તમારા માટે, તમારી સાથે, સતત…

હવે માર્કેટનો મંત્ર બદલાયો છે, પૈસો બનાવવા પૈસો પૂરતો નથી!

ગુજરાતીઓના ડીએનએમાં જ વેપારી માનસ છે એટલે જ કેપિટલ માર્કેટમાં ગુજરાતીઓનો મોટો હિસ્સો છે.

0 135

વિશેષ – દેવેન્દ્ર જાની

ગુજરાતીઓ વિશે એવંુ કહેવાય છે કે તેમને બુકમાં નહીં, પણ પાસબુકમાં રસ હોય છે, મતલબ કે ગુજરાતીઓના ડીએનએમાં જ વેપારી માનસ છે એટલે જ કેપિટલ માર્કેટમાં ગુજરાતીઓનો મોટો હિસ્સો છે. એશિયાના સૌથી જૂના શૅરબજાર એવા બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) નું સુકાન પણ હાલ એક ગુજરાતીના હાથમાં છે. બીએસઈના સીઈઓ અને એમડીની જવાબદારી નિભાવી રહેલા આશિષ ચૌહાણે સ્ટોક માર્કેટને માત્ર શૅરના વ્યવહારો પૂરતંુ સીમિત રાખવાને બદલે થોડા મહિનાઓ પૂર્વે જ કોમોડિટી ટ્રેડિંગ સાથે અપગ્રેડ કરી એક નવી ઓળખ આપી છે. બીએસઈના નવા અવતાર અને બજારના પ્રવાહો અને પડકારો વિશે આશિષ ચૌહાણે અભિયાનસાથેની ખાસ મુલાકાતમાં વિસ્તૃત વાત કરી હતી.

‘પેઢીઓથી આપણે સાંભળતા આવીએ છીએ કે પૈસો જ પૈસાને ખેંચે છે. મતલબ કે પૈસાદાર લોકો જ પૈસો બનાવે છે, આ કહેવતને સાચી પડતી પણ આપણે જોઈ હશે, પણ સમયના વહેણમાં હવે આ પરંપરા તૂટી રહી છે. આજે જમાનો બદલાયો છે. માર્કેટનો મંત્ર બદલાયો છે. પૈસાની સાથે જેમની પાસે ટેલેન્ટ છે તેઓ સારી કમાણી કરી રહ્યા છે. માત્ર કેપિટલ હશે તો માર્કેટમાં તમે વર્ચસ્વ ટકાવી નહીં શકો, સાથે આવતીકાલને જોઈ શકવાની ક્ષમતા હશે તો જ સ્ટોક માર્કેટમાં ટકી શકશો.’ માર્કેટના વર્તમાન પ્રવાહોને બોમ્બે સ્ટોક એકસચેન્જના સીઈઓ અને એમડી આશિષ ચૌહાણ આવી કહેવતો સાથે સરળ રીતે સમજાવે છે.

મૂળ બાવળાના વતની અને એક સમયે ગુજરાતી માધ્યમની શાળામાં અભ્યાસ કરનાર આશિષ ચૌહાણે આઈઆઈટી મુંબઈ અને આઈઆઈએમ બેંગ્લોરમાં અભ્યાસ કરી બીએસઈના સીઈઓ સુધીની સાહસિક સફર ખેડી છે. ૪૬૦૦ કંપનીઓ જેની જોડાયેલી છે અને એક સેકન્ડમાં પ લાખ ટ્રાન્ઝેકશન કરી શકે તેવી ક્ષમતા છે તેવા સ્ટોક એકસચેન્જનું તેઓ નેતૃત્વ કરી રહ્યા છે. ઇન્ડિયન કેપિટલ માર્કેટના રિફોર્મના જેમને જનક કહેવામાં આવે છે તેવા આશિષ ચૌહાણ સરળ વ્યક્તિત્વ ધરાવે છે. રાજકોટમાં ગત તા. રર જાન્યુઆરીએ સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીના એમબીએના ભવનમાં યોજાયેલા એક સેમિનારમાં હાજરી આપવા આવેલા આશિષ ચૌહાણે ‘અભિયાન’ને ખાસ મુલાકાત આપી હતી. તેમની સાથે કરન્સીથી માંડી કોમોડિટી સુધીના મુદ્દા પર વાતચીત થઈ હતી. જે અત્રે પ્રસ્તુત છે.

સલામત રોકાણકારો શૅરબજારથી દૂર કેમ જાય છે ?
પેન્શનર કે નિવૃત્ત સરકારી કર્મચારીઓ જેવા નાના રોકાણકારો પોતાની જિંદગીની કમાણી શૅર બજારમાં રોકવામાં હિચકિચાટ અનુભવતા હોય છે એ વાત સાચી છે. હું પણ એ વાતમાં માનું છું કે આખી જિંદગીની કમાણી સ્ટોક માર્કેટમાં રોકવા માટે કોઈએ ઉતાવળ કરવી જોઈએ નહીં. નાના રોકાણકારોને માર્કેટનો અનુભવ હોતો નથી. તેઓ કોઈની ટિપ્સ લઈને રોકાણ કરવા ઇચ્છતા હોય છે અને ઝડપથી માલદાર બનવાનું તેમનું સપનંુ હોય છે, આવા રોકાણકારોએ સ્ટોક માર્કેટમાં પૈસા રોકવા માટે ઉતાવળ કરવી જોઈએ નહીં. કમાણીનો થોડો હિસ્સો રોકવો હોય તો સરકાર હસ્તકની કંપનીઓ અથવા તો બોન્ડમાં રોકાણ કરવંુ જોઈએ. શોર્ટ ટર્મના બદલે લોંગ ટર્મ પ્લાનિંગ કરી રોકાણ કરવંુ જોઈએ અને ખાસ કરીને ઉધાર લઈને તો શૅર બજારમાં રોકાણ કરવંુ જ નહીં. પૈસો પૈસાને ખેંચે છે તેમ આપણે અત્યાર સુધી માનતા આવ્યા છીએ, પણ હવે સમય બદલાયો છે. માત્ર પૈસા જ કમાણી કરાવી નથી આપતો, પણ ટેલેન્ટની જરૃર છે. ખાસ કરીને શૅર બજારમાં તો સાચો અભ્યાસુ જ પૈસા કમાય છે.

સ્ટોક માર્કેટના પ્લેટફોર્મ પર કોમોડિટી ટ્રેડનો કેવો અનુભવ રહ્યો ?
બોમ્બે સ્ટોક એક્સચેન્જ એ શૅરના વ્યવહારો માટેનું જ પ્લેટફોર્મ છે તે ઇમેજને બદલવાની કોશિશ કરવામાં આવી છે. ઑક્ટોબર ર૦૧૮થી બીએસઈમાં કોમોડિટી ટ્રેડિંગ શરૃ કરવામાં આવ્યું છે. આ એક નવો અનુભવ હોવા છતાં ટૂંકા ગાળામાં તેનો ખૂબ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. અત્યાર સુધીમાં ૪૦૦ બ્રોકરોએ કોમોડિટી ટ્રેડિંગ માટે સંમતિ મેળવી છે. ધીરે-ધીરે બ્રોકરો આગળ આવી રહ્યા છે. હાલ સોનું, ચાંદી, કોપર અને ઓઈલના વ્યવહારો કરવામાં આવી રહ્યા છે. એગ્રી કોમોડિટી માટે હાલ મંજૂરી નથી તેની પરવાનગી મળ્યા બાદ તેના વ્યવહારો કરવામાં આવશે.

Related Posts
1 of 319

આજના યુવાનોને શૅરબજાર રોજગારી મેળવવા કેવી રીતે ઉપયોગી થઈ શકે ?
બેકાર યુવાનોએ સ્ટોક માર્કેટમાં રોજગારી મેળવવા નજર દોડાવી છે, પણ આ યુવાનોએ પોતાના પૈસા રોકાણ કરીને સ્ટોક માર્કેટમાંથી કમાણી કરવાનું વિચારવું ન જોઈએ, કારણ કે તેમાં જોખમ બહુ હોય છે, તેના બદલે બેરોજગાર યુવાનોએ માર્કેટનો અભ્યાસ કરીને એડવાઈઝર કે એજન્ટ બનીને કમાણી કરવા તરફ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. બીએસઈએ યુવાનોને આ પ્રકારનંુ પ્લેટફોર્મ પૂરું પાડવા માટે ખાસ ટ્રેનિંગ પ્રોગ્રામ શરૃ કર્યા છે. સ્ટાર્ટપ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવી રહ્યું છે. યુવાનો બીએસઈની વેબસાઈટ પર જઈને પણ તેની માહિતી મેળવી શકે છે.

બીએસઈને ટૅક્નોલોજી અપગ્રેડેશનથી કેવો ફાયદો થયો ?
સમયની સાથે કોઈ પણ સંસ્થા હોય કે વ્યક્તિ તાલ મિલાવવો પડે છે. બીએસઈ સતત આધુનિક ટૅક્નોલોજીનો ઉપયોગ કરતું રહે છે. મને યાદ છે એક સમયે જ્યારે આપણે શૅર ટ્રાન્ઝેક્શન કરતા હતા તો ચાર દિવસે તેનંુ કન્ફર્મેશન મળતું હતું જ્યારે આજે માઈક્રો સેકન્ડમાં કન્ફરેશન મળી જાય છે. બજારની ભાવની વધઘટમાં ઈનસાઈટ ટ્રેડિંગનો મોટો રોલ હોય છે. કંપનીઓની અંદર રહેલા અધિકારીઓ માહિતીનો ગેરલાભ લઈને ભાવમાં વધઘટ કે શૅરના લે – વેચમાં ભૂમિકાઓ ભજવતા હોય છે, આવા ઈનસાઈડ ટ્રેડિંગ કે કંપનીના અધિકારીઓ પાસે એસીમેટરી પાવર હોય છે, તેના પર કંટ્રોલ લાવવો જરૃરી છે. બીએસઈ આધુનિક ટૅક્નોલોજીના ઉપયોગથી તે દિશામાં સતત આગળ વધી રહી છે. સતત ઓનલાઈન મોનટરિંગ કરવામાં આવી રહ્યું છે. એક કલાકમાં ૧૮૦ કરોડના ઓર્ડર લઈ શકે તેવી ક્ષમતા આજે બીએસઈએ ઊભી કરી છે. આગામી દિવસોમાં ઇન્ફોર્મેશન રિવોલ્યુશન આવી રહ્યું છે તેના માટે બીએસઈ સજજ છે.

બેન્ક કોૈભાંડોની કેવી અસર સ્ટોક માર્કેટ પર જોવા મળી ?
છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં આવેલા બેન્ક કૌભાંડોની ભારતીય અર્થતંત્રને અસરો થઈ છે, પણ સ્ટોક માર્કેટની વાત કરીએ તો પોઝિટિવ રિએક્શન જોવા મળી રહ્યું છે. રોકાણ કરવાવાળો એક વર્ગ જે અત્યાર સુધી બેન્કો તરફ વળતો હતો તે હવે ધીરે ધીરે સ્ટોક માર્કેટમાં આવી રહ્યો છે. સ્ટોક માર્કેટનું વોલ્યુમ સતત વધી રહ્યું છે. આગામી દિવસોમાં મોટું વિદેશી રોકાણ ભારતીય શૅર બજારમાં આવી રહ્યું છે એટલે સ્ટોક માર્કેટ વધુ મજબૂત બનશે.

સ્ટોક માર્કેટમાં ભાવની વધ – ઘટને પારખવા શું જાણવું જોઈએ ?
કોર્પોરેટ ગવર્નન્સ એક એવી ચીજ છે જે કંપનીઓના ભાવિને નક્કી કરે છે. કઈ કંપનીના શૅરમાં રોકાણ કરવું તે નક્કી કરતાં પહેલાં તે કંપનીનો અભ્યાસ કરવો જરૃરી છે જે કંપનીનું કોર્પોરેટ ગવર્નન્સ વધુ મજબૂત છે તેનું ભવિષ્ય સારુ હોવાનો અંદાજ આપે છે. આ ઉપરાંત પ્રોફિટ ફેક્ટર મહત્ત્વનું છે. કોઈ પણ રોકાણકારે કંપનીની પ્રોફિટ કેપિસિટીનો અભ્યાસ કરવો જોઈએ જેથી તેના ભવિષ્ય વિશે અનુમાન લગાવી શકાય. ઘણા લોકો એવું માનતા હોય છે કે બીએસઈ સાથે જોડાયેલા ઉચ્ચ અધિકારીઓ ભાવમાં વધ ઘટ કરી શકાવતા હોય છે, પણ આ માન્યતા ખોટી છે. બીએસઈનું કામ માનો કે ક્રિક્રેટ મેચ હોય તો માત્ર સ્ટેડિયમ પૂરું પાડવા જેવંુ કામ કરવાનું હોય છે. ટૂંકમાં એક પ્લેટફોર્મ પૂરું પાડવાનું કામ અમારું છે કોને કેવું અને કેમ રમવું ? એ અમારે જોવાનું હોતું નથી, એ કંપનીઓએ જોવાનું હોય છે. કંપનીઓ ખોટંુ કરી રહી હોય તો અમે તપાસ કર્યા બાદ કંઈક ખોટંુ થયું હોવાનું માલૂમ પડે તો ડિસ્લિટિંગ કરીએ છીએ, પણ કાર્યવાહીના કેટલાક પાવર સેબી પાસે હોય છે. બીએસઈ સામે આગામી દિવસોમાં પડકારો પણ છે, અફવાઓ સામે માર્કેટને મજબૂત રાખવું, બજારમાં આવતી ટૅક્નોલોજી સાથે સતત તાલ મિલાવવો આ ઉપરાંત કંપનીઓ પર નજર રાખીને વધુને વધુ રોકાણકારોનું હિત જોવું એ કામગીરી માટે પડકાર રૃપ છે.

ગુજરાતીઓનો હાલ શૅરબજાર પર કેવો પ્રભાવ છે ?
કેપિટલ માર્કેટમાં ગુજરાતીઓનો એક સમયે એવો દબદબો હતો કે તમને જાણીને નવાઈ લાગશે કે બીએસઈમાંથી કંપનીઓને નોટિસો અપાતી હતી તો તે ગુજરાતીમાં નીકળતી હતી હવે ઇંગ્લિશમાં નીકળે છે. હવે સમય બદલાઈ રહ્યો છે. અન્ય રાજયોના લોકો પણ હવે સ્ટોક માર્કેટમાં વધુ ને વધુ આવી રહ્યા છે.

——————————————.

Leave A Reply

Your email address will not be published.

Translate »