જાતે હોડી ચલાવી શાળામાં પહોંચવા મજબૂર ભૂલકાં
આ રસ્તા પર વર્ષો પહેલાં લાગેલા પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના બોર્ડને પણ કાટ લાગી ગયો છે,
- શિક્ષણ – હરીશ ગુર્જર
શાળાએ જતાં બાળકને માતા-પિતા શાળાએ મૂકવા આવે અથવા ભૂલકાંઓ સ્કૂલ વાન, રિક્ષા કે સ્કૂલ બસમાં શાળાએ પહોંચે, સામાન્ય રીતે આવાં દ્રશ્યો જોવા આપણે ટેવાયેલા છીએ, પણ કોઈ એવું કહે કે, અમારા ગામનાં બાળકો શાળાએ જવા માટે હોડી ચલાવીને જાય છે, તો ચોક્કસ જ નવાઈ લાગે. નદીમાં બોટ ચલાવી શાળાએ જતાં બાળકો આપણા ગુજરાત રાજ્યનાં જ છે અને અભ્યાસ માટે જીવ જોખમમાં મૂકવો તેમના માટે રોજિંદો ક્રમ બની ગયો છે, ત્યારે જાણીએ આ બાળકો અને ગુજરાત રાજ્યના આ સૌથી છેલ્લા ગામ વિશેનો વિસ્તૃત અહેવાલ.
સુરતથી ૧૪૩ કિલોમીટર અને વાપીથી ૩૨ કિલોમીટરના અંતરે પીપરોણી ગામ આવેલું છે. વાપી શહેરમાં પ્રવેશ્યા બાદ સંઘ પ્રદેશ સેલવાસ જવાના માર્ગ પર આગળ વધી ફરી ગુજરાતની સરહદમાં પહોંચી અંતરિયાળ માર્ગે પીપરોણી પહોંચી શકાય છે. ગામ સુધી પહોંચવાનો થાક, ગામની કુદરતી સુંદરતાને નિહાળ્યા બાદ ગણતરીની મિનિટોમાં જ ભૂલી જશો. ગામ સુધી પહોંચવા એસ.ટી. બસની સુવિધા નહીં હોવાથી ખાનગી વાહન કે મજૂરોને લાવવા લઈ જવા માટે ઊભા થયેલાં ખાનગી વાહનોમાં ગામ સુધી પહોંચી શકાય છે.
દમણ ગંગા નદીના કિનારે વસેલું પીપરોણી ગામ મધુબન ડેમના નિર્માણ વખતે ડુબાણમાં ગયેલાં ગામો પૈકીનું એક છે. ડેમ બન્યા પહેલાં નાની-નાની ટેકરીઓ પર વસેલું ગામ હવે ટાપુઓમાં ફેરવાયું છે. મધુબન ડેમના નિર્માણ બાદ પણ આ વિસ્તારમાં રહેતા કેટલાક લોકોએ પોતાનાં મકાનો નહીં છોડ્યા તો કેટલાક કિનારા પર આવીને વસ્યા છે. જેમને જૂનું ગામ છોડ્યું નહીં તેઓ હવે પીપરોણીના મૂળ ગામવાસીઓ તરીકે ઓળખાય છે, અને ટેકરીઓ પર વસેલા તેમના ફળિયાને મૂળગામ ફળિયા તરીકે જ સરકારી ચોપડે નોંધણી થઈ છે. ૮ કિલોમીટરના પરિઘમાં છૂટાછવાયા ૪ ફળિયામાં વસેલા ગામની કુલ વસ્તી ૪૦૦ લોકોની હશે. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના શહેર સેલવાસથી બરોબર અડીને આવેલા ગુજરાતના સૌથી છેલ્લા ગામ પીપરોણીની પ્રાથમિક શાળા બ્રાહ્મણ ફળિયામાં આવેલી છે. કપરાડા તાલુકાની વલસાડ જિલ્લા પંચાયત દ્વારા સંચાલિત પીપરોણીની શાળામાં ૮ શિક્ષકો ફરજ બજાવે છે. ધોરણ ૧થી ૮ની આ શાળામાં કુલ ૧૮૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જે પૈકીના ૪૦ વિદ્યાર્થીઓને દરરોજ શાળામાં આવવા ફરજિયાત હોડીનોે જ ઉપયોગ કરવો પડે છે.
મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં આવેલું પીપરોણી મૂળ ગામ અને શાળા બંને અલગ-અલગ ટેકરીઓ પર આવેલી છે. ચોમાસાના ચાર મહિના અને ત્યાર બાદ એપ્રિલ મહિના સુધી આ બંને ટેકરીઓની વચ્ચે ડેમનું પાણી રહે છે. એપ્રિલથી જૂન સુધી ડેમનું પાણી સુકાઈ જાય છે અને લગભગ આ સમયગાળામાં શાળાને પણ વૅકેશન રહે છે. પરિણામે વિદ્યાર્થીઓ પાસે શાળા જવા માટે બોટ લઈને જવા સિવાય કોઈ વિકલ્પ બચતો નથી. પીપરોણી મૂળગામથી ૬ બોટમાં આવતાં ૪૦ વિદ્યાર્થીઓ પૈકી ૧૩ છોકરીઓ છે અને ૭ બાળકો તો પહેલા ધોરણમાં અભ્યાસ કરે છે. સોમથી શુક્ર શાળાનો સમય ૧૦.૩૦થી સાંજે ૫ વાગ્યા સુધીનો છે અને શનિવારે શાળા સવારે ૭ કલાકે શરૃ થાય છે અને બપોરે ૧૧.૩૦ કલાકે પુરી થાય છે. બોટમાં આવવાનું હોવાથી શાળાના સમયના ૧ કલાક પહેલાં બાળકોએ ઘરેથી નીકળવું પડે છે અને શાળા છૂટ્યાના ૧ કલાક બાદ તેઓ ઘરે પરત ફરે છે. ચોમાસામાં તળાવમાં પાણી વધી જતાં વિદ્યાર્થીઓને ૧ને બદલે દોઢ કલાકનો સમય લાગી જાય છે.
શાળાના આચાર્ય ધર્મેશભાઈ કાંકવા જણાવે છે, ‘પીપરોણી શાળાએ આવતાં બાળકોએ શાળામાં અભ્યાસ કરવો હોય તો તેમના માટે વણલખી પહેલી શરત એ છે કે, તેને હોડી ચલાવતાં આવડવી જોઈએ. કોઈ પણ પ્રકારનાં સુરક્ષા સાધનો વગરની હોડીઓમાં શાળામાં આવતાં બાળકોની ચોમાસામાં ૪ મહિના અમને ખૂબ ચિંતા થાય છે. કપરાડા તાલુકો ગુજરાતના ચેરાપુંજી તરીકે ઓળખાય છે. ગાજવીજ સાથે વરસાદ થાય ત્યારે અમારે બાળકોને શાળાના સમયનું બંધન તોડીને તેમને ઘરે પરત મોકલી આપવા પડે છે. સેલવાસ અને વાપીમાં મજૂરીકામ કરતાં પરિવારનાં આ બાળકોના કેટલાક વાલીઓ પાસે મોબાઇલની સુવિધા પણ નથી તો બાળકો પાસે અપેક્ષા જ ન રાખી શકાય. માટે કુદરતી વાતાવરણનો તાગ મેળવી નિર્ણયો લેવા પડે છે. સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત દૂરથી આવતાં બાળકો માટે વાહન વ્યવસ્થા ઊભી કરવાનું પ્રયોજન છે, પણ તેમાં બોટનો સમાવેશ થતો નથી. માટે અમે પણ આ સ્થિતિ સામે લાચાર છીએ. બોટમાં આવતાં ૪૦ વિદ્યાર્થીઓ પૈકી પાંચમા ધોરણમાં અભ્યાસ કરતો અશ્વિન નામનો વિદ્યાર્થી જે ટાપુ પર રહે છે ત્યાં તેનું એકલું જ ઘર છે. જેથી તે એકલો જ બોટ લઈને આવે છે. ૬ બોટ પૈકી ૨ બોટ ફાઇબરની છે તો બાકીની લાકડાંની અસ્સલ નાવડીઓ જેવી છે. આ તમામ બાળકોનાં માતા-પિતા પણ આ જ રીતે વહેલી સવારે બોટમાં આવી રોજીરોટી માટે સેલવાસ અને વલસાડ-વાપીમાં નોકરીએ જાય છે અને રાત્રે ઘરે પરત ફરે છે. આ બાળકોએ તમામ નિર્ણયો પોતાના અનુભવના આધારે જ લેવાના રહે છે.’
સ્થાનિક રહેવાસી મહેશ જાદવે જણાવ્યું હતું કે, મશીન વગરની સાદી હોડીઓ ચલાવી ચલાવીને જ અમારું શરીર ખડતલ બન્યું છે અને અમારા બાળકો પણ આ જ રીતે તૈયાર થઈ રહ્યાં છે. ચોમાસામાં જ્યારે અમે કામ પર હોઈએ અને વીજળીનો અવાજ સંભળાય એટલે અમારી પહેલી નજર ઘડિયાળ પર જાય છે. બાળકો અત્યારે ક્યાં હશે તેના અંદાજથી ક્યારેક અમને કંપારી પણ છૂટી જાય છે. અમારામાંથી ઘણા પરિવાર એવા છે કે શાળામાંથી આપવામાં આવતો ગણવેશ અને અમે જ્યાં કામ કરીએ છીએ ત્યાંના સાહેબોના બાળકોનાં જૂનાં કપડાં પર જ બાળકો મોટા થઈ જાય છે. જ્યારે બાળક ૯-૧૦ ધોરણમાં ભણવા શહેરમાં જાય ત્યારે પહેલી વાર ચપ્પલ કે બૂટ પહેરવા મળે છે. બાળકો અને અમારી પરિસ્થિતિથી સૌ કોઈ વાકેફ છે, ચૂંટણી સમયે વચનો પણ આપવામાં આવે છે. પરિણામ આજ દિવસ સુધી આવ્યું નથી. પીપરોણી મૂળ ગામથી બ્રાહ્મણ ફળિયામાં આવેલી શાળા સુધી પહોંચવા બોટથી ન આવવું હોય તો બાળકોએ ૨ ટેકરીઓ ખૂંદીને ૯ કિલોમીટરના કાચા અને ક્યાંય તો માત્ર પગદંડી જેવા પથરાળ રસ્તે ચાલીને આવવું પડે. આ રસ્તા પર વર્ષો પહેલાં લાગેલા પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના બોર્ડને પણ કાટ લાગી ગયો છે, કદાચ અધિકારીઓ પણ વિસરી ગયા હશે કે આપણે ત્યાં બોર્ડ લગાડ્યું છે. રસ્તાની હાલની જે સ્થિતિ છે તેનું વર્ણન ટૂંકમાં કરવું હોય તો, ભારતમાં એવી કોઈ ફોરવ્હીલ કાર બની નથી જે આ રસ્તાઓ પર ચાલી શકે, ૯ કિલોમીટરના માર્ગમાં વચ્ચે વચ્ચે પગદંંડી આવતી હોવાથી ટુ વ્હિલર તો દૂર ચાલતાં જવામાં પણ મુશ્કેલી પડે છે. જેથી આ વિદ્યાર્થીઓ માટે જીવના જોખમ સમાન લાગતો જળ માર્ગ જ સૌથી સરળ માર્ગ છે.
——————–