તમારા માટે, તમારી સાથે, સતત…

ભારતીય રૂપિયાની હાલત કેમ અને કેટલી બગડી છે?

આપણી આયાતોમાં સૌથી મોટો હિસ્સો કાચા તેલનો હોવાથી હાલની સ્થિતિમાં કોઈ નાટ્યાત્મક સુધારાની સંભાવના નથી

0 415

સાંપ્રત – અલકેશ પટેલ

એક સમયે ‘રૃપિયા’ના મૂલ્યમાં થતી વધ-ઘટ માત્ર સરકાર-રિઝર્વ બેંક અને વેપારજગતનો મુદ્દો હતો એ આજે સાર્વજનિક મુદ્દો બની ગયો છે. રાજકીય મંચથી માંડીને સોશિયલ મીડિયા સુધી બધે જ લોકો ‘રૃપિયાના ઘસારા’ અંગે પોતપોતાનો અભિપ્રાય આપી રહ્યા છે. તો હકીકત શું છે?

‘અમેરિકી ડૉલરની સામે ભારતીય રૃપિયો ગગડી ગયો.’ ‘ડૉલર સામે ભારતીય રૃપિયાનું ધોવાણ.’ ‘ડૉલર સામે ભારતીય રૃપિયો ઐતિહાસિક નીચી સપાટીએ.’ – આવી બધી હેડલાઇન આજકાલ સામાન્ય થઈ ગઈ છે. અમેરિકન ડૉલર સામે જ નહીં, પરંતુ દુનિયાનાં વિવિધ ચલણની સરખામણીમાં ભારતીય રૃપિયાના મૂલ્યમાં વધ-ઘટ થવાની પ્રક્રિયા કંઈ આજકાલની નથી અને ભવિષ્યમાં બંધ પણ થવાની નથી, પરંતુ હવે ભારતમાં તેના વિશે મોટા ભાગના લોકોને ખબર પડવા લાગી છે અને જેમને ખબર પડવા લાગી છે એ બધા ચિંતિત પણ છે. ડૉલર અને રૃપિયાના વિનિમય દરમાં જે કંઈ ઊથલપાથલ થઈ રહી છે તેને મુદ્દો બનાવીને એક વર્ગ એવું વિકરાળ ચિત્ર તૈયાર કરવામાં વ્યસ્ત છે કે સામાન્ય માણસ તો ડરી જ જાય અને તેને એવું જ લાગવા માંડે કે દેશમાં હવે બધું રસાતાળ જશે. આ સિવાય બીજો વર્ગ બે ભાગમાં વહેંચાયેલો છે – એક ભાગ આશાવાદી છે. તેને એમ લાગે છે કે રૃપિયાનું થોડું અવમૂલ્યન થાય તેમાં વાંધો નથી, ભારતને ફાયદો જ છે. તો બીજો ભાગ ચેતવણી આપીને સાવધાન રહેવા સલાહ આપે છે.

સરકારે અને વહીવટીતંત્રે આ બીજા વર્ગના બીજા ભાગની વાત ઉપર ખાસ ધ્યાન આપવું જોઈએ. બલ્કે એમની જ વાત કાન ધરીને સાંભળવી જોઈએ અને આંખો ખોલી નાખવી જોઈએ. એવું થઈ પણ રહ્યું છે. સરકાર અને તેના આર્થિક સલાહકારો પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે અને એટલે જ તો ભારતીય રૃપિયાનું વધુ પતન અટકાવવા માટે ૧૫ સપ્ટેમ્બરને શનિવારે પાંચ મુદ્દાનો કાર્યક્રમ જાહેર કર્યો છે.

આ પગલાં જાહેર થયાં પછી અર્થતંત્રના નિષ્ણાતોએ ભારતીય રૃપિયાના વધુ પતનને કાબૂમાં લેવા સરકારે લીધેલાં પગલાંને આવકાર્યા છે, સાથે સાવધાની રાખવાની સલાહ પણ આપી છે. તેમ-છતાં આ બધા વચ્ચે સામાન્ય માણસને તો તેના મનમાં ઉદ્દભવતા એ પ્રશ્નનો જવાબ નથી મળતો કે રૃપિયો આટલો બધો ગગડે છે શા માટે? પાયાની વાત એ છે કે ભારતીય રૃપિયામાં જોવા મળતી કોઈ પણ વધ-ઘટ અનેક પરિબળો ઉપર આધારિત છે. હા, છતાં એ પણ એટલું જ સાચું છે કે ભારત સરકારનું કામ તેની નીતિ અને પગલાં દ્વારા આ વધ-ઘટની માઠી અસરોમાંથી દેશના સામાન્ય નાગરિકોને બચાવવાનું હોય છે.

સરકારનો પક્ષ લેનારા લોકોની દલીલ એવી છે કે, ડૉલર સામે રૃપિયો સતત ગગડી રહ્યો છે, પણ ભારતીય રૃપિયો સૌથી કમજોર નથી થઈ ગયો. જો ૫ વર્ષનો ડેટા તપાસવામાં આવે તો જાણી શકાય છે કે રૃપિયો બીજાં ચલણો સામે મજબૂત થયો છે. જોકે બીજા ચલણ કરતાં ડૉલરનો પ્રભાવ વધુ છે. કેમ કે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય વેપાર ડૉલરથી જ થાય છે. આ કારણે પણ ડૉલર વધુ મજબૂત થયો છે. અમેરિકાના ઘરેલુ કારણોને કારણે બીજા ચલણ કરતાં ડૉલરમાં મજબૂતાઈ આવી છે. કરન્સીની સપ્લાયમાં અછત અને વધતી ડિમાન્ડના કારણે ડૉલર મજબૂત થયો છે. અમેરિકી કેન્દ્રીય બેંકે વ્યાજદરોમાં વૃદ્ધિ કરી અને યુરોપિયન કેન્દ્રીય બેંકે ઘટાડો કર્યો છે. મતલબ કે ડૉલર ડિપોઝિટ પર યૂરોની સામે વધારે રિટર્ન મળશે. આ જ કારણે ડૉલરની ડિમાન્ડ વધી છે. અમેરિકી ડૉલર દુનિયાની સૌથી મહત્ત્વપૂર્ણ ચલણમાંનું એક છે. આંતરરાષ્ટ્રીય લેવડદેવડ માટે તેનો ઉપયોગ વધુ થાય છે. આંતરરાષ્ટ્રીય વેપારમાં તેની ભૂમિકાને જોતા મોટા ભાગના દેશો પોતાનો વિદેશી મુદ્રા ભંડારમાં ડૉલર રાખે છે, આ જ કારણે ડૉલરનો વિનિમય દર વધે છે. ૨૦૧૩થી ૨૦૧૮ના આંકડાઓની સરખામણી કરવામાં આવે તો ભારતીય રૃપિયો ઓસ્ટ્રેલિયન ડૉલર, કેનેડિયન ડૉલર, મલેશિયાના રિગ્ગિત, બ્રિટિશ પાઉન્ડ-સ્ટર્લિંગ તેમજ યૂરો, ચીનના યુઆન કરતાં વધુ મજબૂત છે, પરંતુ અમેરિકી ડૉલર ઉપરાંત સિંગાપોર ડૉલર અને સ્વિસ ફ્રેન્કની સામે રૃપિયો સામાન્ય ઘટ્યો છે. અમેરિકી ડૉલર દુનિયાના બીજા ચલણ કરતાં મજબૂત થયો છે.

Related Posts
1 of 269

આમ-છતાં વાસ્તવિકતા તો એ જ છે કે ડૉલર સામે રૃપિયામાં ફ્રી ફૉલની સ્થિતિ છે. રોજ ભારતીય કરન્સી નવી નીચી સપાટીએ સ્પર્શવા દોડી રહી છે. આ દોડમાં છેલ્લાં ૧૦ વર્ષનું બીજું સૌથી મોટું ધોવાણ ૧૪ ટકાનું વર્ષના પ્રાંરભથી અત્યાર સુધી (કેલેન્ડર વર્ષ ૨૦૧૮)માં થઈ ચૂક્યું છે. અગાઉ ૨૦૧૧માં ડૉલર સામે રૃપિયો એક જે કેલેન્ડર વર્ષમાં ૧૫.૪ ટકા ઘટ્યો હતો. છેલ્લાં દસ વર્ષમાં સામાન્ય રીતે ડૉલર સામે રૃપિયો ૩-૪ ટકાની વધઘટમાં જોવાયો હતો, પણ આ વર્ષે ક્રૂડના વધતા ભાવ, ટ્રેડ વૉરની સાથે સાથે કરન્સી વૉરની સ્થિતિ અને ભારતની કરંટ એકાઉન્ટ ડેફિસિટ (કેડ) છેલ્લાં ચાર વર્ષની સૌથી ઊંચી સપાટી ૨.૫ ટકાના સ્તરે પહોંચવાના અંદાજે રૃપિયો ધરાશાયી થઈ ગયો છે. ૨૦૧૭માં ડૉલર સામે રૃપિયામાં એક વર્ષમાં ૬.૮ ટકાની જોવાયેલી રિકવરીથી બમણો ૨૦૧૮માં ક્રેશ થયો છે.

સાચી વાત એ છે કે, આર્જેન્ટીના, ચીન, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલ જેવા ઇમર્જિંગ માર્કેટની કરન્સીના મૂલ્યમાં ઘટાડો થતાં તેની અવળી અસર થઈ છે. ડૉલરના સપ્લાય ચેઇનમાં પુરવઠો ખૂટી જેવા સ્થિતિ જોવા મળે છે. ડૉલર સામે રૃપિયો ૬૯ની નીચે ગબડ્યો ત્યારે નિકાસકારોએ તેમની પોઝિશન હેજ કરી હતી અને આયાતકારો એમ કરવાથી દૂર હતા. હવે આયાતકારો તરફથી ડિમાન્ડ નીકળી છે અને નિકાસકારો હેજિંગ પોઝિશન સૂલટાવતા હોવાની સ્થિતિ છે. આમ ડૉલરની માગમાં થયેલી વૃદ્ધિ રૃપિયાના ઘટાડા પાછળનું કારણ રહ્યું છે. વિશ્વના માર્કેટમાં કરન્સી મૂલ્યમાં સતત ઘટાડો જોવાઈ રહ્યો છે. ફ્રી ફ્લોટિંગ કરન્સી પૉલિસી અપનાવ્યા પછી પણ તેમના આવતાં ફેરફારની નેગેટિવ અસર જોવાઈ રહી છે. નવા ઘટાડામાં કઝાકિસ્તાનના ટેંજમાં ૨૦ ટકાથી વધુનું ગાબડું પડ્યું છે.

એ જ રીતે વિયેતનામે તેની કરન્સીનું અવમૂલ્યન કર્યું હતું. રશિયાના રૃબલની કિંમત ૨૦૧૩ પછીના સમયગાળાના પ્રમાણમાં અડધી થઈ ગઈ છે. એવું લાગે છે કે આયાત ઘટાડવા અને નિકાસ વધારવાની હોડમાં દરેક દેશ તેની કરન્સીનું ડીવેલ્યુએશન કરી રહ્યા છે. કરન્સીના ડીવેલ્યુ કરવાની શરૃઆત ચીને કરી હતી.

આ સંજોગોમાં સવાલ એ થાય કે એક તરફ સરકાર મજબૂત લાગતી હોવા છતાં ભારતીય ચલણનું આ રીતે પતન યોગ્ય ગણાય ખરું? આ સ્થિતિના નિયમન અને નિયંત્રણ માટે તો ભારતીય રિઝર્વ બેંક છે. ભારતીય રૃપિયાના મૂલ્યનું નિર્ધારણ સરકારની નીતિ ઉપર આધારિત છે. એ માટે આયાતની સામે નિકાસમાં વધારો કરવો પડે અને જો એ ન થાય તો આયાત અને નિકાસ વચ્ચેનો જે ગેપ રહી જાય તે પૂરવા માટે કૅપિટલ ઇનફ્લો માટે નક્કર પગલાં લેવા પડે. હકીકત એ છે કે છેક ૧૯૭૦ના દાયકાથી ચીને તેની નીતિમાં પરિવર્તન કરીને નિકાસને પ્રચંડ પ્રોત્સાહન આપ્યું, પરંતુ તેની સામે તે સમયની ભારત સરકારોએ એ દિશામાં ખાસ ધ્યાન આપ્યું નહીં. આ સાથે એ પણ સ્વીકારવું જોઈએ કે ભારતીય ઉત્પાદકો પણ નબળા જ રહ્યા કે તેમણે આંતરરાષ્ટ્રીય કક્ષામાં ટકી શકે તેવાં ગુણવત્તાસભર ઉત્પાદન બનાવ્યાં જ નહીં, જેને પરિણામે પણ આપણે નિકાસની ખોટ સહન કરવાનો વારો આવ્યો અને એ સ્થિતિમાંથી આપણે હજુ પણ બહાર નીકળી શક્યા નથી.

હાલની જે સ્થિતિ છે તેમાં સરકાર સામે અન્ય એક ઉકેલ કે ઉપાય આયાતો ઘટાડવાનો છે, પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે આ ઉપાય આવકારદાયક નથી – સલાહભર્યો પણ નથી. આવો ઉપાય વિચારવાનો અર્થ એ થાય કે નબળા અને તંદુરસ્ત બાળક વચ્ચેનો તફાવત ઓછો કરવા તંદુરસ્ત બાળકને નબળો બનાવવા મથામણ કરવી! તેથી આવો કોઈ ઉપાય શક્ય પણ નથી અને વ્યવહારુ પણ નથી. કદાચ એટલે જ ૧૫ સપ્ટેમ્બરે જે પાંચ મુદ્દાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે તે આગળ જતાં ભારતીય રૃપિયાને થોડોઘણો સ્થિર કરી શકશે.

કદાચ આ જ વાતનો પડઘો પાડતાં આર્થિક નિષ્ણાત પ્રો. ચરણસિંહે ૧૭ સપ્ટેમ્બરને સોમવારે એક નિવેદનમાં કહ્યું કે, આયાત અને નિકાસ વચ્ચેનો જે તફાવત છે તેમાં સંતુલન માટે રૃપિયાનું આવા ડેપ્રિશિયેશનથી ફાયદો થશે. જોકે તેમણે એવો ભય વ્યક્ત કર્યો કે હાલ આંતરરાષ્ટ્રીય સ્તરે, ખાસ કરીને અમેરિકા અને ચીન વચ્ચે જે ટ્રેડ વૉર ચાલી રહ્યું છે તે ઇન્વેસ્ટમૅન્ટ વૉરમાં બદલાઈ જાય તો ઘણું મોટું નુકસાન થઈ શકે. આપણી આયાતોમાં સૌથી મોટો હિસ્સો કાચા તેલનો હોવાથી હાલની સ્થિતિમાં કોઈ નાટ્યાત્મક સુધારાની સંભાવના નથી તેમ જણાવી તેમણે આશા વ્યક્ત કરી હતી કે જાહેર પરિવહનનો વ્યાપ વધે તો ઑઇલની આયાત ઓછી થાય અને એ દ્વારા આપણું આયાત બિલ ઘટી શકે. પ્રોફેસર ચરણસિંહની વાત તો સાચી છે અને સરકાર તેમજ આર્થિક નિષ્ણાતો પણ આ વાત જાણે છે, પરંતુ આ ઘણો લાંબાગાળાનો ઉપાય છે એ પણ વાસ્તવિકતા છે.

આ સાથે પ્રારંભમાં કહ્યું તેમ બિનજરૃરી હોય એવી ચીજો જેમ કે, સોનું, ડ્રાયફ્રૂટ, વિદેશી શરાબ સહિત કેટલીક ચીજો જે હાલ મોટા પ્રમાણમાં આયાત થાય છે તેમાં ઘટાડો કરીને પણ આપણા આયાત બિલને નીચું લાવી શકાય અને તો જ છેવટે એક પ્રકારનું સંતુલન ઊભું થાય અને રૃપિયો ગબડતો બચે. પણ જો હકીકતને ધ્યાનમાં લઈએ તો આપણે કે પછી કોઈ એક દેશ આંતરરાષ્ટ્રીય વ્યાપાર સ્થિતિ ઉપર નિયંત્રણ કરી શકતા નથી. જે કોઈ ઉપાય હોય તે જે-તે દેશે પોતાના હિતમાં લેવો પડે. જેમ કે  ‘હ્લૈંૈંર્ં’ના ડી.જી. અજય સહાય કહે છે તેમ સરકાર જો એનઆરઆઈ ડિપોઝિટ ઉપર ધ્યાન આપે તો રોકાણો વધે અને એ રીતે દેશમાં ડૉલર આવે. આ તમામ નિષ્ણાતોનો અંદાજ છે કે આ પગલાં લેવાથી ઓછામાં ઓછા ૧૦થી ૧૫ અબજ ડૉલર દેશમાં આવે તો રૃપિયા ઉપરનું દબાણ હળવું થાય અને પતન ઉપર બ્રેક લાગે. બૉલ સરકારની કોર્ટમાં છે. બૉલ આરબીઆઈની કોર્ટમાં છે. સરકાર આયાત-નિકાસમાં સંતુલનનાં પગલાં લઈને અને આરબીઆઈ વ્યાજદરમાં ફેરફાર કરીને રૃપિયાના પતનનો રિવર્સ ગિયર પાછો લાવશે તેવી આશા.
————————-

Leave A Reply

Your email address will not be published.

Translate »