તમારા માટે, તમારી સાથે, સતત…

ઓનલાઈન શોપિંગ દૈવી કે વૈજ્ઞાનિક કૃત્ય નથી

પ્રશ્ન એ છે કે ઓનલાઇન શોપિંગની ઝોડઝપટથી મનુષ્યની ઉત્ક્રાંતિ કેવી થશે?

0 215
  • ચર્નિંગ ઘાટ – ગૌરાંગ અમીન

આભાસી દુકાનવાળા સાચૂકલા મહેલોના માલિક બની ગયા
ઓનલાઈન શોપિંગના આદી આઉટ ઓફ લાઇન થઈ ગયા

ગ્રાહકનો સંતોષ એ જ અમારો મુદ્રાલેખ છે. સરસ મજાના પતરા પર સુંદર અક્ષરમાં લખેલું હોય. એ જમાનો ગ્રાહકના સંતોષનો હતો. આ જમાનો અસંતોષથી પેદા થતાં ગ્રાહકનો છે. ઉપભોક્તા જેવા સોહામણા શીર્ષકને સરનો તાજ સમજીને ઘરાક જાણે શોપિંગ તરસી જીભ લટકાવતા ભટકવું પોતાની ફરજ સમજી બેઠો છે. કન્ઝ્યુમરમાંથી પાછો એ ક્યારે કસ્ટમર ઇઝ ગોડ થઈ જાય એ નક્કી નહીં. પેલા જમાનામાં ક્રેતા દિવાળી આવે એટલે ઘરની ફરજિયાત જરૃરી વસ્તુઓ, તહેવાર નિમિત્તની ચીજો ‘ને ફિક્સ્ડ કપડાંની જોડી ખરીદતો. હવે ફ્લેક્સિબલ રેટનો કાળ ચાલે છે. આકસ્મિક ડિસ્કાઉન્ટ પ્રગટ થાય. લોયાલિટી પોઇન્ટ્સ કે નેક્સ્ટ શોપિંગમાં ફાયદો થાય એ મુખ્ય વળતર. ઇકોનોમી ફ્રી થઈ છે એ કન્સેપ્ટમાં ‘ફ્રી’ શબ્દનો અર્થ ગજવામાં એક્સ્ટ્રા પૈસા હોય એમના મગજે સાયલન્ટલી ‘મફત’ લઈ લીધો છે. ઇકોનોમી તમને મુક્ત કરે છે? ઇકોનોમી તમને સોંઘું જીવન આપે છે? બાર્ટર સિસ્ટમ વખતના લોકો પણ ઉત્સવ ઊજવતા હશે, પરંતુ એ બિચારાઓને એ નોલેજ નહોતું કે હજારો મર્ઝ કી સિર્ફ એક હી દવા હૈ- શોપિંગ.

ઘરમાં કકળાટ ચાલે છે. વજન ‘ને કમર બંને કહ્યાંમાં નથી. બહારગામ ફરવા જવાનો પ્રોગ્રામ કેન્સલ થયો છે. પડોશીના ઘરમાં કશું નવું આવ્યું છે. કાકીએ ફોનમાં ટોન્ટ માર્યો. ગર્લફ્રેન્ડે બ્રેકઅપ કર્યું છે કે બોયફ્રેન્ડે ડમ્પ કરી છે. ઑફિસમાં સહકર્મચારીઓ મશ્કરી રૃપે હસ્યા. મિત્રો વટ મારે છે. નાનપણથી તમન્ના ધરબાયેલી હતી. ઘણા વર્ષોથી કોમ્પ્રોમાઇઝ કરેલું. હવે પૈસાનો પ્રોબ્લેમ નથી. ટૂંકમાં- નિરાશા, અપમાન, કંટાળો, ગુસ્સો, થાક, ઈર્ષ્યા, ટણી, ભય, ઉદ્વેગ, નવરાશ, દિવાસ્વપ્ન, લાલચ, લોભ કે અભિમાન જેવાં નકરાત્મક રસાયણો મગજમાં સ્રવે ‘ને તંદુરસ્ત મનુષ્ય એકલા હાથે સ્વયં ‘માર્કેટ’ નચાવતો હોય તેમ મોબાઇલ પર બે ચાર ક્લિક કરીને કશુંનું કશું ખરીદી પાડે છે. જાણે અજાણે જાતે જ પોતાનાં દર્દનું નિવારણ કરવા ‘રિટેલ થેરપી’ અપનાવે છે. હું જીવું છું, હું કંઈક છું ‘ને હું ખુશ છું એવું ફીલ કરે છે.

વિન્ડો-શોપિંગ એટલે કે અડી શકાય એવા શોરૃમમાં ખરીદદારોને આકર્ષવા જે કશું શોકેસમાં મૂક્યું હોય તેના મનોમન માલિક થવું, એ મામલો હવે જૂનો થયો. શોપમાં અંદર જઈને બેપાંચ આઇટમ પસંદ કરવી ‘ને પાછી મૂકી દેવી એય આઉટડેટેડ ક્રિયા છે. હવે તો મોબાઇલ પર આખા ગામની વસ્તુઓ હાથવેંતમાં જોવાની મજા છે. એમાંથી કશું જરૃર હોય કે ના હોય ખરીદી પાડવાનું સુખ છે. મોટા શહેરમાં કે એફોર્ડેબલ ક્લાસમાં ઓનલાઇન શોપિંગ એક સાધારણ ફરજ હોય તેમ સંખ્યાબંધ ગૃહસ્થો તેનું પાલન કરે છે. મેની મેની મેની ટાઇમ્સ આ યજ્ઞમાં સમસ્ત કુટુંબ દ્વારા આહુતિ અપાતી હોય છે.

પરિવારમાં એકબીજાને વાયા ઓનલાઈન શોપિંગ ગિફ્ટ આપીને એકબીજાની કૅર લેવામાં આવે છે. ટૅક્નોલોજિકલ પ્રોગ્રેસની સાથે-સાથે ડિજિટલ ઇન્ડિયાના નાગરિકોનાં દિમાગ-દિલ યંત્રવત્ વર્તવા લાગ્યાં છે. કેમ નહીં, ઈન્ટરનેટના આગમન પહેલાં પણ ઢગલો ભદ્ર એવં ધનિક જનમાં શોપિંગનો ક્રેઝ કે ખરીદીનું બંધાણ હતું જ. વન્સ અપોન એ ટાઇમ ભારતીય સંસ્કૃતિમાં ઘર માટે રોટી કમાનાર રોજ સંધ્યા પશ્ચાત પાછો ફરે તો વેણી યા પ્રસાદ લઈને ઘરમાં પ્રવેશે એ શુભ કર્મ ગણાતું હતું. આજે ઘરના મહદ્ મેમ્બર્સ એકબીજા સાથે ઓનલાઇન શોપિંગની સ્પર્ધા કરે તે પોઝિટિવ કરતાં બે સ્ટેપ ઊંચે એવી પ્રોગ્રેસિવ એક્શન-રિએક્શન લેખાય છે. વારુ, ભારત ભલે વિકાસશીલ દેશ હોય વી આર ડેવલપ્ડ. આખરે ત્રણસો ૬૫ દિવસના દરેક ૨૪ કલાક શોપિંગ મૉલ્સ પોતાની હથેળીમાં ખુલ્લા રહેતાં હોય તો એનો ઉપયોગ તો કરવો જ પડે ને?

ટામી નામની અમેરિકન ખ્રિસ્તી ગાયિકા બોલેલી- હું કાયમ કહું છું કે શોપિંગ એ મનોચિકિત્સક કરતાં સસ્તું પડે. બોલો, કહેવું છે કાંઈ? જેને શોપિંગનો શોખ હોય એમને પૂછો કે શું પૈસાથી સુખ ખરીદી શકાય કે નહીં? ઓનલાઈન શોપિંગ માટેની કોઈ પણ વેબસાઇટ ખોલો અને જુઓ. તમને તમારી જરૃરિયાત, સ્વપ્ન ‘ને હસીખુશી અંગેની એકદમ તાજી માહિતી મળશે. એવીએવી ચીજો તમને પોતીકી કરવાની તાલાવેલી લાગશે કે જેની તમે કલ્પના પણ ના કરી હોય. તમારી ભીતર એ ચીજો માટેની વાસના પેદા થાય છે તેવું તમને નહીં લાગે, તમને એવું જ થશે કે મારા અંતરના ઊંડાણમાં આ ચીજ માટેની તડપ હતી જ. આ લઈ લઉં, તે લઈ લઉં ‘ને પેલું પણ લઈ લઉં. ઓફ કોર્સ, જો આવું કશું ના થતું હોય તો તમે નોર્મલ છો, આ સંદર્ભમાં હેલ્ધી છો. બાકી શોપિંગનો રોગ એટલે શું એ થોડું જાણવું હોય તો ૨૦૦૯માં આવેલું ‘કન્ફેશન્સ ઓફ શોપોહોલિક’ નામક હૉલિવૂડિઅન મૂવી ઉદાહરણ રૃપે જોઈ શકાય.

અમેરિકાની લોકપ્રિય હાસ્ય લેખિકા એર્માએ વર્ષો પહેલાં લખેલું કે (સુપર)સ્ટોરમાં બ્રેડ ખરીદવા ગયા હોઈએ ‘ને ફક્ત બ્રેડ ખરીદીને જ પરત ફરીએ એ ઘટનાની શક્યતા ત્રણ હજાર કરોડમાંથી એક જ વાર છે. તાજેતરમાં બહાર પડેલા એક સંશોધનમાં સંકેત અપાયો છે કે ઈન્ટરનેટના વપરાશ તથા અમુક માનસિક સમસ્યા વચ્ચે સીધો સંબંધ છે. અને તેમાં એક સમસ્યા ઓનલાઈન શોપિંગ છે. અગાઉ પણ પેથોલોજિકલ બાઈંગ અને એડિક્શન વચ્ચે સીધો નાતો છે તેવા તારણ મળેલા. નેટ પર વેચાણ માટેની વસ્તુઓ વત્તા સંબંધિત પાટિયા જોવા ‘ને ખરીદીનો વળગાડ હોવો તે રોગનું નામ છે- સાયબરકોન્ડ્રીઆ. હા, આ નામ એક જનરલ ટર્મ છે જેની નીચે નેટ પર ગેમ્સ રમવાનું વ્યસન પણ આવી જાય. કોઈ પણ પ્રકારની ખરીદીની લત માટે કમ્પલસિવ બાઈંગ ડિસઓર્ડર કે ઓન્યોમેનિઆ ટર્મ ‘૨૪થી છે જે અંગે ગંભીર જાગૃતિ ‘૯૦ના દશકમાં આવવાની શરૃ થયેલી. યુરોપિયન પ્રોબ્લેમેટિક યુઝ ઓફ ધ ઈન્ટરનેટ રિસર્ચ નેટવર્ક તરફથી એ અન્વેષકોએ હાકલ કરી છે કે જલ્દીથી એવા રોગીઓને શોધી અને તેમના પર વધુ સંશોધન કરવામાં આવે. વેલ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ૨૦૧૪થી પ્રોબ્લેમેટિક ઇન્ટરનેટ યુઝ(પીઆઇયુ) નામની સમસ્યાનો સ્વીકાર ઓલરેડી થયેલો છે.

Related Posts
1 of 266

વાસ્તવિક જગતમાં શોપિંગ કરવા જવું હોય તો તમારે સમય ફાળવવો પડે. ઠીકઠાક તૈયાર થવું પડે. વાહન વ્યવસ્થા કરવી પડે. શારીરિક મહેનત સાથે માનસિક ઉતાર-ચઢાવ વેઠવા પડે. બોલ્યા-સાંભળ્યા વગર રેર કેસમાં સ્ટોર પર જઈને શોપિંગ થાય. વિચારવાની ફરજ પડે. જ્યારે નેટ પર ખરીદી કરવામાં સરળતા સિવાય ઘણી સગવડ સચવાય ‘ને ઘણા લાભ થાય. સૂતાં સૂતાં કે બીઆરટીએસમાં બેઠાં બેઠાં શોપિંગ થાય. ટ્રેનમાં હોઈએ કે પ્લેનમાં, દસ મિનિટમાં કોઈ ચીજ માટે પાંચ દુકાનમાં રખડી લેવાય. ઘરના કપડામાં જમતાં હો કે સિરિયલ જોતાં હો, ઑફિસમાં બોસની નજર ના હોય કે કોઈ ફંક્શનમાં એકલા પડ્યા હો યા મજા ના આવતી હો, જસ્ટ ફ્યૂ ક્લિક્સ ‘ને વસ્તુ ઘરે આવી જાય. પાછો આનંદ એ રીતે બેવડાય કે ખરીદી કરી ત્યારે મજા આવે ‘ને એ ખરીદાયેલી ચીજની ડિલિવરી થાય ત્યારે ડબલ મજા આવે. ઘણી વાર તો ટ્રિપલ મજા આવે, વસ્તુ વાપસ મોકલીએ ત્યારે.

ભારતમાં ઓનલાઇન ટ્રાન્ઝેક્શન પર લોકોને વિશ્વાસ ‘ને પ્રેમ વધવા માંડ્યો છે. બેશક મલ્ટિનેશનલ ફિનાન્સિઅલ સર્વિસ ફર્મ ક્રેડી સ્વિસે રજૂ કરેલા માર્ચ ૨૦૧૮ના રિપોર્ટ અનુસાર ડિજિટલ પેમેન્ટનો આંકડો ૨૦૦ બિલ્યન ડૉલર્સની નીચે છે. એમાં મોબાઇલ થકી ચૂકવાતી રકમ ૧૦ બિલ્યન ડૉલર્સ જેટલી જ છે. અત્યારે ૭૦% આસપાસ નકદમાં ટ્રાન્ઝેક્શન થાય છે, પરંતુ દેશી તેમ જ વિદેશી ધંધાદારી અજગરોની નજર ડાયનોસોર કરતાંય મોટી છે. ભારતનું રિટેલ માર્કેટ ૬૭૦ બિલ્યન ડૉલર્સ જેટલું મનાય છે અને વેપારીઓ તરફથી બોલીએ તો ગણતરી કરતાં વધુ ગતિએ ‘વિકસી’ રહ્યું છે. બીજી તરફ આયોજનબદ્ધ રિટેલ માર્કેટ એટલે કે ચેઇન સ્ટોર્સ યા સુપર માર્કેટ્સ એ કુલ છૂટક વેચાણના બજારના ફક્ત ૭% જ આવરે છે. ૯૩% રિટેલ બાયર્સ સ્થાનિક શાકવાળા પાસેથી શાક વગેરે પર્ચેસ કરે છે. સો કુલ મિલાકે ભાવાર્થનું કહેવાનું એ છે કે ઓનલાઇન શોપિંગ એ અમુક સેક્શન માટે કોમન ઘટના ભલે થઈ હોય હજુ એપિડેમિક કક્ષાએ વાત પહોંચવાને વાર છે. રોગચાળા સામે ક્યોર શોધવાનું પછી પહેલાં પ્રિવેન્ટિવ મેઝર્સ લેવા માટે આપણી પાસે સમય છે. ઓનલાઇન શોપિંગ એ કોઈ દૈવી કે વૈજ્ઞાનિક કૃત્ય નથી. હજુ ભારતમાં રોડ બની રહ્યા છે. ઇલેક્ટ્રીસિટી એ ચૂંટણીનો મુદ્દો છે. પીવાનું પાણી એ ઇસ્યૂ છે. કદાચ મારી આવતી પેઢી પોતાનું એક રૃમ રસોડાનું ઘર લઈ શકશે એવું સમણુ જોનારા નાગરિક એવં મતદારો બહુ મોટી સંખ્યામાં છે. પેટ્રોલના ભાવ વધારા માટે પેલી હોય કે આ સરકાર વિરુદ્ધ ભારત બંધ રાખવાનું સાધારણ રાજકારણ ચાલુ કંડિશનમાં છે.

ખેડૂતો આત્મહત્યા કરે છે એ સત્યતા છે. આંખ સામે બનતાં ‘ને વેચાતા ખાદ્ય પદાર્થમાં ભેળસેળ થાય છે. પરંપરાગત રીતે થયેલા શોપિંગનું પરિણામ દુઃખમાં આવે છે. આવું તો ઘણુ અને સામે તરફ બચત એક કોયડો બની ગઈ છે. મોબાઇલ ઇન્સ્ટ્રુમેન્ટના, ફોન સર્વિસના ‘ને મોબાઇલ ઇન્ટરનેટના પૈસા આમ મનુષ્યને બાંધી રાખે છે. વિદ્યુત ‘ને ગેસનું બિલ બાનમાં રાખે છે. ગણતરીના કપડાં કે ઘરની વસ્તુઓ વચ્ચે ખુશીથી જીવનારા લાખો લાખો લોકો છે. મોટિવેશન વેચનારા, વૉટસઍપ કે ફેસબુક પર મોર્નિંગ-રાઇડ કરાવતા સંદેશાશાસ્ત્રીઓ યા ભવ્ય શમિયાણામાં પાક કથા કરતાં વ્યક્તિઓની જેમને લગીર જરૃર નથી એવાં ભાઈ-બહેનોની વસ્તી આપણા દેશમાં વધારે છે. એટ ધ એન્ડ ઓફ ધ ડે એક ઘર માટે મહિને કેટલી આવક વધે, જાવક ઘટે એ જ સક્ષમ અર્થશાસ્ત્રનો સાર છે. એવામાં એને જો ઓનલાઈન શોપિંગનો ચેપ લાગ્યો તો કોઈ ઉલેમા, પાદરી કે મંત્રી એને બચાવવાનો નથી.

ક્યા પ્રકારના લોકો ઓનલાઈન શોપિંગના રોગના શિકાર થવાની શક્યતા છે? સંશોધન ત્રણ કેટેગરી પાડે છે. ૧- અન્ય માણસોથી દૂર રહીને અજ્ઞાત તરીકે ખરીદી કરવા માંગતા હોય તે લોકો. આવા લોકોને એમનું શોપિંગ છૂપાવવાની આદત પડે છે. ઓનલાઇન શોપિંગ આવા મનુષ્યોને અન્ય મનુષ્યોથી વધારે દૂર કરે છે. એમની ભીડ પ્રત્યેની સૂગ વધે છે. અજાણ્યા કે પોતાની ચોઇસ સિવાયના માનવીઓ પ્રત્યે એમની ચીડ કે અણગમો વધે છે. ૨- જેમને કાયમ થોકમાં વિકલ્પ જોઈતા હોય, અવારનવાર વૈવિધ્ય જોઈતું હોય તેવા લોકો. સ્વાભાવિક છે કે ઓનલાઈન શોપિંગ આવા લોકોની ભૂખ ‘ને પ્યાસ બંને પૂરી કરી શકે, પણ સાથે એમની ભૂખ ‘ને પ્યાસ વધાર્યા પણ કરે. ઓનલાઈન સ્ટોર પર કદી રજા નથી હોતી. એક ઓનલાઈન સ્ટોર બંધ થશે તો બીજા ચાર ખૂલશે. ૩- એ લોકો જેમને તત્ક્ષણ ઇનામ જોઈએ છે. ‘કર્મયોગી’ ફિલ્મમાં શંકર તેના પુત્ર મોહનને શીખવાડે છે કે એક હાથથી કર્મ કરવું ‘ને બીજા હાથથી ફળ લઈ લેવું. રેબેકા બ્લૂમની નવલકથા ‘ગર્લ એનાટોમીમાં એક સંવાદ છે- કશું નવું ખરીદવામાં કોઈક જાદુઈ પ્રાપ્તિ થાય છે. તે ત્વરિત સંતોષ આપે છે, ઝડપી સમાધાન છે. ખેર, ઓનલાઇન શોપિંગથી આવા જાતકોની તલપ ઊઘડે છે. એ તૃષ્ણાના ચક્રમાં ઊંડે ઊતરતા જાય છે.

નિઃસંદેહ તમને કોઈક ઓનલાઇન શોપિંગ સાઇટ ગમી, તેના પર મળતી સગવડ ‘ને સરળતા તમને માફક આવી તેનો મતલબ એ નથી કે તમે ઓનલાઇન શોપિંગની તફલીફ ધરાવો છો. જેમને તકલીફ હોય છે ‘ને રોગ સુધી આગળ વધે છે તેવા ‘કેસ’ના વિજ્ઞાનીઓએ અમુક લક્ષણ તારવ્યા છે. હું ચાહું તોય હું ઓનલાઈન શોપિંગ કર્યા વગર ના રહી શકું, મેં પ્રયત્ન કર્યો છે, પણ સફળ નથી રહ્યો. ઓનલાઇન શોપિંગથી મારા સંબંધો, કામકાજ ‘ને આર્થિક સ્થિતિ પર ખરાબ અસર પડી છે. મારા મિત્રો, કુટુંબીજનો ‘ને સહકર્મચારીઓને મારી આ ટેવ અંગે ચિંતા છે, પણ હું તેમની જોડે દલીલબાજી કર્યા કરું છું. હું ઓનલાઇન શોપિંગ અંગે બહુ બહુ વિચારું છું. હું ઓનલાઇન શોપિંગ ના કરું તો તોછડો કે અસ્વસ્થ થઈ જઉં છું. ઓનલાઇન શોપિંગ એક જ એવી તાકાત છે જે મને હાશકારો કે આનંદ આપી શકે છે. હું જે કશું ખરીદું છું એ મહદ્ સંતાડી રાખું છું જેથી કોઈ એવું ના કહે કે આ કામ વગરની ગેરવાજબી ચીજ છે કે ખોટો ખર્ચો છે. ઓનલાઈન શોપિંગ કર્યા પછી મને ઘણી વાર મેં ખોટું કર્યું એવું લાગે છે. ઓનલાઈન શોપિંગને કારણે મને મોજ આપતા હોય છે એવા બીજા કાર્યમાં હું ઓછો સમય આપું છું. હું ઘણી ઘણી વાર મારે જરૃર ના હોય કે જેનું આયોજન જ ના હોય તેવી વસ્તુ ખરીદું છું, મને પોસાય તેમ ના હોય તોય.

સરકાર એવો કોઈ કાયદો નથી લાવવાની કે જેમાં શોપિંગ (હકીકતમાં સેલિંગ) વેબસાઇટ પર ‘એડલ્ટ્સ ઓન્લી’ જેવા કોઈ નિયંત્રણ આવે. પૂર્વનિર્ધારિત બજેટમાં જીવન પસાર કરનાર લાખો લોકો જીવતા કે ડિજિટલ શોરૃમ્યા પોતાના સ્વપ્ન થર્ડ ડિગ્રી ટોર્ચર કરીને મારી નાંખતા શોપિંગના શો કરતાં હ્યુમન્સને મીટુ/સ્ી્ર્ર્ કરી શકે તેવી કોઈ ધર્મ કે સમાજ વ્યવસ્થા નથી આવવાની. કાલે ઊઠીને કાર્ટૂન કેરેક્ટર્સને લઈને એનિમેટેડ કે સેલિબ્રિટીઝને લઈને સેક્સી એવી સેલિંગ સાઇટ્સ બજારમાં આવશે. વિદેશની જેમ આપણા બાળકો પણ અર્થોપાર્જન કરતાં થશે. ત્યારે ભારતની શાળાના વિદ્યાર્થીઓ હટાણાનું નિયમિત વ્રત પાળશે તો શું થશે? અમારો પપ્પુ તો એને જે જોઈએ એ એની જાતે ઓર્ડર કરી દે, અમારે કોઈ વરી નહીં- ફોન પર આવી હોશિયારી બકવાનું પરિણામ આવે ત્યારે ઘણુ મોડું થઈ જાય. અમારી ચકુને હેરપિનનો બૌ શોખ, એ રેગ્યુલર બધી સાઇટ એની જાતે ચેક કરે- કિટીપાર્ટીમાં આવી બડાશ હાંકીએ ત્યારે આપણને ભાન રહેવું જોઈએ કે ચકુ મોટી થશે ત્યારે એનું ઓનલાઈન શોપિંગનું બજેટ ગોલ્ડ-ડાયમન્ડના લેવલે પહોંચી શકે છે. ઇન્ટરનેટ પર વિચરતી માણસજાતને કહેવાનું કે ઓનલાઇન શોપિંગમાં બિઝી નથી એવા

પાંચમાંથી ચાર યુઝર તંદુરસ્તી અંગેની માહિતી મેળવવા ફાંફાં મારે છે. શિક્ષણ કે સર્જનાત્મક વ કલાત્મક વાંચન માટે નેટ પર ફરતાં હોય એવા અનેકો છે. રેગ્યુલર કે રૃટિન આદમ-ઈવના બજેટનું ભાષાંતર હોય છે ખાતરીપત્રક, અંદાજપત્રક નહીં. પ્રશ્ન એ છે કે ઓનલાઇન શોપિંગની ઝોડઝપટથી મનુષ્યની ઉત્ક્રાંતિ કેવી થશે? પોતાના કુટુંબની આવનારી પેઢી કેવી આવશે? સમાજ કે રાષ્ટ્ર કેવી રીતે સબળ ‘ને દુર્બળ થશે?

બુઝારો – જ્યારે કોઈ કલ્ચર પૂર્ણ રૃપે જાહેરખબરો સાથે મૈત્રીભાવમાં આવી જાય ત્યારે તે કોઈ રીતે કલ્ચર નથી રહેતું.
માર્ક ક્રિસ્પીન મિલર (ન્યૂયૉર્ક યુનિવર્સિટીમાં મીડિયા સ્ટડિઝના પ્રોફેસર)
————————–

Leave A Reply

Your email address will not be published.

Translate »