તમારા માટે, તમારી સાથે, સતત…

અખંડ ભારતના શિલ્પીની આકાશી ઊંચાઈ

તિમા દેશની ભાવિ પેઢી માટે પ્રેરણાનો સ્ત્રોત બની રહેશે...

0 279

સ્મારક-કથા

સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રખર રાષ્ટ્રભક્ત, અખંડ ભારતના શિલ્પી, ભારતરત્ન અને પ્રજાવત્સલ રાજપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને સાચી અંજલિ છે.

ગુજરાતના એક પનોતા પુત્ર અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ગુજરાતના કેવડિયા ગામ નજીક સાધુ બેટથી એકતા અને અખંડિતતાનો સંદેશ દુનિયાભરમાં રેલાશે. ૨૫ મીટર ઊંચી પીઠિકા ઉપર ૧૫૭ મીટર ઊંચાઈ ધરાવતી પ્રતિમા છે. આમ આ સ્મારકની કુલ ઊંચાઈ ૧૮૨ મીટર છે. તેમાં અંદાજે ૭૦ હજાર ટન સિમેન્ટ, ૧૮,૫૦૦ ટન રીઈન્ફોર્સમેન્ટ સ્ટીલ, ૬,૦૦૦ ટન સ્ટ્રક્ચર સ્ટીલનો ઉપયોગ થયો છે. આ પ્રતિમાનો વિસ્તાર ૨૨,૬૦૦ ચો.મી. અને તેનું વજન ૧૭૦૦ મેટ્રિક ટન છે. ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ના પ્રોજેક્ટ માટે ૨૫૦ જેટલા ઇજનેરો અને ૩૭૦૦ જેટલા કારીગરો રોકવામાં આવ્યા હતા.

Related Posts
1 of 319

સ્ટેચ્યૂ ઓફ યુનિટી અમેરિકાના ન્યૂયૉર્કની સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીથી લગભગ બમણી ઊંચાઈ અને રીઓ ડી જાનેરોની ધ સ્ટેચ્યૂ ઓફ ક્રાઇસ્ટ ધ રીડીમર કરતાં પાંચ ગણી ઊંચાઈ ધરાવે છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું સરદાર સરોવર બંધના હેઠવાસમાં ૩.૨ કિ.મી. દૂર નર્મદા નદી મધ્યે સાધુ બેટ ઉપર નિર્માણ કરવામાં આવ્યું છે. આ સ્મારકની મુલાકાતે રોજ ૧૫,૦૦૦ જેટલા પ્રવાસીઓ આવશે એવો સરકારનો પ્રાથમિક અંદાજ છે. પ્રતિમાના ઉપરના સ્થળે દીર્ઘા ગેલેરીમાં એકસાથે ૨૦૦ મુલાકાતીઓ ઊભા રહી શકે તેવી ક્ષમતા છે. પ્રવાસીને દીર્ઘા ગેલેરી સુધી પહોંચાડવા માટે હાઈસ્પીડ લિફ્ટની સુવિધા આપવામાં આવી છે. આ લિફ્ટ રોજ ૩૦૦૦ મુલાકાતીઓને દીર્ઘા ગેલેરી સુધી પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે. ગેલેરીમાંથી સરદાર સરોવર ડેમ, સાતપુડા અને વિંધ્યાચળની મનોહર પર્વત માળાનો સુંદર નજારો જોઈ શકાશે. ૧૦૦ જેટલા યુવાનોને ગાઈડ તરીકે તાલીમ આપી પ્રવાસીઓને ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ વિસ્તારની વિગતવાર માહિતી આપવામાં આવશે.

આ પ્રતિમા દેશની ભાવિ પેઢી માટે પ્રેરણાનો સ્ત્રોત બની શકે છે. અનેક ખૂબીઓથી સભર આ પ્રવાસન સ્થળ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ અને તજજ્ઞો માટે અભ્યાસનો વિષય બની રહેશે. આ સ્થળની અન્ય વિશેષતાઓ જોઈએ તો, અહીં સરદાર સરોવર ડેમ વિસ્તારમાં કાયમી ટેન્ટ સિટી આકાર પામશે. સ્મારકના થોડા અંતરે દેશના દૂતાવાસની ઢબે દરેક રાજ્યોનાં અતિથિ ભવનો આકાર પામશે. નર્મદાના તટે ૧૭ કિ.મી. લંબાઈમાં ૨૩૦ હેક્ટર વિસ્તારમાં દેશ-વિદેશનાં ફૂલોથી શોભતી નયનરમ્ય ‘વેલી ઓફ ફ્લાવર્સ’નું નિર્માણ થશે. આધુનિક પ્રોજેક્શન મેપિંગ દ્વારા સરદારની જીવનગાથા પ્રદર્શિત કરાશે. અહીં બાંધવામાં આવેલા સરદાર પટેલ મ્યુઝિયમમાં ૪૦ હજાર દસ્તાવેજો, ૨૦૦૦ ફોટા અને રિસર્ચ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. સાધુ ટેકરીથી મુખ્ય રસ્તા સુધી જોડતાં આકર્ષક પુલની સુવિધા પણ પ્રવાસીઓના મન મોહી લે તેવી છે. પ્રવાસીઓ માટે ફૂડ કોર્ટ, કાફેટેરિયા, ગિફ્ટ શોપ વગેરેની સુવિધા પણ છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિસ્તારથી ચાર કિલોમીટર દૂર પાર્કિંગની વ્યવસ્થા બાદ પ્રવાસીઓને વિશેષ વાહનો દ્વારા મુખ્ય મથક સુધી લઈ જવાશે.

ઇતિહાસના પાને સરદાર
સરદાર પટેલની સ્વાતંત્ર્ય સંગ્રામની ભૂમિકા માર્ચ-૧૯૧૮ના ખેડા સત્યાગ્રહથી શરૃ થઈ, અસહકારની લડતમાં, નાગપુર ઝંડા સત્યાગ્રહમાં, બોરસદ સત્યાગ્રહમાં, બારડોલી સત્યાગ્રહમાં, સવિનય કાનૂનભંગની ચળવળમાં અને હિન્દ છોડો આંદોલનમાં તેઓએ સક્રિય ભૂમિકા ભજવી. તેમણે ૯ ડિસેમ્બર, ૧૯૪૬ના રોજ ભારતની બંધારણ સભામાં ભાગ લીધો. તેમણે બ્રિટન સાથે મંત્રણાઓ કરી ઇન્ડિયન સિવિલ સર્વિસને સમેટીને આઈએએસનો પાયો નાંખ્યો હતો. દેશના પ્રથમ ગૃહપ્રધાન તરીકે વલ્લભભાઈના શાસનના ચાર વર્ષ યાદગાર નિવડ્યાં છે. દેશી રિયાસતોની ગૂંચવણો ઉકેલવા માટે તેમણે પરિશ્રમ ઉઠાવી, મુશ્કેલભરી પરિસ્થિતિમાં લાંબી મુસાફરી કરી. આ મહાકાર્ય બદલ તેમને ‘ભારતના બિસ્માર્ક’નું બિરુદ મળ્યું હતું. દેશી રાજાઓને સન્માનપૂર્વક ભારતમાં જોડીને અખંડ ભારતના વિકાસના મંગળાચરણનું પ્રથમ પગલું માંડ્યું હતું.
————————-

Leave A Reply

Your email address will not be published.

Translate »