તમારા માટે, તમારી સાથે, સતત…

અમદાવાદ કે કર્ણાવતી? …જાણો જનતાનો મૂડ

શહેરનું નામ બદલાવાથી સામાન્ય નાગરિકોને કોઈ દેખીતો ફાયદો થાય તેમ લાગતું નથી.

0 177
  • ઓપિનિયન – નરેશ મકવાણા

ઉત્તર પ્રદેશથી શરૃ થયેલો શહેરોનાં નામો બદલવાનો સિલસિલો હવે ગુજરાતનાં આર્થિક પાટનગર અને વિશ્વનાં પ્રથમ હેરિટેજ સિટી એવા અમદાવાદ સુધી પહોંચ્યો છે ત્યારે આખા મામલે સ્થાનિકો શું મત ધરાવે છે તે જાણવું જરૃરી બન્યું છે.

અલાહાબાદ પ્રયાગરાજ થયું, ફૈઝાબાદ અયોધ્યા બન્યું અને એ જ તર્જ પર હવે છેક ૧૧મી સદીમાં અસ્તિત્વમાં આવેલા આશા ભીલ અને અહમદશાહ બાદશાહના અમદાવાદને ‘કર્ણાવતી’ જાહેર કરવાની વાતો ચાલી છે. ઐતિહાસિક ભદ્રકાળી માતાના મંદિરમાં નવા વર્ષે દર્શને આવેલા મુખ્યમંત્રી વિજય રૃપાણીએ કહ્યું કે, રાજ્ય સરકાર શહેરનું વર્તમાન નામ અમદાવાદ ૨૦૧૯ની ચૂંટણી પહેલાં બદલીને ‘કર્ણાવતી’ કરવા ધારે છે. આ પરિસ્થિતિ વચ્ચે અમદાવાદીઓ સમગ્ર મામલે શું અભિપ્રાય ધરાવે છે તે જાણવું રહ્યું.

Related Posts
1 of 319

છેલ્લા એક દાયકા કરતાં વધુ સમયથી અબોલ જીવો માટે કામ કરતાં જીવદયાપ્રેમી નિકુંજભાઈ જૈન કહે છે, ‘નામ બદલવાથી જો શહેર કે રાજકારણીઓની દાનતમાં સુધારો આવતો હોય તો કોઈ વાંધો નથી. બાકી આ પ્રકારે શહેરનું નામ બદલાવાથી સામાન્ય નાગરિકોને કોઈ દેખીતો ફાયદો થાય તેમ લાગતું નથી. વળી, સરકાર જો શહેરનો પૌરાણિક વારસો જીવંત કરવા માંગતી હોય તો કર્ણાવતી કરતાં આશાવલ નામ વધુ યોગ્ય ઠરે છે. જ્યારે પણ ચૂંટણીનો સમય નજીક આવે છે ત્યારે ભાજપ દ્વારા આ પ્રકારનાં ગતકડાં કરવામાં આવતાં હોય છે. તેમને એવું લાગે છે કે, અમદાવાદનું નામ બદલી દેવાથી આગામી લોકસભાની ચૂંટણીમાં પણ જીત મળશે. પણ તેઓ ભૂલી જાય છે કે અમદાવાદ એ ગુજરાત નથી. રાજ્યના અન્ય વિસ્તારોમાં લોકો આ બાબતને જાણતાં પણ નથી. એટલે મને લાગે છે શહેરનું નામ બદલવા કરતાં સરકારે રોડ, રસ્તા, વીજળી, પાણી, શૌચાલય, આરોગ્ય જેવા નાગરિકોને સ્પર્શતા મુદ્દાઓ પર ધ્યાન આપવું જોઈએ.’

અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીનાં પત્રકારત્વ વિભાગની વિદ્યાર્થિની ભ્રાંતિ ઠાકરનું કહેવું છે કે, ‘અમદાવાદનું નામ ન બદલવું જોઈએ. કેમ કે, એવું થાય તો પાનકાર્ડ, આધારકાર્ડ, પાસપોર્ટ સહિતના નાગરિકોના મહત્ત્વના દસ્તાવેજોમાં ફેરફાર કરવા પડે. જેમાં પુષ્કળ સમય બગડે. બીજું કે વિદેશોમાં શહેરની ઓળખ અમદાવાદ તરીકેની જ છે. એટલે જો તેનું કર્ણાવતી કરવામાં આવે તો શક્ય છે મુલાકાતીઓની સંખ્યા ઘટે. હવે જ્યારે વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો આપણને મળેલો છે ત્યારે આ પ્રકારે નામ બદલવું પ્રવાસન ક્ષેત્રે પણ ધક્કો પહોંચાડે તેમ છે. વળી, અમારા મનમાં તો અમદાવાદ નામ જ વસેલું છે.’ અહીં ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં શહેરના ૧૮ મેયરો અને રાજ્યના ૫ાંચ મુખ્યમંત્રીઓ અમદાવાદનું નામ કર્ણાવતી કરવાનાં વચનો આપી ચૂક્યા છે. નવાઈની વાત એ છે કે નિર્જરના ધારાસભ્ય સુનિલ ગામિતે ૩૧ માર્ચ, ૨૦૧૮ના રોજ ગુજરાત વિધાનસભામાં જ્યારે આ મામલે પ્રશ્ન પૂછ્યો ત્યારે રાજ્ય સરકારે સ્પષ્ટ જણાવ્યું હતું કે તેમણે કેન્દ્ર સરકારને આ મામલે કોઈ દરખાસ્ત હજુ સુધી મોકલી નથી. છતાં અચાનક આખો મામલો ઊંચકાઈ ગયો છે અને લોકો બે મતોમાં વહેંચાઈ ગયા છે.

શિવસેનાના મધ્ય ગુજરાતના પ્રમુખ અશોકભાઈ શર્માનું કહેવું છે કે, ‘છેલ્લાં ૩૫ વર્ષથી ભાજપ લોકોને આશ્વાસન આપે છે ત્યારે હવે તેમણે તેનો અમલ કરી દેવો જોઈએ. છેલ્લા ત્રણેય મેયરોને અમે આવેદનપત્ર આપ્યું હતું, પણ કોઈએ અમદાવાદનું નામ કર્ણાવતી કરવા મામલે હરફ સુદ્ધાં ઉચ્ચાર્યો નહોતો. હવે જ્યારે ઉત્તર પ્રદેશ સરકારે મનફાવે તે શહેરોનાં નામ બદલવા માંડ્યાં છે ત્યારે ગુજરાત સરકાર પર દબાણ વધ્યું છે અને આખો મામલો જાહેરમાં આવ્યો છે. બાકી પૂર્વ મેયર ગૌતમભાઈ શાહે તો અમદાવાદનું નામ નહીં જ બદલાય તેવું કહ્યું હતું.’ વિશ્વ હિન્દુ પરિષદ અમદાવાદના પશ્ચિમ વિભાગના પ્રમુખ નિપુણભાઈ ભટ્ટ કહે છે, ‘અમદાવાદનું નામ કર્ણાવતી સો ટકા થવું જ જોઈએ. કેમ કે અમદાવાદ નામ ગુલામીનું પ્રતીક છે. સદીઓ પહેલાં અહમદશાહ બાદશાહે આપણા પર કરેલા રાજની આ નિશાની છે માટે તેને વહેલી તકે બદલવું રહ્યું.કર્ણાવતી નામ ભારતીય સંસ્કૃતિ પ્રમાણેનું છે. રહી વાત નામ બદલ્યા બાદ દસ્તાવેજોમાં સુધારાની, તો મને લાગે છે સરકારે તેના વિશે જરૃર કશુંક વિચાર્યું હશે. અગાઉ મદ્રાસનું ચેન્નાઈ, બોમ્બેનું મુંબઈ થયું એ વખતે પણ આ સમસ્યા નડી હશે, પણ બધું સમુંસૂતરું પાર પડ્યું એ જોતાં મને નથી લાગતું કે પેપર પ્રક્રિયા મામલે કોઈ સમસ્યા નડે.’

ટૂંકમાં, ‘અમદાવાદ’નું નામ ‘કર્ણાવતી’ થાય ત્યારે ખરું, પણ હાલ તો શહેરીજનો બે ભાગમાં વહેંચાઈ ગયા છે તે હકીકત છે.
—————————–.

Leave A Reply

Your email address will not be published.

Translate »