તમારા માટે, તમારી સાથે, સતત…

સૌરાષ્ટ્રની સાત બેઠકો ફરી કબજે કરવા ભાજપને કપરાં ચઢાણ

ભાજપે ચૂંટણી પહેલાં સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના દિગ્ગજોને કેસરિયો ખેસ પહેરાવીને સમીકરણો બદલવાની કોશિશ કરી છે

0 434

ચૂંટણીની ચોપાટ – દેવેન્દ્ર જાની

ગત લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને વડાપ્રધાનના તખ્તા પર બેસાડવા માટેનો જુવાળ હતો તેના કારણે સૌરાષ્ટ્રની લોકસભાની તમામ સાત બેઠકો પર કેસરિયો લહેરાયો હતો. વર્ષ ર૦૧૪ બાદ હવે ર૦૧૯ની ચૂંટણી આવી છે ત્યારે રાજકીય અને સામાજિક સમીકરણો બદલાયાં છે. ભાજપે ચૂંટણી પહેલાં સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના દિગ્ગજોને કેસરિયો ખેસ પહેરાવીને સમીકરણો બદલવાની કોશિશ કરી છે, પણ સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને ક્લિન સ્વિપ કરવાનો રાહ આસાન નથી.

ભાજપની ટોચની નેતાગીરીએ ગુજરાત પર પક્ષનો દબદબો બરકરાર રાખવા માટે હંમેશાં સૌરાષ્ટ્ર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સૌરાષ્ટ્ર એ ભાજપનો ગઢ ગણાય છે, પણ ગત ર૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં ખાસ કરીને પાટીદાર આંદોલનના કારણે લગભગ પચાસ ટકા જેટલી બેઠકો કોંગ્રેસે કબજે કરતા ભાજપને મોટંુ રાજકીય નુકસાન ગયું હતું. હાલ જોકે પાટીદાર આંદોલન ઠંડું પડી ગયંુ છે આમ છતાં અન્ય સામાજિક અને રાજકીય કારણોસર આ વખતે ર૦૧૯ની ચૂંટણીમાં ભાજપે સૌરાષ્ટ્રની તમામ બેઠકો પર જીત મેળવવાનો જે લક્ષ્યાંક રાખ્યો છે એ પુરો કરવો આસાન નહીં હોય. જોકે ભાજપે આ પ્રતિષ્ઠાભર્યા જંગ માટે સૌરાષ્ટ્રને ફોકસ કરી રાજયસ્તરે ખૂબ વહેલી તૈયારીઓ શરૃ કરી દીધી હોવાથી ભાજપનો હાથ ઉપર રહેશે તેવા સંકેતો મળી રહ્યા છે. ભાજપે ર૦૧૯નો જંગ જીતવા માટે સૌરાષ્ટ્રમાં મોટા ભાગની સીટ પર રિપીટ થિયરી અપનાવી જૂના જોગી પર ભરોસો મૂક્યો છે તો કોંગ્રેસ યુવા અને નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી રહી છે.

રાજકોટનો ગઢ ભાજપ જાળવી શકશે?
રાજકોટ લોકસભા મતક્ષેત્ર એ ભાજપનો ગઢ ગણાય છે. છેલ્લા સાડા ત્રણ દાયકામાં એક માત્ર વર્ષ ર૦૦૯ને બાદ કરતાં આ સીટ પર સતત ભાજપના ઉમેદવાર રાજકોટ લોકસભા બેઠક પરથી જીતતા આવ્યા છે. વર્ષ ર૦૦૯માં કુંવરજીભાઈએ આ સીટ કોંગ્રેસના ઉમેદવાર તરીકે જીતી ત્યારે ભાજપની નેતાગીરી ચોંકી ઊઠી હતી. જોકે હવે ખુદ બાવળિયા ભાજપના કેમ્પમાં આવી ગયા છેે. રાજકોટ એ સંઘ અને ભાજપ માટે મહત્ત્વનું કેન્દ્ર છે. રાજકોટ જિલ્લામાં ભાજપનું મજબૂત સંગઠન છે. ભાજપે કડવા પટેલ સમાજમાંથી આવતા વર્તમાન સાંસદ મોહનભાઈ કુંડારિયાને ફરી એક વાર ટિકિટ આપીને મેદાનમાં ઉતાર્યા છે. એક સાંસદ તરીકે તેમનું પરફોર્મન્સ સારું રહ્યું છે. સંસદમાં ૯૩ ટકા તેમની હાજરી રહી છે અને ૧૬ ડિબેટમાં ભાગ લીધો હતો અને ર૬૧ પ્રશ્નો પૂછ્યા હતા. કેન્દ્રની મોદી સરકારમાં પ્રધાન પણ રહી ચૂક્યા છે. વાત કરીએ કોંગ્રેસની તો હજુ સત્તાવાર ઉમેદવાર જાહેર કર્યા નથી, પણ પડધરીના ધારાસભ્ય લલિત કગથરાનું નામ મોખરે છે. એટલંુ નક્કી છે કે રાજકોટ બેઠક પર બે પટેલ ઉમેદવારો વચ્ચે ટક્કર થશે. કોંગ્રેસનું સંગઠન રાજકોટ શહેર અને જિલ્લામાં ખૂબ જ નબળું છે. ચાર મહિના પહેલાં જ જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ગુજરાત કોંગે્રસે ખૂબ મહેનત કરી હોવા છતાં હાર થઈ હતી. કોંગ્રેસના રાજકોટ વિસ્તારના એક માત્ર મોટા નેતા કુંવરજી બાવળિયા હતા તે હાલ ભાજપની છાવણીમાં છે અને કેબિનેટ મંત્રી છે. આ ચૂંટણીમાં કુંવરજીભાઈનું ફેક્ટર કોંગ્રેસને ખાસ્સું નુકસાનકર્તા સાબિત થશે તેવા રાજકીય ગણિત મુકાઈ રહ્યા છે.

રાજકોટ સંસદીય મતક્ષેત્રમાં રાજકોટ શહેરની કુલ ૪ ઉપરાંત જસદણ, વાંકાનેર અને પડધરી એમ સાત વિધાનસભા વિસ્તાર આવે છે. તેમાંથી પાંચ બેઠક ભાજપ પાસે અને માત્ર બે વાંકાનેર અને પડધરી કોંગ્રેસ પાસે છે. સામાજિક સમીરકરણો જોઈએ તો કુલ ૧૮.૬પ લાખ મતદારો છે તેમાં સૌથી વધુ પ.પ૦ લાખ મતદારો છે અને બીજા નંબરે કોળી ૩ લાખ મતદારો છે. આ બેઠક પર જીતનો મદાર રાજકોટ શહેરના આશરે આઠ લાખ જેટલા મતદારો પર રહેલો છે. રાજકોટમાં ભાજપ સંગઠન મજબૂત હોવાથી કોંગ્રેસ માટે એક મોટો પડકાર સાબિત થઈ શકે તેમ છે. આ સીટ પર સ્થાનિક સમસ્યાઓ કરતાં જ્ઞાતિવાદનાં સમીકરણો પ્રચારમાં હાવી રહેશે.

Related Posts
1 of 269

જામનગરમાં પાટીદાર અને આહીર સમાજ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ
જામનગર બેઠક પર છેલ્લી ત્રણ ટર્મથી આહીર સમાજનું પ્રભુત્વ છે. બે ટર્મ વિક્રમ માડમ અને છેલ્લી ટર્મમાં પૂનમ માડમ ચૂંટાયાં હતાં, પણ આ વખતે સામાજિક અને રાજકીય સમીકરણો બદલાયાં છે. પાટીદાર સમાજ તેની આ પરંપરાગત બેઠક પર ફરી કબજો જમાવવા માગે છે, કારણ કે અગાઉ ચંદ્રેશ પટેલ ત્રણ વખત જીત્યા હતા. જામનગર અને દ્વારકા એમ બે જિલ્લા આ સંસદીય મતક્ષેત્રમાં આવે છે. કુલ ૧૬.૩પ લાખ મતદારો છે તેમાંથી સૌથી વધુ પાટીદારો ર.પ૦ લાખ મતદારો છે. બીજા ક્રમે મુસ્લિમ અને આહીર આવે છે. આહીર સમાજના આશરે ર.૬પ લાખ મતદારો છે. જામનગર જિલ્લાની સાત વિધાનસભાની સીટમાંથી હાલ ચાર ભાજપ પાસે અને ત્રણ કોંગ્રેસ પાસે છે જ્યારે જામનગર અને દ્વારકા જિલ્લા પંચાયત કોંગ્રેસ પાસે છે. પાટીદારોના પ્રભાવવાળી જામનગર લોકસભા બેઠક હોવાથી કોંગ્રેસ હાર્દિક પટેલને આ સીટ પરથી ઉતારવા માગે છે, પણ હાલ હાર્દિકની ઉમેદવારી કાનૂની ગૂંચમાં ફસાઈ હોવાથી કોંગ્રેસે આ લખાય છે ત્યાં સુધીમાં કોઈના નામની જાહેરાત નથી કરી. જો હાર્દિક પટેલ ન લડે તો આ સીટ પર કોંગ્રેસ વિક્રમ માડમને ઉતારે તેવી શક્યતા છે. જો આમ થાય તો ફરી એક વાર માડમ પરિવારના સભ્યો વચ્ચે જંગ જામશે. ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપના પૂનમ માડમ અને વિક્રમ માડમ વચ્ચે જંગ થયો હતો તેમાં ભત્રીજીએ કાકાને હાર આપી હતી. હાર્દિક આ બેઠક પરથી ઝુકાવે તેવી શક્યતાને લઈને ભાજપે પણ રણનીતિના એક ભાગરૃપે જામનગર ગ્રામ્યના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજાને પ્રધાન બનાવી દીધા અને જામનગર ગ્રામ્યના કોંગ્રેસના ધારાસભ્ય વલ્લભભાઈ ધારવિયાને ભાજપના કેમ્પમાં લઈ લીધા છે. ધારવિયા સથવારા સમાજના છે અને જામનગર લોકસભામાં આ સમાજના મતદારોની સંખ્યા સારી એવી છે. સામાજિક સમીકરણો એવા રચાયા છે કે આ બેઠક પર પાટીદાર અને આહીર સમાજ વચ્ચે વર્ચસ્વની લડાઈ જામી છે.

અમરેલી બેઠક ભાજપ માટે અઘરી
સૌરાષ્ટ્રમાં અમરેલી બેઠક ભાજપ માટે બી ગ્રેડની કહેવામાં આવે છે. અમરેલી વિધાનસભાના વિપક્ષી નેતા પરેશ ધાનાણીનો વિસ્તાર છે અને પાટીદારોનો આખા સંસદીય મતવિસ્તાર પર પ્રભાવ છે. ર૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે આ બેઠક કબજે કરી હતી, પણ ર૦૧૯ની સ્થિતિ જુદી છે. ર૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં જિલ્લાની એક પણ વિધાનસભા સીટ પર ભાજપે જીત મેળવી ન હતી. અમરેલી જિલ્લા પંચાયત પણ હાલ કોંગ્રેસ પાસે છે. ભાજપે બે ટર્મથી જીતી રહેલા નારણ કાછડિયાને ત્રીજી વખત ટિકિટ આપી મેદાનમાં ઉતાર્યા છે. આમ રાજકીય અને સામાજિક સમીકરણો જોતાં અમરેલી લોકસભાની બેઠક પર નારણ કાછડિયાની હેટ્રિક કરવી ભાજપ માટે આસાન નહીં હોય. ભલે પાટીદાર આંદોલન હાલ ઠંડું પડી ગયું હોય પણ ગ્રામીણ લોકો અને ખેડૂતોમાં સરકાર સામે રોષ છે. કોંગ્રેસ આ અમરેલીની બેઠક માટે પૂર્વ કેન્દ્રીય મંત્રી મનુભાઈ કોટડિયાના પુત્ર સુરેશ કોટડિયાને અથવા તો વિપક્ષી નેતા પરેશ ધાનાણીને પણ ટિકિટ આપે તેવી શક્યતા નકારાતી નથી. એક તબક્કે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જેનીબહેન ઠુંમરનું નામ આ બેઠકની દાવેદારીમાં આગળ હતું, પણ હવે રેસમાંથી નીકળી ગયંુ હોવાનું સ્થાનિક આગેવાનો કહી રહ્યા છે. એટલું નક્કી છે કે અમરેલી બેઠક પર બે લેઉવા પટેલ ઉમેદવારો વચ્ચે ટક્કર રહેશે. અમરેલી સંસદીય ક્ષેત્રમાં કુલ ૧૬.૧૮ લાખ મતદારો છે તેમાંથી સૌથી વધુ સાડા ત્રણ લાખ જેટલા પાટીદાર સમાજના છે. બીજા નંબરે આશરે ર લાખ કોળી અને ૧ લાખ દલિત અને ૧ લાખ આહીર મતદારો છે. અમરેલી એ ભાજપના દિગ્ગજ નેતાઓનો વિસ્તાર કહેવાય છે. કેન્દ્રીય મંત્રી પરસોતમ રૃપાલા અને દિલીપ સંઘાણી આ વિસ્તારનું નેતૃત્વ કરી રહ્યા હોવા છતાં ભાજપ માટે જીતવી એ આસાન નથી.

જૂનાગઢમાં જવાહર ચાવડાનું ફેક્ટર કોંગ્રેસને નડશે?
વાત કરીએ જૂનાગઢ બેઠકની તો એક તબક્કે આ બેઠક પાટીદારોના કબજા હેઠળની કહેવાતી હતી. ભાવનાબહેન ચીખલિયા ચાર વખત આ બેઠક પરથી લોકસભા જીત્યાં છે, પણ હવે સામાજિક સમીકરણો બદલાઈ ચૂક્યા છે. ગત લોકસભામાં યુવા કોળી નેતા રાજેશ ચુડાસમાને ભાજપે લડાવ્યા હતા અને કોળી નેતા પૂંજાભાઈ વંશને હાર આપી હતી. ગત ચૂંટણીમાં બે કોળી નેતા વચ્ચે જંગ હતો. ર૦૧૯માં ભાજપે ગુજરાતના ઉમેદવારોની જે પહેલી યાદી બહાર પાડી તેમાં જૂનાગઢના ઉમેદવારનું નામ ન હતું. મતલબ કે ભાજપ આ બેઠક પર ઉમેદવાર બદલવા માાગે છે. આ લખાય છે ત્યાં સુધીમાં ભાજપ કે કોંગ્રેસ કોઈએ જૂનાગઢ માટે નામ સત્તાવાર નામ જાહેર કર્યા નથી. જૂનાગઢ લોકસભા મતક્ષેત્રમાં કુલ ૧૬.ર૮ લાખ મતદારો છે. તેમાંથી સૌથી વધુ કોળી ર.૪પ લાખ મતદારો છે. બીજા ક્રમે ર  લાખ પટેલ અને ૧ લાખ જેટલા કારડિયા રજપૂત અને ૧.૭૦ લાખ મુસ્લિમ મતદારો છે. તાલાલાના ધારાસભ્ય ભગાભાઈ બારડને પણ કોંગ્રેસ આ બેઠક પરથી લડાવી શકે છે. અગાઉ તેમના ભાઈ જશુભાઈ લોકસભા જીતી શક્યા છે. જોકે કોળી મતદારો વધારે હોઈ સ્થાનિક કોંગી આગેવાનો કોળી ઉમેદવારોનો આગ્રહ રાખી રહ્યા છે. જોકે જૂનાગઢ લોકસભા બેઠક પર જવાહર ચાવડાનું ફેક્ટર સૌથી વધુ કોંગ્રેસને નુકસાન કરશે. જૂનાગઢ જિલ્લામાં જવાહર ચાવડા એ કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા. માણાવદર ધારાસભા બેઠક પરથી તેઓ સતત ચાર વખત ચૂંટાયા છે. ભાજપે જવાહર ચાવડાને કેસરિયા કેમ્પમાં ભેળવી દીધા. એટલું જ નહીં, કેબિનેટ મિનિસ્ટર બનાવતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.

સુરેન્દ્રનગરમાં ભાજપને નવો ચહેરો ફળશે કે કેમ?
કપાસ ઉગાડતા જિલ્લા તરીકે દેશભરમાં જાણીતા સુરેન્દ્રનગર જિલ્લામાં ખેતી ભાંગી રહી છે. પાણી અને સ્થાનિક સુવિધાઓના અભાવે સુરેન્દ્રનગર એ સૂકા વિસ્તારમાં તબદીલ થઈ ગયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં રાજકીય નેતાઓ પ્રત્યે લોકોમાં ભારોભાર રોષ છે. પાંચ વર્ષમાં સુરેન્દ્રનગર જિલ્લામાં મોટી રાજકીય ઊથલપાથલ થઈ છે. ભાજપે એક સાંસદ તરીકેની કામગીરીમાં નિષ્ફળ ગયેલા દેવજી ફતેપરાની ટિકિટ કાપીને નવા ચહેરા તરીકે સ્થાનિક તબીબ ડૉ. મહેન્દ્ર મુંજપરાને મેદાનમાં ઉતાર્યા છે. દેવજી ફતેપરા નારાજ છે. જોકે ભાજપ નેતાઓ કહે છે, ફતેપરાથી નારાજગીથી કોઈ ફેર નહીં પડે. સામે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ ભાજપના ઉમેદવારની નારાજગીનો ફાયદો ઉઠાવવા માગે છે, પણ કેટલો લઈ શકશે તે તો સમય જ કહેશે. કોંગ્રેસે આ લખાય છે ત્યાં સુધીમાં સુરેન્દ્રનગર સીટના ઉમેદવાર જાહેર નથી કર્યા, પણ એટલું નક્કી છે કે બે કોળી ઉમેદવારો વચ્ચે જંગ થશે. કોળી મતદારોના પ્રભાવવાળી આ સીટ છે. ધારાસભ્ય સોમા ગાંડા અથવા લાલજી મેરને કોંગ્રેસ મેદાનમાં ઉતારી શકે છે. લોકસભાની સાથે ધ્રાંગધ્રા ધારાસભાની પણ પેટા ચૂંટણી આવી રહી છે. ધ્રાંગધ્રા સીટ પર કોંગ્રેસના ધારાસભ્ય સાબરિયા જીત્યા હતા, પણ તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપનો સાથ લીધો છે. સુરેન્દ્રનગર સંસદીય મતક્ષેત્રમાં કુલ ૧૮.૩૬ લાખ મતદારો છે. તેમાં સૌથી વધુ ત્રીસ ટકા જેટલા કોળી અને બીજા નંબરે ક્ષત્રિય મતદારો છે. રાજકીય પક્ષો જ્ઞાતિના ગણિત મુજબ આ બેઠક પર ઉમેદવારો મુકે છે.

પોરબંદરમાં પાટીદારોને રિઝવવા પક્ષોની મથામણ
મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં લોકસભાની ચૂંટણીની રાજકીય ગરમી જોર પકડી રહી છે, પણ ચર્ચામાં ક્યાંય ગાંધી નહીં, પણ જ્ઞાતિવાદનો મુદ્દો છે. છેક ગોંડલ ધારાસભા સુધીનો પાટીદાર પ્રભુત્વવાળો વિસ્તાર આ બેઠકમાં આવે છે, એટલે ભાજપ અને કોંગ્રેસ સ્થાનિક મહેર સમાજના બદલે પટેલ ઉમેદવારને પસંદ કરે છે. બંને પક્ષની કવાયત પાટીદારોને પોતાની તરફે વાળવાની છે. ભાજપના વર્તમાન સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા એક દિગ્ગજ નેતા છે, પણ હાલ તેમની નાદુરસ્ત તબિયત છે. ભાજપ રાદડિયા પરિવારમાંથી અન્ય કોઈને ઉમેદવાર બનાવી શકે છે તો કોંગ્રેસ ધોરાજીના ધારાસભ્ય અને પાટીદાર આંદોલનના લીડર લલિત વસોયાને સંકેત આપતા તેઓ પ્રચારમાં છેલ્લા એક મહિનાથી કામે લાગી ગયા છે. જોકે કોંગ્રેસમાં તેમના નામની સત્તાવાર જાહેરાત હજુ થઈ નથી. પોરબંદર સંસદીય ક્ષેત્રમાં માણાવદર વિધાનસભા મતવિસ્તાર પણ આવે છે. માણાવદર સીટની પેટા ચૂંટણીમાં ભાજપ તરફથી જવાહર ચાવડા ઉમેદવાર હાઈ તેનો લાભ ભાજપને સીધો મળશે, કેમ કે માણાવદર એ જવાહરભાઈનો ગઢ કહેવાય છે.

ભાવનગરમાં ભાજપને ભારતીબહેન પર ભરોસો
ભાવનગર એ કોળી પ્રભાવિત લોકસભાની સીટ છે. ભાજપે વર્તમાન સાંસદ ડૉ. ભારતીબહેન શિયાળને ચૂંટણી જીતી શકશે તેવો ભરોસો હોવાથી ફરી એક વાર ટિકિટ આપીને રિસ્ક લીધું છે. પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીનો આ વિસ્તાર હોઈ ઉપરાંત ભાજપ સંગઠન પણ મજબૂત છે. ભાવનગર લોકસભા મતક્ષેત્રમાં કુલ ૧૭.પ૭ લાખ મતદારો છે. તેમાંથી પ.રપ લાખ કોળી મતદારો અને બીજા ક્રમે ર.પ૦ લાખ પટેલ મતદારો છે. ભાવનગર એ ભાજપ માટે એ ગ્રેડની સીટ કહેવાય છે. કોળી નેતા કુંવરજી બાવળિયા ભાજપમાં જોડાયા બાદ આ સીટ ભાજપ માટે વધુ સલામત બની છે. કોંગ્રેસે આ સીટ માટે આ લખાય છે ત્યાં સુધીમાં ઉમેદવારની જાહેરાત કરી નથી, પણ કોંગ્રેસ કોળી અથવા કોઈ ક્ષત્રિય નેતાને ટિકિટ આપે તેવી શક્યતા છે.
————————-

Leave A Reply

Your email address will not be published.

Translate »