તમારા માટે, તમારી સાથે, સતત…

અહીં ખ્રિસ્તી મિશનરીઓના પ્રવેશ પર પ્રતિબંધ છે…

હિન્દુ આદીવાસી પરિવારોએ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરતા ગામ લોકોએ ખ્રિસ્તી મિશનરીઓ સામે જંગ છેડ્યો છે

0 976
  • વિવાદ – હરીશ ગુર્જર

દક્ષિણ ગુજરાતની ભોળી આદિવાસી પ્રજાને હિન્દુમાંથી ખ્રિસ્તી બનાવવાના કિસ્સાઓ છેલ્લાં ૧૫-૨૦ વર્ષ દરમિયાન સમયાંતરે સામે આવતાં રહ્યા છે. ધર્માંતરણની શરૃઆત દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લાથી થઈ હતી, પરંતુ ધીમે ધીમે તેની આગ વલસાડ અને હવે નવસારી જિલ્લા સુધી પહોંચી ચૂકી છે, ધર્માંતરણ માટે અત્યાર સુધી આદિવાસીઓ સોફ્ટ ટાર્ગેટ હતા, પણ હવે દક્ષિણ ગુજરાતમાં વસતા આદિવાસીઓ સિવાય ગરીબી રેખા નીચે જીવતાં હળપતિ, ધોડિયા અને કુકણા જાતિના લોકોએ હિન્દુ ધર્મને છોડી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવાની શરૃઆત કરી દીધી છે. નવસારીના ગણદેવી તાલુકાના ગણદેવા ગામના હળપતિ સમાજના ૭૦ ઘરના ફળિયામાંથી ૧૪ પરિવારોએ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરતા ગામ લોકોએ ખ્રિસ્તી મિશનરીઓ સામે જંગ છેડ્યો છે ત્યારે નવસારીના ગણદેવા ગામથી અભિયાનનો ગ્રાઉન્ડ રિપોર્ટ.

ઔદ્યોગિક શહેર સુરતને અડીને આવેલો જિલ્લો નવસારી પોતાની આગવી ઔતિહાસિક ઓળખ ધરાવે છે. જિલ્લાનું વડું મથક નવસારી શહેર તો જાણે હવે સુરત શહેરનો જ એક ભાગ હોય એ રીતે વિકસી રહ્યું છે, પરંતુ આ જિલ્લાના નવસારી શહેરના વિસ્તારને બાદ કરીએ તો અન્ય ૫ાંચ તાલુકાનાં તમામ ૩૭૨ ગામોનો આજે પણ જોઈએ તેટલો વિકાસ થયો નથી. નવસારી જિલ્લાનાં લગભગ દરેક ગામોમાં અનાવિલ સમાજના એટલે કે નાયક અને દેસાઈ અટક ધરાવતી સમૃદ્ધ જાતિના ૮-૧૦ પરિવારોનાં મકાનો અચૂક હોય જ, પણ એ સિવાયનું ગામ તમને ડાંગના આદિવાસી ગામોની યાદ અપાવી દેશે. નવસારી જિલ્લામાં સૌથી વધુ વસ્તી ધરાવતી જાતિ ધોડિયા, કુકણા, કોળી અને હળપતિ સમાજના લોકોની છે, ત્યાર બાદ નાયકા, કણબી, આહીર, ભરવાડ, માહ્યાવંશી, માછી અને દેસાઈ સમાજનો ક્રમ આવે છે. જિલ્લાનાં ૩૭૨ ગામોમાં આજ લોકો વત્તા ઓછા પ્રમાણમાં વસ્યા છે. સુરત અને નવસારી શહેરમાં સારા પગારની નોકરી કરી સાંજે નવસારીનાં ગામોમાં પરત ફરતાં અને અનાવિલ સમાજના લોકોને બાદ કરતાં નવસારી જિલ્લાનાં ગામોમાં મોટે ભાગના લોકો ગરીબી રેખાની નીચે જીવે છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ પહોંચતા હવે ગામના કેટલાક કાચા મકાનોનું સ્વરૃપ જરૃર બદલાયું છે. જોકે મકાનો બદલાયાં તે દરમિયાન છેલ્લા ૫-૭ વર્ષમાં આ ગામોમાં વસતાં લોકોની ધાર્મિક માન્યતાઓ પણ બદલાય છે. હવે તેઓ હિન્દુ ધર્મ ત્યજીને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવા તરફ આગળ વધી રહ્યા છે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ગણદેવા ગામમાં ધર્માંતરણના આવા જ કિસ્સા હાલ ચર્ચાનો મુદ્દો બન્યા છે.

અમદાવાદ-મુંબઈ હાઈવે પર સુરતથી ૬૦ કિલોમીટર દૂર ખારેલ ચોકડીથી જમણી તરફ થોડા આગળ વધો એટલે કુદરતી સંપત્તિથી ભરપૂર ગણદેવા ગામ નજરે પડી જશે, પરંતુ ગામમાં પ્રવેશતાં પહેલાં જ લાગેલાં બેનર અને બોર્ડ તમને આંચકો આપશે એ નક્કી છે. ગણદેવા ગામ રોડની બંને તરફ નાના-મોટા ૩૭ ફળિયાઓમાં ૧૦ હજારની વસ્તી ધરાવતું ગામ છે, પણ ૨૮મી જાન્યુઆરીએ આ ગામનાં લગભગ દરેક ફળિયાની બહાર ગામલોકોએ ગામમાં ખ્રિસ્તી મિશનરીઓના પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો છે. ગામની બહાર લાગેલાં પાટિયાંઓ પર લખવામાં આવ્યું છે કે, ખ્રિસ્તી ધર્મ પાળનારાં ભાઈઓ-બહેનોએ ગણદેવા ગામમાં પ્રવેશ કરવો નહીં.

થોડા સમય પહેલાં ગણદેવા ગામની હિન્દુ સ્મશાન ભૂમિમાં હળપતિમાંથી ખ્રિસ્તી બનેલા એક વ્યક્તિના મૃત્યુ બાદ તેને દફનાવવા માટે જીદ કરતા, ખ્રિસ્તી ધર્મમાં ધર્માંતરણ કરનારા લોકો અને ગામલોકો વચ્ચે થયેલા વિવાદને કારણે ધર્માંતરણના વિવાદની ચિનગારી સળગી હતી. જોકે ત્યારે તો સમજાવટ બાદ મુદ્દો શાંત પડી ગયો હતો, પણ ત્યારે સળગેલી એ ચિનગારી હવે આગનું સ્વરૃપ ધારણ કરી ચૂકી છે અને ગણદેવા સહિત નવસારી જિલ્લાના ધર્માંતરણનો ભોગ બનેલાં ગામોમાં અજંપાભરી શાંતિ પ્રવર્તી રહી છે.

નવસારીના ગણદેવા ગામના હરિપુરા ફળિયામાં રહેતાં સુમનભાઈ હળપતિ અને ચીમનભાઈ હળપતિએ પોતાના જ સમાજના ખ્રિસ્તી ધર્મ પાળતાં હળપતિ ભાઈ-બહેનોને છેલ્લા ૧ વર્ષમાં ફરીથી પોતાના ધર્મમાં પરત ફરવા વારંવાર સમજાવ્યા છે, પરંતુ આ ૧ વર્ષના ગાળામાં વધુ ૩ હળપતિ પરિવારોએ હિન્દુ ધર્મ છોડી ખ્રિસ્તી ધર્મ સ્વીકારતા તેમણે પોતે જ સૌથી પહેલા પોતાના ફળિયાની બહાર લોખંડનાં પાટિયાં પર ખ્રિસ્તી મિશનરીઓના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું બોર્ટ ચીતરાવ્યું હતું. આ સંદર્ભે ચીમનભાઈ વિગતે વાત કરતાં જણાવે છે કે, ‘બે વર્ષ પહેલાં મારો ભાઈ જશવંત હળપતિ કોઈક જીવલેણ બીમારીનો ભોગ બન્યો હતો. તેને ગામની નજીક જ ૫ાંચ વર્ષથી ચર્ચ ચલાવતાં હળપતિ પાસ્ટર મોહન પટેલે બીમારીના ઇલાજ માટે ઈશુની પ્રાર્થના કરવાની સલાહ આપી હતી. અમે જાણતા હતા કે હવે તેને દવાની નહીં, દુઆની જ જરૃર હતી, પણ એની બીમારીનો લાભ લઈ પાસ્ટરે તેમના ભાઈ જશવંત અને ભાભી ભારતી પાસે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવડાવી દીધો. એક દિવસ અચાનક તેમને ઘરમાંથી તમામ હિન્દુ દેવી દેવતાના ફોટો દૂર કરવામાં આવ્યા ત્યારે મને આઘાત લાગ્યો અને ચીમનભાઈએ પોતાના ભાઈ-ભાભીને સમજાવ્યા. ખ્રિસ્તી બન્યાના ગણતરીના મહિના બાદ જશવંતભાઈનું નિધન થયું ત્યારે પણ પરિવારના સભ્યોએ તેમની પત્નીને ફરીથી પોતાના ધર્મમાં પરત ફરવા સમજાવ્યા, પણ તેઓ માન્યા નહીં. જોકે જશવંતભાઈની અંતિમવિધિ હિન્દુ ધર્મ પ્રમાણે જ કરવામાં આવતા, હવે તેમનાં પત્ની ગણદેવા ગામ છોડી બીજા ગામ રહેવા જતાં રહ્યાં છે, અને ખ્રિસ્તી ધર્મના પ્રચારપ્રસારનું કામ કરે છે.

કંઈક આવો જ કિસ્સો ૧૯ વર્ષના ગણદેવા ગામના હરિપુરા ફળિયામાં રહેતા મહેન્દ્ર હળપતિનો છે. મહેન્દ્રનાં માતા-પિતા સવાર પડે એટલે ખેતમજૂરી માટે નીકળી જાય છે. મહેન્દ્ર અને તેની નાની બહેનો ઘરે એકલાં રહે છે. આજથી ૧૦ વર્ષ પહેલાં તેના પિતા ભરતભાઈને પેશાબની સમસ્યા થઈ હતી ત્યારે મિશનરીના સંપર્કમાં આવતાં તેમણે સમસ્યાના ઉકેલ માટે ચર્ચમાં આવી ઈશુની પ્રાર્થના કરવાનું જણાવ્યું હતું, ચર્ચમાં આપવામાં આવતાં પાણીના પ્રસાદ અને પ્રાર્થનાથી તેના પિતા હાલ સ્વસ્થ છે એવું તે જણાવે છે. સમગ્ર ગણદેવી ગામમાં તેઓ પહેલો પરિવાર છે જેણે હિન્દુ ધર્મ છોડી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો હતો. માતા-પિતા ઘરે ન હોય ત્યારે બાળકો તેમને ચર્ચમાંથી આપવામાં આવેલી ગુજરાતી ભાષામાં અનુવાદ કરવામાં આવેલી બાઇબલ વાંચે છે અને તેના પાદરી દ્વારા સમજાવવામાં આવેલાં વચનોની ખ્રિસ્તી ધર્મનો વિરોધ કરતાં લોકો સામે ધારદાર રજૂઆત પણ કરે છે. તેણે કહેલું એક વાક્ય જાણે હળપતિ સમાજના લોકોને માઈન્ડ વૉશ કરી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવા માટે પ્રેરતું હોય એવું લાગી રહ્યું છે. તેણે જ્યારે અમે પૂછ્યું કે, પિતા ખ્રિસ્તી બન્યા બાદ તને પોતાને ( મહેન્દ્રને) એવું ક્યારેક લાગ્યું કે તારે ફરી તારા અન્ય હળપતિ સગા સંબંધીઓની જેમ હિન્દુ બનવું જોઈએ, ત્યારે તે જણાવે છે કે અમે હિન્દુ જ છીએ. અમે માત્ર જીવન પરિવર્તન કર્યું છે. ધર્મ-પરિવર્તન નથી કર્યું. જોકે તેનો આ જવાબ માત્ર એક બચાવ જ હતો, કારણ કે તેમના ઘરમાં એક પણ હિન્દુ-દેવી દેવતાની તસવીર ન હતી, ન તો મંદિર હતું, હા બાઇબલ જરૃર હતું.

Related Posts
1 of 319

ગણદેવાનાં કમળાબહેન અને પ્રકાશભાઈએ પણ ૫ાંચ વર્ષ પહેલાં પોતાની માનસિક રીતે અસ્વસ્થ દીકરીને સાજી કરવા માટે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો છે. ખેતમજૂરી કરીને જીવતો આ પરિવાર હવે ઈશુના ચુસ્ત અનુયાયીઓ છે. બંને વખત જમવા પહેલાં અને રાત્રે ઊંઘવા પહેલાં તેઓ અને તેમની બંને દીકરીઓ બાઇબલનાં વચનોની પ્રાર્થના કરે છે. તેમનું કહેવું છે કે, અમારી તકલીફો ઘટી છે, વ્યસન છૂટ્યા છે, એટલે અમને આ ધર્મમાં જ રહેવું છે.

ગણદેવા ગામના ૭૦ મકાન ધરાવતાં ફળિયામાં છેલ્લાં ૫ વર્ષમાં ૧૪ હળપતિ પરિવારો ખ્રિસ્તી બની ચૂક્યા છે. ગામની મુલાકાત લેતી વખતે જ્યારે નજર એક મકાન પર પડી ત્યારે થોડી નવાઈ લાગી. બાબુભાઈ બુધાભાઈ હળપતિને ગયા વર્ષે જ હળપતિ ગૃહનિર્માણ યોજના અંતર્ગત સરકાર દ્વારા મકાન બાંધી અપાયું છે, પણ આ મકાનનું શ્રેય કોઈ બીજાને મળ્યું છે અને ૩ વર્ષ પહેલાં હિન્દુમાંથી ખ્રિસ્તી બનેલા બાબુભાઈ હળપતિએ પોતાના મકાન તે જેના કારણે મળ્યું છે તેને જ સમર્પિત કરી દઈ દેવળ બનાવી દીધું છે.

ગણદેવા ગામના હરિપુરા ફળિયામાં રહેતા ૧૪ પરિવારો સહિત ૭૫૦૦ની વસ્તીવાળા ગામના અલગ-અલગ ફળિયાના ૧૦૦૦ હજાર લોકોએ છેલ્લાં ૧૦ વર્ષમાં ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરી લીધો છે અને પોતાનું મુખ્ય દેવળ ઝાડી ફળિયામાં રહેતા મોહનભાઈ પટેલના ઘરે બનાવ્યું છે. આ ઉપરાંત ગામમાં નાનાં ૪ દેવળ બન્યાં છે, જ્યાં દર રવિવારે હળપતિમાંથી ખ્રિસ્તી બનેલા પરિવારો એકઠા થાય છે અને પાસ્ટર કે પાદરી તેમને બાઇબલનાં વચનો ગુજરાતી ભાષામાં સમજાવે છે. પ્રાર્થના બાદ સમૂહ ભોજન કરી તેઓ છૂટા પડે છે. હાલમાં ગામ લોકો અને ખ્રિસ્તીઓ વચ્ચે વિવાદ વધતાં ગામ લોકોએ આ પરિવારો સાથે બોલચાલ બંધ કરી દીધી છે.

ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા દુઃખ દર્દ દૂર કરવાની પ્રાર્થનાના નામે શરૃ થયેલી કામગીરીએ હવે ધર્માંતરણનું સ્વરૃપ લઈ લેતાં, ગામલોકોએ હિન્દુ સંગઠનોની મદદ લીધી છે. ૪થી ફેબ્રુઆરીએ ગામલોકોએ બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદની આગેવાનીમાં નવસારીમાં રેલી કાઢી નવસારી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. મુખ્યપ્રધાન વિજય રૃપાણીને સંબોધીને લખાયેલા આ આવેદનપત્રમાં ગામલોકોએ કઈ રીતે ગામલોકોને લલચાવી ફોસલાવી હિન્દુમાંથી ખ્રિસ્તી બનાવવામાં આવે છે તેની વિગતવાર માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે સરકારી નિયમો વિરુદ્ધ કલેક્ટરની પરવાનગી વગર ચાલતા ધર્માંતરણ થયેલા લોકો અને તેમને ધર્માંતરણ કરાવતાં લોકોની યાદી પણ આપી હતી.

વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ હવે આ મુદ્દે આક્રમક બન્યું છે. કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને તેમના દ્વારા અલગથી કરવામાં આવેલી રજૂઆત બાદ તંત્રએ તપાસ શરૃ કરી છે, આ મુદ્દે દક્ષિણ ગુજરાત પ્રાંતના બજરંગદળના સહસંયોજક અશ્વિન બારોટે અભિયાનને જણાવ્યું હતું કે, ગણદેવા ગામમાં ધર્માંતરણ કરનારા તમામ લોકો ગેરકાયદેસર રીતે

હિન્દુમાંથી ખ્રિસ્તી બન્યા છે. સરકારી નિયમો વિરુદ્ધ મિશનરીઓ દ્વારા તેમને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે. આ બાબતના કેટલાક પુરાવાઓ પણ તેઓ આગામી દિવસોમાં તંત્રને આપશે અને રાજ્ય સરકાર ઝડપથી પગલાં નહીં ભરે તો તેઓ આક્રમક પગલાં પણ ભરશે. હાલમાં બજરંગદળ તેમજ વિહિપના કાર્યકર્તાઓ દ્વારા ગણદેવા સહિતના નવસારી જિલ્લાનાં ગામોમાં ફરી હિન્દુમાંથી ખ્રિસ્તી બનેલા લોકોને સમજાવવામાં આવી રહ્યાં છે, તેમની ગેરમાન્યતાઓ દૂર કરીને જો તેમની ઇચ્છા હોય તો ફરી હિન્દુ ધર્મમાં વાળવા માટેના પ્રયત્નો પણ શરૃ કરવામાં આવ્યા છે. આ માટે આગામી દિવસોમાં એક વિશાળ ઘરવાપસીનો કાર્યક્રમ યોજવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હોવાની માહિતી અશ્વિન બારોટે આપી હતી.
———.

ખ્રિસ્તી બનો અને લગ્ન માટે કન્યા મેળવો
નવસારી જિલ્લામાં હળપતિ સમાજના લોકોનો મૂળ વ્યવસાય ખેતમજૂરી અને આજુબાજુના વિસ્તારમાં આવેલાં નાનાં-મોટાં કારખાનાંઓમાં મજૂરીનો જ રહ્યો છે. શૈક્ષણિક રીતે પણ પછાત આ જાતિના યુવાનો દારૃના નશાના રવાડે ચઢી જાય છે. યુવતીઓ સરકારની વિવિધ યોજનાઓને કારણે ભણી ગણીને શહેરોમાં પણ રોજગાર માટે જતી થઈ છે, તો બીજી તરફ આ સમાજમાં હવે યુવતીઓની સંખ્યા પણ ઘટી રહી છે, ત્યારે લગ્નની ઉંમરે પહોંચેલા યુવાનોને યુવતીઓ ન મળવાની પણ સમસ્યા ઊભી થઈ છે. આ સંદર્ભે ગણદેવા ગામમાં દૂધમંડળી ચલાવતા સુમનભાઈ હળપતિએ જણાવ્યું હતું કે, ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા આવા લગ્નોત્સુક યુવાનોને લગ્નની લાલચ આપી ખ્રિસ્તી બનાવવામાં આવી રહ્યા છે. આ માટે પાસ્ટર કે પાદરી ૩૦ વર્ષથી વધુ ઉંમરના કુંવારા યુવાનોનો સંપર્ક કરે છે અને તેમને સમજાવવામાં આવે છે કે, જો તેઓ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરશે તો ખ્રિસ્તી સમાજની તેમના મૂળ હળપતીની ૨૧થી ૩૦ વર્ષની યુવતી સાથે તેઓ તેનાં લગ્ન કરાવી આપશે. બજરંગ દળના અશ્વિન બારોટે પણ આ વાતને સમર્થન આપતાં જણાવ્યું હતું કે, આવા કિસ્સાઓની અમે સમગ્ર નવસારી જિલ્લામાં તપાસ કરી રહ્યા છે. આગામી દિવસોમાં આ ગેરકાયદેસર લગ્નો બાબતે પણ રજૂઆતો કરવામાં આવશે. ગામ લોકોનું કહેવું છે કે, લગ્ન માટે યુવતીની શોધ કરતાં મોટી ઉંમરના યુવાનોને પહેલા ગામની બહાર નવસારી, વલસાડ, વાપી કે સુરત મોકલી આપવામાં આવે છે અને લગ્ન કર્યાં બાદ તેને થોડા સમય બાદ પોતાના ગામમાં મોકલવામાં આવે છે.
———.

ગેરકાયદે ધર્માંતરણ બદલ ધરપકડ
ગણદેવા ગામના લોકોની રેલી અને ગામની બહાર લાગેલાં પાટિયાંના ફોટો જ્યારે પોલીસ વિભાગ સુધી પહોંચ્યા ત્યારે તંત્ર પણ હરકતમાં આવ્યું અને ઘટનાની સ્થળ તપાસ કરતાં બહાર આવ્યું કે, છેલ્લાં ૫ વર્ષમાં તો એકપણ ધર્માંતરણ માટેની અરજી કલેક્ટરને મળી ન હોવા છતાં કઈ રીતે આટલી મોટી સંખ્યામાં ખ્રિસ્તી બની ગયા. પોલીસે આ સંદર્ભે ધર્મપરિવર્તનના અધિનિયમ ૨૦૦૩ની કલમ ૪,૫(૩) મુજબ શુક્રવારે ગણદેવાના બે પાદરી મોહન પટેલ અને ધર્મેશ પટેલની ધરપકડ કરી છે. આ સંદર્ભે માહિતી આપતાં બિલિમોરા સર્કલ પોલીસ ઈન્સ્પેક્ટર એમ.બી. રાઠોડે જણાવ્યું હતું કે, આ બંને પાદરીઓ દ્વારા જિલ્લા વહીવટીતંત્રની કોઈ પણ પ્રકારની પરવાનગી લીધા વગર જીવન પરિવર્તનના નામે લલચાવી- ફોસલાવી ભોળા હળપતી સમાજના લોકોનું ધર્મપરિવર્તન કર્યું છે. આ બંને પાદરીઓની વધુ પૂછપરછ દરમિયાન તેમને આ કામગીરી કરવા માટે કોઈ આર્થિક ભંડોળ આપવામાં આવતું હતું કે કેમ અને તેમને આ ગેરકાયદેસર કામ કરવા માટે કોણ પ્રેરણા આપતું હતું તેનાં નામો જાણવાનો પોલીસ પ્રયાસ કરશે.
———

Leave A Reply

Your email address will not be published.

Translate »