખાધા પછીના વર્ષે ‘૭૩માં પ્રથમ હરોળના સૈનિક તરીકે લડી ચૂકેલા છે. ઈદી અમીન વખતના ઑપરેશન એન્ટીબિમાં એ નહીં, એમના સગા ભાઈ યોની નેતાન્યાહુ હતા, જે ફરજ નિભાવતાં મૃત્યુ પામેલા. કેપ્ટન બીબીની સામે જનરલ બેની છે. ઇઝરાયલમાં કોઈ જનરલ ચૂંટણી લડતો હોય તેવું પહેલી વાર નથી થઈ રહ્યું. ‘૯૨માં જનરલ યિત્ઝાક રેબિન અત્યારના ચોથી વખત પીએમ બનેલા નેતાન્યાહુના વડા શમીરને હરાવીને ચૂંટણી જીતેલા. ‘૯૪માં એમને નોબેલ શાંતિ પુરસ્કાર મળેલો. અફસોસ કે ૪ નવેમ્બર, ૧૯૯૫ના રોજ અમીર નામના કટ્ટર યહૂદી દ્વારા એમની હત્યા થયેલી. પરિણામ સ્વરૃપ ‘૯૩માં પક્ષના નેતા બનેલા નેતાન્યાહુ ‘૯૬માં પ્રથમ વાર પીએમ બન્યા. ‘૯૯માં લેબર પાર્ટીના જનરલ એહુદ બરાકે એમને હરાવી દીધા. લોકોએ એમને શાંતિ લાવવા વોટ આપેલો. ત્યારે બીબીએ રાજકારણ છોડી દીધું, પણ પછીના વર્ષે ‘કેમ્પ ડેવિડ સમિટ’ દરમિયાન જનરલ એહુદ બરાક શાંતિ ના આણી શક્યા. અંતે ફરી એકવાર જમણેરી સરકાર આવી. વડાપ્રધાન બન્યા હતા જનરલ એરિઅલ શેરોન. બીબી રાજકારણમાં પરત ફર્યા, ૨૦૦૨માં વિદેશ મંત્રી ‘ને ૨૦૦૩માં વિત્ત મંત્રી તરીકે, પરંતુ સરકારની ગાઝા અલગ પાડવાની યોજના સાથે એ અસહમત હતા એટલે આખરે એમણે સરકારનો ત્યાગ કરેલો.

ટૂંકમાં સમસ્ત ઇઝરાયલ સહિત એક્સ કેપ્ટન બીબીને એકથી વધુ એક્સ જનરલનો અનુભવ છે. છતાં જનરલ બેની પર લોકોને નવી આશા છે. બેની હાથમાં લાકડી રાખે છે અને નમ્રતાથી પેશ આવે છે, સીધી વાત કરે છે. જનરલ બેની ‘ને એમની પ્રચાર સેના એમના લશ્કરી એવં લોહિયાળ ભૂતકાળને કોઈ જ પ્રકારનો ગાંધીવાદી ટચ નથી આપતા. ફોરવર્ડ થતાં વીડિયોઝમાં એમણે પેલેસ્ટાઇન ‘ને અન્ય આરબ દેશો માટે હાનિકારક એવા જે હિંસક કર્મો કરેલાં તેની ગાથા ખુશી ખુશી ગાવામાં આવે છે. ૬૦ વર્ષના જનરલ બેની ઇતિહાસમાં પણ સ્નાતક છે. એમના ‘બ્લુ એન્ડ વ્હાઇટ’ અલાયન્સમાં બીજા બે ભૂતપૂર્વ લશ્કરી વડા છે. ગેબ્રિઅલ ‘ગેબી’ અશ્કેનાઝિ અને મોશે ‘બોગી’ યાલૂન. ઇઝરાયલીઓ આ રાજકીય જોડાણને એકલી લેબર પાર્ટી કરતાં વધુ પસંદ કરે છે. હાલમાં ‘બ્લુ એન્ડ વ્હાઇટ’ ઓપિનિયન પોલમાં નેતાન્યાહુ તરફીઓ કરતાં સહેજ આગળ છે. વિરોધીઓ એક થઈને નેતાન્યાહુનું રાજકારણ કાયમ માટે પૂર્ણ કરી દેશે એવું ધારીને ચાલે છે.

Related Posts
1 of 281

ઇઝરાયલના રાજા મનાતા નેતાન્યાહુ પર ઘણા આક્ષેપો છે. પાસ્ટમાં એમનાં ત્રણ લગ્ન ‘ને છૂટાછેડાને લઈને વિવાદો થયેલા. એથી વિશેષ એમના પર ભ્રષ્ટાચારના આરોપો છે. વેપારીઓ પાસેથી વ્યક્તિગત ફાયદા લેવાનો, પોતાના તરફી પ્રચાર કરવા મિત્રો એવં મીડિયાને પૈસા આપવાનો અને લાંચના કેસ છે. નેતાન્યાહુએ એમની ફેસબુક પોસ્ટ ઉપર આ બધા ચાર્જ જાહેર કરીને કીધેલું કે આ ચાર્જને ટેકો મળે એવું કશું નથી એટલે આમાંથી કશું સાબિત નહીં થાય. તાજેતરમાં જ એમણે કટાક્ષ કરેલો કે જે જાંચ તમે ચૂંટણી પહેલાં પૂરી કરી શકવાના નહોતા એ તમારે શરૃ જ નહોતી કરવાની. ત્યાં મોટી સંખ્યામાં સામાન્ય ‘ને અસામાન્ય લોકો માને છે કે નેતાન્યાહુને રાજકારણની બહાર કાઢવા કે એ જો ફરી સરકારમાં આવે તો ડાબેરી તરફીઓને શક્તિશાળી સ્થાન આપે તે માટે એ બધા આરોપોનો ઉપયોગ થઈ રહ્યો છે. સાથે સાથે બીબીને ધૂળ ચાટતાં કરવા બેની પોતાના લશ્કરી બૅકગ્રાઉન્ડનો ભરપૂર ઉપયોગ કરે છે. બેની ભાષણ કરે છે કે જ્યારે હું મારા સૈનિકો સાથે બર્ફીલી ઠંડીમાં કાદવ વચ્ચે ભટકતો હતો ત્યારે તેં અંગ્રેજી શીખવા ‘ને રંગીલી કોકટેલ પાર્ટીમાં તેની પ્રેક્ટિસ કરવા ઇઝરાયલ છોડી દીધેલું.

શું જનરલ બેની પર કોઈ એલિગેશન નથી? વેલ, એ હજુ એક પણ વાર પીએમ નથી બન્યા કે નથી મંત્રી બન્યા. હા, એમના પોતાના ઘર માટે એમણે પબ્લિકની જમીન પચાવી પાડીને ત્યાં બાંધકામ કરેલું એવો રિપોર્ટ ફોટા સાથે છાપામાં આવેલો. જેના જવાબમાં એમણે કીધેલું કે જગ્યા પબ્લિકની છે એ સાચું, પરંતુ એ પબ્લિકના કામમાં આવે એવી નથી! એમની લશ્કરના વડા તરીકે નિમણૂક થયા બાદ તરત જ એમના એ કેસમાં ‘નડતર’ રૃપ લોકોની બદલી કરવા એમના તરફી વહીવટ કરનારા સક્રિય થયેલા. ગયા ફેબ્રુઆરીમાં એમના જાહેર જીવનમાં આવવાની ખબર સાથે વર્ષો પહેલાં એમણે જાતીય સતામણી કરેલી એવા આક્ષેપ થયેલા. સ્વાભાવિક છે કે એમણે એ આક્ષેપ ખોટો છે એવું કહેલું. આ આક્ષેપો કરતાં ખરેખર રસપ્રદ એવો એક ત્રીજો વિવાદ છે જેના વિષે મોટા ભાગના ચૂપ છે. બેની ‘ધ ફિફ્થ ડાયમેન્શન’ નામની એક કોમ્પ્યુટર સિક્યૉરિટી તથા કાયદાના અમલીકરણનું કામ કરતી આઇટી કંપનીમાં કામ કરતા હતા. એ કંપની બંધ થઈ ગઈ, કારણ કે એ કંપનીનો જે ઇન્વેસ્ટર હતો એ રશિયન મહાનુભાવ પર અમેરિકામાં કાયદેસર પાબંધી લાગી ગયેલી. યસ, એ અમેરિકાની ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવાનો જેમના પર આરોપ હતો એમાંનો એક હતો.

ઓફ કોર્સ, નેતાન્યાહુના અમેરિકા સાથેના વ્યક્તિગત રિલેશન કે કનેક્શન મજબૂત છે. તેઓ જુવાનીમાં ત્યાં ભણેલા ‘ને રહેલા. રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથેના એમના સંબંધ જગ જાહેર છે. ટ્રમ્પના યહૂદી જમાઈ કુશ્નર સાથે એમને ખાવાપીવાના સંબંધ છે. એ ડોનાલ્ડ ટ્રમ્પના પપ્પા ફ્રેડના છેક ‘૮૦માં મિત્ર હતા. નેતાન્યાહુ વિરોધીઓ એવું પણ કહે છે કે તેઓ અમેરિકાના ખાસ છે. ટ્રમ્પ એમને ટફ, સ્માર્ટ ‘ને સ્ટ્રોન્ગ ઉમેદવાર જાહેર કરી ચૂક્યા છે અને ટ્રમ્પ અમેરિકામાં રહેતા યહૂદીઓમાં લોકપ્રિય છે એમાં કોઈ બેમત નથી. ‘અમેરિકન ઇઝરાયલ પબ્લિક અફેર્સ કમિટી’ અત્યંત પાવરફુલ સંસ્થા છે. અમેરિકાની ઇઝરાયલની ચૂંટણી પર અસર છે જ એમાં કોઈ સંશય નથી. ઇઝરાયલના અમુક અંતરંગ મુદ્દા આંતરરાષ્ટ્રીય રાજકારણના મુદ્દા છે. અમુક દિવસ અગાઉ જ ટ્રમ્પ જાહેર કરી ચૂક્યા છે કે સીરિયા દ્વારા ઓક્યુપાઇડ ‘ગોલન હાઇટ્સ પર ઇઝરાયલનો હક્ક છે. જોકે ટ્રમ્પ સાથે જાહેરમાં જેમનો સંબંધ નથી તે જનરલ બેની પણ એ બાબતમાં કટ્ટરતાથી એવું જ માને છે. યાદ રહે કે લિકુડ સરકારે જેરુસલેમમાં અમેરિકન એમ્બેસી ખસેડી તેનો જનરલ બેનીએ વિરોધ નહોતો કર્યો.

બેની લડાઈમાં ત્રીજો ફાવે એ કહાવત પુરાની છે. ઇઝરાયલમાં વસતા બિનયહૂદી ઉર્ફે આરબો આ વખતે મહત્ત્વનો રોલ કરે એવી શક્યતા ગાઢી છે. સરકાર બનાવવા ૬૧ સભ્યો સિવાય જે-તે પક્ષ વા જોડાણે ત્રણ ચતુર્થાંશ વોટ શેઅર મેળવવો પડે. હિબ્રુ બોલતા બિનયહૂદી ઇઝરાયલી આરબોની વસ્તી એકવીસ ટકા જેટલી છે. ૨૦૧૫ની ચૂંટણીમાં એ સેક્શનમાંથી ૬૩% વોટિંગ થયેલું. યહૂદી ભાગમાંથી ૭૬% મતદાન થયેલું. અહમદ ટીબી સૌથી મોટી ‘ને અસરકારક આરબ પાર્ટીના નેતા છે. નેતાન્યાહુના વિરોધીઓ માને છે કે એમને ટીબીની જરૃર પડી શકે છે. એમાંય જો આરબ મતદાન યહૂદી મતદાન જેટલું મોટું થાય તો ખાસ. આજે સ્થિતિ એ છે કે ‘બીબી કે ટીબી’ જેવા સ્લોગનનો મારો થઈ રહ્યો છે. અમુક ખંધા પત્રકારો બેનીને ઇઝરાયલ તરફી અને બીબીને યહૂદી તરફી જાહેર કરી ચૂક્યા છે એવામાં અહમદ ટીબીની આરબ પાર્ટી શું કરશે એ સમય જ બતાવશે. કોને ખબર ટીબીના મતદારોને બીબીથી દૂર રાખી અંતે ટીબી બીબી સાથે બેસી જાય એ દિવસ આવે!

સરવે જણાવે છે કે ફક્ત ત્રીસ ટકા ઇઝરાયલી એવું માને છે કે એમના માટે યહૂદી ધર્મ ખૂબ મહત્ત્વનો છે. જે ઓર્થોડોક્સ નથી એમાંથી ખાલી તેર ટકા એવું માને છે. છતાં એકસઠ ટકા એવું માને છે કે (એમના) ઈશ્વરે એમને ઇઝરાયલનું રાજ્ય આપ્યું છે. આજના ઇઝરાયલની યુનિવર્સિટીઓમાં સ્નાતક અભ્યાસક્રમમાં અર્ધા વિદ્યાર્થી બિનયહૂદી આરબ હોય છે. આજનો ઇઝરાયલી યહૂદી જુવાન રાજકારણમાં ધર્મની જોહુકમી સ્વીકારવા તૈયાર નથી. ઘણા ટ્રમ્પ તરફી હોય એવા ઇઝરાયલી વડાપ્રધાનની તરફેણમાં નથી. પણ, સામે ઘણા એવું સમજે છે કે ૨૦૨૦માં ટ્રમ્પ ફરી ચૂંટાશે ત્યારે ટ્રમ્પ તરફી ના હોય એવો વડાપ્રધાન ઇઝરાયલને મોંઘો પડી શકે છે. જનરલ બેની ઇઝરાયેલના હિતની, એ પણ બિનયહૂદીને સમકક્ષ ગણીને આગળ વધવાની વાત કરે છે. નેતાન્યાહુ સરકાર ઇઝરાયલી યહૂદી આધુનિક તથા વૈશ્વિક સોચ ધરાવે એ માટે સક્રિય કાર્ય કરી ચૂકી છે. છતાં એમને યહૂદીવાદીઓ વિના ચાલવાનું નથી એ હકીકત છે. આ બધું સાચું, પરંતુ સાચા ભાવિની ગણતરી માંડીએ તો બેની પીએમ બને પછી એમણે ઇઝરાયેલના લશ્કરી કાર્યક્રમ તેજ કર્યા વગર છૂટકો નથી અને નેતાન્યાહુ આરબ અહમદ ટીબીનો ટેકો લઈને પણ પીએમ બને તો અમુક કે તમુક લશ્કરી કાર્યક્રમ કરશે. નેતાન્યાહુને જમણેરી કરાર આપવા એ સહેલું કામ છે જ્યારે જનરલ બેનીને ડાબેરી સાબિત કરી શકાય તેમ નથી. એમણે પોતે જાહેર કર્યું છે ‘નો લેફ્ટ, નો રાઇટ, ઇઝરાયલ એબોવ ઓલ.’ નિઃસંદેહ એવું સ્પષ્ટ દેખાય છે કે બંને પીએમના ઉમેદવારો ઇઝરાયલના અમુક મુદ્દે એકબીજાની સામે નથી.

બીબીની કરિયર પતાવવા નીકળેલા કહે છે કે તેઓને અહંકાર છે કે તેઓ અચ્છા રાજનીતિજ્ઞ છે અને સુરક્ષા તેમ જ વ્યૂહરચનાને લઈને વિદેશ ‘ને યુનો સાથે સક્ષમ રાજદ્વારી સંબંધ વિકસાવી ‘ને જાળવી શકે છે. બીબીનો રાજકીય સીવી જુઓ. એ ઇઝરાયલી એમ્બેસીમાં કામ કર્યા પછી ઇઝરાયલના યુએનમાં એમ્બેસેડર હતા. ચાર વાર પીએમ, બે વાર કેબિનેટ મિનિસ્ટર અને એક વાર વિરોધ પક્ષના નેતા. દુનિયાભરની હસ્તીઓ સાથે વ્યક્તિગત સંબંધ રાખવાનો મહાવરો. જનરલ બેનીએ ગણીને એકવાર ઇઝરાયલમાં સ્થાનિક કક્ષાએ પણ કામ નથી કર્યું. અલબત્ત, એનો અર્થ એ નથી કે બેની પીએમ પદ સંભાળી શકે તેવું વ્યક્તિત્વ નથી ધરાવતા. પોતાને સેન્ટ્રિસ્ટ કહેવડાવતા જનરલ બેનીનું કહેવું છે કે બીબી સિગાર, શરાબ ‘ને સુફિયાણી વાતોની આડમાં જુઠ્ઠું બોલવાના શોખીન છે. બેની ચોખું માને છે કે ઇઝરાયલને જનરલની જરૃરિયાત છે. વળી, લેબર પાર્ટી સાથે એક થયેલા બેનીને બીબી એવું કહી શકે તેમ નથી કે લેબર પાર્ટી સાવ ડાબેરી છે અને ડાબેરીઓએ રાષ્ટ્રની સુરક્ષા માટે કશું નથી કર્યું. લેબર પાર્ટી જ્યારે સત્તામાં હતી ત્યારે પાડોશીઓ જોડે યુદ્ધ કરીને મૂળ ઇઝરાયલ કરતાં વધુ જમીન કમાવામાં સફળ થયેલી પાર્ટી છે. બીબીના દુશ્મનો પણ કહે છે કે ‘બ્લુ એન્ડ વ્હાઇટ’ જોડાણ એ એવું ડાબેરી નથી, ‘લાઇટ લિકુડ’ છે.

બેન્જામિન બીબી નેતાન્યાહુ અને બેન્જામિન બેની ગેન્ટ્ઝ બંને એક ચીજ જાણે છે કે ઇઝરાયલ પર જે કોઈ રાજ કરશે તેણે ઇઝરાયલનો લશ્કરી અભિગમ જાળવવો પડશે. હકીકતે તો ઘણી ઘણીવાર બંને પ્રતિદ્વંદ્વીઓ ‘અમે વધુ લશ્કરી અભિગમ ધરાવીએ છીએ’ એવું સિદ્ધ કરવાની સ્પર્ધામાં છે એવું દેખાયું છે. ઘણા માને છે કે શાંતિ તથા ઇઝરાયલ, આ બંને કન્સેપ્ટ તદ્દન ભિન્ન છે. ‘ધ ન્યૂયૉર્ક ટાઇમ્સ’ના ભૂતપૂર્વ ચીફ કોરસ્પોન્ડન્ટ પેટ્રિક ટાઇલરનું પુસ્તક ‘ફોર્ટ્રિસ ઇઝરાયેલ, ધ ઇનસાઇડ સ્ટોરી ઓફ ધ મિલિટરી ઇલાઇટ હુ રન ધ કન્ટ્રી- એન્ડ વ્હાય ધે કેન નોટ મેક પીસ’ કામની વાતો કરે છે. એમના મંતવ્ય પ્રમાણે વર્તમાન કાળમાં ઇઝરાયલમાં એવા કોઈ નેતા પેદા નથી થતા જે આજના જમાના મુજબ વર્તે. એમના જેવા ઘણા માને છે કે ઇઝરાયલે લશ્કરી માનસિકતાથી આગળ વધવાની જરૃર છે. ઘણા તો એવું માને છે કે ઇઝરાયલને કોઈ ઉકેલમાં રસ જ નથી. વારુ, શું આપણે પણ કોઈ સલાહ આપવી જોઈએ? ના. જેણે ભોગવ્યું હોય વત્તા જે ભોગવતો હોય એ જાણે કે એણે ભવિષ્યમાં શું અને કેમ ભોગવવાનું આવી શકે. કાશ્મીરનો એક મોટો ભાગ પાકિસ્તાને ‘ને એક નાનો ભાગ ચીને ખૂંચવી લીધો, વિશ્વએ શું કર્યું? તિબેટ આખેઆખું ચીન ધોળે દહાડે ચ્યાઉં કરી ગયું, કોણે શું મદદ કરી? પોતાનું શરીર પૂરું જીવતું હોય ત્યારે ડાબો અને જમણો બંને હાથ ભેગા થાય એ ફરજિયાત છે. શરીર સ્વાદ કે બેમર્યાદ ભૂખના રવાડે ચઢે ત્યારે એક હાથ બીજા હાથને રોકે એ જરૃરી છે. ઇઝરાયલે શું કરવું જોઈએ એ ઇઝરાયલની પ્રજા નક્કી કરવા જઈ રહી છે. ફિર હાલ તો આપણે એમને ચૂંટણી અંગે શુભેચ્છા પાઠવીએ તો સારું.

બુઝારો   –   સ્ટોપ ધ મેડનેસએવા વિશિષ્ટ સ્લોગન સાથે બજારમાં ઊતરેલા જનરલ બેની એમના લશ્કરી કારનામાને એનકેશ કરવા બનાવેલા પ્રચાર વીડિયોમાં કહે છે, (મેં) ૧૩૬૪ આતંકવાદી મારેલા. ઇઝરાયલમાં પ્રશ્નો ખડા થયા છે કે દેશના લશ્કરી ખાતાએ ૨૧૦૦નો આંકડો બહાર પાડેલો. જેમાં બાળકો, સ્ત્રીઓ ને અન્ય સામાન્ય નાગરિકો પણ હતાં. લશ્કરી ખાતા મુજબ ૪૨૮ વ્યક્તિ તો ઓળખી શકાયા જ નહોતા. તો બેની આ ૧૩૬૪નો અને એય આતંકવાદીના લેબલ સાથેનો આંકડો લાવ્યા ક્યાંથી?
——————–

Leave A Reply

Your email address will not be published.

Translate »