તમારા માટે, તમારી સાથે, સતત…

મગફળીઃ ટેકાના ભાવ લેવા ‘પીસાતા’ ખેડૂતો

સરકારે શીખ લઈને કડક નિયમો બનાવ્યા

0 154

વિટંબણા – દેવેન્દ્ર જાની

દૂધનો દાઝયો છાશ ફૂંકી ફૂંકીને પીવે. આવી સ્થિતિ હાલ ટેકાના ભાવે મગફળીની ખરીદીની કામગીરીમાં જોવા મળી રહી છે. ગયા વર્ષે મગફળીની ખરીદીમાં કરોડોનો ભ્રષ્ટાચાર બહાર આવ્યા બાદ સરકારી એજન્સીઓ ખરીફ ર૦૧૯માં મગફળીની ખરીદીમાં ગોટાળાના ક્યાંય છાંટા ન ઊડે તેની પૂરી સાવધાની રાખી રહી છે. કડક નિયમો અને કાળજીથી ખરીદીની કામગીરી ગોકળ ગાયની ગતિએ ચાલી રહી છે. મોટા ભાગના ખેડૂતોના ભાગે તો સમસ્યાઓ જ આવી છે. આવો જોઈએ મગફળીની ખરીદીનો ગ્રાઉન્ડ રિપોર્ટ.

છોકરાઓને છાશ – રોટલા ખવરાવીને રોડવ્યું છે. રાત – દી’ મજૂરી કરી છે. પરસેવો પાડ્યો  છે ત્યારે આ મગફળીની ગુણીઓ અહીં યાર્ડ સુધી પહોંચી છેે.અહીં આવીએ તો સાહેબો એક ટેબલથી બીજા ટેબલે ધકેલે છે. આ વખતે તો સેમ્પલ પાસ કરાવવામાં દમ નીકળી જાય છે. જો સેમ્પલ પાસ ન થાય તો ભાડું માથે પડે છે. સરકારના નિયમો બહુ આકરા અને અટપટા છે. ટેકાના ભાવની ખરીદી કરાવવામાં ક્યારેક તો અમારો ટકો થઈ જાય છે. આવી હૈયાવરાળ રાજકોટના જૂના યાર્ડ ખાતે મગફળી વેચવા આવેલા કેટલાક ખેડૂતોએ કાઢી હતી. માત્ર રાજકોટ જ નહીં, સૌરાષ્ટ્રના મોટા ભાગનાં ખરીદી કેન્દ્રો પર ખેડૂતોને મળીએ તો આવી જ વ્યથા સાંભળવા મળી રહી છે. જોકે ખેડૂતોની આ વ્યથામાં દમ છે.

ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મગફળીનો પાક સૌથી વધુ લેવામાં આવે છે. સૌરાષ્ટ્રના કૃષિ અર્થતંત્રમાં મગફળીનો હિસ્સો સૌથી વધુ છે. સરકારના અંદાજ મુજબ આ વર્ષે ર૬ લાખ ટન મગફળીનું ઉત્પાદન થવાનો અંદાજ છે. મગફળીનો પાક તૈયાર થઈને માર્કેટમાં આવ્યો ત્યારે પૂરતા ભાવ મળતા ન હતા. એક મણના ભાવ રૃ. ૭૦૦થી ૮૦૦ સુધી નીચા જતા ખેડૂતોમાં ભારે રોષ ઊભો થયો હતો. ચૂંટણીઓ નજીક આવી રહી હોય ખેડૂતોની આ નારાજગી સરકારને પોષાય તેમ ન હોય રાજ્ય સરકારે રૃ. ૧૦૦૦માં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની જાહેરાત કરી હતી. ગુજરાતનાં ૧રર કેન્દ્રો પર તા. ૧પ નવેમ્બરથી મગફળીની ખરીદી શરૃ કરવામાં આવી છે. દિવાળીના તહેવારો પુરા થતાની સાથે જ સૌરાષ્ટ્રના દરેક જિલ્લામાં મગફળીની ખરીદીનો મામલો ચર્ચામાં છે. સરકારી તંત્ર, ખેડૂતો અને સહકારી ક્ષેત્રમાં બસ આ જ ચર્ચા સાંભળવા મળી રહી છે.

સરકારે શીખ લઈને કડક નિયમો બનાવ્યા
મગફળીની ખરીદીનો મુદ્દો એટલા માટે ચર્ચામાં છે કે ગયા વર્ષે ર૦૧૮ની ખરીદીમાં કરોડોના ગોટાળા થયા હતા. કેટલાકને તો જેલમાં જવું પડ્યું હતું. ગયા વર્ષમાં ખરીદીમાં જે ગોલમાલનું આખું રેકેટ બહાર આવ્યું હતું તેના પરથી સરકારે શીખ લઈને આ વર્ષે મગફળીની ખરીદીમાં દૂધનો દાઝયો છાશ ફૂંકી ફૂંકીને પીવે એમ ખરીદીના કડક નિયમો બનાવ્યા છે. કેન્દ્રીય નોડલ એજન્સી તરીકે નાફેડ અને રાજ્યની નોડલ એજન્સી તરીકે ગુજરાત રાજ્ય પુરવઠા નિગમને કામ સોંપવામાં આવ્યું છે. નાફેડે શરૃઆતમાં કામગીરીમાં જોડાવાની આનાકાની કર્યા બાદ સામેલ થઈ છે. નાફેડના કર્મચારીઓને ગુણવત્તા ચકાસણીની કામગીરી સોંપવામાં આવી છે.

ખરીદી કેન્દ્ર પર માહોલ એવો જોવા મળ્યો હતો કે અધિકારીઓની મોટી ફોજ હાજર હતી. ગયા વર્ષે ખરીદીમાં કર્મચારીઓ પર પણ છાંટા ઊડતા આ વખતે કોઈ કર્મચારીઓ જોખમ લેવા માગતા નથી. ખરીદી કેન્દ્ર પર ડે.કલેક્ટર કક્ષાના અધિકારીના કહેવા મુજબ મગફળીની ખરીદીમાં આ વખતે રેવન્યુ, પુરવઠા વિભાગ, પુરવઠા નિગમ, ખેતીવાડી ખાતુ, પંચાયત, વેર હાઉસિંગ કોર્પોરેશન, પોલીસ ઉપરાંત નાફેડ સહિતની એજન્સીઓ કામ કરી રહી છે. શરૃઆતના દિવસોમાં ખરીદીની કામગીરીમાં મુશ્કેલીઓ ઊભી થઈ હતી, પણ પછી ધીમે-ધીમે સ્થિતિ થાળે પડી રહી છે.

Related Posts
1 of 319

સરકારે મગફળીની ખરીદી માટે આકરા નિયમો બનાવ્યા છે અને તેની ગાઈડલાઈન રપ પાનાંની છે. જોકે ખેડૂતો એવો આરોપ લગાવી રહ્યા છે કે એ.સી. ઑફિસમાં બેસીને મગફળીના નિયમો બનાવવામાં આવ્યા છે. હકીકતે ખેડૂતોને સરળ પડે તેવા નિયમો હોવા જોઈએ. આ વાતમાં પણ વજૂદ એટલે જોવા મળ્યું કે હજુ તો તા. ૧પ નવેમ્બરે ખરીદી શરૃ કરવામાં આવી ત્યાં જ રાજકોટ, જસદણ, બોટાદ, ખાંભા, સહિતનાં ખરીદી કેન્દ્રો પર બારદાનમાં ૩પ કિલો ભરતી કરવાનો જે નિયમ હતો તેની સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. કેટલાંક સ્થળોએ તો ખરીદીની કામગીરી અટકાવી પડી હતી. ખેડૂતોનો રોષ વાજબી લાગતા ત્રણ જ દિવસમાં સરકારે નવો પરિપત્ર બહાર પાડીને ભરતી ૩૦ કિલો કરવાનો આદેશ કરવો પડ્યો હતો. જેમ જેમ ખરીદીના દિવસો આગળ વધતા ગયા તેમ સરકારી મિકેનિકઝમમાં સુધારો કરવામાં આવી રહ્યો છે.

રાજકોટ યાર્ડમાં મગફળીની ખરીદી કરવા આવેલા સાજડિયાળી ગામના ખેડૂત લાલજીભાઈ કોઠારી કહે છે, ‘આ વખતે ખરીદીના નિયમો આકરા છે. સેમ્પલ પાસ કરાવવામાં નાકે દમ આવી જાય છે. ખેડૂતોએ પરસેવો પાડીને મગફળી ઉગાડી હોય છે, ખેડૂતની મહેનત કેવી હોય છે તેની આ સ્ટાફને ખબર હોતી નથી. નાની એવી વાતમાં ખેડૂતોનો માલ રિજેક્ટ થઈ જાય છે. કૂચિયાદડના ખેડૂત વીરજીભાઈ અજાણી કહે છે, ‘મગફળીના વેચાણમાં અડચણો તો ઘણી છે, પણ ધીરે-ધીરે ખરીદીની કામગીરી સરળ બનતી જાય છે.’

ખરીદી કેન્દ્રો પર આવેલા અનેક ખેડૂતોને મળ્યા તો દરેકની મૂળ વાત એ હતી કે જેમને ઉતારો અને ખેતી વિશે જાણકારી નથી તેવા લોકોને ખરીદીનું કામ સોંપવામાં આવ્યું છે. કૃષિ જણસની ખરીદીમાં યાર્ડના કર્મચારીઓ માહેર હોય છે, પણ મોટા ભાગનાં કેન્દ્રોમાં આ કામગીરી રેવન્યુ કર્મચારીઓને સોંપવામાં આવી છે. પરિણામે ખરીદીની પ્રોસેસમાં વિલંબ થઈ રહ્યો છે અને ખેડૂતો સાથે માથાકૂટ થવાના બનાવો વધી રહ્યા છે. રેવન્યુ કર્મચારીઓમાં આ કામગીરીને લઈને કચવાટ છે, તેમનું મંડળ બહિષ્કારની ચીમકી આપી રહ્યું છે.

આ રીતે ખરીદીની પ્રોસેસ ચાલશે તો વર્ષો વીતી જશે
ટેકાના ભાવે મગફળીની ખરીદીના નિયમો છે તે મુજબ સરકાર કુલ ઉત્પાદનના માત્ર રપ ટકા જ જથ્થો ટેકાના ભાવે ખરીદ કરી શકે છે. રાજ્ય અને જિલ્લાના એકમો બનાવીને આ નિયમો લાગુ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, વાવેતર વિસ્તારની મર્યાદા એ રાખવામાં આવી છે કે એક હેક્ટરદીઠ મહત્તમ ૧૮૩૬ કિલો અને પ્રતિદિન એક ખેડૂત પાસેથી રપ૦૦ કિલો જ મગફળીની ખરીદી કરવામાં આવશે. ખરીદી કેન્દ્રોની મુલાકાત દરમિયાન એ જોવા મળ્યું હતું કે, મોટા ભાગના ખેડૂતો આવા નિયમોથી અજાણ હતા. સ્થિતિ એવી થાય છે કે મોટા ખેડૂતોનો માલ પૂરો વેચાતો નથી અને નાના ખેડૂતો ભાડા ઊંચા હોવાથી માલ લાવી શકતા નથી. બે ખેડૂતો ભેગો માલ લાવે તો સેમ્પલ પાસ કરાવવામાં માથાકૂટ થાય છે. રજિસ્ટ્રેશન કરાવવા માટે આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજો માગવામાં આવે છે એ પ્રોસેસ હવે સુધરી ગઈ છે. રજિસ્ટ્રેશન કરાવનારને પાવતી આપવામાં આવે છે. જે ખેડૂતનો વારો હોય તેને આગલે દિવસે વહીવટી તંત્ર દ્વારા મેસેજ અને ફોનથી જાણ કરવામાં આવે છે. રાજકોટ યાર્ડમાં ૭પ જેટલા ખેડૂતોને રોજ બોલાવવામાં આવે છે. નાના યાર્ડમાં તો ૩૦થી ૪૦ ખેડૂતોને માંડ બોલાવવામાં આવે છે. રાજકોટ યાર્ડમાં શરૃઆતના દિવસોમાં ખેડૂતોના વારાને લઈને અંધાધૂંધી થઈ હતી, પણ પછી તંત્રએ મર્યાદિત ખેડૂતોને જ બોલાવવાનું શરૃ કરતા કામગીરીમાં સુધારો થયો હતો. રાજકોટ જિલ્લાના ૧૧ તાલુકામાં મળી ૮ ખરીદી કેન્દ્રો ઊભાં કરાયાં છે. ૩૦ હજાર સુધીનંુ રજિસ્ટ્રેશન થયું છે. ૯ દિવસમાં એટલે કે તા. ર૩ સુધીમાં પ૬૯૬૩  ક્વિન્ટલની મગફળી ખરીદવામાં આવી હતી.

ખંભાળિયાના ખેડૂત આગેવાન પાલભાઈ આંબલિયા કહે છે, ‘ખંભાળિયાના ખરીદીના કેન્દ્રમાં છઠ્ઠા દિવસે નાના મોટા વાંધા કાઢીને દસમાંથી આઠ ખેડૂતોના સેમ્પલ રિજેક્ટ કરવામાં આવ્યા હતા. ખેડૂતોએ આ મુદ્દે રામધૂન બોલાવીને વિરોધ કર્યો હતો. દ્વારકા જિલ્લામાં ૮૦ હજાર ટનની ખરીદી કરવાની થાય છે. પાંચ દિવસમાં પ હજાર ટનની ખરીદી થવી જોઈએ તેની સામે પાંચ દિવસમાં માત્ર પ૭૯ ટનની જ ખરીદી કરવામાં આવી છે. આમ આ રીતે ખરીદીની કામગીરી ચાલશે તો કુલ ૯૦ દિવસના બદલે ૯૦૦ દિવસ ખરીદી કરવી પડશે. એક કેન્દ્ર પર દસ વજન કાંટા રાખવાનો નિયમ હોવા છતાં ખંભાળિયામાં એક જ વજન કાંટો રાખવામાં આવ્યો છે. વેપારી કાંટો રાખે તો તેની પાસે પ્રમાણિતના કાગળો માંગવામાં આવે છે, પણ ખેડૂતો પાસેથી માલ લેવામાં કાંટા પ્રમાણિત છે કે નહીં? તેવા સવાલોનો કોઈ જવાબ આપતંુ નથી.’

કૃષિ નિષ્ણાત રમેશભાઈ ભોરણિયા કહે છે, ‘સરકારી અંદાજ મુજબ રાજ્યમાં ર૬ લાખ ટન મગફળીના ઉત્પાદનનો અંદાજ છે તેના રપ ટકા મુજબ ૬ લાખ ટન કરતાં વધુ મગફળીની ખરીદી કરવી પડે. છ-સાત દિવસની ખરીદીના આંકડા જોઈએ તો હજુ માંડ વીસેક ટકા જેટલી ખરીદી થઈ છે. ગયા વર્ષે મગફળીની ખરીદીમાં ગોટાળા બહાર આવ્યા બાદ આ વર્ષે સરકારે નિયમો આકરા બનાવ્યા છે અને કોઈ કર્મચારી જોખમ લેવા માગતા નથી એટલે કામગીરીમાં વિલંબ કરી રહ્યા છે. બીજું, ખેડૂતો પણ જટિલ કામગીરીમાં પડવા કરતાં ખુલ્લા યાર્ડમાં માલ વેચી વહેલા પૈસા મેળવવાનું પસંદ કરી રહ્યા છે. સરકારી સિસ્ટમમાં એક અઠવાડિયું નીકળી જાય છે અને બેંકમાં પૈસા જમા થાય છે.’
————–

Leave A Reply

Your email address will not be published.

Translate »