તમારા માટે, તમારી સાથે, સતત…

ચાલાક ચીન સામે અમેરિકાના ચાલુવેડા નહીં ચાલે

ચીની ડ્રેગોન ફૂંફાડા મારતું બેરોકટોક પોતાની મનમાની કરે છે તો અમેરિકન સમડી હજુ પણ પોતાના અમેરિકન ડ્રીમમાં ઊડ્યા કરે છે.

0 171
  • ચર્નિંગ ઘાટ – ગૌરાંગ અમીન

બાવાના બેઉં બગડશે તો જોેડે એવો કોઈ સાંધો નથી
બે બિલાડી લડાઈમાં વાંદરો ફાવે તો કોઈ વાંધો નથી

વિશ્વ. એક સિંહાસન પરથી નીચે ઊતરતો દેશ. એક સિંહાસન પર આસન જમાવવા જતો દેશ. માત્ર આટલી જ માહિતી પરથી તમે આગળ શું વિચારી શકો? આધુનિક જગતના સાચા અર્થમાં સર્વ પ્રથમ ઇતિહાસકાર એવા થ્યુસિડીડિસે ઈસુ પૂર્વે ૪૩૧માં માનવ જાતને કાયમ કામમાં લાગે એવા ઇરાદાથી એક વૃત્તાન્ત લખવાનું શરૃ કરેલું. તેમના મૃત્યુ બાદ એ વૃત્તાન્ત આઠ ભાગમાં વહેંચી તેને ‘હિસ્ટ્રી ઓફ પેલોપનેશિઅન વૉર’ નામ આપવામાં આવ્યું. પુસ્તકનું ફોકસ નંબર વન થવા જતાં એથેન્સ ‘ને ટોચ પરથી ઊતરતાં સ્પાર્ટા વચ્ચે ૨૭ વર્ષ ચાલેલા યુદ્ધ પર છે. વિશ્વના નકશાને બે ભાગમાં વહેંચાયેલો આપણે અમેરિકા-યુએસએસઆર વચ્ચેની દુશ્મનાવટના કાળમાં જોયો છે. નિઃસંદેહ એ બંને જે-તે સમયે વિશ્વના આકાની ગાદી પર એકસાથે ચઢી બેઠેલા હતા જ્યારે થ્યુસિડીડિસનું શાસ્ત્ર ટોચ પહેલાંના છેલ્લા પગથિયે એકબીજાને અથડાતાં કે એકબીજાને પછાડતાં બે દેશના સંદર્ભમાં છે.

થ્યુસિડીડિસ લખે છે કે, એથેન્સના ઉદય અને તેને કારણે સ્પાર્ટામાં જાગેલા ભયને કારણે યુદ્ધ અનિવાર્ય બન્યું. એમણે તારણ કાઢ્યું હતું કે, યુદ્ધ એ એટલી હથિયાર સંલગ્ન બાબત નથી, જેટલી પૈસાને લગતી બાબત છે. વ્યવહારુ જીવન અને દર્શનશાસ્ત્ર બંનેને કામ લાગે એવી વાત પણ એમણે કરેલી – આશા તેના મૂળ સ્વભાવે મોંઘી ચીજ છે અને જે લોકો કોઈ એક જ માર્ગ પર પોતાનું બધું જ દાવ પર લગાવી દે છે તેમને આશાનો અર્થ જ્યારે તેઓ પાયમાલ થઈ જાય છે ત્યારે જ ખબર પડે છે. થ્યુસિડીડિસ અનુભવનો બાદશાહ હોવા સાથે અક્કલનો એક્કો હતો. એણે લખેલું કે લોકો પ્રાચીન સમયની કથાઓ વિવેચન કર્યા વિના સીધી જ સ્વીકારી લે છે, એ કથાઓ પણ જે પોતાની જન્મભૂમિ સાથે નિસ્બત ધરાવતી હોય. વાસ્તવમાં મોટા ભાગના લોકો હકીકત શોધવા કોઈ તકલીફ નહીં લે અને જે વાત પહેલી કાને પડી તે જેમની તેમ સાચી માની લેશે.

અશ્વેત બરાક હુસૈન ઓબામા જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી લડતા હતા ત્યારે તેમણે એક જ શબ્દનો નારો- હોપ અને તેઓ લોકોના જંગી પ્રેમથી જીતેલા. સપ્ટેમ્બર ‘૧૫માં ચીન રૃપે જિનપિંગ અમેરિકા આવેલા. અમેરિકા દુનિયાનું બોસ અને દુનિયાનું બોસ બનવા સામ, દામ, દંડ, ભેદ સિવાયના રસ્તે પણ પરિશ્રમ કરી રહેલું ચીન. જિનપિંગ આખરે એમની અઢળક છૂપી કેલરીવાળી હેલ્ધી દેખાતી ભાષામાં જાહેર કરે છે કે કહેવાતાં થ્યુસિડીડિસ-ટ્રેપ જેવું કશું જ નથી, પરંતુ મુખ્ય દેશો જો ખરા સમયે વ્યૂહરચના ઘડવામાં ગફલત કરી બેસશે તો એ દેશો તેમના પોતાના માટે એ ટ્રેપ જાતે ઘડશે. શું જિનપિંગ ઉર્ફે ચીનની સીધાસાદા માનવીમાં ગણતરી કરી શકાય? એ પ્રશ્નનો જવાબ આપતા પહેલાં ગણતરી શબ્દને એમના ખુદના એ સ્ટેટમેન્ટનું બળ આપવું રહ્યું. જી, એમની આ જાહેરાતને સલાહ, ચેતવણી ‘ને ધમકી તરીકે લેવી જોઈએ.

સરકારી હોદ્દા પર રહી ચૂકેલા રાજકીય સમીકરણોના વિશેષજ્ઞ એવા ગ્રેહામ એલિસનનું પુસ્તક ‘ડેસ્ટીન્ડ ફોર વૉર ઃ કેન અમેરિકા એન્ડ ચાઇના એસ્કેપ થ્યુસિડીડિસઝ ટ્રેપ’ હાલની સ્થિતિનું ઘણુ વિગતવાર ચિંતન કરે છે. હાર્વર્ડ બેલ્ફેર સેન્ટર ફોર સાયન્સ એન્ડ ઇન્ટરનેશનલ અફેર્સના ડાયરેક્ટર તરીકે એ હતા ત્યારે તેમની ટીમે આંતરરાષ્ટ્રીય રાજનીતિ ચરમસીમાએ પહોંચી હોય તેવા ૧૬ કેસનો અભ્યાસ કરેલો. એવા કેસ જેમાં એક દેશની શક્તિ માટે બીજા દેશની સક્ષમતા પડકાર રૃપ બનતી હોય. એમણે અવલોકન કર્યું કે એવા ૧૬ કેસમાંથી બાર કેસમાં યુદ્ધ થયું છે. અને જ્યારે યુદ્ધ ટાળવામાં આવ્યું ત્યારે બંને બાજુના દેશે વ્યવહાર અને અભિગમ બંને રીતે અત્યંત ગંભીર અને દુઃખજનક સમજૂતી કરવી પડેલી. વૈશ્વિક ખબરોનો સાધારણ વાચક પણ સમજી શકે છે કે અમેરિકા અને ચીન એવા બે મહાઆખલા છે જેમને સમસ્ત નકશા પર ફરી વળવું છે અને એ બંને એકબીજાથી વિપરીત વ્યવહાર અને અભિગમ ધરાવે છે.

સૌ જાણે છે કે એક તરફ અમેરિકા અવનવી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે, તો બીજી તરફ હજારો વર્ષ જૂની સંસ્કૃતિ સાથે ૧.૩ અબજ લોકો ‘ચાઇનીઝ ડ્રીમ’ પાછળ દોડી રહ્યા છે. ચીનનો કટ્ટર પ્રગતિવાદ તથા સ્વાર્થવાદ હવે રોગ તરીકે ના જોઈ શકાય. ચીન દુનિયામાં અવ્વલ ક્રમે આવવા મચી રહ્યું છે એ વાસ્તવિકતાને ના બદલી શકાય તેવી શરત તરીકે જોઈને શું કરી શકાય જેથી અમેરિકા અને ચીન વચ્ચે દુશ્મનાવટ ના વધે, અથડામણ ના થાય એ સત્તાવાળાઓએ વિચારવું પડે. સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝના બોની ગ્લેસર પણ ઓબામાકાળમાં ચિંતા વ્યક્ત કરી ચૂકેલા કે તાત્કાલિક નવી નીતિઓનું ઘડતર નહીં થાય તો અમેરિકા અને ચીન વચ્ચે યુદ્ધ થતું રોકી નહીં શકાય. એમનું માનવું છે કે ચીનના બહુમત પડોશીઓ ચીન વિરુદ્ધ અમેરિકાના કૉલ્ડ વૉરમાં અમેરિકાની સાથે નહીં રહે. એ દેશો બંને સાથે સારા સંબંધ રાખે એ શક્ય છે. બેશક જો અમેરિકા અસરકારક સમતોલન નહીં જાળવી શકે અને ચીન બળપૂર્વક કામ કઢાવશે તો એ દેશો ચીન કહે તેમ જ કરશે. વાતમાં દમ છે. વિશ્વના ચાલક બનવા થનગની રહેલા ચાલાક ચીન સામે અમેરિકાના પરંપરાગત ચાલુવેડા નહીં ચાલે.

રાજ્યશાસ્ત્રના પ્રાધ્યાપકો એવા જોસેફ પેરેન્ટ તથા પૌલ મેકડોનાલ્ડનું આ વર્ષે આવેલ તાજું પુસ્તક ‘ટવાલાઇટ ઓફ ટાઇટન્સ’ પણ એવા જ કોઈ સૂરમાં વાત કરે છે. એ લેખકો આગળ વધીને ઊભરતા ચીન સામે અમેરિકાએ કેવી રીતે પોતાનું સ્થાન ટકાવી રાખવું અને યુદ્ધની સ્થિતિથી દૂર રહેવું તે પણ દર્શાવે છે. ૧૮૭૦ એટલે કે જ્યારથી જીડીપી અધિકૃત રીતે નોંધવામાં આવી ત્યારથી અત્યાર સુધીના તેમણે ૧૬ કેસનું પૃથક્કરણ કર્યું છે. એમનું તારણ એવું છે કે નબળો પડતો જતો દેશ લવચીક ‘ને જબરો હોય છે, સબળો થતો દેશ એ નબળા પડતાં દેશ પર ચઢાઈ નથી કરતો. અલબત્ત, તેમના તારણ અમુક તમુક દ્રષ્ટિથી બંધાયેલાં છે. નબળો પડતો દેશ બીજા કે પાંચમા ક્રમથી નીચો આવે અને પ્રથમ નંબરથી નીચે પડે એ બંને ઘટના નોખી કહેવાય. પહેલા નંબર પર જેનું સ્થાન ડગમગતું હોય તે દેશનો સ્વભાવ, ત્યાંના લોકોનો પરંપરાગત અભિગમ નિર્ણાયક બની શકે. એ દેશના સાથી દેશોની પરિસ્થિતિ પણ અસામાન્ય ભાગ ભજવી શકે.

Related Posts
1 of 269

૧૯૪૯ની પહેલી ઑક્ટોબરે સામ્યવાદી પક્ષના સુપ્રીમો માઓ ઝેદોંગે પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાની સ્થાપના કરી. ૧૯૫૦ના જૂનમાં ઉત્તર ‘ને દક્ષિણ કોરિયા વચ્ચે સંઘર્ષ શરૃ થયો. દક્ષિણ કોરિયાની મદદે યુએસ ‘ને યુએન પહોંચ્યા. ત્રણ વર્ષમાં લાખો મૃત્યુ પામ્યાં ‘ને ઉત્તર કોરિયા સાથે ચીને કરાર કર્યા. ‘૫૪માં તાઇવાનને લઈને ચીને મગજમારી ચાલુ કરી (જે પછી ‘૫૬ ‘ને ‘૯૬માં પણ કરી) જે દરમિયાન અમેરિકાએ ન્યુક્લિઅર બોમ્બ નાખવાની ધમકી આપી. બધું શાંત થયું. ‘૫૯માં તિબેટ પર ચીને ક્રૂર રીતે કબજો મેળવ્યો. યુએસે કેવળ કોરી ટીકા કરી. ‘૬૪માં ચીને પ્રથમ અણુ ધડાકો કર્યો. ‘૬૯ માર્ચમાં ચીન તેનો મુખ્ય દુશ્મન થોડા સમય માટે ફક્ત રશિયાને બનાવે છે. ‘૭૧માં અમેરિકન ચાણક્ય હેન્રી કિસિંજર ચીનની ગુપ્ત મુલાકાત લે છે. એ પછી ચીન (ભારતના ટેકાથી) યુએનનું સભ્ય તેમજ સલામતી સમિતિનું કાયમી સભ્ય બને છે. ‘૭૨માં રિચર્ડ નિક્સન ચીનની ઑફિશિયલ મુલાકાત લે છે. તાઇવાન અંગે ચર્ચા થાય છે. ‘૭૯માં ‘એક ચીન’ની પૉલિસી અમલમાં આવે છે, અમેરિકા તાઇવાન બાબતે માપમાં રહેવાનું સ્વીકારે છે.

‘૮૪માં રોનાલ્ડ રિગન ચીનની સત્તાવાર મુલાકાત લે છે. રશિયાને મુખ્ય દુશ્મન ગણતું અમેરિકા ચીનને શાસ્ત્રો આપવા-વેચવાની હા પાડી આવે છે. ‘૮૯ તો કોણ ભૂલ્યું હોય? ચીની ડાબેરી સેક્યુલર સરકાર વિદ્યાર્થીઓની રેલી પર ટેક્સ ફેરવે છે. અમેરિકા તમામ સંબંધ કાપી કાઢે છે. ‘૯૩માં ક્લિન્ટન હકારાત્મકતાથી ચીન સાથે સંબંધ સુધારવા જાય છે, પણ ચીન પોતાની ભૂમિ પર લોકશાહી ‘ને માનવતાનાં મૂલ્યોનું સ્થાપન કરવાને બદલે પોતાના રાજકીય બંદી અમેરિકામાં કાઢી મૂકે છે. ‘૯૬માં તાઇવાનમાં પ્રથમ મુક્ત ચૂંટણી થાય છે. ચીન ‘ને અમેરિકા વચ્ચે ડિપ્લોમેટિક ઉકળાટ થાય છે. ફરી બંને દેશ વાતચીત સુધી પહોંચે છે. ‘૯૯માં સર્બ દળો સામે લડતાં નાટો વત્તા અમેરિકન લશ્કર દ્વારા ભૂલથી બેલ્ગ્રેડમાં આવેલી ચીની એમ્બેસી પર બોમ્બમારો થઈ જાય છે અને બે દેશ વચ્ચે પાછા સંબંધ વણસે છે.

૨૦૦૦માં બિલ ક્લિન્ટન ચીન સાથે વેપારી કરારો પર સહી કરે છે અને અમેરિકા-ચીન વચ્ચે ફરી સામાન્ય વેપારી સંબંધ બંધાય છે. મેક્સિકો વગેરેને પછાડી ચીન અમેરિકાનું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર બને છે. ૨૦૦૧ એપ્રિલમાં રેકી કરવા નીકળેલું અમેરિકન પ્લેન અને ચીની ફાઇટર પ્લેન એકબીજા સાથે ટકરાય છે અને અમેરિકન પ્લેન ચીની ટાપુ પર ઇમર્જન્સી લેન્ડિંગ કરે છે. ચીન બાર દિવસ સુધી અમેરિકાના ચોવીસ ક્રૂ મેમ્બર્સ ગોંધી રાખે છે. આખરે જ્યોર્જ ડબ્લ્યુ બુશ એમને છોડાવે છે અને મૃત્યુ પામેલા ચીની પાયલોટ પર શોક જતાવે છે. સપ્ટેમ્બર ૨૦૦૫માં અમેરિકન વિદેશ મંત્રી જાહેરમાં ચીનનો સત્તા તરીકે સ્વીકાર કરે છે અને ચીનને જવાબદાર ભાગીદાર તરીકે આગળ આવવા હાકલ કરે છે.

૨૦૦૭ માર્ચમાં ચીન લશ્કરી બજેટ ૧૮% વધારી દે છે અને પોતાની ‘શાંતિપૂર્ણ ઉત્કર્ષ’ની વાતોને વિવાદાસ્પદ સાબિત કરે છે. ૨૦૦૮ સપ્ટેમ્બરમાં જાપાનને હડસેલીને ચીન અમેરિકાનું સૌથી મોટું લેણદાર બને છે. ઑગસ્ટ ૨૦૧૦માં ચીન વિશ્વની બીજા નંબરની ઇકોનોમી બને છે. નવેમ્બર ૨૦૧૧માં હિલેરી ક્લિન્ટન એશિયા-પેસિફિક વિસ્તારમાં અમેરિકા મુખ્ય ધરી બને એવો આગ્રહ રાખે છે. ઓબામા અન્ય આઠ દેશો સાથે ટ્રાન્સ-પેસિફિક પાર્ટનરશિપ બાંધે છે ‘ને ૨૫૦૦ મરીન્સ ઓસ્ટ્રેલિયા મોકલે છે. જે ચીનને નથી ગમતું. ૨૦૧૧ માર્ચમાં ઈયુ, જાપાન અને અમેરિકા ચીન સામે વિરોધ નોંધાવે છે કે એ જૂજ મળી આવતી ધાતુઓ અન્ય દેશોને પૂરી નથી પાડતું અને વેપારના કરારોનું ઉલ્લંઘન કરે છે. નવેમ્બર ૨૦૧૨માં જિનપિંગ ચીનના બોસ બને છે. ૨૦૧૩માં જિનપિંગ ‘ને ઓબામા મળે છે. ૨૦૧૪ માર્ચમાં અમેરિકા પાંચ ચીની હેકર્સ પકડી પાડે છે જે સામ્યવાદી પક્ષ કહો કે ચીની સરકાર સાથે જોડાયેલા હોય છે ‘ને અમેરિકન વેપારની જાસૂસી કરતા હોય છે. નવેમ્બર ૨૦૧૪માં જિનપિંગ ‘ને ઓબામા ક્લાયમેટ ચેન્જ અંગે જોઈન્ટ સ્ટેટમેન્ટ બહાર પાડે છે. ૨૦૧૫ માર્ચમાં અમેરિકા ચીનને ચેતવણી આપે છે કે એ (નોર્થ કોરિયા પાસે) સાઉથ-ચાઇના સમુદ્રમાં વિવાદાસ્પદ જમીનમાં નવી જમીન ઉમેરી તે સ્થાનનો ઉપયોગ લશ્કરીકરણ કરવા ના કરે.

૨૦૧૭ એપ્રિલમાં ટ્રમ્પ ‘ને જિનપિંગ મળે છે. ૨૦૧૮ માર્ચમાં ટ્રમ્પ ચીની વેપાર પરત્વે કડક વલણ જાહેર કરે છે. ૨૦૧૮ જૂનમાં અમેરિકા-ચીનનું ટ્રેડ-વૉર આગળ વધે છે. ટ્રમ્પ સરકાર આયાત-નિકાસ કરવાના માલ પર લેવાતી જકાતનું કોષ્ટક બદલી નાખે છે, ચીન સામે ૩૪ બિલ્યન ડૉલર્સનો વધારો ઝીંકે છે. અમેરિકા ૮૦૦થી વધારે ચીની ઉત્પાદન પર ૨૫% આયાત કર નાખે છે. ચીન અમેરિકાની ૫૦૦થી વધુ ચીજ પર કર નાખે છે જેની કિંમત પણ ૩૪ બિલ્યન ડૉલર્સ જેટલી જ થાય છે અને અમેરિકા-ચીનનું શીતયુદ્ધ વધુ ગરમાવો પકડે છે. અત્યારે અમેરિકાએ ચીન પર વધારેલી ટેરિફનો આંકડો અઢીસો બિલ્યન ડૉલર્સ પર પહોંચ્યો છે. ચીનનો આંકડો બસ્સો બિલ્યન ડૉલર્સ પર છે જેમાં નવા વર્ષમાં પંદરેક ટકાનો વધારો ચીન ઉમેરવાનું છે.

આ લખાય છે ત્યારે આર્જેન્ટિનામાં જી-ટ્વેન્ટી સમિટમાં વિશ્વના ટોચના નેતા એકબીજાને મળી રહ્યા છે. મોદી, શિન્ઝો ‘ને પુતિન સિવાય ટ્રમ્પ ચીનના વડા જિનપિંગને પણ મળવાના છે. વર્તમાન અંતરાલમાં વિશ્વના લોકોમાં પોતાના સોનેરી સ્વપ્ન સાકાર કરવાનો ઉત્સાહ છે તો સાથે વિશ્વાસ ના મૂકી શકાય એવા અર્થતંત્ર અંગે લોકોમાં ભયની લાગણી પણ છે. માંધાતાઓ ૨૦૦૮ની આર્થિક કટોકટી ફરી ના આવે એ ચિંતામાં છે. એવામાં ચીની ડ્રેગોન ફૂંફાડા મારતું બેરોકટોક પોતાની મનમાની કરે છે તો અમેરિકન સમડી હજુ પણ પોતાના અમેરિકન ડ્રીમમાં ઊડ્યા કરે છે. બંને દેશે પોતપોતાની ટુકડી બનાવવાના ગર્ભિત કાર્યક્રમમાં વિશ્વને જોતરી લોકોને અમેરિકા-યુએસએસઆરના કૉલ્ડવૉર વખતના સ્ટ્રેસમાં મૂકવાનું શરૃ કર્યું છે. અમેરિકા-ચીનનું ટ્રેડ-વૉર જોઈને થ્યુસિડીડિસની આ વાત આમ જોતાં સાચી લાગે છે કે, યુદ્ધ એ એટલી હથિયાર સંલગ્ન બાબત નથી, જેટલી પૈસાને લગતી બાબત છે. પરંતુ, તેમ જોતાં સ્પષ્ટ થાય છે કે સાવ એવું નથી. હથિયારો, સરહદ ‘ને સત્તા વિશ્વના આકાની ગાદી પરના ત્રણ તકિયા છે. શું આપણે ચીનની નકશાખોરી નથી જાણતા? ના, આપણને હિમાલયન બ્લન્ડર પાર્ટ ટુની કોઈ જરૃર નથી. હા, ચીન જો સિક્યૉરિટી કાઉન્સિલમાં ભારતને કાયમી સભ્યપદ અપાવે તો વાત અલગ છે.

ચીન પર કાણીશ્રદ્ધા રાખનારા આપણા અમુક ભારતીયો કેટલી સરળતાથી કસાબ, અફઝલ ‘ને ઇમરાન ખાનને પોતાનો ગણે છે એ આપણને અનુભવ છે. ચીન અમાનવીયતાની કોઈ પણ કક્ષાએ જઈ શકે છે. હિંસા ચીનના જન્મથી ચીની સરકારોએ આત્મસાત કરી છે. પોતાના ઘરના વિદ્યાર્થીઓ પર ટેન્ક ચલાવે એમનો ભરોસો કરવો? બીજી તરફ કટ્ટર એવં તોછડી ભાષા વાપરવા માટે બદનામ ટ્રમ્પ ઉતાવળિયા ‘ને લુચ્ચા તરીકે જાણીતા છે. આ બેમાંથી રેસિસ્ટ કોણ નથી એ વાહિયાત સવાલ કોઈ લોભી કોઈ ધુતારાને પૂછી શકે છે. કામનો પ્રશ્ન તો એ છે કે ભારત વિરોધી પ્રવૃત્તિમાં આ બેમાંથી કોણ વધુ સક્રિય છે? પૂર્વમાં લોકોના હાથમાં બંદૂક પકડાવવામાં કે પશ્ચિમે પાકિસ્તાનના આતંકી મનને ખોળામાં બેસાડનાર ચીન આપણને વધારે નડ્યું છે. આપણે આપણા ટ્રેડિંગ પાર્ટનર્સ તરફ હકારાત્મક રહી શકીએ, આપણા મિલિટરી ઓપોનનન્ટ સામે તો તટસ્થ રહેવું એ પણ રિસ્ક કહેવાય એડવેન્ચર નહીં. અરુણાચલ પ્રદેશ હોય કે તાઈવાન, ચીનની નજર હંમેશાં પારકા પ્રદેશ પર રહી છે. તિબેટ નામનો દેશ છે એવું આપણે ભણ્યા ભલે, તિબેટ જવું હોય તો પ્રેક્ટિકલી ચીનમાં જવું પડે. ચીની રમકડાં, દોરી કે મેલેમાઇન ભેળવેલો દૂધનો પાવડર એ ચીન વિશ્વને અંતરના ઊંડાણમાંથી શું આપવા માગે છે તે સ્પષ્ટ કરે છે. છેક આફ્રિકાના ટચૂકડા ગરીબ દેશોમાં રોડ બનાવવા ઘૂસી ગયેલા ચીનને જો અમેરિકા ટક્કર નહીં આપી શકે તો વાંકા વળીને સમાધાન સૌને ઘણુ મોંઘું પડશે. અલબત્ત, સિક્કાની અવળી બાજુને ચત્તી કરીને જોઈએ તો ચોખ્ખું દેખાય છે કે જો અમેરિકા ‘ને ચીન વચ્ચે વાસ્તવમાં યુદ્ધ થશે તો વિશ્વભરના માનવીઓના જીવનનું મૂલ્ય નહિવત્ થઈ જશે, વિશ્વની કિંમત કોડીની થઈ જશે.

બુઝારો – નદીને ફક્ત જોયા કરવાથી માછલી ના પકડી શકાય, તમારે જાળ પણ સાથે લઈને જવું પડે. – ચીની કહેવત
——————-

Leave A Reply

Your email address will not be published.

Translate »