તમારા માટે, તમારી સાથે, સતત…

કચ્છની આજ અને આવતીકાલ

ભૂકંપના દોઢ દાયકામાં કચ્છ અકલ્પનીય ઝડપે વિકાસ પામ્યું છે.

0 389

કચ્છ સ્પેશિયલ – સુચિતા બોઘાણી કનર

ભૂકંપના દોઢ દાયકામાં કચ્છ અકલ્પનીય ઝડપે વિકાસ પામ્યું છે. વિકાસનો પ્રથમ તબક્કો તો સૌને અચંબિત કરનારો રહ્યો છે, પરંતુ આજે જ્યારે કચ્છ વિકાસના બીજા તબક્કાની કગાર પર ઊભું છે ત્યારે આ તબક્કાને વિલંબમાં મુકી શકે તેવા અનેક પ્રશ્નો છે. જેમાં મુખ્ય પ્રશ્ન પૂરતા પાણીનો છે. જો કચ્છને પૂરતું પાણી મળી રહે તો કચ્છીઓ બીજી કોઈ પણ મુશ્કેલીઓને હંફાવીને વિકાસ કરી શકવા સક્ષમ છે. ઉદ્યોગો, ખેતી અને પશુપાલન પાણી વગર વિકસી નહીં શકે. આથી જ આવનારા ભવિષ્યમાં વિકાસની ગતિ તેજ રાખવી હશે તો કચ્છને પૂરતું પાણી આપવું જ પડશે.

વીસમી સદીના અંતમાં અને એકવીસમી સદીના પહેલા જ વર્ષમાં કચ્છમાં આવેલા ભૂકંપે જેટલો વિનાશ કર્યો તેટલો જ ફાયદો પાછળથી કચ્છને થયો. જે વિકાસ છેલ્લાં ૧૮ વર્ષમાં થયો તેની કલ્પના પણ કોઈએ કરી ન હતી. આજે ભુજ, ગાંધીધામ, મુન્દ્રા જેવાં શહેરોની અને મોટા ભાગનાં ગામડાંની સિકલ ફરી ગઈ છે. આમ છતાં અત્યારે નિષ્ણાતોને લાગી રહ્યું છે કે વિકાસનો પ્રથમ તબક્કો પૂરો થયો છે અને હવે બીજો તબક્કો કચ્છના દરવાજા ખખડાવી રહ્યો છે ત્યારે પાણી જેવા મહત્ત્વના પ્રશ્નો તથા ભૂકંપ પછીના નવસર્જન વખતે રહેલી ક્ષતિઓ દૂર કરવાનો સમય થઈ ગયો છે.

કચ્છની આવતીકાલ આજ જેટલી જ ઉજળી બનાવવી હોય તો જે ભૂલો થઈ છે, જે બાબતે દુર્લક્ષ સેવાયું છે અને જે બાબતો લાંબાગાળાના આયોજન માટે બાકી રખાઈ છે તે તમામ પર ધ્યાન આપવું હવે જરૃરી બન્યું છે. ભૂકંપ પછીના દસ વર્ષ સુધી નિયમિત અને સંતોષકારક રીતે પડેલા વરસાદના કારણે સામાન્ય લોકોની સાથે-સાથે સત્તાધીશો, પ્રજાકીય પ્રતિનિધિઓ પાણીનો પ્રશ્ન ભૂલી ગયા હતા, પરંતુ છેલ્લાં ચારેક વર્ષથી ફરી મેઘરાજાની અવકૃપાનો સામનો કરવાનો સમય આવ્યો છે. ત્યારે ખ્યાલ આવ્યો કે અત્યારે થયેલો વિકાસ ટકાવી રાખવો હોય તો કચ્છને પાણી માટે સુરક્ષિત થવું જરૃરી છે. આ એક જ એવી બાબત છે કે જેના પર કચ્છીઓનું નિયંત્રણ નથી. પાણી માટે કચ્છ સ્વાવલંબી થઈ શકે તેમ નથી ત્યારે નર્મદાના પાણી કચ્છને પીવા માટે, ખેતી માટે, ઉદ્યોગો માટે પૂરતા પ્રમાણમાં અને નિયમિત રીતે મળી રહે તો જ વિકાસનો બીજો તબક્કો ગતિ પકડી શકે તેમ છે. અન્યથા પહેલા તબક્કામાં થયેલો વિકાસ પણ ભૂંસાઈ જતાં વાર લાગવાની નથી.

કચ્છના વિકાસમાં પાણીના મહત્ત્વની વાત કરતા નિષ્ણાત શશીકાંતભાઈ ઠક્કર જણાવે છે, ‘જો નર્મદાનું પૂરતું પાણી મળે તો કચ્છની સિકલ બદલાઈ જાય, નહીં તો ભારે તકલીફ થશે. જે વિસ્તારમાં ભૂતળમાં પાણી હતું તે પણ નવા આવેલા ઉદ્યોગોએ ઉલેચી નાખ્યું છે. તેથી અત્યારે પાણીની જરૃરિયાત છે તેટલી ક્યારેય ન હતી. ટ્રિબ્યુનલ દ્વારા કચ્છ માટે જેટલા નર્મદાના પાણીના જથ્થાની ફાળવણી કરવામાં આવી હતી તેટલું પાણી પણ મળતું નથી. કચ્છનાં ૯૪૮ ગામો, ૧૦ શહેરો અને ઉદ્યોગો માટે ૦.૦૮૭ મિલિયન એકર ફૂટ અને ૨.૭૮ લાખ એકર ખેતીની જમીન પર સિંચાઈ માટે ૦.૪૯૬ એમએએફ મળીને કુલ ૦.૫૮૩ એમએએફ પાણી ફાળવાયું છે. પીવા માટે નર્મદાનું પાણી પૂર્વ અને મધ્ય કચ્છમાં જ મળે છે જ્યારે પશ્ચિમ કચ્છમાં હજુ પૂરતું પાણી મળતું નથી.

કચ્છને મળતાં નર્મદાના પાણી અંગેના અભ્યાસુ અને કચ્છી સમાજ, અમદાવાદના પ્રમુખ અશોક મહેતા આ બાબતે વાત કરતાં કહે છે, ‘નર્મદાનું પાણી ત્રણ ભાગે કચ્છને આપવાનું આયોજન કરાયું છે. ઉદ્યોગો અને પીવા માટે અંદાજે અડધો એમએએફ અને સિંચાઈ માટે પણ અંદાજે અડધો એમએએફ પાણી ફાળવાયું છે. જ્યારે દરિયામાં વહી જતાં નર્મદાના વધારાના ૩ એમએએફ પાણી પૈકી ૧ ઉત્તર ગુજરાતને, ૧ સૌરાષ્ટ્રને અને ૧ કચ્છને ફાળવવાનું નક્કી કરાયું છે. આ પાણી કચ્છમાં પહોંચાડવા માટે ૧૦ હજાર કરોડની ફાળવણી કરાઈ છે. અત્યાર સુધીમાં માત્ર ૩ હજાર કરોડ જ વપરાયા છે, હજુ મોટા ભાગનું કામ બાકી છે. સિંચાઈ માટેનું નિયમિત પાણી ટપ્પર ડેમ સુધી આવી ગયું છે, પરંતુ ત્યાંથી આગળ માંડવી સુધી પહોંચ્યું નથી. ૭ કિ.મી. અને ૧૦ કિ.મી.ની જમીનના સંપાદનનો પ્રશ્ન લાંબા સમયથી ઉકેલાતો નથી. આથી પાણી આગળ વધી શકતું નથી. જો પાણી પૂરતા જથ્થામાં ન મળે તો કચ્છનો વિકાસ ચોક્કસ અટકી જાય તેમ છે. જો નિયમિત અને વધારાનું પાણી કચ્છને મળવા લાગે તો કચ્છના ખેડૂતો વર્ષે ૨ હજાર કરોડની વધારાની આવક રળી શકે તેમ છે, પરંતુ રાજકીય ઇચ્છાશક્તિના અભાવના કારણે, મહાજનોની નિષ્ક્રિયતાના કારણે આ પ્રાણ પ્રશ્ન ઉકેલાતો નથી.

Related Posts
1 of 319

નર્મદાના પાણી કચ્છમાં પહોંચાડતા ગુજરાત વૉટર સપ્લાય ઇન્ફ્રાસ્ટ્રકચર લિ.ના સિનિયર મેનેજર સી.બી. ઝાલાના જણાવ્યા મુજબ, ‘કચ્છમાં માનવ અને પશુઓની વસતી વધી છે. ઉદ્યોગો પણ વધી રહ્યા છે. તેથી પાણીનો વપરાશ વધ્યો છે. પીવા માટે, ખેતી માટે, ઉદ્યોગો માટે જો પૂરતું પાણી આપવું હોય તો હાલમાં રોજના ૬૦૦ એમએલડી (મિલિયન લિટર પર ડે) પાણીની જરૃરિયાત છે, પરંતુ અત્યારે ૪૩૦ એમએલડી પાણી જ આપી શકાય છે. જેમાંથી ૧૦૦ ટપ્પરનું અને ૨૦૦ એમએલડી પાણી માળિયા સમ્પમાંથી નર્મદાનું અપાય છે. બાકીનું ૧૩૦ એમએલડી પાણી બોર જેવા સ્થાનિક સોર્સમાંથી લેવાય છે. ઉદ્યોગોને ૧૦૦ એમએલડી પાણી આપવાનો કરાર કરાયો છે, પરંતુ માત્ર ૨૦ એમએલડી પાણી અપાય છે. નજીકના ભવિષ્યમાં જ રોજિંદી જરૃરિયાતમાં તોતિંગ ૨૦૦થી વધુ એમએલડીનો વધારો થવાની શક્યતા છે.

જોકે આ માટે ૧૪૧૧ કરોડનો પ્રોજેક્ટ મંજૂરી માટે મુકાયેલો છે. જે મુજબ નર્મદાની મેઇન કેનાલમાંથી કચ્છ બ્રાન્ચ કેનાલ જ્યાંથી નીકળે છે તે રાધનપુરના સલીમગઢ ગામ પાસેથી ૨ મીટર વ્યાસની પાઈપલાઈન ભચાઉ સુધી નાખવાની યોજના છે. આ પાઈપલાઈન ૧૯૬ કિ.મી. લાંબી હશે. તેના દ્વારા મળનારું ૩૦૦ એમએલડી પાણી પશ્ચિમ કચ્છને અપાશે અને પૂર્વ કચ્છને માળિયાનું પાણી અપાશે. આ કેનાલના પાણીથી ટપ્પર ડેમ પણ ભરાશે. આમ ભવિષ્યની કચ્છની પાણીની જરૃરિયાતને પહોંચી વળાશે.

કચ્છના વિકાસ અંગે માંડીને વાત કરતાં નિષ્ણાત કીર્તિભાઈ ખત્રી કહે છે, ‘ભૂકંપ પછી કચ્છનો કાયાકલ્પ થયો છે તેમ કહી શકાય. પહેલા કચ્છના અર્થતંત્રનો આધાર ખેતી અને પશુપાલન હતો. ત્યાર પછી પાન્ધ્રોની લિગ્નાઇટ ખાણના લીધે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ વિકસ્યો. તે પહેલા નમક અને ખનિજ આધારિત કેટલાક એકમો હતા. ગાંધીધામ આસપાસ ફ્રી ટ્રેેડ ઝોન અસ્તિત્વમાં આવ્યું હતું. મુન્દ્રામાં ખાનગી બંદરના શ્રીગણેશ થયા હતા, પરંતુ તે વિકસે તે પહેલાં જ ભૂકંપ આવ્યો હતો. ત્યાર પછી વિકાસે જાણે દિશા બદલી હતી.  ઉદ્યોગો આવવા લાગ્યા. તમામ પ્રકારના ઉદ્યોગો અહીં શરૃ થયા છે. સૉ પાઈપના ઉત્પાદનમાં કચ્છ મોટું હબ બની ચૂક્યું છે. લોખંડ, સ્પોન્જ આયર્ન, સિમેન્ટ ઉત્પાદન, સૉ મિલ- ટિમ્બર ઉદ્યોગ, નમક ઉત્પાદન તો પહેલેથી જ કચ્છમાં થતું હતું. દેશની કુલ જરૃરિયાતના ૩૦ ટકા મીઠું કચ્છ પૂરું પાડે છે. ઘરવપરાશની બ્રાન્ડેડ વસ્તુઓ જેવી કે સ્વિચ, બિસ્કિટ, સાબુ, રૅફ્રિજરેટર વગેરે પણ કચ્છમાં બનવા લાગ્યાં છે. ટાયર, પ્લાયવૂડ ઉત્પાદનમાં કચ્છ અગ્રેસર બન્યું છે.

કોલસા આધારિત વીજ ઉત્પાદનની ગુજરાતની કુલ ક્ષમતા ૨૦ હજાર મેગાવૉટની છે. તેના ૫૦ ટકા ઉત્પાદન કચ્છમાં થાય છે. પવન આધારિત વીજળી પણ કચ્છમાં પેદા થાય છે. વિન્ડફાર્મ માટેની વિશ્વની પાંચ ઉત્તમ સાઈટો પૈકી એક સાઈટ કચ્છની ગણાય છે. અહીં લગભગ ૧૭૦૦ મેગાવૉટ વીજળી પેદા થાય છે. જ્યારે સૂર્ય ઊર્જા ક્ષેત્રે પણ પા.. પા.. પગલીની શરૃઆત થઈ ચૂકી છે. તેવી જ રીતે ટેક્સ્ટાઇલ ક્ષેત્રે વિશ્વનું સૌથી મોટું બીજા નંબરનું યુનિટ કચ્છમાં છે.‘ 

ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસો.ના મેનેજિંગ ડાયરેક્ટર નિમિષ ફડકે કહે છે, ‘કચ્છમાં ભૂકંપ પછી ખૂબ પડતર જમીનો હતી. સરકારે ટેક્સ હોલિ-ડે જાહેર કર્યો હતો. અહીં શ્રમશક્તિ ખૂબ સસ્તી અને સહેલાઈથી ઉપલબ્ધ હતી. દેશનાં બે મહાબંદરો અહીં છે તેના કારણે ઉદ્યોગોને આયાત-નિકાસ માટે ખૂબ સરળતા રહે તેમ છે. અહીંની વિપુલ ખનીજ સંપત્તિ પણ ઉદ્યોગકારો માટે આકર્ષણરૃપ છે. સોલાર અને વિન્ડ જેવી બિનપરંપરાગત ઊર્જા માટે પણ કચ્છ આદર્શ છે. આથી અહીં નવા ઉદ્યોગો આવ્યા છે અને હજુ આવતા રહે છે, પરંતુ હવે નવા આવનારા ઉદ્યોગોને કે વિસ્તરણ કરવા ઇચ્છતા ઉદ્યોગોને રાજાશાહી વખતની જમીન, જાગીર કે મંદિર હસ્તકની જમીન, જમીન માપણીના પ્રશ્નો સતાવે છે. આ અંગેના કેસ અન્ય કોઈ જિલ્લામાં નથી એટલા કચ્છમાં છે. લેન્ડ રેવન્યુના પ્રશ્નો ઉકેલવા માટે સુધારાની જરૃર છે. તો જ જમીન સંપાદન માટેનો સમય ઘટી શકે. આવતાં ૧૦-૧૫ કે ૫૦ વર્ષોમાં પણ કચ્છ ઉદ્યોગો માટે હોટ ફેવરિટ જ રહેશે, પરંતુ તે માટે અતિઆવશ્યક એવું પાણી પૂરતા પ્રમાણમાં મળવું જોઈએ. જો પાણી પ્રશ્ન નહીં ઉકલે તો આગામી પાંચ વર્ષમાં ઔદ્યોગિક ક્ષેત્રે અંધકાર છવાઈ જવાની ભીતિ છે.

ઉદ્યોગોના આગમનની સાથે જ કચ્છમાં પરપ્રાંતીય લોકોનુું આગમન પણ ચાલુ થયું. તેના કારણે અહીંના લોકોની જીવનશૈલી પણ બદલાઈ. છેલ્લા થોડા સમયમાં શહેરોનાં કલેવરો બદલાયાં છે. મૉલ સંસ્કૃતિ વિકસી રહી છે. ગાંધીધામમાં મેગાસિટીની જેમ કૉસ્મોપૉલિટન કલ્ચર વિકસી રહ્યું છે તો પરંપરામાં માનતું ભુજ આજે મહાનગર બનવા જઈ રહ્યું છે. ભુજના એન્જિનિયર અને ટાઉનપ્લાનિંગમાં તજજ્ઞ નલિન ઉપાધ્યાય આ અંગે જણાવે છે, ‘ભૂકંપ પછી શહેરોનો વિસ્તાર વધ્યો છે. માળખાકીય સુવિધાઓ વિકસી છે. જોકે જોઈએ તેટલું તેનું ધ્યાન રખાતું નથી. પહેલાં ભુજ ૧૮ ચો. કિ.મી.માં હતું જે આજે ૫૬ ચો. કિ.મીમાં ફેલાયું છે. વર્ષો પહેલાં પાંચ નાકા અને છઠ્ઠી બારી વચ્ચે ગઢની અંદર વસેલું ભુજ ભૂકંપ પહેલાં જ ગઢની બહાર ફેલાવા લાગ્યું હતું અને ૧૮ ચો. કિ.મી.માં વસવાટ ચાલુ થયો હતો. ભૂકંપ પછીના નવસર્જનમાં તેનો વિસ્તાર ત્રણ ગણાથી વધુ થઈ ગયો છે. ભુજમાં ટાઉનપ્લાનિંગ સુંદર થયું હતું. રસ્તા પહોળા થયા, આવાગમન સહેલું બન્યું હતું. વૃક્ષારોપણ વધ્યું હતું. પીવાના પાણી માટે પણ લોક સહકારથી સારું કામ થયું હતું તો પાછળથી નર્મદાનું પાણી પણ મળવા લાગ્યું છે, પરંતુ ભુજના હમીરસર જેવું જ નજરાણુ પ્રાગસર તળાવનું છે તેના પર ધ્યાન અપાયું નથી.

કચ્છ પહેલાંથી જ ખેતી અને પશુપાલન આધારિત વિસ્તાર હતો. ભૂકંપ પહેલાં ખેતી આકાશી મહેર પર જ નિર્ભર હતી. જ્યારે પશુપાલકો પણ ઓછા વરસાદ કે દુષ્કાળના સમયમાં જિલ્લા બહાર જવા મજબૂર હતા. આજે પણ આ સ્થિતિમાં પૂરો બદલાવ આવ્યો નથી જ, પરંતુ તેમાં થોડા બદલાવની શરૃઆત તો થઈ ગઈ છે. પહેલાં પશુધન વધુ હોવા છતાં ઉત્પાદન ઓછું હતું. દૂધ અને ડેરી ઉત્પાદનો માટે માર્કેટ ન હતું. તેની મોટી માગ પણ ન હતી. તેથી પશુપાલન નફાકારક ન હતું. જ્યારે આજે પશુપાલકોને દૂધના વાજબી ભાવ મળી રહે છે. આ અંગે વિશેષ વાત કરતાં સરહદ ડેરીના ચૅરમેન વલમજીભાઈ હુંબલ કહે છે, ‘પહેલાં ખાનગી વેપારીઓ ખૂબ ઓછી કિંમતે દૂધ ખરીદતા. તેમાં પણ શિયાળા અને ચોમાસામાં દૂધ ઉત્પાદન વધુ હોય ત્યારે ભાવ ઘટી જતા હતા. પશુપાલકો ગુજરાન ચલાવવા માટે પશુઓને વેચવા માટે મજબૂર બનતા હતા. ભૂકંપ પછી વર્ષ ૨૦૦૪-૦૫માં એનડીડીબી દ્વારા ડેરી માટે દૂધ એકઠું કરવાનું શરૃ કરાયું. ત્યારે ભાવ પ્રતિ લિ. રૃ.૧૨ હતા અને ફેટ દીઠ રૃ.૨.૬૦ અપાતા હતા. ભાવ ઓછા હોવા છતાં પશુપાલકો પાસેથી દૂધ નિયમિત ખરીદવાનું શરૃ થયું હતું. ૨૦૧૦માં સરહદ ડેરીએ દૂધ કલેક્શન શરૃ કર્યું અને લિટર દીઠ રૃ.૧૫-૧૬ અને ફેટ દીઠ રૃ.૩ અપાતા હતા. તે સમયે સરહદ ડેરી પ્રતિદિન ૧૫૦૦ લિટર દૂધ એકઠું કરતી હતી અને સરહદ ડેરી ૮૦ હજાર લિ. દૂધ ભેગું કરતી હતી. સમય જતાં સરહદ ડેરીનો પ્રોસેસિંગ પ્લાન્ટ અને શીત કેન્દ્રો શરૃ થયાં. અત્યારે જિલ્લામાં ૧૮ જેટલાં શીત કેન્દ્રો છે અને દૈનિક ૫ લાખ લિ. દૂધનું કલેક્શન કરાય છે. કચ્છમાંથી નિયમિત દૂધનું એકત્રીકરણ થતાં માલધારીઓનું જીવનધોરણ ઊંચું આવ્યું અને પશુઓના વેચાણમાં ઘટ આવી. ભવિષ્યમાં કચ્છમાં કેટલફીડ પ્લાન્ટ નખાતા પશુદાણ સસ્તું થશે અને મોટા ભાગના માલધારીઓ તેનો ઉપયોગ કરી શકશે. આ ઉપરાંત વધુ દૂધ આપે તેવી ઓલાદો માટે કૃત્રિમ બીજધાન કેન્દ્ર શરૃ કરાયું છે. જે ભવિષ્યમાં સારી રીતે કામ કરતું થઈ જશે. ઉત્તમ ઘાસ માટે વિખ્યાત બન્ની પ્રદેશમાં આજે સારી ગુણવત્તાનું ઘાસ થતું નથી. તેથી અહીં જમીન સુધારણા અને સારું ઘાસ ઉગાડવાનો કાર્યક્રમ હાથ ધરાશે. જો નર્મદાનું પૂરતું પાણી મળશે તો કચ્છમાં પશુપાલન અને પશુપાલકોનું ભવિષ્ય ઉજળું છે.
—————–

Leave A Reply

Your email address will not be published.

Translate »