તમારા માટે, તમારી સાથે, સતત…

પ્રિ-વેડિંગ ફોટોગ્રાફી અને શૂટિંગમાં ઘણુ નવું છે

છેલ્લા કેટલાક સમયથી તેમાં ડેસ્ટિનેશન ફોટોગ્રાફીએ એન્ટ્રી મારી છે

0 591

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલનરેશ મકવાણા

સ્માર્ટફોન અને ટૅક્નોલોજીના આટલા વ્યાપ પછી પણ લગ્નોમાં ફોટોગ્રાફી અને વીડિયો શૂટિંગની મહત્તા જરાય ઓછી થઈ નથી. બદલાતા સમય સાથે તેમાં ફેરફારો થતા રહ્યા છે, પણ તેનું ફરજિયાતપણુ આજેય અકબંધ છે. ત્યારે ચાલો જાણીએ વેડિંગ ફોટોગ્રાફી અને વીડિયો શૂટિંગમાં હાલ નવું શું ચાલી રહ્યું છે.

એક સમય હતો જ્યારે લગ્નોનો ફોટોગ્રાફર તેના ગ્રાહકને માત્ર લગ્નની વિધિઓના પરિવારજનો સાથેના ફોટાઓ સાથેનો આલ્બમ અને વીડિયો સીડી પકડાવીને છૂટી જતો હતો, પણ સ્માર્ટ ફોન અને ઇન્ટરનેટ ક્રાંતિને કારણે છેવાડાના માણસ સુધી જાતભાતની માહિતી પહોંચવા માંડી છે. જેની અસર હવે લગ્નોમાં થતી ફોટોગ્રાફી અને વીડિયો શૂટિંગમાં પણ જોવા મળી રહી છે. સુખી સંપન્ન તો ઠીક, મધ્યમ આવક ધરાવતો પરિવાર પણ બોલિવૂડ અને હોલિવૂડની હસ્તીઓએ અપનાવેલી વેડિંગ ફોટોગ્રાફીનો આગ્રહ રાખતો થયો છે. એમાં પણ હાલ પ્રિ- વેડિંગ ફોટોગ્રાફીનો ક્રેઝ મુખ્ય છે. જેમાં વરવધૂ વિવિધ સ્થળો પર જઈને વિવિધ સ્ટાઇલમાં પોઝ આપીને ફોટોગ્રાફી કરાવે છે. હાલ તેમાં પણ થીમ અને ડેસ્ટિનેશન ફોટોગ્રાફી ટ્રેન્ડમાં છે.

પ્રિ-વેડિંગ ફોટોગ્રાફીની શરૃઆતમાં તસવીરકાર વરવધૂને નજીકના કોઈ બાગબગીચામાં લઈ જઈને ફોટોગ્રાફી કે શૂટિંગ કરતા, પણ છેલ્લા કેટલાક સમયથી તેમાં ડેસ્ટિનેશન ફોટોગ્રાફીએ એન્ટ્રી મારી છે. હાલ વરવધૂ પ્રિ-વેડિંગ ફોટોગ્રાફી માટે આકર્ષક સ્થળોએ જઈને ફોટોગ્રાફી કરાવતાં થયાં છે. ગુજરાતમાં આ માટે પોળો ફોરેસ્ટ, ગીરનું જંગલ, ડાંગ, સાપુતારાનો પહાડી વિસ્તાર વગેરે લોકપ્રિય છે. જોકે સુરતમાં વરવધૂને પ્રિ-વેડિંગ ફોટોગ્રાફી કે શૂટિંગ માટેના તમામ વિકલ્પો મળી રહે તે માટે ખાસ પિક્સો સિટીઊભું કરવામાં આવ્યું છે. જેમાં તેમને લોકપ્રિય ફોરેન લોકેશન્સમાં શૂટિંગનો અનુભવ મળે તે પ્રકારની વ્યવસ્થા છે. અહીં નિયત બજેટમાં વરવધૂને તેમને ગમતાં સ્થળ પર શૂટિંગ કર્યાનો અનુભવ કરાવાય છે. સુરતમાં આ પ્રકારની વ્યવસ્થાને સારો આવકાર મળતા હવે અમદાવાદ સહિતનાં રાજ્યનાં અન્ય શહેરોમાં પણ તેને વિસ્તારવાની તૈયારીઓ થઈ રહી છે. આ વ્યવસ્થાનો ફાયદો એ છે કે, વરવધૂને એક જ જગ્યાએ જુદાં-જુદાં સ્થળો પર ફોટોગ્રાફી કે શૂટિંગ કર્યાનો અનુભવ મળી રહે છે. સાથે સમય અને પૈસાનો પણ બચાવ થાય છે. હાલ જે રીતે આવા થીમ આધારિત સ્ટુડિયોને આવકાર મળી રહ્યો છે તે જોતાં આગામી દિવસોમાં તેની લોકપ્રિયતા વધશે તે નક્કી છે.

અમદાવાદના પ્રતિભાશાળી ફોટોગ્રાફર પ્રશાંત પટેલ કહે છે, ‘અમદાવાદ જેવા મોટા શહેરોમાં વરવધૂ મોટા ભાગે કોઈ પેલેસ કે રિસોર્ટમાં શૂટિંગ કરવાનો આગ્રહ રાખે છે જેથી જરૃરી સગવડો મળી રહે. ડેસ્ટિનેશન ફોટોગ્રાફી કે શૂટિંગની વાત કરીએ તો અમદાવાદી કપલ્સ ડેસ્ટિનેશન શૂટિંગ માટે મોટા ભાગે રાજસ્થાનના ઉદેપુર અને કચ્છના પેલેસને વધારે પસંદ કરે છે. હવે હેરિટેજ સ્થળો પર પ્રિ-વેડિંગ શૂટિંગ કે ફોટોગ્રાફીની મનાઈ છે, પણ અગાઉ દાદા હરિની વાવ અને અડાલજની વાવ ખાતે અનેક કપલ્સ પ્રિ-વેડિંગ ફોટોગ્રાફી કરાવતાં હતાં.

Related Posts
1 of 262

એક સમય હતો જ્યારે વરવધૂ સહિત પરિવારજનો, કુટુંબીજનો વગેરેના ફોટા એક જ બીબાંઢાળ રીતે પાડીને આલ્બમ પૂરો કરી દેવામાં આવતો હતો. એ ફોટાઓમાં મુખ્યત્વે વરવધૂના ફેરા, લગ્નની વિવિધ વિધિઓ, રિવાજો અગ્રતાક્રમે રહેતી. પરિવાર અને કુટંબીજનોના ફોટા અને શૂટિંગ પણ એ જ પરંપરાગત રીતરિવાજો અનુસાર લાઈનબંધ ઊભા રાખીને જ લેવામાં આવતાં, પણ હવે ટ્રેન્ડ બદલાયો છે. દીકરી હોય કે દીકરાનો પરિવાર, બંને નેચરલ હાવભાવોને ઝીલી લેવાનો આગ્રહ રાખતા થયા છે. એટલે જ હવે જે-તે પોઝમાં કોઈને ઊભા રાખીને કરાતી આર્ટિફિશિયલ ફોટોગ્રાફીએ વિદાય લેવા માંડી છે અને તેની જગ્યા નેચરલ ફોટોગ્રાફી કે શૂટિંગ લઈ રહ્યું છે.

અમદાવાદમાં ફોટોકલમનામથી અલગ જ પ્રકારની ફોટોગ્રાફીનો ટ્રેન્ડ શરૃ કરનાર યુવા ફોટોગ્રાફર અનેરી નિહલાણી નેચરલ ફોટોગ્રાફી વિશે કહે છે, ‘નેચરલ ફોટોગ્રાફીમાં જે-તે વ્યક્તિનું વ્યક્તિત્વ છલકાતું જોઈ શકાય છે. પરંપરાગત ફોટોગ્રાફીથી વિરુદ્ધ તેમાં કોઈ વ્યક્તિનો ફોટોગ્રાફ કે શૂટિંગ તેની આગવી લાક્ષણિકતાઓમાં કેપ્ચર કરાય છે. જૂના આલ્બમો જોઈશું તો ખ્યાલ આવશે કે કેમેરા સામે આવતાં જ પરિવારજનો, ઈવન વરવધૂ પણ વધારે પડતાં ગંભીર કે સજાગ થઈ જતાં હોય છે. પરિણામે તેમનું અસલ વ્યક્તિત્વ સામે આવતું નથી. જ્યારે નેચરલ ફોટોગ્રાફીમાં તેમને કશીક એક્ટિવિટી કરતાં કેમેરામાં કંડારી લેવામાં આવે છે. જે તેમને વધુ નિખાર આપે છે. નેચરલ ફોટોગ્રાફીમાં ફોટોગ્રાફરને પણ થોડી છૂટછાટ મળતી હોવાથી તેની આવડતને બહાર લાવવાની તક મળે છે. બીબાંઢાળ ફોટા કરતાં નેચરલ ફોટોગ્રાફ વધારે સુંદર લાગે છે. આ બાબતની સાબિતી જોઈતી હોય તો ઈશા અંબાણી-આનંદ પીરામલ, પ્રિયંકા-નીક અને દીપિકા-રણવીર જેવી હસ્તીઓનાં લગ્નની કેન્ડિડ ફોટોગ્રાફી જોઈ લેશો તો સમજાઈ જશે. હાલ જે રીતે તેની લોકપ્રિયતા વધી રહી છે એ જોતાં આગામી દિવસોમાં પરંપરાગત ફોટોગ્રાફીની સંપૂર્ણ જગ્યા નેચરલ ફોટોગ્રાફી લઈ લે તો મને નવાઈ નહીં લાગે.

અમદાવાદના ફોટોગ્રાફર કુંજન પ્રજાપતિ પ્રિ-વેડિંગ ફોટોગ્રાફીના મહત્ત્વ પર પ્રકાશ પાડતાં કહે છે, ‘પ્રિ-વેડિંગ ફોટોશૂટ કોઈ ફોર્માલિટી નથી. લગ્નનું ફોટોશૂટ એવી રીતે થવું જોઈએ કે વરવધૂને કાયમ માટે યાદ રહે છે. જો પ્રેમલગ્ન હોય તો તેમની સંપૂર્ણ પ્રેમકહાની યાદ કરાવી આપે. પ્રથમ મુલાકાતથી લઈને લગ્ન સુધીની ખાસ પળોને જીવનભર માટે સંગ્રહી રાખવાની વાત આવે ત્યારે નેચરલ ફોટોગ્રાફી જ યોગ્ય ગણાય.

લગ્નોમાં વધુ એક નવો ટ્રેન્ડ સિનેમેટોગ્રાફીનો છે. દરેક કપલ કોઈ ને કોઈ ફિલ્મ અભિનેતા કે અભિનેત્રીમાં પોતાનું પ્રતિબિંબ જોતું હોય છે. તેઓ ઇચ્છતા હોય છે કે લાઈફમાં કમ સે કમ એકવાર તેઓ તેમનાં ગમતાં ફિલ્મી હીરો-હીરોઇન જેમ જીવે. એ ઇચ્છા પૂરી કરવાનો મોકો તેમને તેમનાં લગ્નમાં મળે છે. એ દિવસોમાં સૌ કોઈની નજર માત્ર તેમના પર હોય છે. આખા પ્રસંગમાં તેઓ જ હીરો-હીરોઇનના રોલમાં હોય છે. હવે વિચારો, લગ્નના એ દિવસોની જો ફિલ્મ બને તો! જી હા, હવે સિનેમેટોગ્રાફી દ્વારા લગ્નની તૈયારીઓથી માંડીને વિધિઓ અને વિદાય સુધીની તમામ મહત્ત્વની ક્ષણોને આવરી લેતી બે-ત્રણ કલાકની ફિલ્મ બનાવવાનો ટ્રેન્ડ જોરમાં છે. જેમાં વીડિયો શૂટિંગને પ્રોફેશનલ વીડિયો એડિટર દ્વારા ફિલ્મ જેમ લગ્નના સમગ્ર પસંગનો વીડિયો તૈયાર કરવામાં આવે છે. જેમાં જરૃરિયાત પ્રમાણે ગીત, સંગીત અને વીએફએક્સ ઉમેરાય છે. સમગ્ર લગ્ન પ્રસંગને આવરી લેતી ૨થી ૩ કલાકની આ પ્રકારની ફિલ્મમાં વરવધૂનાં ખાસ મિત્રો, માતાપિતા, પરિવારજનો, કુટુંબીજનોની લાક્ષણિક અદાઓને આવરી લઈને બોલિવૂડ ફિલ્મની જેમ એડિટ કરીને ગોઠવી દેવાય છે. જે જોતી વખતે અદ્દલ ફિલ્મ જેવો જ અનુભવ આપતી હોય છે. આ ટ્રેન્ડ થોડો ખર્ચાળ જરૃર છે, પણ લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા માગતા લોકો માટે તે રૃપિયાથી ક્યાંય વધુ આપે છે. સમયની સાથે જેમ લગ્નની વિધિઓમાં પરિવર્તન આવ્યું છે એવું જ લગ્નના ફોટાને સાચવી રાખવાની રીતમાં પણ થયું છે.

પહેલાં ફોટાને પ્લાસ્ટિકના આલ્બમમાં ગોઠવવામાં આવતા. આજે વેડિંગ ફોટોગ્રાફ માટે કસ્ટમાઇઝ્ડ પ્રિન્ટેડ આલ્બમ બને છે. આજ પરંપરામાં એક કદમ આગળ વધતા હવે આવી રહ્યા છે કસ્ટમાઇઝ્ડ વેડિંગ મૅગેઝિન‘. નવ દંપતીને ધ્યાનમાં રાખીને તૈયાર થતાં વેડિંગ મૅગેઝિનમાં પ્રિ-વેડિંગથી લઈને સમગ્ર લગ્ન પ્રસંગના ફોટાઓમાંથી પસંદગી કરીને મૅગેઝિનની જેમ સ્ટોરીઓ તૈયાર કરાય છે. વોગ, ફેમિના, ફિલ્મફેર જેવા વિખ્યાત મૅગેઝિનની થીમ પ્રમાણે તૈયાર થતાં આવાં મૅગેઝિન લગ્નના ફોટા સાચવી રાખવાનો નવો ટ્રેન્ડ સેટ કરી રહ્યાં છે. ટૂંકમાં, લગ્ન પ્રસંગને ધ્યાનમાં રાખીને માર્કેટમાં ઘણુ બધું નવું આવી રહ્યું છે.
——————

Leave A Reply

Your email address will not be published.

Translate »