તમારા માટે, તમારી સાથે, સતત…

પ્રમુખ સ્વામીના રંગે રંગાયું રાજકોટ

રંગીલું રાજકોટ પૂ.પ્રમુખ સ્વામીના રંગે રંગાઈ ગયું છે.

0 313
  • કવર સ્ટોરી – દેવેન્દ્ર જાની

દુનિયાભરમાં કરોડો અનુયાયીઓના જીવનમાં દિવ્યતાની અનુભૂતિ કરાવનાર વિશ્વ વંદનીય યુગ પુરુષ પૂ. પ્રમુખ સ્વામી મહારાજે આ ધરતી પરથી સ્થૂળ સ્વરૃપે વિદાય લીધી તેને ત્રણ વર્ષ કરતાં વધારે સમય પસાર થઈ ગયો છે, પણ હરિભક્તો ના હૈયે તો તેઓ અમર જ રહ્યા છે. સદ્કર્મો, મૂલ્યો અને વિચારોથી સ્વામીજી હજુ સાથે જ તેવો આભાસ કરોડો ભક્તો કરી રહ્યા છે તેની અનુભૂતિ રાજકોટમાં પ્રમુખ સ્વામીની ૯૮મી જન્મ જયંતીના ઉત્સવના વિરાટ આયોજનને નિહાળીએ તો થયા વિના રહેતી નથી. રાજકોટના આંગણે ઊજવાઈ રહેલા આ રૃડા અવસરમાં હજારો લોકો સેવાની સરવાણી વહાવી રહ્યા છે. ત્યારે આવો, શબ્દોના સથવારે માણીએ આ મહામૂલા અવસરને.

રંગીલું રાજકોટ પૂ.પ્રમુખ સ્વામીના રંગે રંગાઈ ગયું છે. શહેરના દરેક રસ્તા અને ચોક જ નહીં, હજારો હરિભક્તોના નિવાસ પર રૃડા આસોપાલવનાં તોરણ બાંધવામાં આવ્યાં છે. અવસર છે

પ્રમુખ સ્વામીના ૯૮મા જન્મોત્સવને વધાવવાનો. રાજકોટના લોકોના હૈયૈ હરખ છે, જાણે પોતાના સ્વજનનો જન્મદિવસ ઊજવવાનો હોય તેવા ભાવથી લોકો સ્વામીની જનમ જયંતીના ઉત્સવમાં ભાગ લઈ રહ્યા છે. બીએપીએસ સંસ્થાના વર્તમાન ગુરુ મહંત સ્વામીની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં રાજકોટના આંગણે મહોત્સવનો શુભારંભ થઈ ચૂક્યો છે. રાજકોટ જ નહીં, સમગ્ર સૌરાષ્ટ્રમાં આ ઉત્સવનો ઉમંગ જોવા મળી રહ્યો છે. રાજકોટથી પાંચેક કિ.મી. દૂર માધાપર ચોકડી નજીક પ૦૦ એકર જમીન પર વિરાટ સ્વામિનારામયણ નગર ઊભું કરવામાં આવ્યું છે. હજારો ભાવિકો તેમાં ઊમટી રહ્યા છે. શહેરના તમામ રસ્તાઓ પરથી માનવમહેરામણ આ નગર તરફ જઈ રહેલું જ નજરે પડતું દેખાય છે. આ નગરમાં હૈયે-હૈયંુ દળાય તેવી ભીડ વચ્ચે એક જ નાદ સંભળાઈ રહ્યો છે, જય સ્વામિનારાયણ..

સાધુતાના શિખર સમંુ વ્યક્તિત્વ ધરાવતા પૂ.પ્રમુખ સ્વામીની રાજકોટમાં ત્રીજી વખત જન્મ જયંતી ઊજવાઈ રહી છે. એટલું જ નહીં, તા. પ ડિસેમ્બરથી અગિયાર દિવસ સુધી ચાલનારા આ મહાઉત્સવનો આનંદ એટલા માટે બેવડાયો છે કે ૯૮મા જન્મોત્સવની સાથે રાજકોટ સ્વામિનારાયણ મંદિરને વીસ વર્ષ પુરા થઈ રહ્યા છે તેનો દ્વિદશાબ્દી મહોત્સવ પણ  ઊજવાઈ રહ્યો છે, જાણે સોનામાં સુગંધ ભળી છે. રાજકોટને પ્રમુખ સ્વામીની ૯૮મી જન્મ જયંતી ઊજવાનું સદ્ભાગ્ય પણ એટલે જ મળ્યું છે. આ અવસરથી હરિભક્તોમાં આનંદનો સાગર એટલા માટે હિલોળે ચડ્યો છે કે પ્રમુખ સ્વામી મહારાજનો તિથિ મુજબ માગશર સુદ આઠમ અને અંગ્રેજી મહિના મુજબ તા.૭ ડિસેમ્બર એમ બંને રીતે અગિયાર દિવસના રાજકોટમાં યોજાનારો આ ઉત્સવ એકસાથે ઊજવવામાં આવશે. માગસર સુદ આઠમ તા. ૧પ ડિસેમ્બરે ઉત્સવની ચરમસીમા હશે ત્યારે ખાસ મહાસભા રાખવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ મહાસભામાં હાજર રહે તેવી શક્યતા છે.

Related Posts
1 of 262

આ ઉત્સવની ઉજવણી માટે છેલ્લા એકાદ વર્ષથી તૈયારીઓ કરવામાં આવી રહી હતી. ખાસ સ્વામિનારાયણ નગર ઊભું કરાયું છે. તેની પણ ખાસ વિશેષતા એ છે કે, પ્રવેશદ્વારથી માંડીને જે પ્રદર્શન ખંડો ઊભા કરવામાં આવ્યા છે તે થીમ બેઇઝ છે. કલાત્મક પ્રવેશદ્વારની સાથે નગરમાં એક દિવ્ય વાતાવરણ ઊભું થાય તે માટે હાઈ ટૅક્નોલોજીના ઉપયોગની સાથે ભારતીય પરંપરાઓનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. પ્રમુખ સ્વામીનું જીવન ફૂલ કે સાગરની જેમ પરોપરકારી રહ્યંુ હોવાથી પરોપકારની થીમ પર ભવ્ય પ્રવેશદ્વાર તૈયાર કરવામાં આવ્યો છે. ૩પ૦ ફૂટ પહોળો અને ૩૪ ફૂટ ઊંચાઈ ધરાવતો આ પ્રવેશદ્વાર તૈયાર કરવામાં અનેક સેવકોએ રાત દિવસ મહેનત કરી છે. આ પ્રવેશદ્વારથી સ્વામિનારાયણ નગરમાં પ્રવેશ કરતાની સાથે જ વિશાળ પ્રમુખ સ્વામીની મૂર્તિ નજરે પડે છે તે કોઈનું પણ મન મોહી લે તેવી છે. ર૭ ફૂટની આ મૂર્તિનાં દર્શન કરીએ ત્યારે સ્વામીના આશીર્વાદ સાંપડ્યા હોય તેવો ભાવ થાય છે.

સ્વામિનારાયણ નગરમાં છ પ્રદર્શન ખંડો તૈયાર કરાયા જે થીમ બેઇઝ છે. મુક્તાનંદ ખંડ વ્યસનમુક્તિની પ્રેરણા આપતાં દ્રશ્યો સાથે સજાવાયો છે, તો નિત્યાનંદ ખંડ આધુનિક યુગમાં પરિવારજનો વચ્ચે સ્નેહનો સેતુ જળવાતો નથી ત્યારે આ સેતુ મજબૂત બને તેવી પ્રેરણા મળે તેવો બનાવ્યો છે. સેવાનંદ ખંડ જોનારને જીવનમાં સેવાની ભાવના જગાડે છે, જ્યારે સહજાનંદ ખંડ એ નિરાશા કે ડિપ્રેશન એ આજના સમયમાં મહારોગ છે, તેમાંથી છુટકારો અપાવે તે માટે ખાસ ચિત્રો અને અન્ય સાધનો સાથે ખાસ સજાવાયો છે. દરેક નાગરિકમાં દેશ પ્રત્યેની રાષ્ટ્રભાવના મજબૂત બને તેવા હેતુથી ભારતાનંદ ખંડ તૈયાર કરાયો છે. છેલ્લો અને છઠ્ઠો પરમાનંદ ખંડ પ્રમુખ સ્વામીના જીવનની ઝાંખી આપતો બનાવાયો છે.

મુખ્ય આયોજક સંત અને રાજકોટ સ્વામિનારાયણ મંદિરના વડા અપૂર્વમુનિ સ્વામી કહે છે, ‘સ્વામિનારાયણ નગરનું મહત્ત્વનું એક આકર્ષણ એ છે કે, પાંચ ફેબ્રિકેટેડ મંદિરો એવા બનાવવામાં આવ્યાં છે કે તે જોતાં જ પહેલી નજરે તે ગુલાબી પથ્થરોના હોય તેવા લાગે છે, પણ આ ટૅક્નોલોજી અને સેવકોની મહેનતનું પરિણામ છે. ખૂબ જ ટૂંકા ગાળામાં આ પાંચ મંદિરો આ નગરમાં ઊભા કરી દેવામાં આવ્યાં છે. જેમાં એક ખાસ રાજકોટ મંદિરની પ્રતિકૃતિ રૃપ મંદિર છે. ફેબ્રિકેટેડ આ મંદિર હોવા છતાં તેના પર જઈને પ્રદક્ષિણા કરી શકાશે. મંદિરમાં પગ મૂકનારને એમ જ લાગશે કે તે રાજકોટના કાલાવડ રોડ પરના મંદિરમાં જ દર્શન કરી રહ્યા છે તેવું અદ્ભુત સર્જન કરાયું છે. અન્ય મંદિરોમાં રાધાકૃષ્ણ દેવ, લક્ષ્મીનારાયણ, સીતારામ અને શંકર પાર્વતીજીનાં મંદિરો છે જેથી કોઈ પણ વ્યક્તિ તેના ઈષ્ટદેવના અહીં દર્શન કરી શકશે. માત્ર ઈષ્ટદેવને જ યાદ કરાયા છે તેવું નથી, પણ અન્ય સમાજના સંતો – વંદનીય મહાપુરુષોને પણ યાદ કરાયા છે જેમાં વલ્લભાચાર્યજી, નરસિંહ મહેતા, તુલસીદાસ જેવા મહાન પુરુષોની પૂરા કદની મૂર્તિઓ માટે પણ ખાસ સંત ઝરૃખો ઊભો કરાયો છે, તેમાં મૂકવામાં આવી છે. સૌરાષ્ટ્રના ધાર્મિક ઉત્સવમાં પહેલી વખત ૧ર૦ બાય ૪૦ ફૂટના સ્ક્રીન પર લાઈટ એન્ડ સાઉન્ડ શૉના માધ્યમથી સમાજમાં મંદિરોનું મહત્ત્વ સમજાવતો શૉ કરાશે. ૩૦ હજાર લોકો એકસાથે બેસીને શૉ નિહાળી શકે તેવી ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

અગિયાર દિવસના આ આખા ઉત્સવમાં બીએપીએસના વર્તમાન ગુરુ મહંત સ્વામી ઉપસ્થિત રહેશે. આ ઉત્સવ આમ તો ત્રણ દિવસ વહેલો શરૃ થઈ ગયો છે. તા. બીજી ડિસેમ્બરે જ મહંત સ્વામીનું રાજકોટમાં આગમન થઈ ચૂક્યું હતું. તેમના આગમનની સાથે ઉત્સવના એક પછી એક કાર્યક્રમો શરૃ થઈ ગયા હતા. હજારો ભાવિકો ભાગ લઈ રહ્યા છે. આ ઉત્સવ દરમિયાન વિશ્વ કલ્યાણ માટે પ૦૦ કુંડીનો મહાયજ્ઞ થશે. આ ઉપરાંત મહંત સ્વામી ૪૦ યુવાનોને દીક્ષા આપશે. આ ઉત્સવમાં ભાગ લેવા માટે બાવન દેશોમાંથી સંસ્થાના સંતો અને હરિભક્તો આવ્યા છે. મહિનાઓ અગાઉથી તેઓએ વ્યવસ્થા કરી રાખી હતી. રાજકોટ જ નહીં, સમગ્ર સૌરાષ્ટ્રમાં આ ઉત્સવને લઈને થનગનાટ છે. ઉત્સવનો આરંભ થઈ ચૂક્યો છે. ભાવિકોને સ્વામિનારાયણ નગર સુધી લાવવા-લઈ જવા ખાસ એસટી બસોની વ્યવસ્થા કરાઈ છે. આમ રાજકોટ પ્રમુખ સ્વામીના રંગે રંગાયું છે. ઠેર-ઠેર એક જ બોલ સંભળાઈ રહ્યો છે, જય સ્વામિનાાયણ..!

પ્રમુખ સ્વામી સંપ્રદાયના પાંચમા આધ્યાત્મિક ગુરુ હતા
પ્રમુખ સ્વામી સ્વામિનારાયણના આ સંપ્રદાયમાં પાંચમા આધ્યાત્મિક ગુરુ હતા. ગુણાતીતનંદ સ્વામી, ભગત મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને હવે છઠ્ઠા ગુરુ પદે મહંત સ્વામીની નિયુક્તિ કરવામાં આવી છે. પ્રમુખ સ્વામીનો જન્મ વડોદરા જિલ્લાના ચાણસદ ગામના પાટીદાર કુળમાં તા. ૭ ડિસેમ્બર, ૧૯ર૧ના રોજ પિતા મોતીભાઈ અને માતા દિવાળીબાને ત્યાં થયો હતો. આ પરિવાર સામાન્ય ખેડૂત પરિવાર હતો. બે ઓરડાવાળું તેમનું ખોરડું હતું. પૂર્વાશ્રમનું તેમનું નામ શાંતિલાલ હતું. શાંતિલાલ નામના યુવાને માત્ર ૧૯ વર્ષની વયે શાસ્ત્રીજી મહારાજના હસ્તે તા.રર – ૧૧ -૧૯૩૯ના રોજ અમદાવાદની આમલીવાળી પોળમાં બબુભાઈ પટેલના નિવાસસ્થાને પાર્ષદની દીક્ષા લીધી હતી. બાદ ૧૯૪૦માં ગોંડલમાં સાધુ દીક્ષા લઈ નારાયણ સ્વરૃપદાસ સ્વામી નામ ધારણ કર્યું હતું. માત્ર ર૮ વર્ષની વયના નારાયણસ્વરૃપદાસ સ્વામીને બોચાસણવાસી અક્ષર પુરુષોતમ સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા હતા. છ દાયકા કરતાં વધુ સમય સુધી તેઓએ બીએપીએસના વડા તરીકે કાર્ય સંભાળ્યું હતું અને સંસ્થાના બીજને વટવૃક્ષ બનાવ્યું હતું. તા. ૧૩ ઓગસ્ટ, ૧૯૯પના રોજ તેમનો સારંગપુર ખાતે દેહવિલય થયો હતો.

અમદાવાદમાં પ્રમુખ સ્વામીનો જન્મ શતાબ્દી મહોત્સવ
પ્રમુખ સ્વામી મહારાજની ૯૮મી જન્મ જયંતીનો ઉત્સવ રાજકોટના આંગણે ઊજવાઈ રહ્યો છે. તેમની જન્મ જયંતી ઊજવવાના આ ક્રમમાં હવે શતાબ્દી મહોત્સવ માત્ર બે ડગલાં જ દૂર છે ત્યારે સ્વાભાવિક છે કે એવી ઉત્કંઠા થાય છે કે સ્વામીજીનો વિરાટ શતાબ્દી મહોત્સવનો અવસર ક્યાં ઊજવાશે? બીએપીએસના કેટલાક વરિષ્ઠ સંતો સાથે આ અંગે વાત કરી હતી. તો મોટા ભાગના સંતોનું કહેવું એવું હતું કે, સામાન્ય રીતે એક જન્મ જયંતીના ઉત્સવનો સમાપન સમારોહ હોય ત્યારે બીજા જન્મ જયંતીનો ઉત્સવ કયા શહેરના આંગણે ઊજવવાનો છે તેની જાહેરાત કરવામાં આવતી હોય છે. એકાદ વર્ષ પહેલાંથી તેની તૈયારીઓ શરૃ કરી દેવામાં આવતી હોય છે, પરંતુ અમે સંસ્થાના કેટલાક વરિષ્ઠ સંતો સાથે જ્યારે આ મુદ્દે વિશ્વાસ કેળવીને વાત કરી તો અમને આ વાત જાણવામાં સફળતા મળી હતી. પ્રમુખ સ્વામીનો ૯૮મો જન્મોત્સવ રાજકોટમાં સંપન્ન થયા બાદ ૯૯મો જન્મોત્સવ મુંબઈમાં અને ૧૦૦મો એટલે કે શતાબ્દી મહોત્સવ અમદાવાદના આંગણે ઊજવવાનું આયોજન સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે. અગાઉની વાત કરીએ તો વર્ષ ર૦૧૬માં સુરત, ર૦૧૭માં આણંદમાં સ્વામીજીનો જન્મોત્સવ ઊજવાયો હતો. રાજકોટના આંગણે પૂ.પ્રમુખ સ્વામીનો ૯૮મો જન્મોત્સવ ઊજવાઈ રહ્યો છે ત્યારે એ પણ જાણીએ કે અગાઉ બે વખત ૭૮ અને ૭૯મી સ્વામીની જન્મ જયંતી રાજકોટમાં ઊજવાઈ ગઈ છે. આમ ત્રીજી વખત હાલ રાજકોટના આંગણે જન્મોત્સવ ઊજવાઈ રહ્યો છે.
———————

Leave A Reply

Your email address will not be published.

Translate »