તમારા માટે, તમારી સાથે, સતત…

સપનાનું સંકટ – ‘હસતાં રહેજો રાજ’

મને થયું કે વરઘોડો આવો સરસ છે તો વરરાજો કેવો સરસ હશે?

0 133

હસતાં રહેજો રાજ – જગદીશ ત્રિવેદી

કોઈ વિદ્વાને માણસની જિંદગીને સપના સાથે સરખાવતાં કહ્યું છે કે જીવન લાંબી નિદ્રા છે અને માણસ સુખી હોય તો માનવું કે, સારું સપનું જોઈ રહ્યો છે અને જો દુઃખી હોય તો દુઃસ્વપ્ન જોઈ રહ્યો છે. મૃત્યુ એટલે સ્વપ્ન તૂટી જવું, નિદ્રાનું છૂટી જવું અને પાંપણોનું ખૂલી જવું.

મેં મારા મગજની કેપેસિટી મુજબ આ બાબત ઉપર વિચાર કર્યો તો લાગ્યું કે આ સાઠ-સિત્તેર કે એંસી વરસના સપનામાં પણ માણસ કેટલાં બધાં સપનાં જુએ છે? હજારો સપનાં બંધ આંખે જુએ છે તો હજારો સપનાં ખુલ્લી આંખે જુએ છે. ઘણીવાર માણસ મોટા સપનામાં આવેલા નાનકડા સપના માટે પણ માણસ જેવા માણસ સાથે હકીકતમાં લડી પડે છે.

એક દિવસ સવારના પહોરમાં હું ભોગીલાલની ઘેર જઈ ચડ્યો. આજે એને નોકરીમાં ઓફ હોવાથી શાંતિથી વાતો થશે એવી આશા હતી, પરંતુ મારી ગણતરી સાવ ઊંધી પડી. ભોગીલાલે મને આવકારો પણ ન આપ્યો એટલે હું પરિસ્થિતિ પામી ગયો. મેં રસોડામાં દૃષ્ટિ કરી તો જડીભાભી વાસણો ઉપર ગુસ્સો ઉતારતાં હતાં. રસોડાની સિન્કમાં ધડાધડ વાસણો પડવા લાગે તો માનવું કે, ઘરનું તાપમાન ઊંચું ગયું છે.

હું આવકાર વગર પાંચેક મિનિટ સોફામાં બેસી રહ્યો. હું ભોગીલાલના ઘેર જઉં એટલે ભાભી તરત જ પાણી લઈને આવે એના બદલે એ પણ આવ્યાં નહીં. મને થયું કે, થોડીવાર પહેલાં જ ધરતીકંપ આવ્યો છે અને હજુ આફટર શોક ચાલુ છે. મને તરત જ પેલો જાણીતો દુહો યાદ આવ્યો કે મિત્ર ઐસા કીજીયે જો ઢાલ સરીખા હોય. સુખ મેં પીછે પડા રહે ઔર દુઃખ મેં આગે હોય. મને થયું કે મારે ઢાલની માફક આગળ વધીને મિત્રધર્મ બજાવવો રહ્યો.

‘ભોગીલાલ…’ મેં મૌન તોડ્યું.

‘…………’ ભોગીલાલ નિરુત્તર.

‘ભોગીયા… તને કહું છું.’ મેં એક સૂર ઊંચો કર્યો.

‘હં…’ એકાક્ષરી જવાબ.

‘કોઈ ગુજરી ગયું છે?’ મેં વજનદાર સવાલ કર્યો જેથી મૌન તૂટે.

‘મરી ગયું હોત તો સારું હતું.’ ભોગીલાલે વાત ચાલુ કરી.

‘તો શું છે?’

‘આ મર્યા વગરની મોકાણ છે….’

‘શું વાત છે એ તો કહે…’

‘તું એને પૂછ…’ આટલું કહી ભોગીલાલ ફરી મૌન થઈ ગયો. મેં ભાભીને ત્રણ-ચાર વખત ભાભી… ભાભી… સાદ પાડ્યા ત્યારે માંડ એ બેઠકખંડમાં પ્રગટ થયાં. એમના હાથ વાસણો ઉટકતાં હોવાથી ચોખ્ખા નહોતા. એમણે માથાની કપાળમાં આવેલી લટ બગડે નહીં તે માટે ઊંધા હાથેથી વાળ સરખા કરી મને પૂછ્યું ઃ

‘શું વાત છે?’

‘હું પણ તમને એ જ પૂછું છું કે શું વાત છે?’ મેં કહ્યું.

‘……….’ ભાભી નિરુત્તર.

‘ભાભી… તમને પૂછું છું.’

‘એમને પૂછો…’ ભાભી બોલ્યાં.

‘ભોગીલાલ કહે છે એને પૂછ અને તમે કહો છો કે એમને પૂછો. તમે બંને એકબીજાને ખો આપો છો, પણ મગનું નામ મરી પાડતાં નથી. તમારે વાત ન કરવી હોય તો હું જઉં છું.’ મેં કૃત્રિમ ગુસ્સો કરીને ઊભા થવાનું નાટક કર્યું એટલે બંને લાઇન ઉપર આવ્યાં અને ભાભીએ વાત શરૃ કરી.

‘ગઈ રાતે મને સપનું આવ્યું.’ ભાભી ઉવાચ.

‘શું સપનું આવ્યું?’ મેં પૂછ્યું.

‘હું ઘરકામ કરતી હતી ત્યાં રોડ પરથી વરઘોડો નીકળ્યો. બેન્ડવાજાં વાગતાં જાય અને લોકો રોડ ઉપર નાચતા જાય. ફટાકડા ફૂટતા જાય અને રૃપિયા ઊડતા જાય. મને નાનપણથી વરઘોડો જોવાનો શોખ એટલે હું દામોદરને લઈને શેરીના નાકે વરઘોડો જોવા ગઈ.’

‘બરાબર છે… સમય હોય તો જોવા જવું જોઈએ.’

‘મેં જોયું તો એક કિલોમીટર લાંબો વરઘોડો. મને થયું કે વરઘોડો આવો સરસ છે તો વરરાજો કેવો સરસ હશે? હું દામોદરને લઈને પા કલાક ઊભી રહી ત્યારે ઘોડો નજીક આવ્યો.’

‘કેવા હતા વરરાજા?’ મારાથી પૂછાઈ ગયું.

Related Posts
1 of 18

‘ઘોડા પર તમારા ભાઈ જ હતા.’ ભાભીથી ડૂસકું મુકાઈ ગયું.

‘એને વરઘોડો નહીં વરગધેડો કહેવાય.’ મેં ભાભીનો પક્ષ લીધો.

‘મેં તો ઘરમાંથી લાકડી લીધી. મારી કેડમાં દામોદર અને હાથમાં લાકડી લઈને હું વરઘોડાની પાછળ પાછળ ચાલી નીકળી. મને થયું કે જોઉં તો ખરી કે આ ઉંમરે આ કોને પરણવા જાય છે? વાંદરો ઘરડો થાય, પણ ગુલાંટ મારવાનું ભૂલતો નથી.’ વાત ગંભીર થતી જતી હતી.

‘પછી?’

‘હું વરઘોડાની પાછળ-પાછળ લગ્નની વાડીમાં ગઈ. તમારા ભાઈ ઘોડા પરથી ઉતરીને પરણવા બેઠા. ગોરબાપાએ કહ્યું, ‘કન્યા પધરાવો સાવધાન’ અને કન્યાના મામા કન્યાને માંડવામાં લઈ આવ્યા.’

‘ભાભી… એ કન્યા તમે જ હશો.’ મેં ઉતાવળ કરી નાખી.

‘હું ક્યાંથી હોઉં? હું તો દામોદરને લઈને સામે ઊભી હતી.’ ભાભી બોલ્યાં.

‘તમે નહોતાં તો કોણ હતું?’ મેં પૂછ્યું.

‘અમારી સામે રહે છે એ છછુંદર હતી.’ ભાભી લગભગ રડી પડ્યાં.

મને આખી વાત સમજાઈ ગઈ. આ ઘરમાં ઊભા થયેલા અત્યંત સંવેદનશીલ વાતાવરણનું કારણ મળી ગયું. હવે મારે ખરેખર ઢાલ જેવા બનીને આ બંનેને કજિયાથી બચાવવા રહ્યાં.

‘પછી શું થયું ભાભી?’

‘મને થયું કે દામોદરને કેડમાંથી ઉતારીને તમારા ભાઈને લાકડીએ લાકડીએ ઢીબી નાખું. પેલી છછુંદરીને જેલમાં પુરાવી દઉં. પરણેલા પુરુષને પટાવીને કોઈનું ઘર ભાંગવા બેઠી હતી.’

‘તમે યુદ્ધ કર્યું?’

‘ના હું વિચારતી હતી ત્યાં વેવાઈએ સાદ પાડ્યો કે બધા મહેમાનો જમવા માટે પધારો. મને કકડીને ભૂખ લાગી હતી અને દામોદર પણ બોલ્યો કે મમ્મી, મારે ખાવું છે. એટલે હું થોડીવાર લાકડી એક બાજુ મૂકી દામોદર સાથે જમવા બેસી ગઈ. મને થયું કે ભૂખ્યા પેટે ભજન ન થાય એમ ઝઘડો પણ બરાબર ન થાય. જમીને ઝઘડો કરીશું.’

‘તમે સાવ સાચો નિર્ણય લીધો. ભાભી…’ મેં ટાપશી પૂરી.

‘અમે જમીને ઊભા થયાં ત્યાં કન્યા વિદાય થતી હતી. તમારા ભાઈ પેલી છછુંદરને લઈને મોટરમાં બેસવા જતા હતા. મેં રાડ પાડી કે તમે મને સાવ ભૂલી ગયા?’

‘ભોગીલાલે શું જવાબ આપ્યો?’

‘એમણે મારો સાદ સાંભળ્યો જ નહીં. મેં ફરીથી બમણા અવાજે ત્રાડ નાખી કે તમે મને તો ભૂલી ગયા, પણ આપણા દામોદરને પણ ભૂલી ગયા? આ વખતે પણ એમણે સાંભળ્યું નહીં અને મોટરમાં બેસી ગયા અને મોટર મારી મૂકી.’

‘પછી શું થયું ભાભી?’

‘પછી હું પોક મૂકીને રડવા લાગી. મને રડતી જોઈને દામોદર પણ રડવા લાગ્યો. એમની મોટર રોડ પર ચડી ત્યાં એક ખરાબ ઘટના બની.’

‘શું થયું?’

‘બીજી બાજુથી પૂરપાટ ઝડપે ટ્રક આવ્યો અને વરરાજાની મોટર સાથે અથડાયો. તમારા ભાઈને વાગી જશે એવી બીકમાં હું ઝબકીને જાગી ગઈ. મેં જાગીને જોયું તો મારી એક બાજુ તમારા ભાઈ અને બીજી બાજુ દામોદર બંને ઘસઘસાટ સૂતા હતા. બંનેને ચાદર ઓઢાડી હું પણ ઊંઘી ગઈ.

‘અરે ભાભી… તમે જોયું એ સપનું હતું.’

‘ભલે સપનું હતું તો સપનામાં એમણે સામેવાળીને ના પાડવી જોઈએ કે હું પરણેલો છું. મારા ઘેર એક દીકરો છે. મારે હવે બીજીવાર પરણવું નથી.’

‘જે માણસ એક વખત પરણે એ બીજીવાર પરણવાની ભૂલ કરે ખરો?’ ભોગીલાલે મૌન તોડ્યું.

‘તો મેં સપનામાં જોયું એ બધું ખોટું? તમે જ ઘોડે ચડ્યા હતા અને તમે જ મઝાના પરણવા બેઠા હતા.’ ભાભીએ દલીલ કરી.

‘જુઓ ભાભી… સપના ક્યારેય સાચા ન હોય. સપનું તો તમે કેવા વિચારો કરતા કરતા સૂઓ છો એના ઉપરથી આવે છે. ભોગીલાલ ક્યારેય એવું નહીં કરે એની હું ખાતરી આપું છું. દરેક સ્ત્રી મોટા ભાગે પતિવ્રતા જ હોય છે. ભોગીલાલ પત્નીવ્રતા છે.’ મેં મિત્રનો પક્ષ લીધો.

‘સારું ત્યારે તમે જવાબદારી લ્યો છો તો આ વખતે માફ કરી દઉં છું. ફરી આવું કર્યું તો માફ નહીં કરું. બેસજો. હું તમારા બંને માટે ચા બનાવી લાવું છું.’ એમ કહી ભાભી રસોડામાં ગયાં અને અમને હાશકારો થયો.
—————————-.

Leave A Reply

Your email address will not be published.

Translate »