તમારા માટે, તમારી સાથે, સતત…

શ્રદ્ધા, સેવા અને સમર્પણનું સ્વામીનારાયણ નગર

'આ બાપાનાં સેવાકાર્યનો જ પ્રતાપ છે.

0 97
  • કવર સ્ટોરી – નરેશ મકવાણા

રાજકોટ ખાતે મોરબી-માધાપર હાઈવે નજીક ૫૦૦ એકર જમીન પર સ્વામિનારાયણ નગર પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની ૯૮મી જન્મ જયંતીની ઉજવણીને લઈને તૈયાર કરાયું છે. ૧૧ દિવસ ચાલનારા આ મહોત્સવને લઈને દુનિયાભરમાં ફેલાયેલા હરિભક્તો અને સંતોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હાલ તો આ અનોખું નગર સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બની ચૂક્યું છે ત્યારે તેના નિર્માણમાં જેમનું મહત્ત્વનું યોગદાન છે તેવા અનામી સેવાભાવીઓ વિશે જાણીએ.

રાજકોટ શહેર માટે આ પહેલો એવો અવસર આવ્યો છે જ્યારે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની અંગ્રેજી કેલેન્ડર અનુસારની જન્મ જયંતી(૭ ડિસેમ્બર) અને વિક્રમ સંવત પ્રમાણેની જન્મ જયંતી(માગસર સુદ આઠમ) એકસાથે, એક જ સ્થળે ધામધૂમથી ઊજવાતી હોય. આ લખાણ જ્યારે તમારા સુધી પહોંચશે ત્યારે આખું રાજકોટ શહેર દિવ્યસ્વરૃપ પ્રમુખ સ્વામી મહારાજની જન્મ જયંતીની ઉજવણીમાં તરબોળ બની ચૂક્યું હશે. એકલું રાજકોટ જ શું કામ, સૌરાષ્ટ્ર પણ નહીં, દેશ અને દુનિયાભરમાં વસતાં હરિભક્તો, સંતો આ મહોત્સવનો લાભ લેવા રાજકોટનાં આંગણે આવી પહોંચ્યા હશે. હવે તો સૌ કોઈ એ વાત જાણે છે કે છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી આ મહોત્સવની તૈયારીઓ ચાલતી હતી. રાજકોટ સ્થિત મોરબી-માધાપર હાઈવે નજીક ૫૦૦ એકર જમીન પર છેલ્લા છ મહિનાથી રાતદિવસ કામ ચાલતું હતું ત્યારે આ સ્વામિનારાયણ નગર ઊભું થઈ શક્યું છે, પણ શું તમને ખ્યાલ છે ખરા કે તેની પાછળ કેવા કેવા લોકોની સેવાભાવના જોડાયેલી છે? નહીં ને? તો ચાલો. અહીં કેટલાક એવાં હરિભક્તો, સંતો અને આમ આદમી વિશે જાણીએ જેમણે પોતાનું કામકાજ કે કારકિર્દી જતી કરીને પણ આ મહોત્સવમાં મહામૂલું યોગદાન આપ્યું છે.

ત્યાગભાવનાથી ભરપૂર હરિભક્તોમાં સૌથી પહેલાં એ ખેડૂતો આવે છે જેમણે મહોત્સવ માટે થઈને મહિનાઓ અગાઉ પોતાની ખેતીની જમીનો ખાલી કરી આપી હતી. અહીંના ૨૫ જેટલા ખેડૂતોનો તેમાં સામેલ છે. આમાંના કેટલાક તો એવા છે જેમણે રવીપાક લેવાની તમામ તૈયારીઓ કરી નાખી હતી, તે મોકૂફ રાખીને પણ આ મહોત્સવને સફળ બનાવવા ખાતર પોતાની જમીન ખાલી કરી આપી છે. કેટલાક ખેડૂતોએ તો પાક લીધા પછી સ્વયંસેવકો પાસે જમીન સમતળ કરાવવાને બદલે જાતે જ તૈયાર કરીને આયોજકોને આપી છે જેથી તેમનો સમય ન બગડે.

બીજો સૌથી અનોખો કિસ્સો હેમરાજભાઈ ડાંગરનો છે. સ્વામિનારાયણ નગર જ્યાં આકાર પામ્યું છે તેની સામે તેમની અતિથિ દેવો ભવઃ નામની હોટલ આવેલી છે. અગાઉ આ મહોત્સવ જે સમયગાળામાં ઊજવાઈ રહ્યો છે તે દરમિયાન તેમના દીકરા સાગરનાં લગ્ન લેવાનાં હતાં. કંકોતરીઓ છપાઈ ગઈ હતી. ત્રણ જેટલાં રિસેપ્શનો માટેની તૈયારીઓ પણ થઈ ચૂકી હતી. સૌને આમંત્રણ પણ અપાઈ ચૂકેલાં, પણ એ જ વખતે અપૂર્વમુનિ સ્વામી સહિતના મહોત્સવના આયોજકો તેમની પાસે પૂજ્ય મહંત સ્વામીના ઉતારાની વ્યવસ્થાનો પ્રશ્ન લઈને તેમની પાસે આવ્યા અને તેમણે સંતોને નિરાશ ન કરતાં પોતાની આખી હોટલ મહંત સ્વામી હાજરી આપે ત્યાં સુધી તેમના ઉતારા માટે ખાલી કરી આપી. એટલું જ નહીં, સ્વામીજીની સગવડતા સચવાય તે માટે દીકરા સાગરનાં લગ્ન પણ પાછાં ઠેલી દીધાં. હેમરાજભાઈની આવી દરિયાદિલી જોઈને તેમની હોટલની સામેની તરફ આવેલી ટાઉનશિપના બિલ્ડર કિરીટભાઈ ઘોડાસરાએ પણ ૭૦૦થી વધુ ફ્લેટની પોતાની નવીનક્કોર સ્કીમ મહોત્સવમાં ભાગ લેવા આવેલા સ્વામિનારાયણી સાધુ, સંતો અને સેવકોને રહેવા માટે આપી દીધી. તેમનું જોઈને પછી બાજુની ફ્લેટ સ્કીમના માલિક પણ તેમાં જોડાયા અને બાકીના સાધુસંતો માટે ખુલ્લી મૂકી દીધી. હાલ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જન્મ જયંતી મહોત્સવમાં ભાગ લેવા આવતા સાધુ-સંતોને અહીં ઉતારો અપાયો છે.

‘અભિયાન’ જ્યારે સ્વામિનારાયણ નગરની મુલાકાતે પહોંચ્યું ત્યારે મહોત્સવની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો હતો. જોકે સરકારી કાર્યક્રમોથી વિપરીત અહીં આયોજન જડબેસલાક જોવા મળતું હતું. બધું જ કામ નાની-મોટી ટુકડીઓમાં વહેંચી દેવાયેલું. એમાં પણ જે-તે કામના નિષ્ણાત સ્વયંસેવકોની આવડત ધ્યાનમાં રખાઈ હતી. આસપાસનાં ગામોમાંથી અનેક ખેડૂતો પોતાનાં ટ્રેક્ટર, ટ્રોલી, જેસીબી મશીન અને અન્ય જરૃરી સાધનસામગ્રી લઈને સેવા આપવા ઊમટી પડ્યા હતા. પૂછપરછ કરતાં ખ્યાલ આવ્યો કે છેલ્લા ચાર મહિનાથી આ જ રીતે દરરોજ ૨ હજારથી વધુ સ્વયંસેવકો સવાર પડતા જ સેવા આપવા હાજર થઈ જાય છે. જેમાં ખેડૂતો, નોકરિયાતો, ગૃહિણીઓ અને બિઝનેસમેનો સુદ્ધાં છે. શરૃઆતમાં બે હજાર સ્વયંસેવકોની ફોજ હતી જે મહોત્સવ દરમિયાન વધારીને ડબલ કરી દેવામાં આવી છે. દરેકને ટુકડીઓ બનાવીને જુદું-જુદું કામ સોંપી દેવાયું છે. નોંધનીય બાબત એ છે કે આમાંથી એકેય વ્યક્તિ કામ બદલ મહેનતાણુ નથી લેતી. સૌ કોઈ સેવાભાવથી પ્રેરાઈને સ્વેચ્છાએ આવે છે અને એ પણ પોતાના કામધંધાને વિરામ આપીને. આ મામલે બહેનો પણ પાછળ નથી. છેલ્લા બે મહિનાથી દરરોજ ૧૨૦૦ જેટલી બહેનો મહાપ્રસાદ માટેની રસોઈની સામગ્રી તૈયાર કરવામાં લાગેલી છે. આ આંકડો મહોત્સવના દિવસોમાં વધીને ડબલથી પણ વધારે થઈ જવાનો છે, કેમ કે બહારગામથી આવનારી સેંકડો મહિલાઓ પણ તેમાં જોડાવાની છે. આ સિવાય નાનાં બાળકો અને ગુરુકુળના વિદ્યાર્થીઓ અહીં સુંદર ઉપવન તૈયાર કરવામાં લાગેલાં છે.

Related Posts
1 of 154

આ સમગ્ર આયોજનને પૂજ્ય પ્રમુખ સ્વામીના સેવાકાર્યનો જ પ્રતાપ ગણાવતા મહોત્સવના મુખ્ય આયોજક અપૂર્વમુનિ સ્વામી કહે છે, ‘આ બાપાનાં સેવાકાર્યનો જ પ્રતાપ છે. પોતાના જીવનકાળ દરમિયાન તેઓશ્રીએ ૧૮ હજારથી વધુ ગામડાં અને શહેરોમાં ધર્મસભાઓ કરીને જનસામાન્યને જીવનનો નવો રાહ ચીંધ્યો હતો. અઢી લાખથી વધુ ઘરોમાં જઈને લોકોને વ્યસનમુક્તિની પ્રેરણા પૂરી પાડી હતી. એક હજાર જેટલા સંસ્કાર કેન્દ્રો અને ૫૫ હજારથી વધુ સ્વયંસેવકોની ફોજ તૈયાર કરીને ભૂકંપ, પૂર, દુકાળ જેવી આપત્તિઓમાં સમાજ સેવાની ધૂણી ધખાવેલી. અનેક હૉસ્પિટલો, શાળાઓ બનાવીને સ્વસ્થ અને સુશિક્ષિત સમાજ તૈયાર કરવામાં મહત્ત્વનું યોગદાન આપેલું. કોમી રમખાણો અને વિવિધ આંદોલનોમાં શાંતિ સ્થાપવા પ્રયાસ કરેલો. કદાચ એટલે જ આજે સ્વામિનારાયણ નગરમાં ઘણા મુસ્લિમ બિરાદરો કોઈ પણ પ્રકારનું મહેનતાણુ લીધા વિના ટ્રેક્ટર ચલાવીને સેવાકાર્યમાં પોતાનો ફાળો નોંધાવી રહ્યા છે. પૂ. પ્રમુખ સ્વામી મહારાજે સમાજને દહેજનાબૂદી, ભ્રૂણહત્યા નિવારણ જેવા કુરિવાજોથી મુક્ત થવાની સમજ આપી હતી. જેના પ્રતાપે આજે આ કાર્યક્રમમાં અનેક સુશિક્ષિત બહેનો ભણીગણીને એકાઉન્ટન્ટ સહિતની જવાબદારીઓ હોંશેહોંશે ઉપાડી રહી છે. બાપાના વ્યસનમુક્તિ આંદોલનના કારણે જ એક દેવીપૂજક ભાઈએ પાનમાવાનું કાયમી વ્યસન એક ઝાટકે ત્યજી દઈને આ મહોત્સવમાં સેવા આપવાનું શરૃ કરેલું છે. આ પૂજ્ય પ્રમુખ સ્વામીના જીવનકાર્યના પ્રતાપે જ થઈ રહ્યું છે એમાં કોઈ શંકા નથી.’

અપૂર્વમુનિ સ્વામીએ આપ્યાં તેવાં બીજાં પણ અનેક ઉદાહરણો અહીં આપી શકાય તેમ છે, પણ હાલ તો સૌના આકર્ષણનું કેન્દ્ર વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કર્યા બાદ સંયમમાર્ગે વળી ગયેલા યુવા સાધુઓ છે.

ઉચ્ચ અભ્યાસુ સાધુઓ બન્યા આકર્ષણનું કેન્દ્ર
સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો દેશવિદેશમાં ફેલાયેલા છે. એટલે જ આ મહોત્સવમાં અમેરિકા, બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ જેવા સમૃદ્ધ દેશોમાંથી આવેલા હરિભક્તોની કોઈ નવાઈ નથી. જોકે ઉચ્ચ વિશ્વશ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરીને સાધુ જીવન અપનાવી લેનાર યુવા સાધુઓએ હરિભક્તોમાં ભારે આકર્ષણ ઊભું કર્યું છે. આ એવા સાધુઓ છે જે પૂર્વાશ્રમમાં ડૉક્ટર, પાઇલટ, એન્જિનિયર જેવી ઉજ્જવળ કારકિર્દી ધરાવતાં હોવા છતાં તેનો ત્યાગ કરીને સાધુ-જીવન તરફ વળી ગયા હતા અને આજે આ મહોત્સવમાં વિવિધ વિભાગોનો હવાલો સંભાળીને સેવા આપી રહ્યા છે.

રાજકોટ બીએપીએસ સંસ્થાન સંચાલિત સ્વામિનારાયણ મંદિર કે જેની આ મહોત્સવ સાથે દ્વિતીય શતાબ્દી ઊજવાઈ રહી છે તેના શ્રી બ્રહ્મવિહારી સ્વામી આવા જ કેટલાક સાધુઓનો પરિચય આપતાં કહે છે કે, ‘મહોત્સવના સુશોભન વિભાગમાં સેવા આપી રહેલા નિર્ગુણપુરુષ સ્વામીજી આવા જ એક ઉચ્ચ અભ્યાસુ સાધુ છે. તેમણે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં ઉચ્ચ અભ્યાસ કર્યો છે. પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના સેવાકાર્યોમાંથી પ્રેરણા લઈને સાધુ-જીવન તરફ વળી ગયા હતા. સ્વામી અનિકેતમુનિ પણ આવા જ ઉચ્ચ અભ્યાસુ સાધુ છે. અગાઉ અમેરિકાના ડલાસમાં રહીને તેમણે ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગનો ઉચ્ચ અભ્યાસ કરીને આઈટી સેક્ટરની ખ્યાતનાર કંપની ઇન્ટેલમાં નોકરી સ્વીકારી હતી. જે છોડીને પછી દીક્ષા લઈ લીધેલી. તેમની સાથે રહેલા બાલમુકુંદ સ્વામી અને ગુણચિંતન સ્વામી પણ એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવે છે અને ઊંચા પગારની નોકરી મળતી હોવા છતાં તે છોડીને દીક્ષા લીધી હતી.

‘પૂજ્ય પ્રમુખ સ્વામીના હસ્તે દીક્ષા લેનારા સુશીલમુનિ સ્વામી અને વત્સલમૂર્તિ સ્વામી અનુક્રમે અમેરિકાના એટલાન્ટા અને ન્યૂયૉર્કના વતની છે. બંનેએ ઉચ્ચ પગારની નોકરી છોડીને પ્રમુખ સ્વામીના ચરણે જીવન સમર્પિત કરી દીધું હતું. સુશીલમુનિ સ્વામીએ વિખ્યાત હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી મૅનેજમૅન્ટમાં અનુસ્નાતકની ડિગ્રી મેળવેલી છે જ્યારે વત્સલમૂર્તિ સ્વામી સાઇકોલોજિસ્ટ છે. તેમના પરિવારના તમામ સભ્યો ડૉક્ટર છે. આવો જ અન્ય કિસ્સો નીલકંઠ સ્વામીનો છે. ગાંધીનગર અક્ષરધામની જેમણે પણ મુલાકાત લીધી હશે તેમને ત્યાં બતાવવામાં આવતી ભગવાન સ્વામિનારાયણના જીવનને વર્ણવતી ફિલ્મ જરૃર યાદ હશે. એ ફિલ્મમાં નીલકંઠવર્ણીનું પાત્ર ભજવનાર યુવક એ જ નીલકંઠ સ્વામી. વર્ષ ૨૦૧૬માં પૂજ્ય મહંત સ્વામી મહારાજના હસ્તે દીક્ષા લેનાર તેઓ પ્રથમ સાધુ છે.’

ટૂંકમાં ૫ાંચથી ૧૫ ડિસેમ્બર સુધીના અગિયાર દિવસો આવા અનેક જાણ્યા-અજાણ્યા છતાં અનોખા સેવકોના કારણે હરિભક્તોને પ્રેરણા પૂરી પાડતા રહેશે.
———————

Leave A Reply

Your email address will not be published.

Translate »