તમારા માટે, તમારી સાથે, સતત…

‘હસતાં રહેજૈ રાજ’ – દુનિયાને ફીર ના પૂછો…

અમુક લોકોને પેચ લડાવવામાં અને બીજાના પતંગ કાપવામાં જ રસ છે.

0 405

હસતાં રહેજો રાજ – જગદીશ ત્રિવેદી

મકર સંક્રાંતિ, ઉત્તરાયણ અને પતંગોત્સવ એ બધા સમાનાર્થી શબ્દો થઈ ગયા છે. એ ત્રણેનો સૂક્ષ્મ અર્થ જુદો છે, પરંતુ આપણે ત્રણેનો સ્થૂળ અર્થ એક જ કરી નાખ્યો છે. એ ત્રણેનો અર્થ છે, ધાબા ઉપર ચડીને પતંગ ઉડાવવા, ખૂબ મોટેથી ગીતો વગાડવાં, જો કોઈનો પતંગ કાપીએ તો રાડો પાડીને કાઈપો… છે…બોલવું અને જો આપણો પતંગ કપાય તો બહેરા-મૂંગાની નિશાળમાં ભણતા હોય એવા થઈ જવું. ચીકી, બોર, શેરડી, કચરિયું, મમરાના લાડવા ખાવા, બપોરે ઊંધિયું અચૂક ખાવું… આ બધા ઉત્તરાયણ ઉર્ફે મકરસંક્રાંતિના સ્થૂળ અર્થ છે.

બીજું, ઉત્તરાયણ એક જ એવો તહેવાર છે કે અંગ્રેજી તારીખ પ્રમાણે આવે છે. બાકી બધા તહેવારો વિક્રમ સંવતના ગુજરાતી તિથિ અને માસ મુજબ આવે છે. પતંગ એક એવો પદાર્થ છે કે જે આનંદ અને આઘાત બંનેનું પ્રતીક બની શકે છે. જો જીવનમાં સુખ આવે તો ચલી ચલી રે પતંગ મેરી ચલી રે.. ચલી બાદલો કે પાર, હો કે ડોર પે સવાર, દેખ દેખ સારી દુનિયા જલી રે… અને જીવનમાં જો દુઃખ આવે તો ના કોઈ ઉમંગ હૈ, ના કોઈ તરંગ હૈ, મેરી જિંદગી હૈ ક્યા? એક કટી પતંગ હૈ…

પધારો.. પધારો લેખક…પથુભાએ પોતાના લવલી પાન સેન્ટરઉપર મને સામેથી આવકાર આપ્યો.

આપણા મોદીસાહેબ વરસોથી વિકાસની વાતો કરે છે, પરંતુ ગુજરાતનો સાચો વિકાસ આજે થયો હોય એવું લાગે છે.મેં વાત માંડી.

એ કેવી રીતે?’

આજે ઉત્તરાયણ હોવાથી ગુજરાતમાં જેટલા લોકો જમીન પર નથી એનાથી વધારે લોકો અગાસી ઉપર છે. જો ગુજરાતની વસતિ જૂના આંકડા મુજબ છ કરોડ ગણીએ તો ત્રણ કરોડ લોકો તો ધાબા ઉપર છે. અમુક દસ ફૂટ ઊંચે તો અમુક વીસ ફૂટ ઊંચે ચડી ગયા છે. આ વિકાસ નહીં તો બીજું શું છે?’

તમારી વાત વિચારવા જેવી તો ખરી. માણસ ઊંચે જાય એને વિકાસ જ કહેવાય…પથુભાએ મને ટેકો જાહેર કર્યો.

એકવાર અંબાલાલ પાંચ ફૂટ ઊંડો ખાડો ગાળીને ખાડામાં જઈને બેસી ગયો.

એ જીવતાં સમાધિ લેવા માટે બેઠો હશે.

ના… એ જન્મ્યો ત્યારથી જ સૂએ ત્યારે સમાધિ અને ઊઠે ત્યારથી ઉપાધિ છે એટલે એ સમાધિ લેવા ખાડામાં ગયો નહોતો.

તો…?’

મેં એને પૂછ્યું તો મને કહે, મારે ડીપ થિંકિંગ અર્થાત્ ઊંડો વિચાર કરવો છે એટલે ખાડામાં આવીને બેઠો છું.મેં ખુલાસો કર્યો.

લેખક, તમે શું કહેવા માંગો છો?’

જે રીતે ઊંડા ખાડામાં બેસીને ઊંડું ચિંતન-મનન ન થાય એમ ધાબા ઉપર ચડી જવાથી વિકાસ ન થાય.મેં મનની વાત કહી દીધી.

તમારી વાત વિચારવા જેવી તો ખરી.

તમે કોઈ પણ વાત કહું તેને વિચારવા જેવી ન કહો, પણ તમારી રીતે વિચારીને મૌલિક અભિપ્રાય આપતા શીખો.

હા, એ વાત પણ વિચારવા જેવી તો ખરી.બાપુએ ફરી એની એ જ રેકર્ડ વગાડી…

માનનીય પુરુષોત્તમ રૃપાલાસાહેબે એક જાહેર પ્રવચનમાં સંયુક્ત કુટુંબ વિશે સુંદર વાત કરી હતી.મેં કહ્યું.

શું વાત કરી હતી?’

એમણે કહ્યું હતું કે, સંયુક્ત પરિવારમાં ઉછરતી દીકરીઓ ભાગી જવાના ચાન્સ ખૂબ ઘટી જાય છે, કારણ એ દાદા-દાદી, કાકા-કાકી જેવા કુટુંબીજનોના કવરેજમાં હોય છે એટલે બહારનો કોઈ લંગરિયું નાખી શકતો નથી.

વાહ… રૃપાલાસાહેબે સાવ સાચી વાત કરી. આ ઉત્તરાયણ એટલે લંગરિયા નાખવાનો તહેવાર. આ તહેવાર ઉપર લોકો પતંગ માટે તો લંગરિયા નાખે, પરંતુ પતંગિયા જેવી રંગબેરંગી છોકરીઓ માટે પણ લંગરિયા નાખે.

ગઈ ઉત્તરાયણ વખતે ચુનીલાલના ઘરમાં ચાર મહિના વહેલી હોળી સળગી ગઈ હતી તે હજુ યાદ છે અને એનું કારણ વિભક્ત કુટુંબ પણ છે તે આજે સમજાય છે.મેં જૂની વાત યાદ કરી.

મકરસંક્રાંતિ એક એવો તહેવાર છે જેમાં દરેક માણસની પ્રકૃતિ પ્રગટ થાય છે.પથુભાએ અજાણતા જ હ્યુમન સાઇકોલોજીનો વિષય ખોલી નાખ્યો.

બાપુ… એ કેવી રીતે?’

અમુક લોકોને પતંગ ઉડાડવામાં જ રસ છે. એમને કોઈની સાથે પેચ લેવા નથી. અમુક લોકોને પેચ લડાવવામાં અને બીજાના પતંગ કાપવામાં જ રસ છે. જ્યારે એક વર્ગ એવો છે કે જેને પતંગ ઉડાડવા પણ નથી અને પતંગ કાપવા પણ નથી.

તો?’

Related Posts
1 of 29

માત્ર કપાયેલા પતંગને લૂંટવા છે.પથુભાએ સુંદર વિશ્લેષણ રજૂ કર્યું.

આપની વાત સાવ સાચી છે.મેં બાપુને બિરદાવ્યા.

આકાશસે ગીરી મેં એકબાર કટકે ઐસે. દુનિયાને ફીર ના પૂછો લૂંટા હૈ મુઝકો કૈસે. લૂંટારાઓ રાહ જોઈને ઊભા હોય છે. એ હાથમાં કાંટાળા તાર બાંધેલા વાંસ લઈને ઊભા હોય છે. એ જુએ કે કોઈનો પતંગ કપાય છે એટલે લૂંટવા માટે દોટ મૂકે છે.પથુભાએ સમાપન કર્યું.

બાપુ… આ તમારી વાત સાંભળીને મને તાજો વિચાર આવ્યો છે.મેં કહ્યું.

બોલો લેખક…

એ લૂંટારાઓને ઘણીવાર જીવતરની સાંજ ઢળે ત્યારે પસ્તાવો થતો હોય છે કે આપણે આખી જિંદગી બીજાના પતંગને લૂંટવામાં જ ખર્ચી નાખી. આપણે પોતે તો પતંગ ઉડાડી જ શક્યા નહીં, પરંતુ ત્યારે ઘણુ મોડું થઈ ગયું હોય છે. કારણ પવન પડી ગયો હોય છે અને જીવતરનો સૂરજ આથમી ગયો હોય છે.

વાહ લેખક… તમે તો વાતને આદ્યાત્મિક સ્પર્શ આપી દીધો.

અમારું એ જ તો કામ છે બાપુ?’

ગજબ થઈ ગયો…અંબાલાલે દોડતાં આવીને રંગમાં ભંગ પાડ્યો.

વળી શું થયું?’ પથુભા પ્રભાવિત થઈ ગયા.

અમારા ઘર સામે એક કજોડું રહે છે.

કજોડું એટલે?’

જેને જોઈને જોડું મારવાનું મન થાય તે કજોડું. ભાઈ ઝીરાફ જેવો લાંબો અને થર્મોમીટર જેવો દૂબળો છે. નીચેથી ઉપર સુધી સમથળ દૂબળાઈ ધરાવે છે. એમનાં પત્ની હાથણી જેવા જાડા અને કલર પણ હાથણી જેવો જ.અંબાલાલ ઉવાચ…

એમાં શું ગજબ થઈ ગયો?’ મેં પૂછ્યું.

આજે ઉત્તરાયણ હોવાથી કજોડું અગાસી પર ચડ્યું. હાથણીએ હાથમાં દોર પકડ્યો અને થર્મોમીટરને આજ્ઞા કરી કે તું પતંગ મુકાવ.

તું…?’

હા, હવે મોટા ભાગની પત્નીઓ પતિને તુંકહે છે અને નોકરને તમેકહે છે. કારણ બહેનોને વિશ્વાસ છે કે પતિ ક્યાંય જવાનો નથી. પેલો નોકર નોકરી મૂકીને ન જવો જોઈએ, નહીંતર વાસણ-કપડાં જાતે કરવા પડે.

પછી થર્મોમીટરનું શું થયું?’ હું અધીરો થયો.

 

ન થવાનું થયું ભાઈ… પતંગ ખૂબ મોટી હતી. દોરો ગેરકાયદેસર એવો ચાઈનીઝ હતો. થર્મોમીટર સાવ દૂબળો હતો. એમાં પવન  આવ્યો અને હાથણીએ જોરથી આંચકો માર્યો. થર્મોમીટરે પતંગ છોડી નહીં તો પતંગ સાથે પોતે પણ ઊડવા લાગ્યો.અંબાલાલે વિગતે વાત માંડી.

પછી? કોઈએ પેચ તો લઈ લીધો નથી

ને?’ પથુભાને ચિંતા પેઠી.

ના… થર્મોમીટર થોડો જ ઊંચે ગયો અને દેકારો થયો. હાથણીના હાથથી ઢીલ મુકાઈ ગઈ અને બાજુની અગાસીમાં રહેલા લોકોએ થર્મોમીટરને તેડી લીધો.

ભગવાને આકાશમાંથી દીકરો દીધો હોય એવું થયું.મેં કહ્યું.

હા… થયું એવું પણ થોડીવાર લોકોના શ્વાસ થંભી ગયા.

બાજુની અગાસીવાળા લોકોએ પાતળિયા પતિને તેડી લીધો એ સારું કર્યું નહીંતર એમના માટે ઉત્તરાયણ દક્ષિણાયન થઈ જાત.પથુભા બોલ્યા.

આજથી કમુહૂર્ત ઊતરી ગયા તે સારું થયું. લોકો પરણી શકશે.

હવે તો લોકો કમુહૂર્તમાં પણ પરણે  જ છે. જેમને દુઃખી થવું જ છે એ કોઈ પણ મુહૂર્તમાં દુઃખી થઈ શકે છે.મેં વાત પૂરી કરી અને અમે વિખેરાયા.
——————–

Leave A Reply

Your email address will not be published.

Translate »