તમારા માટે, તમારી સાથે, સતત…

પ્રકૃતિ સાથેની આપણી સગાઈ

આપણી પોતાની અંદર જે લીલીછમ વાડીનો અહેસાસ આપણને થવો જોઈએ

0 470
  • પંચામૃત – ભૂપત વડોદરિયા

આપણે મોટા ભાગે તો, સૂરજ આપણા ઘરમાં ક્યાંય ડોકાઈ જ ન શકે તેવી જડબેસલાક વ્યવસ્થા કરી છે. મોટા ભાગનાં ઘરો છુપાઈ જવાનાં આશ્રયસ્થાન જેવાં બનતાં જાય છે. બધી જ બારીઓ પર પડદા, જ્વલ્લે જ બારી ખૂલે – સૂર્યનું તો ઠીક, ઘરમાં રહેતો કોઈ માણસ પણ માથું બહાર કાઢી જ ન શકે. ઘરમાં એક પ્રકારનો અંધકારઊભો કરવામાં જાણે આપણને અભયની એક લાગણી થાય છે! કોઈને બારી ખોલવાનું કહો તો એ કહેશે કે તમે જાણતા નથી, પણ સૂરજનો તડકો એકલો થોડો આવે છે? એની પાછળ કેટકેટલાં જીવજંતુ દાખલ થઈ જાય, પણ બારીઓ બંધ હોય તોપણ ઘરમાં જ ક્યાંક ને ક્યાંક નાનાં જીવજંતુઓ તો હાજર હોય જ છે. મચ્છર જેવા રોગ ફેલાવનારાં જંતુઓ સામે સાવધાની બરાબર છે, પણ છેવટે આ બધાંથી સંપૂર્ણપણે સુરક્ષિતઅલિપ્ત થવાનું શક્ય જ નથી. પરદેશથી થોડા દિવસો માટે પાછાં ફરેલાં આપણા સગાંસંબંધીઓ અને મિત્રો તેમની સાથે શુદ્ધ પાણીલઈને ઘૂમતાં હોય છે. અહીંનું પાણી તેમને પીવાલાયક લાગતું નથી. એ વાત ચોક્કસ સાચી છે કે દૂષિત જળ વાટે રોગો માણસના શરીરમાં દાખલ થાય છે, ફેલાતા પણ હોય છે, પણ શુદ્ધ જળનો આપણો આગ્રહ છેવટે જળના શુદ્ધ સ્ત્રોતો સુધી પહોંચવો જોઈએ અને આ બાબતમાં તો આખી દુનિયામાં ઓછેવત્તે અંશે જે સમસ્યા ઊભી થઈ છે તે ઔદ્યોગિકીકરણની છે અને તેને એક શિક્ષા તરીકે સ્વીકારી લેવી પડી છે, પણ આ તો અલગ મુદ્દો છે. મૂળ મુદ્દો એ છે કે માણસ કાચના બંધ કૂંપામાં જ નીરોગી રહી શકે – જીવી શકે એ જાતની વૃત્તિ કેળવવાનું વલણ ખોટું છે.

Related Posts
1 of 281

પ્રકૃતિ સાથેની આપણી સગાઈ ફરી ઓળખવાની-સમજવાની ઘડી આવી પહોંચી છે. સૂર્ય, ચંદ્ર, તારા, ધરતી, વૃક્ષો – આ બધાં ફરી આપણે આપણા જીવનમાં યથાસ્થાને ગોઠવવાની જરૃર છે. જીવનને માત્ર પોષણ જ નહીં, બળ આપવાની તેની શક્તિ વિશે હવે ખુદ વિજ્ઞાનીઓને પણ શંકા રહી નથી. મહાન રશિયન નવલકથાકાર ફાઇડોર દોસ્તોવસ્કીએ કહ્યું છે ઃ હું રાતે આકાશમાં તારાઓને જોઉં છું ત્યારે જિંદગી એટલી સુંદર લાગે છે! આકાશ કેટલું સુંદર-કેટલું અદ્ભુત છે! પણ ધરતી પર હું જોઉં છું અને લાગે છે કે કેટલું કદરૃપું, કેટલું ગંદું આપણુ જીવન છે. કેટલી ક્ષુદ્રતા, કેટલી હીનતા, ચારે તરફ ગંદકી અને માણસ-માણસ વચ્ચે વેરઝેર!રશિયાના ટૂંકી વાર્તાના એવા જ એક મહાન લેખક એન્ટન ચેખોવની એક વાર્તા છે – લાઈટ્સ. આમાં પણ અનંત કાળના આકાશના અદ્ભુત સૌંદર્ય નીચે, પ્રકૃતિની શાંત સંગીતસભર શોભા વચ્ચે માણસની ઇચ્છાઓ, આકાંક્ષાઓ અને પુરુષાર્થનું કીડિયારું કેટલું અલ્પ અને અર્થહીન લાગે છે એનું હૃદયસ્પર્શી દર્શન જોવા મળે છે.

આપણા ઘરની આંતરિકસજાવટ અને આપણા જીવનની બાહ્ય સજાવટમાં ભૌતિક સુખસગવડોનો આપણો ખ્યાલ મુખ્ય રહ્યો છે, પણ આપણી પોતાની અંદર જે લીલીછમ વાડીનો અહેસાસ આપણને થવો જોઈએ તે થતો નથી. કેમ કે એને પાણી અને પોષણ આપનારાં તત્ત્વોની ઉપેક્ષા જ થતી રહી છે. પ્રકૃતિ જ માતા છે અને પોષણ તેની પાસેથી જ મેળવવાનું છે. આપણે તો પ્રકૃતિની નજીક જઈ શકતા નથી. સમય નથી, વિશેષ તો ઇચ્છા નથી. પંખીઓ, વૃક્ષો, ફૂલો બધું જ અદ્રશ્ય થઈ ગયું છે. પશુઓ હવે ઘર, ખેતર કે સીમની કોઈ શોભા રહ્યાં નથી. કેટલાંક પ્રાણીઓ મહાનગરના રસ્તા ઉપરની અડચણો તરીકે, નધણિયાતાં, કાં તો બેઠાં હોય છે કે ઘૂમી રહ્યાં હોય છે. બીજાં કેટલાંક માત્ર માલસામાનનાં વાહનોનો ભાગ બની ગયા છે. આ આખો સવાલ તો બહુ વ્યાપક અને અટપટો છે, પણ માણસોએ પોતપોતાની રીતે પ્રકૃતિ સાથેની સગાઈ ફરી જીવતી કરવાનો વિચાર કરવો પડશે અને આજે જ્યારે આપણે બધા જ જીવનસંઘર્ષ અને મહત્ત્વાકાંક્ષાના કલેશમાં અટવાઈ ગયા છીએ ત્યારે આપણે માત્ર કોઈ યાંત્રિક ચરખો નથી, માત્ર બળતણજ આપણુ જીવન નથી, માત્ર ઉત્પાદકતા કે ધનલાભ એ જ આપણુ શ્રેય નથી એટલું સમજવાની-વિચારવાની જરૃર છે. આપણે માણસ છીએ, અવિનાશી આત્માના વાહક છીએ, માત્ર ધાનનાં જીવડાં નથી તે હકીકતનું સત્ય વૈજ્ઞાનિક રીતેપણ પામી શકાય તેવું છે. તે દિશામાં હવે વિજ્ઞાનના ઉપાસકો પણ વિચારતા થઈ ગયા છે. એક સમય એવો હતો જ્યારે દાક્તરો માનતા કે જેમ પિત્તાશય (લિવર) પિત્ત બનાવે છે, તેમ મગજ વિચારો પેદા કરે છે. આજે હવે તબીબી સહિતના બધા જ વિજ્ઞાનોના અગ્રેસરો વિચારમાં પડ્યા છે કે જો વિચારો દૂર દૂર પહોંચી શકતા હોય તો તે માત્ર સ્થૂળ સ્ત્રાવ શી રીતે હોઈ શકે? જીવનને માત્ર પોષણ જ નહીં, પ્રાણની પણ જરૃર છે અને તે બંને માટે પ્રકૃતિ અને પરમાત્માની નજીક જવા સિવાય બીજો વિકલ્પ નથી.
———————-

Leave A Reply

Your email address will not be published.

Translate »