તમારા માટે, તમારી સાથે, સતત…

‘પસંદગી’ : નવલિકા – યોગેશ પંડ્યા

તમે? અને ચહેરા ઉપર બાંધેલી ઓઢણી છોડી નાખી.

0 575

નવલિકા – યોગેશ પંડ્યા

પસંદગી

‘મહાવીર ફરસાણ હાઉસ’માં પાંચસો ફાફડા અને અઢીસો જલેબીનો ઓર્ડર દઈને, તળાતાં ગાંઠિયાની ખુશ્બૂ માણતો અનુરાગ ઊભો હતો ત્યાં જ ગ્રે કલરનું એક્ટિવા આવી પહોંચ્યું. અનુરાગ એ એક્ટિવા પર આરૃઢ થયેલી સુંદરીને તાકી જ રહ્યો. એની સંુદરતાનું વર્ણન કરવા માટે આટલા બુલેટ જોઈએ.

હણહણતી વછેરી જેવી માંસલ કાયા, અષાઢની વાદળોની ગહેરાઈ જેવો શૃંગાર યુ.પી.ની પહાડીઓના વળાંકો જેવા તેના શરીરના ય વળાંકો અને દરિયાઈ પવનમાં સુસવાટા મારતી નાળિયેરી જેવી તેની ઝૂલ્ફોની ઘટા. ગુલાબી કેપ્રી માંથી દેખાતી મસ્ત પીળી અને ચોળાફળી જેવી આંગળીઓ અને આંગળીઓમાં પહેરેલી એક સુંદર રિંગ નીલી આંખો ઉપર ધનુષ્કાર આઈબ્રો. અનુરાગે ઊંડો શ્વાસ લીધો જ્યારે એ તેની પાસેથી નીકળી તો તેના બૉડીના સ્પ્રેની સ્મેલે ગાંઠિયાની ખુશ્બોને પછડાટ આપી દીધી. અનુરાગ પોતાના દિલની કડાઈમાં તેને તળતો રહ્યો કે ફરસાણ હાઉસના માલિકે તેની તંદ્રા તોડી ઃ

‘એ ભાઈ, તમારા ગાંઠિયા…રેડી છે.’ મને-ક મને અનુરાગને હોન્ડાની સીટ ઉપરથી ઊઠવુ પડ્યું, પણ ગાંઠિયા લઈને થોડીવાર ઊભો રહ્યો કે એ ચોમાસંુ પણ તેની પાસેથી જ પસાર થયું. એક અછડતી નજર અનુરાગ ઉપર નાખીને અનુરાગે પણ પોતાની ઘોડી તેની પાછળ દબાવી તે છેક સોસાયટીના નાકા સુધી. છોકરી ત્યાંથી આગળ નીકળીને વળી.

‘અરે… એ તો આસ્થા હોમ્સ’ તરફ વળી. શું એ આસ્થા હોમ્સ એપાર્ટમેન્ટમાં રહેતી હશે? વિચારો મનને પજવતા રહ્યા, પણ એક નિર્ણય લેવાયો કે તપાસ તો કરવી જ રહી કે આખરે છે કોણ આ જમાવટ?’

એક ફ્રેન્ડ હતો જૂનો, એ આસ્થા હોમ્સમાં રહેતો હતો. અનુરાગ સાંજે જ ત્યાં પહોંચ્યો. તે ધીમે-ધીમે પગથિયાં ચડતો હતો કે એક જબરજસ્ત સ્મેલ આવી, જે સ્મેલ તેણે સવારે જ અનુભવી હતી. કોઈ યુવતી ફર્સ્ટ

ફ્લોરમાંથી થઈ બ્લોકમાંથી નીકળીને નીચે ઊતરી. તેણે પાછળ ફરીને જોયું તો ગુલાબી રંગના ચૂડીદાર કુરતામાં કોઈ યુવતી દાદરો ઊતરી રહી હતી. તેનો સાઇડ ફેસ જોતાં એમ જ લાગ્યું કે કદાચ સવારમાં જોઈ હતી એ જ છોકરી હતી. એ એક દાદરો નીચે ઊતરી ગયો, પણ કદાચ એ છોકરી પોતાનું વાહન લઈને નીકળી ગઈ હતી. અનુરાગના મનની મનમાં જ રહી ગઈ.

ઘણા સમયે આવેલા મિત્રને જોઈને  મિત્ર ખૂબ રાજી થયો. ઠંડંુ પીધું, પણ હોઠ ઉપર આવેલી ઉલઝનને કયા શબ્દોમાં સ્ફુટ કરે? એ, એમ કહે કે આવા દેખાવવાળી આવાં કપડાં પહેરેલી છોકરી અહીં કયા બ્લોકમાં રહે છે? મિત્ર સાથે હજી એવા પર્સનલ સંબંધ વિકસ્યા નહોતા. મિત્રને ઘરે આવવાનું કહીને એ નીકળ્યો, પણ તેને થયું કે અહીં આટલામાં ઘડીવાર બેસું, કદાચ એ છોકરી આવે અને તેની સામે હસે. કેમ કે, સવારે ગાંઠિયા લેવા જવા માટે ક્ષણનો પરિચય થયેલો. પોતાનો ફેસ ઓળખી જાય, પણ છોકરી તો મોડે સુધી આવી નહીં. એ ત્રણ ચાર દિવસ સુધી એ બાજુ ટહેલતો રહ્યો, પણ વ્યર્થ!

અચાનક મગજમાં સ્પાર્ક થયો. રવિવારે એ ગાંઠિયા લેવા આવવાની હોય અને પરમદિવસે રવિવાર હતો, પણ રવિવાર તો માંડ આવ્યો એન્ક્ઝાઇટી બઢતી જા રહી થી. અંતે રવિવાર આવી પહોંચ્યો. એ મહાવીર ફરસાણની પડખેની બંધ દુકાનના ઓટલે આવીને બેઠો. હવાનું ઝૂમખું એ સ્મેલનો ઇ-મેઇલ આપીને જતું રહ્યું. તેણે ચહેરો ઘૂમાવ્યો..તો સાચે જ નૈઋર્ત્ય દિશાના પવનો અનુરાગના મનની મોસમનું ચોમાસંુ આ તરફ લાવી રહ્યા હતા. એક્ટિવા પાર્ક કરીને તેણી આ તરફ આવી રહી હતી, પણ આજ તેની ઝૂલ્ફો પથરાઈને આગળ-પાછળ પડી નહોતી, કેશકલાપને બંધનથી બાંધ્યો હતો. આજે ટી-શર્ટ નહોતું પહેર્યું, પરંતુ પંજાબી ડ્રેસ પહેર્યો હતો જે ડ્રેસ કદાચ ગયા રવિવારે ય પહેર્યો હતો. જ્યારે તે ‘આસ્થા હોમ્સ’માં ફ્રેન્ડને મળવા ગયો હતો. તે મલપતી આવી. અનુરાગે તેની સામે સ્માઇલ ફેંક્યું તો તેણીએ પણ વળતું સ્માઇલ ફેંકીને અનુરાગનું સ્વાગત કર્યું. અનુરાગના દિલને ટાઢક વળી.

જોકે બંનેના ગાંઠિયાના પડીકા સાથે જ તૈયાર થયા અને બંને સાથે જ નીકળ્યા. ‘એક્સક્યુઝમી’  અનુરાગે વાત કરવાનું બહાનું શોધ્યું. ‘આપ આસ્થા હોમ્સમાં રહો છો કે?’

‘હા સ્તો…’ તેણી ટહુકી. ‘બિલકુલ કરેક્ટ… એન્ડ તમે? એટલામાં જ કે?’ ‘અરે હા. હું પ્રયોશામાં રહું છું.’

‘નાઇસ. વેરી નાઇસ. ધેટ વે વી આર નેબર.’ તેણી મલકી અને એક્ટિવા સ્ટાર્ટ કરીને કહે ઃ ‘મળીએ ચાલો બાય.’

‘હાય’ અનુરાગને ‘બાય’ નહોતું કહેવું એટલે એના દિલમાંથી ‘હાય’ નીકળી ગયું અને પછી તો અનુરાગનું ચિત્ત તે ચોરી ગઈ. દિવસ-રાત, રાત-દિવસ જાગતા સૂતા બસ તેના જ વિચારો અનુરાગને આવવા લાગ્યા. ઊંઘ ઊડી ગઈ. પેલો ચહેરો નજર સામે સતત તરવરવા લાગ્યો. ‘આને પ્રેમ કહેવાય કે?’ અનુરાગ દિલને પૂછી બેઠો. હવે ક્યારે એ મળશે? ન રહ્યું જાય તેના વગર, ન સહ્યંુ જાય તેના વગર… નિંદ આતી નહીં, ચૈન આતા નહીં, થઈ ગઈ છે કેવી મને આ અસર?’

પણ તેનું સ્વપ્ન અચાનક ફળશે એની તો કલ્પના જ નહોતી. ત્રીજે દિવસે તેને નાઈટસૂટ ખરીદવો હતો અને મૉલમાં ગયો. વૉર્ડરોબ પર ટીંગાતા નાઈટસૂટનું ટી-શર્ટ જેવું ખસેડિયું કે પાછળ એ! અનુરાગ ચમકી ગયો ‘અરે તમે? બોલાઈ ગયું અને તેણી અનુરાગ સામે તાકી રહી.’

‘હાય.. આયમ અનુરાગ. પ્રયોશા ઓળખ્યો નહી?’ કહેતો અનુરાગ તેને તાકી રહ્યો. ‘અનુરાગ. પ્રયોશા’ ‘તેણીના ચેહરા ઉપર ઉલઝન પથરાઈ. વળી, તે અનુરાગ સામે તાકી રહી, પણ અનુરાગની ભોળી મુખમુદ્રા તેને ગમી ગઈ. એ નજીક આવી અને સાથે પેલી ખુશ્બો પણ! અનુરાગે ઊંડેથી શ્વાસ લીધો અને તે ટહુકી.

‘હાય, આય એમ આહના. આસ્થા હોમ્સ.’

‘ઓળખું છું તમને. ગાંઠિયા લેવા તો એવરી સન્ડે “મહાવીર”માં આવો છો, આપણે ત્યાં મળ્યાં હતાં.’

‘ઓ.કે…તે હસી પડી ઃ નાઇસ ટુ મીટ યુ’ અને પછી ‘ઓ.કે વીલ મીટ બાય બાય.’

ફરી પાછું બાય બાય. અનુરાગનો મૂડ ખરાબ થઈ ગયો. એક કપ કૉફી સાથે પીધી હોત તો! પણ તે તો નીકળી ચૂકી હતી. ટપ ટપ કરતી, પણ અનુરાગે હિંમત કરી બતાડી બૂમ પાડી. તેણી ઊભી રહી.

અનુરાગે તેની પાસે જઈને કહ્યું ઃ ‘આહના એક્સક્યુઝમી પ્લીઝ, એક કપ કૉફી.. હો જાય, કૉફી હાઉસ સામે જ છે.’

‘ઓહ નો, અનુરાગ જલ્દીમાં છું, ફરી ક્યારેક વાર, થેન્ક યુ..’ કહીને નીકળી ગઈ.

તડકો તો બરાબરનો તપ્યો હતો અને લાઇટબિલ કલેક્શનની લાઇનમાં અનુરાગ ઊભો હતો કે એ આવી લાઇટબિલ ભરવા, પણ એની ગુલાબી સ્કિન ઉપર મે મહિનાના સૂરજે બરાબરના ઉઝરડા પાડ્યા હતા. એ કશુંક વિચારે એ પહેલાં તો એની નજર અનુરાગ ઉપર પડી.

‘હાય…’ કરતી તે અનુરાગ પાસે ઊભી રહી.

તમે? અને ચહેરા ઉપર બાંધેલી ઓઢણી છોડી નાખી.

Related Posts
1 of 279

‘અરે તમે?’ અનુરાગ પાણી પાણી થઈ જતા બોલ્યો ઃ ‘આ તડકો માથે લીધો?’

‘હા.. પણ મારે કૉલેજ જવું હતું. મમ્મી કહે ઃ આજે બિલ ભરવાનો લાસ્ટ દિવસ છે તો થયું કે..’

‘એક કામ કરો,’ અનુરાગે આગળ પાછળ જોઈને કહ્યું ઃ ‘ઇફ યુ ડોન્ટ માઇન્ડ.મને આપતા જાવ. હું બિલ ભરી દઈશ. લાઇન ખૂબ જ મોટી છે.’

‘થેન્ક યુ.. લોટ ઓફ થેન્ક્સ. આઇ ડોન્ટ ફરગેટ યોર કાઇન્ડનેસ.’ કરતી તેણીએ બિલ અને પૈસા અનુરાગના હાથમાં થમાવી દીધા. અનુરાગે જસ્ટ લાઇટબિલ ઉપર નામ વાંચ્યંુ “કીર્તિકાન્ત જે. દવે બી/૧૨ આસ્થા હોમ્સ ઇટ મીન્સ બ્રાહ્મીન?” અનુરાગના દિલમાં લીલોતરી છલકાઈ વળી. તે દિવસે સાંજે એ બની ઠનીને બી/૧૨માં ગયો, પણ આહના ન મળી. કીર્તિકાન્ત અને હેમલતાએ લાઇટબિલ ભરી દીધાની વાત સાંભળીને તેનો આભાર માન્યો. ઠંડું પીવડાવ્યું અને હવે પછી આવતા રહેવાનું પ્રોમિસ પણ લીધું.

દીકરાનું ચિત્ત ઠેકાણે ન હોય એ કઈ મા પારખી ન શકે? વૈશાલીબહેનના મગજે નોંધ તો કેટલાય દિવસથી લઈ લીધી હતી એટલે આજે તેણે અનુરાગના માથા ઉપર હાથ ફેરવીને પૂછ્યું ઃ ‘સાવ સાચ્ચું કહી દે બેટા, પ્રોબ્લેમ શું છે?’

અનુરાગ માની આંખો તાકી રહ્યો, પછી બોલ્યો ઃ ‘મમ્મી, તું કેટલાય દિવસોથી મારી સગાઈની વાતો કરે છે ને? આજે હું સામે ચાલીને તને કહું છું કે એક છે એવી છોકરી. જેણે મને જીતી લીધો છે, પાગલ કરી નાખ્યો છે, જે લોકો પણ બ્રાહ્મણ જ છે, જો તારે તારા દીકરાને ખુશી-ખુશી જોવો હોય તો તું મારું માગુ લઈને જા.’

‘અરે દીકરા, એ શું મોટી વાત છે? માત્ર તારું માગુ જ નહીં, પણ તને લઈને જ જાઉં, પણ પહેલાં મારે તેના પપ્પા સાથે વાત કરવી જોઈએ. તારી પાસે ફોન નંબર છે?’

‘હા મમ્મી, મોબાઇલ નંબર જ આપું.’

અને વૈશાલીએ શાંતિથી અનુરાગના એમ.ઇ કેમિકલ એન્જિનિયરિંગના અભ્યાસથી માંડીને મહીને પચાસ હજારની ચાલુ સર્વિસથી લઈને ફેમિલી બૅકગ્રાઉન્ડની હકીકત આપ્યા પછી કીર્તિકાન્ત દવેએ કહેવું જ પડ્યુંઃ ‘અરે બહેન..તમે આજે જ આવો…’ અને તે દિવસથી સાંજ… અનુરાગના દિલમાં આનંદનો દરિયો ઉછાળા મારતો હતો. તેનું ઊર્મિતંત્ર રમણે ચઢ્યું હતું. બી/૧૨ તો માંડ માંડ આવ્યું, બારણે જ કીર્તિકાન્તભાઈ ઊભા હતા. મીઠો આવકારો મળ્યો, જઈને બેઠા. હેમલતાબહેન પાણી ભરીને આવ્યાં. પાણી પીધું. શરીરની તરસ બુઝાઈ, પણ અનુરાગના મનની તરસ? પણ એ તરસ તો કીર્તિભાઈએ એમ કહીને જ છીપાવી.

‘તો તમે મારી દીકરીને અગાઉ મળી ચૂક્યા છો એવું છે એમ ને? ઓ.કે. લો બોલાવું.’ એમ કહીને કીર્તિભાઈએ બૂમ પાડી ઃ ‘આયના…આયના’ અને ઘડીક પછી એક સાથે બે કન્યાઓ ઉપસ્થિત થઈ. કીર્તિભાઈએ પૂછ્યું ઃ ‘તમે કોને મળ્યા છો? આયના ને કે આહના ને?’ પણ જવાબ આપવામાં અનુરાગમાં ક્યાં હોશ હતા જ?

પેલી તરફ આહના કહે ઃ ‘મહાવીર ફરસાણમાં તેઓને અલપઝલપ જોયા હતા કદાચ.’

તો આયના કહે ઃ ‘હા, ત્યાં જ તો એ મને મળ્યા હતા.?’

આહના કહે ઃ ‘એમ તો ઝેડ મૉલમાં મને મળ્યા હતા.’ તો આયના કહે ઃ ‘પપ્પા…આપણું લાઇટબિલ એમણે જ ભરી દીધું હતું. હું તો બહુ ઉતાવળમાં હતી.’

અનુરાગ દંગ થઈ ગયો ઃ ‘શું કરવું? એક રૃપ…એક શરીર…એક સ્વર…એક ખમીર…એક મન, એક તન, એક હૂર.. એક નૂર…’

અનુરાગ દિગ્મૂઢ થઈ ગયો.

‘બોલો.’ કીર્તિભાઈ દવેએ પૂછ્યું ઃ ‘આ મારી જ બંને દીકરીઓ.’

તમને કોણ પસંદ છે બોલો. ફર્સ્ટ રાઇટ તમારો.’

‘હું…હું…આઇ એમ ડિસ્ટર્બ..’ હું અત્યારે જજ કરવાની સ્થિતિમાં રહ્યો નથી.’

‘ડોન્ટવરી, તમે ઇન્ડિવિડ્યુલ વાત કરી શકો છો. મારી દીકરીઓ તો તમને ઇન્ડિવિડ્યુુલ મળી છે. હવે નિર્ણય તમારે કરવાનો છે. બાય ધ વે, અમને તો તમે ગમી જ ગયા છો.’

જોકે, અનુરાગે બંને સાથે વારાફરતી મુલાકાતો ગોઠવી છતાં નક્કી ન કરી શક્યો કે પોતે વધુ કોને પસંદ કરે છે! અયના ને કે આહના ને? આમ તો બંને જૂડવા બહેનો હતી, પણ આયના મોટી હતી. અઠવાડિયું વિચારોમાં જ વીતી ગયું. વૈશાલીબહેન પણ નક્કી નહોતાં કરી શકતાં કે શું કરવું! કેમ કે બંને ડાહી સમજણી, સંસ્કારી, ભણેલી, પ્રેમાળ, લાગણીશીલ અને ઇનોસન્ટ હતી. તો પછી અનુરાગને થયંુ શું કરું? આયનાને પસંદ કરું કે આહનાને? પણ ધીરે-ધીરે તેને થયું કે તેનો ફર્સ્ટ લવ આહના છે. આહના આયના કરતાં સુંદર છે. તેનું શરીર… જે પામવા પોતાનું શરીર આકુળ-વ્યાકુળ છે.. પ્રથમવાર તો આહનાને જોઈ હતી એટલે આહના જ તેના માટે કદાચ પરફેક્ટ છે. એટલે હવે આહના માટે તે ‘યસ’ કરશે, પણ સામે છેડે પોતાને કોણ વધુ ચાહે છે. આયના કે આહના?

ઓહ, તે પણ જોવું રહ્યું. અનુરાગ મૂંઝાઈ ગયો. કદાચ પોતે આહનાની પ્રપોઝલ મૂકે, પણ આહના તેને પસંદ ન કરતી હોય તો! અનુરાગની નિંદ ઊડી ગઈ. પહેલાં પ્રેમમાં અને હવે પ્રોબ્લેમમાં!!! પણ અચાનક એક દિવસ તેના પ્રોબ્લેમનું નિરાકરણ થઈ ગયું.

આયના ઘરે આવી. એક ચિઠ્ઠી મમ્મીને આપી ગઈ. વૈશાલીબહેને વાંચીને એ ચિઠ્ઠી અનુરાગને આપી.

એમા લખ્યું હતું ઃ ‘અનુરાગ, હું અને આહના સગી બહેનો અને સગી બહેનોને એક જ પુરુષ ગમી ગયો છે તે તમે છો. એમ તો પ્રથમવાર તમે મને મળ્યા ત્યારથી જ મને ગમી ગયા હતા. એ જ રીતે આહનાને પણ તમારી સાથે જ ફર્સ્ટ લવ થઈ ગયો, પણ મેં વિચાર્યું કે હું મોટી છું એટલે હવે, હું તમારી બંનેની વચ્ચેથી ખસી જાઉં છું. તમે આહનાને પસંદ કરી લો. મને તો કોઈ બીજો પુરુષ મળી જ જશે. બેસ્ટ લક ફોર બોથ ઓફ યુ.’ ચીટ્ઠી વાંચીને અનુરાગ માની આંખોમાં તાકી રહ્યો.

વૈશાલીબહેને સ્મિત કરતાં કહ્યું ઃ ‘પ્રોબ્લેમ ખતમ ને? હવે હા પાડી દે આહના માટે. આમ પણ આહના વધુ સુંદર છે. તમારી પરફેક્ટ જોડી છે.’

‘ના…મા’  અનુરાગ મકક્મપણે બોલ્યો ઃ ‘હવે હું આયનાને પસંદ કરું છું, કેમ કે તેણે સમર્પણ કરી જાણ્યું છે અને મારે માટે લગ્નના ચાર ફેરા એ ત્યાગ, સમર્પણ અને મહોબ્બત અને પ્રેમની ભાવનાના મોહતાજ છે.’
————————————–.

Leave A Reply

Your email address will not be published.

Translate »