તમારા માટે, તમારી સાથે, સતત…

ડિઝાઇનર બેબી: આયુર્વેદ શું કહે છે?

આયુર્વેદ કહે છે કે, આ સરળ પદ્ધતિઓ અપનાવીને અને નિયમ, પ્રતિબંધો અને ચોક્કસ ઉપાયને અનુસરીને તમે દીર્ઘાયુ સાથેના ઇચ્છિત, તંદુરસ્ત, બુદ્ધિશાળી, સુંદર સંતાન મેળવી શકો છો.

0 556
  • કવર સ્ટોરી – હિંમત કાતરિયા

દીર્ઘાયુ નીરોગી જીવન સાથેનું તંદુરસ્ત, બુદ્ધિશાળી, સુંદર સંતાન બધા ઇચ્છે છે. વિજ્ઞાન જેનું જનીન બંધારણનું ખોળિયું જિનેટિક ઇજનેરી દ્વારા કૃત્રિમ રીતે પસંદ કરવામાં આવે છે એવા ડિઝાઇનર બેબીબનાવવાની મથામણ કરી રહ્યું છે. આ જ વિષયને પૌરાણિક તબીબી વિજ્ઞાન આયુર્વેદ કઈ રીતે જુએ છે અને ઇચ્છિત ડિઝાઇનર બેબી મેળવવા માટે તેમાં કેવી પદ્ધતિઓ વર્ણવવામાં આવી છે તે જાણીએ.

૨૦૦૪માં ઑક્સફર્ડ ડિક્શનરીમાં ડિઝાઇનર બેબી શબ્દ દાખલ કરવામાં આવ્યો હતો અને તેનો અર્થવિસ્તાર છે ઃ ઇન વિટ્રો ફર્ટિલાઈઝેશન સાથેના જિનેટિક ઇજનેરી વિજ્ઞાન વડે વિશિષ્ટ જનીનોને આરોપિત કરાયેલું કે દૂર કરાયેલું બાળક.

ટૅકનોલોજીમાં ક્રાંતિ અને અતિ માનવનું સર્જન કરવાની ઝંખના નવી પેઢીના વૈજ્ઞાનિકોને ઇચ્છિત લક્ષણો સાથેના સુધારેલા જનીન સાથેના રોગ મુક્ત સંતાનો વિકસાવવા તરફ દોરી ગઈ છે ત્યારે જેમાં ઇન વિટ્રો સાથે મળીને જનીન વિજ્ઞાન દ્વારા જનીનની કૃત્રિમ પસંદગી વડે વિકસાવવામાં આવતું ‘ડિઝાઇનર બેબી’ સમૃદ્ધ પાશ્ચાત્ય દેશોમાં ઘણુ પ્રચલિત થયું છે. વિવિધ પદ્ધતિ દ્વારા અન્ય સસ્તન પ્રાણીઓમાં આ ક્ષેત્રે સફળ પરીક્ષણો વિજ્ઞાનને માનવમાં જૈવિક સુધારાની શક્યતાઓ તરફ દોરી રહ્યા છે.

કુલક્ષણા સંતાનો ઉત્તમ કુળમાં જન્મે તો પણ તે આખા પરિવારની પ્રતિષ્ઠાને નષ્ટ કરી દે છે. ડિઝાઇનર બેબી એટલે આયુર્વેદની દ્રષ્ટિએ ઇચ્છિત સંતાન પ્રાપ્તિ. પ્રમાણમાં ઊતરતા કુળની વ્યક્તિ પોતાનાથી ચડિયાતા કુળથી ચડિયાતા પુરવાર થવા માટે ડિઝાઇનર બેબીને શરણે ગઈ હોય એવા પૌરાણિક ગ્રંથોમાં અનેક ઉદાહરણો છે. સંતાનોત્પત્તિ માટે અક્ષમ પાંડુ રાજાની પત્ની કુંતિ અને માદ્રી દ્વારા નિયોગ દ્વારા વિશિષ્ટ લક્ષણા પાંચ પાંડવોની પ્રાપ્તિ, દ્રોણાચાર્ય સામે અપમાનનો બદલો લેવા તત્પર દ્રુપદ રાજા દ્વારા વિશિષ્ટ યજ્ઞમાંથી પેદા કરવામાં આવેલી દ્રૌપદી અને દ્રષ્ટદ્યુમ્ન તેમજ એક માંસના લોચામાંથી વિશિષ્ટ ક્રિયાઓ દ્વારા સો ટુકડા કરીને તેમાંથી પેદા કરવામાં આવેલા કૌરવો પૌરાણિક ડિઝાઇનર બેબી હતા. આયુર્વેદ ડિઝાઇનર બેબી માટે ચોક્કસ આહાર, વિહાર અને પરિચર્યા ઉપર ભાર મુકે છે.

આણંદની જી.જે. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક સ્ટડિઝ એન્ડ રિસર્ચના સ્ત્રી રોગ અને પ્રસૂતિ તંત્ર વિભાગના એસોસિયેટ પ્રોફેસર ડૉ. જાસ્મિન ગુજરાતી(એમએસ.આયુ.)  અને મૂળભૂત સિદ્ધાંત વિભાગના એસોસિયેટ પ્રોફેસર ડૉ. રિતેશ ગુજરાતી(એમડી. પીએચ.ડી.)એ ‘ડિઝાઇનર બેબીઝ ઃ કરન્ટ ટ્રેન્ડ એન્ડ આયુર્વેદ’ નામે એક શોધપત્ર પ્રગટ કર્યું છે.

ડૉ. જાસ્મિન ગુજરાતી કહે છે, ‘આયુર્વેદ ચોક્કસ આહાર, વિહાર અને પરિચર્યાનો સમાવેશ કરે છે. સંતાનની ઇચ્છિત રચના, શરીર, માનસ વગેરેને મેળવવા માટેની એકદમ ઝીણવટભરી પદ્ધતિઓ આયુર્વેદમાં વર્ણવવામાં આવી છે. આ માટે ગર્ભધારણ પહેલાં અને ગર્ભધારણ દરમિયાન શું કરવું અને શું ન કરવું તેની પદ્ધતિઓ આપી છે.’

આયુર્વેદ પ્રમાણે, ગર્ભાધારણ પહેલાં શોધન દ્વારા શ્રેષ્ઠ શુક્રાણુ અને સ્ત્રી-બીજ, શુદ્ધ ગર્ભાશય, ઋતુકલા અને ગર્ભિણી પરિચર્યા આમ તબક્કાવાર ક્રિયાઓ દ્વારા ચોક્કસ સમયે તંદુરસ્ત સંતાનની પ્રાપ્તિ કરવાની વિધિઓ છે. આયુર્વેદ માત્ર સંતાનની શારીરિક તંદુરસ્તી અને મજબૂતી ઉપર જ ભાર નથી મૂકતું, આ ઉપરાંત તે ઈમાનદારી, નિષ્ઠા, વફાદારી, દયા, મહેનત, હિંમત વગેરે ભાવનાત્મક અને માનસિક લક્ષણોની પણ દરકાર કરે છે.

Related Posts
1 of 262

ઉત્તમ સંતાનપ્રાપ્તિ માટે આયુર્વેદ ગ્રંથો કહે છે કેે, વ્યક્તિએ અલગ ગોત્ર (કુળ)ના યોગ્ય ઉંમરના રોગિષ્ઠ ન હોય તેવા જીવનસાથીને પસંદ કરવો, માસિક સ્ત્રાવ દરમિયાન તેમજ કોઈ પણ બીમારીની સ્થિતિમાં સંભોગ વર્જિત છે, ભૂખ્યા હોય ત્યારે કે પૂર્ણ આહાર પછી તરસ્યા હોય તેવી સ્થિતિમાં સંભોગ ટાળવો. આ સિવાયની પણ ઘણી વિપરીત સ્થિતિઓમાં સંભોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, માસિક સ્ત્રાવના પ્રથમ ત્રણ દિવસ બ્રહ્મચર્ય પાળવાની સલાહ આપવામાં આવી છે, કારણ કે આ દિવસોમાં ગર્ભધારણ રહે તો સંતાન ખોડખાંપણવાળું કે અલ્પાયુ જન્મવાની સંભાવનાઓ રહે છે. ઉત્તમ સંતાન ઇચ્છતા દંપતી માટે આયુર્વેદ કહે છે કે નિર્દિષ્ટ આહાર સાથે વમન, વિરેચન અને બસ્તી જેવી શુદ્ધીકરણની ક્રિયાઓ કર્યા બાદ જ દંપતીએ સંભોગની ક્રિયામાં ઊતરવું. ‘આયુર્વેદનો કાળ

પૈતૃક વ્યવસ્થાનો કાળ હતો તેથી તેમાં ઇચ્છિત સંતાન પ્રાપ્તિની મોટા ભાગની પદ્ધતિઓ પુત્ર પ્રાપ્તિના ઉપલક્ષમાં વર્ણવવામાં આવી છે,’ એમ ભિક્ષુ અખંડાનંદ આયુર્વેદ કૉલેજના ગાયનેકોલોજિસ્ટ મેડિકલ ઓફિસર વૈદ્ય પલ્લવીબહેન પરીખ કહે છે. વધુમાં તેમણે જણાવ્યું કે, પુત્રેષ્ઠિ યજ્ઞ કરવાનું પણ વિધાન છે. આખરે તો વિચારોથી બ્રહ્માંડ ઘડાયેલું છે તેથી આયુર્વેદ અહીં વિચારો ઉપર ઘણુ જોર આપે છે અને સંભોગ દરમિયાન સ્તોત્રનું સતત ઉચ્ચારણ કરવાનું કહે છે. ઋતુકલાનો શ્રેષ્ઠ સમય આયુર્વેદે માસિક સ્ત્રાવના ચોથા દિવસથી બારમા દિવસ સુધીનો કહ્યો છે. આ સમયગાળા દરમિયાન ગર્ભાધારણથી શિશુ ખોડખાંપણ વગરનું અને દીર્ઘાયુ જન્મે છે.

બાળકને આપવામાં આવતાં સોળ સંસ્કારો પૈકીનો બીજો સંસ્કાર ‘પુંસવન સંસ્કાર’ ગર્ભાવસ્થાનો બીજો મહિનો પુરો થયા બાદ કરવાનું આયુર્વેદ કહે છે. આ સંસ્કારને બે ઉદ્દેશ્ય સાથે જોડવામાં આવ્યો છે, પહેલો ઉદ્દેશ પુત્રપ્રાપ્તિ અને બીજો સ્વસ્થ, સુંદર અને ગુણવાન સંતાન પ્રાપ્તિ. સુશ્રુતસંહિતા, યજુર્વેદ વગેરે ગ્રંથોમાં પુસંવન સંસ્કારને પુત્ર પ્રાપ્તિ સાથે જોડવામાં આવ્યો છે. આ સંસ્કારથી ગર્ભસ્થ શિશુની રક્ષા પણ થાય છે અને તે સંસ્કારિત પણ થાય છે. આ સંસ્કારમાં એક વિશેષ ઔષધિને ગર્ભવતી સ્ત્રીના નાક દ્વારા અંદર પહોંચાડવામાં આવે છે. વિશેષ પૂજા અને મંત્રોથી પણ આ સંસ્કાર કરવામાં આવે છે. કહેવાય છે કે ગર્ભમાં ત્રણ મહિના સુધી બાળકની જાતિ નક્કી નથી હોતી.

આ સંસ્કારથી લિંગને બદલી પણ શકાય છે. આ સંસ્કારમાં સતત ૯ દિવસ અને ૯ રાત્રિ સુધી સ્ત્રીએ એક વિશેષ મંત્રનું રટણ કરવાનું હોય છે. આયુર્વેદમાં સંતાનના કાળા કે ઊજળા વાન માટે ચોક્કસ ઉપાયો સૂચવવામાં આવ્યા છે.

અન્ય એક મહત્ત્વનો સંસ્કાર છે, નિષ્ક્રમણ સંસ્કાર. જન્મના ચોથા મહિને કરવામાં આવતા આ સંસ્કારમાં શિશુને સૂર્ય અને ચંદ્રની જ્યોતિ દેખાડવાનું વિધાન છે. કેમકે ત્રણ મહિના સુધી બાળકનું શરીર બહારના વાતાવરણ તેમજ ભારે તડકો, ભારે હવા વગેરેને અનુકૂળ નથી હોતું. ભગવાન સૂર્યનું તેજ અને ચંદ્રની શીતળતાથી બાળકને અવગત કરાવવાનો તેનો ઉદ્દેશ છે. આ સંસ્કારથી સંતાનને તેજસ્વી અને વિનમ્ર બનાવવાની પરિકલ્પના કરવામાં આવી હશે.

સંતાનની માનસિકતા માતાપિતાની માનસિકતા સાથે સંબંધ ધરાવે છે. આહાર, વિહાર અને લાગણીઓની સંતાનના વ્યક્તિત્વ ઉપર અસર પડે છે. ગર્ભાવસ્થા દરમિયાન ઇચ્છિત સંતાન માટે સ્ત્રીએ શ્રદ્ધા, શ્રવણ વગેરેને દૃઢ કરવા. ગર્ભિણી પરિચર્યામાં આપેલા નિયમોનું તે પ્રમાણે પાલન કરવું. સગર્ભાવસ્થા દરમિયાન દોહદની પૂર્તિ થવી જોઈએ. આ સંસ્કાર ગર્ભવતીની ઇચ્છા પૂર્તિ સાથે જોડાયેલા છે. યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ પ્રમાણે, ગર્ભિણી સ્ત્રીના આ આચરણની પૂર્તિ ન થાય અને ગર્ભાવસ્થા દરમિયાન જે વસ્તુઓની ઇચ્છા થાય તે ન આપવામાં આવે તો ગર્ભવિકૃતિ, મરણ અને અન્ય દોષો લાગે છે. સુશ્રુતમાં દોહદને આમ વર્ણવવામાં આવ્યું છે ઃ ગર્ભની ચોથા મહિનાથી અંગ પ્રત્યંગ અને ચૈતન્ય શક્તિનો વિકાસ થાય છે અને ચેતનાનું આધારરૃપ હૃદય પણ આ મહિને જ ઉત્પન્ન થાય છે. આ સમયે ઇન્દ્રિયોને કોઈક ને કોઈક વિષય ભોગની ઇચ્છા થાય છે, તેની ઇચ્છાપૂર્તિ કરવી. આ સમયે સ્ત્રીનો દેહ બે હૃદયવાળો એટલે કે એક પોતાનું અને બીજું ગર્ભસ્થ સંતાનવાળો બને છે. આ સમયે સગર્ભાની ઇચ્છા પૂરી કરવામાં ન આવે તો સંતાન કદરૃપું, કાણુ, ખોડું, જડ, ઠીંગણુ, વિકૃત અથવા અંધ થાય છે અને બંનેની ગર્ભપીડા પણ વધી જાય છે. આ સમયમાં ગર્ભિણીની જે ઇન્દ્રિયની અભિલાષા પૂરી નથી થતી, ભાવિ સંતાનને પણ તેના જીવનમાં એ ઇન્દ્રિયની પીડા ઉત્પન્ન થાય છે. ગર્ભિણીને રાજ દર્શનની ઇચ્છા થાય તો સંતાન સુંદર અને અલંકારપ્રિય જન્મે છે, આશ્રયદર્શનની ઇચ્છા થાય તો ધર્મશીલ અને સંયમાત્મા જન્મે છે, દેવપ્રતિમાદર્શનની ઇચ્છા થાય તો સંતાન દેવતુલ્ય જન્મે છે, સર્પ જેવા જંતુ જોવાની ઇચ્છા થાય તો સંતાન હિંસક થાય છે.

આયુર્વેદ કહે છે કે, આ સરળ પદ્ધતિઓ અપનાવીને અને નિયમ, પ્રતિબંધો અને ચોક્કસ ઉપાયને અનુસરીને તમે દીર્ઘાયુ સાથેના ઇચ્છિત, તંદુરસ્ત, બુદ્ધિશાળી, સુંદર સંતાન મેળવી શકો છો. ડૉ. જાસ્મિન ગુજરાતી કહે છે, ‘આજે ૨૧મી સદીમાં આધુનિક વિશ્વ આઇ.વી.એફ. (વિટ્રો ફર્ટિલાઇઝેશન-ટેસ્ટ ટ્યૂબ બેબી) જેવી કૃત્રિમ તકનીકો અને જનીનને પસંદ કરીને અને બદલીને સંતાનમાં ઇચ્છિત ગુણો લાવવાની પ્રિઇમ્પ્લાન્ટેશન જિનેટિક ડાયગ્નોસિસ (પીજીડી) જેવી અન્ય ક્રાંતિકારી નિદાન પદ્ધતિ થકી “ડિઝાઇનર બેબી”માં ભારે રસ દાખવી રહી છે.

‘જોકે આ તકનીક ઘણી ખર્ચાળ છે અને માત્ર સમૃદ્ધ અને ઉચ્ચ વર્ગને જ તે પરવડી શકે છે. આ ઉપરાંત ‘ડિઝાઇનર બેબી’ની લાંબા ગાળાની આડઅસરો વિશે હજુ આપણે અજાણ છીએ. ત્યારે આયુર્વેદ ઇચ્છિત સંતાન પ્રાપ્તિ માટેની કુદરતી, વૈજ્ઞાનિક અને સરળ પદ્ધતિઓ આપે છે.’ ડિઝાઇનર બેબીના આયુર્વેદ સાથેના અનુસંધાન માટે ડૉ. ગુજરાતી દંપતીએ અષ્ટાંગ હૃદયમ્, ચરક સંહિતા, સુશ્રુત સંહિતા, શરીરસ્થાના સહિતના આયુર્વેદના અનેક ગ્રંથો અને લેખોનો સહારો લીધો છે.

ઘણા વૈદ્યો દ્વારા ‘ગર્ભ સંસ્કાર’નાં નામ હેઠળ આ પદ્ધતિઓ અપનાવવામાં આવી રહી છે અને તે વિદેશોમાં પણ લોકપ્રિય થઈ રહી છે. તેમ છતાં, આ પદ્ધતિઓની અસરનું વૈજ્ઞાનિક મૂલ્યાંકન કરવાનું હજુ બાકી છે અને વર્તમાન યુગની આવશ્યકતા પ્રમાણે તેને સરળતાથી લાગુ પાડી શકાય તે પ્રકારે તેમાં સુધારા વધારા પણ ઇચ્છનીય છે. ‘ડિઝાઇનર બેબી’ના અનુસંધાને આયુર્વેદ એક લાંબાગાળાના આયોજનને રજૂ કરે છે જ્યારે આજની ઝડપી દુનિયામાં આયુર્વેદ કહે છે તે પ્રમાણેની ધીરજ અને વિશ્વાસ ખૂટે છે. તે ક્યાંથી લાવીશું? તો જાવ ડિઝાઇનર બેબીના શરણે, એ સિવાયનો કોઈ જવાબ અહીં સૂઝતો નથી.
————————–

Leave A Reply

Your email address will not be published.

Translate »