તમારા માટે, તમારી સાથે, સતત…

ભગવા આતંકવાદનો રંગ ઊડી રહ્યો છે

ભગવો આતંકવાદ શબ્દનો પ્રથમ પ્રયોગ રાહુલ ગાંધીએ અમેરિકાના રાજદૂત સામે કર્યો હતો.

0 240

સાંપ્રત – હિંમત કાતરિયા

ભગવો આતંકવાદ શબ્દનો પ્રથમ પ્રયોગ રાહુલ ગાંધીએ અમેરિકાના રાજદૂત સામે કર્યો હતો. સમજૌતા એક્સપ્રેસ બોમ્બ બ્લાસ્ટના મૂળ આરોપી પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરવામાં આવી હતી. તેમણે ગુનો કબૂલી લીધો હતો, પરંતુ તેમના વિરુદ્ધ કોઈ પુરાવાઓ રજૂ નહીં કરીને તેમને કોર્ટમાં દોષમુક્ત જાહેર કરાવીને ચૂપચાપ પાકિસ્તાન મોકલી દેવાયો. સીબીઆઈ પાસેથી તપાસ એનઆઈએને સોંપાઈ અને ત્યાર બાદ ભગવા આતંકવાદની થિયરી બનાવીને સ્વામી અસીમાનંદ અને ડઝનોની ધરપકડ કરી. પછી તો પૂછવાનું કોને હોય… હૈદરાબાદ બોમ્બ બ્લાસ્ટ, મક્કા મસ્જિદ બોમ્બ બ્લાસ્ટ, અજમેર દરગાહ બોમ્બ બ્લાસ્ટ અને માલેગાંવ બોમ્બ બ્લાસ્ટને ભગવા આતંકવાદનું સ્વરૃપ અપાયું. પુરાવાના અભાવે આજે તમામ આરોપીઓ દોષમુક્ત થયા છે ત્યારે જોઈએ ભગવા આતંકવાદનો ઢાંચો કેવી રીતે ચણાયો, કોણે ચણ્યો અને કેવી રીતે કડડભૂસ થયો.

કોંગ્રેસ સરકારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને બદનામ કરવા ભગવા આતંકવાદનો જે માહોલ ઊભો કર્યો હતો તે હવે કડડભૂસ થઈ રહ્યો છે. વિવિધ કોર્ટોમાં અડધો ડઝન જેટલી આતંકવાદી ઘટનાઓના અનુસંધાને ધરપકડ કરવામાં આવેલા એક ડઝન જેટલા આરોપીઓને છોડી મૂકવામાં આવે છે. તાજી ઘટના સમજૌતા એક્સપ્રેસની છે. ૨૦૦૭માં થયેલા સમજૌતા એક્સપ્રેસ બોમ્બ બ્લાસ્ટ કેસમાં પંચકૂલાની વિશેષ અદાલતે આ ઘટનામાં આરોપી બનાવેલા તમામ ચારેય આરોપીઓને આરોપમુક્ત કર્યા છે. તેમાં સંઘ સાથે જોડાયેલા આદિવાસી કલ્યાણ આશ્રમના પ્રમુખ સ્વામી અસીમાનંદ પણ સામેલ છે. કોર્ટે કહ્યું છે કે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી આ આરોપીઓ સામે આરોપો સાબિત કરવામાં નિષ્ફળ નિવડી છે. આ સિવાયના જે આરોપીઓને દોષમુક્ત જાહેર કરવામાં આવ્યા છે તેમાં લોકેશ શર્મા, કમલ ચૌહાણ અને રાજેન્દ્ર ચૌધરી પણ સામેલ છે.

એનઆઈએએ આ કેસમાં આઠ વ્યક્તિઓને આરોપી બનાવ્યા હતા. તેમાંથી સુનીલ જોશીનું મૃત્યુ થઈ ચૂક્યું છે જ્યારે ત્રણ આરોપીઓને ફરાર બતાવવામાં આવે છે. બાર વર્ષ જૂના આ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ૧૧ માર્ચે ચુકાદો આવવાનો હતો, પરંતુ અચાનક એક પાકિસ્તાની મહિલાએ જુબાની આપવાનો પ્રસ્તાવ મુકીને ચુકાદામાં ફાચર મારી દીધી, પરંતુ વિશેષ અદાલતે બાદમાં આ મહિલાની અરજી રદ્દ કરી દીધી અને બે કલાકમાં પોતાનો ચુકાદો સંભળાવી દીધો. સ્વામી અસીમાનંદે આ ચુકાદાને સત્યની જીત ગણાવી છે.

તપાસ સંસ્થાઓ કયા રાજકીય દબાણ હેઠળ કામ કરતી હતી એ તો સ્પષ્ટ થઈ ગયંુ છે. ૨૦૧૭માં આ કેસના તપાસ અધિકારી ઇન્સ્પેક્ટર ગુરદીપ સિંહે કોર્ટમાં કબૂલ્યું હતું કે ઉપરી અધિકારીઓના દબાણને કારણે તેમણે પાકિસ્તાની આરોપી અજમત ખાન વિરુદ્ધમાં જાણીજોઈને કોર્ટમાં પુરાવાઓ રજૂ નહોતા કર્યા. આ કારણે ધરપકડ બાદ પાકિસ્તાની નાગરિક અજમત ખાનને કોર્ટે દોષમુક્ત કરી દીધો હતો અને ત્યાર બાદ તેને સરકારે ચુપચાપ પાકિસ્તાન મોકલી દીધો હતો. જાણવાજોગ વાત એ પણ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે અઠવાડિયે બે દિવસ દોડતી સમજૌતા એક્સપ્રેસમાં ૧૮ ફેબ્રુઆરી, ૨૦૦૭ના રોજ પાણીપત પાસે આ રેલગાડીમાં બોમ્બ બ્લાસ્ટ થયો અને તેમાં ૬૮ મુસાફરો માર્યા ગયા અને ૧૨ ઘાયલ થયા હતા. એમાંથી ૧૦ ભારતીય હતા. પોલીસને ટ્રેની અંદરથી વિસ્ફોટકો ભરેલી બે સૂટકેસ મળી હતી જેનો વિસ્ફોટ થયો નહોતો.

ઘટનાના સાક્ષીઓએ બતાવ્યું હતું કે આ સૂટકેસો લઈને બે વ્યક્તિ દિલ્હીથી બેઠી હતી અને રસ્તામાં ઊતરી ગઈ હતી. આ ઘટનાની તપાસ માટે હરિયાણા પોલીસે વિશેષ તપાસ દળ નિમ્યું હતું. જેમણે આ ટ્રેનમાં સવાર મુસાફરોની જુબાનીને આધારે આરોપીઓના સ્કેચ તૈયાર કર્યા હતા. આ સમય દરમિયાન જ ભારત પાકિસ્તાન સરહદે અટારીમાંથી અજમત ખાન નામના એક પાકિસ્તાનીની ધરપકડ કરવામાં આવી. જેનો ચહેરો આ બ્લાસ્ટના આરોપીઓને મળતો આવતો હતો. આ વ્યક્તિએ પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું કે તે પાકિસ્તાની નાગરિક છે. તેની પાસે ન તો કોઈ પાસપોર્ટ હતો કે ન તો વિઝા. પોલીસ પૂછપરછ દરમિયાન તેણે પોતાનો ગુનો કબૂલી લીધો અને તેણે એ પણ સ્વીકારી લીધું કે તે દિલ્હી, મુંબઈ અને દેશના ઘણા શહેરોમાં ફર્યો હતો અને તેમણે વિસ્ફોટકો ભરેલી સૂટકેસ ટ્રેનમાં મુકી હતી. તે વ્યક્તિએ પોતાને લાહોરનો નાગરિક ગણાવ્યો હતો. તપાસ અધિકારી ગુરદીપ સિંહે પોતાની જુબાનીમાં કહ્યું કે ટ્રેનમાં સફર કરતા શૌકત અલી અને તેમની પત્ની રુકસાનાની જુબાની પ્રમાણે આરોપીઓના સ્કેચ બનાવવામાં આવ્યા હતા અને આ સ્કેચ ટીવી અને અખબારોમાં જાહેર કરવામાં આવ્યા હતા. અજમત ખાન ભારતમાંથી પાકિસ્તાનમાં ઘૂસવાની તૈયારી કરતો હતો ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી. ગુરદીપ સિંહે એ પણ કહ્યંુ કે તેમના સિનિયર અધિકારીઓ અને ડીઆઈજીના નિર્દેશને કારણે તેમણે અજમત ખાન વિરુદ્ધમાં કોર્ટમાં કોઈ પુરાવા રજૂ નહોતા કર્યા અને એ કારણે કોર્ટે તેને નિર્દોષ છોડી મુક્યો હતો.

Related Posts
1 of 269

ત્યાર બાદ આ મામલાની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી અને સીબીઆઈએ આ મામલામાં સિમિનો હાથ હોવાનું કહ્યું અને આ સંદર્ભમાં સિમિ સાથે જોડાયેલા કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી. સીબીઆઈએ એવો પણ દાવો કર્યો કે જે સૂટકેસમાં બ્લાસ્ટ થયો હતો એ સિમિ સાથે જોડાયેલા લોકોએ ઇન્દોરમાંથી ખરીદી હતી.

કમનસીબીની વાત તો એ છે કે હજુ તો સીબીઆઈની તપાસ ચાલી રહી હતી ત્યાં ત્રણ વર્ષ બાદ કેન્દ્ર સરકારે હસ્તક્ષેપ કરીને આ મામલાની તપાસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ને સોંપી દીધી. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ આ મામલામાં સ્વામી અસીમાનંદ અને અન્ય નવ વ્યક્તિઓને આરોપી બનાવી દીધા. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ દાવો કર્યો કે બધા આરોપીઓ અક્ષરધામ, રઘુનાથ મંદિર અને સંકટમોચન મંદિરોમાં થયેલા બોમ્બ બ્લાસ્ટથી દુઃખી હતી અને તેમણે બદલો લેવા માટે આ ઘટનાને અંજામ આપ્યો હતો. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ ૭૦ વર્ષીય સ્વામી અસીમાનંદની ઋષિકેશમાંથી ધરપકડ કરી હતી અને તેમને પ્રતાડિત કરીને તેમની પાસે દિલ્હીની એક કોર્ટમાં એકતરફી નિવેદન કરાવી દીધું. આશ્ચર્યની વાત એ છે કે બંધ રૃમમાં અસીમાનંદ દ્વારા આપવામાં આવેલું નિવેદન ત્રીજા દિવસે જ રાજધાનીમાંથી પ્રકાશિત થતાં બધાં સમાચારપત્રોમાં હેડલાઇન્સ સ્વરૃપે છપાઈ ગયું. કહેવાય છે કે આ નિવેદન જાણી જોઈને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા સમાચારપત્રોમાં લીક કરવામાં આવ્યું હતું જેથી સંઘ પરિવારને બદનામ કરી શકાય.

અસીમાનંદે વારંવાર કોર્ટમાં એ વાત પર ભાર મુક્યો કે તેમની પાસેથી જબરદસ્તી એકતરફી નિવેદન લખાવી લેવામાં આવ્યંુ હતું. ત્યાર બાદ સ્વામી અસીમાનંદ અને અન્ય આરોપીઓને કેટલાક અન્ય કેસોમાં પણ ફસાવી દેવામાં આવ્યા જેમાં હૈદરાબાદની મક્કા મસ્જિદ બ્લાસ્ટ કેસ, અજમેર દરગાહ બ્લાસ્ટ કેસ અને માલેગાંવ બ્લાસ્ટ કેસનો સમાવેશ થાય છે. કોર્ટ અસીમાનંદ અને અન્ય તમામ આરોપીઓને આ બ્લાસ્ટોના આરોપોમાંથી પણ મુક્ત કરી ચૂકી છે.

એ પણ ઉલ્લેખ કરવો જરૃરી છે કે સ્વામી અસીમાનંદ કોણ છે કે જેને આ મામલામાં ફસાવવામાં આવ્યા હતા. સ્વામીનું અસલી નામ નવકુમાર સરકાર છે. તે પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના રહેવાસી છે અને તેઓ બોટનીમાં અનુસ્નાતક થયા છે. ૧૯૯૦થી તેઓ આરએસએસની સંસ્થા વનવાસી કલ્યાણ આશ્રમ સાથે જોડાયેલા હતા અને તેઓ દેશભરમાં આદિવાસીઓના ધર્માંતરણને અટકાવવાનું કામ કરી રહ્યા હતા. ૧૯૯૫માં તેમણે ગુજરાતના આદિવાસી બહુમત ડાંગ જિલ્લામાં હિન્દુ ધર્મ જાગરણ અને શુદ્ધીકરણનું અભિયાન ચલાવ્યંુ હતું. જેમાં તેમણે ઈસાઈ બનાવી દેવાયેલા ૪૦ હજાર લોકોને હિન્દુ ધર્મમાં પુનઃ દીક્ષા આપી હતી. તેમણે દેશભરમાં અનેક સ્થળે સબરીધામ મંદિરોની સ્થાપના કરી. તેમની આ કાર્યવાહી ઈસાઈ પાદરીઓને ન પચી એટલે તેમને આ નકલી કેસમાં ફસાવી દેવામાં આવ્યા.

ઉલ્લેખનીય છે કે હિન્દુ આતંકવાદનો સૌ પ્રથમ રાહુલ ગાંધીએ ઉલ્લેખ કર્યો હતો અને અમેરિકાના રાજદૂત સાથે વાર્તાલાપ કરતી વખતે કહ્યંુ હતું કે ભારતને સાચો ખતરો હિન્દુ આતંકવાદથી છે. મુંબઈમાં થયેલા આતંકી હુમલાને પણ સંઘના માથે મઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કુખ્યાત ઉર્દૂ પત્રકાર અજીજ બર્નીએ તો આ હુમલામાં સંઘ, મોસાદ અને ઇઝરાયલનો હાથ હોવા અંગેનું એક પુસ્તક જ લખી નાખ્યંુ જેનું વિમોચન દેશમાં અનેક સ્થળે દિગ્વિજય સિંહ અને અન્ય કોંગ્રેસી નેતાઓએ કર્યું હતું.

કોંગ્રેસ સરકારને ઇશારે મહારાષ્ટ્રના એક વરિષ્ઠ પોલીસ અધિકારી હેમંત કરકરેએ ભગવા આતંકવાદની બબાલ ઊભી કરી અને માલેગાંવ વગેરે સ્થળે થયેલા બોમ્બ બ્લાસ્ટોની ઘટનાઓમાં હિન્દુવાદી સંગઠનો સાથે જોડાયેલા અનેકોની ધરપકડ કરી લીધી. જેમાં લેફ્ટનન્ટ કર્નલ શ્રીકાંત પુરોહિત, સાધ્વી પ્રજ્ઞા ઠાકુર અને સ્વયંભૂ શંકરાચાર્ય દયાનંદ પાંડેય સહિત અનેક લોકો સામેલ હતા. સરકારને ઇશારે તત્કાલીન ગૃહ સચિવ કે. પિલ્લાઇ અને તેમના પછીના ગૃહ સચિવ આર.કે. સિંહે પણ હિન્દુ આતંકવાદનો રાગ આલાપ્યો. ત્યાર બાદ આ રાગ તત્કાલીન ગૃહમંત્રી સુશીલકુમાર શિંદે અને પી. ચિદમ્બરમે પણ આલાપ્યો. સંઘ પ્રમુખ મોહન ભાગવતે એવો આક્ષેપ કર્યો કે કોંગ્રેસ સરકાર જાણીજોઈને સંઘને બદનામ કરવા આ કાવતરું રચી રહી છે. તાજા સમાચારો પ્રમાણે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ કોર્ટમાં એક સોગંદનામંુ દાખલ કર્યું છે જેમાં કહેવામાં આવ્યંુ છે કે કર્નલ પુરોહિત અને પ્રજ્ઞા ઠાકુર સહિતના આરોપીઓ સામે કોઈ પુરાવા મળ્યા નથી એટલે તેમને આ મામલામાં છોડી મૂકવામાં આવે. સમજૌતા એક્સપ્રેસના ચુકાદાનો વિરોધ પાકિસ્તાનની સરકારે કર્યો છે અને ઓલ ઇન્ડિયા મજલિસ ઇત્તેહાદુલ મુસ્લિમીનના અધ્યક્ષ અસદ્દુદીન ઔવેસીએ પણ માગણી કરી છે કે સરકારે આ ચુકાદાના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવી જોઈએ.
———————-

Leave A Reply

Your email address will not be published.

Translate »