જાન હૈ તો જહાં હૈઃ મુંબઈનાં આર્કિટેક્ટનો અનોખો પ્રોજેક્ટ
મજૂરોને સેફ્ટી લૉ વિશે જાણકારી મળે તો આવી દુર્ઘટનાઓને અટકાવી શકાય તેમ છે.
- મુકામ મુંબઈ – લતિકા સુમન
નવી બનતી ઇમારતોના સ્થળે કામ કરતા મજૂરોની સાથોસાથ સામાન્યજનની સુરક્ષાની દરકાર કરતો અનોખો પ્રોજેક્ટ મુંબઈની એક યુવા આર્કિટેક્ટે તૈયાર કર્યાે છે. જાન હૈ તો જહાં હૈ – નામનો આ પ્રોજેક્ટ ભવિષ્યમાં બનનારી ઇમારતો માટે લાભદાયી પુરવાર થઈ શકે તેવો છે.
‘મેં જ્યારે મારો આર્કિટેક્ચરનો કોર્સ પૂરો કર્યાે ત્યારે વિચારતી હતી કે, જ્યાં આવીને લોકોને શાંતિ મળે તેવા દુનિયાના સૌથી સુંદર મંદિરોની હું ડિઝાઇન બનાવું. હું એક જૈન છું. આથી જૈન મંદિરોના નિર્માણમાં હું વધારે યોગદાન આપી શકું તેવું હું ઇચ્છતી હતી, પરંતુ ઇશ્વર કંઈક અલગ જ સંકેતો આપતો હોય છે અને હવે મેં પણ એ જ માર્ગે ચાલવાનો દૃઢ નિશ્ચય કર્યાે છે, તેમ યુવા આર્કિટેક્ટ રિદ્ધિ શાહે ‘અભિયાન’ સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું.
એકાદ વર્ષ અગાઉ રિદ્ધિ ફોર્ટના ભીડભાડવાળા રસ્તા પરથી પસાર થઈ રહી હતી. અચાનક તેની નજીક એક બારી આવીને પડી. રિદ્ધિ આ દુર્ઘટનામાં બચી તો ગઈ, પરંતુ જો તે કાચની બારી રિદ્ધિના માથા પર આવીને પડી હોત તો? આ ઘટના પછી રિદ્ધિના મનમાં હલચલ મચી ગઈ. તેની અંદર રહેલો આર્કિટેક્ટનો જીવ જાગી ગયો. તે વિચારવા લાગી કે જ્યારે પણ હું મારી ડિઝાઇનથી આવા કોઈ બિલ્ડિંગનું નિર્માણ કરીશ અને ભવિષ્યમાં તેના સમારકામ માટે કોઈ મજૂરને બોલાવવામાં આવશે ત્યારે તે બિલ્ડિંગના નિયમોને સમજ્યા વિના જ કામ શરૃ કરશે તો ગમે તે દુર્ઘટના બની શકે છે. આ શું યોગ્ય હશે ખરું?
રિદ્ધિએ આવી મનોસ્થિતિમાં એક વર્ષ સુધી વિચાર કર્યા બાદ પોતાની કૉલેજના પ્રિન્સિપાલ સુનિલ મગદુમ સાથે વાત કરી. તેમને જણાવ્યું કે, હું એક એવો પ્રોજેક્ટ બનાવવા માગું છું, જેમાં આર્કિટેક્ટ, ડિઝાઇનર, કોન્ટ્રાક્ટર, મજૂરો અને બિલ્ડર બધા સાથે મળીને કામ કરે. દરેક મજૂરને સેફ્ટી લૉ વિશે જાણકારી આપવામાં આવે, તેમનો વીમો લેવામાં આવે અને સાથે જ તેમને એક ઓળખપત્ર આપવામાં આવે જેમાં જે-તે મજૂરને સેફ્ટી લૉની જાણકારીની વિગતો હોય. તે મજૂર ખુદની સાથે અન્ય લોકોની સુરક્ષાને સારે રીતે સમજી શક્તો હોય. પ્રિન્સિપાલ મગદુમને આ વાત પસંદ આવી. ત્યાર બાદ બધાએ સાથે મળીને એક એવો પ્રોજેક્ટ તૈયાર કર્યાે કે જેમાં લેબરને પણ સરખો દરજ્જો મળતો હોય અને આ પ્રોજેક્ટને નામ આપવામાં આવ્યું, જાન હૈ તો જહાં હૈ.
બે વર્ષ અગાઉ રિદ્ધિએ ગુજરાતના શત્રુંજય પર્વત પાસે બની રહેલા જૈન આશ્રમ માટે અન્ય આર્કિટેક્ચર સાથે પોતાનું યોગદાન પણ આપ્યું છે. તે આશ્રમ તો બની રહ્યો છે, પરંતુ હવે રિદ્ધિને મજૂરોના કારણે થતી દુર્ઘટનાઓએ ઘેરી લીધી છે. જેના કારણે તેની રાતોની ઊંઘ હરામ થઈ ગઈ છે. તેણે ‘અભિયાન’ને જણાવ્યું કે, મેં હવે દૃઢ નિશ્ચય કર્યાે છે કે હવે હું મુંબઈની સુરક્ષા માટે મજૂરોને સાથે રાખીને કામ કરીશ. હજુ સુધી મજૂરો પાસે આવા કોઈ આઇકાર્ડ નથી જેમાં તેમની એવી ઓળખ પ્રસ્થાપિત થઈ શકે કે આ વ્યક્તિને કામ સોંપવું સુરક્ષિત છે કે કેમ? કેમ કે, કોન્ટ્રાક્ટરો તો ગમે તેને બિલ્ડિંગ કે ઘરોના સમારકામ માટે મોકલી દેતા હોય છે. આવા મજૂરોને સેફ્ટી લૉ વિશેની કોઈ જાણકારી પણ નથી હોતી. ઘણા મજૂરો માથે સુરક્ષા હેલ્મેટ વગર કામ કરતા હોય છે અને કેટલીકવાર પડી જવાથી તેમનાં મોત પણ નિપજતાં હોય છે. ઘણીવાર ઘરના સમારકામ માટે આવેલા મજૂરો ઘરમાલિકના કહેવાથી ગમે તે કોલમ તોડી નાખતા હોય છે. વચ્ચે આવેલી કોલમ તોડી નાખવાથી આખી બિલ્ડિંગ પડી જશે એ વાતની તેમને ખબર જ નથી હોતી. વચ્ચે આવેલો પિલર મજૂરોએ તોડી પાડ્યો હોય અને આખી બિલ્ડિંગ પડી ગઈ હોય તેવા કિસ્સા પણ બની ચૂક્યા છે. જો મજૂરોને સેફ્ટી લૉ વિશે જાણકારી મળે તો આવી દુર્ઘટનાઓને અટકાવી શકાય તેમ છે.
રિદ્ધિએ જણાવ્યું કે, મુંબઈમાં આર્કિટેક્ચર અને ડિઝાઇનરની કુલ મળીને ૩૪ કૉલેજો આવેલી છે. મજૂરોને ભેગા કરીને તેમને પણ આનું શિક્ષણ આપી શકાય તે માટે આ કૉલેજોના બધા આર્કિટેક્ટ અને ડિઝાઇનર સાથે વાતચીત ચાલી રહી છે. આ કામમાં દરેક આર્કિટેક્ટ પોતાના એક કલાકનું યોગદાન આપશે. આની સાથોસાથ ટાટા ઇન્સ્ટિટ્યૂટમાં ૩૪ હજાર લેબરનો અભ્યાસ કરી ચૂકેલા અજય પ્રજાપતિ પણ તેમને સુરક્ષા અને વીમો મળી શકે તે માટે અમારી સાથે કામ કરી રહ્યા છે. ગયા સપ્ટેબર માસથી જ આ પ્રોજેક્ટની શરૃઆત થઈ છે, પરંતુ હવે આ ક્ષેત્રની દરેક વ્યક્તિ અમારી સાથે જોડાઈ રહી છે. ભવિષ્યમાં બનનારી દરેક ઇમારત બધા માટે સુરક્ષિત હોય તેવું દરેક ઇચ્છે છે. જેમાં લેબરથી લઈને દરેકની સુરક્ષાનાં પાસાં જોડાયેલાં હોય અને તેનું નિર્માણ સેફ્ટી લૉ અંતર્ગત થયેલું હોય. કેમ કે બિલ્ડરોએ ગમે તે કોન્ટ્રાક્ટર પાસે બનાવેલી હોય તેવી મુંબઈમાં ઘણી બિલ્ડિંગો આવેલી છે, જેનો કોઈ જ અભ્યાસ કરવામાં આવ્યો નથી, પરંતુ તેની સાઇડ ઇફેક્ટ્સ આજે પણ જોવા મળી રહી છે. કોન્ટ્રાક્ટરથી લઈને મુંબઈની સુરક્ષા ઇચ્છતો હોય તેવો શહેરનો દરેક નાગરિક આ પ્રોજેક્ટ સાથે જોડાઈ શકે છે. ‘જાન હૈ તો જહાં હૈ’ પ્રોજેક્ટ દ્વારા મુંબઈવાસીઓને આહ્વાન કરનારી રિદ્ધિ મજૂરોની સુરક્ષા સાથે જોડાયેલા આ કાર્યમાં સરકારની મદદ મળે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ પત્ર લખીને અનુરોધ કરવાની છે.
——————–