તમારા માટે, તમારી સાથે, સતત…

નર્મદાના પાણી માટે કચ્છને સતત અન્યાય

કચ્છ હંમેશાં પાણીની તંગીવાળો વિસ્તાર રહ્યો છે.

0 424

પાંજો કચ્છ – સુચિતા બોઘાણી કનર

કચ્છના નામે નર્મદાના પાણી મેળવ્યા હોવા છતાં જળની ફાળવણીમાં જિલ્લાને સતત અન્યાય થઈ રહ્યો છે. શરૃઆતમાં જ કચ્છની માગ કરતાં ઓછું પાણી ફાળવાયું છે. નર્મદાના વધારાના પાણીની વહેંચણી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છને સમાન ભાગે કરાઈ હોવા છતાં ઉત્તર ગુજરાતના વધારાના પાણી માટેનાં કામો પૂર્ણ થયાં છે, સૌરાષ્ટ્રનાં કામો પ્રગતિમાં છે જ્યારે જ્યાં સુધી કચ્છ કેનાલનાં કામો પૂર્ણ ન થાય ત્યાં સુધી કચ્છ માટેના વધારાના પાણીનાં કામો માટે રૃક જાવનો આદેશ અપાયો હોવાથી હવે વધારાના પાણી મળશે કે કેમ તે અંગે જાણકારો શંકા વ્યક્ત કરી રહ્યા છે. રાજકીય ઇચ્છાશક્તિના અભાવે કચ્છને વધુ એક અન્યાય થવાની શક્યતા છે.

 નિયમિત અડધો અને વધારાના ૧ એમ.એ.એફ. પાણી કચ્છને મળવાનું આયોજન હતું. જેનાથી ૧૩ લાખ એકર જમીનમાં સિંચાઈ થઈ શકે તેમ હતી. આજના ભાવ મુજબ તદ્દન ઓછા નફાવાળા પાકથી બધો જ ખર્ચો બાદ કરીને એક એકરે ૧૫ હજાર નફો થઈ શકે તેમ હતું. જો વધારાના પાણી નહીં મળે તો ખેડૂતોને વર્ષે ૨૦૦૦ કરોડનું નુકસાન થાય તેમ છે.

કચ્છ હંમેશાં પાણીની તંગીવાળો વિસ્તાર રહ્યો છે. અહીં વરસાદ કરતાં વધુ વર્ષો દુષ્કાળનાં હોય છે. કસદાર જમીનમાં પૂરતું પાણી ન હોવાના કારણે ખેતી થઈ શકતી નથી. ભૂગર્ભ જળ ખૂબ ઊંડા ઊતરી ગયા છે. એવી સ્થિતિમાં કચ્છની કાયાપલટ નર્મદાના જળથી થશે તેવી આશા કચ્છીઓ સેવતા આવ્યા છે, પરંતુ રાજ્ય સરકારે કચ્છને નર્મદાના નીરની ફાળવણીમાં સતત, ભારોભાર અન્યાય જ કર્યો છે. વર્ષોનાં વર્ષોથી નર્મદાવતરણની રાહ જોતાં કચ્છીઓને પીવાનું અને ખેતીનું નિયમિત પાણી જરૃરત કરતાં ઓછું ફાળવાયું છે. હવે વધારાના એટલે કે પૂરના દરિયામાં વહી જતાં અને સરદાર સરોવર બંધ પર વીજળી બનાવ્યા પછી વહેતાં પાણી માટે કરવાનાં કામો પર પણ વહીવટી તંત્રની બ્રેક લગાવાઈ છે. સિંચાઈ તંત્ર ભલે આ બ્રેકને થોડા સમય માટેની હોવાનું ગણાવે છે, પરંતુ જાણકારો આ બ્રેકના કારણે કાયમ માટે કચ્છને વધારાના પાણીથી વંચિત રહી જવું પડે તેવી સ્થિતિ સર્જાવાની ભીતિ જોઈ રહ્યા છે.

૧૮મી સદીના મધ્યમાં અને ૧૯મી સદીની શરૃઆત સુધી કચ્છને સુજલામ્ સુફલામ્ કરતી સિંધુ નદીના પાણી કચ્છમાં આવવાનું બંધ થયું. સન ૧૭૬૧માં સિંધના અમીર ગુલામ શાહ ક્લોરાએ સિંધુ નદી પર બંધ બાંધીને પાણી અટકાવવા પ્રયાસ કર્યો અને ત્યાર પછી સન ૧૮૧૯માં આવેલા ભૂકંપના કારણે આ બંધ પાસે જમીન એક માઈલના વિસ્તારમાં ૧૮ ફૂટ ઊંચી થઈ ગઈ અને તેના કારણે સિંધુના પાણી કચ્છમાં આવતા કાયમ માટે અટક્યા. આથી કચ્છની મોટા ભાગની જમીન પાણીના અભાવે ધીરે ધીરે ઉજ્જડ થતી ગઈ. જ્યારે નર્મદાના પાણી ગુજરાતમાં લાવવાની વાત શરૃ થઈ ત્યારથી કચ્છના લોકોના મનમાં ફરી કચ્છ લીલુંછમ બની જશે તેવી આશા જાગી. આજે કચ્છના મોટા ભાગનાં ગામોને પીવા માટે નર્મદાના પાણી મળી રહ્યા છે, અને નર્મદા પાણી ખેતી માટે પણ મળવાની શરૃઆત થઈ ગઈ છે. પૂર્વ કચ્છના બે તાલુકા રાપર અને ભચાઉમાં નર્મદાના નીરથી ખેતઉત્પાદનમાં વધારો થયો છે, પરંતુ અંજાર તાલુકાના થોડા વિસ્તાર પછી હજુ આગળના વિસ્તાર માટે નર્મદાના પાણી પહોંચી શક્યા નથી. હજુ કચ્છ બ્રાંચ કેનાલનું કામ પણ બાકી છે. આ કામ માત્ર ૧૭ કિ.મી.ના વિસ્તારની જમીન સંપાદનના અભાવે અટક્યું છે, પણ તેના કારણે કચ્છના ભાગમાંથી વધારાના પાણીની પણ બાદબાકી થાય તેવી ભીતિ છે.

કચ્છ અને નર્મદાના પાણીનો ઇતિહાસ વર્ણવતા નિષ્ણાત શશીકાંતભાઈ ઠક્કર જણાવે છે, ‘નર્મદાના પાણી ગુજરાતને આપવાની વિચારણા આઝાદી પહેલાં ૧૯૪૬માં શરૃ કરાઈ હતી. તે વખતે પણ ઊંચી કેનાલ દ્વારા કચ્છના રણમાં પાણી પહોંચાડવાની વાત મુખ્ય હતી. ગુજરાતના ૧૯૬ લાખ હેક્ટર વિસ્તાર પૈકી ૧૨૪ લાખ હેક્ટર ખેડી શકાય તેવો છે. તે વખતે તે પૈકી માત્ર ૨૩ ટકા જમીન પર ભૂગર્ભ અને જમીન ઉપરના જળ વડે સિંચાઈ થતી હતી. બાકીનો વિસ્તાર સિંચાઈ વિહોણો હતો. આથી જ નર્મદાના પાણી વડે તેને નવપલ્લવિત બનાવવાની જરૃર હતી. આ બાકીના વિસ્તારમાં મોટો ભાગ કચ્છની જમીનનો હતો. નર્મદા જળવિવાદ પંચે સરદાર સરોવર ડેમ સ્થળે નર્મદાનું ૨૮ મિલિયન એકર ફૂટ પાણી હોવાનું ઠરાવ્યું હતું. તેના આધારે મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં પાણીની વહેંચણી કરાઈ હતી જે પૈકીનું ૧૮ એમ.એ.એફ. પાણી મધ્યપ્રદેશને, ૯ એમ.એ.એફ. ગુજરાતને, ૦.૫૦ રાજસ્થાનને અને ૦.૫૦ એમ.એ.એફ. પાણી મહારાષ્ટ્રને આપવાનું ઠરાવાયું હતું. જે-તે રાજ્ય સરકારે પોતાના રાજ્યમાં પોતાની અનુકૂળતા મુજબ પાણીની વહેંચણી કરવાની હતી જે અનુસાર ગુજરાત સરકારે કચ્છને અડધો એમ.એ.એફ. પાણી ફાળવ્યું હતું. આ ઉપરાંત નર્મદાનું પૂરનું દરિયામાં વહી જતું અને વીજળી બનાવવા વપરાયેલું પાણી- વધારાનું પાણી પણ કચ્છને મળવા પાત્ર હતું. સામાન્ય રીતે આ વધારાનું પાણી ૩ એમ.એ.એફ. હોય છે. તેમાંથી ત્રણ સરખે ભાગે કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રને ફાળવવાનું નક્કી થયું હતું. તે મુજબ કચ્છને ૧ એમ.એ.એફ. પાણી મળવાનું થાય છે, પરંતુ તેનાં કામો પર રોક લાગી છે. ભવિષ્યમાં આ પાણી મળશે કે કેમ તે પ્રશ્ન છે.

અત્યારે કચ્છ બ્રાન્ચ કેનાલનું કામ ચાલી રહ્યું છે. જેના થકી કચ્છના રાપરથી માંડવી તાલુકાના મોડકુબા સુધી પાણી પહોંચાડવાનું આયોજન છે. આદિપુર- ટપ્પર ડેમ સુધી પાણી પહોંચ્યા છે. ટપ્પરથી માંડવી સુધીના કામમાં મુશ્કેલી આવી છે. ગાંધીધામ- અંજાર વચ્ચે જમીન સંપાદન થતું ન હોવાના કારણે કામ અટક્યું છે. જમીન સંપાદનના કિસ્સામાં અમુક કોર્ટ કેસ થયા હોવાથી કામ આગળ વધી શકતું નથી. જોકે છેલ્લાં ત્રણેક વર્ષથી જમીન સંપાદનનું કામ અટક્યું છે, જે રાજકીય ઇચ્છાશક્તિનો અભાવે દર્શાવે છે. જો ખરેખર રાજકારણીઓ ઇચ્છે તો જમીન સંપાદનનું કામ આટલા લાંબા સમય સુધી અટકે નહીં.

આ અટકેલા કામના બહાનાસર હવે વધારાના પાણીના કામ પણ સરકારે અટકાવ્યા છે. સરકારી અધિકારીઓના જણાવ્યાનુુસાર મુખ્ય કામ જ ન થયું હોય તો વધારા પાણીના કામ હાથ ધરવાનો અર્થ શું? વધારાનું પાણી આવે તો પણ તેને સંગ્રહી કેમ શકાય? જોકે આ વાત સાથે નર્મદાના પાણીના મુદ્દે વર્ષોથી લડત આપતા અગ્રણીઓ સહમત થતાં નથી.

Related Posts
1 of 142

અમદાવાદની કચ્છ ડેવલપમેન્ટ કાઉન્સિલના અગ્રણી અશોક મહેતા જણાવે છે, ‘નર્મદાના પાણી પ્રશ્ને કચ્છને થતાં અન્યાયનો સિલસિલો અટક્યો નથી. પીવાના, નિયમિત અથવા સિંચાઈના અને વધારાના એમ ત્રણ જાતના નર્મદાના પાણી કચ્છને મળે છે. પીવાના પાણી મોટા ભાગના કચ્છને મળી રહ્યા છે, જ્યારે નિયમિત પાણી અત્યારે ટપ્પર ડેમ સુધી પહોંચ્યા છે. આગળનું કામ જમીન સંપાદનના અભાવે અટક્યું છે અને વધારાના પાણીના કામ અત્યારે બંધ છે. રાપરથી મોડકૂબા સુધી કેનાલ બનાવવાની યોજના છે. તેમાંથી અડધો એમ.એ.એફ. પાણી વહાવવાની યોજના છે. કેનાલમાંથી ખેતરો સુધી પાણી પહોંચાડવા માટેની માઇનોર, સબમાઇનોર અને ડિસ્ટ્રિબ્યુટરી કેનાલનાં કામ થયાં નથી. જેના કારણે રાપર અને ભચાઉ તાલુકામાં કેનાલમાં પાણી હોવા છતાં ખેતરો સુધી પહોંચતું નથી. આથી ખેડૂતો પંપ વડે પાણી ખેંચે છે. ડિસ્ટ્રિબ્યુટરી કેનાલોની કાયમી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી આ પ્રકારે જ પાણી ચોરીદ્વારા જ સિંચાઈ કરાશે. કચ્છ મેઇન કેનાલની ત્રણ વાંઢિયા, દુધઇ અને ગાગોદર બ્રાંચ કેનાલનાં કામો પણ પૂરા થયા નથી. મૂળ કેનાલનું કામ પૂરું થયું ન હોવાના બહાને વધારાના પાણીનાં કામો પણ અટકાવી દેવાયા છે. ઉપરાંત નર્મદામાં વધારાના પાણી ઓછા થઈ રહ્યા હોવાના નામે કચ્છને વધારાના પાણી ન આપવાની ચાલ હોય તેવું જણાય છે.

અત્યારે મધ્યપ્રદેશમાં નર્મદા પર અનેક ડેમ બની રહ્યા છે. જ્યારે ગુજરાતમાં એક માત્ર સરદાર સરોવર ડેમ છે. જેમ-જેમ ડેમ બનતા જાય છે તેમ-તેમ પાણી રોકાતું જાય છે. તેથી ગુજરાતને પાણી ઓછું મળે છે. અત્યારે કચ્છને પાણી આપવાની વાત છે ત્યારે પાણી નથી નો હાઉ બતાવાય છે, પરંતુ વધારાના પાણીના કામ ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ યોજના તળે લગભગ પૂરા થઈ ગયા છે અને સૌરાષ્ટ્રમાં સૌની યોજના તળે ચાલુ છે. જ્યારે કચ્છમાં આ કામ ચાલુ કરવાનું જ અટકાવાયું છે. પહેલા કચ્છ માટે આ કામ માટે ૪૮૦૦ કરોડની યોજના બનાવાઈ હતી. અત્યારે તે ૧૦ હજાર કરોડે પહોંચે તેમ હોવા છતાં અત્યાર સુધીમાં માત્ર ત્રણ કરોડ વપરાયા છે.

અશોક મહેતાના મતે, ‘નિયમિત અને વધારાના મળીને જો દોઢ એમ.એ.એફ. પાણી કચ્છને મળે તો અંદાજે ૧૩ લાખ એકર જમીનમાં સિંચાઈ થઈ શકે. આજના હિસાબે ઓછામાં ઓછા નફાવાળા પાકથી પણ ખેડૂતને બધા ખર્ચા બાદ કરતાં એક એકરે ખેડૂતને રૃ. ૧૫ હજારનો નફો થાય. જે હિસાબે વર્ષે કચ્છના ખેડૂતોને ૨ હજાર કરોડનો ચોખ્ખો નફો થઈ શકે. આટલો નફો પાણી ન મળવાથી ગુમાવાઈ રહ્યો છે.

આવી જ વાત કરતાં રાજ્યના માજી નાણામંત્રી અને માજી ધારાસભ્ય બાબુભાઈ શાહ જણાવે છે, ‘કચ્છના નારાયણ સરોવર સુધી પાણી પહોંચાડવાના મુદ્દે સરદાર સરોવરની ઊંચાઈ ૪૩૭ ફૂટની કરાઈ હતી. ગુજરાતે કેન્દ્રીય જળપંચ પાસે ૨૨ એમ.એ.એફ. પાણી માગ્યું હતું. તેમાંથી ૯ કચ્છના ભાગનું હતું. ટ્રિબ્યુનલે ગુજરાતને ૯ એમ.એ.એફ. પાણી આપ્યું તો તે મુજબ કચ્છને ૩ એમ.એ.એફ. પાણી મળવું જોઈતું હતું, પરંતુ મળ્યું ૦.૩ એમ.એ.એફ. આમ શરૃઆતથી જ અન્યાય થયો હતો. જોકે પાછળથી થોડું પાણી વધારાયું હતું. આમ છતાં કચ્છને અન્યાય થયો હોવાનું તે સમયના મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલે કબૂલ કર્યું હતું. આથી જ દરિયામાં જતું વધારાનું ૩ એમ.એ.એફ. પાણી કચ્છને આપવાનું નક્કી કરાયું હતું.

જોકે આ બધું જ પાણી કચ્છને આપવાના બદલે ત્રણ ભાગે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છને આપવાનું છેલ્લે નક્કી કરાયું હતું. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનાં કામો થયાં જ્યારે કચ્છની બાદબાકી કરવાનો કારસો ઘડાયો છે. જો કચ્છને પૂરતું પાણી મળે તો ૬ કરોડ માનવદિન રોજગારીનું નિર્માણ થઈ શકે. રૃ. ૩૦૦ પ્રતિદિનની રોજગારી ગણાય તો પણ ૧૮૦૦ કરોડની મજૂરી મળી શકે અને અંદાજે પ હજાર કરોડનું ઉત્પાદન પણ મળે. કચ્છને થનારા અન્યાય સામે કચ્છના લોકો અને ખેડૂતોેએ જાગૃત થઈને અવાજ ઉઠાવવાનો સમય આવી ગયો છે.

નર્મદા નિગમના ડાયરેક્ટર મુકેશ ઝવેરી કચ્છ મેઇન કેનાલના બાકી કામ બાબત જણાવે છે, ‘૪૫૦૦ કરોડની આ યોજના ૦થી ૩૫૭ કિ.મી.નું કામ છે. અત્યાર સુધીમાં ૩૪૦ કિ.મી.ની કેનાલ બની ગઈ છે. ૩૨૨ કિ.મી. એટલે અંજાર સુધી પાણી આવી ગયું છે. અત્યારે રાપર, ભચાઉ અને અંજારને પાણી મળી રહ્યું છે. ૧૭ કિ.મી.નું કામ બાકી છે. જમીનનું સંપાદન સર્વસંમતિથી કરવાનું હોવાથી અમારા હાથ હેઠે પડ્યા છે. જંત્રીની ભાવની અધૂરાશના કારણે જમીન સંપાદન થઈ શકતી નથી. અમુક જગ્યાએ નિયત જંત્રી કરતાં ખૂબ વધુ ભાવ મગાય છે તો કોઈ જગ્યાએ ભાઈઓના ઝઘડા છે. કોઈ પોતાની જગ્યામાં કામ કરવા દેતા નથી. અમુક લોકો હાઈકોર્ટમાં ગયા છે અને સ્ટે મેળવ્યો છે. તેથી કામ આગળ વધતું નથી. આમ પાણી માંડવી સુધી પહોંચતું નથી. કચ્છમાં મોડકૂબા ગામ સુધી પાણી પહોંચાડવા માટે માંજુવાસ, ભચાઉ, ફતેહગઢમાં વધારાના પમ્પિંગ સ્ટેશન બની રહ્યા છે. જો જમીનનું સંપાદન થઈ જાય તો માત્ર ત્રણ મહિનામાં જ કામ પૂરું થઈ શકે તેમ છે. માઇનોર, સબમાઇનોર અને ડિસ્ટ્રિબ્યુટરી કેનાલનાં કામો ભચાઉ, રાપર તાલુકામાં ચાલુ છે. જોકે તે પૂરાં થતાં બે વર્ષનો સમય લાગી જશે. અંજાર તાલુકાના ટેન્ડર હવે નીકળશે. જ્યાં સુધી નાની કેનાલો ન બને ત્યાં સુધી ખેડૂતો પમ્પિંગથી પાણી લઈ શકશે. નર્મદા નિગમ તેને કાયદેસરનું જ ગણે છે, પાણી ચોરી ગણતું નથી.

નર્મદાના વધારાના પાણીનું કામ સિંચાઈ વિભાગ હસ્તે છે. સિંચાઈના અધિક્ષક ઇજનેર કોટવાલ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ‘વધારાના પાણીના કામ રદ્દ કર્યા હોવાની અમારી પાસે કોઈ સૂચના નથી, પરંતુ અત્યારે કચ્છ કેનાલનું કામ વધુ મહત્ત્વનું છે. દુષ્કાળની સ્થિતિમાં તે કામને જ પ્રાધાન્ય અપાય છે. મેઇન કેનાલનું કામ પૂરું થયે અમે વધારાના પાણીના કામ હાથ ધરીશું. જોકે અત્યાર સુધીમાં વધારાના પાણી માટે ટપ્પર, ફતેહગઢ, સુવઇ, લાકડાવાંઢ સહિતના પાંચ ડેમ જોડી દીધા છે. ઉપરાંત આગળના કામ માટે અમે પેપર વર્ક તૈયાર કર્યું છે. અત્યારથી કામ ચાલુ કરીએ અને ભવિષ્યમાં પાણી ન આવે તો… આથી જ અમે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી છે.

આમ હાલમાં તો કચ્છને મળનારા નર્મદાના વધારાનાં પાણીનાં કામો પર પ્રશ્નાર્થ લાગી ગયો છે અને તેના કારણે વધારાના ૧ એમ.એ.એફ. પાણી કચ્છને મળશે કે નહીં તે પ્રશ્ન પણ ઊભો થયો છે. જો આ પાણી મેળવવા હોય તો રાજકીય ઇચ્છાશક્તિની સાથે-સાથે ખેડૂતો અને સામાન્ય લોકોએ પણ પોતાનો અવાજ ઉઠાવવો પડશે.
—————-

Leave A Reply

Your email address will not be published.

Translate »