તમારા માટે, તમારી સાથે, સતત…

‘અભિયાન’ દ્વારા આયોજિત અનોખો ‘કૌન બનેગા વિઝાપતિ’ સેમિનાર

અમેરિકાના કાયદાના નિષ્ણાત ઍડ્વોકેટ સુધીર શાહનો યુએસએ વિઝા સેમિનાર 'કૌન બનેગા વિઝાપતિ' અમદાવાદના ભાઈકાકા હૉલમાં ગત અઠવાડિયે યોજાઈ ગયો.

0 153

ઈવેન્ટ – હિંમત કાતરિયા

અભિયાનમાં પ્રસિદ્ધ થતી ધારાવાહિક નવલકથા સત્-અસત્ના લેખક અને અમેરિકાના કાયદાના નિષ્ણાત ઍડ્વોકેટ સુધીર શાહનો યુએસએ વિઝા સેમિનાર કૌન બનેગા વિઝાપતિઅમદાવાદના ભાઈકાકા હૉલમાં ગત અઠવાડિયે યોજાઈ ગયો. અભિયાનદ્વારા આયોજિત આ કાર્યક્રમનું પુનઃસ્મરણ કરવાનું કારણ એ છે કે આ કાર્યક્રમ ઘણીબધી રીતે અનોખો અને રસપ્રદ હતો.

પ્રસિદ્ધ કાર્યક્રમ કૌન બનેગા કરોડપતિની તર્જ પર તૈયાર કરવામાં આવેલા કાર્યક્રમ કૌન બનેગા વિઝાપતિમાં માહિતી સાથે મનોરંજન પિરસવામાં આવ્યું હતું. કાર્યક્રમની વિગતોમાં જઈએ એ પહેલાં તેના સંચાલક કાયદાવિદ્દ ડૉ. સુધીર શાહ વિશે થોડું જાણી લઈએ. સુધીર શાહે અમેરિકાના ઇમિગ્રેશન કાયદાઓનો છ વર્ષનો અભ્યાસ કરીને સ્થળાંતરનો એક નવો સિદ્ધાંત થિયરી ઓફ લેજિસ્લેટિવ રિસ્ટ્રેન્ટ પ્રસ્થાપિત કર્યો. તે બદલ મુંબઈ યુનિવર્સિટીએ તેમને ડૉક્ટરેટની પદવીથી નવાજ્યા છે. તેઓ અમેરિકન ઇમિગ્રેશન લૉયર્સ એસોસિયેશનના સભ્ય છે અને છેલ્લાં ૧૫ વર્ષથી એસોસિયેશનની વાર્ષિક કૉન્ફરન્સમાં નિયમિત હાજરી આપે છે. અમેરિકાના ઇમિગ્રેશન ઉપર એમના ત્રીસથી વધુ પુસ્તકો પ્રકાશિત થયા છે. અમેરિકાના ઇમિગ્રેશનના મૂંઝવતા જટિલ પ્રશ્નોમાં એમણે મહારત હાંસલ કરી છે. ખ્યાતનામ સમાચારપત્રો, સામયિકોમાં તેમના આ વિષયના હજારો લેખો છપાયા છે. સુધીર શાહે તેમની અભિનેત્રી પત્ની સંગીતા જોશી (ટીવી સિરિયલ પ્રીત પિયુ અને પન્નાબેનનાં પન્નાબેન) સાથે નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ, કવિતાઓ તેમજ નાટકો પણ લખ્યા છે.

હવે કાર્યક્રમ ઉપર પાછા ફરીએ, કાર્યક્રમમાં સુધીર શાહ ચાર વિકલ્પો સાથે  અમેરિકાના ઇમિગ્રેશનને લગતા પ્રશ્નો પૂછતા હતા અને દરેક પ્રશ્નના સાચા ઉત્તર આપનાર શ્રોતાઓને પારિતોષિક આપતા હતા. જેમ કે અમેરિકા ખંડની શોધ કોણે કરી હતી? વિકલ્પ, ક્રિસ્ટોફર કોલંબસ, વાસ્કો-ડીગામા, માર્કો પોલો કે મગનભાઈ પટેલ. આવા જ્ઞાન સાથે ગમ્મતની પ્રશ્નોત્તરી સાથેના વિઝા સ્ટેટસ, સ્ટેટસ બદલવું, અમેરિકામાં ગેરકાયદેસર વસવાટની સજા, વિઝાના પ્રકાર વગેરે વિષયો ઉપર સરળ ભાષામાં સમજૂતી આપી હતી. કૌન બનેગા વિઝાપતિની રમતમાં ૨૫ જેટલા સવાલો પૂછીને જ્ઞાન સાથે ગમ્મત કરાવી હતી. વચ્ચે વચ્ચે જિજ્ઞાસુ દર્શકોને સ્ટેજ ઉપર આમંત્રીને વિઝાના ઇન્ટરવ્યૂમાં જેમ સવાલો પૂછવામાં આવે છે એમ સવાલો પૂછીને મોક ઇન્ટરવ્યૂ દ્વારા તાલીમ આપી હતી.

એલિયન રજિસ્ટ્રેશન રિસીપ્ટ કે જેને ગ્રીન કાર્ડ તરીકે ઓળખવામાં આવે છે તેનો રંગ કેવો છે એવો પ્રશ્ન પૂછ્યો ત્યારે તેનો કોઈ શ્રોતા સાચો જવાબ આપી શક્યું નહોતું. સૌ પ્રથમ ગ્રીન કાર્ડ રજૂ થયું ત્યારે તેનો રંગ લીલો હતો એટલે તેનું હુલામણુ નામ ગ્રીન કાર્ડ પડી ગયંુ છે. એ પછી ગ્રીન કાર્ડનો રંગ કાચિંડાની જેમ પીળો, વાદળી, ભૂરો થયો અને હાલમાં સફેદ છે. 

Related Posts
1 of 319

અભિયાનના તંત્રી તરુણ દત્તાણીએ સ્વાગત પ્રવચનમાં સમભાવના સ્થાપક સ્વ. ભૂપત વડોદરિયાના ઉલ્લેખ સાથે કાર્યક્રમની ભૂમિકા સમજાવી હતી. સામાન્ય રીતે કાર્યક્રમની શરૃઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવે છે. અભિયાનેઆ પ્રથા બદલી અને સેમિનારની શરૃઆત રાષ્ટ્રગાનથી કરી હતી. દત્તાણીએ ડૉ. સુધીર શાહ લિખિત પુસ્તક વરને શોધું કે વિઝાનેનું વિમોચન કર્યું હતું. તમામ દર્શકોને પુસ્તકની નકલ વિતરીત કરીને પુસ્તકનું ખરા અર્થમાં લોકાર્પણ કર્યું હતું. ઘણા જિજ્ઞાસુઓના સવાલોમાં એક દર્શકે જટિલ પ્રશ્ન પૂછ્યો ઃ સર, અમારી પાસે અમેરિકાના બી-૧, બી-૨ દસ વર્ષના મલ્ટિ એન્ટ્રી વિઝા છે. મારાં પત્નીને હાલમાં ત્રણ માસનો ગર્ભ છે. એ સગર્ભા છે એ વાત છુપાવીને અમે અમેરિકા જઈએ તો અમને ત્યાં વધુમાં વધુ ૬ મહિનાના રોકાણની પરવાનગી મળશે. એ દરમિયાન મારા પત્નીને ડિલિવરી ન થાય અને અમે ગેરકાયદેસર રીતે ત્યાં રોકાઈને બાળકને જન્મ આપીએ તો એ બાળકને અમેરિકાની સિટીઝનશિપ મળે? હૉસ્પિટલનું બિલ ન ભરીએ તો ચાલે?

આ નૈતિક પ્રશ્ન હતો અને ડૉ. સુધીર શાહે તેનો જવાબ પણ એવો આપ્યો કે સમગ્ર હૉલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઊઠ્યો. જવાબ હતો, ‘તમે જે કરવા ઇચ્છો છો એ છેતરપિંડી છે. તમારો પૂર્વનિયોજિત ઇરાદો છે કે તમારી પત્નીની સગર્ભાની સ્થિતિ છુપાવવી. તમારો એ પણ પૂર્વનિયોજિત ઇરાદો છે કે અમેરિકામાં રહેવા માટે તમને જેટલો સમય આપવામાં આવ્યો હોય એ દરમિયાન તમારા પત્નીને પ્રસૂતિ ન થાય તો ગેરકાયદેસર પણ રહેવું અને પ્રસૂતિ અમેરિકામાં જ કરાવવી. આટલું જ નહીં, તમે અમેરિકાની હૉસ્પિટલનું બિલ ન આપવું એવો પણ ખોટો વિચાર ધરાવો છો. અમેરિકામાં હૉસ્પિટલમાં દાખલ થતી વખતે કોઈ રકમ માગવામાં આવતી નથી એનો ફાયદો ઉઠાવીને. આવી છેતરપિંડી, આવા પૂર્વનિયોજિત ખોટા ઇરાદાઓ, આવી હૉસ્પિટલનું બિલ ન ચૂકવવાની બદદાનત, આના કારણે જ ભારતીયો અમેરિકામાં બદનામ થયા છે. જો અમેરિકાની સરકારને તમારી આવી છેતરપિંડી અને પૂર્વનિયોજિત ઇરાદાઓની જાણ થશે તો તમે કાયમ માટે અમેરિકામાં પ્રવેશવા માટે ગેરલાયક ઠરશો. તમારું બાળક ભલે અમેરિકન સિટીઝન હોય અને એ પુખ્ત વયનો થતાં તમને ગ્રીનકાર્ડ માટે સ્પોન્સર કરે તોય તમને અમેરિકાનું ગ્રીનકાર્ડ આપવામાં નહીં આવે. એક બીજી વાત. હવેથી જેમનું બાળક અમેરિકામાં જન્મ્યું હશે અને એમનાં માતાપિતાને અમેરિકાના વિઝા આપતા પહેલાં અથવા તેમની પાસે વિઝા હોય તો અમેરિકામાં પ્રવેશ આપતાં પહેલાં પૂછવામાં આવે છે કે તમે હૉસ્પિટલનું બિલ ભર્યું હતું? અમને એ દેખાડો. જો એ દેખાડી નહીં શકો તો અમેરિકામાં પ્રવેશ નહીં મળે.‘ 

અહીં એક અન્ય જટિલ પ્રશ્ન ઊભો થાય છે, ભારતીય નાગરિકોને નૈતિકતાના પાઠ ભણાવતા ડૉ. સુધીર શાહ છેલ્લાં પચીસ વર્ષથી ભારતીયોને અમેરિકાના ઇમિગ્રેશનના કાયદાની જાણકારી આપે છે અને ભારતીયોના અમેરિકન સપના સાકાર કરે છે. ડૉ. સુધીર શાહના આ કૃત્યને દેશદ્રોહનું કૃત્ય કેમ ન ગણાવવું? જવાબમાં ડૉ. શાહ કહે છે, ‘ભારતીયો અમેરિકામાં જઈને વસે અને તેમાં હું મદદરૃપ થાઉં એ કારણે અમે દેશદ્રોહી નથી બની જતા. જેમ અંગ્રેજો આપણા દેશમાં વ્યાપાર કરવા આવ્યા અને પછી એમણે બસ્સો વર્ષ સુધી આપણી ઉપર રાજ કર્યું. એમ શા માટે આપણે ભારતીયો પણ અમેરિકામાં ભણવા, નોકરી કરવા કે વ્યાપાર કરવા કે કાયમ રહેવા ન જઈએ! આફ્રિકનોને એમની ઇચ્છા વિરુદ્ધ ગુલામ બનાવીને અમેરિકા લાવવામાં આવ્યા હતા અને એ જ આફ્રિકનો પૈકીનો એક બરાક ઓબામા અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા હતા. એવી જ રીતે શા માટે કોઈ ભારતીય અમેરિકાનો રાષ્ટ્રપતિ ન બને?’

બી-૧, બી-૨ કે સ્ટુડન્ટ વિઝા ઉપર તમે અરજી કરો ત્યારે વિઝા અધિકારીએ કાયદાની કલમ ૨૧૪ હેઠળ એવું ધારી લેવું પડે છે કે તમે ત્યાં કાયમ રહેવા જવાના છો, આ બધા બહાના છે. ત્યારે તમારી એ સાબિત કરવાની જવાબદારી છે કે તમે ત્યાં ફક્ત ફરવા કે ભણવા જાવ છો, રહેવા માટે નહીં.

જે પ્રકારના વિઝા જોઈતા હોય તે વિઝા માટે જરૃરી દસ્તાવેજ વિઝા ઓફિસર સમક્ષ મૂકવાની તસ્દી નહીં લેતા હોવાથી મોટા ભાગના વિઝા માટે લાયકાત હોવા છતાં નકારવામાં આવે છે. સુધીર શાહ કહે છે, ‘મેં સેમિનાર શરૃ થતા પહેલાં એક શ્રોતાને પૂછ્યું હતું કે, તમે શું કરો છો અને તમારો આ સેમિનારમાં આવવા પાછળનો હેતુ શું છે? મને તેમણે કહ્યું કે, મારે એક જ દીકરો છે અને તે અમેરિકન ગ્રીન કાર્ડ ધરાવે છે અને ટૂંક સમયમાં અમેરિકન નાગરિક થઈ જશે. હું રિટાયર્ડ છું અને મારે મારા દીકરાને મળવા માટે અમેરિકા જવું છે. ઘણા પ્રયત્નો કર્યા, હું નિષ્ફળ ગયો છું. એકનો એક દીકરો અમેરિકામાં સ્થાયી થયો હોય, ટૂંક સમયમાં તે ત્યાંનો કાયમી નાગરિક બની જવાનો હોય, તેમનાં માતાપિતા રિટાયર્ડ થયાં હોય અને અહીં તેમનું કોઈ ન હોય તો વિઝા અધિકારી એવું ધારી શકે છે કે તે બી-૧, બી-૨ વિઝા ઉપર અમેરિકા ફરવાના બહાને જશે અને પછી ત્યાં જ રોકાઈ જશે. આ સ્થિતિમાં વિઝા અધિકારીને ખાતરી કરાવવી પડશે કે તે ત્યાં કાયમી રહેવા માગતો નથી. તેમનાં અહીંનાં મોટાં રોકાણો બતાવવા પડશે. આર્થિક હિતો બતાવવા પડશે.

બી-૧ વિઝા મેળવવા માટે લોકોને બહુ ચિંતા થાય છે. ડૉ. સુધીર શાહ એક ઉદાહરણ આપે છે. અમેરિકાના લાસ વેગાસમાં જેસીકે નામનો ડાયમન્ડ જ્વેલરીનો વિશ્વવિખ્યાત શૉ થાય છે. વિશ્વભરના હીરા વેપારીઓ તેમાં ભાગ લેતા હોય છે. સુરતનો હીરાનો ૨૫ વર્ષીય વેપારી યુવક તેમાં ભાગ લેવા માગતો હતો. બે વખત તેમની વિઝાની અરજી નકારવામાં આવી હતી. પછી તે મારી પાસે આવ્યો. અચાનક મને કહે કે હું નીચે મારી ગાડી સરખી પાર્ક કરીને આવું. મેં જોયું તો તેની પાસે મર્સિડીઝ ગાડી હતી. મેં તેમને ગાડી સાથેનો ફોટો પાડીને ડોક્યુમેન્ટમાં સૌથી ઉપર મૂકવા કહ્યું. પછી એ ત્રીજી વાર ઇન્ટરવ્યૂ આપવા ગયો. ઓફિસરે પહેલાં તો તેને કહ્યંુ કે, કેમ તને લોટરી લાગી છે કે બબ્બેવાર વિઝા આપવાની ના પાડવા છતાં વારંવાર અરજી કરે છે. યુવક કંઈ જવાબ આપે એ પહેલાં જ તેનું ધ્યાન લાલ રંગની મર્સિડીઝ ગાડીવાળા ફોટા પર અધિકારીનું ધ્યાન પડ્યું અને અધિકારી યુવકને, ‘થોભો, હું હમણા આવું છુંએમ કહીને પંદર મિનિટ પછી પાછા આવ્યા અને કોઈ જ સવાલ-જવાબ કર્યા વગર વિઝાનો થપ્પો મારી દીધો. અધિકારીએ અંદર જઈને આરટીઓમાં ફોન કરીને મર્સિડીઝ ગાડીના માલિકનું નામ જાણી લીધું હતું. અધિકારી નિશ્ચિંત થઈ ગયા કે જે વ્યક્તિ પાસે ભારતમાં મર્સિડીઝ ગાડી હોય તેના અમેરિકામાં રહી જવાના ચાન્સ બહુ ઓછા છે.
———————-

Leave A Reply

Your email address will not be published.

Translate »