રિઝર્વ બેંક અને સરકાર વચ્ચેના સંઘર્ષનો અંજામ શું આવશે?
રઘુરામ રાજન કેન્દ્ર સરકારને વશ થતા ન હતા તો એમને જતા રહેવાની નોબત આવી.
- અર્થ અને તંત્ર – વિનોદ પંડ્યા
દેશની અર્થ અને નાણા વ્યવસ્થા એક નાજુક દોરમાંથી પસાર થઈ રહી છે. એટલા જ નાજુક તબક્કામાં ભારત સરકારના વિત્ત મંત્રાલય અને રિઝર્વ બેંક વચ્ચેના સંબંધો મુકાઈ ગયા છે. સવા વરસ અગાઉ શરૃ થયેલો ખટરાગ કજિયાનું રૃપ ધારણ કરીને હમણા જાહેરમાં આવી ગયો. વિદેશી મીડિયા ચેતવણી આપે છે કે ભારતની આ કટોકટીને યોગ્ય રીતે હેન્ડલ કરવામાં નહીં આવે તો ર૦૦૮માં અમેરિકામાં જે કટોકટી પેદા થઈ હતી તેવી નાણાકીય કટોકટી ભારતમાં ઊભી થઈ શકે છે. રિઝર્વ બેંકનું કહેવું છે કે સાડા નવ લાખ કરોડ રૃપિયાની પહાડ જેવડી નોન-પરફોર્મિંગ એસેટ્સ (એનપીએ અર્થાત્ ઉદ્યોગો દ્વારા બેંકોને પરત નહીં ચૂકવાયેલી લોન)ના બોજ તળે દબાયેલી સરકારી બેંકોને હવે મરજીમાં આવે તે મુજબ લોન આપવાની છૂટ આપી શકાય તેમ નથી. નીરવ મોદી કે વિજય માલ્યા જેવો એક વધુ અકસ્માત નડી જાય તો અર્થ વ્યવસ્થા ચોપટ થઈ જાય તેમ છે.
બીજી તરફ સરકાર પાસે નાણા નથી. આર્થિક ખાધનું પ્રમાણ ઊંચે જઈ રહ્યું છે. હમણા જગજાહેર થયું કે મધ્યમ અને નાના કદના ઉદ્યોગોને હમણા સુધી માતબર રકમનું ધિરાણ કરતી આવી છે તે નોન-બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ પાસે નાણા નથી તો ઉદ્યોગોને કેવી રીતે ધીરશે! સરકારી બેંકો જૂની લોનની દેણદાર ચુકવણી કરી શકે તે માટે તેને નવી લોન (રિસ્ટ્રક્ચરિંગ) આપી શકતી નથી. સંસદની ચૂંટણીઓ નજીક છે ત્યારે પૈસાના અભાવે વિકાસ સાવ ઠપ થઈ જાય તે કેમ ચાલે? ભાજપના સ્વદેશી અર્થશાસ્ત્રી એસ. ગુુરુમૂર્તિ અગાઉ પોતાનું ધાર્યું કરાવવામાં સફળ થયા હતા. સુબ્રમણ્યમ સ્વામીને ચાવી ભરાવીને ગવર્નર રઘુરામ રાજનને અમેરિકા પાછા મોકલી દેવામાં ગુરુમૂર્તિની મુખ્ય ભૂમિકા હતી. હમણા ડૉલર સામે રૃપિયો ખૂબ નબળો પડ્યો અને વિપક્ષોને સરકારની ધોલાઈ કરવાની તક મળી.
પરિણામે રિઝર્વ બેંક પ્રત્યેના સરકારી ગુસ્સામાં પણ ખૂબ વધારો થયો છે. માત્ર હું જ ડાહ્યો એવું માનનારા વિત્ત મંત્રી અરુણ જેટલીએ કંઈ પણ નાણાકીય તંગદિલી પેદા થઈ તો તે માટે વગર કારણે રિઝર્વ બેંક પર જ દોષનો ટોપલો ઢોળ્યો. હવે રિઝર્વ બેંક કસૂરવાર ડિફોલ્ટર કંપનીઓને ફરીવાર લોન આપવા માગતી નથી, પણ જેટલીનું નાણા મંત્રાલય વીજળી ઉત્પાદક અને ઇન્ફ્રાસ્ટ્રકચરના બાંધકામમાં રોકાયેલી કંપનીઓને ડિફોલ્ટ થઈ હોય તો પણ નિયમોમાં ઢીલ મૂકી લોન અપાવવા માગે છે. સરકાર પાસે નાણા નથી તો રિઝર્વ બેંકના વરસોથી એકઠા થયેલા ત્રણ લાખ ૬૦ હજાર કરોડ રૃપિયાના ભંડોળ પર સરકારનો ડોળો મંડાયો છે. રિઝર્વ બેંક તે માટે પણ તૈયાર નથી. અંટસ વધી પડી છે અને ક્યાંક બંનેના હાકેમો વચ્ચે ઈગોની સમસ્યા પણ છે. રિઝર્વ બેંક હવે કોઈ નિયમોને ચાતરવા તૈયાર નથી. સરકાર દ્વારા હસ્તક્ષેપની કોશિશો થઈ તો રિઝર્વ બેંકના ગવર્નર અને ડેપ્યુટી ગવર્નરો એક બનીને સરકાર સામે ઊભા રહી ગયા. ધસ ફાર એન્ડ નો મૉર !
ઉદ્યોગોમાં તેજી આવે તે માટે વ્યાજનો દર ઘટાડવાની બાબત હોય કે પછી એનપીએ બાબતમાં ઢીલું વલણ અપનાવવાની વાત હોય, રઘુરામ રાજન કેન્દ્ર સરકારને વશ થતા ન હતા તો એમને જતા રહેવાની નોબત આવી. વ્યાજના દર ઘટાડવામાં અને નોટબંધી લાગુ પાડવામાં નવા ગવર્નર ઉર્જિત પટેલે એક હદ સુધી સહકાર આપ્યો, પણ નોટબંધીનાં નહીં ધારેલાં માઠાં પરિણામો માટે પટેલને કસૂરવાર ઠરાવવાની પોલિટિકલ ક્લાસ દ્વારા વગર વિચાર્યે કોશિશ થઈ ત્યારે પટેલ સાહેબની હિંમત ખૂલી ગઈ. સંસદીય સમિતિ સમક્ષ એ બિનધાસ્તપણે બોલ્યા કે, નોટબંધી સાવ નિષ્ફળ ગઈ છે. ભલા, સરકારને આ ક્યાંથી માફક આવે?
ત્યાર બાદ એનપીએ ઘટાડવાના મુદ્દે રિઝર્વ બેંકને એમ લાગવા માંડ્યું કે નાણા મંત્રાલય તે બાબતમાં ગંભીર નથી. એનપીએ ઘટાડવા માટે પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન (પીસીએ) નામથી કેટલાક નિયમો અને મિકેનિઝમ રિઝર્વ બેંકે તૈયાર કર્યા છે, પણ સરકાર તેમાં સાથ આપતી નથી. ગઈ ર૬ ઑક્ટોબરે એક લેક્ચરમાં ડેપ્યુટી ગવર્નર વિરલ વી. આચાર્ય બોલ્યા કે, ‘બેંકો લોન આપીને જે ખોટ કરે છે તેને જાજમ નીચે છૂપાવી દેવી અને તે કાજે દેખરેખ અને તપાસના નિયમો સાથે સમાધાન કરી લેવાથી હંગામી સમય માટે આભાસ ઊભો કરી શકાય કે બધું બરાબર છે, પરંતુ ભવિષ્યમાં કોઈક સમયે એ નાજુક વ્યવસ્થા પત્તાના મહેલની માફક અનિવાર્યપણે તૂટી પડે છે જેમાં કરદાતાઓના નાણાની બેસુમાર ખુંવારી અને બીજા નુકસાનો થાય છે.’ વિરલ આચાર્યએ સરકારની ટીકા કરવામાં બાકી ના રાખ્યું. એ બોલ્યા કે, ‘જે સરકાર કેન્દ્રીય (રિઝર્વ) બેંકની સ્વાયત્તતાને સન્માન આપતી નથી તે વહેલી કે મોડી નાણાબજારના કોપનો ભોગ બને છે. અર્થ વ્યવસ્થાને આગ લગાડે છે અને એક મહત્ત્વની નિયામક સંસ્થાને જે દિવસે જોખમાવી હતી તે દિવસ યાદ કરીને રડવાનો વખત આવે છે.’
વિરલ આચાર્યના આ શબ્દોથી સરકાર ડઘાઈ ગઈ. ત્યાર પછીના ત્રણ દિવસ બાદ ડેપ્યુટી ગવર્નર એન.એસ. વિશ્વનાથન બોલ્યા કે, ‘બેંકો અને લેણદારો વચ્ચેનાં સ્થાપિત સમીકરણો બદલવાથી સ્થિરતા જોખમાય છે અને સ્વાભાવિક છે કે તેનો વિરોધ થાય.’ આ બંને નિવેદનોનું અર્થઘટન એ થાય કે સરકાર લોનની બાબતમાં ખોટી દખલગીરી કરે છે. આ નિવેદનો બાદ વિપક્ષોને સરકારની ટીકા કરવાની વધુ તક મળી. ત્યાર બાદ ર૩ ઑક્ટોબરના રોજ રિઝર્વ બેંકની બોર્ડની મિટિંગ મળી. તેમાં બોર્ડના મેમ્બરો અચંબિત થઈ જાય તેવી રજૂઆત વિરલ આચાર્યએ કરી. એ બોલ્યા કે, ‘પીસીએ (પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન)ના નિયમો તૈયાર કરવામાં આવ્યા છે, પણ બોર્ડની આ મિટિંગ સમક્ષ તેને મૂકવામાં આવ્યા નથી, કારણ કે મુકાયા હોત તો પણ બોર્ડે તેને મંજૂર રાખ્યા ન હોત.’ યાદ રહે કે બોર્ડમાં સરકારી અને સરકાર પ્રેરિત ડિરેક્ટરો પણ હોય છે. વિરલ આચાર્ય કટાક્ષમાં એમ કહી ગયા કે, એનપીએનો ઉકેલ લાવવા બાબતે સરકાર બિલકુલ ગંભીર નથી. આ ઘટનાઓ તે પણ દર્શાવે છે કે સરકાર તરફથી રિઝર્વ બેંકને ખૂબ પ્રેશરમાં મૂકવામાં આવી છે. જેટલીએ એમના અંદાજમાં વિરલ આચાર્યના વિધાનોનો જવાબ આપ્યો કે, ‘વરસ ર૦૦૮થી ર૦૧૪ સુધી સરકારી બેંકો આડેધડ લોનો મંજૂર કરી રહી હતી ત્યારે સેન્ટ્રલ (રિઝર્વ) બેંકનું ધ્યાન ક્યાંક બીજે જ હતું.’ ગયા ફેબ્રુઆરીમાં પણ જેટલી બોલ્યા હતા કે, ‘આખરે રમતના નિયમો રેગ્યુલેટરો (રિઝર્વ બેંક અને તેના ગવર્નરો) નક્કી કરતા હોય છે અને તેઓની પાસે ત્રીજી આંખ હોવી જોઈએ અને સદાકાળ માટે ખુલ્લી હોવી જોઈએ તેમ ધારવામાં આવે છે, પણ કમનસીબે ભારતીય વ્યવસ્થામાં રેગ્યુલેટરો નહીં, પણ અમે રાજકીય લોકો જવાબદાર ઠરીએ છીએ.’ જેટલીની આ દલીલ કે ફરિયાદમાં દમ નથી.
ઉર્જિત પટેલે પણ જેટલીની દલીલનો યોગ્ય જવાબ આપ્યો હતો. એ બોલ્યા કે, ‘આ પ્રકારની બહાનાબાજી, દોષનો ટોપલો બીજાને શિરે ઢોળવાની વૃત્તિ રોજના થઈ પડ્યા છે. તકલીફ આવે ત્યારે તત્કાળિયા ઉપાયો શોધાય છે અને લાંબાગાળાનું કોઈ ટકાઉ ચિંતન થતું નથી.’ સરકારી બેંકો પરના નિયમનો વિષે એમણે જરૃરી ચોખવટ કરી જે સરકારને કસૂરવાર ઠરાવવા માટે પૂરતી છે. એમણે કહ્યું કે, ‘ભારતની તમામ ખાનગી કોમર્શિયલ બેંકોનું નિયમન રિઝર્વ બેંક દ્વારા થઈ શકે છે, પરંતુ સરકારી બેંકોનો વહીવટ સરકાર દ્વારા જ થાય છે. ખાસ કાયદો ઘડીને રિઝર્વ બેંકને તે અધિકારોથી વંચિત રાખવામાં આવી છે. સરકારી અથવા જાહેર બેંકોના ડિરેક્ટરોની નિમણૂકમાં કે વહીવટમાં રિઝર્વ બેંક માથું મારી શકતી નથી.’ મતલબ કે જાહેરક્ષેત્રની બેંકોની ગેરવ્યવસ્થા અને તેમાં મચેલી લૂંટફાટ માટે સરકાર અને નેતાઓ જ જવાબદાર છે.
વિવાદનો સારાંશ એ છે કે, સરકાર ઉદ્યોગોને નાણા અપાવવા માગે છે, પોતાને પણ મોટી રકમ જોઈએ છે, પણ રિઝર્વ બેંક ધાર્યું થવા દેતી નથી. ચૂંટણીઓ આવી રહી છે. જીતવી છે, પણ અર્થતંત્રમાં તેજી નથી. નાણા વગર ઉદ્યોગો ઠપ પડ્યા છે. તેથી રોજગારીનું પ્રમાણ પણ વધતું નથી. સરકાર પાસે વિકાસનાં કામો પૂરાં કરાવવા માટે અને સબસિડીઓ ચૂકવવા માટે પૂરતાં નાણા નથી. અંદાજપત્રીય ખાધ સ્વીકૃત માત્રાને વળોટીને ઝડપભેર વધી રહી છે. કેટલાંક સરાહનીય કામો થયાં છે, પણ ખાનગી ઉદ્યોગોમાં સાર્વત્રિક તેજી નથી. મધ્યમ કદના અને મોટા ઉદ્યોગો પણ લોન નહીં મળવાથી પૂરતું ઉત્પાદન કરી શકતા નથી. ગયા વરસ સુધી એવી પ્રથા પડી હતી કે જે ઉદ્યોગપતિ લેણદારો લોનની રકમ ચૂકવવામાં નિષ્ફળ જાય તો બેંકો તેમને વધુ લોન આપતી હતી જેથી એ જૂની લોન ચૂકવી શકે.
આ પ્રકારની વ્યવસ્થા રિઝર્વ બેંકે ગયા ફેબ્રુઆરીથી બંધ કરી છે. બેંકે જાહેર કર્યું હતું કે લેણદારો કે લેણદાર દ્વારા લોનની ચુકવણીમાં એક દિવસનું પણ મોડું થશે તો ૧૮૦ દિવસ બાદ લેણદારને નાદાર જાહેર કરાવવાની પ્રોસિજર આરંભી દેવાશે. રિઝર્વ બેંકના આ નિર્ણય સામે ઉદ્યોગ જગતે વિરોધ નોંધાવ્યો અને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યા. નાદારીની પ્રક્રિયા શરૃ કરવા પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે. આ કંપનીઓમાં વીજ ઉત્પાદન કંપનીઓ આગેવાન હતી. ખાસ કરીને વીજળી કંપનીઓ નુકસાન કરી રહી છે. આવક કરતાં વીજ ઉત્પાદનનો ખર્ચ વધુ આવે છે. મોટા ભાગની વીજ કંપનીઓની બેલેન્સશીટ નેગેટિવ છે. સંસદીય સમિતિના આંકડા મુજબ વીજ કંપનીઓને માથે બેંકોનું ૧,૭૪,૦૦૦ કરોડનું દેવું છે, જે કંપનીઓ ચૂકવી શકતી નથી. સરકારની ચિંતા એ છે કે પૂરતાં ઉત્પાદન વગર સરકારે પ્રજાને આપેલાં અનેક વચનોની પૂર્તિ થઈ શકે નહીં. સરકાર ઇચ્છે છે કે પાવર અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓની બાબતમાં રિઝર્વ બેંક નિયમોમાં ઢીલ મૂકે. રિઝર્વ બેંક તે માટે તૈયાર ન થઈ તેથી પાવર કંપનીઓ અદાલતમાં પહોંચી. સરકાર અને બેંક વચ્ચેના ઘર્ષણમાં એક આ પણ મુદ્દો છે.
જે મુદ્દો સૌથી વધુ વિવાદમાં આવ્યો છે તે રિઝર્વ બેંકના ભંડોળ અને તેને હસ્તગત કરવાની સરકારની ઇચ્છાનો છે. રિઝર્વ બેંકની સ્વાયત્તતા તેની ઉંમર જેટલી જ જૂની છે. તેનાં કાર્યક્ષેત્ર, વહીવટ અને અધિકારોમાં સરકાર દખલઅંદાજી કે હસ્તક્ષેપ ન કરી શકે. દેશની બેંકોની ધિરાણ નીતિ, વ્યાજનો દર, વિદેશી હૂંડિયામણ, ચલણ (કરન્સી)ની વ્યવસ્થા અને નિયમન રિઝર્વ બેંક કરે છે. ઉપરાંત રિઝર્વ બેંક વિદેશી હૂંડિયામણ અને બીજી તાકીદની જરૃરિયાતોને પહોંચી વળવા પોતાનું અનામત ભંડોળ પણ ઊભું કરી શકે છે. રિઝર્વ બેંક પાસે આવું રૃ.૩,૬૦,૦૦૦ કરોડ રૃપિયાનું અનામત ભંડોળ છે. હવે જ્યારે સરકાર નાણાની તંગી અનુભવે છે ત્યારે એ અનામત પડેલી રકમ સરકારને મળી જાય તો સરકારનું સંકટ ટળી જાય. રિઝર્વ બેંકની આ રકમ પર સરકારની નજર છે, પણ બેંક મચક આપતી નથી.
આ ધારણા અને આક્ષેપ પૂર્વ કોંગ્રેસી નાણાપ્રધાન પી.ચિદમ્બરમના છે. એ કહે છે કે, નરેન્દ્ર મોદી સરકાર રિઝર્વ બેંકના કમસે કમ રૃ.એક લાખ કરોડ રૃપિયા હસ્તગત કરીને નાણાકીય ખાધ પૂરવાનું લક્ષ્યાંક સર કરવા માગે છે, પણ જો તેમ થશે તો ભારતના અર્થતંત્ર પર તેનાં ખતરનાક પરિણામો જોવા મળશે એવી ચેતવણી ચિદમ્બરમે ઉચ્ચારી છે. ભલે ભારત સરકાર રિઝર્વ બેંકના કાર્યક્ષેત્રમાં હસ્તક્ષેપ ના કરી શકે, છતાં આરબીઆઈ એક્ટ ૧૯૩૪ની કલમ-૭ અંતર્ગત ખાસ કટોકટીમાં અને અપવાદરૃપ સંજોગોમાં ભારત સરકાર રિઝર્વ બેંકને સૂચનાઓ અને હુકમ આપી શકે છે. એ વાત અલગ છે કે રિઝર્વ બેંકના આજ સુધીના ઇતિહાસમાં ભારતની કોઈ પણ સરકારે આ અધિકાર વાપર્યો નથી. ખાસ કટોકટી અને અપવાદરૃપ સંજોગો ક્યારે અને કોને કહેવા તે પણ સ્પષ્ટ નથી, કારણ કે અગાઉ એવી કોઈ સ્થિતિનો સરકારને કે બેંકને અનુભવ નથી. કેન્દ્ર સરકાર એવી અપવાદરૃપ સ્થિતિ સાબિત ના કરી શકે તો હાંસી, ટીકાનો ભોગ બને. આ કલમના ઉપયોગની સંભાવનાએ જ અત્યારની સરકારને વિપક્ષોના નિશાન પર મૂકી છે. સરકારે આવી અટકળોને પાયાવિહોણી ગણાવી છે. છતાં પી.ચિદમ્બરમની ધારણા છે કે ૧૯મી નવેમ્બરે રિઝર્વ બેંકના બોર્ડની મિટિંગ મળશે. પછી કોઈક નબળા સમાચાર સાંભળવા મળશે. એક શક્યતા એવી પણ છે કે સરકાર કોઈક નબળી ક્ષણે બેંકની અનામત મેળવવાનો નિર્ણય લેશે તો ગવર્નર પટેલ રાજીનામું ધરી દેશે. ચિદમ્બરમ કહે છે કે, સરકાર રકમ હડપે કે ગવર્નર રાજીનામું આપે. બંને સ્થિતિ ભારત માટે સારી નહીં હોય.
સરકારની ઇચ્છા ૧૯ તારીખે સ્પષ્ટ થશે, પણ ચૂંટણીના વરસમાં સરકાર આટલી હદે જવાનું પસંદ નહીં કરે. રાજનની રૃખસદ અને નોટબંધીમાં સરકાર પોતાના હાથ દઝાડી ચૂકી છે. સીબીઆઈનો વિવાદ અને સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓના બળવાએ સરકારની છાપ બગાડી છે. સરકાર સ્વાયત્ત સંસ્થાઓની સ્વાયત્તતા પર તરાપ મારી રહી છે. એ આક્ષેપોનો સામનો મોદી સરકાર ઘણા વખતથી કરી રહી છે. એવી વાત ફેલાશે કે દેશનું અર્થતંત્ર બીમાર પડી ગયું છે તે ઓવરઑલ અર્થવ્યવસ્થા માટે હાનિકારક નીવડશે. અત્યારથી જ વિદેશી મૂડીરોકાણકારો ભારત ખાતેના એમના એજન્ટોને ફોન કરીને સ્થિતિની જાણકારી મેળવી રહ્યા છે. વિદેશી મીડિયામાં એવા અહેવાલો પ્રસિદ્ધ થઈ રહ્યા છે કે, ર૦૦૮માં અમેરિકામાં નાણાકીય અરાજકતાને પરિણામે લેહમેન બ્રધર્સ અને બીજી નાણા સંસ્થાઓ અને બેંકો તૂટી પડી હતી અને અમેરિકા તેમજ વિશ્વમાં આર્થિક મુશ્કેલીઓ પેદા થઈ હતી. એવી જ સ્થિતિનું ભારતની સરકારી બેંકો નિર્માણ કરી રહી છે. બીજી તરફ નોન-બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ પાસે રોકડની તંગી છે. આ કંપનીઓ બીજી કંપનીઓ પાસેથી કરજ મેળવીને ભારતના મધ્યમ અને નાના કદના ઉદ્યોગો તેમજ કાર, સ્કૂટર, મકાન વગેરેની રિટેઇલ લોન આપે છે.
બજાજ ફાઇનાન્સ તેનું એક ઉદાહરણ છે. આ કંપનીઓનો ધિરાણના કુલ પ્રમાણમાં ખૂબ મહત્ત્વનો હિસ્સો છે. ભારતમાં કુલ ૧૧,૦૦૦ એનબીએફસી નોંધાયેલી છે. તેમાં ૩૦૦ મોટા કદની છે. હવે નાણાની તંગી પેદા થઈ છે ત્યારે અનેક કંપનીઓ બંધ પડી જશે. આઈએલએફએસ સપ્ટેમ્બરમાં ૧૩ અબજ ડૉલરનું દેવું ચૂકવવામાં નિષ્ફળ ગઈ. સરકારનો તેમાં ૪૦ ટકા હિસ્સો હતો. તેથી સરકારે તેને હસ્તગત કરી લીધી છે. આ કંપનીઓને નાણાની તંગી એટલા માટે પડી કે તેઓએ જે ટૂંકી મુદતનાં કરજ મેળવ્યાં હતાં તેની સામે લાંબા ગાળાની લોનો આપી દીધી. હવે પોતાનું કરજ ચૂકવવું પડે છે, પણ આપેલું ધિરાણ પરત ફરી રહ્યું નથી. આ સ્થિતિમાં સરકારનો કોઈ દોષ નથી, પણ દુકાળમાં અધિક માસ જેવી સ્થિતિ થઈ છે. જો એનબીએફસી તરફથી લોન ના મળે તો મધ્યમ અને નાના કદના ઉદ્યોગોનું શું થાય? વિકાસ દરનું તો આવી બને. અંગ્રેજીમાં કહેવત છે કે, તકલીફો આવે છે ત્યારે બટાલિયનમાં આવે છે.
————–