તમારા માટે, તમારી સાથે, સતત…

જાંબુરના સીદી યુવાનોની ખેલકૂદમાં ‘ધમાલ’!

સ્પોટ્ર્સ ઑથોરિટી ઓફ ગુજરાતની કમાલ !

0 463

કવર સ્ટોરી – નરેશ મકવાણા

માત્ર ગુજરાત જ નહીં, દુનિયા આખી ગીરમાં વસતા સીદી બાદશાહોને કેવળ ધમાલ નૃત્યને કારણે ઓળખે છે. સીદી એટલે ધમાલ નૃત્ય‘- બસ, એનાથી વિશેષ જાણે તેમની કોઈ ઓળખ જ નથી, પણ હવે આ માન્યતા ધરમૂળથી બદલાય એ દિવસો બહુ દૂર નથી. કેમ કે તેમના વતન જાંબુરમાં સીદીઓની નવી પેઢી સ્વની સાથે સમાજની પણ ઓળખ નવેસરથી સ્થાપિત કરવા પરસેવો પાડી રહી છે. મુખ્ય ધારાની સમાજવ્યવસ્થાથી દૂર, જંગલ વચ્ચે વસતાં સીદી યુવાનો કેવી રીતે પોતાની છબિ બદલવા મથી રહ્યાં છે તેનો ગ્રાઉન્ડ રિપોર્ટ અહીં પ્રસ્તુત છે.

સાયબ, અમાર ન્યાં સોકરીયું ન ચ્યાંય બાઈરય નો જાવા દેતા ઈ જમાનામાં મેં એથલેટિસમાં ભાગ લીધેલો.

શું વાત કરો છો, ખરેખર!

તોઅઅ, આ તો મારા બાપા નો માન્યા, એટલે બાકી મારી પાંહે ગોલ્ડ મેડલ હોત.

ઓહ.

અરે સાયબ, પી.ટી. ઉષા અને મેં એક જ દોડમાં ભાગ લીધેલો, પણ મારા બાપાએ પાસી બોલાઈ લીધી એટલે મારી ઈસા તો મનમાં જ રઈ જીયેલી, પણ અમારી બીજી સોકરિયું હારે આવું નો થાય એટલે હું ઈમને આગળ લાવવા દોડા કરું સંુ.

પણ તમારા પપ્પાએ એવું કેમ કર્યું?’

જાવા દો ને સાયબ, બઉ લાંબી વાત સે..

કંઈ વાંધો નહીં, આપણી પાસે સારો એવો સમય છે, બોલો.

પસી હું, ઈમણે મનઅ ગાંધીનગરથી પાસી બોલાઈ લીધી અન પઈણાઈ દીધી. ઈ વાત તો મનઅ આજય મનમાં ખટક સ. પણ પસી મેં નકી કઈરું ક, મારી હારે જે થિયું એવું અમારી બીજી સોડી-સોકરાં હારે નો થાવુ જોવ! એટલ જ આજ હું ઈમન સ્પોટમાં આગળ લાવવા મથું સંુ. દેશનું નામ રોસન કરવા અન મેડલ લાવવા આજ અમારા જાંબુરમાં અમારા સીદીના ચેટલાય સોકરા-સોકરિયુ ધૂળિયા મેદાનમાં આખો દીપેકટીસ(પ્રેક્ટિસ) કર સ.

બહુ સરસ.

અર સાયબ, આ સોકરા કાંય જેવા તેવા નથી! ઈ તો તમે ઈમન દોડતા, કૂસતી કરતા અન ઝૂડો રમતા નજરે જો સો તાણ ખબઈર પડસે! તમી લખી રાખો સાઈબ, ભવિસમાં અમારો સીદીનો જ કોય સોકરો ક સોડી ગુઝરાતને ગોલ્ડ અપાવસે!

આપણે ત્યાં જ જઈ રહ્યાં છીએ. લો, આ આવ્યું તમારું જાંબુર!

અમે જૂનાગઢથી જાંબુર જવા નીકળ્યા હતા ત્યાં રસ્તામાં તાલાળા આવ્યું. ત્યાંથી આ બહેન અમારી સાથે આવ્યાં હતાં. વાટમાં તેમની સાથે ઉપર મુજબનો સંવાદ ચાલતો હતો ત્યાં જાંબુર આવી ગયું. ગુજરાત અને ગુજરાતીઓથી અલિપ્ત એક અસાધારણ ઘટના અહીંના ધૂળિયા મેદાનોમાં આકાર પામી રહી હતી. જેની ખરાઈ કરવા અમે છેક અમદાવાદથી અહીં સુધી લાંબા થયા હતા. જેમાં અમારી મદદ માટે તેઓ ખરા તડકે બધું કામકાજ પડતું મૂકીને અમારી સાથે આવવા તૈયાર થયાં હતાં.

Related Posts
1 of 262

નામ એમનું હનિફાબહેન મકવાણા. ઉંમર ૪૫ આસપાસ હશે, પણ જુસ્સો જુવાનડીઓને પણ શરમાવે એવો. તેમની પોતાની કહાની પણ ભારે રસપ્રદ છે. નેવુંના દાયકામાં તેમના વતન જાંબુરમાં તેઓ દોડવામાં ખરાં અર્થમાં બાદશાહ ગણાતાં હતાં. તેમની એ આવડત સ્પોટ્ર્સ ઑથોરિટી ઓફ ઇન્ડિયાની નજરમાં આવી એટલે તેમને વધુ પ્રેક્ટિસ માટે ગાંધીનગર મોકલવામાં આવેલાં. ત્યાં તેમને પી.ટી. ઉષા સાથે દોડવાનો મોકો મળેલો, પણ ગાંધીનગરમાં જ રહેતી તેમની એક બહેનપણીએ એક બિનસીદી યુવક સાથે પ્રેમ થઈ જતાં આંતરજ્ઞાતીય લગ્ન કર્યાં. જેના જાંબુરના સીદી સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા. હનિફાબહેનના પિતાના મનમાં પણ શંકા જાગી કે ક્યાંક મારી દીકરી પણ આવું કરશે તો? બસ, એ પછી કશું પણ વિચાર્યા વિના તેમણે તેમને ગાંધીનગરથી પરત બોલાવીને પરણાવી દીધા. એ સાથે જ ૮૦૦ મીટર દોડમાં દેશ માટે મેડલ જીતવાનું હનિફાબહેનનું સપનું પણ રોળાઈ ગયું.

પણ હવે તેમને પોતાનું અધૂરું રહી ગયેલું સપનું પૂરું થતું હોય એવી આશા બંધાઈ છે. અમે તેમની એ શ્રદ્ધામાં કેટલો દમ છે તેની ખરાઈ કરવા જ ખરા તડકે ગીરના જંગલ વચ્ચે વસેલા સીદી બાદશાહોના વતન જાંબુરની વાટ પકડી હતી. ગામ આવ્યું ત્યારે બપોરનો દોઢ થવા આવ્યો હતો. અમે હનિફાબહેનના ઇશારે કાર ગામથી ત્રણેક કિલોમીટર દૂર ઉબડખાબડ છતાં મેદાન જેવી દેખાતી એક જગ્યા તરફ વાળી. ત્યાં સુધી અમને સમજાતું નહોતું કે ખરા બપોરે, જ્યાં માણસ તો ઠીક જાનવર સુદ્ધાં દેખાતું નથી એવી નિર્જન જગ્યાએ તેઓ શા માટે અમને લઈ જઈ રહ્યાં હશે? પણ જ્યારે મેદાન નજીક આવ્યું ત્યારે રહસ્ય પરથી પડદો ઊંચકાયો. અમે જોયું કે પચાસ જેટલાં સીદીઓનું ટોળું કૂંડાળું વળીને ઊભું છે અને વચ્ચે બે છોકરાં જૂડોની પ્રેક્ટિસ કરી રહ્યાં છે. અમે ધીરેક રહીને ટોળાં સુધી પહોંચ્યા અને ભળી ગયા. ત્યાં સુધી કોઈએ પણ અમારી હાજરીની નોંધ ન લીધી. અમારા માટે નવાઈની વાત એ હતી કે પ્રેક્ટિસ કરતાં બંને છોકરાંઓએ સ્પોટ્ર્સ ઑથોરિટી ઓફ ગુજરાતનો ડ્રેસ પહેર્યો હતો. અમે ટોળાં પર નજર ફેરવી તો બીજા પણ કેટલાંય છોકરાં-છોકરીઓ ખેલમહાકુંભ, સ્પોટ્ર્સ ઑથોરિટી અને નેશનલ ગેમ્સનાં ટી-શર્ટ તથા ટ્રાઉઝર્સ પહેરીને બેઠાં હતાં. દરમિયાન દરેક રાઉન્ડ પર ટોળું સ્થાનિક બોલીમાં સ્પર્ધકોને પાનો ચડાવતું રહ્યું. આ બધું ત્રણેક કલાક ચાલ્યું. ત્યાં સુધીમાં જૂડો ઉપરાંત ૧૦૦-૨૦૦-૪૦૦-૮૦૦ મીટર દોડ, કુસ્તી, લાંબી કૂદ, ઊંચી કૂદ, ટ્રિપલ જમ્પ જેવી અનેક રમતોની પ્રેક્ટિસ ચાલી. છેલ્લે બે છોકરીઓએ લોન્ગ જમ્પ અને દોડ પતાવી ત્યાં સાડા ચાર થઈ ગયા.

પ્રેક્ટિસ પતી પણ અમારા મોંમાંથી એક શબ્દ પણ ન નીકળ્યો. કેમ કે અમારા માટે સીદીઓનું આ સ્વરૃપ ચોંકાવનારું હતું. દરમિયાન હનિફાબહેને બધાનો પરિચય કરાવ્યો ત્યાં આશ્ચર્ય બેવડાયું. કેમ કે કેમ કે પ્રેક્ટિસમાં ભાગ લેનારાં બધાં છોકરાં-છોકરીઓ ખેલ મહાકુંભ, નેશનલ ગેમ્સ, સ્ટેટ ચેમ્પિયનશિપ સહિતની કોઈને કોઈ સ્પર્ધાના ચેમ્પિયનો હતાં અને હવે કોમનવેલ્થ, એશિયન ગેમ્સ તથા ઑલિમ્પિકમાં મેડલ મેળવવા પરસેવો પાડી રહ્યાં હતાં! વાતવાતમાં જ જાણવા મળ્યું કે આમાંના અડધાથી વધુ તો રાજ્ય સરકારની સ્પૉટ્ર્સ એકૅડમીઓમાં તાલીમ હેઠળ છે.

૧૬ વર્ષનો અલફેઝ મકવાણા યુસેન બોલ્ટ જેવું કસાયેલું શરીર ધરાવે છે. માત્ર એક જ વર્ષમાં તેણે લોન્ગ અને ટ્રિપલ જમ્પમાં રાજ્ય કક્ષાનો સિલ્વર મેડલ મેળવી લીધો છે. તેની ઝડપ અને સ્ફૂર્તિ જોતાં અમારા સાથીદાર કમ કોચ હરેશભાઈ સોલંકી તેને ભવિષ્યનો સુપરસ્ટાર ઍથ્લેટ્સ માને છે. ૧૩ વરસની મહેરૃખ મકવાણા જૂડોમાં ખેલ મહાકુંભ અને નેશનલ સ્કૂલ ગેમ્સ બંનેમાં ગોલ્ડ મેડલ ધરાવે છે. આવું જ ૧૫ વર્ષના રોહિત મઝગુલનું છે, જે જૂડોની દરેક સ્પર્ધામાં ગોલ્ડ જ જીત્યો છે. મૂળ તાલાળાનો પણ પ્રેક્ટિસ માટે છેક જાંબુર જતો ૨૧ વર્ષનો અફરૃદ્દીન ચોવટ અર્થશાસ્ત્ર વિષય સાથે સ્નાતકનો અભ્યાસ કરે છે. તે રાત્રે તાલાળા આસપાસની હોટલોમાં યોજાતા ધમાલ નૃત્યના કાર્યક્રમોમાં ઢોલ વગાડે છે અને દિવસે કૉલેજથી આવ્યા બાદ જૂડોની પ્રેક્ટિસ કરે છે. હાલ ખેલ મહાકુંભ, નેશનલ ગેમ્સમાં સિનિયર કૅટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવ્યા બાદ તે આગળની તૈયારીઓ કરી રહ્યો છે. જલાઉદ્દીન મકવાણાની ઉંમર માંડ ૧૬ વર્ષ છે, પણ તે કુસ્તીમાં હુકમનો એક્કો ગણાય છે. અત્યાર સુધી તે જેટલી પણ વાર રિંગમાં ઊતર્યો છે તેટલી વાર હરીફને પછડાટ આપીને ગોલ્ડ મેડલ જ મેળવ્યો છે. જોકે આ બધાં છોકરાંઓ પર ભારે પડે છે ચાંદ, શહેનાઝ અને મુસ્કાન નામની ત્રણ સીદી કન્યાઓ. ૧૭ વર્ષની સાયલી ચાંદ ૨૦૦ અને ૪૦૦ મીટર દોડની ધાસુ ખેલાડી છે. ખેલ મહાકુંભમાં ગોલ્ડ, જુનિયર નેશનલ ઍથ્લેટિક્સ ૨૦૧૮માં સિલ્વર મેળવીને તે આગળ વધી રહી છે. તેની બહેનપણી લોબી શહેનાઝ ગોળાફેંક અને ચક્રફેંકમાં નેશનલ લેવલે ત્રણ મેડલ લઈ આવી છે અને આ રમતમાં તેને ગુજરાતના ભવિષ્ય તરીકે જોવામાં આવે છે. ત્રીજી, ચોટિયાળા મુસ્કાન હાલ દસમાં ધોરણમાં છે અને ૮૦૦ તથા ૧૫૦૦ મીટર દોડની ખેલાડી છે. ખેલ મહાકુંભથી લઈને ખેલો ઇન્ડિયા, જુનિયર નેશનલ ઍથ્લેટિક્સ સહિતની સ્પર્ધાઓમાં તે મેડલ મેળવી ચૂકી છે. આ તમામ ખેલાડીઓના વર્તમાન પ્રદર્શનને જોતાં તેમના કોચનું માનવું છે કે એ દિવસ દૂર નથી જ્યારે દુનિયા જાંબુરને સીદી બાદશાહોના ગામ તરીકે નહીં, પણ ચેમ્પિયનોના વતન તરીકે ઓળખશે.

સ્પોટ્ર્સ ઑથોરિટી ઓફ ગુજરાતની કમાલ !
મોટા ભાગે સરકારી સંસ્થાઓ વિશે આપણા અનુભવો ખરાબ હોય છે, પણ આ કિસ્સામાં એનાથી અવળી ગંગા વહે છે. કેમ કે સીદી યુવાનોની પ્રતિભાને પિછાણીને તેમને વિવિધ રમતોમાં આગળ વધવાની પ્રેરણા રાજ્ય સરકારની સ્પોટ્ર્સ ઑથોરિટી ઓફ ગુજરાતે પુરી પાડી છે.

આ કેવી રીતે શક્ય બન્યું તેની વાત કરતાં સ્પોટ્ર્સ ઑથોરિટી ઓફ ગુજરાત(એસએજી)ના ગીર સોમનાથ જિલ્લાના સિનિયર કોચ કાનજીભાઈ ભાલિયા (જેઓ પોતે ઍથ્લેટિક્સના નેશનલ ચેમ્પિયન છે અને ૫૫.૩૩ મિનિટમાં ગિરનાર ચઢઉતરનો વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે. જેમના વિશે સૌથી પહેલો વિગતવાર અહેવાલ પણ અભિયાનમાં જ છપાયો હતો.) તેઓ કહે છે, ‘માત્ર ગુજરાત જ નહીં, દુનિયાભરમાં સીદીઓને સૌ કોઈ ધમાલ નૃત્યથી વિશેષ ઓળખતાં નથી, પણ હવે આ માન્યતા તૂટવાની અણીએ છે. કેમ કે અહીંના અનેક ખેલાડીઓ ઑલિમ્પિક રમતોમાં સારું પ્રદર્શન કરી રહ્યા છે. બધાં જ પોતપોતાની રમતમાં નેશનલ અને સ્ટેટ લેવલના ચેમ્પિયનો છે અને આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકશે. જાંબુરના આ છોકરાંઓ ખેલ મહાકુંભ દરમિયાન અમારી નજરે ચડેલા. અમે જોયું કે તેઓ શારીરિક રીતે રાજ્યનાં અન્ય વિસ્તારનાં છોકરાંઓ કરતાં અનેકગણા વધુ મજબૂત છે. ત્યારે તેમની આ ક્ષમતાનો જો સ્પોટ્ર્સમાં ઉપયોગ કરવામાં આવે તો તેમને અને દેશને બંનેને લાભ થાય. આથી અમે અહીં કેમ્પ યોજવાનું શરૃ કર્યું અને તેમાંથી આ ખેલાડીઓ અમને મળી આવ્યા.

આ સીદી છોકરાં-છોકરીઓ અતિ સામાન્ય પરિવારોમાંથી આવે છે. ઘણાનો પરિવાર જાંબુર-ગીરનું જંગલ છોડીને ભાગ્યે જ બહાર નીકળ્યો છે. અલફેઝ મકવાણાના પિતા કાચનો ધંધો કરે છે. ચાર બહેનો, દાદા-દાદી સહિતના પરિવારની તમામ જવાબદારી તેમના પર છે. સ્પોટ્ર્સમાં આવ્યાં પહેલાં અલફેઝ ઘરની પરિસ્થિતિ પ્રત્યે બેદરકાર રહેતો હતો. જંગલોમાં રખડવું તેની મુખ્ય પ્રવૃત્તિ હતી, પણ હવે તેનું તમામ ફોકસ માત્ર ઊંચી કૂદ અને ટ્રિપલ જમ્પની રમત પર કેન્દ્રિત છે. હુસૈન કુરેશીના પિતા હયાત નથી માટે માતા જ તેની તમામ જવાબદારીઓ અદા કરે છે. હુસૈન આ બાબત સારી રીતે સમજે છે. એટલે જ માના ખભા પરનો બોજ હળવો કરવા તે સ્પોટ્ર્સમાં આકરી મહેનત કરી રહ્યો છે. એક વર્ષ કરતાં પણ ઓછા સમયગાળામાં તેણે જિલ્લા કક્ષાએ ખેલ મહાકુંભમાં ગોલ્ડ મેળવીને રાજ્ય કક્ષાએ પોતાની દાવેદારી નોંધાવી દીધી છે. શાહીન દરજાદાના પરિવારની આર્થિક સ્થિતિ ભારે નબળી છે. તેના પિતા માર્કેટમાં માલ ભરેલા કોથળા ઊંચકે છે. તેની મોટી બહેન ફરઝાના ગિરનાર સ્પર્ધાની ચેમ્પિયન હોવાની સાથે લાંબા અંતરની દોડની પ્લેયર હતી, પણ પિતાને મદદ કરવા માટે તેણે રમતગમત છોડીને નોકરી સ્વીકારવાની ફરજ પડી હતી. હવે તેની અધૂરી ઇચ્છા શાહીન પર નિર્ભર કરે છે. પરિવાર ઇચ્છે છે કે શાહીન દેશ માટે મેડલ જીતે. અફરૃદ્દીનની કહાની થોડી અલગ છે. ગીરના જંગલમાં આવેલી હોટલોમાં રાત્રી દરમિયાન યોજાતાં ધમાલ નૃત્યના કાર્યક્રમોમાં તે ઢોલ વગાડવાનું કામ કરે છે. આ એકમાત્ર તેની આવકનું સાધન છે. કૉલેજ દરમિયાન તેની શારીરિક મજબૂતાઈ જોઈને તેના કોચ હરેશભાઈએ તેને જૂડોમાં આવવા સમજાવ્યો. આજે તે જૂડોમાં સિનિયર લેવલે અદ્ભુત પરફોર્મન્સ આપી રહ્યો છે. એટલું જ નહીં, તેની પાછળ બીજા ૭ જેટલા ખેલાડીઓ તૈયાર થઈ રહ્યા છે.

જૂનાગઢના વતની અને હાલ સ્પોટ્ર્સ ઑથોરિટી ઓફ ગુજરાતમાં રાજકોટ-મોરબી જિલ્લાની સ્કૂલોમાં ટૅક્નિકલ મેનેજર તરીકે સેવા આપતાં હરેશભાઈ સોલંકી કહે છે, ‘સામાન્ય રીતે સીદી સમાજ બચતમાં બહુ માનતો નથી. આથી અત્યાર સુધી કાયમી નોકરીની પણ તે પરવા નહોતો કરતો, પણ હવે જમાના સાથે તેઓ પણ પોતાનાં બાળકો સારું જીવન જીવતાં થાય તે માટે ચિંતા કરતાં થયા છે. જેમાં ખેલકૂદે તેમને બહુ મોટી મદદ કરી છે. હાલ સીદી સમાજના અનેક યુવાનો સ્પોટ્ર્સ ક્વોટામાં સરકારી નોકરી કરી રહ્યા છે. જેમ કે ડૉ. હાસમ ભાલિયા રાજકોટમાં પ્રોફેસર છે. યુનુસ રાયકા અને રફીક મકવાણા ઓએનજીસીમાં છે. યુનુસ રાયકાએ નેશનલ લેવલે ઓપન કૅટેગરીમાં ૧૦૦ મીટરની દોડ ૧૦.૦૬ સેકન્ડમાં પુરી કરેલી. ત્રણ યુવાનો અજિત રાયકા, જાવેદ ચૌહાણ અને અબ્દુલ મકવાણા રેલવેમાં છે. ફારુખ અને રઝાક ચોવટ પોલીસમાં, જ્યારે ઇલિયાસ બામણિયા પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા અને જુમ્મા મુસાંગરા પોસ્ટ વિભાગમાં સારી પોસ્ટ પર છે. આ બધા નેશનલ મેડલધારકો છે અને સ્પોટ્ર્સમાં આગળ હોવાને કારણે જ આટલી સારી નોકરી મેળવી શક્યા છે. હવે તેમની સફળતા જોઈને બીજા સીદી છોકરાં-છોકરીઓ, જે પહેલાં પ્રાથમિક શિક્ષણ પણ માંડ રાજી હતાં તે સ્પોટ્ર્સમાં આગળ આવ્યાં છે. છેલ્લાં ચારેક વર્ષમાં જિલ્લા અને ઍકૅડમી કક્ષાએ ૧૫૦ જેટલાં સીદી ખેલાડીઓને સ્પોટ્ર્સ ક્વોટામાં શિક્ષણનો લાભ મળ્યો છે.

કેવું હોય છે સ્પોટ્ર્સ ઑથોરિટીનું માળખું ?
સરળ ભાષામાં સમજવું હોય તો કહી શકાય કે સ્પોટ્ર્સ ઑથોરિટીએ દરેક સ્પર્ધામાં ઉંમર પ્રમાણે કક્ષાની વહેંચણી કરેલી છે. જેમ કે અંડર ૧૪-૧૭-૧૯ અને ઓપન. જેના વિજેતા ખેલાડીઓને ઍકૅડમીમાં મોકલાય છે. નડિયાદમાં ગોળાફેંક, ચક્રફેંક, લાંબી કૂદ, ઊંચીકૂદની તાલીમ અપાય છે જ્યારે દેવગઢબારિયામાં ૮૦૦, ૧૫૦૦, ૫ કિ.મી. અને ૧૦ કિ.મી. દોડની પ્રેક્ટિસ થાય છે. આ સિવાય ભાવનગરમાં બાસ્કેટબૉલ, હેન્ડબૉલ અને હિંમતનગરમાં વૉલીબૉલ તથા ફૂટબૉલની તાલીમ અપાય છે. અહીં તાલીમ લીધેલા ખેલાડીઓ પછી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરતાં હોય છે.

જોકે આખી પ્રક્રિયા બહુ લાંબી છે અને તેની તબક્કાવાર માહિતી આપતાં ગાંધીનગર સ્થિત સ્પોટ્ર્સ ઑથોરિટી ઓફ ગુજરાતના સચિવશ્રી ડી. ડી. કાપડિયા કહે છે, ‘અમારી આખી યોજના પિરામિડ પ્રકારની છે. જેમાં સાવ તળ લેવલેથી ખેલાડીને ટોચ પર પહોંચવા સુધીનું ચોક્કસ માળખું ગોઠવાયેલું છે. અમે દ્રઢપણે માનીએ છીએ કે ખેલકૂદનો પાયો જો મજબૂત કરવો હોય તો ખેલાડીઓમાં તેના પ્રત્યે જાગૃતિ લાવવી જરૃરી છે. એ માટે પ્રાથમિક શાળા સ્તરેથી જ ખેલકૂદનું એક માળખું હોવું જોઈએ. આ માટે અમે દરેક તાલુકા અને જિલ્લા લેવલે સ્પોટ્ર્સની સ્કૂલો શરૃ કરેલી છે જે અંતર્ગત દરેક તાલુકામાં એક, નગરપાલિકામાં બે અને મહાનગરપાલિકામાં પાંચ સ્કૂલોને અમે મંજૂરી આપેલી છે. તેમને બે ટ્રેનરો આપ્યા છે જેઓ બાળકોને રમતગમતનું પાયાનું શિક્ષણ આપે છે. એ જ રીતે જિલ્લા કક્ષાએ જે સારી શાળા હોય તેને ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોટ્ર્સ સ્કૂલ તરીકે માન્યતા આપી છે. ત્યાં તાલુકાની સ્કૂલોમાં તૈયાર થયેલા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને મોકલવામાં આવે છે. અહીંથી ટ્રેનિંગ લઈને તેઓ ખેલ મહાકુંભ સહિતની સ્પર્ધાઓમાં ભાગ લે છે. તેમાં જે ખેલાડીઓ વિજેતા થાય છે તેમની રાજ્ય લેવલે પ્રતિભાશોધ થાય છે. એમાં પસંદગી પામેલાં છોકરાંઓને જિલ્લા લેવલની સ્કૂલોમાં ઍડ્મિશન આપીએ છીએ. જ્યાં તેમની શારીરિક અને માનસિક ક્ષમતાને આધારે તેઓ કઈ રમતમાં સારું પ્રદર્શન કરી શકે તેમ છે તે નક્કી કરીને તૈયારી શરૃ કરી દેવાય છે. આ માટે અમે વિવિધ ૯ પ્રકારના બેટરી ટેેસ્ટ નક્કી કર્યાં છે જેના આધારે તેની ક્ષમતાનું માપન થાય છે. દા.ત., ઊંચાઈ વધારે હોય તે બાસ્કેટબૉલ અને વૉલીબૉલમાં સારું પ્રદર્શન કરી શકે. મજબૂત શરીર ધરાવતાં હોય તે બોક્સિંગ અને રેસલિંગમાં જઈ શકે છે. જેની ઝડપ સારી હોય તેને ઍથ્લેટિક્સમાં સારી તક હોય છે. દરેક સ્કૂલોને વધુમાં વધુ ૬ અને ઓછામાં ઓછી બે રમતો ફાળવી છે. એમાં પણ જે-તે વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીએ છીએ. જેમ કે, આદિવાસી વિસ્તાર હોય તો ઍથ્લેટિક્સ અને આર્ચરી આપીએ છીએ, કેમ કે ત્યાંના ખેલાડીઓમાં તે પ્રતિભા જન્મજાતની કક્ષાએ રહેલી હોય છે. જ્યારે શહેરી વિસ્તાર હોય તો ટેબલ ટેનિસ, ફૂટબૉલ, બૅડમિન્ટન ફાળવીએ છીએ. હાલ જિલ્લાની સ્કૂલોમાં ૫ હજાર જેટલાં છોકરાં-છોકરીઓ શિક્ષણની સાથે સ્પોટ્ર્સની તાલીમ લઈ રહ્યા છે. તેમાં આ વર્ષે વધુ બે હજારનું નામાંકન થશે. આ સ્કૂલોમાં વિદ્યાર્થીનાં ડાયટ, સ્ટેશનરી, કપડાં, હોસ્ટેલ, ફી સહિતની તમામ સગવડો આપવામાં આવે છે જેનો તમામ ખર્ચ સ્પોટ્ર્સ ઑથોરિટી ભોગવે છે. અહીં ખેલાડીઓને નેશનલ સ્કૂલ ગેમ્સ, ખેલો ઇન્ડિયા જેવી રમતો માટે તૈયાર કરવામાં આવે છે. જ્યાં તેમનું પ્રદર્શન અમુક લેવલ સુધી પહોંચે પછી તેને સીઓઈ(સેન્ટર ઓફ એક્સલન્સ)માં પસંદ કરવામાં આવે છે. જેમાં બે યોજનાઓ છેઃ એક રેસિડેન્સિયલ અને બીજી નોનરેસિડેન્સિયલ. જે છોકરાંઓને પોતાના વિસ્તારમાં રહીને તૈયારી કરવી છે તેમને આપણે નોનરેસિડેન્સિયલ સીઓઈ તરીકે આઇડેન્ટિફાય કરીએ છીએ. તેને આવવા-જવાનાં ભાડાં સહિતના ખર્ચ પેટે રૃપિયા ૪૬૫૦ સ્ટાઈપેન્ડ આપીએ છીએ જેથી તે સ્વતંત્ર રીતે ઘરની નજીકમાં જ રહીને તાલીમ લઈ શકે. બાકીના ખેલાડીઓને આપણે નડિયાદ, દેવગઢબારિયા, હિંમતનગર અને ભાવનગર ખાતેની એકૅડેમીમાં રેસિડેન્સિયલ સુવિધા આપીને તૈયાર કરીએ છીએ. જ્યાં નેશનલ લેવલના કોચની દેખરેખ હેઠળ તેમને તાલીમ અપાય છે. જેથી ભવિષ્યમાં ઑલિમ્પિક સહિતની રમતોના ખેલાડીઓ એમાંથી મળી શકે. આ માટે આપણે તેમને નેશનલ લેવલની દરેક રમતોમાં પ્રતિભા સાબિત કરવાની તક આપીએ છીએ. જેથી તેમને અનુભવ મળે, આત્મવિશ્વાસ વધે અને રમતનું પોતાનું સ્તર સુધારી શકે. એમાંથી જ પછી શક્તિદૂત ખેલાડીનું સ્ટેજ આવે છે. એશિયાડ, કોમનવેલ્થ, વર્લ્ડ ચેમ્પિયનશિપ, વર્લ્ડ કપ – જુનિયર, સિનિયરમાં ભાગ લેતાં થઈ જાય છે. આવા પસંદગીના ખેલાડીઓને આપણે રૃ. ૨૫ લાખ સુધીની સહાય આપીએ છીએ. જેથી તેને ભારત બહાર પણ કોચિંગ લેવું હોય તો લઈ શકે. રહેવાનું, જમવાનો ખર્ચ, સાધનો, ફિઝિયોથેરાપિસ્ટ સહિતનો ખર્ચ તેમાં આવી જાય છે. આમ સ્કૂલથી શરૃ કરીને શક્તિદૂત ખેલાડીઓનો ઑલિમ્પિક લેવલ સુધીનો આપણો લક્ષ્યાંક છે. હાલ જાંબુરના ૧૩ સીદી છોકરાંઓ સીઓઈ(સેન્ટર ઓફ એક્સલન્સ)માં પસંદગી પામીને જુદી-જુદી એકૅડેમીમાં તાલીમ લઈ રહ્યા છે. આ સિવાય જિલ્લા કક્ષાની રમતગમત શાળાઓમાં ૧૨ જેટલાં છે.

અહીં ઉલ્લેખનીય છે કે સ્પોટ્ર્સ ઑથોરિટીના સહકારને કારણે આજે આ સીદી ખેલાડીઓ અનેક યુવાનો માટે પ્રેરણારૃપ બન્યાં છે. શાળા અને ગામમાં તેમને માનપાન મળતાં થયાં છે. બહુ નાની ઉંમરમાં તેની ઓળખ ઊભી થઈ છે. ડૉ. ડી.ડી. કાપડિયાના જણાવ્યા મુજબ ઑલિમ્પિક, એશિયન, કોમનવેલ્થ ગેમ્સ જેવી આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં મેડલ મેળવે તો એને સરકારમાં ક્લાસ-૧-૨ વર્ગની નોકરી નક્કી હોય છે અને આ ખેલાડીઓમાં તે ક્ષમતા છે.

સીદી ખેલાડીઓ માટે સ્વપ્ન જેવી છે એકૅડેમીની સુવિધાઓ
સાયલી ચાંદ, જેણે ખેલ મહાકુંભ, જુનિયર નેશનલ ઍથ્લેટિક્સ-૨૦૧૮માં ૨૦૦ તથા ૪૦૦ મીટર દોડમાં અનુક્રમે ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવ્યો છે. તેના કોચને લાગે છે કે, તેની ફિટનેસ વિઘ્ન દોડ માટે વધુ સારી છે. આથી તે હવે એની તૈયારી કરી રહી છે. આ માટે તેને દેવગઢબારિયા સ્થિત સ્પોટ્ર્સ ઍકૅડેમીમાં ઍડ્મિશન અપાયું છે. અહીં મળતી સુવિધાઓ વિશે વાત કરતાં ચાંદ કહે છે, ‘અમારી ફિટનેસને ધ્યાનમાં રાખીને અહીં નાસ્તાથી લઈને ડિનર સુધીનું મેનુ નક્કી હોય છે. નાસ્તામાં ફળો, પાંૈઆથી લઈને ઈંડાંભુરજી, લંચમાં રાજમા-ચાવલ, પનીર, મટન-ચિકન, બિરિયાની અને બીજી હેલ્ધી સબ્જી હોય છે. ડિનરમાં પણ એ જ રીતે ડાયટને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રકારનાં શાકભાજી, ખીચડી-કઢી વગેરે નક્કી હોય છે. આ સિવાય પ્રેક્ટિસ દરમિયાન સ્પોટ્ર્સ ડ્રિન્ક્સ અને બ્રેકફાસ્ટ તો ખરા જ. અમારા માટે આ બધું સ્વપ્નની દુનિયા જેવું છે. કેમ કે જાંબુરમાં અમને આવી સુવિધાઓ મળે તેવો વિચાર પણ ન આવે. અહીં હું વધારે સારી રીતે પ્રેક્ટિસ કરી રહી છું.

ચાંદની વાતમાં વાસ્તવિકતાની ઝલક જોવા મળે છે. કેમ કે સીદી સમાજ મોટા ભાગે જંગલમાં રહે છે જ્યાં તેમને આજીવિકાની સમસ્યા વર્ષોથી નડી રહી છે. ઘણા પરિવારો તો રોજનું લાવીને રોજ ખાય છે. એવામાં ફિટનેસ માટે યોગ્ય ડાયટની તો કલ્પના પણ ક્યાંથી થાય? ખેતમજૂરી જ તેમની આજીવિકાનો એકમાત્ર સ્ત્રોત હોવાથી ખેતી સિવાયના દિવસોમાં બેકાર બેસી રહેવું પડે છે. શિક્ષણનું પ્રમાણ આજે પણ બહુ ઓછું છે. મોટા ભાગનાં છોકરાંઓ પ્રાથમિક શિક્ષણથી આગળ વધતાં નથી. બહુબહુ તો બારણા ધોરણ સુધી ભણ્યા બાદ ખેતમજૂરીમાં લાગી જાય છે. કેટલાક છોકરાં ગીર આસપાસની હોટલોમાં ધમાલ નૃત્યના કાર્યક્રમો કરવા જાય છે. જેમાં તેમને ખર્ચ પૂરતાં રૃપિયા મળે છે. એક સમયે હોટલોવાળા રૃપિયા આપીને તેમને કાર્યક્રમ કરવા બોલાવતા હતા, પણ હવે તેમને કોઈ ગરજ રહી નથી. પરિણામે સીદી યુવાનો સામેથી હોટલોમાં ફોન કરીને મહેમાન આવ્યા હોય તો સ્વખર્ચે મનોરંજન કરવા પહોંચી જાય છે. જ્યાં હોટલોવાળા તેમને એક રૃપિયો પણ આપતાં નથી. માત્ર મહેમાનો રાજી થઈને તેમને જે આપે તે લઈ લેવાના હોય છે.

લોબી શહેનાઝ ગોળાફેંક અને ચક્રફેંકની નેશનલ કક્ષાની ખેલાડી છે. આ રમતમાં જાંબુરમાંથી તે એકમાત્ર ખેલાડી છે જે નેશનલ લેવલે મેડલ જીતી હોય. પોતે આ રમતમાં કેવી રીતે આવી તેની વાત કરતાં શહેનાઝ કહે છે, ‘ત્રીસેક વર્ષ પહેલાં જાંબુરમાંથી કેટલીક છોકરીઓએ સ્પોટ્ર્સમાં જવા પ્રયત્ન કર્યો હતો, પણ સફળ નહોતી થઈ. હાલ ગોળાફેંક-ચક્રફેંકની રમતમાં હું એકમાત્ર નેશનલ કક્ષાએ મેડલ ધરાવું છું તે બાબત મને અન્યો કરતાં વિશિષ્ટ બનાવે છે. લોકો મને સન્માનની નજરે જુએ છે જે મારા માટે બહુ મોટી વાત છે. બાકી અમારી અનેક પેઢીઓ જંગલમાં જ જીવી અને મૃત્યુ પામી છે.

ઍથ્લેટિક્સના જૂનાગઢ સ્થિત ફ્રી કોચ અસ્મિતા વડેસા કહે છે, ‘રાજ્ય સરકાર આ સીદી ખેલાડીને પૂરતી સુવિધાઓ આપે છે. જે ખેલાડી સતત સારું પરિણામ આપતો રહે છે તેના માટે ઍકૅડેમી સુધીની સગવડ પણ છે. સરકાર એક ખેલાડી પાછળ વર્ષે ૨.૫ લાખ રૃપિયા ખર્ચે છે. એટલે જે તે રમતના બેસ્ટ ખેલાડીને તેનો લાભ મળતો જ હોય છે.

આ સીદી ખેલાડીઓ પાસેથી તમને કેવી આશા છે એવો સવાલ જ્યારે અમે સ્પોટ્ર્સ ઑથોરિટી ઓફ ગુજરાતના સચિવશ્રી ડી. ડી. કાપડિયાને પૂછ્યો ત્યારે તેમનો જવાબ ટિપિકલ સરકારી અધિકારી કરતાં તદ્દન જુદો હતો. તેમના અવાજમાં એક ચોક્કસ દિશામાં લેવાઈ રહેલાં નક્કર પગલાંનો રણકો સ્પષ્ટ સાંભળી શકાતો હતો. તેમણે કહ્યું, ‘આ સીદી ખેલાડીઓ પાસેથી મને બહુ મોટી આશા છે. તેમનામાં રહેલી ક્ષમતા જોતાં ભવિષ્યનો યુસેન બોલ્ટ કે યોહાન બ્લેક તેમનામાંથી આવશે તો મને નવાઈ નહીં લાગે. હાલ તેઓ જે રીતે મહેનત કરી રહ્યાં છે તેને ધ્યાનમાં રાખીને ટૂંક જ સમયમાં અમે તાલાળામાં ઇન સ્કૂલ શરૃ કરવા જઈ રહ્યાં છીએ. અહીં તેમની એક આશ્રમ શાળા છે જેને અમે ઇનસ્કૂલ આપવા માગીએ છીએ. જેથી નાનપણથી જ એકસાથે ૨૦૦-૨૫૦ છોકરાંઓને તૈયાર કરી શકાય. અહીં જાંબુરના જ મેડલ વિજેતા છોકરાંં-છોકરીઓને આપણે ગ્રેજ્યુએશન બાદ ટ્રેનર તરીકે નોકરી આપીશું. જેથી તેમનો આજીવિકાનો પ્રશ્ન પણ હલ થાય અને તેમને જોઈને અન્ય સીદી બાળકો પણ સ્પોટ્ર્સમાં જવા પ્રેરાય. હાલમાં જ ૯-૧૦ માર્ચના રોજ તાલાળામાં અમે એક કૅમ્પ યોજ્યો હતો. જેમાં બીજા પણ અનેક પ્રતિભાશાળી સીદી ખેલાડીઓ અમને મળી આવ્યાં છે. આ સીદી ખેલાડીઓ એ બાબત સારી રીતે સમજે છે કે, આ પ્રકારની સુવિધાઓ તેમને બીજે ક્યાંય મળે તેમ નથી. માટે જ તેઓ ગંભીરતાથી મહેનત કરી રહ્યાં છે અને તેનું પરિણામ ટૂંક જ સમયમાં દેશને મેડલના સ્વરૃપમાં જોવા મળશે.
———————–

Leave A Reply

Your email address will not be published.

Translate »