તમારા માટે, તમારી સાથે, સતત…

કચ્છના રણોત્સવમાંથી કચ્છીઓની જ બાદબાકી

. 'કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા'વાળી અમિતાભ બચ્ચનની જાહેરાતથી સફેદ રણને વ્યાપક પ્રસિદ્ધિ મળી.

0 440

પાંજો કચ્છ – સુચિતા બોઘાણી કનર

કચ્છમાં રણોત્સવનો પ્રારંભ કચ્છની વિશિષ્ટતાઓ વિશ્વ સમક્ષ મૂકવા તથા કચ્છી કલાકારો, હસ્તકલા કારીગરોને પ્રોત્સાહન મળે, તેમને આર્થિક રીતે ફાયદો થાય તે માટે થયો હતો, પરંતુ આજે રણોત્સવનું સંપૂર્ણ આયોજન ખાનગી પેઢીના હાથમાં છે, જેથી ગુજરાત ટૂરિઝમે રણોત્સવની કમાન સંભાળી ત્યારે કચ્છના કલાકારો, કારીગરોને જે ફાયદો થયો તે અને તેટલો ફાયદો અત્યારે થતો નથી. હસ્તકલાના નામે બહારથી આવેલા કારીગરો મશીનવર્ક વેચીને પ્રવાસીઓને છેતરે છે. તો ગાઇડ તરીકેની કામગીરી પણ કચ્છ બહારના લોકો સંભાળે છે. રણોત્સવમાં રહેવા માટે સુંદર ટેન્ટ સિટી બનાવાયું છે, પરંતુ તેના ભાવ સામાન્ય પ્રવાસીઓને પરવડી શકે તેમ નથી.

કચ્છનું સફેદ રણ આજે વિશ્વ વિખ્યાત બન્યું છે. તેની ખ્યાતિ સાંભળીને દેશવિદેશના પ્રવાસીઓ આવે છે. આથી જ આ રણને કેન્દ્રમાં રાખીને કચ્છમાં પ્રવાસન ઉદ્યોગ વિકસી રહ્યો છે. કચ્છ રણ, દરિયો અને ડુંગરનું અનોખું સૌંદર્ય ધરાવતો પ્રદેશ છે, પરંતુ સતત પડતા દુષ્કાળના કારણે વરસો સુધી આ સરહદી વિસ્તાર પછાત જ રહ્યો હતો. ભૂકંપ પછી વિકાસનાં ફળો શહેરી લોકોને જોવા મળી રહ્યાં છે, પરંતુ રણ આસપાસનાં ગામોમાં રહેનારા લોકો આ ફળો હજુ પૂરતાં નસીબ થયાં નથી. થોડાં વર્ષો પહેલાં સુધી સરહદી લોકો ૨૧મી સદીમાં પણ ૧૮મી સદી જેવું જ જીવન જીવતા હતા. આગળ વધવાની તમન્ના તો હતી, પણ તકો ન હતી, રોજગારી ન હતી અને કુદરત તો સતત દુશ્મન સમી હતી. આથી જ કચ્છનો સર્વાંગી વિકાસ થાય, તેમાં પણ ખાસ સરહદી વિસ્તારના લોકોની મુશ્કેલીઓ હળવી બને તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા રણોત્સવ શરૃ કરાયો. આ હેતુ શરૃઆતનાં અમુક વર્ષો સુધી બર આવ્યો, પરંતુ થોડાં વર્ષો પછી પ્રવાસન નિગમે તેનું સંચાલન ખાનગી પેઢીને સોંપ્યું ત્યારથી રણોત્સવમાંથી કચ્છીઓની બાદબાકી થવાનું શરૃ થયું છે. આથી જ મૂળ ઉદ્દેશ બર આવે તે માટે કાં તો રણોત્સવનું સંચાલન સરકારે ફરી સંભાળવું જોઈએ અથવા કચ્છના લોકોને પ્રાધાન્ય મળે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ તેવો સૂર ઊઠી રહ્યો છે.

વર્ષ ૨૦૦૬માં પ્રથમ વખત રણોત્સવનું આયોજન થયું, પરંતુ તે પહેલાં અમુક વખતે બન્નીના લોકો સફેદ રણમાં પૂનમની રાત્રીના સમયે એકઠા થઈને ઉત્સવ ઊજવતા હતા. આ વાત જ્યારે ભુજ સ્થિત અમુક લોકોના ધ્યાનમાં આવી ત્યારે તેઓ પણ વિદેશના ઉત્સુક પ્રવાસીઓને બોલાવીને ખાનગી ધોરણે કાર્યક્રમો કરતા. જે વિસ્તારમાં સૈન્યની કે સરકારની પરવાનગી લેવી ન પડે તેવા ખાવડા જતાં રસ્તામાં આવતા સફેદ રણમાં કાર્યક્રમો શરૃ કરાયા હતા. વિદેશીઓને કચ્છી ખાણુ અને કચ્છી સંગીતની રસલ્હાણ પણ પીરસાતી. ત્યાર પછી રણોત્સવનું આયોજન સરકારી રાહે સરહદ ઉત્સવ તરીકે કરવાનું શરૃ થયું. થોડા સમય પછી તેનું નામ રણોત્સવ થયું. ‘કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા’વાળી અમિતાભ બચ્ચનની જાહેરાતથી સફેદ રણને વ્યાપક પ્રસિદ્ધિ મળી.

જોકે આજે જ્યાં રણોત્સવ યોજાય છે તે ધોરડો વિસ્તારમાં આજથી ૧૦-૧૨ વર્ષ પહેલાં કશું જ ન હતું. નાનાં-નાનાં ગામડાં, ગરીબ લોકો. આ સરહદી વિસ્તારમાં મુખ્યત્વે મુસ્લિમ લોકોની વસતી હતી. તેમાં પણ ધોરડો ગામમાં ૯૦ ટકા મુસ્લિમો અને ૧૦ ટકા જ હિન્દુ પ્રજા રહેતી હતી. લોકો આકાશી મહેર આધારિત આછી પાતળી ખેતી કરીને પશુપાલન કરતા હતા, પરંતુ આ લોકો હતા કલાકારો. તેઓ પેઢીઓ જૂની હસ્તકલા- ભરતકામ, ઊનનું કામ (નામદાકળા), ચર્મકળા સાચવીને બેઠા હતા અને વર્ષો પહેલાં પણ તેના માટે વિખ્યાત હતા.

ધોરડો ગામની પાસે જ કચ્છનું સફેદ રણ આવેલું છે. ચોમાસા દરમિયાન રણ વિસ્તારમાં દરિયાના પાણીનો ભરાવો થાય છે અને શિયાળો બેસતા સુધીમાં પાણી સુકાઈ જાય છે અને જતાં જતાં રણની જમીન પર સફેદ હીરા જેવા મીઠાના સ્ફટિકો મૂકતું જાય છે. કિલોમીટરો સુધી માત્ર સફેદ ચાદર પથરાયેલી જોવા મળે છે. અત્યાધિક ક્ષારવાળી આ જમીનમાં કશું ઊગતું પણ નથી. આથી જ ચાંદની રાતે ચંદ્રમાની સપાટી જેવો સુંદર લાગતો આ વિસ્તાર સદીઓ સુધી ઉપેક્ષિત રહ્યો હતો. તેનો વિકાસ થાય, લોકોની કલાકારીગરીને પૂરતું ઉત્તજન મળે અને લોકોનું આર્થિક સ્તર પણ ઊંચું આવે તે હેતુથી રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા સફેદ રણની તદ્દન વેરાન જમીન પર શરૃ કરાયેલા રણોત્સવના પરિણામે લોકોના જીવનમાં ચમત્કારિક બદલાવ આવ્યો. વિકાસનાં ફળ ચાખવા મળ્યાં. રણોત્સવ દરમિયાન થતાં

સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સ્થાનિક કલાકારોને યોગ્ય પ્લેટફોર્મ મળતું, કચ્છની વિવિધ હસ્તકલાના કારીગરોને પોતાની કલા બતાવવાની અને તે વેચવાની તક મળતી, સ્થાનિક યુવાનોને ગાઇડ તરીકેનું કામ મળતું તેમ જ રણોત્સવ દરમિયાન જે પેકેજ ટૂર લઈ જવાતી ત્યાં પણ કારીગરો, સ્થાનિક લોકોને રોજગારી મળી રહેતી. આમ સીધી અને આડકતરી રીતે અનેક લોકોને રોજગારી મળતી.

૨૦૧૩થી રણોત્સવનું સંચાલન લલ્લુજી એન્ડ સન્સ નામની ખાનગી પેઢીને સોંપાયું ત્યારથી કચ્છના આર્થિક વિકાસ માટે શરૃ થયેલા રણોત્સવમાં કચ્છીઓની ભાગીદારી ઘટી ગઈ. સ્થાનિક લોકોના બદલે કચ્છ બહારના લોકોની સહભાગીતા વધી. જોકે ગુજરાત પ્રવાસન નિગમ અને લલ્લુજી એન્ડ સન્સના જવાબદારો આ વાતને ખોટી ગણાવે છે, તે વાત અલગ છે.

Related Posts
1 of 319

ભુજના ભાવેશ ગોરી પહેલા ગાઇડનું કામ કરતા હતા, પરંતુ રણોત્સવ ખાનગી પેઢીને સોંપાતા કામ મળવાનું ઘટી જતાં ગાઇડનું કામ છોડીને બીજું કામ સ્વીકારવું પડ્યું. તે કહે છે, ‘૧૯૯૫ની આસપાસ ખાનગી ધોરણે વિદેશીઓને નિમંત્રિત કર્યા પછી સરકાર દ્વારા સાત રાત રોકાવાનો કાર્યક્રમ શરૃ કરાયો હતો. ત્યાર પછી ધીમે-ધીમે રણોત્સવનો સમય વધવા લાગ્યો છે. હવે તો તે લગભગ ચાર મહિના ચાલે છે. સરકારના આયોજન સમયે પુષ્કળ નફો તો થતો જ પરંતુ સાથે-સાથે પ્રવાસીઓને સાચો આનંદ પણ મળતો, પરંતુ જ્યારથી ખાનગીકરણ થયું છે ત્યારથી નાની મોટી વસ્તુઓ પણ કચ્છ બહારથી આવવા લાગી અને રોજગારીની તકો પણ બહારની વ્યક્તિઓને મળવા લાગી. ગાઇડ તરીકે પણ બહારના વ્યક્તિઓને લાવવાનું શરૃ કરાયું અને જૂના ગાઇડોને તે મેળવતા હતા તેથી તદ્દન ઓછું, લગભગ ૧૦ ટકા જેટલું જ વેતન આપવાનું નક્કી કરાયું. આથી જૂના ગાઇડોએ આ કામ મુકી દીધું. જો આ રણોત્સવમાં કચ્છીઓને તક મળે તેવું આયોજન ગોઠવાય તો જ કચ્છને ફાયદો થાય તેમ છે, નહીં તો મારા જેવા અનેક કચ્છીઓ રણોત્સવથી વિમુખ થશે.’

અન્ય ગાઇડ સાજીદ વજીર પણ ભાવેશની વાતનું સમર્થન કરતાં કહે છે, ‘પહેલા ટૂરિસ્ટોને ઓછા પૈસામાં વધુ સગવડો મળતી હતી જ્યારે અત્યારે વધુ પૈસા ખર્ચવા છતાં તેમને સંતોષ થાય તેવી જગ્યાઓ પર ફેરવાતા નથી કે નથી તેમની બધી સગવડો સચવાતી. ગાઇડને ખૂબ ઓછા પૈસા મળતા હોવાના કારણે અનેકોએ પોતાનું કામ છોડી દીધું છે. બહારના લોકોને ગાઇડ તરીકેની ટ્રેનિંગ તો અપાય છે, પરંતુ તેમને કચ્છ અંગેની વિશેષ કોઈ માહિતી હોતી નથી.’

મોતીકામની ડેકોરેશનની વસ્તુઓ બનાવતા અને રણોત્સવમાં પોતાનો સ્ટોલ રાખતાં વનીતા ખત્રી નામના કારીગર કહે છે, ‘શરૃઆતના દિવસોમાં તદ્દન નિઃશુલ્ક સ્ટોલ રણોત્સવ પૂરો થાય ત્યાં સુધી મળતા તો કારીગરોને આકર્ષવા માટે સામેથી પૈસા અપાયા હોવાના પણ દાખલા છે, પરંતુ હવે તો સ્ટોલ માટે મસમોટું ભાડું ખર્ચવું પડે છે. ચાર મહિના માટે ૧૫થી ૨૫ હજારનું ભાડું ભરવું પડે છે. તેમાં પણ અમુક વખતે બહારના કારીગરો હસ્તકલાના નામે મશીનવર્ક અને તે પણ સસ્તા ભાવે વેચતા હોવાથી ભાડું ખૂબ જ મોંઘું પડે છે. જ્યારે રણોત્સવની બહાર રાજ્ય સરકારના સ્ટોલ કારીગરોને ૧૨ કે ૧૫ દિવસના વારા પ્રમાણે અપાય છે. ડ્રોથી નામની પસંદગી કરીને સ્ટોલ ભાડે આપવામાં આવે છે. ઉપરાંત અહીં સ્ટોલ મર્યાદિત સંખ્યામાં હોવાથી પ્રવાસીઓ માટે પસંદગીની તકો ખૂબ ઓછી રહે છે.’

જાણકાર વર્તુળોના જણાવ્યા પ્રમાણે હસ્તકલાના સ્ટોલ પર કચ્છી બનાવટની ઓરિજિનલ વસ્તુઓ ઓછી હોય છે. અહીં બેસનારા અમુક કારીગરો તો ભુજની બજારના હોલસેલર પાસેથી વસ્તુઓ ખરીદીને વેચે છે. તેથી આખરે ફાયદો તો હોલસેલરને જ થાય છે. એક્સપ્લોર કચ્છ એક્સપિરિયન્સ કચ્છ નામની સંસ્થા સાથે જોડાયેલા કેતન ગોસ્વામીએ તો ગત વર્ષે કલેક્ટરને રજૂઆત કરી હતી કે, હેન્ડવર્કના નામે મશીનવર્ક વેચે તેને રણોત્સવના કે સરકારના સ્ટોલ ફાળવવા ન જોઈએ. રજૂઆતને વર્ષ વીતવા છતાં આ બાબત કોઈ જ પગલાં લેવાયાં ન હોવાનો તેઓ ખેદ વ્યક્ત કરે છે.

ભુજોડીના ભરતકામના કારીગર અને અન્ય કારીગરોની વસ્તુઓ વેચનારા માનસી સોની સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ‘હું ટેન્ટસિટીમાં સ્ટોલ રાખતી હતી, પરંતુ તગડા ભાડાના કારણે આ વખતે મેં રાખ્યો નથી. પ્રવાસનને પ્રોત્સાહન આપવાની વાતો થાય છે, પરંતુ કચ્છની જગ્યા માટે કચ્છી કારીગરોએ જ હજારો રૃપિયાનું ભાડું ચૂકવવું પડે છે. હકીકતે તો જે કારીગરો પાસે આર્ટિસન્ કાર્ડ હોય તેમને સ્ટોલ આપવા જ જોઈએ. તો જ મૂળ કચ્છની કલાનાં દર્શન રણોત્સવની મુલાકાતે આવનારા પ્રવાસીઓને થશે.’

ગુજરાત ટૂરિઝમના કોમર્શિયલ મેનેજર નીરવ મુન્શી આ વાતોને નકારે છે. તેમના જણાવ્યા પ્રમાણે, ‘પહેલા પેકેજ ટૂર થતી તેથી ગાઇડની જરૃરત રહેતી, પરંતુ હવે મોટી ટૂર થતી નથી તેના કારણે ગાઇડની જરૃરત ઓછી પડે છે. ઉપરાંત જ્યાં વ્યક્તિગત ટૂર જાય છે તે જગ્યાઓ જેવી કે માંડવી, ખાવડામાં હસ્તકલાની વસ્તુઓનું, ખાદ્યપદાર્થોનું વેચાણ વધ્યું છે અને તેના કારણે સ્થાનિક લોકોની આવક વધી છે. ઉપરાંત હસ્તકલાના મોટા ભાગના કારીગરો કચ્છના જ હોય છે.

‘ભવિષ્યમાં સરકાર ફરીવખત રણોત્સવનું સંચાલન કરે તેવી કોઈ યોજના નથી.’ તેમ જણાવી તેઓ ઉમેરે છે, ‘સરકાર સર્વિસ ઇન્ડસ્ટ્રીઝમાં લાંબો સમય કામ કરતી નથી. એક વખત સફળ શરૃઆત થયા પછી તેનું સંચાલન ખાનગી પેઢીને સોંપે છે.’

આવી જ વાત કરતાં રણોત્સવનું સંચાલન સંભાળતી પેઢી લલ્લુજી એન્ડ સન્સના ભાગીદાર નિખિલ અગ્રવાલ જણાવે છે કે, ‘ગાઇડ કે ડ્રાઇવર કે હસ્તકલાના કારીગર તરીકે અમે સ્થાનિક લોકોને જ પ્રાધાન્ય આપ્યું છે. સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ સ્થાનિકોને જ લેવાય છે. રણોત્સવમાં જેટલી સીધી રોજગારી લોકોને મળે છે તેના કરતાં અનેક ગણી આડકતરી રોજગારીનું સર્જન અમે કર્યું છે. ઉપરાંત કચ્છના પ્રવાસનનો પાયો જ રણોત્સવ છે. તેથી સંપૂર્ણ કચ્છમાં આડકતરી રોજગારીનું સર્જન તો રણોત્સવને કારણે જ થયું છે. તેમ જ ટેન્ટના ભાડા પણ ઘટ્યા છે. જોકે જી.એસ.ટી.માં બમણાથી વધુનો વધારો થયો છે. જ્યારે હસ્તકલાના સ્ટોલ માટે તો કલાકારો ૪ મહિના સુધી જવાબદારીથી રણોત્સવમાં રહે તે હેતુથી જ ભાડા લેવામાં આવે છે.’

આમ સરકાર, ખાનગી પેઢીનું મંતવ્ય અને કચ્છના સ્થાનિક લોકોનાં મંતવ્ય તદ્દન વિરોધાભાસી ચિત્ર ઊભું કરે છે, પરંતુ સામાન્ય કચ્છી લોકોને તો પ્રવાસન થકી તેમની રોજગારીમાં અને સુખાકારીમાં વધારો થાય તેવી જ ઇચ્છા છે. જ્યારે પ્રવાસીઓ પોતાને ખર્ચેલા પૈસા પૂરેપૂરા વસૂલ થાય અને પૂરો સંતોષ મળે તેવું ઇચ્છે છે.
—————

Leave A Reply

Your email address will not be published.

Translate »