તમારા માટે, તમારી સાથે, સતત…

રંગભૂમિ પર રંગોની અદાકારી

અભિનય, રંગભૂમિ અને રંગ

0 352

કવર સ્ટોરી – નરેશ મકવાણા

રંગનું આપણા જીવનમાં ઘણુ આગવું મહત્ત્વ છે. તેના કારણે જ આપણને આસપાસ વેરાયેલી કુદરતી વૈવિધ્યતા નજરે પડે છે. મેઘધનુષના જાનીવાલીપીનારા સિવાય રંગો વિશેનું આપણુ જ્ઞાન બહુ મર્યાદિત રહ્યું છે. એટલે જ રંગોના તહેવાર હોળી અને જીવતરના રંગો જે મંચ પર રજૂ થાય છે તે રંગભૂમિને સાંકળીને અહીં બીબાઢાળ ચિંતનશૈલીથી હટીને કશુંક નવતર રજૂ કરવા પ્રયાસ કરાયો છે. એના માટે વિશ્વરંગભૂમિ દિવસ અને રંગોના તહેવાર હોળીનું કુદરતી કોમ્બિનેશન આપણને મળ્યું છે. ત્યારે ચાલો જાણીએ, ગુજરાતી રંગભૂમિનાં વિવિધ પાસાંઓમાં અને જિંદગીમાં, રંગો કેવું અને કેટલું મહત્ત્વ ધરાવે છે.

રંગો વિનાની જિંદગીની કલ્પના પણ કરી શકીએ નહીં એ હદે તે આપણા જીવનમાં વણાઈ ચૂક્યા છે. રંગો વિના આપણુ જીવન બિલકુલ એવું છે જેવું પ્રાણ વિનાનું શરીર. આપણી આસપાસ વિખરાયેલી પ્રકૃતિની સુંદરતા અવર્ણનીય છે અને તેની એ સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે આ રંગો. સૂર્યની રતાશ હોય કે ખેતરની હરિયાળી. નીલું આકાશ હોય કે કાળી અંધારી રાત. વરસાદ પછી ક્ષિતિજે વિખરાતી મેઘધનુષની અનોખી છટા હોય કે બરફની સફેદ ચાદર, કે પછી વસંત ઋતુમાં આકર્ષતો કેસરિયો કેસૂડો હોય. દરેક દ્રશ્યમાં જે-તે રંગનો આગવો ઠાઠ હોય છે. તો આ બધા જ રંગો માનવજીવનની વિવિધ પરિસ્થિતિઓ સાથે પણ જોડાયેલા છે. માટે જ અહીં જીવતરના વિવિધ રંગો જે મંચ પરથી રજૂ થાય છે તે રંગભૂમિના દિવસ અને રંગોના તહેવાર હોળીને સાંકળીને કંઈક નવીન વાત રજૂ કરવા પ્રયત્ન કરાયો છે. જેમાં અભિનયથી લઈને દિગ્દર્શન, સંગીત, લેખન, મંચ સજ્જા અને પાત્રવરણી સુધીનાં રંગભૂમિનાં વિવિધ પાસાંઓને આવરી લેવાયા છે.

અભિનય, રંગભૂમિ અને રંગ
દૃશ્યશ્રાવ્ય માધ્યમ પછી તે થિયેટર હોય કે ફિલ્મ, કે પછી ટેલિવિઝન, દરેક સ્ટોરી ટેલિંગમાં રંગ એક અગત્યનો ભાગ હોય છે. ખાસ કરીને કેરેક્ટરની આંતરિક બાજુ અથવા તેના બદલાતા મૂડની વાત કરવાની હોય એ સ્થિતિમાં રંગ બહુ અગત્યનું માધ્યમ બની રહેતો હોય છે. દરેક વખતે એટલો સમય નથી હોતો કે અભિનેતા સંવાદ થકી પોતાની વાત પ્રેક્ષકો સમક્ષ મૂકી શકે. એ સ્થિતિમાં રંગો તેની વ્હારે આવે છે. કેમ કે દરેક લાગણી, હાવભાવ કોઈ ને કોઈ રંગ જોડાયેલી હોય છે.

ગુજરાતી રંગભૂમિ પર ‘મોહનનો મસાલો’, ‘હું ચંદ્રકાન્ત બક્ષી’ જેવા સુપરહિટ નાટકોથી પોતાની આગવી છાપ ઊભી કરનાર ધાસુ કલાકાર પ્રતીક ગાંધીને અમે પૂછ્યું કે, એકંદરે કોઈ પાત્રની લાગણીઓ વ્યક્ત કરવામાં રંગો ઉપયોગી થાય ખરા? જેનો તેમણે સરસ જવાબ આપ્યો. પ્રતીક ગાંધીએ કહ્યું, ‘બિલકુલ થાય. મારી સાથે ઘણીવાર એવું થયું છે કે ડિરેક્ટર પાત્રવર્ણન કરે કે તરત મારા મનમાં અમુક દૃશ્ય ખડું થઈ જાય. જેમાં આવી જગ્યા હશે, આવું વાતાવરણ હશે, આવો માણસ હશે, તેણે આવા રંગનાં કપડાં પહેર્યાં હશે, તેની જિંદગીમાં આવું કશુંક થયું હશે વગેરે દેખાવા માંડે. આ બધું મળીને જે લાગણી પેદા થાય તેમાં ઢળવા હું પ્રયત્ન કરતો હોઉં છું.

આ આખી પ્રક્રિયામાં રંગો ખૂબ મહત્ત્વના બની રહેતા હોય છે. કેમ કે આંખો બંધ કરીને હું પાત્ર વિશે જે કંઈ પણ કલ્પના કરું તેમાં રંગો પણ ભળતા હોય છે. એ રંગો પછી હું સ્ટેજ પર તે પાત્ર ભજવતો હોઉં ત્યારે પણ અનુભવાતા હોય છે. આમ તો મારો વ્યક્તિગત ગમતો રંગ કાળો અને વાદળી છે, પણ એક્ટર તરીકે મને ગ્રે પાત્રો વધુ આકર્ષે છે. કેમ કે દરેક વ્યક્તિમાં ક્યાંક ને ક્યાંક એ તત્ત્વો પડેલાં હોય છે. નાનાં-મોટાં જુઠ્ઠાણા, ચોરી, છેતરપિંડી બધાં કરતાં જ હોય છે. ફિલ્મ ‘રોન્ગ સાઈડ રાજુ’માં ભજવેલું રાજુનું પાત્ર મને આ જ કારણથી બહુ ગમે છે, કેમ કે તે વાસ્તવિક જીવનની બહુ નજીક છે. થિયેટરમાં મને ‘હું ચંદ્રકાન્ત બક્ષી’ અને ‘મોહનનો મસાલો’ બંને એકસરખાં આકર્ષે છે, કેમ કે બંને પાત્રોમાં એકથી વધુ રંગો છે. જેમ જીવનમાં દરેક પ્રકારના રંગો હોય છે, પણ છેવટે તો બધું આપણા ગમા-અણગમા પર જ આવીને અટકતું હોય છે, એવું જ થિયેટરનું છે. અહીં પણ દરેક રંગનાં પાત્રો હોય છે, કૃતિ હોય છે, પણ છેલ્લે તો તમારી અભિનેતા તરીકેની પસંદગી પર જ બધું નિર્ભર હોય છે.’

‘અકૂપાર’ અને  ‘કસ્તુરબા’ જેવાં સુપરહિટ નાટકોમાં સશક્ત અભિનય કરનાર ‘ગુજરાતી રંગભૂમિનાં કસ્તુરબા’ કલ્પના ગાગડેકર એક અભિનેત્રી માટે રંગોનું મહત્ત્વ સમજાવતાં કહે છે, ‘એક કલાકાર તરીકે સ્ત્રી પાત્રમાં રંગોનું મહત્ત્વ પુરુષ પાત્ર કરતાં વધારે મહત્ત્વનું હોય છે, કેમ કે અભિનેત્રી હોવાની સાથે એક સ્ત્રી તરીકેની તેની જિંદગીમાં આખી સૃષ્ટિ એક રંગભૂમિ જેવી હોય છે. જિંદગીમાં બાળકી, કિશોરી, યુવતી, પત્ની, મા, દાદી સહિતનાં પાત્રો તે નિભાવતી હોય છે ત્યારે દરેક તબક્કે રંગો તેની સાથે સતત જોડાયેલો રહે છે. આપણે ત્યાં તો સ્ત્રીની રંગોની પસંદગી પરથી તેનું ચરિત્ર પણ નક્કી થાય છે. પુરુષના જીવનમાં રંગનું આટલું મહત્ત્વ નથી હોતું. નાટકની દૃષ્ટિએ જોવા જઈએ તો જે-તે પાત્રના રંગમાં તમારે ઢળી જ જવું પડે. જો એ રંગ હું આત્મસાત ન કરું તો પાત્રની લાગણી કદી મારા અભિનયમાં નહીં આવે. જેમ કે, ‘કસ્તુરબા’ના મારા પાત્રમાં મારી આસપાસ સફેદ રંગ છે. સેટથી લઈને ઘરના પડદા, સાડી ઉપરાંત મારા વાળ સુદ્ધાં સફેદ કરવામાં આવે છે. આ બધું હું મારી જાતમાં ઉતારું છું. ખુદને ૭૫ વર્ષનાં કસ્તુરબા તરીકે અનુભવું છું. ત્યારે એ પાત્રને ન્યાય આપી શકું છું. આ જ વસ્તુ સુહાગણ, વિધવા કે ગૃહિણીના રોલમાં પણ હોય છે. તમે ધ્યાનથી જોશો તો સમજાશે કે એ દરેક પાત્ર સાથે ચોક્કસ રંગ જોડાયેલો છે.’

કલ્પનાબહેનને જોકે થિયેટર કરતાં પણ શેરીનાટકોની દુનિયા વધારે પડકારજનક લાગે છે. કેમ કે ત્યાં કોસ્ચ્યૂમ, સેટ, પ્રોપર્ટી, મૅકઅપ કશું હોતું નથી અને તેમ છતાં તમારે લોકો સુધી ચોક્કસ સંદેશ પહોંચાડવાનો હોય છે. બીજી રીતે કહીએ તો એકેય રંગના ઉપયોગ વિના તમારે પ્રતિભા સાબિત કરવાની હોય છે. સ્ટેજ પર તો કોઈ પાત્રના એકંદર દેખાવ પરથી પ્રેક્ષક અંદાજ પણ લગાવી શકે છે, પણ અહીં તમારી પાસે માત્ર અભિનયની તાકાત હોય છે.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગુજરાતી રંગભૂમિમાં જે કેટલાક પ્રતિભાશાળી કલાકારો ઊભરી આવ્યાં તેમાં આગળ પડતું નામ મયૂર ચૌહાણનું છે. ‘અકૂપાર’, ‘બુધન બોલતા હૈ’ અને ‘જાને વો કૈસે લોગ થે’ જેવાં અનેક સફળ નાટકોમાં પડકારજનક ભૂમિકાઓ ભજવનાર મયૂરની અભિનય ક્ષમતા ગુજરાતીઓએ ‘શું થયું?’, ‘કરશનદાસ પે એન્ડ યુઝ’ અને ‘છેલ્લો દિવસ’ જેવી ગુજરાતી ફિલ્મો થકી પણ જોઈ છે, પણ તે મૂળે તો થિયેટરનો માણસ, એટલે જ રંગભૂમિ પર રંગોના મહત્ત્વ વિશે વાત કરતી વખતે તેના અવાજમાં રણકતો ઉત્સાહ સ્પષ્ટ વર્તાઈ આવે છે. રંગભૂમિમાં રંગોનું મહત્ત્વ સમજાવતા મયૂર ચૌહાણ કહે છે, ‘બંને બહુ બધી રીતે જોડાયેલા છે. સ્થૂળ સ્તરની વાત કરીએ તો પ્રોપર્ટી, સ્ટેજ, પડદા, કોસ્ચ્યૂમ, લાઈટ બધામાં રંગ બહુ અગત્યનો ભાગ ભજવે છે. જ્યારે સૂક્ષ્મ સ્તરે જેટલા રંગ છે એટલા રંગની વાર્તાઓ છે, લાગણીઓ છે. આ બધું જ્યારે એક થઈને સ્ટેજ પર આવે છે ત્યારે રંગમંચ બની જાય છે. હું માનું છું એક એક્ટર તરીકે તમારામાં દરેક રંગ પડેલા હોય છે, જે પાત્રની સાથે બહાર આવતાં હોય છે. અહીં રંગ એક રૃપક માત્ર છે. જેમ કે કોઈ પાત્ર સફેદ છે. તો એનો અર્થ એવો નથી કે તે સફેદ કપડાં પહેરે છે, તેના ઘરની દીવાલો સફેદ છે, પણ તેનાં વાણી, વર્તન અને સમાજ જીવનમાં તેનું એકંદર વ્યક્તિત્વ કેવું છે તેની વાત હોય છે.વ્યક્તિગત રીતે મને પાઇરેટ્સ ઓફ કૅરેબિયનના જૅક સ્પૅરો અથવા રોબર્ટ ડાઉની જુનિયરે ભજવેલું આયર્નમેન જેવું પાત્ર ભજવવાની ઇચ્છા થાય, કેમ કે તેમાં અનેક રંગો છે.’

‘નાટકમાં સ્ક્રિપ્ટ સ્વયં જ તેના રંગો બતાવી દેતી હોય છે. કલાકારે બસ તેને પ્રામાણિકતાથી ન્યાય આપવા પ્રયત્ન કરવાનો હોય છે.’ – આ શબ્દો છે જિજ્ઞા વ્યાસનાં, જેમને ‘વર્તમાન ગુજરાતી રંગભૂમિનાં શબાના આઝમી’ની ઉપમા મળેલી છે. સામાન્ય રીતે તેઓ મીડિયાથી અલિપ્ત રહીને માત્ર પોતાનાં કામ પર જ ફોકસ કરતાં કલાકાર છે. માટે તેમનો મત જાણવા અમે તેમની માનીતી જગ્યા એવા સ્ટેજ પર પહોંચી ગયાં. હાલ તેઓ સૌમ્ય જોષીના ‘યુનાઇટેડ સ્ટેટ ઓફ પાડાની પોળ’ નાટકમાં ૭૫ વર્ષની મોજીલી ડોશીનું પાત્ર ભજવી રહ્યાં છે. રંગોની દૃષ્ટિએ આ નાટક અનેક રીતે અનોખું છે. કેમ કે કલરફુલ હોવા છતાં તેમાં કોઈ સ્થૂળ કલર, કોસ્ચ્યૂમ્સ, પ્રોપર્ટી, સેટ કે લાઇટિંંગ નથી. આખું નાટક માત્ર કલાકારોના અભિનયના દમ પર ચાલે છે. નાટકના વન વુમન શૉ જેવા જિજ્ઞા વ્યાસ રંગો વિશે વાત કરતાં કહે છે, ‘રંગો સાથે રમવાની જે મજા થિયેટરમાં છે એવી અન્ય માધ્યમમાં નથી. અહીં ઓડિયન્સ મુખ્ય પાત્રોનાં કોસ્ચ્યૂમ્સ, પાત્રલેખન અને અભિનય પરથી મોટા ભાગે આકલન કરી લેતી હોય છે. તેમ છતાં ઓવરઓલ નાટકનો મૂડ પ્રસ્થાપિત કરવામાં રંગો તમારી વ્હારે આવતાં હોય છે. મજા એ છે કે તમે માત્ર સજેશન આપો એ પછી બાકીની બાબતો ઓડિયન્સ કલ્પી લેતું હોય છે. માટે જ દર વખતે બધી જ બાબતો બતાવવાની જરૃર નથી પડતી. હું માનું છું કે એક કલાકાર તરીકે તમારી અમુક પ્રકારનાં પાત્રો ભજવવામાં માસ્ટરી હોય છે. પણ તેનાથી વિરુદ્ધ પ્રકારનું પાત્ર તમારી સામે આવે તો એમાં પણ તમે રંગ બદલીને ઢળી શકવા જોઈએ. આ રંગ બદલવાની જે કળા છે તે થિયેટરમાં બહુ મહત્ત્વ ધરાવે છે. રંગભૂમિ તમને રંગો મામલે પણ બીબાઢાળ બનવા દેતી નથી. આવું પાત્ર હોય તો આવો જ રંગ વાપરવો એ ઘરેડ પણ અહીં તોડી શકાય છે. માટે જ રંગો સાથે રમવાની જે મજા થિયેટરમાં છે તે અન્ય દૃશ્યશ્રાવ્ય માધ્યમમાં નથી.’

આપણે ત્યાં થિયેટર અને ફિલ્મોની સરખામણી સતત થતી રહે છે, પણ રંગમંચ અનેક રીતે અનોખું છે. ફિલ્મ કરતાં નાટકમાં ચેલેન્જ એટલા માટે પણ મોટી હોય છે કેમ કે અહીં તમારે બધું જ પ્રેક્ષકોની સામે જીવંત કરવાનું હોય છે. કદાચ એટલે જ ફિલ્મમાં આખું ઘર સળગતું બતાવાય તેનાં કરતાં થિયેટરમાં સામાન્ય લાકડું પણ સળગતું બતાવાય તેની થ્રીલ વધારે હોય છે.

રંગીન રંગભૂમિના રંગબેરંગી સૂરો
સંગીતને પણ રંગ હોય છે એવું જો સામાન્ય બુદ્ધિના માણસને કહીએ તો તે તરત હસી કાઢશે, પણ આ જ સવાલ રંગમંચ સાથે જોડાયેલી કોઈ વ્યક્તિને અથવા સંગીતકારને પૂછશો તો તેનો ચહેરો ખીલી ઊઠશે. હોળીના રંગો વિશે તો આપણે સૌ જાણીએ છીએ, પણ નાટકોમાં પિરસાતા સંગીતના રંગ વિશે આપણને બહુ માહિતી નથી. ત્યારે આ બાબતે વધુ સ્પષ્ટતા માટે અમે મેહુલ સુરતીનો સંપર્ક કર્યો. તેઓ છેલ્લાં એકવીસ વર્ષમાં ૧૫૦થી વધુ નાટકોમાં પાર્શ્વ સંગીત આપી ચૂક્યા છે. બહુ સફળ ગણાતા ‘પ્રિય પપ્પા હવે તો’, ‘સમુદ્રમંથન’, ‘ધાડ’, ‘રતનલાલની અમ્મા’ જેવાં નાટકોમાં તેમણે સંગીત આપ્યું છે. શું સંગીત દ્વારા રંગોની અભિવ્યક્તિ શક્ય છે, એવો સવાલ અમે તેમને પૂછ્યો. જેનો જવાબ મેહુલભાઈએ કંઈક આ રીતે આપ્યોઃ ‘રંગભૂમિમાં જે રીતે અભિનેતા જુદાં-જુદાં પાત્રના રંગો ઍક્ટિંગ દ્વારા વ્યક્ત કરે છે તેવું જ અમારા સંગીતમાં પણ હોય છે. સુખ, દુઃખ, પ્રેમ, દોસ્તી, દુશ્મની, નફરત જેવા રંગોને અમે સંગીતમાં વણીએ છીએ. તેમની પાસે અભિનયની બારાખડી હોય છે. અમારી પાસે સૂરો છે. અમે સૂરોને શબ્દોમાં ઢાળીને રંગ પુરીએ છીએ. જોકે સંગીતકાર તરીકે મારે મૉડ અને મૂડ પર વધુ રમવાનું હોય છે. જે રીતે અભિનય અને સ્ટેજની પરિસ્થિતિ બદલાય તે પ્રમાણે તેનો રંગ અર્થાત્ સ્વભાવ પણ બદલાતો હોય છે. અમે તે રંગોને પારખીને સૂરમાં ઢાળીએ છીએ. એક રીતે સ્થૂળ રંગો વિના માત્ર કલ્પનાઓના આધારે સંગીત વડે નાટકમાં રંગો પૂરવા અઘરું લાગે, પણ જેમ કોઈ મસ્ત જોક્સ પર માણસ હસી પડે, બસ એટલું જ સરળ છે આ બધું. જરૃર હોય છે માત્ર તેને પોતાનામાં સમાવી લેવાની. હું મેવાતી અને કિરાની ઘરાનાની ગાયકી શીખ્યો છું એટલે સ્વાભાવિક રીતે જ જુદી-જુદી પરિસ્થિતિમાં આલાપની સાથે રંગોનું મારે મન બહુ મહત્ત્વ છે. સામાન્ય રીતે લોકો માનતા હોય છે કે શાસ્ત્રીય સંગીત શીખી લેવાથી સંગીત આવડી જાય, પણ એવું નથી હોતું. જો તાલીમ સિવાય તમારું અનુભવજગત વિશાળ નહીં હોય તો અલગ-અલગ ભાવમાં પડેલા રંગો તમે સંગીતમાં ઝીલી નહીં શકો. થિયેટર તમને જુદા-જુદા ભાવો સાથે જોડાયેલા રંગોને પારખતા શીખવે છે. દરેક નવા નાટક વખતે એકાદ એવી પરિસ્થિતિ આવતી જ હોય છે કે તમે મૂંઝવણમાં મુકાઈ જાઓ અને પછી અચાનક તેનો ઉકેલ મળી આવે. ઘણીવાર તમારે કુદરતનો સહારો લેવો પડે. જેમ કે વહેતી હવા, તમરાંનો ગુંજતો અવાજ વગેરે. ટૂંકમાં, સંગીત થકી રંગોની અભિવ્યક્તિ શક્ય છે જ.’

Related Posts
1 of 262

પાત્રવરણીમાં રંગો પૂરવાની મથામણ

તમે ચેક કરજો, જ્યારે પણ કોઈ લેખક, દિગ્દર્શક કોઈ પાત્રનું વર્ણન કરતાં હોય ત્યારે તેના રંગ વિશે ખાસ વાત કરશે. જેમ કે આ પાત્ર રંગીન છે, કોઈ સફેદ(સીધુંસાદું) છે, કોઈ કાળું(નકારાત્મક) છે. કહેવાનો મતલબ એ કે આપણે ત્યાં બોલચાલની ભાષામાં જ લોકોએ વ્યક્તિત્વને રંગો સાથે જોડી દીધેલું છે. ઘણા પાત્રો સાથે અમુક રંગ સ્ટિરિયો ટાઈપ થઈ પડ્યાં છે. જેમ કે વિધવાનું પાત્ર હોય તો સફેદ રંગ જ દેખાય. કોઈ એમ કહે કે હીરો-હીરોઇનની પાછળ એક માણસ પડ્યો છે, તો તરત તમને પેલાનું ચરિત્ર નકારાત્મક(કાળું) લાગશે. અભિનેત્રીના પાત્રમાં પણ બહુ સ્પષ્ટ કહેવામાં આવતું હોય છે કે તે મોડર્ન છે અથવા દેશી છે. મોડર્ન કહીએ એટલે તરત આપણા દિમાગમાં અમુક ચોક્કસ ઇંગ્લિશ કલર આવવા લાગે છે. એ જ રીતે દેશી કહીએ એટલે હીરોઇને પંજાબી ડ્રેસ પહેરેલો હોય, ખભે પીળો દુપટ્ટો હોય એવી છબિ મનમાં ઊભી થશે.

ગુજરાતી થિયેટરનો બહોળો અનુભવ લઈને ગુજરાતી ફિલ્મ જગતમાં કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે એકચક્રી શાસન ધરાવતા અભિષેક શાહને અમે પૂછ્યું કે, થિયેટરનું કોઈ પાત્ર જ્યારે તમારી સામે મૂકવામાં આવે છે ત્યારે તેનો રંગ અને તેમાં ક્યો અભિનેતા તેમાં ફિટ બેસશે તે કેવી રીતે નક્કી કરો છો? આ મામલે અભિષેક શાહનો જવાબ અભિનય જગત સાથે જોડાયેલા દરેકે ગાંઠ બાંધી લેવા જેવો છે. તેમણે કહ્યું, ‘ઑડિશનમાં એ જોવામાં આવે છે કે ઑડિશન આપનાર

જે-તે પાત્ર જેવો દેખાય છે કે નહીં. ઘણા લોકો કહેતાં હોય છે કે હું સુંદર નથી દેખાતો એટલે અભિનયમાં ચાલીશ નહીં, એવું બિલકુલ હોતું નથી. કેમ કે સુંદરતા કરતાં પણ પાત્રના લુકને વધારે પ્રાધાન્ય આપવામાં આવતું હોય છે.’

થિયેટરમાં રંગના મહત્ત્વની બીજી એક વાત કરતાં તેઓ કહે છે, ‘રંગભૂમિને હું હંમેશાં લાલ રંગ સાથે જોડીને જ જોઉં છું. ગુજરાતી રંગભૂમિમાં લાલ રંગ ઓછો જોવા મળ્યો છે તેની પાછળનું કારણ એ કે આપણે આ કળાને પહેલેથી જ બિઝનેસની રીતે જોઈ છે. પહેલા દિવસથી જ તે વેચાવી શરૃ થઈ ગઈ હતી. માટે જ કળાના કારણે કોઈ મોટો સામાજિક બદલાવ આવ્યો હોય, આંદોલનો થયા હોય એવું થયું જ નથી. એટલું જ નહીં, નજીકના ભવિષ્યમાં પણ કોઈ પરિવર્તન આવે તેવી કોઈ શક્યતા મને નથી દેખાતી.’

સ્ટેજ સજાવટમાં રંગોનું મહત્ત્વ
નાટ્યશાસ્ત્રમાં ભરતમુનિએ ઉલ્લેખ કર્યો છે કે દેવો-દાનવો મળીને મહેન્દ્ર વિજય ઉત્સવ ઉજવતા હતા. જેમાં તેમણે થોડા સમય પહેલાં જ થયેલા દેવ-દાનવ યુદ્ધ પર નાટક બનાવીને રજૂ કરી દીધું હતું. એ યુદ્ધમાં દાનવો હારી ગયા હોવાથી નાટક જોઈને તેઓ ગુસ્સે ભરાયા અને આખો મંચ તોડી નાખ્યો. જોકે ફરીથી આવું ન થાય તે માટે ભરતમુનિ વિશ્વકર્માને મળ્યા અને બંધ થિયેટર તૈયાર કરવા કહ્યું. તેમણે થિયેટરોની વિવિધ નવ જેટલી ડિઝાઇનો તૈૈયાર કરી આપી. જેમાં ‘રંગમંચ’ શબ્દનો ઉલ્લેખ છે. આપણા નાટકોમાં તેના એકંદર રંગને ધ્યાનમાં રાખીને સ્ટેજ તૈયાર કરવામાં આવતું હોય છે.

આ મામલે વધુ વિગતો આપણને ગુજરાતી રંગભૂમિમાં સ્ટેજ ડિઝાઇન ક્ષેત્રે એક હજારા જેવું નામ ગણાતા કબીર ઠાકોર પાસેથી મળે છે. અનેક જાણીતાં નાટકો માટે તેમણે સ્ટેજ તૈયાર કરી આપ્યા છે. તેઓ અમદાવાદના પાલડી સ્થિત પોતાના ઘરમાં જ ‘સ્ક્રેપયાર્ડ’ નામનું આગવું થિયેટર ધરાવે છે જ્યાં રંગભૂમિના નિતનવા પ્રયોગો સતત ચાલતા રહે છે. વ્યવસાયે તેઓ આર્કિટેક છે, પણ રંગભૂમિનો નશો તેમને પિતા તરફથી વારસામાં મળેલો છે. ગુજરાતી રંગભૂમિમાં મંચસજ્જા ક્ષેત્રે જે કેટલુંક ઉત્તમ કામ થયું છે તેમાં કબીર ઠાકોરનો ફાળો અનન્ય છે. સેટ ડિઝાઇનિંગમાં રંગોના મહત્ત્વ બાબતે તેઓ કહે છે, ‘સેટ જે-તે નાટકના એકંદર પ્રકારને દર્શાવતો હોય છે. એટલે તેમાં નાટકના પ્રકાર, પાત્રોના શેડ્સ, તેની બદલાતી લાગણીઓ, પરિસ્થિતિ વગેરેને ધ્યાનમાં રાખીને ડિઝાઇનિંગ અને રંગનું મિશ્રણ કરવાનું હોય છે. કલરફુલ નાટક હોય તો એકથી વધુ રંગો વપરાય છે. કોઈ ગંભીર સંદેશ આપતું પાત્ર હોય તો ઘેરા રંગો વાપરીએ છીએ. એ જ રીતે પ્રેમ, વિરહ, વ્યથા, સંઘર્ષ, હર્ષ, શોક દરેક માટે જુદા-જુદા રંગોનો સેટ, પ્રોપર્ટી કે લાઈટનો ઉપયોગ થતો હોય છે. લાઈટમાં પણ શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ, અદ્ભુત અને શાંત એમ દરેક રસ પ્રમાણે જુદા-જુદા રંગો વપરાય છે. લાઈટ સીન પ્રમાણે બદલી શકાય છે, પણ સેટમાં વપરાયેલા રંગો સમગ્ર નાટક દરમિયાન જેમના તેમ રહેતાં હોઈ તેના પર વધારે ધ્યાન આપવું પડતું હોય છે. એ વખતે સમગ્ર નાટકના પોતને ધ્યાનમાં રાખવામાં આવે છે. જેમ કે ‘અગ્નિકન્યા’ માટે રાતો, પીળો વગેરે રંગ વાપરેલા કેમ કે તેમાં વેદી વગેરેની વાત હતી. ‘સૉક્રેટિસ’ નાટકમાં છેલ્લે ઝેર પીવાના સીન વખતે લીલો રંગ વાપરેલો. જોકે, એક સેટ ડિઝાઇનર તરીકે હું એવું માનું છું કે સેટ માત્ર આભાસ ઊભો કરવાં પૂરતો જ હોવો જોઈએ. કેમ કે તો જ લાઇટ થકી અલગ-અલગ સીન મુજબ મૂડ પેદા કરી શકાય છે.’

નાટ્યલેખક અને દિગ્દર્શકની દૃષ્ટિએ રંગો
રંગભૂમિ આમ તો એક્ટરનું માધ્યમ ગણાય છે, પણ તેમાં લેખક અને દિગ્દર્શકનો ફાળો સમાંતરે લેખાવો જોઈએ. કેમ કે આ લોકો જ જે-તે પાત્રને નાનું કે મોટું, સારું કે ખરાબ, લાગણીશીલ કે જડ બનાવતાં હોય છે. સ્ટેજ પર જે કંઈ પણ રજૂ થાય છે તેમાં એક્ટર કરતાં પણ પહેલાં લેખક અને ડિરેક્ટરનો દૃષ્ટિકોણ અગત્યનો હોય છે. આ બંનેનાં મનમાં જે-તે પાત્રનો રંગ પહેલાં પુરાય છે માટે રંગો બાબતે સૌથી વધારે જાણકારી તેમની પાસે હોવાની.

ગુજરાતી રંગભૂમિ માટે જેમણે બે અલગ ચીલા ચાતર્યા છે તેવા સૌમ્ય જોષી અને ચિરાગ મોદીને અમે આ મામલે પૂછ્યું. સૌમ્ય જોષી વિશે એવું કહેવાય છે કે તેઓ જે પણ નાટ્યપ્રયોગો કરે છે તેની પાછળ ગુજરાતી ઓડિયન્સ દોરાય છે. તેઓ તેમનાં નાટકોની કદી જાહેરાત નથી આપતાં તેમ છતાં શૉ હાઉસફુલ જાય છે. આજકાલ તેઓ ગુજરાતી રંગભૂમિને જ નહીં, પણ દર્શકોને પણ જાણે નવેસરથી તૈયાર કરી રહ્યા હોય એવું વાતાવરણ છે.

નાટ્યજગત વિશે ગહન વાંચન અને ચિંતન ધરાવતા સૌમ્ય જોષી લેખક-દિગ્દર્શક-અભિનેતા એમ બહુમુખી પ્રતિભા ધરાવતા હોઈ તેમના માટે રંગોનું રંગભૂમિમાં આગવું મહત્ત્વ છે. તેમના મતે, ‘રંગ અને રંગભૂમિ ઘણી બધી રીતે એકબીજાથી નજીક છે. જેમ બાહ્ય દૃશ્યમાન રંગો હોય છે એમ જિંદગીના પણ રંગો હોય છે, શેડ્સ હોય છે. ઘણીવાર એમાં દેખીતી રીતે સ્પષ્ટ વર્ણવી ન શકાય તેવા ગૂંચવણભર્યા રંગો પણ હોય છે અને એનું નિરૃપણ કરવાનું રંગભૂમિનું કામ છે. એ રીતે જોઈએ તો રંગ અને રંગભૂમિ બહુ ગાઢ સંબંધ ધરાવે છે. આ સિવાય પણ આપણા જીવનમાં રંગો બહુ મહત્ત્વ ધરાવે છે. અમુક વસ્તુઓ આપણને ચોક્કસ રંગની જ જોઈતી હોય છે. જોકે રંગભૂમિના અભિનેતા- લેખક-ડાયરેક્ટર તરીકે જો મને કોઈ ચોક્કર રંગ ન ગમતો હોય તો એ ખામી ગણાય. કેમ કે વ્યક્તિગત જિંદગીમાં મારી પસંદ નાપસંદ હોઈ શકે, પણ એ મારે સ્ટેજ પર લઈને નથી આવવાનું. એનાથી પૂર્વગ્રહોમાં બંધાઈ જવાની પુરી શક્યતા રહે છે. મારે તો પાત્ર કેવું છે અને તેને શું ગમે તે મુજબ જ જવાનું હોય છે. હું દિગ્દર્શક તરીકે સૌથી વધારે એ મતનો છું કે સ્ટેજ પર સૌથી મોટું કર્મ એક્ટરે કરવાનું હોય છે. થિયેટર એક્ટરનું જ માધ્યમ છે. આખરે લેખક-દિગ્દર્શકની વાતને ઓડિયન્સ પાસે એક્ટર જ લઈ જતો હોય છે. એ સ્ટેજ પર સ્પષ્ટ ત્યારે દેખાય જ્યારે મંચની સામાન્ય સફેદ લાઈટ તેના પર પડે. એટલે એ મારો ગમતો રંગ છે. જોકે ડિરેક્ટર-એક્ટરે કાચિંડાની જેમ રંગ બદલવાની કલા હસ્તગત કરવી જોઈએ. જેમ કાચિંડાનો મૂળ રંગ ઝાડની છાલ જેવો ભૂખરો હોય છે, પણ તે જરૃર પડ્યે લાલઘૂમ પણ થઈ શકે છે. એ જ રીતે રંગભૂમિના અભિનેતા – ડિરેક્ટરે પાત્ર અને નાટકની માગ પ્રમાણે રંગ બદલતા શીખવું પડે.’

અમદાવાદના શિવરંજની વિસ્તારમાં આવેલા ‘ઓરોબોરોસ’ થિયેટરના ચિરાગ મોદી રંગભૂમિના અઠંગ બંધાણી છે. ચોવીસે કલાક ‘ઓરોબોરોસ’માં પડ્યાપાથર્યાં રહેતાં ચિરાગભાઈ પ્રયોગો કરવામાં અવ્વલ છે. અમદાવાદમાં હાલ સૌથી વધુ પ્રયોગશીલ નાટકો કદાચ અહીં રજૂ થાય છે. સતત નાટ્યપ્રવૃત્તિમાં મગ્ન રહેતાં ચિરાગ મોદી એક લેખક-ડિરેક્ટર તરીકે રંગો બાબતે સ્પષ્ટતા કરતા કહે છે, ‘એક લેખક – ડિરેક્ટર તરીકે હું પાત્રાલેખન વખતે મોટા ભાગે શેડ્સને વધારે મહત્ત્વ આપતો હોઉં છું. મને લાગે છે કે આપણા દરેકમાં એ રંગ પડેલો છે. જે પુરેપુરો સફેદ પણ નથી અને કાળો પણ નથી. એક સમયે આપણી ફિલ્મોમાં એવું હતું કે વિલન એટલે બ્લેક જ હોય, કારણ વિના હસતો જ હોય અને હીરો એકદમ સારો જ હોય. એનામાં કોઈ ખામી જ ન હોય. એટલે જ મારા માટે ગ્રે શેડ્સ વધારે અગત્યના હોય છે. એ પછી જ્યારે હું દિગ્દર્શકના રોલમાં આવું છું ત્યારે તેના આધારે સેટ, લાઈટ, પ્રોપર્ટી, કોસ્ચ્યૂમ્સ વગેરેમાં રંગો પર ધ્યાન આપું છું. આમ લેખન વખતે પાત્રોના રંગ અને પછી મંચન વખતે આગળ કહી તે બાબતોને ધ્યાનમાં રાખીને સંતુલન જાળવવાનો પ્રયત્ન કરતો હોઉં છું. ડિરેક્ટરનું એ જ કામ છે કે અભિનેતાના આંતરિક રંગો અને સેટ સહિતની બીજી વસ્તુઓના રંગોનું મિશ્રણ કરીને પોતાની વાત રજૂ કરે. સ્ટેજ પર કલાકાર જ એવી ઘટના છે જે લાઇવ છે અને આસપાસની નિર્જીવ વસ્તુઓમાં પ્રાણ ફૂંકે છે.’

છેલ્લે એટલું જ કહેવાનું કે, તમારી આજુબાજુ નજર કરશો તો આવા કેટલાંય દૃશ્યો મળી આવશે જે જાણ્યે-અજાણ્યે માનવ જીવનમાં પડેલી સારી-નરસી બાબતોનું પ્રતિનિધિત્વ કરતાં હોય અને તેનો ચોક્કસ રંગ પણ હોય અને એ તમે રંગભૂમિ પર ભજવાતો જોયો પણ હોય. સફેદ, કાળો, કેસરી, લીલો, લાલ, પીળો, ગુલાબી આ રંગો શું છે, જે-તે પરિસ્થિતિનાં પ્રતીક જ તો છે! જાનીવાલીપીનારાની સતરંગી સૃષ્ટિનો દરેક રંગ આપણા જીવન પર અસર છોડે છે. કોઈ રંગ આપણને ઉત્તેજિત કરે છે તો કોઈ પ્રેમ કરવા પ્રેરે છે. કોઈ આપણને શાંતિની અનુભૂતિ કરાવે છે તો કોઈ ક્રોધ ચડાવે છે. ટૂંકમાં, આટલી વિગતો પછી એટલું તો સ્વીકારવું જ રહ્યું કે રંગ અને રંગભૂમિ વચ્ચે બહુ મોટું જોડાણ છે જે આપણા જીવન સાથે પણ વણાયેલું છે.
———————-

Leave A Reply

Your email address will not be published.

Translate »